સફળતામાં પણ દિલ તૂટે છે, નિષ્ફળતામાં પણ; કેમ કે બંને વખતે તમે એકલા હો છો. એન આર્ટિસ્ટ ઈઝ અ હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ. પણ એક દિવસ સમજાય છે કે હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ હોવું એનો પણ એક અર્થ છે. કલ ખેલ મેં હમ હો ન હો – આપણે હોઈએ કે નહીં, જિંદગી ચાલતી રહે છે એ ઘટના સમજવા જેવી છે.
— રાજ કપૂર

રાજ કપૂર
‘ફિલ્મ ઈઝ માય લાઈફ, માય સોલ, માય એક્ઝિસ્ટન્સ. ફિલ્મો ન બનવતો હોત તો હું આ સુંદર વિશ્વને આ રીતે જોઈ ન શક્યો હોત. આઈ લવ ફિલ્મ્સ.’ દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મળ્યો ત્યારે લેવાયેલા એક ઈન્ટરવ્યૂમાં ભારતના ગ્રેટેસ્ટ શો મેન, વન એન્ડ ઓનલી રાજ કપૂરે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. રાજ કપૂરની હસ્તી એક દંતકથારૂપ બની ગઈ છે. આજે રાજ કપૂર નથી, એનો આર.કે. સ્ટુડિયો નથી, એનો બંગલો નથી. ચાહકોના અંતરના ખાલી થઈ ગયેલા એક ખૂણાની શૂન્યતાને ભરવાની કોઈની તાકાત નથી.
ડિસેમ્બર મહિનામાં રાજ કપૂર અને દિલીપકુમારનો જન્મદિન છે અને દેવ આનંદની પુણ્યતિથિ. ખુશ કિસ્મત હતા ફિલ્મોના સુવર્ણયુગના એ પ્રેક્ષકો, જેમણે રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા ત્રણ દિગ્ગજ કલાકારોની યુવાનીની ફિલ્મો માણી હતી. તે વખતે ટી.વી.-મોબાઈલ ન હતા. ફિલ્મો મુંબઈમાં રિલિઝ થાય એ પછી ધીરે ધીરે દેશના જુદા જુદા ભાગોમાં પહોંચતી. દેશ નવો નવો સ્વતંત્ર થયો હતો. પ્રેક્ષકોનું સ્વપ્નશીલ, મુગ્ધ માનસ નવા પ્રવાહો માટે તૈયાર થતું આવતું હતું. લોકોના મન પર અસર કરવાની ફિલ્મોની તાકાતને સમજતા ફિલ્મસર્જકો માનવમૂલ્યોને ધ્યાનમાં રાખી સ્વચ્છ મનોરંજન આપતી, મોટેભાગે રોમેન્ટિક-સંગીતમય ફિલ્મો બનાવતા. 40ના દાયકામાં, ઉંમરમાં લગભગ સરખા આ ત્રણે ક્લાકારોએ સંઘર્ષ કર્યો, આગવી શૈલી વિકસાવી, સફળતાનાં શિખરો સર કર્યાં અને સ્પર્ધાને તંદુરસ્ત રાખી મૈત્રીપૂર્ણ સંબંધો કેળવ્યા.
23માં વર્ષે ‘આગ’ ફિલ્મ બનાવી રજ કપૂર સૌથી નાની ઉંમરનો ફિલ્મસર્જક બન્યો. ‘આગ’ કલાત્મક ફિલ્મ હતી, પણ ચાલી નહીં. પ્રેક્ષકોની નાડ પારખી પછીના વર્ષે તેણે રોમેન્ટિક મ્યુઝિકલ ‘બરસાત’ બનાવી. એ જમાનામાં એ ફિલ્મ 1 કરોડ(આજના લગભગ 100 કરોડ – ત્યારે સોનાનો ભાવ 100 રૂપિયા હતો)થી વધુ કમાઈ. બધા પૈસા રોકી તેણે ચેમ્બુરમાં આર.કે. સ્ટુડિયો ઊભો કર્યો. મહેબૂબ ખાનની ‘અંદાઝ’ પણ એ જ વર્ષે આવી. નરગિસ-રાજકપૂરની જોડી ઓનસ્ક્રીન-ઑફસ્ક્રીન બંને રીતે જામી ગઈ હતી.
