એક બાબત સ્પષ્ટ છે કે દરેક રાજકીય પક્ષને તેના ખરાખોટા આદર્શો હોય છે, હિત અને હેતુઓ હોય છે. દરેકનું અંતિમ લક્ષ્ય ક્યાંક ને ક્યાંક, કોઈકને કોઈક સત્તા પ્રાપ્ત કરી ત્યાં ટકી જવાનું હોય છે. એ જુદી વાત છે કે ગમે તેટલું ટકવા છતાં, ક્યારેક તો સત્તા દરેકે છોડવી જ પડે છે અથવા તો કોઈ તે છોડાવે જ છે. કોઈ સરમુખત્યાર પણ કાયમ એકહથ્થુ સત્તા લાંબો સમય ભોગવી શક્યો નથી ને જ્યાં લોકશાહી છે ત્યાં તો સત્તા પરિવર્તન ક્યારેક તો અનિવાર્ય પણ થઈ પડે છે. ભારત સ્વતંત્ર થયું ત્યારથી મુખ્યત્વે કાઁગ્રેસ દાયકાઓ સુધી સત્તામાં રહી, પછી ભા.જ.પ.નું શાસન આવ્યું. તેને ય બે ટર્મ મળી છે. જો કાઁગ્રેસ અસ્તાચળે હોય તો ભા.જ.પ.ને પણ તેની ગતિ છે જ. તેનાં વિકલ્પો જડશે તો પ્રજા તે તરફ જોશે ને ઠીક લાગશે તો તે દિશામાં વળશે પણ ખરી, એટલે સાચું તો એ છે કે સમયનો સ્વભાવ જ પરિવર્તનનો છે ને તે સ્વીકાર્યે જ છૂટકો છે. અંગ્રેજોને વહેમ હતો કે તેમને સૂર્યાસ્ત જ નથી, પણ તે પછી ઘણા સૂર્યાસ્ત તેમણે જોવાના થયા. કાઁગ્રેસને પણ એવો સમય આવ્યો જ્યારે લાગતું હતું કે નહેરુ પછી કોણ? તે પછી પણ ઘણાં વંશીય પરિવર્તનો, બીજાએ તો ઠીક, ખુદ કાઁગ્રેસે જ જોયાં. ભા.જ.પે. પણ બાજપેયી ને મોદીની સત્તા જોઈ, પરખી છે, એમાં પણ પરિવર્તન આવશે. ધારો કે વિપક્ષો પરિવર્તન નહીં લાવે તો ભા.જ.પ.માંથી જ પરિવર્તનનો સૂર ઊઠે એમ બને. ભા.જ.પ.ને એટલી ધીરજ નથી કે પ્રજા સરકાર બદલે તેની રાહ જુએ, એટલે એના જ મોવડીઓ સરકાર બદલી કાઢે છે ને વચ્ચે વચ્ચે મંત્રીઓ પણ બદલતા રહે છે. એટલે બીજાને તો ઠીક, પરિવર્તન તો ભા.જ.પ.ને પણ સ્વીકાર્ય છે, તેની ના પાડી શકાય એમ નથી.
સત્તા મેળવવા કોઈને જોડવા-તોડવાનું થાય, ખરીદવા-વેચવાનું થાય, મિત્ર-શત્રુ બનાવવાનું ય ચાલે તે સમજી શકાય, કરોડોના ખરીદ-વેચાણના સોદા થાય તે ય સમજાય, કારણ સિદ્ધાન્ત કે આદર્શ તો ક્યારના ય આઉટડેટેડ થઈ ગયા હોય ત્યાં સારા-સાચાની વાત તો ક્યાં કરવા બેસીએ? એટલે એ સિવાયનું જે હોય તેનું જ રડવાનું રહે. રાજકારણમાં કશું કાયમી નથી. ન શત્રુ, ન મૈત્રી ! આજે જે સાથે છે તે કાલે સામે હોય એની નવાઈ રાજકારણમાં નથી, ચૂંટણી જીતવા થઈ શકે તે બધાં જ પાપ કોઈ પણ પક્ષને કરવાની નાનમ નથી, પણ એ બધા પછી પણ આ બધા જ પક્ષો ભારતના છે ને ભારતમાં છે તેનો ઇન્કાર થઈ શકે એમ નથી. આ બધાંને જોડી રાખનારું એક માત્ર પરિબળ ત્રણ અક્ષરનું ‘ભારત’ જ છે. આ બાબત દરેકે દરેક પક્ષે શ્વાસમાં ઉતારી લેવાની રહે. એ જો જાણ્યે-અજાણ્યે શત્રુ દેશનો હાથો બને તો તે કોઈ રીતે ચલાવી શકાય નહીં. એની માફી નથી. ન જ હોવી ઘટે. દુનિયા જાણે છે કે પાકિસ્તાને વિશ્વમાં આતંકી હુમલાઓ કરાવ્યા. આતંકી શિબિરો ચલાવ્યા, આતંકવાદીઓને આશ્રય આપ્યો. એ આતંકીઓનો કોઈ રીતે કોઈ પક્ષ કોઇથી જ ન લેવાય. ધારો કે કોઈ રાજકીય પક્ષ એ કરે છે કે કોઈ પ્રજા એ કરે