‘ચાય પે ચર્ચા’ની નાટ્યાત્મક (અલબત્ત, થવી જોઈતી) મોદી પહેલ સાથે એક પા રામ માધવની અલ જજીરા મુલાકાત તો બીજી પા પઠાણકોટની આતંકવાદી ઘટના, શું કહેવું આ જુગલબંદીને મિશે અને વિશે.
‘અખંડ ભારત’ની સંઘ પરિવારની પરિકલ્પના(દાયકાઓના દાયકાઓની સંકલ્પના)માંથી ડોકાતો ‘બિગ બ્રધર’વાદ પાકિસ્તાનને પક્ષે સતત ફરિયાદની બાબત રહી છે. ઉલટ પક્ષે, કાશ્મીરમાં લશ્કરી સામેલગીરી સાથે કબાઈલી સંડોવણીને પગલે આ ઉપખંડમાં પાકિસ્તાનનું લોક્સ સ્ટૅન્ડાઈ કે’દીનું સવાલિયા દાયરામાં મુકાયેલું છે. બાંગલાદેશની ઘટનાએ જો એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનના વજૂદને પડકાર્યું છે તો હિંદુ અગર મુસ્લિમ હોવાને ધોરણે દ્વિરાષ્ટ્રવાદના સંપ્રદાયને પણ પડકાર્યો છે. પાકિસ્તાનમાં આવા એક સમગ્ર ચિત્રની દૃષ્ટિએ જો પુનર્વિચાર આવશ્યક છે તો રાષ્ટ્રની હિંદુ વ્યાખ્યા સાથે કથિત અખંડ ભારતના દ્વિભાજનવિભાજનની જે પરિસ્થિતિ સરજાઈ તેમાં પણ સંઘ પરિવારની સંકલ્પનાને નવેસરથી તળેઉપર તપાસવાની તાકીદ પડેલી છે.
વસ્તુતઃ સંઘ પરિવારની, ખાસ કરીને એની પક્ષીય પાંખરૂપ જનસંઘ અને ભાજપની તવારીખમાં કંઈ નહીં તો એવા ત્રણ સંકેતો ખસૂસ પડેલા છે જ્યારે અખંડ ભારત સંપ્રદાય પરત્વે પુનર્વિચારનો સ્વીકાર થયેલો હોય. અલબત્ત, ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ (ગોળવલકર) અને ‘હિંદુત્વ’ (સાવરકર) પ્રકારના વૈચારિક અખાડા અને નિંભાડામાં ઉછરેલ કવાયતી માનસને સારુ આ પ્રક્રિયા કાં તો ઊંધે ઘડે પાણી જેવી અગર તો પાકે ઘડે કાંઠા ચડાવવા જેવી બની રહી છે.
રહો, પહેલાં પેલા ત્રણ સંકેતોની નોંધ, જરી ઉતાવળે. ૧૯૬૪-૬૫માં રામ મનોહર લોહિયા અને દીનદયાલ ઉપાધ્યાયે એક સંયુક્ત નિવેદન પ્રસારિત કરીને ભારત-પાક અર્ધસમવાય (કોન્ફેડરેશન)ની હિમાયત કરી હતી. પાકિસ્તાનને ગળી જઈ શકતા કે પૂર્વ બંગાળ (બાંગલાદેશ) જેવો સાંસ્થાનિક અનુભવ આપી શકતા ભારત નામે ‘બિગ બ્રધર’ને બદલે ૧૯૪૭માં અસ્તિત્વમાં આવેલા બે સ્વતંત્ર દેશો એકબીજાના રાજકીય અસ્તિત્વના સમાદરપૂર્વક સાથે હોઈ શકે એવું અને છતાં ઉપખંડને જોડતું આ સૂચન હતું. સ્થાપના સમયથી આશરે દોઢ દાયકા સુધી વારે વારે ‘અખંડ ભારત’ દોહરાવતા જનસંઘમાં પુનર્વિચારની સહેજસાજ પણ આ પહેલ હતી.