‘આવારા’થી તેની ફિલ્મો નવી સામાજિક વિભાવનાઓથી મુખોમુખ થઈ. ‘આવારા’ના સામાજિક પરિસ્થિતિના શિકાર નાયકે પ્રેક્ષકોને ભારતીય ચેપ્લિન આપ્યો. ‘આવારા’ પહેલી ભારતીય ફિલ્મ હતી જેણે વૈશ્વિક અસર ઊભી કરી. 1954માં રાજ-નરગિસ રશિયા ગયાં અને અભૂતપૂર્વ સત્કાર પામ્યાં. ‘આવારા હૂં’ વિશ્વની ડઝનેક ભાષાઓમાં અનૂદિત થયું. રાજ કપૂરનાં રોમેન્ટિસિઝમ, સ્વપ્નશીલતા, માનવપ્રેમ અને સર્જનાત્મકતા એમનાં ગીતોમાં આબાદ ઝીલાયાં છે. ‘જીના ઈસીકા નામ હૈ’, ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘જીના યહાં’ કે ‘યે રાત ભીગી ભીગી’ કોણ ભૂલી શકે? ‘મારાં ગીતો પહેલાં મારામાં જન્મ લે છે.’ રાજ કપૂર કહેતા. મુકેશ તેમનો ‘વૉઈસ’ હતો અને ઍકૉર્ડિયન પ્રિય વાદ્ય. સંગીતના શોખીન રાજ કપૂરે પડદા પર ડફ (દિલ કા હાલ સુને દિલવાલા), વાયૉલિન (મુઝે કિસીસે પ્યાર હો ગયા), પિયાનો (મૈં દિલ હૂં એક અરમાનભરા), પિયાનો ઍકૉર્ડિયન (હર દિલ જો પ્યાર કરેગા), સારંગી (આંસુભરી હૈ), બેગપાઈપર (તેરે મન કી ગંગા), ટમ્બોરિન (કહતા હૈ જોકર), પેની વ્હીસલ (પ્યાર હુઆ ઈકરાર હુઆ), ફ્લૂટ (સુન બૈરી બલમ), ઢોલક (યે તો કહો કૌન હો તુમ), ટ્રમ્પેટ (મુડ મુડ કે ના દેખ) જેવાં વાદ્યો મસ્તીથી વગાડ્યાં છે.
એમની પ્રિય આર.કે. ફિલ્મ કઈ? રાજ કપૂરે કહ્યું છે, ‘મા સાત સંતાનોને જન્મ આપે ને પાળીપોષી મોટાં કરે, પણ એમની કિસ્મત તો ન લખી આપી શકે. બધી ફિલ્મો મારી જ હતી, પણ કોઈ બહુ ચાલી, કોઈ ન ચાલી. જો ચલતી હૈ, આગે બઢ જાતી હૈ. જો નહીં ચલતી, વહ દિલ કે કરીબ આ જાતી હૈ. જાગતે રહો, મેરા નામ જોકર ઐસી ફિલ્મેં હૈં.’
અને પ્રિય દૃશ્ય? ‘મેરા નામ જોકર ફિલ્મમાં સરકસના ભાગ રૂપે થોડા ડૉક્ટર એક જોકરનું હૃદય કાઢી લે છે. જોકર અભિનય કરતો પૂછે છે, “હેવ યુ સીન માય હાર્ટ?” પ્રેક્ષકોમાં તેણે ચાહેલી ને ગુમાવેલી ત્રણ સ્ત્રીઓ સીમી, પદ્મિની અને સાન્યા રિયાબિન્કિના છે. ચહેરા પર હાસ્યનું ચીતરામણ અને આંખોમાં ભીનાશ લઈ એ પૂછે છે, “હેઝ એનીબડી સીન માય હાર્ટ?” આ મારું પ્રિય દૃશ્ય છે.’
એની પ્રિય વિમેન ઈન વ્હાઈટમાં શિરમોર હતી નરગિસ. રાજ અને નરગિસની જોડી અફલાતૂન હતી. દસ વર્ષ અને અઢાર ફિલ્મો – નરગિસનું શ્રેષ્ઠ રાજ કપૂરે કાઢ્યું, નરગિસે પણ રાજની ફિલ્મોને, એની સર્જનાત્મકતાને શ્રેષ્ઠત્વ આપ્યું. ‘નરગિસ મારા અસ્તિત્વની ઊર્જા હતી; મારી સર્જનાત્મકતાનો પ્રાણ હતી, પણ મેં એક સીમા બાંધી હતી. માય એકટ્રેસ ઈઝ નોટ માય વાઈફ, માય વાઈફ ઈઝ નોટ માય એકટ્રેસ. કોઈએ કોઈને છેતર્યા નથી, કોઈ કોઈનો લાભ લઈ ગયું નથી. જે જ્યાં હતું, શ્રેષ્ઠ જ હતું,’ ‘જાગતે રહો’ ફિલ્મનું ઠોકરો ખાઈ શ્રમિત થયેલા, તરસ્યા રાજ કપૂરને પાણી પાતી નરગિસનું દૃશ્ય, રાજે નરગિસને આપેલી અંજલિ હતી. એમાં રાજ-નરગિસની કહાણીનો અર્ક હતો. પણ એ દૃશ્યથી માત્ર ફિલ્મનો નહીં, એક સંબંધનો, એક યુગનો અંત આવ્યો હતો. પછી નવી ફિલ્મો આવી, નવી હીરોઈનો આવી, પણ રાજ કપૂર જેનો આશક હતો, જેને દરેક કલાનું મૂળભૂત સત્ય કહેતો તે ‘આર્ટિસ્ટીક ઈરોટિઝમ’માંથી ત્યાર પછી ગ્રેસની બાદબાકી થઈ ગઈ.