છે તો તે દેશદ્રોહ જ છે. એક તરફ અમેરિકા છે, જે આતંકવાદીઓને તેમના નિવાસે જઈને ખતમ કરે છે ને બીજી તરફ ભારતમાં એ બાબતે રહેમદિલી દાખવાતી હોય તો તે બધી રીતે ઘાતક ને નિંદનીય ને તેથી જ અક્ષમ્ય છે. કોઈ પણ આતંકવાદી, જો આ દેશમાં હુમલો કરતો હોય તો તેનો પ્રજાએ, વિપક્ષોએ કે સરકારોએ કેવળને કેવળ વિરોધ જ કરવાનો રહે. એમાં જો ઢીલાશ દાખવાય તો તે દુખદ છે. આતંકવાદી કોઈ પણ કોમનો હોય તેથી તે કોઈ પણ કોમની સહાનુભૂતિને પાત્ર ઠરી ન શકે. છતાં એ દુખદ છે કે કોઈ કોમને એની દયા આવે છે. એ બધી રીતે ધિક્કારને પાત્ર છે. વાત કોમની જ નથી, રાજકીય પક્ષની પણ એવી માનસિકતા હોય તો તે પણ નકારી કાઢવા યોગ્ય જ છે. આવું રાજકીય પક્ષો, સત્તા મેળવવા કરે છે કે સત્તાધારી પક્ષને ગબડાવવા પણ આવી રમતો થતી હોય છે કે સત્તાધારી પક્ષ એને ન્યાયી ઠેરવવા ક્યારેક બચાવમાં પણ લાગે છે, પણ કોઈએ એ ભૂલવા જેવું નથી કે આવા વિરોધ કે બચાવનો લાભ જાણ્યે-અજાણ્યે શત્રુ દેશો જ ઉઠાવતા હોય છે.
મુંબઇમાં 12 માર્ચ, 1993ને રોજ ગીચ વસ્તીવાળા 12 વિસ્તારોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોએ જીવ ગુમાવેલા ને 700થી વધુ લોકો ઘવાયેલા. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જની 28 મજલી ઈમારતનાં બેઝમેન્ટમાં પણ બ્લાસ્ટ થયેલો અને એમાં 50 લોકોનાં મોત થયેલાં. આ બ્લાસ્ટના એક આરોપી યાકૂબ મેમણની આ ષડયંત્રમાં ભાગીદારી જણાતાં સી.બી.આઈ.એ 1994માં તેની ધરપકડ દિલ્હી રેલવે સ્ટેશનથી કરેલી ને 2013માં સુપ્રીમ કોર્ટે તેને દોષી ઠેરવીને ફાંસીની સજા પણ ફરમાવેલી. 2015માં નાગપુર જેલમાં તેને ફાંસી અપાયેલી. ફાંસી પછી યાકૂબને સાઉથ મુંબઈના એક કબ્રસ્તાનમાં દફનાવાયો હતો. આમ તો આ વાત ત્યારે પૂરી થઈ ગયેલી, પણ ભા.જ.પે. તાજો આરોપ એ મૂક્યો છે કે ઉદ્ધવ ઠાકરેના કાળમાં યાકૂબની કબરને સજાવવામાં આવી છે, એટલું જ નહીં, તેની આસપાસ આરસ લગાવવામાં આવ્યો છે અને ફરતે એલ.ઈ.ડી. લાઇટ્સ લગાવવામાં આવી છે. ભા.જ.પી. નેતાએ તેની તસ્વીરો પણ મીડિયામાં વહેતી કરી છે. આમ તો અત્યારે ભા.જ.પ.-શિવસેના સરકાર કાર્યરત છે ત્યારે ભા.જ.પ. તરફથી જ આ વાત સામે લાવવાનું ગણિત કળાતું નથી. તે વખતે કાઁગ્રેસ-એન.સી.પી.ની યુતિવાળી સરકાર અમલમાં હતી એટલે કાઁગ્રેસ બચાવમાં આગળ ન આવે એવું તો કેમ બને? તેનાં પ્રવક્તાએ વળતો સવાલ કર્યો છે કે આતંકીઓને ફાંસી આપ્યા પછી, તેનાં પરિવારને શબ અપાતું નથી, પણ ભા.જ.પ. સરકારે તે પરિવારને સોંપી દીધું ને કમાલ એ છે કે અત્યારે ભા.જ.પ. આ મુદ્દે રાજનીતિ કરે છે. જો કે, આ વાત કાઁગ્રેસ પણ તો આજે જ કરે છે. શબ સોંપવાની વાત કાઁગ્રેસ ત્યારે પણ ઉઠાવી શકી હોત, પણ ત્યારે ચૂપ રહી. કોઈ જૂનો મુદ્દો રાજકીય પક્ષો એકાએક સપાટી પર લાવે તો મુદ્દો તે જ હોય એમ પ્રજા પણ હવે માનતી નથી. તે જાણે છે કે ચાવવાના ને બતાવવાના જુદા છે.
વાત તો એવી પણ છે કે કબ્રસ્તાનની બહાર નોટિસ છે કે કોઈ પણ કબર ફરતે આરસનું કે કોઈ પ્રકારનું પાકું બાંધકામ ન કરવું. છતાં આ આતંકવાદીની કબર ફરતે આરસ જડેલો છે તે હકીકત છે. વારુ, સાધારણ રીતે કબર 18 મહિના પછી ખોદી કાઢવામાં આવતી હોય છે, પણ આ કબરને 5 વર્ષથી વધુ સમય વીતવા છતાં હાથ લગાડાયો નથી. વધારામાં યાકૂબના કાકાના દીકરાએ પોલીસ ફરિયાદ એવી પણ કરી છે કે ટ્રસ્ટીઓએ યાકૂબની કબ્રગાહને 5 લાખમાં વેચી દીધી છે.
આમ તો આ બધી વાત અત્યારે બહાર ઉછાળવાનું કારણ પકડાતું નથી, બને કે ગયા માર્ચમાં કબર પર રોશની કરવામાં આવી એ વાત ધ્યાને લવાઈ હોય. એ વાતનેય છ એક મહિના થયા. આ ઘટના ઉદ્ધવ ઠાકરેની નબળાઈ બહાર લાવવાનું નિમિત્ત હોય, પણ અત્યારે તો ઉદ્ધવ સત્તામાં ય નથી, તો આ વાત ઉખેળવાનું કારણ શું હોઈ શકે તે સમજાતું નથી. બીજું, કબ્રસ્તાનની વાત કરીએ તો કબ્રગાહ વેચવા બાબતે જે ફરિયાદ છે તે અંગે કે કબર ફરતે બાંધકામની મનાઈ હોવા છતાં કબર સજાવાઈ તેમાં કોની મહેરબાની કામ કરી ગઈ છે તેનો પણ કોઈ ખુલાસો મળતો નથી. કારણો ગમે તે હોય, પણ એક આતંકવાદીની કબરને આટલાં માન સન્માન અસહ્ય છે.
એ દુખદ છે કે આપણાં સત્તાધીશો પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા, પણ જે આતંકવાદી સેંકડો માણસોનાં મોત માટે જવાબદાર હોય, તેની કબરને ભારતમાં આટલાં માન-સન્માન મળે એ આપણી દેશભક્તિ માટે ઘણી શંકાઓ ઉપજાવે એમ છે. દુશ્મન દેશનો એક આતંકવાદી આપણાં તંત્રોની શિથિલતાનો લાભ લઈને અનેક સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવામાં સફળ થાય ને તેને પરિણામે સેંકડો નિર્દોષોનાં મોત થાય, આતંકી પર કેસ ચાલે ને સુપ્રીમ કોર્ટ તેને ફાંસીની સજા ફરમાવે ને મુંબઇમાં તેની કબરને અછોવાનાં થાય ને તેનાં પર રાજનીતિ ચાલે ને આક્ષેપો, પ્રતિઆક્ષેપો ચાલે એ કેવળ ને કેવળ શરમજનક છે.
સો વાતની એક વાત એ કે આપણે કોઈ પણ કોમનાં હોઈએ, કોઈ પણ પક્ષની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં હોય, આતંકવાદી માત્રનો એકી અવાજે સાર્વત્રિક બહિષ્કાર જ હોય. એમાં કોઈ દાવા-દલીલને અવકાશ જ નથી. જે આ નથી સ્વીકારતા તે બીજું કૈં પણ હોય, ભારતીય નથી. કમસે કમ ભારતીય તો નથી જ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 સપ્ટેમ્બર 2022