એને સાવ ચાના કપમાંના તોફાન પેઠે બાજુએ મૂકવાની જરૂર નથીઃ પ્રણવ મુખર્જીની નાગપુર મુલાકાતમાં માનો કે એક સીધી રાજકીય ચેષ્ટાને મુદ્દે (ખાસ કરીને, ભાજપ માટે વિષમ સંજોગોમાં તેઓ સંઘમાન્ય ’કૉન્સેન્સસ કેન્ડિડેટ’ હોવાના સંભાવના બજાર બાબત) અગ્રતાક્રમે ધ્યાન ન આપીએ; પણ એમણે સંઘ શિક્ષા વર્ગમાં જે સમારોપ વચનો ઉચ્ચાર્યાં એ સંદર્ભે નિરીક્ષા અને નુક્તેચીનીથી હટીએ પણ નહીં.
સંઘ શ્રેષ્ઠીઓ અને આ લખનાર સહિત અનેક, સંવાદ ચાલવો જોઈએ એવી એક લોકશાહી રાષ્ટ્રજીવનની ભૂમિકાને ધોરણે સકારાત્મકપણે આખી વાતને ઘટાવવા માનો કે રાજી પણ હોય. પણ પ્રણવ મુખર્જીએ વ્યક્ત કરેલા વિચારો બાબતે સંઘસ્થાનોમાં કે આનુષંગિક બેઠકોમાં વિચારવિનિમયનો કોઈ ખયાલ હોય તો આપણને એ ખબર નથી. મુખર્જીએ પ્રાચીન પરંપરાના ગૌરવયુક્ત હવાલાથી જે પૂર્વાર્ધ રજૂ કર્યો, રાષ્ટ્રવાદની પૃષ્ઠભૂ રૂપે, સંઘ એથી રાજી જ હોય. અને પોતે ૯૩ વરસથી આ સ્તો કહી રહ્યો છે એવો આત્મસંતુષ્ટિના ઓડકારપૂર્વકનો દાવો પણ વાજબી રીતે કરી શકે.
અહીં પ્રશ્ન વસ્તુતઃ જુદો છે. પ્રણવદાએ ઉત્તરાર્ધમાં જે વાતો ટાગોરગાંધીનેહરુને સાંકળીને મૂકી, સંઘ એને કઈ રીતે જુએ છે? ટાગોરગાંધીનેહરુ થકી સંમાર્જિત અને સંપોષિત રાષ્ટ્રીય એકંદરમતી (અને આ એકંદરમતીમાં પટેલ ગાંધીનેહરુની સાથે હતા), જેનું પોત સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ધારામાં તેમ જ એ ધારા સાથેની આંતરક્રિયામાં ઘડાયું, સંઘને પક્ષે એને અંગે એક અંતર હંમેશ રહ્યું છે. આ અંતર, એ કદાચ એક નરમ પ્રયોગ છે. એનું વલણ કેવળ વિરોધનું પણ નથી. પોતે એક વૈકલ્પિક વિમર્શનો હકદાર અને છડીદાર છે, એવું એનું માનવું છે. બિપનચંદ્ર જેવા માર્ક્્સીય ઇતિહાસકાર પરંપરાગત સામ્યવાદી સમજમાં આ પૂર્વે અગરાજ એવી જે એક વાત, ગાંધીના પ્રદાનની તેમ જ એમના અભિગમની સાર્થકતાની, અધિકારપૂર્વક રજૂ કરી શક્યા છે એવો કોઈ ગાંધીવિદ્સંઘશ્રેષ્ઠી અને સિદ્ધાંતકોવિદ આ પરિવારને હજુ મળ્યો નથી. એટલે પ્રાતઃસ્મરણમાં ગાંધીનું નામ દાખલ કર્યા પછી અને છતાં ૧૯૨૫(સંઘની સ્થાપના)થી ૧૯૪૮(ગાંધી હત્યા)માં એને સ્વરાજસંગ્રામની ગાંધી સમેતની વ્યાપક ધારા જોડે જે છત્રીસનો સંબંધ હતો અને જે માનસિકતા હતી એમાં કોઈ મૂળગત પરિવર્તન ઝાઝું આવ્યું નથી.
