Opinion Magazine
Number of visits: 9482557
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારપ્રાપ્ત પહેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહની મુલાકાત

——, ——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|29 October 2019

હાલમાં જ વર્ષ ૨૦૧૮નાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી. દેશની સર્વોત્તમ ફિલ્મ તરીકે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ સુવર્ણકમળ ઉપર પોતાની છાપ અંકિત કરી છે. ‘હેલ્લારો’ના કારણે સર્વોત્તમ ફિલ્મનો પુરસ્કાર પહેલી જ વાર ગુજરાતના ભાગે આવ્યો છે. આ પહેલાં કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ને ૧૯૮૦માં બે વિભાગોમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહની દિગ્દર્શક તરીકે આ પહેલી જ ફિલ્મ છે. આ પહેલાં તેઓએ ગુજરાતી નાટ્યક્ષેત્રમાં દિગ્દર્શન અને લેખનનું કામ કર્યું છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર નિમિત્તે દિગ્દર્શક અભિષેક શાહ જોડે સવિસ્તર મુલાકાત. 

પ્રશ્ન : વાત શરૂ કરતાં પહેલાં ફિલ્મના નામ બદલ કુતૂહલ છે. માટે સહુથી પહેલા ‘હેલ્લારો’નો અર્થ શું થાય એ જાણવું ગમશે.

અભિષેક : ‘હેલ્લારો’ એ પ્રાચીન ગુજરાતી ભાષાનો શબ્દ છે. તે હમણાંની બોલીમાં વપરાતો શબ્દ નથી. આ શબ્દનો અર્થ પાણીના પ્રવાહમાં ઉત્પન્ન થતું, ઊછળતું મોજું એવો થાય છે. પાણીમાં ઊછળતું એવું મોજું કે જેના આગમનથી આજુબાજુનું બધું જ હલી જાય છે. પરિવર્તન આવે છે. અથવા એકાદો એવો ધક્કો – જે અંદરથી એટલો જોરથી લાગે છે કે બધું જ બદલાઈ જાય છે. ધારો કે શોષણનો – સપ્રેશનનો એવો કાળ છે; જ્યારે એકાદું એવું મોજું ઉત્પન્ન થાય છે, એવું એક્સપ્રેશન બહાર આવે કે જે શોષણખોરીને ફગાવી દે છે – એને કહેવાય ‘હેલ્લારો’.

પ્રશ્ન : સપ્રેશન ટુ એક્સપ્રેશન … બહુ જ રોચક લાગે છે. ફિલ્મની મધ્યવર્તી કલ્પના શું છે?

અભિષેક : ભારતમાં બે મોટા રણ પ્રદેશ છે. એક રાજસ્થાનમાં અને બીજું કચ્છમાં. કચ્છ એ ગુજરાતનો મોટો પ્રદેશ છે. ૧૯૭૫ના કચ્છની આ વાત છે. તો કચ્છના રણમાં, રણની વચ્ચોવચ અમે એક ગામ ઊભું કર્યું. આ ગામનો બીજા એકે ય ગામ જોડે કોઈ જ સંપર્ક નથી. ૧૯૭૫ના અરસામાં આ ગામ દુનિયાથી એવું વિખૂટું પડ્યું છે કે એમને બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એની કલ્પના પણ નથી. સ્ત્રીઓની પરિસ્થિતિ તો એનાં કરતાં પણ વિષમ છે. એમને ઘરની બહાર જવાની કોઈ જ સ્વતંત્રતા નથી. જો એ ઘરની બહાર જાય તો માત્ર પાણી ભરવા માટે જ! રેતીમાં પાંચ-છ કિલોમીટર દૂર સુધી ચાલતા જવાનું અને પાણી ભરી લાવવાનું, માત્ર આજ કારણથી તેઓ ઘરની બહાર જઈ શકે છે. બાકી તેઓના જીવનમાં કોઈ જ ખુશી નથી, મોજ નથી, કે કોઈ પ્રકારની અભિવ્યક્તિ નથી. આપણે જેમ નાચીને-ગાઈને, પોતાની સાથે વાર્તાલાપ કરીને અથવા અન્ય કોઈ રીતે પોતાની લાગણીઓને વ્યક્ત કરીએ છીએ, દર્શાવીએ છીએ, એક્સપ્રેસ કરીએ છીએ – આ બધી વાતો ત્યાંની સ્ત્રીઓ માટે નિષિદ્ધ છે. આવા શોષણખોરીના વાતાવરણમાં આ સ્ત્રીઓને એક વ્યક્તિ મળે છે. એ વ્યક્તિનાં કારણે આ સ્ત્રીઓની અંદર ધરબાયેલી ભાવના વ્યક્ત થાય છે. તેઓનું એક્સપ્રેશન બહાર આવે છે. એ વ્યક્તિ તેઓનું જીવન જ બદલી નાખે છે. તેઓમાં ઘર કરી ગયેલું દમન બહાર કાઢે છે. મારી આ વાર્તા પોતે જ ‘સપ્રેશન ટુ એક્સપ્રેશન’નો પ્રવાસ કરનારી છે. જો તમને કોઈ કહે, યૂ કાન્ટ ડાન્સ, યૂ કાન્ટ સિંગ, યૂ કાન્ટ થિંક …. અને પછી બરાબર એ જ સમયે તમને એવો એક માર્ગ જડે, જેમાંથી તમને તમારું ખોવાયેલું પૅશન મળી જાય. તમને તમારો અવાજ મળી જાય … ફિલ્મની વાર્તા આ જ મુદ્દા પર છે.

