Opinion Magazine
Number of visits: 9458202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજેન્દ્ર શાહકૃત “ધ્વનિ” વિશે

સુમન શાહ|Opinion - Literature|22 April 2023

રાજેન્દ્ર શાહકૃત “ધ્વનિ” કાવ્યસંગ્રહ વિશે તારીખ ૧૬ ઍપ્રિલે ‘ઓમ કૉમ્યુનિકેશન’ના ઉપક્રમે આપેલું વ્યાખ્યાન લેખ રૂપે.

તમને કદાચ ખબર હશે કે એક પક્ષી ‘વિટુઇ વિટ્ વિટુઇ વિટ્’ ધ્વનિ કરતું ઊડતું હોય છે. એ પક્ષીના સંદર્ભનું રાજેન્દ્રભાઈનું એક કાવ્ય હતું, હાઇકુના કદનું, નાનું કાવ્ય. મેં એ નાનકડા કાવ્યનો દીર્ઘ આસ્વાદ લખેલો ને આપણા કોઈ સામયિકમાં પ્રકાશિત કરેલો, કયા સામયિકમાં, યાદ નથી.

અમે રૂબરૂ મળ્યા ન્હૉતા. કપડવણજ એમનું વતન. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન હું કપડવણજ કૉલેજમાં પ્રૉફેસર હતો. વતનના ઘરે મળવાનું થયેલું. મળ્યા ત્યારે કહે, સુમન, હું તમને મળવા કેટલો આતુર હતો, મેં કહેલું કે હું પણ. ત્યારે પેલા કાવ્યાસ્વાદલેખની પણ વાત થયેલી. એમની દીકરી મારા ક્લાસમાં ભણતી’તી.

મુમ્બઇના ઘરે પણ હું અને જયન્ત પારેખ એક વાર નિરાંતે મળેલા. રાજેન્દ્રભાઈ વાત માંડે પછી તમારે બોલવાનો વારો આવે ખરો પણ સમય એકાદ પ્રશ્ન કરવા જેટલો જ મળ્યો હોય. કહે, કાવ્ય સીધું મારા ચિત્તમાં આવે છે, પછી ઉતારી લેવાનું જ બાકી હોય છે. પ્રાસ, છન્દ કે લય એથી જુદાં નથી હોતાં. 

મોરારિ બાપુની કેન્યામાં રામકથા હતી, ત્યારે અમે સાથે ગયેલા – કહે, સુમન, મારી સાથે રહેજે.

એક વાર, સાહિત્ય અકાદમી, દિલ્હીની ઍડવાઇઝરી બૉર્ડની મીટિન્ગમાં, મુમ્બઇમાં, નિરંજન ભગતનાં કાવ્યોના સમ્પાદનનો મુદ્દો આવેલો. નિરંજનભાઈનાં કાવ્યો, એ સમ્પાદનની અમુકથી અમુક સાલની નિયત મર્યાદામાં બેસે એવાં ન્હૉતાં. એટલે અમારા સૌની ના હતી. પણ સમ્પાદકના મિત્ર મોટાભા હતા તે કહે, નિરંજનનાં કાવ્યો કોઈપણ સમ્પાદનમાં લેવાં જોઈએ. રાજેન્દ્રભાઈએ ધરાર ના પાડેલી, ઘાંટો પાડીને બોલેલા – મારો મિત્ર છે છતાં કહું છું કે એનાં કાવ્યો એ સમ્પાદનમાં ન હોઈ શકે.

એક વાર પૂનામાં કે. શિવરામ કારન્થ, ગુલાદાસ બ્રોકર અને રાજેન્દ્ર શાહના સાન્નિધ્યમાં સાહિત્યની વાતો કરવાની ખૂબ મજા આવેલી.

રાજેન્દ્ર શાહ

૧૯૧૩-૨૦૧૦ = ૯૭ વર્ષનું આયુષ્ય.

ઍમ.ઍસ. યુનિવર્સિટી, વડોદરાથી ફિલૉસૉફી સાથે બી.એ. થયેલા. વડોદરામાં બંગાળી ભાષા પાડોશી પાસેથી શીખેલા.

વેપારધંધામાં ખાસ ફાવટ નહીં આવેલી. અમદાવાદમાં કરિયાણાની દુકાન કરી. પછી મુમ્બઈ ગયા. ત્યાં લાકડાંનો વેપાર કરનારાને ત્યાં નોકરી કરી, ત્યારે થાણાનાં વનવિસ્તારમાં જવા-આવવાનું બહુ બનેલું. એ પછી મુમ્બઇમાં પ્રિન્ટિન્ગ પ્રેસ શરૂ કર્યું – ‘લિપિની પ્રિન્ટરી’. એક દિવસ આગ લાગી. પણ ત્યાં દર રવિવારે કવિમિત્રો મળતા ને સાહિત્યકલાની વાતો થતી. એમના જાણીતા સામયિક ‘કવિલોક’-નો પ્રારમ્ભ ત્યાંથી થયેલો. 

કાવ્યસંગ્રહો અને અનુવાદો મળીને એમનાં ૨૦-૨૫ જેટલાં પુસ્તકો હશે : ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ, ચિત્રણા, ક્ષણ જે ચિરંતન, વિષાદને સાદ, મધ્યમા, ઉદ્ગીતિ, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, પંચપર્વા, કિંજલ્કિની, વિભાવન. વગેરે.