પ્રશ્ન, ગાંધી સાથે સર્વ વાતે સમ્મત થવાનો નહોતો અને નથી. પ્રશ્ન, સર્વસમાવેશી એકંદરમતીપૂર્વક અને સમતામૂલક, રિપીટ, સમતામૂલક ધોરણે સાથે રહેવાનો અને આગળ વધવાનો છે. જે પ્રકારનો રાષ્ટ્રવાદ સંઘ પરિભાષામાં જોવા મળે છે તેને અને આ ભૂમિકાને કદાચ હાડનો વિરોધ છે. ટીલેટપકે ફેરફાર કર્યા છતાં આ અંતર કંઈક કપાતું લાગે ત્યારે પણ ગુણાત્મકપણે તો વણકપાયું જ રહે છે. એટલે પ્રણવદાના પૂર્વાર્ધથી કે અંતમાં જયહિંદ સાથે એમણે વંદેમાતરમ્ જોડ્યાથી સંઘશ્રેષ્ઠીઓ રાજી હોય કે પ્રણવદા એ રીતે સફળ રહ્યા હોય, પેલું ગુણાત્મક અંતર કપાયાની સાહેદી મળવી હજુ બાકી છે.
વાત એમ છે કે કથિત સંવાદ હજુ, સૂચિત જેવો છે. એ જેટલે અંશે ’મોનોલૉગ’ છે એટલે અંશે ‘ડાયલૉગ’ નથી તે નથી. હવાપાણી ને ખબર અંતર પૂછવા, પરસ્પર જયશ્રીકૃષ્ણ કે ગુડ મૉર્નિંગ કહેવું તે અનિવાર્યપણે સંવાદ નથી. સંઘ સંસ્થાપક હેડ્ગેવારને ’ભારત માતાના મહાન સપૂત’ પ્રણવ મુખર્જીએ કહ્યા જરૂર; સંઘશ્રેષ્ઠીઓ એથી રીઝ્યા જરૂર; પણ હેડ્ગેવારના રાષ્ટ્રવાદમાં ‘યવનસર્પ’ એ ખાસ મુદ્દો હતો એનું પ્રણવદા અને સંઘશ્રેષ્ઠીઓ શું કરશે, સિવાય કે પરસ્પર સંવાદમાં ઊતરવાનું બને. મુદ્દે, અંગ્રેજ આગમન પૂર્વેના ઇતિહાસમાં હિંદુ ને મુસ્લિમ અથડામણોના કિસ્સા જરૂર છે. પણ એ રાષ્ટ્રોની અથડામણના છે? એ જ રીતે હિંદુ ને જૈન અથડામણો પણ છે. બીજી પણ છે. શિયા-સુન્ની સિલસિલો પણ, એમ તો, ક્યાં ચાલુ નથી? એટલે ‘યવનસર્પ’ની સવિશેષ પસંદગી ચોક્કસ વિચાર અને તપાસ માગી લે છે.
સમજવાની વાત તો એ પણ છે કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રરાજ્યનો ખ્યાલ આખો બહુધા સાંસ્થાનિક કાળની ભેટ છે. તે અંગે જે વ્યાખ્યા, વિભાવના વિકસ્યાં એ યુરોપીય ભેટ છે. પ્રણવ મુખર્જીએ એમના સંબોધનમાં ઈ.સ. ૧૬૪૮ની વેસ્ટફાલિયા સંધિનો યુરોપીય સંદર્ભ તાજો કર્યો જ છે. પણ પછી ઉમેર્યું છે કે આપણે તો વસુધૈવ કુટુમ્બકમ્ની વ્યાપક ભાવના તરીકે વિકસ્યા છીએ. સામે પક્ષે, વાસ્તવિકતા એ છે કે આપણી પરંપરાની રીતે સર્વસમાવેશી એવું જે નવયુગી રાષ્ટ્રસ્વરૂપ ઘડાવું જોઈએ એની અવેજીમાં પ્રાચીન ભારતની ખરીખોટી સમજમાં બદ્ધ રહી ધરાર સાંસ્થાનિક (અને તેથી માલિક મુલકની ઘાટીએ) સંઘે આખી વાત પકડી છે. એક તો આ કોલોનિયલ હૅંગ ઓવર, અને પછી વ્યાખ્યાગત સંકીર્ણતા, એટલે લોકશાહી સ્વરાજમાં આટલે વર્ષે હિંદુત્વ પોતે કરીને વીસથી પચીસ ટકે પહોંચતાં હાંફી જતું રહ્યું છે. એના પર વિકાસનો વરખ લગાવી એકત્રીસ ટકે હાલ દિલ્હી હાંસલ થયું છે, પણ ૨૦૧૯માં બેઉ છેડાની શક્યતાઓ ડોકાચિયાં કરી રહી છે. (હમણેના સી-ડી-એસ લોકનીતિ સર્વેક્ષણ મુજબ એન.ડી.એ.ની સ્થિતિ મે ૨૦૧૮માં એવી છે જેવી જુલાઈ ૨૦૧૩માં યુ.પી.એ.ની હતી.)
