શબ્દોને સંઘરી-સાચવી,
ગ્રંથાલયમાં લગોલગ
ખડકાયેલાં પુસ્તકો
વાટ જુએ છે વાચકની …
પણ, વાચકો હવે ક્યાં પધારે છે
પુસ્તકોને પસવારવા!
સૌ કોઈ વ્યસ્ત છે આજકાલ
સોશિયલ મીડિયાના
“સામાજિક” સંપર્કોમાં,
પુસ્તકોને હવે કોણ પૂછે છે
કારણ વિના!!
હાથમાં પુસ્તકધારી
વ્યક્તિના દર્શન દુર્લભ છે હવે!
એક સમયે વેદનાને
ખાળતાં પુસ્તકો
આજે વેદના સમેટી
બેઠાં છે ગ્રંથાલયોમાં,
એ આશ પર કે
એક દિવસ એનો વાચક આવશે
અને ધૂળ ખંખેરી
પાનાં ફંફોસશે …!
‘દરેક પુસ્તકને એનો વાચક મળે’
એ વાત પર
મરકાય છે પુસ્તક,
ને વદે છે : “રાખો હવે,
દરેક ગ્રંથાલયને
એનો વાચક મળે
તો પણ અમે રાજી!”
સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com