૨૦૦૧-માં એમને દેશનો સર્વોચ્ચ સાહિત્યિક ઍવૉર્ડ ‘જ્ઞાનપીઠ’ – અપાયો હતો. ત્યારે, હિન્દી ‘સહારા સમય’-ના ખબરપત્રીએ એમની મુલાકાત લીધેલી. એ મુલાકાત પછી બકવાસ જેવી ચર્ચા ચાલેલી, એટલે લગી વાત ચગેલી કે – આ ઍવૉર્ડ ખોટી વ્યક્તિને અપાયો છે. કારણ? કારણ એ કે ગોધરા-કાણ્ડ વિશે કવિ તટસ્થ રહેલા. ‘સહારા સમયે’ ઇન્ટ્રો બાંધીને લખેલું -“આખું ગુજરાત જ્યારે કોમી દાવાનળની આગમાં સળગતું હતું ત્યારે કવિ રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ પુરસ્કારની પ્રતીક્ષામાં પ્રેમની કવિતાઓ રચતા હતા.” આથી હલકટ અને મૂર્ખતાભર્યું પત્રકારત્વ મેં આજ દિન લગી જોયું નથી. દુખદાયી આશ્ચર્યની વાત એ છે કે દેશના નામી-અનામી અનેક સાહિત્યકારો એમાં જોડાયેલા, મહાશ્વેતા દેવી પણ. ‘સમકાલીન’ છાપું અને ‘નિરીક્ષક’ પખવાડિક એ બકવાસને આપણે ત્યાં લાવેલા જેથી આપણ સૌ ગુજરાતીઓને એની ખબર પડેલી.

આવું સનસનીખેજ પત્રકારત્વ બાલિશ રાષ્ટ્રભક્તિ દાખવતું હોય છે અને કિન્નાખોરીથી લખતાં ખંચકાતું નથી. એવા સાહિત્યકારો પણ જાગ્રત પ્રજાજન હોવાનો દાવો કરતા હોય છે. પણ એ દાવો જેટલો વાચામાં હોય છે એટલો કદી કર્મમાં હોતો નથી. રેલો નીચે આવે ત્યારે ઉંદરડાની જેમ દરમાં પૅસી જતા હોય છે.

રાજેન્દ્રભાઈ ૧૯૩૦-માં મૅટ્રિકનું ભણવાનું છોડીને દાંડીકૂચમાં જોડાયેલા, અને તે, ૧૭ વર્ષની ઉમ્મરે !  બહુ ઓછાઓને ખબર છે કે આઝાદી પૂર્વે રાષ્ટ્રધ્વજ ફરકાવવા કપડવણજના ટાવરે ચડી ગયેલા અને જુલમી પોલીસ સામે ત્યાંથી ભૂસકો મારેલો ! તેઓ સ્વાતન્ત્ર્ય સૈનિક પણ હતા, કારાવાસ પણ ભોગવેલો.

સર્જકની સમ્પ્રજ્ઞતા, પ્રતિબદ્ધતા કે સમાજાભિમુખતાનાં લેખાંજોખાં ખબરપત્રીઓનાં ગંદાં કાટલાંથી ન જોખાય. કાટલાં ગંદાં એટલા માટે કે મોટાભાગનાં છાપાં સરકારોની કુરનિશ બજાવતાં હોય છે. સર્જકને પામવા એની સૃષ્ટિમાં કાળજીપૂર્વક ઊતરવું પડે. પણ એ બાબતમાં તો સારા કહેવાયેલા સાહિત્યકારો પણ પછાત પુરવાર થાય છે. મારા આ વ્યાખ્યાનમાં હું શરૂમાં જ કહેવાનો છું કે રાજેન્દ્રભાઈની કવિતાનો આપણા ભાવકવર્ગને ખાસ કશો ઊંડો પરિચય નથી; એમના સર્જનાત્મક વિકાસની આપણી પાસે કશી ચૉક્કસ છબિ નથી. મને યાદ નથી કે રાજેન્દ્રભાઈને જ્ઞાનપીઠ અપાયા પછી એમને વિશે કશું નૉંધપાત્ર લખાયું હોય.

આ દુર્ઘટનાની વાત તમને સૌને મેં એટલા માટે કરી કે રાજેન્દ્રસૃષ્ટિમાં પ્રવેશો ત્યારે શુદ્ધ મન-બુદ્ધિથી પ્રવેશજો. આમેય કલાઓ પાસે જઈએ ત્યારે ચિત્ત કોરી પાટી હોવું જોઈએ – ટેબ્યુલા રાસા.

++

મેં એ ‘સહારા સમય’ સંદર્ભે ૨૦૦૩-માં ‘રાજેન્દ્રભાઈની એ મુલાકાત નિમિત્તે’ શીર્ષકથી લેખ કરેલો. એ વર્ષમાં, ‘મૂર્ધન્ય ગુજરાતી-ભારતીય કવિ રાજેન્દ્ર શાહ’ શીર્ષકથી ૧૯ પાનનો લેખ કરેલો. બન્ને લેખ મારા “નિસબતપૂર્વક” (૨૦૧૧) પુસ્તકમાં સંઘરાયા છે. એક વાર એમના ‘શાન્ત કોલાહલ’ કાવ્ય વિશે મારા ‘ખેવના’ સામયિકમાં પરિચર્યા પ્રકાશિત કરેલી, છ-સાત મિત્રોએ એ એક જ કાવ્ય વિશે પોતપોતાના દૃષ્ટિબિન્દુથી રસપ્રદ સમીક્ષાઓ લખેલી. (‘ખેવના’-ના બધા જ અંક હવે “એકત્ર ફાઉન્ડેશન” પર ઑનલાઈન ઉપલબ્ધ છે.)