બીજો સંકેત ૧૯૯૯માં લાહોરની બસ પહેલ સાથે વડાપ્રધાન વાજપેયીએ આપ્યો હતો, ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાત લઈને. મુસ્લિમ લીગે ૧૯૪૦માં પાકિસ્તાનનો ઠરાવ કર્યો એ સ્થળે રચાયેલો આ કીર્તિમિનાર છે. મતલબ, સ્વતંત્ર ભારત સ્વતંત્ર પાકિસ્તાનનો લિહાજ કરે છે એ મતલબનું જવાહરલાલ નેહરુ હસ્તક હોઈ શકે એવું આશ્વાસનકારી અભયવચન આપવાની હિંમતભરી પહેલ સંઘ પરિવારી વાજપેયીએ કરી હતી.
ત્રીજો સંકેત, હમણાં જેમનું નિધન થયું અને દારા શિકોહની સ્મૃિત સાથે સંકળાયેલા ઉદ્યાનમાં દફન થયું તે મુફતી મોહમ્મદ સઈદ (પીડીપી) સાથે ભાજપે કાશ્મીરમાં રચેલી સંયુક્ત સરકાર વાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામોની કોમી ધ્રુવીકૃત તાસીર (જમ્મુમાં ભાજપ અને કાશ્મીર ખીણમાં પીડીપી)ને સુલઝાવતી આ સમજૂતી હતી. નેશનલ કૉન્ફરન્સને મુકાબલે અલગતાવાદીઓ સાથે કંઈક ખુલ્લાપણાથી જઈ શકતા મુફતી મોહમ્મદ સઈદ જોડે જોડાણ કરવા પૂંઠે સત્તાધક્કા ઉપરાંત પુનર્વિચારની અનિવાર્યતા નથી તેમ કહી શકાતું નથી.
નહીં કે પાકિસ્તાનને પક્ષે કસુર નથી. નહીં કે પાકિસ્તાન કથિત ‘નૉનસ્ટેટ ઍક્ટર્સ’ને લાંબો વખત પોષ્યા અને કેટલોક વખત સાંખ્યા પછી હવે પુનર્વિચારની કશ્મકશમાં નથી. નહીં કે મજહબી રાષ્ટ્રવાદ વિ. બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના મુદ્દે ત્યાં ૧૯૪૭ને મુકાબલે જુદેસર વિચારવલણો નથી. ઉલટ પક્ષે, ભારતમાં આજે સત્તારૂઢ વિચારધારાએ, ખાસ કરીને એના અખાડા અને નિંભાડામાં પાકેલા કવાયતી જમાવડાએ પણ નવેસર વિચારવાની તાકીદ એટલી જ સાફ છે.
ભારત સરકારે પાકિસ્તાન તરફથી થતી હરકતો બાબતે શુચિર્દક્ષ પ્રતિભાવ બેલાશક આપવો રહેશે, જેમ કોઈ પણ સરકારે બીજી સરકાર પરત્વે સતર્ક ને સાવધ રહેવાપણું છે. પણ ચક્રવર્તી સમ્રાટ પરંપરામાં રાજ્યની વિસ્તરતી હદો (સાંસ્કૃિતકને નામે રાજનૈતિક લેબેનસ્રોમ) એ એક જીર્ણમતિ અને પ્રતિગામી એટલી જ વિપરીતપરિણામી સંકલ્પના છે. દુનિયાભરમાં આવનજાવન, વસનપુનર્વસન અને ડાયસ્પોરા-દ્વિનાગરિકતા દોર વચ્ચે જૂના રાષ્ટ્રવાદે હવે વિશ્વમાનવતાના વ્યાપક સંદર્ભમાં બંધારણીય રાષ્ટ્રવાદરૂપે એક લચીલું રૂપ લેવું રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2016; પૃ. 01-02 & 19