Opinion Magazine
Number of visits: 9507889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધી માટે કોંગ્રેસનું પ્રમુખ પદ કાંટાળી કેડી અને મસમોટા પડકાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 December 2017

આજે ગુજરાત વિધાનસભાની બાકીની ૯૮ બેઠકો માટે મતદાન થશે. તે સાથે ગુજરાતના મતદારો આગામી પાંચ વરસ માટે ક્યા પક્ષની સરકાર બનાવવી તે નક્કી કરશે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની જવાબદારી રાહુલ ગાંધીના શિરે હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં જ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા છે. એટલે ગુજરાતનાં પરિણામો રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે પણ ફેંસલો કરનારા હશે.

છેલ્લાં ૧૯ વરસોથી કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળનારાં, તેમના માતા સોનિયા ગાંધી પાસેથી, ૪૭ વરસના રાહુલ ગાંધી પ્રમુખ પદ સ્વીકારશે. રાહુલ ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવા સાથે ગાંધી નહેરુ ખાનદાનની પાંચમી પેઢીના છઠ્ઠા સદસ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે. તેના કારણે કોંગ્રેસનો વંશવાદ અને ગાંધી નહેરુ પરિવાર પરનું કોંગ્રેસનું અવલંબન વધુ એક વાર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસની સ્થાપનાના ૩૪ વરસો પછી મોતીલાલ નહેરુ તેના પ્રમુખ બન્યા હતા. આજે ૧૩૨ વરસની કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી બન્યા છે.

રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી અને તેમના બાળકો રાજકારણથી અળગા રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ રસાતળમાં જઈ રહી હતી ત્યારે ૧૯૯૮માં સોનિયા ગાંધીએ તેનું સુકાન હાથમાં લીધું હતું. ઓગણીસ વરસના પોતાનાં કાર્યકાળમાં તેમણે કોંગ્રેસને બે વાર કેન્દ્રમાં સત્તા અપાવી . એ જ સોનિયા ગાંધીના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ પૂર્વે ક્યારે ય નહોતી એટલી કમજોર સાબિત થઈ છે, ત્યારે તેમના પુત્ર રાહુલને કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળવાનું થયું છે. લોકસભામાં આજે કોંગ્રેસના ૪૪ જ સભ્યો છે, દેશના ૪,૦૦૦ કરતાં વધુ વિધાનસભ્યોમાં કોંગ્રેસના ૭૬૬ જ છે અને કર્ણાટક ,પંજાબ જેવા બે મોટા રાજ્યોના અપવાદ  સાથે ૨૯માંથી ૮ જ રાજ્યોમાં કોંગ્રેસની રાજવટ છે. આવી વિકટ સ્થિતિમાં ભારે પડકારો સાથે રાહુલ ગાંધીનું કોંગ્રેસ પ્રમુખ બનવું ભારે હિંમત માંગી લે છે.

૨૦૦૪માં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી લોકસભામાં પ્રવેશ કર્યો હતો. ૨૦૦૭માં તેઓ પક્ષના મહાસચિવ બન્યા હતા, ૨૦૧૩માં ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ બન્યા છે. આમ ક્રમશ: છતાં કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીનો આ એકધારો ઝડપી ઉદય તેઓ નહેરુ ગાંધીના વંશજ હોવાના કારણે જ શક્ય બન્યો છે, તે દીવા જેવું સ્પષ્ટ છે. જો કે રાહુલ વંશવાદને ન માત્ર ભારતના રાજકારણની, એકંદર તમામ ક્ષેત્રોની સમસ્યા માને છે. તેઓ અખિલેશ યાદવ, અનુરાગ ઠાકુરનું જ નહીં મુકેશ-અનિલ અંબાણી અને અભિષેક બચ્ચનનું પણ ઉદાહરણ આપી કહે છે, ‘આપણા દેશમાં બધું આમ જ ચાલે છે.’

કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળવાની થઈ છે તે પૂર્વે રાહુલ ગાંધીએ દીર્ઘ સમય સુધી કોંગ્રેસની સત્તા જ જોઈ છે. એક આક્રમક અને સમજદાર વિપક્ષની ભૂમિકા ભજવવાની અને પોતાના પક્ષને સત્તા અપાવવાની કામગીરી હવે તેમણે બજાવવાની છે. રાહુલ ગાંધી વચમાં વચમાં લાંબો ટૂંકો-અવકાશ લઈને જે રાજનીતિ કરતા રહ્યા હતા તેનાથી તેમની નિરંતર સક્રિયતા જોવા મળતી નહોતી. તેઓ કમને રાજકારણમાં જોતરાયેલા (રિપીટ જોતરાયેલા) જ વધુ લાગતા હતા. અનેક મહત્ત્વના પ્રસંગોએ તેમની હાજરી અનિવાર્ય હતી ત્યારે જ તેઓ ગાયબ થઈ જતા હતા. એમની આવી રાજનીતિને કારણે જ શાયદ ઈતિહાસવિદ્દ રામચંદ્ર ગુહાએ તો એમને રાજકારણ છોડી ઘરસંસાર વસાવી લેવાની સલાહ આપવી પડેલી !

કેન્દ્રમાં બી.જે.પી. સત્તામાં આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રાહુલ ગાંધીએ સતત અને આક્રમક રાજનીતિ અખત્યાર કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં તેમના તાજેતરના વ્યાખ્યાનો, સંસદમાં અને સંસદ બહાર બી.જે.પી. વિરોધી કાર્યક્રમો અને હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીની ભૂમિકા તેમને પૂર્ણ સમયના રાજકારણી બનાવી રહી છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ જેવા રાજકારણના બહુ મોટા અને વસમા ખેલાડીઓ સામે તેમણે ગુજરાતમાં શાલીનતા સાથે આક્રમક નહીં તો આકરા સવાલો સાથે કામ લીધું છે. ગુજરાતની વર્તમાન ચૂંટણી રાહુલ ગાંધી માટે બહુ મહત્ત્વની બની રહી છે. કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ગણાતા આદિવાસીઓ, દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની બહુ ફિકર કર્યા સિવાય રાહુલે ઠેરઠેર મંદિરોમાં જઈને નરમ હિંદુત્વનો રાહ લીધો. ગુજરાતના જન આંદોલનોની યુવા ત્રિપુટીને સાથે રાખી, કોંગ્રેસે તેના ઇતિહાસમાં પહેલીવાર જિગ્નેશ મેવાણીને પોતાની સલામત એવી વડગામ અનામત બેઠક અપક્ષ ઉમેદવાર તરીકે લડવા આપી કે વડોદરાની એક સામાન્ય બેઠક પરથી દલિત ઉમેદવાર નરેન્દ્ર રાવતને ઉમેદવાર બનાવ્યા, પાટીદાર  અનામત માટે (કમ સે કમ અત્યારે) સંતોષકારક ફોર્મુલા ઘડી, તો અગાઉના પોતાના ગઠબંધન સાથી એવા એન.સી.પી. સાથે ગુજરાત ચૂંટણીમાં ગઠબંધન ન કર્યું, છોટુભાઈ વસાવા સાથે ગઠબંધન કરી તેમના માટે બેઠકો છોડી, શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થક ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા દીધી – આ બધી બાબતો રાહુલ ગાંધીના વિચારો મુજબની કોંગ્રેસના અને કોંગ્રેસના રાજકારણમાં આવી રહેલા પરિવર્તનોના દ્યોતક છે.

રાહુલ ગાંધીએ આવનારા દિવસોમાં હજુ વધુ મોટા પડકારોનો સામનો કરવાનો આવવાનો છે. ગુજરાત અને હિમાચલના પરિણામોથી તેનો આરંભ થશે. દરબારી અને હાઈકમાન્ડકેન્દ્રી કોંગ્રેસી રાજકારણથી છૂટકારો મેળવવો રાહુલ માટે જરા ય આસાન નથી. નેતાઓથી ઉભરાતા અને કાર્યકરો વગરના કોંગ્રેસ પક્ષમાં સંગઠનને નામે સાવ મીંડુ છે. એમાં સંઘ પરિવાર અને ભા.જ.પ. જેવા બળુકા રાજકીય હરીફો સાથે રાહુલનો પનારો પડ્યો છે. રાજકીય નેતાઓની ભા.જ.પ.-કોંગ્રેસમાં અદલાબદલી જે રીતે થઈ રહી છે તેનાથી તે બે પક્ષો વચ્ચેની રાજકીય વિચારધારાનું જુદાપણું પારખવું બહુ મુશ્કેલ છે. રાહુલ ગાંધીએ યુપીએ સરકાર વખતે સજા પામેલા રાજકારણીઓને ચૂંટણી લડતા રોકવા અંગેના કાયદામાં સુધારા સંબંધી વિધેયકના જાહેરમાં લીરેલીરા કરી પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. પણ બિહારમાં નીતિશ કુમારે ભા.જ.પ.નો સાથ લીધા પછી હવે તેમણે લાલુપ્રસાદ યાદવને સાથે રાખ્યા છે. આ વિરોધાભાસ સાથે તેમણે સમાન વિચારો ધરાવતા પક્ષોને સાથે રાખી જોડાણની રાજનીતિ કરવાની છે. કોંગ્રેસ એકલા હાથે સત્તા મેળવી શકે કે બી.જે.પી.ને રોકી શકે તેમ નથી ત્યારે પોતાના સાથીઓની પસંદગી અને નેતૃત્વ માટેની બાંધછોડ તેમની કસોટી કરનાર બની રહેશે.

રાહુલ ગાંધીની મોદી સરકાર માટેની પ્રિય ટીકા તો તે ઉદ્યોગપતિઓની સૂટબૂટની સરકારની છે. આમ કહી ને તે લોકોની તાળીઓ અને મીડિયા કવરેજ તો મેળવી લે છે પણ તેમનું કોઈ વૈકલ્પિક આર્થિક દર્શન જોવા મળતું નથી. તેમના દાદી ઇંદિરા ગાંધી ‘ગરીબી હઠાવો”ના નારે વરસો સુધી ચૂંટણી વૈતરણી તરતાં રહ્યાં હતાં. પણ રાહુલ તો ગરીબીને માનસિક અવસ્થા ગણે છે. વળી પાછા  રોજગારવિહીન આર્થિક વિકાસનો કશો અર્થ નથી એમ તો કહે છે પણ રોજગાર સર્જન માટેની આર્થિક વિચારધારા કે કોઈ યોજના જાહેર કરતા નથી. રાજકીય આઝાદી તો મળી છે પણ સામાજિક-આર્થિક આઝાદી વિશેનું રાહુલ ગાંધીનું દર્શન પણ જાણવું બાકી છે.

હત્યાના ત્રણેક દિવસ પહેલાં (૨૭મી જાન્યુઆરી ૧૯૪૮) ગાંધીજીએ ‘કોંગ્રેસના સ્થાન’ અંગે લખેલું “કોંગ્રેસ સત્તા કબજે કરવાના બેહુદા ઝઘડામાં સંડોવાશે તો એક દિવસ તેને એકાએક ભાન થશે કે તેની હસ્તી ભૂંસાઈ ગઈ છે.” અમિત શાહના કોંગ્રેસમુક્ત ભારતના નારાને રાહુલ જરૂર ખોટો ઠેરવે, પણ ગાંધીજીની ‘સત્તા માટેના બેહુદા ઝઘડા’ની વાત કાળજે ધરી રાખે, તેમાં તેમના કોંગ્રેસ પ્રમુખપણાની સાર્થકતા હશે. આખરે મા સોનિયા ગાંધીએ તો તેમને ઉપાધ્યક્ષ બનતી વેળાએ જ સત્તા ઝેર હોવાની શિખામણ આપી જ હતીને ?

e.mail : maheriyachandu@gmail

Loading

14 December 2017 admin
← Now is the time for a transformational move
In Defence Of My Dinner That Has Enraged Modi →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved