સરકારી યોજનાઓનો અવિચારી અમલ, ઓળખાણ અને દબાણમાં અપાયેલી લોન્સ, ગ્રાહકો સાથે તંગ પણ મોટાં માથા સાથેનો ઢીલો વહેવાર સરકારી બૅંકો માટે ઉધઇ સાબિત થયો
ગયા અઠવાડિયે કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારામને રાજ્યસભામાં જણાવ્યા અનુસાર ૨૦૧૯-૨૦નાં નાણાકીય વર્ષનાં પહેલા છ મહિનામાં જ સરકારી બૅંકોમાં છેતરપીંડીનાં ૫,૭૪૩ કેસીઝ નોંધાયા છે. આ છેતરપીંડીઓની રકમ ૯૫,૭૬૦ કરોડ જેટલી છે. ૨૦૧૮-૧૯નાં સંપૂર્ણ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નોંધેલા છેતરપીંડીના કેસીઝ કરતાં આ આંકડો કંઇક ગણો વધારે છે. ભારતીય બૅંકોની હાલત ‘એક સાંધો અને તેર તૂટે’ જેવી થઇ છે. માલ્યા અને મોદી જેવા વ્યાપારીઓને કારણે બેંકની શક્તિને ઉધઇએ કોરી ખાધી છે.
આમ તો ભારતીય અને ચાઇનિઝ અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યાં છે, પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યા છે. ચીનમાં ક્રેડિટ એક્સપેન્શનને કારણે અર્થતંત્રનાં વિકાસને નવી ગતિ મળી છે અને જી.ડી.પી.માં પણ વધારો થયો છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતમાં પણ ક્રેડીટમાં વધારો થયો છે પણ એ એટલા નીચા સ્તરેથી શરૂઆત થઇ હતી કે જી.ડી.પી.માં ખાનગી ક્ષેત્રનું દેવું ઓછું થતું ગયું – એ સ્તરે કે વિકસિત અર્થતંત્રની સરેરાશનાં અડધા ભાગ કરતાં ય ઓછું. આ તફાવત જોતા એમ લાગે કે ચીનમાં બેંકની હાલત કથળી હશે કારણ કે દેવાનાં બોજ તળે તેનાં પાયા હચમચી ગયા હશે અને ભારતીય બૅંકો ધીમા ક્રેડીટ એક્સપેન્શનને કારણે સ્થિરતા માણી રહી હશે, પણ કમનસીબે પરિસ્થિતિ આનાથી તદ્દન ઊંધી છે. વિશેષજ્ઞોનાં મતે ચીનમાં ગમે ત્યારે ક્રેડિટ ક્રાઇસિસની સ્થિતિ ખડી થઇ શકે છે પણ ભારતમાં તો ક્રેડિટ ક્રાઇસિસ ક્યારની ય ચાલે છે. મંદીનાં આકરાં સંજોગોમાં ગ્રીસ, પોર્ટુગલ અને ઇટાલીમાં પણ આપણે ત્યાં થઇ છે એવી કફોડી હાલત નથી થઇ.
૧૯૬૯માં બૅંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને ૨૫ વર્ષ સુધી આ તંત્રએ ભારતીય બેંકિગ ક્ષેત્રમાં ઇજારાશાહી માણી. તમામ રાષ્ટ્રીયકૃત બૅંકોમાં મેનેજમેન્ટનું માળખું, માનવ સંસાધનને લગતી નીતિઓનાં ધોરણ એક સરખા હતા અને સરકારી બૅંકો જાણે જુદાં નામ હેઠળ કામ કરતું એક માળખું હતું. ૧૯૯૧માં આર્થિક ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિને પગલે નવી બૅંકો માટે લાઈસન્સ અપાયા. ૨૦૦૦નાં દાયકામાં ખાનગી બૅંકોએ સરકારી બૅંકોને સ્પર્ધા આપવાનું શરૂ કર્યું અને સરકારી બૅંકોની નબળાઇઓ ‘પેંડોરાઝ બૉક્સ’ની માફક જાહેર થઇ ગઇ. સરકારી બૅંકોમાં વહીવટી તંત્ર સાવ નબળું સાબિત થયું. સરકાર હેઠળ આવતી હોવાને કારણે અહીં રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સનાં ‘હુકમ’ પ્રમાણે પણ કામ થતું. સરકારી ઓળખાણ ધરાવતા ઉધારિયાઓ સરકારી બૅંકો માટે ઉધઇ સાબિત થયા. રાષ્ટ્રીયકૃત બૅંકોનો ઉપયોગ સરકારી યોજનાઓ માટે થતો હોવાથી આંતરિક વહીવટ વધુ નબળો થતો જાય. સરકારની મુદ્રા યોજના અને જન ધન યોજનાને જે રીતે વેગ અપાયો તેમાં રાષ્ટ્રીયકૃત બૅંકોને ઘણું વેઠવું પડ્યું કારણ કે જે પણ યોજનાઓ કે વ્યવસાયોને લોન્સ અપાઇ તે કોમર્શયલી કેટલા સફળ થઇ શકશે તેની કોઇ નક્કર ખાતરી કે ચોકસાઇ ન મળી શકી. વળી સરકારી બૅંકોમાં રિસ્ક મેનેજમેન્ટ પણ જોઇએ એટલું મજબૂત નથી.
રાષ્ટ્રીકૃત બૅંકો પ્રત્યે સરકારનો પોતે જ માલિક અને પોતે જ મેનેજર જેવો અભિગમ જ આ બૅંકોની બેહાલીનું ખરું કારણ છે. આ બૅંકો જ્યારે તેના ગ્રાહકો સાથે કામ પાર પાડે ત્યારે સ્પર્ધાત્મક વલણ રાખે અને બાકી બધી કામગીરીમાં સરકારી ખાતું હોય તે વલણ અપનાવે પ્રકારની અપેક્ષા રાષ્ટ્રીયકૃત બૅંકોની પાયમાલી નોતરી ચૂકી છે. દરેક રાષ્ટ્રીયકૃત બેંકની કામગીરી ભૌગોલિક સંજોગો અને ગ્રાહકોની માંગ અનુસાર અલગ હોવી જોઇએ, પણ સરકારનાં હાથમાં સુકાન હોવાથી આ કરવું તેમને માટે શક્ય નથી રહ્યું. ‘બૅડ લોન્સ’નો ઉકેલ લાવવા માટે પણ આ બૅંકો સક્ષમ નથી જેનું એક કારણે એ પણ છે કે પબ્લિક સેક્ટર બેંકર્સને લોન રિકવરીનાં બદલામાં મળતું વળતર બહુ ઓછું છે.
આ તમામ બૅંકોની કામગીરીમાં શિસ્ત, નિયમિતતા અને ચોકસાઈપૂર્વકની કડક દેખરેખ રાખવી એ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની જવાબદારી છે, જેમાં ઢીલું મુકાયું હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. તાજેતરમાં સરકારે રાષ્ટ્રીયકૃત બૅંકોનાં એકીકરણનું પગલું લીધું છે જેને કારણે વહીવટ સરળ બની શકશે પણ જે સડો પેઠો છે તે રાતોરાત સાફ થઇ જશે તેમ માનવાની ભૂલ ન કરી શકાય. નોન પરફોર્મિંગ એસેટ્સનો પ્રશ્ન ખાનગી બૅંકોમાં એટલો ગંભીર નથી જેટલો રાષ્ટ્રીયકૃત બૅંકોમાં છે. રાષ્ટ્રીયકૃત બૅંકોનું ખાનગીકરણ આ સમસ્યાનો ઉકેલ સાબિત થઇ શકે છે. આપણા દેશને બહુ સ્પષ્ટ માળખાકિય પરિવર્તન કરીને બેંક ક્રાઇસિસનો અંત આણવો પડશે. ફાઇનાન્શિયલ રિઝોલ્યુશન અને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ દ્વારા અપાયેલા પ્રસ્તાવમાં આ માળખાકિય પરિવર્તનની વાત હતી પણ સરકારે તે પાછા ખેંચી લીધા.
આપણે ત્યાં ઉધાર અપાતા નાણાંનો, એટલે કે લોન્સનો ૭૦ ટકા હિસ્સો સરકારી બૅંકો આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તગડી લોન આપી હોય અને પછી ભરપાઇ ન થવાને કારણે જેની છાતીનાં પાટિયા બેસી ગયાં હોય તે બધી સરકારી બૅંકો જ છે. મસમોટા ઉદ્યોગપતિઓ ‘ડિફૉલ્ટર’ સાબિત થયાં છે અને મોટે ભાગે આ બધી લોન ભરપાઇ ન થવા પાછળ ઓવરકૅપેસિટી, કોમોડિટીની કિંમતોનું પતન અને ઘોંચમાં પડેલા માળખાકિય પ્રોજેક્ટ્સ મુ્ખ્ય કારણો સાબિત થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટા ૧૨ ડિફોલ્ટર્સ સામે બેંકરપ્સી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા બૅંકોનો સૂચના આપી છે. આ એવા ડિફોલ્ટર્સ છે જે બેંકની નોન-પરફોર્મિંગ લોન્સનો ૨૫ ટકા હિસ્સો છે. નોન-પરફોર્મિંગ લોનની વધતી સંખ્યાને કારણે સરકારી બૅંકોની આવક જાળવવાની ક્ષમતા તળિયે ગઇ છે અને આ કારણે તેની મૂડીની સ્થિતિને પણ ઈજા પહોંચી છે. સરકારી બૅંકોનાં નોન-પરફોર્મિંગ એસેટ્સનો આંકડો આકાશે પહોંચ્યો છે અને અત્યારે આ સંજોગો વણસી રહ્યાં છે કારણ કે રોકાણનો વિકાસ ધીમો પડ્યો છે અને સાથે આર્થિક મંદીનો પ્રભાવ પણ છે. નોન પરફોર્મિંગ એસેટ્સમાંથી ૯૦ ટકા જેટલાં સરકારી બૅંકોનાં એસેટ્સ છે.
દિવસે દિવસે કફોડી બની રહેલી સ્થિતિમાં સૌથી મોટું કારણ છે કે આપણા આર્થિક તંત્રમાં સરકારી બૅંકોની પકડ અને વિસ્તાર ઘણાં વધારે છે. છેલ્લા એક દાયકામાં સરકારે બૅંકોને રિ-કેપિટલાઇઝ્ડ કરીને પબ્લિક સેક્ટર બૅંકોમાં દેશનાં જી.ડી.પી.નાં બે ટકા જેટલાં નાણાનું ઇંધણ પૂરું પાડ્યું છે. હવે જો સરકાર નાણાં ભંડોળ મજબૂત કરવા માગતી હોય તો આ રીતે બૅંકોનું રિ-કેપિટલાઇઝેશન એ અણધાર્યો અને તોતિંગ ખર્ચો જ સાબિત થાય. જે બૅંકો દેશનાં અર્થતંત્રને મજબૂત કરવા માટે ઘડાઇ છે તે જાણે પગ પર મારેલી કુહાડી સાબિત થઇ રહી છે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓની સલાહ આ સંજોગોમાં ચોક્કસ કામ લાગી શકે છે, પણ એ સાંભળવાની ધીરજ અને સમજણ હોવી જરૂરી છે.
બાય ધી વેઃ
આફતને અવસરમાં પલટાવવાની વાતો આપણે ઘણીવાર સાંભળી છે. રાજકીય અને આર્થિક સત્તાધિશોએ રાષ્ટ્રીયકૃત બૅંક્સને માથે પડેલી પસ્તાળને યોગ્ય રીતે નાણીને સ્વીકારવું જોઇએ કે નબળો વહીવટ આ નીતિ અને ધારા ધોરણ આધારિત તંત્રનાં પતનનું કારણ છે, જે આર્થિક વિકાસને પણ રૂંધી રહ્યો છે. વહીવટમાં ધરમૂળથી પરિવર્તન આ આફતથી બચવાનો એક લાંબા ગાળાનો પ્રભાવી ઉપાય છે જે અપનાવવાની અનિવાર્યતા સરકારે સમજવી રહી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2019