છતાં, આજે મારે કેટલીક બીજી વાતો કરવી છે. એમની કાવ્યસૃષ્ટિની પાંચેક ઓળખ આપવી છે.

એમનું કાવ્યસર્જન ૧૭ વર્ષની વયે પ્રારમ્ભાયું છે. “ધ્વનિ” પહેલો કાવ્યસંગ્રહ છે, ૧૯૫૧-માં પ્રકાશિત થયો છે – ૩૮ની વયે. ત્યારથી માંડીને ૧૯૮૩ સુધીની ૩૧-૩૨ જેટલાં વર્ષની એમની દીર્ઘ કાવ્યસર્જન યાત્રા છે. ૧૯૮૩ પછી પણ એ યાત્રા અવિરામ ચાલુ રહી છે. ૧૯૮૩માં, સર્વસંગ્રહ ‘સંકલિત કવિતા’ પ્રકાશિત થયો છે. એનાં ૧૦૦૦થી વધુ પૃષ્ઠ પર રાજેન્દ્રશબ્દ અંકિત છે.

મારી ફરિયાદ એ કે એમની સૃષ્ટિનો આપણને ખાસ કશો ઊંડો પરિચય નથી, છતાં, કહું કે એમનાં ‘નિરુદ્દેશે’ ‘આયુષ્યના અવશેષે’ અને ‘શ્રાવણી મધ્યાહ્ને’ કાવ્યોનો સીમિત પરિચય છે ખરો. પરન્તુ એમના મૂલ્યાંકન માટે પણ એ ત્રણ કાવ્યોના જ નિર્દેશો થયા કરે છે. હું એ ત્રણેય કાવ્યની મારી રીતે વાત કરીશ. એમાં હું એમની ગીતસૃષ્ટિને પણ ઉમેરીશ.

પણ આ ક્ષણે હું તમને એમની દીર્ઘ કાવ્યસર્જનયાત્રાની યાદ કરાવી લઉં, જેથી તમે “ધ્વનિ”-થી સંતોષ માનીને અટકી ન જાવ, એટલું જ નહીં, “ધ્વનિ”-ને સારી રીતે જાણી-માણી શકો.

૧ : એમની સૃષ્ટિની પહેલી ઓળખ એ છે કે એ સભરે ભરી છે :

== “ધ્વનિ” પછીનાં નૉંધપાત્ર ઉડ્ડયનો “શ્રુતિ” “શાંત કોલાહલ” “ક્ષણ જે ચિરન્તન” “મધ્યમા” “ઉદ્ગીતિ” “પત્રલેખા” — કવિકર્મનો વિકાસ દર્શાવે છે.

== સૉનેટકાવ્યો : લગબગ બધા સંગ્રહોમાં સૉનેટ કાવ્યો છે. ‘આયુષ્યના અવશેષે’-માં પાંચ સૉનેટ છે. ‘વનખણ્ડ’માં ચાર. ‘રાગિણી’માં ૮.

== કાવ્યમાળાઓ. ‘છલનિર્મલ’, ‘તારું નવ નામ નીલાંજના’, ‘ખાલી ઘર’, ‘પ્રભો’. 

== ‘ઇક્ષણા’ દસ-પંક્તિનાં કાવ્યો.

== ‘પંચપર્વા’ ગઝલરચનાઓ.

== “ખાંયણાં” “વિભાવન” વિલક્ષણ કાવ્યબન્ધ ધરાવતી રચનાઓ છે. 

== “મધ્યમા” “દૈનંદિની” “નિદ્રિત નયને”, ગુચ્છ રચતાં કાવ્યો છે.

== દીર્ઘ કાવ્યો : ‘મારું છે અન્ન’, ‘આજની આ કથા’, ‘પત્ર’, ‘સ્વપ્ન’, ‘ગ્રીષ્માન્ત’ ‘ઐકાન્તિક દિન’, ‘ક્ષણને આધાર’, ‘બોલાવતું હશે કોણ?’ ‘ઉત્કણ્ઠ’.

== પદ્યસંવાદ અને પદ્યનાટક સદૃશ રચનાઓ : “પદ્માવતી” કવિ જયદેવના જીવનના એક પ્રસંગ પર આધારિત છે. અહલ્યા કૈકેયી રેણુકા સત્યા શકુન્તલા પૃથા અને અર્જુન – દરેકને વિષય બનાવતું “પ્રસંગસપ્તક”.

== ગીતસૃષ્ટિ – ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’. ‘આપણા દુ:ખનું કેટલું જોર?’. ‘તને જોઈ જોઈ તો ય તું અજાણી’. ‘ઇંધણાં વીણવા ગૈ’તી મોરી સહિયર’. વગેરે અનેક ગીતરચનાઓ છે અને સુગેયતા ગુણે રસપ્રદ હોવું એ એની લાક્ષણિકતા છે. ઉપરાન્ત, “વનવાસીનાં ગીત”-ની રચનાઓ.

++

હું “ધ્વનિ”-ની વાત કરું :

“ધ્વનિ”માં, કાવ્યો છે, લગભગ એટલાં જ ગીતો છે. એમના ‘નિરુદ્દેશે’ કાવ્યનાં એકથી વધુ સ્વરનિયોજન થયાં છે. સૌ પહેલાં અજિત શેઠે કર્યું, ગાયક હતા, હરિહરન; એ પછી અમર ભટ્ટે સ્વરનિયોજન કર્યું, જાતે જ ગાયું; એ પછી હરિશ્ચન્દ્ર જોશીએ કર્યું, જાતે જ ગાયું.

ઘડીભરના વિરામ માટે, સાંભળીએ : હરિશ્ચન્દ્ર જોશીને સાંભળીએ : (સૌએ સાંભળ્યું હતું.)

“ધ્વનિ”-નાં ગીતો :

— ‘કોઈ સૂરનો સવાર / આવી ઊતર્યો અરવ મારે ઉરને દ્વાર.’ (૧). (સવાર ખરો પણ સૂરનો – કલ્પી જુઓ. ઊતર્યો ક્યાં? એક જાણીતા સ્થાને, ઉરને દ્વાર. પણ અરવ ઊતર્યો છે, કશા અવાજ કે ઘૉંઘાટ વિના. સવાર-દ્વારના પ્રાસ વચ્ચે એના આગમનની ‘અરવ’ રીતિ આપણને વધુ વિચારવાની તક આપે છે.)

— ‘તને જોઈ જોઈ તો ય તું અજાણી’ ગીત (૩) રાજેન્દ્રભાઈનું જ નથી રહ્યું, ગુજરાતી ભાષામાં અને સમાજમાં ભળી ગયું છે, એટલે લગી કે એ ગીત એમનું છે એ વાત જ ભુલાઈ ગઈ છે. વર્જિલે કહેલું કે કવિનામ ભુલાઇ જાય તો એના શબ્દને મહાન સમજવો.

— ‘આપણે એકબીજાના સંગમાં રાજી રાજી / બોલવા ટાણે હોઠ ખૂલે નહિ; નૅણ તો રહે લાજી.’ (૪). (‘રાજી’-‘લાજી’નો પ્રાસ કેટલું બધું સૂચવે છે. નાયક એ સંગમાં રાજી તો છે, પણ બોલવાની ઘડી આવી ત્યારે નૅણ તો લજવાયેલાં રહેલાં. ‘લાજ’ શબ્દ સૂચવે છે કે એ નૅણ નાયિકાનાં હતાં)

— ‘ઇંધણાં વીણવા ગૈતી મોરી સૈયર … ચઇતરનું આભ સાવ સૂનું સૂનું ને તો ય / કંઈથી કોકિલકણ્ઠ બોલે રે લોલ / વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે / દખ્ખણને વાયરે ડોલે રે લોલ. (૬).(ચૈત્ર માસનું આભ સૂનું સૂનું છે તો ય કોકિલકણ્ઠ ! એ વિરોધાભાસ નૉંધો. નવલી બધી જ કૂંપળો કલ્પો. એ કૂંપળો દખ્ખણના વાયરે ડોલે છે. કહેવાયું છે – કવિસમય – છે, કે દક્ષિણ દિશાનો વાયરો પ્રેમીઓનું મિલન સાધી આપે છે. સૈયર ભલે ઇંધણાં વીણવા ગૈતી, પણ એનો સંગાથી ત્યાં આવે એની વાટ જોઈ રહેલી.)

— ‘ત્હારા તે નામનું પ્રાણની વેણુમાં / ગાન ભર્યું અણમૂલ, / બોલ સખી બોલ. એ શું હતી મુઝ ભૂલ?’ (૧૧). (અણમૂલ ભૂલ ફૂલ અનુકૂલ અને ધૂળની સાર્થક પ્રાસરચના જોવા જેવી છે.)

— ‘સુન્દર ! બહુરિ કુટિલ તવ છલના : / પલ રૂપ એક અવર પણ દૂજો / મન કંઈ પામત કલ ના…’ (૧૭). (સૃષ્ટિના કર્તાધર્તાનિયન્તાની રચનાને નાયક છલના કહે છે ને કુટિલ છલના કહે છે એ કેટલું સાચું છે. પળે પળે એનાં રૂપો બદલાય છે અને એ કલ – કળ – અને કળાને પામી શકાતી નથી. કેટલું વાસ્તવશીલ દર્શન છે.)

— ‘અલ્યા મેહુલા ! / મ્હારા ખેતરની વાટમાં વગાડ નહીં પાવો, / ત્હારે કોઈના તે કાળજાનો રાગ નહીં ગાવો.’ (૨૦). (વરસાદ વખતે કાળજાનો રાગ જાગી જાય એ સૌ પ્રેમીજનોનો અનુભવ છે. એ રાગ પ્રિયના વિરહે કરીને વ્યથિત કરી મૂકે એવો હોય. પણ, મેહુલાને નાયકની મીઠી ધમકી એ છે કે વાટમાં પાવો ન વગાડ કેમ કે એથી તો વ્યથા વધી જશે. કેમ કે મિલનસ્થાને પ્હૉંચાયું નહીં હોય.

— ‘વનભૂમિને મારગે રાધા આવતી તળાવ તીરે, / લાલ માટીનું બેડલું ભરી જાય બિલોરી નીરે.’ (૨૫). આ ગીત પણ હું બહુ ગાતો. કપડવણજમાં રત્નાકર માતાના મન્દિર બાજુની માટી લાલ હોય, મેં જોઈ છે.

