થોડાક દિવસથી માણસા નગરમાં ચહલ-પહલ દેખાઈ રહી હતી. અચાનક સફાઈ થવા લાગી, સ્ટ્રીટ લાઈટના થાંભલાનું સમારકામ શરૂ થઈ ગયું. અરે રસ્તે રખડતી ગાયો પણ એક જગ્યાએ પૂરી દેવાઈ. (આ કામ જોઈને તો અમને થયું કે પેલી ’ગાય હટાવો-આંદોલન, માટેની અપીલની તો અસર નહીં હોય ને! અમને થોડોક આનંદ પણ થયો.) પણ એ લાંબો ટક્યો નહીં. કારણ કે આ બધું થવાનું કારણ કાંઈક અલગ જ હતું.
દર વર્ષે બીજા નોરતે એક ભાઈ નગરમાં એક ઠેકાણે થતી નવરાત્રીમાં પૂજા કરવા આવે છે. કહે છે કે હમણાં એ દેશના પોલીસતંત્રના વડા છે, અને આ બધું ઉપર મેં જે વર્ણવ્યું છે એ એમને દેખાડવા માટે થયું હતું.
અમને થયું હશે … એ બહાને તંત્ર થોડુંક સાબદું તો થયું, પણ અચાનક નગરના જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં ખાખી વર્દીવાળા માણસો દેખાવા લાગ્યા. એમની જીપો દોડતી જોવા મળી.
મેં પૂછ્યું આમ કેમ?
તો કોઈકે કહ્યું, સુરક્ષાનો સવાલ છે.
મેં ફરી પૂછ્યું, પણ કોની?
તો જવાબ મળ્યો જેમના સ્વાગતનાં પાટિયાં લાગ્યા છે એમની.
હું બોલ્યો, અલ્યા પણ આજે તો પહેલું નોરતું છે ને?
તો કોઈક જાણકારે કહ્યું, ‘અલ્યા ભાઈ, પૂર્વતૈયારી છે. છેક પાટનગરથી અહીં સુધી પોલીસ ખડકેલી છે.
મારા મનમાં તો હજુ ય અનેક સવાલો થયા. એ ભાઈ પોતાના વતનમાં જ આવી રહ્યા છે તો ય આટલો બધો ડર કોનો હશે? શાને હશે?
અને એક વ્યક્તિની સુરક્ષા માટે આટલી બધી પોલીસ!!!
પોલીસ પ્રજા માટે છે કે ….?
એટલામાં અમારા આશ્ચર્ય વચ્ચે નગરના મુખ્ય માર્ગ પરના વાહન-વ્યવહારને બન્ને બાજુથી સ્થગિત કરી દેવામાં આવ્યો. પાંચ બોલેરો સાયરન વગાડતી વગાડતી ઝડપથી પસાર થઈ. આ દરમિયાન એક ભાઈ રોડ વચ્ચેથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, એમને પોલીસ તરફથી ભૂંડી ગાળો સાંભળવા મળી. કારણ કે એને બિચારાને એ ખબર નહોતી કે ત્યાં આવતીકાલનું રિહર્સલ ચાલે છે.
સાલુ, આમ તો પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનાં નામે બૂમો પાડવામાં આવે છે અને અહીં કેટલું ડિઝલ એમ જ બળી ગયું અને બળી રહ્યું છે !
સુરક્ષાના નામે શાહી ઠાઠ.
આને કહેવાય P.P.L. (પ્રજાના પૈસે લહેર)
બીજા નોરતાનો દિવસ ઊગ્યો, ફરી માર્ગો પર જોયું, તો ગઈ કાલ કરતાં ય વધુ ખાખી વર્દીધારી માણસો. Stand to રહેવાનો ઑર્ડર મળ્યો હોય, એટલે ઊભું જ રહેવું પડેને …!
એમાંના એક ભાઈ સાથે સંવાદ થયો, તો જાણવા મળ્યું કે એમને પોલીસ-સ્ટેશનનું કામ પડતું મૂકીને સતત બંદોબસ્તમાં જવું પડે છે.(દેશમાં રોજેરોજ કાર્યક્રમો ચાલુ જ હોય છે ને!)
એમનું મૂળભૂત કામ પ્રજાની સુરક્ષાનું છે, પણ હમણાં તો નેતાઓ જ એમનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
અને વિશેષ દુઃખ એ વાતનું કે એમાં માનવીય અભિગમનો અભાવ હોય છે.
દિવસ દરમિયાન વરસાદ સતત ચાલુ હતો એટલે ’ચોકીદાર’ની સુરક્ષા માટે ઊભેલા આ સેંકડો ચોકીદારો પલળવાથી બચવા માટે આશરો શોધતા રહ્યા. ભોજન-પાણીનું તો શું કર્યું હશે, ખબર નહીં.
સાંજ પડતા સુધીમાં દરેકના ચહેરા પર થાક દેખાતો હતો. ખરેખર વેઠ. હવે આવા માહોલમાં આપણને પોલીસ-સ્ટેશનમાંથી સંતોષકારક જવાબો ક્યાંથી મળે? (એમની ઊર્જા વેડફાઈ રહી છે.)
આ બધું ચાલતું હતું ત્યાં રાત પડી, હું તો activa લઈને ઘેર પહોંચ્યો પણ મારું મન માણસામાં હતું.
આવનાર માણસ કરતાં ય વધુ રસ મને માહોલ જોવામાં હતો. એટલે હું જમીને ઊપડ્યો. વરસાદ ચાલુ હતો, એટલે હાથમાં છત્રી લઈને ચાલતી પકડી. રસ્તામાં એક રિક્ષા મળી, એટલે ઝડપથી પહોંચાયું.
હું માહોલ જોવા જ આવ્યો હતો એટલે ડાફેરાં મારતો મારતો ચાલતો હતો. વાયરામાં એક હાથે છત્રી સાચવવાનું મુશ્કેલ બનતું જતું હતું, કારણ કે મેં મારો રાત્રિપોશાક પહેર્યો હતો અને એમાંના લેંઘાનું ઇલાસ્ટિક થોડુંક ઢીલું હતું!
પણ મારે છેક સુધી પહોંચવું હતું. રસ્તામાં ગલ્લાઓનો આશરો લઈને બેઠેલા પોલીસવાળા જોવા મળ્યા. (રાહ જોઈજોઈને કંટાળ્યા અને થાક્યા હશે.)
થોડોક આગળ ચાલ્યો, ત્યાં ઠેર ઠેર લોકો બે હાથ જોડીને મને પ્રણામ કરી રહ્યા હોય એવું લાગ્યું! અલબત્ત એ બધા પોસ્ટરમાં હતા.
(હમણાં આની ય ફૅશન ચાલે છે હોં …)
સ્વાગતપોસ્ટર ઉપર લાઇટો પણ પાડવામાં આવેલી કે જેથી એ ઊડીને આંખે વળગે. આનો ય એક સર્વે કરવા જેવો છે કે વર્ષે દહાડે કેટલાં પોસ્ટર લગાડવામાં આવે છે. પ્રજા અને સરકાર પોસ્ટર સંદર્ભે તો સ્પર્ધામાં હોય એવું લાગે છે. પહેલાં તો વેપારીઓની અવનવી જાહેરાતો જોતા હતા, પણ હવે તો એકના એક ચહેરા જોઈને આપણી આંખો ય થાકી ગઈ છે. લગાડો-ઉખાડો અને પૈસા બગાડો. સંસાધનોના બગાડ વિશે પણ વિચારવું રહ્યું.
ધીમે ધીમે હું મુખ્ય સ્થળ પર આવી રહ્યો હતો. રોડની બન્ને બાજુ કેટલાક લોકો દર્શનનો લાભ લેવા ઊભા રહેલા હતા. વરસાદ ના હોત, તો સંખ્યા ઘણી વધારે હોત. રોડની વચ્ચોવચ લગભગ હું એકલો જ ચાલતો હતો. કેટલાક પરિચિત ચહેરા મને આશ્ચર્ય સાથે જોઇ રહ્યા હતા.
(આવા વરસાદમાં ય … રામપુરાથી અહીં …)
મૂળે મને માહોલ જોવામાં રસ હતો, એટલે હું છેક ત્યાં સુધી પહોંચ્યો કે જ્યાં નાકાબંધી કરેલી હતી. મંદિરે પહોંચવાનો રસ્તો બંધ જોઈને મને વિચાર આવ્યો કે શું પૂજારી અને પૂજા કરનાર બેને જ પ્રવેશ છે કે શું? પણ હમણાં તો સુરક્ષાનો સવાલ હતો.
રાતના નવ વાગવા આવ્યા હતા, પણ હજુ કેટલીક દુકાનો ચાલુ હતી. એક ફરસાણવાળાને ત્યાં ઘણા બધા પોલીસવાળા નાસ્તો કરી રહ્યા હતા. બિચારા આખા દિવસના ભૂખ્યા હશે. મનમાં એવો વિચાર પણ આવ્યો કે પૈસા ચૂકવીને જાય તો સારું.
હવે હું એક જગ્યાએ સ્થિર થયો. બીજા કેટલાક દર્શનાર્થીઓ મારી આજુબાજુ ઊભા હતા. હું એકલો એકલો લોકશાહી સંદર્ભી વાતો બકે જતો હતો. પોલીસ પ્રજા માટે છે કે માત્ર નેતાઓ માટે … સુરક્ષા હોય પણ આટલી બધી? … વગેરે વગેરે.
અલબત્ત સંભળાવવા માટે જ. ક્યાંક કોઈક સાંભળનાર ટેકો પણ આપતું.
એટલામાં બે મહિલા-પોલીસ એક રાહદારી બાળકની છત્રીનો સહારો લઈને એમનાં ટોળાં સુધી પહોંચી. (પ્રજા સહકાર આપે છે, હોં …)
બસ, આવનાર આવુ આવુ થઈ રહ્યા હતા. આ દરમિયાન ખાખી વર્દીવાળા લોકોનું B.P. માપ્યું હોય, તો ૨૦૦ ઉપર જ મળે એની ખાતરી. એટલામાં એક બહેન આવ્યાં કે જેમનું ઘર નાકાબંધી કરી હતી એના અંદરના ભાગમાં હતું. પોતાના ઘર તરફ જતાં ય તેઓ ડરતાં હોય એવું લાગ્યું. ખૌફ …
આગમનની એકદમ તૈયારી હતી, ત્યારે બસડેપો બાજુથી ઘેર જનાર રાહદારીઓ પણ (ભયના માર્યા) ખૂબ ઝડપથી જતા હતા. કોઈ ગુનો કર્યા વગર પણ પ્રજાને પોલીસનો ડર લાગે છે એ જોઈને હસવું કે રડવું એ મને સમજાતું નથી.
(કદાચ પેલી બાળપણની બીક તો ઘર નહીં કરી ગઈ હોય ને … બાવો આવશે … પોલીસ પકડી જશે …)
ત્યાં એક વ્યક્તિને જોઈને તો હસવું જ આવ્યું. ભર વરસાદમાં એમના હાથમાં અગ્નિશામકના લાલ બાટલા હતા.(નિયમ એટલે નિયમ)
અને સાયરન વાગી …
પહેલી ગાડીમાંથી P.I. ઊતર્યા.
પછી Deputy Collector.
પછી S.P. આવ્યા.
અને એમના પછીની ગાડીમાંથી તો કદાચ D.I.G.
બોલો જે અધિકારીઓ દિવસે ય માંડ મળે એ અહીં રાત્રે ય હાજર હતા.
એ ગાડીઓમાંથી ઊતરેલ અન્ય લોકોમાંના એક ભાઈ મારી છત્રીના સહારે ઊભા રહ્યા અને મેં ફરી લોકશાહીવાળી કૅસેટ ચાલુ કરી.
આટલો બધો ડર કોનો લાગતો હશે આમને? …
સાલુ ૫૬ની છાતીવાળા ભાઈની જોડે રહીને ય ડરવાનું!
એક જણની આગળ-પાછળ આટલા બધા …
પેલા ભાઈથી રહેવાયું નહીં અને બોલ્યા, protocol હોય.
અને મેં કહ્યું, પ્રજાની સુરક્ષા માટેનો કોઈprotocol ખરો ?
સાંભળવા છતાં એ કાંઈ બોલ્યા નહીં.
(અણગમતો શિષ્ટાચાર નિભાવ્યો.)
પછી પોલીસ તરફ સહાનુભૂતિ દર્શાવતાં બે-ત્રણ વાક્યો પણ હું બોલ્યો.
એમાં ય એમણે કાંઈ જવાબ ના આપ્યો.
(પણ મનમાં ખુશ થયા હશે એ પાક્કું.)
એ પછી મેં સરદાર પટેલને યાદ કર્યા, કારણ કે એ ય એક સમયના ગૃહમંત્રી હતા.
‘સમય-સમયની વાત છે ભાઈ’ બાજુમાંથી કોઈક બોલ્યું.
(જો કે મૂળ વાત અભયની છે.)
અને ધડાધડ એક પછી એક બહુ બધી ગાડીઓ આવી અને લોકોની રાહનો અંત આવ્યો. આવનારે બંધ કાચમાંથી જ દર્શન આપ્યા. નાકાબંધી ખૂલી અને પહેલાં ’થોડાક કલાકના મહેમાન’ અને પછી નગરજનોએ પ્રવેશ લીધો.
હું ય મંદિર બાજુ ગયો, પણ મજા ના આવી, એટલે બહાર નીકળી ગયો.
બસ હું પાછો ફરી રહ્યો હતો, ત્યાં કાફલામાંની એક ગાડીના ડ્રાઇવરે મને બોલાવ્યો. મને એમ થયું કે આ ભાઈ મારા મોઢેથી ટીકા સાંભળી ગયા છે કે શું ?
હું નજીક ગયો, કાચ વધુ ખૂલ્યો.
મારા આશ્ચર્ય વચ્ચે એમણે માનવસહજ પૂછ્યું, ‘આટલામાં પેશાબ કરવાની કોઈ જગ્યા ખરી?’
મેં ખુશ થઈને એક ખંડેર મકાન તરફ આંગળી ચીંધી.
વરસાદ ચાલુ હતો.
એમણે કહ્યું, છત્રી આપોને …
અને મેં હરખભેર છત્રી આપી એ ભાઈને દબાણમાંથી મુક્ત કરવામાં મારો ફાળો આપ્યો.
પેલા ભાઈ સંતોષપૂર્વક પાછા આવ્યા, પછી બીજા એક સૈનિકે પણ છત્રીનો લાભ લીધો.
છત્રી પાછી આપતાં એમણે આભાર વ્યક્ત કર્યો.
હું તો આનંદમાં હતો કે મારી છત્રી રાષ્ટ્રના સૈનિકને રાહત પહોંચાડવામાં કામ લાગી.
લોકો આ સ્નેહ-સહયોગ જોઈ રહ્યા હતા.આખરે કોની ગાડી અને કોનો ડ્રાઇવર …!
(પણ મને એમ થયું કે નેતાઓની જોડે રહેવું સહેલું નથી હોં … મૂતરવાનો ય સમય ના મળે.)
છત્રી લઈને થોડોક આગળ ચાલ્યો. ત્યાં અમારાં એક શિક્ષિકાબહેન દેખાયાં, એમને પ્રણામ કર્યા. થોડીક વાતચીતમાં એમણે કહ્યું, આ આવનાર આપણા ગામનું ગૌરવ કહેવાય હોં …
મેં કહ્યું, પણ એમને ગામ પ્રત્યે બહુ ભાવ હોય એવું લાગતું નથી હોં …
(એવું ખાસ કાંઈ કર્યું નથી ગામ માટે)
બહેને ટેકામાં માથું ધુણાવ્યું.
પછી એ સંવાદ અંગત વાતોથી પૂર્ણ થયો.
થોડોક આગળ ચાલ્યો, ત્યાં કાફલામાંની બીજી એક જીપે મારી છત્રીનો સહારો માંગ્યો, એમને ગાડીનો કાચ સાફ કરવો હતો.
ગાડીની બહાર આવી છત્રીના સહારે કાપેલો બટાકો હાથમાં લઈને એમણે કાચ ઉપર ઘસ્યો. મને આ નવી રીત જાણવા મળી, આભારના શબ્દો સાંભળી હું ફરી આનંદિત થતો આગળ વધ્યો.
આગળ જતાં એક પરિચિત મળ્યા. મને કહે, શું જોઈ આવ્યા?
મેં કહ્યું, આ લોકશાહીમાં એક વ્યક્તિ માટે કેટલું તંત્ર રોકાયું છે, એ જોઈ આવ્યો.
‘બિચારા પોલીસવાળા …’, હું આવું બોલ્યો, ત્યાં તો બાજુવાળા ભાઈ અકળાઈને કહે, ‘બિચારા શાના?’
રોજ ખિસ્સા ભરીને કોણ લઈ જાય છે?
બરાબર છે, આજે જ પૈસા વસૂલ થયા.’
(અગાઉનો કડવો અનુભવ બોલ્યો.)
હજુ કાફલાની લાઈન પૂરી થઈ નહોતી. એમાં છેલ્લે ઍમ્બ્યુલન્સ અને લાલ બંબો ય હતાં. બસ જીવબચાવો-અભિયાન …
આવી જોરદાર વ્યવસ્થાઓ જોઈને મોટાભાગના લોકો અંજાઈ જાય છે પણ ખરેખર વિચારવું જોઈએ.
Protocolના નામે ક્યાં સુધી આવી, આવી સરભરાઓ થતી રહેશે?
કેટલાંક નાકાઓ પર આ મેઘલી રાત્રે પલળતી મહિલા-પોલીસને જોઈને દયા આવી.
પણ પછી એમ થયું કે આ બહાને મહિલા-સશક્તિકરણ થશે!
બસ, હવે ઘણું મોડું થયું હતું, એટલે ઘરની વાટ પકડી.
રસ્તામાં વરસાદ અને વાયરો વધ્યાં.
મારી છત્રી પાંચેક વાર કાગડો થતાં થતાં રહી ગઈ.
(હમણાંથી તો છત્રી ’મોર’ પણ થઈ જાય છે હોં …
કાળા રંગની છત્રી હવે ઓછી છે, રંગીન છત્રી વરસાદમાં પોતાનાં પીંછાં ઊંચાં કરી દે, ત્યારે મોર જેવી જ લાગે ને!)
રસ્તામાં ગાયોને જ્યાં પૂરેલી હતી, એ જગ્યાની પણ મુલાકાત લીધી.
બિચારી …
હવે એમના માલિકો જ એમને લઈ જાય એવી આશા.
છેક સુધી ચાલીને આવ્યો. રસ્તામાં બે ઝાડ પડેલાં હતાં. (એમના નસીબમાં મારા માથે પડવાનું નહીં લખ્યું હોય.)
છત્રી હોવા છતાં ઘેર પહોંચ્યો, ત્યાં સુધી તો લગભગ પલળી જ ગયો હતો.
રાષ્ટ્રવાદી હોવાની નવી (સાંકડી) વ્યાખ્યાઓમાં તો મારો સમાવેશ નહીં થાય.
પણ ત્રણ સૈનિકોને સહારો આપીને મારી છત્રી ’રાષ્ટ્રવાદી છત્રી’ બની એનો આનંદ.
રાષ્ટ્રવાદી છત્રીનાં ય દર્શન કરવા મારા ગામ ’રામ’પુરાની મુલાકાત લઈ શકાય હોં …
અને હા આ સમયે ગાંધીજીનાં અગિયાર વ્રતમાંના ’અભય’ની તાતી જરૂરિયાત છે.
રોહિતવાસ, મુકામ રામપુરા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગર – ૩૮૨ ૮૪૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 08-10