રાજ કપૂર અત્યંત મૌલિક હતા. જીવન હોય કે ફિલ્મો, પોતાનો માર્ગ પોતે કંડારી એ એની ઉપર દમામથી ચાલ્યા. પ્રાપ્તિ હોય કે વિફળતા, દબદબાથી જીવ્યા. સૌથી ઘેરાયેલા છતાં એકલા અને એકલા છતાં ભર્યા ભર્યા રહ્યા. અનેક પ્રિય વ્યક્તિઓને વળાવી – માતાપિતા, મુકેશ, નરગિસ, શૈલેન્દ્ર, જયકિશન. કહેતા, ‘એવા લોકો નથી, જે ન હોવા છતાં હોય છે? પણ એક વૅક્યુમ રહી જાય છે. આ એક કિંમત છે જે કલાકાર ચૂકવે છે. એની પીડા જુદી છે, એનો પ્રેમ જુદો છે. એની નિર્ભયતા જુદી છે.’ ‘મારે જે બનવું હતું તે હું બની શક્યો નથી. પણ તેની નજીક પહોંચ્યો છું એમ કહી શકું. હું સ્વપ્નોથી સભર છું. જિંદગીના અંતથી ડરતો નથી.’ ‘સફળતામાં પણ દિલ તૂટે છે, નિષ્ફળતામાં પણ; કેમ કે બંને વખતે તમે એકલા હો છો. એન આર્ટિસ્ટ ઈઝ અ હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ. પણ એક દિવસ સમજાય છે કે હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ હોવું એનો પણ એક અર્થ છે. કલ ખેલ મેં હમ હો ન હો – આપણે હોઈએ કે નહીં, જિંદગી ચાલતી રહે છે એ ઘટના સમજવા જેવી છે.’ સીમી ગરેવાલે દૂરદર્શન માટે રાજ કપૂર પર એક સુંદર ફિલ્મ બનાવી છે.
અનેક સન્માનો અને અવૉર્ડ રાજ કપૂરથી શોભ્યાં. આમ આદમી રાજ કપૂરમાં પોતાને, પોતાના સ્વપ્નોને જોતો. ‘આવારા’, ‘બરસાત’, ‘બૂટપૉલિશ’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’ હોય કે પછીની ‘મેરા નામ જોકર’, ‘પ્રેમરોગ’ કે ‘રામ તેરી ગંગા મૈલી’ એમની ફિલ્મોએ હિંદી સિનેમાને નવા આયામ આપ્યા.
દાદાસાહેબ ફાળકે અવૉર્ડ લીધો ત્યારે તેમની તબિયત ખૂબ ખરાબ હતી. એ વખતે એમણે કહેલું, ‘આ અવૉર્ડ મારા પિતાને મરણોત્તર મળેલો. તેમના વતી મેં સ્વીકાર્યો હતો. આજે બીજી વાર સ્વીકારીશ. આ સદ્દભાગ્યનો અધિકારી ફક્ત હું નથી. મારા સંગીસાથીઓનાં પરિશ્રમ અને ચેતના થકી જ આ શક્ય બન્યું છે. હું તો એમનો પ્રતિનિધિમાત્ર છું. જે આ દુનિયામાં છે, જે નથી, એ સૌ સાથીઓનો હું ઋણી છું. મિત્ર શૈલેન્દ્રના શબ્દો યાદ કરું છું, બહુત દિયા દેનેવાલેને તુઝકો, આંચલ હી ન સમાયે તો ક્યા કીજે.’ રાજ કપૂરનો જન્મદિન અને શૈલેન્દ્રની પુણ્યતિથિ એક જ દિવસે છે …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ડિસેમ્બર 2023