— ‘હો સાંવર થોરી અખિયનમેં જોબનિયું ઝૂકે લાલ / નાગર સાંવરિયો / મારી ભીંજે ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ …’ (૨૮). (વ્રજ બાજુની કહેણી લાગે, પણ ‘લાલ’ અને ‘મારી’-થી પંક્તિ ગુજરાતી થઈ ગઈ છે. યૌવનને આંખોમાં જોવાની વાત, ચુંદડી ન ભીંજાય એવા રંગની ના પાડે છે કે એમ કરવા કહે છે? પ્રેમની ભાષા કેટલી સાહજિક અને તેથી રસમય બની ગઈ છે.)

— ‘ભાઇ રે, આપણા દુ:ખનું કેટલું જોર? / ન્હાની એવી વાતનો મચવીએ નહિ શોર … સજલ મેઘની શાલપે સોહે ઇન્દ્રધનુષની કોર …’ (૧૫). કહે છે, ‘કોકડું છે પણ એનું ઝીણું વણાય દુકૂલ …’ હું અસ્તિત્વવાદ વિશે કહેતો હોઉં છું, આ જીવન એક ગૂંચ છે. એને ઉકેલી લેવાની છે. રાજેન્દ્રભાઈ એ ગૂંચને કેવાક દેશ્ય શબ્દ કોકડું-થી ઓળખાવે છે. અને ઉકેલવા કે ખોલવાનું કહ્યા વિના જ કહે છે કે એનું ઝીણું વણાય દુકૂલ. વિધાયક અને બહુ જ અર્થસભર પંક્તિ છે.)

‘કાયાના કોટડે બંધાયો / અલખ મ્હારો લાખેણા રંગમાં રંગાયો.’ (૩૯). ઘેરા અન્ધાર કેરી મૂંગી તે શૂન્યતાને માયાને લોક ભરી લીધી. – સૃષ્ટિ સમગ્ર પાછળના હેતુને સૂચવી દીધો છે.

હરિને સમ્બોધીને –

‘હરિ તારા ઘટના મન્દિરિયામાં બૅસણાં હોજી / હરિ ત્હારે ઓરડે અગરુની ઊડે ફૉરમો હોજી.’ (૪૦). (હરિને કેટલી આરતથી સાદ કરે છે ! અગરુની ફૉરમો ઊડતી દેખાય તો એ સુગન્ધ પણ આવે.) 

૨ : એમની સૃષ્ટિની બીજી ઓળખ એ છે કે એમાં કાવ્યનાં ચારેય પરિમાણો એકબીજાં સાથે ઉપકારક ભાવે રસાઈ ગયાં છે. એ ચાર તે કાવ્યવિષય, કાવ્યપ્રકાર, કાવ્યમાધ્યમ, કાવ્યબાની. 

પ્રકૃતિ, પ્રેમ અને અધ્યાત્મ એમની સૃષ્ટિમાં મુખ્ય કાવ્યવિષયો છે : ઋતુઓ, સવાર, મધ્યાહ્ન, સાંજ, યામિની, પુષ્પો, ગ્રામ, સીમ, વન, વગડો : પ્રેમમાં ઝંખના છે, મિલનનું સુખ છે, વિરહની વેદના છે. અધ્યાત્મમાં આરત છે, ઝૂરણ છે, શ્રદ્ધા પણ છે.

એમણે સૉનેટ વગેરે લગભગ બધા જ કાવ્યપ્રકારોમાં સરજ્યું છે. 

છન્દ અને અન્યથા મેળવાતા લય, પરમ્પરિત લયમેળ, લોકગીતોના પણ લય, મુખ્ય કાવ્યમાધ્યમ છે. ‘ખખડતી ને ખોડંગાતી જતી ડમણી..નો હરિણી, વસંતતિલકા, હરિગીત, ઝૂલણા, બંગાળી પયાર છન્દને મળતો આવે એવો મનહર વગેરે છન્દો કેટલીયે રચનાઓનાં સુપાઠ્ય માધ્યમ બન્યા છે. 

તન્દ્રા સ્વપ્ન આનન્દ ઝંખના શૂન્યતા પ્રકાશ ધ્વનિ ગન્ધ સમય અને સ્મૃતિ વગેરે તત્ત્વોને આકારી આપે એવી એમની કાવ્યબાની છે. એથી દૃશ્યો રચાય છે, બધું સેન્દ્રિય થઈ જાય છે, એટલે અનુભવાય છે. અન્ધકારનાં એમણે કેટકેટલાં રૂપ અનુભવ્યાં છે ને સરજ્યાં છે : કાયા વિનાનો છતાં ભારે અન્ધાર (પૃ.૧૬). નિરભ્ર અવકાશનું તિમિર. (પૃ ૧૭). રહસ્યથી ઘન બની ગયેલો અન્ધકાર (પૃ.૧૮). નિબિડ તમસ (૨૧). મેઘ-છાયો અન્ધાર. નિશિગન્ધા થકી મ્હૅકતો મધુર અન્ધકાર (પૃ. ૭૯).

દીર્ઘકાવ્યો છે : ‘આનન્દ શો અમિત’, ‘આપણી બારમાસી’, ‘કણ્ઠ જાણે કારાગાર’, ‘આજે અષાઢની મઝધાર’, ‘જિન્દગી ! જિન્દગી !’, ‘વજન અરણ્ય’, વગેરે. 