ગમે તેમ પણ, કોઇ સિનિક તરીકે કે હાડના સંઘવિરોધી તરીકે નહીં પણ જેને સંવાદ ઇષ્ટ છે એવા નાગરિક તરીકે આ ચર્ચા ઉપસ્થિત કરતી વેળાએ જે ફાળ ને ફિકર અનુભવાય છે તે ચોખારીને મૂકવી જોઇએ. ૧૯૪૮માં ગાંધીહત્યા પછી પ્રતિબંધના તબક્કામાંથી સંઘ બહાર આવ્યો એમાં એક તબક્કે વેંકટરામ શાસ્ત્રીની મધ્યસ્થીની ઠીક ભૂમિકા હતી. શાસ્ત્રી વિનીત વિચારધારાની વ્યક્તિ હતા. વિનીત ધારાનો આ ગુણ સંઘ પરિવારને કેટલો વસ્યો હશે વારુ? છેલ્લાં ચાર વરસમાં સહિષ્ણુતાની હર વાત અસહિષ્ણુતાથી લેવાઇ છે તે આપણે જોયું છે.
૧૯૪૭ પછી જે નવી પેઢી આવી (૧૯૭૪ના જેપી જમાનામાં કહેવાતું કે ’૪૭નું ઊંધું ’૭૪) એને આ કળ વળે એવો જોગસંજોગ જરૂર હતો. ‘હમારા ચરિત્ર બદલ રહા હૈ’ એવા વાજપેયીના ત્યારના ઉદ્્ગારોમાં એકરાર અને આશાવાદ હતો. ૧૯૮૦માં જનસંઘના જનતા અવતાર પછી છૂટા પડતાં પાછા જનસંઘ નહીં બનતાં ભારતીય જનતા પક્ષ થવા પાછળ ચોક્કસ એક પસંદગીની સંભાવના હતી. પણ ૧૯૮૪-૮૫થી વળી ‘યુ ટર્ન’ શરૂ થયો. વચગાળામાં, ૧૯૬૦-૭૦ના ગાળામાં એક વાત જરૂર બની હતી – ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ એ ગોળવલકરની કિતાબમાંથી હિંદુ જીવનશૈલી ન અપનાવે તો મુસ્લિમોને કે ખ્રિસ્તીઓને વળી નાગરિક અધિકાર શેના’ એ મતલબનાં વાક્યો વણબોલ્યે પડતાં મુકાયાં હતાં. જો કે સંઘસ્થાનોમાં તે વિશે ચર્ચા વિચારણાના કોઇ સિલસિલા વિના, એ વાક્યોનું પડતું મુકાવું હાડમાં લગારે ઝમ્યા વગર કેવળ ટેક્ટિકલ જેવું બનીને રહી ગયું જણાય છે. અને પેલો ૧૯૮૦ના સ્થાપના ઠરાવનો ’ગાંધીવાદી સમાજવાદ’? રામ જાણે!
વિશ્વનાથ પ્રતાપસિંહના કાળમાં બહારથી ભાજપ અને માર્ક્સવાદી પક્ષ બેઉએ ટેકો કર્યો હતો અને આગળ ચાલતાં વાજપેયીના વડાપ્રધાનકાળમાં પણ પ્રસંગો આવ્યા ન આવ્યા, અને ઠેરના ઠેર. તેર દિવસની સરકારનું રાજીનામું આપતાં વાજપેયીએ સંસદ મારફતે રાષ્ટ્રજોગ ટેલિવાઈઝ્ડ સંબોધનની જે તક ઝડપી હતી એમાં કેટલોક અંશ સંઘમાં આંતરિક સ્તરે નહીં ચર્ચાતી કે નહીં ચર્ચી શકાતી વાતોનો પણ હતો. સંઘ જોગ બોલવા સારુ વાજપેયીને રાષ્ટ્ર જોગ બોલવું પડ્યું હતું, એમ પણ તમે કહી શકો. પૂર્વે જનતા પક્ષની સરકાર પડી ત્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક સાઇન્ડ આર્ટિકલથી વાજપેયીએ સંઘને ઠમઠોર્યો જ હતો કે નક્કી કરો તમે આર્ય સમાજની જેમ સુધાર-સંગઠન છો કે પછી રાજકીય પક્ષ. સંકટમોચક જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે સંઘ શ્રેષ્ઠીઓમાં ખાસ કરીને લોહિયાના ‘હિંદુ બનામ હિંદુ’ની તરજ પર પરસ્પર કોઈ ચર્ચા ચાલી હશે એવી કોઈ પતીજ આપણી કને નથી.
જયપ્રકાશ જેવા જયપ્રકાશ જે પ્રભાવકપણે ન પ્રેરી શક્યા તે પુનર્વિચાર સંવાદ પ્રણવદા થકી શક્ય બને? હા, જો સંઘશ્રેષ્ઠીઓ વ્યૂહાત્મકતાથી આગળ વધી સંઘસ્થાનોમાં મુક્ત ને પુખ્ત ચર્ચાનો દોર ચલાવવાનું મન બનાવી શકે તો. રાષ્ટ્રીય સ્તરે સામસામાં ગઠબંધનોના દોરમાં કપાતા અંતર પછી અને છતાં આ રેખા તો અંડોળવાની રહે જ.
સરસંઘચાલક ભાગવતે આવકાર પ્રાસ્તાવિકમાં કહ્યું એ પ્રથમ શ્રવણે તો ઠીક જ લાગે છે કે ભારતની ભૂમિ પર જન્મેલ પ્રત્યેક વ્યક્તિ ભારતીય છે, અને આપણા પૂર્વજોના ડી.એન.એ. ૪૦,૦૦૦ વરસથી એક છે. પણ આટલું કહ્યા પછીનો એમનો તાનપલટો સૂચક છે : આપણે આ ભૂમિ પર જન્મ લીધો છે એટલા માત્રથી જ આપણે ભારતીય બની જતા નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી.
એથી ઊલટું, પ્રણવદાએ આખી ચર્ચા એક જુદા જ મુકામ પર લાવીને મૂકી દીધી છે. નાગરિકતા કહેતાં સંઘ શ્રેષ્ઠીઓને કોઈ ન્યારા પદાર્થની (હિંદુ/ભારતીય ખાસ થપ્પાની) જરૂરત હોય તો પ્રણવ મુખર્જી એમાં સમ્મત નથી. એમણે કહ્યું છે કે આપણું બંધારણ જ આપણા રાષ્ટ્રવાદનો મૂળ સ્રોત છે. ‘ભારતીય રાષ્ટ્રવાદ’ને ‘બંધારણીય દેશભક્તિ’ તરીકે ઓળખાવી શકાય એમ પણ એમણે ઉમેર્યું છે.
રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો વિશે પશ્ચિમ જોગ ચિંતા ને ચેતવણીનાં ટાગોરનાં વચનો અહીં સાંભરે છે. એ જ ફ્રિક્વન્સી પરનો એમનો ને ગાંધી વચ્ચેનો વિવાદ સદૃશ સંવાદ પણ સાંભરે છે. રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો, એક ઓળખ (આઈડેન્ટિટી) થકી બીજી ઓળખ સામે ‘ધ અધર’ તરીકે કે અન્યથા હિંસ્ર સંભાવનાઓ, આ બધું જોયા પછી હેબરમાસ આદિ વિચારકોએ ‘બંધારણીય રાષ્ટ્રવાદ’ પર ભાર મૂક્યો છે. વિશ્વકુટુંબની ભાવનાપૂર્વકનો હોઈ શકે એવો રાષ્ટ્રવાદ આ છે. ગાંધીજી સુભાષના શબ્દોમાં રાષ્ટ્રપિતા હશે પણ રાષ્ટ્રવાદી નહોતા, એ સમજાય છે?
નમો-ટ્રમ્પના વશની વાત આ નથી જ નથી. માટે સ્તો કહ્યું કે ચોક્કસ રેખા અંડોળ્યા પછી જ મૂળગામી સંવાદ શક્ય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 01-03