પ્રશ્ન : આ ફિલ્મમાં સ્ત્રીઓનાં ૧૩ પાત્રો મધ્યવર્તી ભૂમિકાઓમાં છે. આ ૧૯૭૫નો યુગ છે. સ્વાભાવિક છે કે આ સ્ત્રીઓનું જીવન-વર્તન એ સમય મુજબનું હશે; તો પણ આ સ્ત્રીઓનું ચોક્કસ કેરેક્ટરાઇઝેશન શું છે?

અભિષેક : ફિલ્મમાં જેના કારણે એક્સપ્રેશનનું, વ્યક્ત થવાનું, મુક્ત થવાનું વાતાવરણ સર્જાય છે, એ મુખ્ય નાયિકા મંજરી. આ પાત્ર સાતમાં ધોરણ સુધી ભણેલું છે. તે કચ્છના શહેરી ભાગમાંથી ગામડામાં આવી છે જેથી તેનું થોડુંઘણું શિક્ષણ થયેલું છે. બીજી ૧૨ સ્ત્રીઓ અશિક્ષિત છે. આ ગામની અન્ય એકેય સ્ત્રી ભણેલી નથી. શિક્ષણ તો દૂરની વાત છે, આ સ્ત્રીઓએ કદી પૂરું ગામ પણ જોયું નથી. આપણે ગામડાંમાં રહીએ છીએ કે શહેરમાં એની પણ તેમને નથી. તેમણે ક્યારે ય આજુબાજુનું કોઈ ગામડું પણ જોયું નથી. આપણા ગામની બહારની દુનિયા કેટલી આગળ વધી છે, આપણો દેશ ક્યાં જાય છે, દેશના વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી એટલે એક સ્ત્રી છે – આવી કોઈ જ માહિતી એમને નથી. તેમની પાસે એવું કોઈ માધ્યમ નથી જેનાથી તેઓ બહારની દુનિયા વિશે જાણી શકે.

પ્રશ્ન : ફિલ્મ માટે તમે ૧૯૭૫નું જ વર્ષ કેમ પસંદ કર્યું? શું એની પાછળ કોઈ વિશેષ કારણ હતું?

અભિષેક : ફિલ્મમાં મારે ગામને બહારની દુનિયા જોડે કનેક્ટેડ નથી એ દર્શાવવાની પ્રાથમિક જરૂરિયાત હતી. આજની પાર્શ્વભૂમિ પર એવું વિખૂટાપણું બતાવવું શક્ય ન હતું. જો હું આજે કચ્છના કોઈ પણ ગામનું ડિસ્કનેક્શન બતાવું તો તે વાસ્તવિક લાગે તેમ નથી. એટલે આ ફિલ્મ માટે અમે જ્યાં શૂટિંગ કર્યું એ ગુજરાતનું પાકિસ્તાનની સરહદ નજીકનું છેલ્લું ગામ. ત્યાં પણ હવે મોબાઈલ ફોન હતાં. નેટવર્ક હતું. લોકો હાથમાંના મોબાઈલ પર યૂટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જોતાં હતાં. આ બધી સુવિધાઓ સરહદના તે છેલ્લાં ગામ સુધી પહોંચેલી જોઈને, એ ગામ સમયથી, દુનિયાથી, વિખૂટું પડેલું છે એ દર્શાવવા માટે મારે સમય કરતાં થોડું પાછળ જવું પડે તેમ હતું. આ કટઑફ મહત્ત્વનો હતો. જ્યાં સુધી બહારની દુનિયામાં શું બની રહ્યું છે એની કલ્પના ના હોય ત્યાં સુધી તમને તમારી દુનિયામાં જે બની રહ્યું હોય છે એ એકદમ યોગ્ય લાગે છે. પણ જ્યારે તમને ખબર પડે છે કે બહારની દુનિયા ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે બહુ પછાત છીએ એની લાગણી થવા માંડે.

બીજું એવું કે મારે ફિલ્મના કોઈ પણ સંવાદથી એવું જણાવવું ન હતું કે આ ૧૯૭૫નું વર્ષ ચાલે છે. એના માટે મારે ઇતિહાસની કોઈ ઘટના જોઈતી હતી. કટોકટી ૧૯૭૫માં લાગુ થઈ હતી. એક અછડતા વાક્યથી દેશમાં કટોકટી લાગુ થઈ છે એવો ઉલ્લેખ કરીને મારે ફિલ્મનો આખો પટ તૈયાર કરવાનો હતો, માટે આ વર્ષ પસંદ કર્યું.

પ્રશ્ન : આ ફિલ્મનું પ્રેરણાબીજ શું હતું?

અભિષેક : કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’. મેં કેતન મહેતાની આ ફિલ્મ જેટલી વાર જોઈ, તેટલી વાર મને લાગતું કે જો હું ફિલ્મના માધ્યમથી કશું પણ કમ્યુનિકેટ કરીશ તો એ આ રીતે જ. મારા સિનેમા મેકિંગનું બીજ ત્યાં જ છે. મિર્ચ મસાલાની વાર્તા સરસ રીતે જકડી રાખનારી છે, એનો સોશ્યલ રેલેવન્સ ખૂબ મોટો છે અને તો પણ તમે એ વાર્તા જોડે ચોંટી રહો છો. આપણે મિર્ચ મસાલા પ્રમાણે વાર્તા રજૂ કરવી એવી કોઈ ફોર્મ્યુલા નક્કી ન હતી. ખરું કહું તો મારી ફિલ્મ મિર્ચ મસાલા કરતાં તદ્દન અલગ છે. ફક્ત વિચારોની પ્રક્રિયા, વાર્તા રજૂ કરવાની સહજતાનું બીજ ત્યાંનું છે. ‘મિર્ચ મસાલા’, ‘ભવની ભવઈ’, ‘સરદાર’ જેવી અપ્રતિમ ફિલ્મો બનાવનાર કેતન મહેતા સાથે કાલે જ મારી ફોન પર વાત થઈ. મેં એમને કહ્યું, “થેન્ક યૂ, સો મચ સર. હું એકલવ્યની જેમ આપની ફિલ્મોમાંથી શીખતો રહ્યો. તમે મારા ગુરુ છો. આ ફિલ્મનું પ્રેરણા સ્થાન મિર્ચ મસાલા છે.” તેઓ ખુશ થયા.

પ્રશ્ન : ફિલ્મનું કથાબીજ ક્યાંથી આવ્યું? કલ્પના કેવી રીતે સાકાર થઈ?

અભિષેક : આ કથાનું વન-લાઇનર એક ગુજરાતી લોકગીતમાંથી જડ્યું. એ લોકગીત સાંભળતી વખતે એમાંની સ્ત્રીઓના કથનથી મને લાગ્યું કે આ પાત્રોને લઈને વાર્તા કહી શકાય. ફિલ્મની વાર્તા લોકગીતની નથી, લોકગીતમાંથી પ્રેરિત છે. લોકગીતમાં એવું બને છે કે સ્ત્રીઓ ગરબા ગાતી હોય છે અને એમની સાથે એક ઢોલી એટલે કે ઢોલ વગાડનારો હોય છે. એમનો ગરબો એ ઢોલીના તાલ પર આધારિત છે. લોકગીતમાંની કથા બહુ જ લાંબી હતી, પણ મેં ફક્ત ગરબા કરતી સ્ત્રીઓ અને ઢોલ વગાડનારો ઢોલીના પાત્રોને લીધાં અને પછી ફેમિનિસ્ટ દૃષ્ટિકોણથી વાર્તા સાકાર કરી. એક નવીન અભિવ્યક્તિ સાથે લેખન કર્યું. ફિલ્મનાં બધાં જ પાત્રો, આખી કથા મારી પોતાની જ છે. ફિલ્મમાંની અમારી દુનિયા અમે જાતે જ તૈયાર કરી છે.

પ્રશ્ન : તમે કીધું તેમ ‘સપ્રેશન ટુ એક્સપ્રેશન’ એ એક ગંભીર પ્રવાસ લાગે છે. તો ફિલ્મની રજૂઆત માટે તમે કઈ નાની નાની બાબતોનો વિચાર કર્યો હતો?

અભિષેક : સહુથી પહેલાં એક વાત એકદમ સ્પષ્ટ હતી કે મારે કોઈ પણ પ્રકારની ‘ડાર્ક સિનેમા’ બનાવવી ન હતી. મારે સમસ્યા પર આધારિત ગંભીર ફિલ્મ બનાવવી ન હતી, કે જે સામાન્ય પ્રેક્ષક જોવા આવશે અને કહેશે કે ‘અરે, બહુત કુછ દેખ લિયા હમને, મત દિખાઓ.’ મારે સ્ત્રીઓ પર થતી હિંસા બતાવવી ન હતી, આપણે જ સ્ત્રીમુક્તિના વાહક છીએ એવો આવિર્ભાવ લાવવો ન હતો, એ પાકું હતું. શું નથી કરવું એ નક્કી થયા બાદ, એ પણ પાકું હતું કે સામાન્ય પ્રેક્ષક ને પણ પોતાની જણાય એવી જ ફિલ્મ બનાવવી હતી