સંવાદકાવ્યો છે : ‘શેષ અભિસાર’, ’એક ફલ એવું’, ‘પ્રેમના મન્ત્રનું કૈંક ગુંજન’, ’માયાવિની’. પાત્રો, મોટેભાગે સ્ત્રી અને પુરુષ હોય છે. ‘પ્રાસાનુપ્રાસ’-માં, અશ્રુમતિ અને કવિ પાત્રો છે. ‘સમયની ગતિ…!’-માં, આદિ મધ્ય અધુના પાત્રો છે.

આજે મારે ખાસ કહેવું છે તે એ કે રાજેન્દ્રસૃષ્ટિમાં વિશિષ્ટ અનુભૂતિઓનાં રૂપો છે. એ અનુભૂતિઓ શબ્દ વડે આકાર પામી છે. આકાર પામી છે એટલે એને ભાવક પણ અનુભવે છે. મોટાભાગનાં કાવ્યોમાં, કવિ એમના કાવ્યનાયકનો સ્વાનુભવ આલેખે છે. કેટલાંક દૃષ્ટાન્તો –

== રહસ્યમય છતાં સ્પષ્ટ સ્વાનુભૂતિનાં કેટલાંક કાવ્યો, દીર્ઘ છે, કેમ કે અનુભવની ક્ષણ ક્ષણને આલેખે છે.

— વિધાતાને (૨૩) કહે છે : ‘હજી આ હૈયાનો વ્રણ રુધિરથી છે નીંગળતો, / ત્યહીં ત્હારાં ખારાં દૃગ લવણ કેવું ઉલટથી / ભરે? -એથી છું કૈં વ્યથિત, અનુકમ્પા પણ કશી / વહે ત્હારો ન્યાળી અબલ ઉછળાટે વસવસો !’ પણ અન્તે, ‘વીંઝી રહે તું ત્હારી, ચરમ બલથી વજ્ર ચપલા : / અને જો ગોરમ્ભ્યાં સજલ ઘનની વૃષ્ટિ-રમણા.’ (નાયકને વિધાતાની ક્રૂરતાનો અને એની કૃપાનો અનુભવ મળ્યો છે.)

— ‘આજ અષાઢની માઝમ રાત ને મેઘછાયો અન્ધકાર, / ઊંડી ભરી જાણે અન્તર વેદના / નેવલાં રુએ ચોધાર.’ (વિરહની વેદનાની એક અનોખી અનુભૂતિનું કાવ્ય છે.)

— ‘જિન્દગી જિન્દગી’ એવું જ અનુભતિને આલેખતું કાવ્ય છે – પંક્તિ જ કેટલું કહી જાય છે -‘રાત્રિની અરવ અન્ધારની આરસી / પાસ બેસી મ્હને હું ઘડી ન્યાળતો.’ (રાત છે, કશો રવ, એટલે કે અવાજ નથી, એમાં અન્ધાર છે. પણ નાયકને એ અન્ધાર આરસી લાગે છે. એનો અર્થ શો? એ જ કે એ આત્મદર્પણમાં જાતનું નિરીક્ષણ કરી રહ્યો છે.’ન્યાળવું’ રાજેન્દ્રભાઈને ગમતું ક્રિયાપદ છે.)

—‘વિજન અરણ્યે’. ‘એકાકી હું અહીં? / નહીં.’ પ્રશ્ન કેટલો આધ્યાત્મિક છે. પણ ‘નહીં’-થી એ જ વિધાયકતાને સૂચવી છે. (અને પછી સહ્યાદ્રિનાં ડુંગરોમાં આવેલા દણ્ડકારણ્યની નિરૂપણા કરે છે. એનું એકાકીપણું પ્રકૃતિના સહવાસમાં હળવું થઈ જાય છે.)

— ‘એક સવાર’ – ‘રાત્રિ કેરા ચરમ પ્રહરે જાગીને જ્યાં દુવાર / ખોલ્યાં, ત્યાં મેં સ્તિમિત નમણી શાન્ત ન્યાળી સવાર. (રાત અને સવાર એ બે સ્થિત્યન્તરોનો અનુભવ. સવાર નાયકને સ્તિમિત નમણી અને શાન્ત અનુભાઈ છે.)

વગેરે.

હવે વાત કરું, ‘નિરુદ્દેશે’-ની. 

કાવ્યનાયક અને રાજેન્દ્ર શાહ સ્વયં, સંસારે થયેલા ભ્રમણની નિરૂપણા કરે છે. એ ભ્રમણ મુગ્ધ છે. એમાં કુસુમ છે કોકિલ છે પ્રકૃતિ છે, પ્રેમ છે. ઘેલા કરી મૂકે એવા નિખિલના રંગ છે. તેજછયા છે, વીણા છે, આનન્દસાગર છે. છતાં નાયક જાણીતા કોઈ પન્થે ગયો નથી, ડગ ભરીને એણે આગવી કેડી રચી છે. હું-નો વિલાસ અને અન્તે અવશેષમાં પણ હું. ‘પાંશુ-મલિન’ કે ‘સન્નિવેશ’ શબ્દો રચનાએ ઊભી કરેલી બાનીમાં રસાઈ ગયા છે. 

નૉંધો – ‘ક્યારેક મને આલંગે છે / કુસુમ કેરી ગન્ધ’ / ‘ક્યારેક મને સાદ કરે છે / કોકિલ મધુર કણ્ઠ’

‘નૅણ તો ઘેલાં થાય નિહાળી’ / ‘નિખિલના સહુ રંગ.’

ક્યારેક એવું બધું થાય છે, પણ ભ્રમણ તો નિરુદ્દેશે રહે છે. જીવનને નાયક નિરુદ્દેશે જીવી લેવા ચાહે છે.

પરિણામ? – હું જ રહું વિલસી સહુ સંગ ને / હું જ રહું અવશેષે …

‘શ્રાવણી મધ્યાહ્ને’ —

પણ સ્વાનુભૂતિનું આલેખન કરતું કાવ્ય છે. એને અનુભૂતિની કથા માંડતું પ્રસંગકાવ્ય પણ કહી શકાય.

– ‘તેવું જ મ્હારું સહેજે ઉર સ્પન્દમાન’

– ‘તેવું નચિન્ત મન મ્હારું ન હર્ષ શોક; / ના સ્વપ્ન કોઈ હતું નૅણ મહીં વસ્યું, વા / વીતેલ ત્હૅનીસ્મૃતિનો પણ ડંખ કોક : / મ્હારે ગમા-અણગમાશું હતું કશું ના, / ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.’

-‘મેં કંટકે વિરલ બન્ધુર રૂપ દીઠું !’ 

‘મેં સ્હેલવા મન કરી લીધ વન્ય પન્થ … પછી પન્થ કેવો વગેરે વાત આગળ ચાલે છે. (વાંચવું.)

અનુભૂતિ આ છે : -‘ઘણ્ટારવે યદ્યપિના દીધો રણકાર કીધો / ને તો ય અમલ ગુંજનનો શો પીધો. – કૈલાસનાં પુનિત દર્શન … ધન્ય પર્વ; / ના સ્વપ્ન, જાગ્રતિ, તૂરીય ન તો ય સર્વ.

— કાવ્યબાનીમાં તત્સમ તદ્ભવ અને દેશ્ય શબ્દો સમરસ થઈ ગયા હોય છે. એક-બે દૃષ્ટાન્ત આપું :

’મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત’ પંક્તિમાં ‘મધ્યાહ્ન’ ‘પ્રશાન્ત’ અઘરા લાગે ખરા પણ વચ્ચે ‘વેળ’ છે અને તે ‘અલસ’ પણ છે. બીજી પંક્તિ તો સાવ જ સરળ છે – ‘ધીરે ધીરે લસતૌ ગોકળગાય જેમ’. બપોરી વેળાની ગતિને ગોકળગાયની ગતિ સાથે સરખાવીને ગતિને દૃશ્ય પણ કરી દીધી.

સાવ સરળ પંક્તિ – ‘ભારો ઉતારી શિરથી પથને વિસામે / ન્હાનેરું ગામ શ્રમથી વિરમ્યું  લગાર.’

‘આયુષ્યના અવશેષે’ —

હું સુરેશ જોષીના ‘મૃણાલ’ કાવ્યને ગણું છું એમ રાજેન્દ્ર શાહના આ કાવ્યને પણ ગુજરાતી ભાષાના કાવ્યસાહિત્યનું ઘરેણું ગણું છું. એ વિશે વાત કરવા ઓછામાં ઓછો કલાક જોઇએ. 

આયુષ્યના અવશેષે સ્પષ્ટપણે જનમ-સ્થળ ભણી નીકળેલા નાયકની વિલક્ષણ અનુભૂતિની કથા કહેતું કાવ્ય છે. “ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’ – ખ ડ અને ઇ ઇ-થી ડમણીની ગતિ દૃશ્ય થાય છે. સાવ સુગમ પંક્તિ છે. પછીની પંક્તિઓ પણ એવી દુર્ગમ નથી – ‘વિજન પથને ચીલે ચીલે તમિસ્રમહીં ઘન : / સ્વપનમધુરી નિદ્રાનું તે દૃગોમહીં અંજન / ભરતી, ઘુઘરી ધોરી કેરી મીઠા રણકારથી.’ 

પાંચ સૉનેટમાં એની અનુભૂતિનું ક્રમિક આલેખન થયું છે. ૧ : ઘર ભણી – નાયક પોતાના ઘર ભણી જઈ રહ્યો છે. આયુષ્યની અવધે જનમ-સ્થલની એને ઝાંખી કરવી છે : ૨ : પ્રવેશ – નાયક જુએ છે કે ‘ભર્યું ઘર હતું ત્હેના સૂના રજોમય પ્રાંગણે / લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની. એ પછી, ૩ : સ્વજનોની સ્મૃતિઓ જાગે છે. (વાંચવું). : ૪ : પરિવર્તન દર્શાવે છે અને ૫ : જીવનવિલય દર્શાવે છે – (વાંચવું).

૩ : એમની ચૉથી ઓળખ એ છે કે તેઓ નિતાન્ત કવિ છે અને એમની સર્જકચેતના સ્વકેન્દ્રી અને સ્વકીય છે : 

અ : ગાંધીયુગ પછીનો યુગ આપણા સાહિત્યના ઇતિહાસમાં અનુગાંધી યુગ કહેવાયો છે – વીસમી સદીનો, મોટેભાગે ઉત્તર – ચાળીસી અને પૂર્વ-પચાસીનો સમયગાળો. રાજેન્દ્રભાઈનો કવિ તરીકેનો નૉંધપાત્ર પ્રવેશ એ સમયગાળામાં થયો છે, પણ એમને એવા કોઈ યુગવિશેષના પ્રતિનિધિ કવિ કહેવાનું બેસતું નથી. 

બ : એમનું કાવ્યસર્જન, ચાલ, મહાકાવ્ય કરું કે લાવ, હવે પદ્યનાટક રચું – પ્રકારના જાતે ઊભા કરેલા સર્જક-સંકલ્પોથી પણ નથી લાગતું કે દોરવાયું હોય.

ક : નવલકથા, વિવેચન, નાટક, નિબન્ધ વગેરે લખીને કશા બહુ પાસાદાર સાહિત્યકાર થવાનું પણ એમણે કદી વિચાર્યું લાગતું નથી.

ડ : બીજા સાહિત્યકારોએ આદરેલી કશી સમાન શોધ-પરિશોધમાં પણ જોડાયા નથી. જેમ કે, પણ્ડિતયુગીન રંગદર્શી આદર્શવાદને સ્થાને ગાંધીયુગીન વાસ્તવવાદને નથી અનુસર્યા. બ.ક.ઠા.એ  રજૂ કરેલી અગેય પ્રવાહી પદ્યની વિભાવનાને નથી અનુસર્યા.

ઇ : ઉમાશંકર-કથિત અને ગતાનુગતિક વિવેચનાએ ફુલાવેલી સૌન્દર્યલક્ષીતા-વિભાવના અનુસારના સર્જનની એમણે કશી અલગ સાધના નથી કરી. 

ફ : છન્દોલય કે રૂપનિર્મિતિ જેવા કોઈ સાહિત્યિક મૂલ્યને વળગી પડવાનું ય નથી કર્યું.

ગ : પ્રતિબદ્ધતા કે સમાજાભિમુખતા જેવાં સાહિત્યકારને પ્રમાણવા માટેનાં ધોરણોથી એમની સૃષ્ટિને માપી નહીં શકાય, કેમ કે, એમનામાં એવી ઉઘાડી, બોલકી, સમ્પ્રજ્ઞતા નથી વરતાતી. 

ઘ :

તો સામે છેડે જઈને તેઓ કલાવાદને વળગી પડ્યા હોય એવું પણ નથી.

તાત્પર્ય, કાવ્યસર્જન રાજેન્દ્રભાઈ માટે હમેશાં આત્મસ્ફુરણાનો વિષય વધારે રહ્યું છે. 

પણ પ્રશ્ન થાય કે નજીકની કે દૂરની પરમ્પરાનું શું કશું જ નથી એમની સૃષ્ટિમાં? ખરી વાત એ છે કે ભૂતકાળની અનેક કાવ્યપરમ્પરાઓનું સત્ત્વ આવા કોઈ કવિની ચેતનાના માધ્યમે કરીને નિસ્યન્દન પામતું હોય, થોડોક જાણે વિરામ લેતું હોય, અને તેથી તે કવિ એના દેશકાળમાં જુદો લાગતો હોય બલકે અનુકરણીય લાગતો હોય, વૈયક્તિક સર્જકતા અને પરમ્પરાનો એવો યોગ ઇતિહાસમાં સુચિહ્ન ગણાવો જોઈએ. 

મને રાજેન્દ્રભાઈમાં એવું નિસ્યન્દન, એવો વિરામ અને જુદાપણાને વરેલી અનનુકરણીય સત્તા ઠીકઠીક વરતાયાં છે. એમની સૃષ્ટિ એક તરફથી, ભૂતકાલીન પરમ્પરાના અનેકવિધ સત્ત્વનું નિસ્યન્દન ચીંધે છે, તો બીજી તરફથી, ચાલુ પરમ્પરાનો વિલય ચીંધે છે. રાજેન્દ્રભાઈની કવિતા મને એવા વિરોધાભાસી સત્યથી અનુપ્રાણિત લાગી છે

૪ : પાંચમી ઓળખ એ છે કે તેઓ આનન્દ અને સૌન્દર્યના કવિ છે. તેમછતાં, એમની સર્જકતા જીવનદ્રોહી નથી કે એ સર્જકતા કશુંક ઉપરછલ્લું રોમૅન્ટિસિઝમ પણ નથી. એ સ્વરૂપની કાવ્યધારા તો આદિ કવિ વાલ્મીકિથી પ્રભવી છે. કાલિદાસ અને રવીન્દ્રનાથમાં એનાં અવાન્તર સ્વરૂપો જોવા મળે છે. ગુજરાતીમાં રાજેન્દ્ર શાહ અને સુરેશ જોષી એ ધારાના શબ્દસર્જકો છે. એ ધારા વાણીવિલાસ નથી, એ ધારા નિરાધાર નથી. એ છે શોકથી સરજાયેલા શ્લોકની અપ્રતિમ સૃષ્ટિ. એ આનન્દ અને સૌન્દર્ય મનુષ્યજીવનની વિષમતાઓ અને અસંગતિઓના જાત-અનુભવ પછી કવિને પોતાની સર્જકતાએ કરીને લાધ્યાં હોય છે. જીવનની ચોપાસ બધું કદર્ય જ કદર્ય છે. કદર્યનું સૌન્દર્યમાં રૂપાન્તર થાય છે, આ ધારામાં. 

વિશેષ શું ! આભાર.

(04 / 16 / 23 : Ahmedabad)

 = = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 April 2023 Vipool Kalyani
← હરિગીત
એક કબાટની માયા લાગી રે  →

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved