રઘુવીર ચૌધરી તેમને જ્ઞાનપીઠ સન્માન મળ્યું તે પહેલાથી મારા પ્રિય ગુજરાતી લેખકોમાંના એક છે. મેઘાણી, ઉમાશંકર, દર્શક, સ્વામી આનંદ, હિમાંશી શેલત, સરૂપ ધ્રુવ, રમેશ પારેખ, સૌમ્ય જોશી પણ મને ઘણાં ગમે છે. આ બધાંને મેં પૂરાં તો નહીં પણ ઠીક ઠીક વાંચ્યાં છે, વિવેચક ન હોવાથી માણ્યાં પણ છે. કેટલાક વિવેચકો કરે છે તેમ મરાઠી અને ખાસ કરીને અંગ્રેજી લેખકોની આવી યાદી આપીને કેટલાક વાચકોને ઇમ્પ્રેસ પણ કરી શકું.
પાઠ્યપુસ્તકમાંના રઘુવીર બીજા અનેક લેખકોની જેમ ભૂલાઈ ગયા છે. તેમને કંઈક સભાનતાથી સહુથી પહેલા વાંચ્યા તે ૧૯૯૧માં. એ વખતે હું માણસાની આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અવારનવાર લખનાર તરીકે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને અંજલિ રૂપે કંઈક લખવું હતું. ગુજરાતીના એ જમાનાના એક અધ્યાપકે રઘુવીર ચૌધરીનું ‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) સૂચવ્યું. વ્યક્તિચિત્રોનો એ સંગ્રહ ઘણે હિસ્સે ભવ્ય લાગે છે. પછી તો યશવંત શુક્લ, દર્શક, બચુભાઈ રાવત, ઉમાશંકર વગેરે વિશે પ્રસંગે પ્રસંગે ક્યારેક પહેલા અંગ્રેજીમાં અને પછી ગુજરાતીમાં લખવાનું બન્યું, અને લગભગ દરેક વખતે આ પુસ્તક મહત્ત્વનું લાગ્યું છે.
કોઈપણ સમયના પ્રમુખ સર્જકની એક વિશેષતા એ છે કે તેની કૃતિઓ પાસે સર્જન પાસે આપણે વારંવાર જવું પડતું હોય છે – આનંદ માટે તો ખરું, પણ આપણા સમયના આકલન માટે પણ! મેઘાણી, ઉમાશંકર, દર્શક, પુ.લ. દેશપાંડે, કર્નાડ, થોડાક પાછળ જઉં તો ઑરવેલ જેવા કેટલાક સાહિત્યકારોની બાબતમાં મારે આવું થયું છે. તેમાં રઘુવીર પણ છે તેની વાત આવતી જશે .
માણસામાં હું હતો તે ૧૯૯૩ સુધીના ત્રણ રમણીય વર્ષો દરમિયાન એ જ ભૂમિની ‘ઉપરવાસ’ (૧૯૭૫) કથાત્રયી વાંચવાનો રોમાન્સ હજુ યાદ છે. લેખકે પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ ‘પાત્રોની સાથે જ આખા પ્રદેશમાં ફરવાનું બન્યું છે’. ગયા બે દિવસથી ‘ઉપરવાસ’નો આનંદ ફરીથી ચપટી ચપટી ફરી માણી રહ્યો છું. માણસાના દિવસોમાં રઘુવીરના ‘વતનની આત્મકથા’ થકી આખા પંથકને વ્યક્તિરૂપે અને શબ્દરૂપે એક સાથે જાણવા-માણવાનું મારું અહોભાગ્ય હતું. આ સામાજિક બૃહત્ નવલ પાસે ફરીથી જવાનું થયું તે મરાઠી દલિત લેખક લક્ષ્મણ માનેના ‘ઉપરા’ નામના અત્મકથનના અનુવાદ (૨૦૦૫) વખતે. આ લેખક વાંસનાં કામ કરનારી ભટકતી અને વિમુક્ત જાતિના છે. આપવીતીમાંથી અરધી તેમની કૈકાડી બોલીમાં છે. અનુવાદને તળપદનો પાસ આપવા માટે મેં તેને ઉત્તર ગુજરાતની સાધારણ ગ્રામીણ લઢણમાં ઢાળવાની કોશિશ કરી. તેમાં મનથી એ ભાષા સાથે રહેવા માટે જે નવલકથાઓ વાંચી તે મફત ઓઝાની ‘જાતર’, પન્નાલાલની ‘વળામણાં’ તેમ જ ‘માનવીની ભવાઈ’ અને રઘુવીરની ‘ઉપરવાસ’.
વ્યક્તિચિત્ર મને ગમતો એક સહિત્યપ્રકાર. એટલે ‘તિલક કરે રઘુવીર’(૧૯૯૮)નો બીજો ભાગ મળતા સોતો જ વાંચી ગયો. પહેલો ભાગ સાહિત્યકારો વિશે હતો. બીજા ભાગનું પેટાશીર્ષક જ એની તરફ ખેંચી ગયું ‘કર્મશીલ સારસ્વતો’. સમાજ માટે કામ કરનાર, જાહેર જીવનમાં બદલાવ માટે ફાળો આપનાર જે વ્યક્તિઓનાં નામ મેં સાંભળ્યા હતા, જેમના વિશે હું જાણવા માગતો તેમાંથી ઘણા એમાં હતા. રઘુવીરે કરેલી એમની વાતમાં સામાજિક કૃતજ્ઞતા મારા માટે બહુ મહત્ત્વની હતી. સાથે ચરિત્રકારનાં રમતિયાળ ગદ્ય અને લાક્ષણિક તીર્યકતામાં પણ મને મજા પડી. પુસ્તક વાંચ્યું ત્યારે એમાંથી કેટલુંક તો ખાસ મિત્ર સૌમ્યને રાત્રે સાડા અગિયારે લૅન્ડલાઈન પર ફોન કરીને વાંચી સંભળાવ્યું. તેમાં સહુથી મનભર લાગ્યું તે પુરોવચન. એને મેં હમણાં જ્ઞાનપીઠ નિમિત્તે ફેઇસબુક પર શેઅર કર્યું છે. છતાં અહીં ટપકાવવાની લાલચ રોકી શકતો નથી :
માણસમાં એક ગુણ પણ અવિચળ રહે તો ભયો ભયો : માત્ર ગુણદર્શી કે નર્યા વાંકદેખા થયા વિના સજીવ સૃષ્ટિને ચાહવાનો સ્વભાવ મને મળેલો છે. અનંત ઉદારતાઓ અને વિરાટ લિપ્સાઓ જોયા પછી, મનની સંકુલતા સમજવા છતાં વિશ્વાસ મુકવાનું જોખમ ખેડ્યું છે. આથી સર્જકો સારસ્વતો, લોકસેવકોને વખાણી શકું છું. આ ઉધાર જમાનામાં યૌન હિંસા અને દગાફટકાનાં ઘેરાં દૃશ્યોના પ્રસારથી સમૂહ માધ્યમોએ સહૃદયને લગભગ રતાંધળો કરી મૂક્યો છે. ત્યારે પ્રશ્ન થાય : માણસની ભલાઈ જોવાના રાજીપામાં એ જોડાશે ખરો?
દોષ પર હસી લેવું અને ગુણ પર મુગ્ધ થવું એટલે તિલક કરવા પ્રેરાવું. મનમાં તીર્થનું વાતાવરણ સર્જવું, જેમાં અજાણ્યા રહીને આગળ વધી ગયેલા યાત્રીઓની હાજરી અનુભવી શકાય. શક્ય છે કે એ વાતાવરણમાં પ્રેમનો ઉજાશ પ્રગટે ને એકલવાયું ન લાગે. કશા હેતુ વિના શુભને વખાણવું એ ચાહનાનું એક રૂપ છે. કંઈક આવી મૂડી આ રેખાચિત્રોમાં રોકાયેલી છે.
આ ફકરા એ વખતે આદરણીય મહેન્દ્રભાઈને ‘કંઠસ્થ અને હૃદયસ્થ કરવા જેવા ગદ્યાંશો’ કહીને લખી મોકલ્યા હતા, અને વળતા પત્રમાં તે મારી વાત સાથે સંમત પણ થયા હતા. મહેન્દ્રભાઈને રઘુવીરે ઉત્તમ રીતે તિલક કર્યું છે. તેમાં એક વાક્ય લખ્યું છે : ‘ગુજરાતના મોટા ભાગના પ્રકાશકો મહેન્દ્ર મેઘાણી વિશે ઍમ્બિવૅલન્સ અનુભવે છે. સમજી શકતા નથી કે એમને વખાણવા કે વખોડવા.’ હું પણ રઘુવીર વિશે અૅમ્બિવૅલન્સ અનુભવું છું. વખોડવાના છેડાનો સવાલ નથી. પણ મારું ઍમ્બિવૅલન્સ કંઈક આવું છે. ‘તિલક’ ના બીજા ભાગ વિશે એ વખતે ધોરણસરની ગુણવત્તા ધરાવતા ‘પરબ’ (જૂન ૧૯૯૮) માસિકમાં લેખ કર્યો તેમાં રઘુવીર પણ ‘ક્યારેક તિલક કરવાને યોગ્ય લાગે છે’ એવો પ્રયોગ પણ હતો. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ ‘અમૃતાથી ધરાધામ’ (૨૦૧૪) પ્રસિદ્ધ થયો. ગ્રંથની પ્રક્રિયા દરમિયાન મને બાતમી મળી હતી કે ‘પરબ’વાળો મારો લેખ તેમાં સમાવવામાં આવી રહ્યો છે. પણ લેખના પુનર્મુદ્રણમાં આ વાક્ય ન આવે તે માટેની મારી આગોતરી કોશિશ સફળ થઈ ન હતી. અલબત્ત, આ સંપાદકીય મામલો હતો. એને જવા દઈએ તો ય રઘુવીર મારા માટે કોયડો રહ્યા છે!
રઘુવીર છૂટાછવાયા નાના-મોટા સંદર્ભે વંચાતા જ રહ્યા. જેમ કે મહાભારત આધારિત, દલપત ચૌહાણની નાટ્યકૃતિ ‘અનાર્યાવર્ત’ પર ‘દલિત અધિકાર’ના ઉપક્રમે વક્તવ્ય આપવાનું થયું ત્યારે તેના સ્વાધ્યાય તરીકે દુર્ગા ભાગવતના ‘વ્યાસપર્વ’ અને ઇરાવતી કર્વેના ‘યુગાન્ત’ની જેમ રઘુવીરની ત્રયી ‘ગોકુળ-મથુરા-દ્વારકા’ (૧૯૮૬) પણ જોઈ ગયો હતો. ‘માનવીની ભવાઈ’ના મરાઠી અનુવાદનું પરામર્શન કરવાનું થયું ત્યારે એક-બે જગ્યાઓની સ્પષ્ટતા માટે, વિ.વાય. કંટકે ‘એન્ડ્યોરન્સ : અ ડ્રૉલ સાગા’ નામે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ અને રઘુવીરે ‘જીવન એક નાટક’ નામે છેક ૧૯૬૮માં કરેલો હિંદી અનુવાદ જોયો હતો. ચારેક વર્ષ પહેલાં લોકનાયક ચુનીભાઈ વૈદ્ય પરના અભિવાદન ગ્રંથ માટેનું કામ મિત્રોએ શરૂ કર્યું, તે નિમિત્તે રઘુવીરે ‘તિલક’ માં કરેલું ચુનીકાકાનું રેખાચિત્ર વાંચ્યું. ‘દર્શકના દેશમાં’ તો અવારનવાર ઉપયોગમાં લીધું છે.
ડૉ. પ્રકાશ આમટેના મરાઠી આત્મકથન ‘પ્રકાશવાટા’નો ‘પ્રકાશની પગદંડીઓ’ (૨૦૧૨) નામે અનુવાદ કર્યો. તેના પ્રકાશક મહેશ દવેએ રઘુવીરભાઈને પુસ્તકની નકલ મોકલી હતી. પંદરમી સપ્ટેમ્બરના પ્રકાશન સમારંભના સમાચાર આવ્યા, તે પછી બીજા જ અઠવાડિયે ‘દિવ્ય ભાસ્કર’માં પુસ્તકનું પહેલવહેલું અવલોકન લખનાર તે રઘુવીર. ડૉ. પ્રકાશના પિતા અને લોકોત્તર સમાજસેવક મુરલીધર અર્થાત્ બાબા આમટે. રઘુવીરે અવલોકનમાં લખ્યું હતું ‘સને ૧૯૮૫માં – આજથી સત્તાવીસ વર્ષ પહેલાં એમને [બાબા આમટેને] મળવા જતાં દીર્ઘ કાવ્ય રચાયેલું ‘મારે તારી જરૂર છે મુરલીધર !’ એ રચના પછી ક્યાં ગઈ એનો ઉલ્લેખ ન હતો, મને ય ખબર ન હતી. પણ રઘુવીરનો ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭) કાવ્યસંગ્રહ મારી પાસે હતો. એમાં જોયું તો ત્રીજા ક્રમે ત્રણ પાનાંની આ કવિતા હતી! આવો જ અચંબો જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૪માં થયો હતો. અધ્યયન ગ્રંથમાંથી ‘ધરાધામ’ કાવ્યસંગ્રહ વિશે જાણ્યું, તે વસાવ્યો, વાંચવા લાગ્યો. તેમાં એક કવિતા હતી ‘પ્રકાશની પગદંડીઓ’, ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા આમટે વિશેની જ તો. લખ્યા તારીખ ૧૪-૧-૧૩! અઠ્ઠ્યાવીસ વર્ષ પછી ય ગુણાનુરાગિતાનું એ જ સાતત્ય!
‘ધરાધામ’(૨૦૧૪)ની કેટલીય રચનાઓ વારંવાર વાંચી. ‘વહેતા વૃક્ષ પવનમાં’ (૧૯૮૪) સંચયના કવિએ અહીં ફરી એક વાર ઝાડ, માટી, ખેતર અને તેની આસપાસની આખી ય સૃષ્ટિનો જે મહિમા કર્યો છે ! મને તો એ કૃતિ કુદરતને વાંચનારના તીર્થધામ જેવી લાગે છે. તેમાંથી શું સંભળાવું ને શું ટાંકું એવું થઈ જાય. ‘ધરાધામ’ અને ‘બચાવનામું’(૨૦૧૧)ના પ્રકાશન વચ્ચે ત્રણ વર્ષનો ફેર, પણ મારા વાંચવામાં બંને પુસ્તકો સાથે જ આવ્યાં.
‘બચાવનામું’ એ રઘુવીર અને ગુજરાતી કવિતા બંનેની રીતે મને બિલકુલ જ સીમાચિહ્ન સમી કૃતિ લાગી. એની ખબર જ ન હતી એ મને ન ગમ્યું. પણ અધ્યયનગ્રંથમાંથી ખબર પડી કે આ સાંપ્રત મુખ્ય કૃતિની આપણા અભ્યાસીઓએ લગભગ નોંધ જ નથી લીધી; તેના વિશે સુરેશ દલાલની પ્રસ્તાવના અને ભોળાભાઈ પટેલના પુસ્તકમાં જ મૂકેલા દીર્ઘ લેખ ઉપરાંત માત્ર બે જ લેખો લખાયા છે, એ પણ ટૂંકા! આવું શા માટે થયું હશે? કારણ એ લાગે છે કે સમાજ અને સમષ્ટિના ધરતી પરના નક્કર પ્રશ્નોની વાત આપણા અભ્યાસીઓના શાહમૃગી વૃત્તિ ધરાવતા એક મોટા હિસ્સાને માફક જ આવતી નથી.
‘બચાવનામું’ નવ સર્ગનું છાંદસ પ્રબંધકાવ્ય છે. તેમાં કવિ જળ-જંગલ-જમીન, વિસ્થાપન, નક્સલવાદ, ગાંધીવિચાર, વિકાસના નામે વિનાશકારી નીતિઓનો અહિંસક પ્રતિકાર, નવરચનાના પ્રયત્નો જેવી અનેક બાબતોને બહુ કલાત્મક રીતે સ્પર્શે છે. કવિતાના સોંદર્યનિધાનો અનેક છે. ‘વડવા મારા ખેતર થઈને જીવતા’, ‘અવિદ્યાનો નથી બાધ, કે નથી કર્મયોગનો/તૂટે છે સંતુલનો ત્યારે વધે છે વ્યાપ ભોગનો’, ‘નારી ચૈતન્યની ધાત્રી’ જેવી સંખ્યાબંધ સુંદર પંક્તિઓ ઠેરઠેર વાંચવા મળે છે. પ્રસ્તાવનામાં લેખકે રચનાપ્રકિયા સાથે કૃતિના હેતુ, વિચાર અને તત્ત્વદર્શન વિશે પણ લખ્યું છે. તેમાં એક જગ્યાએ તે લોભ, ભૌતિકતાવાદ અને હિંસાની વાત કરીને પછી નોંધે છે : ‘…આ બધું મળીને આતંકવાદને જગવતાં નિમિત્ત પૂરાં પાડે છે એવા આતંકવાદની અવિચારી નિંદા ન થઈ શકે. વિદેશી નાણાંથી નભતો ઝનૂની આતંકવાદ વર્જ્ય છે પણ દીનદલિતના પક્ષે જાતનો ભોગ આપવાની તૈયારી સાથે લડતો કિશોરો-યુવકોનો આતંકવાદ આમૂલ તેમ જ સર્વાશ્લેષી દૃષ્ટિથી વિચારવા વિવશ કરે જ.’ આવું અત્યારના ભાગ્યે જ કોઈ પ્રમુખ ગણાતા ગુજરાતી લેખકે લખ્યું છે. ત્રીસ વર્ષની કૃતિસાધનાનું આ ફળ રઘુવીરે ચુનીભાઈ વૈદ્ય અને કાન્તિભાઈ શાહને અર્પણ કર્યું છે. આ બંને ઉત્તુંગ કર્મશીલો હતા. ચુનીકાકાનો રાજ્ય સામેનો સંઘર્ષ ચાલતો જ રહેતો. રાજ્યની ભૂમિકાની પ્રકટ સમીક્ષા (ક્રિટીક ઑફ ધ સ્ટેટ), જરૂર પડ્યે તેની સામેનો સંઘર્ષ દર્શક, ઉમાશંકર, યશવંત શુક્લ, જયંતિ દલાલ જેવા રઘુવીરભાઈ માટે બહુ આદરણીય સાક્ષરોમાં છે. પંચાણું પાનાંની ‘બચાવનામું’ કૃતિ વાંચીને પૂરી કરવા સુધી ઊંઘ ન આવી. છંદો અનુરણનથી જ જાણું, એટલે આવડી એવી વાંચી. એમ થયું કે આ કૃતિના અભિવાચન કે વાચિકમ થકી વધુ લોકો સુધી પહોંચવી જોઈએ. એટલે બે-ત્રણ મિત્રોને વાત પણ કરી રાખી, અનેક મનસુબાની જેમ આ પણ બર આવે ત્યારે ખરો!
જોગાનુજોગે એવું થયું કે ગયા વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં અધ્યયન ગ્રંથ આવ્યો તે પછી અત્યાર સુધીમાં રઘુવીરનાં પુસ્તકો પાસે ઓછામાં ઓછા ત્રણ વખત જવાનું થયું. મહુવા પાસેના તલગાજરડામાં યોજાતા સદભાવના પર્વ નિમિત્તે મોરારિબાપુના આયુધ વિનાના રામની વિભાવના વિશે લખવાનું થયું ત્યારે રઘુવીરે આ રામકથાકાર વિશે લખેલા પુસ્તકમાંથી પસાર થયો. તે પહેલાં આ પુસ્તક ખસૂસ વાંચ્યું ન હતું, અને આ જરૂર ન ઊભી થઈ હોત તો વાંચત પણ નહીં. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય કે સચ્ચિદાનંદ પર લખેલાં પુસ્તકો નથી જ વાંચ્યાં. એક નોંધ લખવા માટે સંદર્ભ તરીકે, રઘુવીરે મિલ ઉદ્યોગ પર લખેલી ‘કાચા સૂતરને તાંતણે’ નવલકથાની પ્રભાવક અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના વાંચી અને પુસ્તકનાં પાનાં ફેરવ્યાં. નવાઈની વાત એ કે ગુજરાતના એક સમયના વિશ્વવિખ્યાત મિલઉદ્યોગ વિશે આપણે ત્યાં આ વિષય પર બીજી એક જ નવલકથા મળે છે તે અંગ્રેજોએ પ્રતિબંધિત કરેલ ચંદ્રભાઈ ભટ્ટની ‘ભઠ્ઠી’ (૧૯૩૨). હમણાં ચારેક મહિના પહેલાં અનામત આંદોલનના સંદર્ભે રઘુવીરની ‘મનોરથ’ નવલકથા વિશે વાંચ્યું. ગુજરાતમાં ૧૯૮૫માં થયેલું અનામત વિરોધી આંદોલન અને તે દરમિયાન આવેલી રથયાત્રા ફાટી નીકળેલી હિંસા પછી આંદોલને લીધેલો ભીષણ વળાંક એ આ નવલકથાનો વિષય છે. કોમવાદના હિંસક રાજકારણના ભાગ તરીકે બનેલી રથયાત્રાની ઘટનાનું રઘુવીરે પ્રજાશક્તિના વિજય તરીકે ઉદાત્તીકરણ કર્યું છે. સમકાલીન જીવનના અર્થઘટન અને વર્ણનના સર્જક-સ્વાતંત્ર્યને સ્વીકારીને પણ એ કહેવું જોઈએ કે લેખકે અહીં સેક્યુલર લોકશાહી દેશની એક પ્રતિગામી ઘટનાને વિપરિત રીતે રજૂ કરી છે. સાથે એવું ય બન્યું છે કે હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાને કારણે ઊભી કરવી પડેલી અનામત પ્રથાને તેમણે – તેના રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવેલા ઉપયોગના હિસ્સાની વૈચારિક સભાનતા અને વાર્તાકીય અવગણના સાથે – યથોચિત સમર્થન આપ્યું છે. એક જ લેખકના એકસો સડસઠ પાનાંમાં પ્રગતિશીલ અને પ્રતિગામી દૃષ્ટિબિંદુઓ એકસાથે જોવા મળે એવું ઓછું બને છે. જો કે અપવાદો બાદ કરીને, અત્યારના ગુજરાતી સાહિત્યની એકંદર સમાજવિમુખતાને ધ્યાનમાં લેતા લેખકના શબ્દો નોંધવા જેવા છે : કલાવાદીઓ અને સત્તાવાદીઓને આ પ્રકારનું લખાણ ન ગમે એ સમજી શકાય … હું માનું છું કે લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. છાંટા ઊડવાની બીકે સંઘર્ષથી બચીને ચાલવાને બદલે જોખમ ઉઠાવવું જોઈએ.
આવું જોખમ રઘુવીર ગોધરાકાંડ પછીના ગુજરાત અને દેશમાં જે કંઈ બની રહ્યું છે તે બાબતે ઊઠાવે એવી અપેક્ષા રહી છે. એ વાત સાચી કે ‘સોમતીર્થ’(૧૯૯૬) નવલકથા, વધતા જતા કોમી વૈમનસ્યના સંદર્ભમાં સોમનાથ મંદિરના ધ્વંસનો ઇતિહાસ તપાસે છે. ‘સમજ્યા વિના છૂટા પડવું’(૨૦૦૩)માં રમખાણો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકવાદી હુમલો, ગુજરાતના ભૂકંપની જેમ જ વાર્તાનો હિસ્સો છે. પણ એક પ્રમુખ લેખક તરીકે ગુજરાતમાં ખેતીનો વિનાશ, શિક્ષણની પડતી, વિરોધ પર દમન, તેમ જ દેશમાં ચાલી રહેલી લોકવિરોધી નીતિઓ અને અસહિષ્ણુતા જેવા મુદ્દે તેમની પ્રતિક્રિયાની અપેક્ષા રહે જ છે.
રઘુવીરભાઈએ સાને ગુરુજીના ‘ભારતીય સંસ્કૃિત’(૨૦૦૦)નો મારો અનુવાદ તેમના રંગદ્વાર પ્રકાશન તરફથી બહાર પાડ્યો. ‘ઉપરા’ તેમના અને મારા પિતાજીના સતત ટેકા વિના ન થઈ શક્યું હોત. પ્રોત્સાહન ઉપરાંત પ્રેમ પણ કેવો ? રંગદ્વારના પુસ્તકભંડાર પર ગયો છું ત્યારે લગભગ દરેક વખતે પુસ્તકો ભેટ મળ્યાં છે – ‘ફૂટપાથ અને શેઢો’, ‘ભૃગુસંહિતા’, ‘સહરાની ભવ્યતા’, ‘દર્શકના દેશમાં’, ‘વાડમાં વસંત’, ‘પ્રાણપ્રતિષ્ઠા’. આ બધામાં રઘુવીરની સહી અને તારીખ હોય, પણ સાથે મારી પત્ની અને દીકરીનાં નામ પણ હોય. રઘુવીર માટે પરિવાર કેટલો મહત્ત્વનો છે – પોતાનો અને બીજાનો પણ. અમારા ઘર વિશે તેમણે વાર્તાના પાતળા આવરણ હેઠળ ‘દિવ્ય ભાસ્કર’ (૨૬/૧૨/૨૦૦૪) માં લખ્યું હતું, જે પછી ‘જિંદગી જુગાર છે ?’ (૨૦૦૫) સંગ્રહમાં મૂક્યું છે. કેટલી ય બાબતો માટે કૃતજ્ઞ છું!
૧૦ જાન્યુઆરી, ૨૦૧૬
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 08-10