પછી મેં ગુજરાતી રંગભૂમિના જાણીતા અને ગુજરાતી કવિ તરીકે પ્રસિદ્ધ એવા સૌમ્ય જોશીને મારી સાથે જોડ્યા. સૌમ્યનો ‘સાધના’ સાપ્તાહિક જોડે ગાઢ સંબંધ છે. તેઓ સાધનાના અંકો વાંચીને જ મોટા થયા છે. એમના ઘરમાં સાને ગુરુજીનો ઘણો પ્રભાવ છે. તેમના પિતાશ્રી જયંત જોશી મૂળ કોંકણ પ્રદેશના. તેમને સાને ગુરુજી ખૂબ જ પ્રિય છે. પણ સૌમ્યનાં માતા ગુજરાતી. સૌમ્ય જેટલા ગુજરાતી છે એટલા જ મરાઠી છે. પણ એમણે ગુજરાતીમાં વધારે કામ કર્યું છે. એ મારા ગુરુના સ્થાને છે. આ ફિલ્મના સંવાદ અને ગીતો એ જ લખે એવો મારો પહેલેથી આગ્રહ હતો. કારણ કે અમારા વિચારો ખૂબ સરખા છે એની મને ખબર હતી. વળી એ જ્યારે લખે છે ત્યારે બહુ જ જુદી રીતે વ્યક્ત થાય છે. હું એમનો જ શિષ્ય છું. મારી જે પણ થૉટ-પ્રોસેસ છે અથવા તો હું જે પ્રકારે દુનિયાને જોઉ છું એ બધા પર એમનો ઘેરો પ્રભાવ છે. મેં એમને વાર્તા કીધી તો એ પણ તરત તૈયાર થઈ ગયા. પછી સહલેખક પ્રતીક ગુપ્તા સાથે આવ્યા. અમે ત્રણેએ એક વાત નક્કી કરી હતી કે વાર્તા પૂર્ણતઃ પ્રેક્ષકોને જકડી રાખે એવી હોવી જોઈએ. પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કરનારી જો

હાલમાં વ્યાવસાયિક અથવા કમર્શિયલ, એન્ટરટેઇનમેન્ટ વ્યાખ્યાઓ ખૂબ જ વિચિત્ર થઈ ગઈ છે. આપણાં ત્યાં કમર્શિયલ વ્યાખ્યા એટલે આઇટમ સૉંગ, વિલન, દારૂગોળા, સેક્સ, સુધી જ મર્યાદિત છે. પણ મારા માટે કમર્શિયલની વ્યાખ્યા એટલે ‘રાઝી’, ‘કહાની’, ‘બધાઈ હો’, ‘અંધાધૂન’ જેવી ફિલ્મો છે. આ અમુક ગણતરીનાં નામો કહું છું. આ ફિલ્મો પૂરેપૂરી કમર્શિયલ નથી છતાં તમારું મનોરંજન કરે છે, તમને બાંધીને રાખે છે ને ત્રાસદાયક નથી થઈ જતી. અમારે ફિલ્મ આ જ ધારણા પર બનાવવી હતી. પુરસ્કાર મળે એવી એકાદી વાર્તા લખીએ, ફિલ્મ બનાવીએ, અને લોકો જ્યારે જોવા જશે ત્યારે તેઓ એકબીજાના મોઢા જોશે, એવી રજૂઆત કરવી ન હતી. આ કારણે ફિલ્મમાં પ્રેક્ષકોને પકડી રાખવા માટે જે પણ કરવું જરૂરી હતું એ બધું અમે કર્યું.

સહુથી મહત્ત્વની વાત એટલે અમારી ફિલ્મનો હીરો કોઈ હોય તો તે છે ‘ગરબો.’ ફિલ્મમાં ચાર ગરબા છે અને તે સારી રીતે દર્શાવવા હતાં. સૌમ્યએ ખૂબ જ અપ્રતિમ ગીતો લખ્યા છે. ‘ઢોલી તારો’ ગાયન માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરેલા નૃત્ય દિગ્દર્શક સંદીપ દંડા, હર્ષ દંડાને સામેલ કરવાનું એ જ કારણ છે. એમને અમારાં ચારે ગાયનો દિગ્દર્શિત કર્યા છે. સિનેમેટોગ્રાફર ત્રિભુવન બાબુએ તો કમાલ જ કરી છે.

ફિલ્મ ‘ક્લાસ’ અને ‘માસ’ બંને માટે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એ સફળ થયો છે કે નહીં એ તો પ્રેક્ષકો જ નક્કી કરશે. આ મારું જ બાળક હોવાથી એ ખૂબ જ સરસ છે, આવું હું નહીં કહું; પણ ક્લાસ અને માસ આ બંનેને સ્પર્શ કરવાનો અમારો પ્રયત્ન ચોક્કસ દેખાશે.

પ્રશ્ન : ગરબાના એક્સપ્રેશન કેવા છે? રૂઢિગત ગરબા કરતાં એમાં શું વિશેષ છે?

અભિષેક : ફિલ્મમાં આવતાં પહેલાં ગરબા વિશે કહું છું. પહેલી વાર ગરબામાં ‘લોરી’ એટલે કે હાલરડું હશે. ગરબો છે પણ એમાં માતાનું હૃદય પણ છે. આ ગાયનમાં માતા પુત્રીને કહે છે કે – દીકરી તને ઊડવાનું નથી, અટકચાળા કરવાના નથી, સપનાં જોવાનાં નથી, જે સપનાં તને આગળ લઈ જશે એમાં તારે ખોવાઈ જવાનું નથી. તું પોતાને એકાદા માધ્યમ દ્વારા વ્યક્ત કરી શકીશ અથવા તું તારું ભવિષ્ય પોતાની પ્રતિભાથી ઉજ્જવળ કરી શકીશ, એવા વિચારો આવતા હોય; તો માફ કર દીકરી. તું છોકરી છે એટલે આ નહીં કરી શકે. આવા અર્થનો છે એ ગરબો. સૌમ્યએ ચારે ગીતો બહુ જ અર્થપૂર્ણ લખ્યા છે.

પ્રશ્ન : ફિલ્મ માટે અભિનેત્રિઓને કેવી રીતે પસંદ કરી?

અભિષેક : આ પ્રક્રિયા બહુ જ લાંબી થઈ. જેમ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની ભાષા એક પ્રાદેશિક બોલી છે. એ ભાષાના પોતાના ઉચ્ચારો છે, અર્થ છે. એવું જ કચ્છનું પણ છે. જે ભાગની વાર્તા હું કહેવાનો હતો, ત્યાં બોલાતી ગુજરાતી જુદી છે. એનો એક વિશેષ સ્લેંગ છે. પોતાનો એક લહેજો છે. તે જ પદ્ધતિથી ઉચ્ચાર કરી શકનારી, બોલી શકનારી, અભિનેત્રીઓ માટે પહેલાં એક ઓડિશન રાખ્યું. જે આ બોલીમાં સંવાદ બોલી શકયાં એમને પસંદ કંર્યા. આ ફિલ્મમાં ગરબાનું પણ ખાસ મહત્ત્વ છે એટલે ફરીથી ગરબા માટે ઓડિશન રાખ્યું. એમાંથી પછી જેઓને બોલી બરાબર ફાવતી હતી, એક્ટિંગ સારી આવડતી હતી, અને ગરબા ગાતાં પણ આવડતું હતું એવી ૧૨ યુવતીઓને પસંદ કરી. આ ૧૨ યુવતીઓ અને એક બાળ કલાકાર – બધાંને સ્પેશ્યલ જ્યુરી પુરસ્કાર મળવાનો છે. આ પુરસ્કાર પહેલી વાર ૧૩ જણાં વચ્ચે વહેંચવાનો થવાનો છે.

પ્રશ્ન : આખી ટીમ નાટ્ય ક્ષેત્ર જોડે સંકળાયેલી હોવાને લીધે કોઈ વિશેષ મદદ મળી તમને?

અભિષેક : થિયેટરના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. ૩૦-૩૫ દિવસ સતત રિહર્સલ કરીને પણ આપણું ૧૦૦ ટકા બેસ્ટ કરવાનું છે અને તે પણ દર વખતે, એ વાત એમને ખબર હોય છે. નાટ્યક્ષેત્રના લોકો પોતાને ખૂબ જ તૈયાર કરે છે. પછી ભાષા હોય, ઉચ્ચાર હોય, પાત્રની ઝીણવટ હોય, એ પોતે જ તૈયારી કરે છે. સહકલાકારો સાથે કેવી રીતે વર્તવું એ પણ એ લોકો જાણે છે. આ બધાનો મને ખૂબ ફાયદો થયો.  

પ્રશ્ન : ફિલ્મનો સમય અને પટ જોતાં, તૈયારી માટે તમે કલાકારો માટે કોઈ કાર્યશાળા રાખી હતી?

અભિષેક : સહુથી પહેલાં બોલી સમજાવવા માટે એની કાર્યશાળા રાખી. તે પછી પ્રત્યેકને પોતાનું પાત્ર સમજાવવા માટેની કાર્યશાળા રાખી. સંપૂર્ણ સ્ક્રીનપ્લે ત્રણથી ચાર વાર કહેવામાં આવ્યો. હું જાતે વાર્તા કથન કરતો. જેથી કરીને એ જે પણ બોલવાના કે વર્તવાના હોય એના આગળ-પાછળના સંદર્ભ એમને મોઢે હોય. બોલી માટે પણ એવું જ હતું કે ખાલી સંવાદ બોલે એવી અપેક્ષા ન હતી; કારણ સૌમ્ય જોશી જેવો લેખક જ્યારે સંવાદ લખે છે ત્યારે એ એમ જ કોઈ પણ વાક્ય લખતો નથી. પ્રત્યેક સંવાદના અંડર કરંટ ખબર હોવા જોઈએ એટલે એના માટે પણ અમે ઘણા દિવસો આપ્યા.

શુટિંગ પહેલાં બધાંને પ્રત્યક્ષ રીતે કચ્છમાં લઈ ગયા. ત્યાં લોકો કેવી રીતે ચાલે છે, બોલે છે, ઊભા રહે છે, આ બધાં વિષયોનું નિરીક્ષણ કરાવવું અપેક્ષિત હતું. શૂટિંગ માટે એક ગામડું તૈયાર કર્યું હતું. ત્યાં માટીનાં ઘર હતાં. આ અભિનેત્રીઓએ પોતાનાં ઘરોનું જાતે જ માટીથી લીંપણ કર્યું. ઉપરાંત ફિલ્મમાં પાણી ભરવાનાં સીન હતાં. આ સીન માટે એમને માટલાં ઉપાડવાનાં હતાં. માટલાં ઉપાડીને ચાલવાની પ્રેક્ટિસ કરાવી. કારણ કે અમને કોઈ પણ ફ્રેમમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ અનૈસર્ગિક લાગવા દેવી ન હતી. એવું થાય તો એ ફેક લાગ્યું હોત. એક્ટિંગ લાગી હોત.

પ્રશ્ન : ફિલ્મ માટેનું ભંડોળ ક્યાંથી મેળવ્યું?

અભિષેક : અમે ચાર પાર્ટનર્સ છીએ. પ્રતીક ગુપ્તા, મીત જાની, અને આયુષ પટેલ અને હું. મુખ્ય નિર્માતા આશિષ પટેલ. આશિષ પટેલે ફિલ્મનું નિર્માણ કર્યું. માત્ર દસ જ મિનિટનું ‘નરેશન’ સાંભળીને તેઓ પૈસા રોકવા તૈયાર થયા. તો પણ બધી રીતે આ અમારા માટે અઘરી વાત તો હતી જ. અમદાવાદથી ૪૦૦ કિલોમીટર દૂર જવું પડવાનું હતું. ૪૫ ડિગ્રીની ગરમીમાં એપ્રિલમાં શૂટ કરવાનું હતું, જ્યાં ખાવા-પીવાની સારી સગવડ ન હતી. રહેવાની સગવડ પણ ૨૦ કિલોમીટરના અંતર પર થવાની હતી. પણ આશિષ ભાઈએ ક્યાં ય કંજુસાઈ કરી નહીં. કોઈ પણ ગુજરાતી ફિલ્મ જે બજેટમાં બને છે એ જ બજેટમાં અમે ફિલ્મ બનાવી.

ખરું તો આ વાત ને બીજી રીતે પણ જોવાય કે – રાષ્ટ્રીય પુરસ્કાર માટેની સ્પર્ધામાં અમારી આગળ ઉત્તમ બંગાળી, મલયાલી, પંજાબી, અને હિન્દી ફિલ્મો તો હતી જ, એમાંથી સર્વોત્તમ ફિલ્મ તરીકે એવી ફિલ્મ પસંદ થઈ જે ઓછા પૈસામાં બની છે. ઉત્કૃષ્ઠ ફિલ્મ બનાવવા માટે વસ્તુતઃ એક સારી વાર્તા, સારી ટીમ જોઈતી હોય છે.

પ્રશ્ન : ફિલ્મની કથાવસ્તુ આજના સમય સાથે કેટલી સુસંગત છે?

અભિષેક : થોડા દિવસ પહેલાં મારી એક કોલેજની બહેનપણીએ મને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. તેણે કહ્યું કે આપણે કૉલેજમાં સાથે હતાં. પછી મેં એની પ્રોફાઈલ જોઈ, તો મને એનો એકે ય ફોટો દેખાતો ના હતો. બધા જ દેવોના અને ગુરુ-મહારાજાઓના ફોટા હતાં. નામ પરથી એ મારી કૉલેજની મિત્ર છે એવું સાબિત થતું ન હતું. છેવટે એને આ વાત મેં સ્પષ્ટ રીતે પૂછી તો એણે કહ્યું કે મારા પતિને ગમતું નથી.

બીજી પણ આવી જ એક મિત્ર જે વૉટ્‌સઍપ ડીપીમાં ફિલોસોફીની શિખામણોના ફોટા લગાવે છે. મેં કીધું, તું શું દુનિયાને જ્ઞાન આપતી હોય છે?! તેનો પણ આ જ ઉત્તર હતો કે પતિને બીજું કશું મૂકેલું ગમતું નથી. આવી ઘટનાઓ ઘણાં વર્ષોથી મારા મનમાં ઘોળતી હતી. આવી અનેક વાતો તમારા મગજમાં ઘર કરીને રહેતી હોય છે. મેં એ વાતોને આ વાર્તા જોડે સાંકળી લીધી. તમે એવું કોઈને જ ના કહી શકો કે, તું નાચી શકતી નથી, તુ ગાઈ શકતી નથી, તુ ઊડી શકતી નથી, યૂ કાન્ટ મુવ …. વગેરે. પછી ભલે તમે એમના પિતા, ભાઈ, બૉયફ્રેન્ડ, પતિ જે પણ હો. એ સ્ત્રીઓ ટ્રીગર પોઈન્ટ હતી. ઘણા બધા પુરુષો પોતાની પત્નીનું શહેરી પદ્ધતિથી દમન કરવાનું – અર્બન સપ્રેસ્ડ કરવાનો પ્રયત્ન કરે છે. આજના સમયના આવાં બધાં જ સ્ત્રી-પુરુષ આ વાર્તા સાથે રિલેટ કરી શકશે.

પ્રશ્ન : આ ફિલ્મ બનાવવા માટે કેટલા દિવસ લાગ્યા?

અભિષેક : જ્યારથી આ ફિલ્મનું કથાબીજ મનમાં રોપાયું ત્યારથી અત્યાર સુધી જોઈએ તો ફિલ્મના લેખન માટે દોઢ વર્ષ લાગ્યું, પ્રોડક્શન માટે ચાર મહિના, શૂટિંગ માટે ૩૨ દિવસ લાગ્યા. પોસ્ટ પ્રોડક્શન એટલે એડિટિંગ, સાઉન્ડ ડિઝાયનિંગ, પાર્શ્વ સંગીત, કલર-કરેક્શન આ બધા માટે બીજા નવ મહિના લાગ્યા.

પ્રશ્ન : આ ફિલ્મને ગુજરાત સરકારે પણ બે કરોડનું ઈનામ જાહેર કર્યું છે ને?

અભિષેક : ગુજરાતમાં પ્રાદેશિક ભાષામાં ફિલ્મ બનાવવા બદલ સરકારશ્રી દ્વારા અનુદાન મળે છે. ફિલ્મ પૂરી થયા પછી બધા કાગળો અને બિલો પૂર્ણ કરી જમા કરાવવા પડે છે. એમાં કથા, દિગ્દર્શન, અને તમારી કેટલી ટિકિટો વેચાઈ છે આ બધાને ગુણ આપવામાં આવે છે અને એના પરથી અનુદાનના ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’ પ્રકાર પ્રમાણે રકમ મળે છે. એ પ્રકારના અનુદાનમાં ૭૫ લાખ રૂપિયા મળે છે. આ અનુદાનમાં એક એવી પણ જોગવાઈ છે કે જો ફિલ્મને રાષ્ટ્રીય – અંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળે તો અનુદાન માટે અરજી કરવી પડશે નહીં. પુરસ્કારની રકમમાંથી અનુદાન આપ મેળે આપી દેવાય છે. ટૂંકમાં, આ ફિલ્મ માટેનું અનુદાન છે. ‘હેલ્લારો’ને સુવર્ણકમળ મળ્યું છે માટે બે કરોડ રૂપિયાનું ઈનામ મળશે. આ અનુદાન પ્રોત્સાહન તરીકે જ આપવામાં આવે છે.

પ્રશ્ન : ફિલ્મ અત્યાર સુધી કેમ પ્રદર્શિત કરી નથી?

અભિષેક : અમારી ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૮માં પૂરી થવાની હતી. એના પહેલાં અમે ચાર પાર્ટનર્સે નક્કી કર્યું હતું કે – જ્યાં સુધી વાર્તા કાગળ પર પૂરી લખાઈ ન જાય, ત્યાં સુધી આગળનું કામ હાથ ઉપર લેવું નહીં. જ્યાં સુધી વાર્તા પોતે ના કહે કે – હવે શૂટિંગ કરવામાં વાંધો નથી ત્યાં સુધી આગળ વધવું નહીં. આથી અમે લેખન માટે પણ ખાસ્સો સમય લીધો. આજ વાત પોસ્ટપ્રોડક્શનની મીટિંગમાં પણ નક્કી કરી. ડાયરેક્ટર અને એડિટર તરીકે જ્યાં સુધી આપણને પૂર્ણ સંતોષ થતો નથી ત્યાં સુધી એડિટિંગનું કામ કરતાં રહેવું. પોસ્ટ પ્રોડક્શન માટે અમે પૂરો સમય લીધો.

સેન્સર બૉર્ડ પાસેથી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સર્ટિફિકેટ લીધું. માટે ૨૦૧૮ની સ્પર્ધામાં સહભાગી થઈ શક્યા. એવો વિચાર હતો કે, માર્ચ-એપ્રિલ સુધીમાં પુરસ્કારો જાહેર થશે અને પછી ફિલ્મ રીલીઝ કરીશું. પણ આ વખતે ચૂંટણીઓ હતી અને આખું પ્લાનિંગ ફસકી ગયું. દરમ્યાનમાં બહારના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ફિલ્મ મોકલવાનું શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સની એવી શરત જ હોય છે કે ત્યાં ફિલ્મનો માત્ર પ્રીમિયર જ થશે. લોકો પૈસા ભરીને ફેસ્ટિવલમાં આવતા હોય છે. ફિલ્મ પહેલાં રીલીઝ કરી હોય તો તેઓ ફેસ્ટિવલ માટે એને લેતા નથી. બર્લિન, ટોરોન્ટોમાં પણ ફેસ્ટિવલ માટે ફિલ્મ મોકલી છે, પણ હજી સુધી ત્યાંથી ઉત્તર આવ્યા નથી. અને રાષ્ટ્રીય પુરસ્કારો પણ ઘોષિત થતાં નથી. એવી દ્વિધામાં અમે ફસાઈ ગયા હતાં. પણ હવે ઑક્ટોબરમાં ફિલ્મ રીલીઝ કરીશું. 

પ્રશ્ન : પહેલી જ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવાના કારણે તમારી ભાવનાઓ શું છે?

અભિષેક : આજે હું ૩૬ વર્ષનો છું. સાડા પાંચ વર્ષ પહેલાં ડિસેમ્બર ૨૦૧૩માં મારે ત્યાં દીકરીનો જન્મ થયો. હું અતિ આનંદમાં હતો. દીકરીના જન્મ પછી હું એટલો બધો ખુશ હતો કે બસ આ સ્તરનો આનંદ મને ફરી મળશે એવું મને લાગ્યું ન હતું! પણ એ જ સ્તરનો સંતોષ મને હમણાં થાય છે. કહી ન શકાય એવી ભાવનાઓ છે.

પ્રશ્ન : ગુજરાતમાં કયા પ્રકારની ફિલ્મો સ્વીકાર્ય છે? ત્યાંનું માર્કેટ કેવું છે? ‘હેલ્લારો’નો ગુજરાતી સિનેમાસૃષ્ટિમાં શું રોલ રહેશે?

અભિષેક : અહીંયા હજી સુધી વ્યાવસાયિક, મનોરંજનાત્મક ફિલ્મો બનાવવાનો રિવાજ છે. લોકોને ગમશે એવા જ મસાલાપટ બને છે અને જોવાય છે. એવું જ થતું રહે તો તમારી સિનેમા સૃષ્ટિ આગળ વધતી નથી. પછી એ માત્ર ધંધો બની જાય છે. ફિલ્મમેકર માટે એ ધંધો ન હોવો જોઈએ. એ નિર્માતા માટે, તંત્રજ્ઞ માટે, ધંધો હોઈ શકે છે; પણ ફિલ્મ મેકર્સ માટે ન હોવો જોઈએ. અન્યથા સિનેમા નિર્માણમાંથી કોઈ પણ વિચાર આગળ નહીં આવે. હું જોઉં છું ‘શ્વાસ’ ફિલ્મ પછી મરાઠી ફિલ્મ સૃષ્ટિ પુનર્જીવિત થઈ હોય એવું લાગે છે. એવું જ ‘હેલ્લારો’ પછી ગુજરાતી સિનેમાસૃષ્ટિમાં થવું જોઈએ, આવી અપેક્ષા છે. હેલ્લારો જો ગુજરાતી સિનેમાસૃષ્ટિને એક નવી દિશા આપવાનો યશ પ્રાપ્ત કરે, તો એ બહુ જ મોટો પુરસ્કાર થશે. ગુજરાતી સિનેમા હજી સુધી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી નથી. ‘હેલ્લારો’ના કારણે ગુજરાતી સિનેમાનું આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જવું, એ બહુ જ મોટી વાત હશે.

પ્રશ્ન : છેલ્લો પ્રશ્ન. હમણાં જ તમે સાને ગુરુજીનો ઉલ્લેખ કર્યો. હવે ‘હેલ્લારો’ને ‘સુવર્ણ કમળ’ મળ્યું છે. સાને ગુરુજીની ‘શ્યામ ચી આઈ’ પર આધારિત ફિલ્મને પણ સુવર્ણ કમળ મળ્યું હતું. તમે ‘શ્યામ ચી આઈ’ ફિલ્મ જોઈ છે?

અભિષેક : સહુથી પહેલું સુવર્ણ કમળ ‘શ્યામ ચી આઈ’ ફિલ્મને મળ્યું હતું, એ મને ખબર છે. પહેલાં જ્યારે જુદી જુદી ભાષાઓ, પ્રદેશોની ફિલ્મો મેળવીને જોતાં હતાં, એ યાદીમાં ‘શ્યામ ચી આઈ’એ ફિલ્મ પણ હતી. પણ દસ-બાર વર્ષ પહેલાં ફિલ્મો એટલી સહેલાઈથી ઉપલબ્ધ ન હતી. કદાચ મારા પ્રયત્નો પણ ઓછા પડ્યા હશે. આ કારણોથી ફિલ્મ જોવાની રહી ગઈ છે. પણ મેં ‘શ્યામ ચી આઈ’ પુસ્તક વાંચ્યું છે. સાને ગુરુજીના લેખનથી પરિચિત છું. ‘શ્યામ ચી આઈ’નું સાહિત્યિક મૂલ્ય હું જાણું છું. માટે આજે કોઈ કહે કે મારી ફિલ્મ ‘હેલ્લારો’ ‘શ્યામ ચી આઈ’ ફિલ્મની હરોળમાં બસશે, તો એ મારી માટે બહુ જ સન્માનની વાત હશે.

[મરાઠી સામયિક ‘સાધના’(૫-૧૦-’૧૯)ના સદ્‌ભાવથી, અનુવાદ – સ્મિતા કરંદિકર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 20-23 તેમ જ 16

Loading

29 October 2019 admin
← લ્યો, આ ચીંધી આંગળી – પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો!
બેનો : ભગિનીઓ: →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved