પુરાણ કાળના ત્રણ જ્યોતિર્ધરો
બુદ્ધ, સોક્રેટીસ અને કન્ફ્યુશિયસ
સામાન્ય રીતે કુટુંબીઓ સાથે મળીને ભોજન બાદ જેને after dinner talk કહે છે, ત્યારે વાત કરતા હોઈએ, સરખા વિચારોવાળા મિત્રો કોઈ સાંપ્રત મુદ્દાને લઈને ચર્ચા કરતા હોય કે જાહેરમાં વક્તવ્ય સાંભળવા ગયા હોઈએ ત્યારે ધાર્મિક, અધ્યાત્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોથી મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, લોકો ધર્મ વિરુદ્ધ થવા લાગ્યા છે અને સમાજ વિઘટિત થઈને પ્રશ્નોથી વીંધાઈ રહ્યો છે એવું લોકોને કહેતા સાંભળવા મળે છે. વળી એક એવી પણ લાગણી પ્રવર્તે છે કે પુરાણ કાળમાં બધું સુચારુ રૂપે ચાલતું હતું, લોકો ઈમાનદાર હતા, સમાજમાં દયા અને કરુણા છલકાતી હતી, હિંસાત્મક બનાવો ઓછા બનતા અને હવે પ્રજા ઊંધે માર્ગે ચાલવા લાગી છે. તેમાં ય પ્રવર્તમાન પરિસ્થિતિ તો જાણે એમ જ સાબિત કરી રહી છે કે માનવ જાત અવાજની ગતિથી અધોગતિની ખીણ તરફ ધસી રહી છે. એવે ટાણે થોડા સમય પહેલાં બી.બી.સી. દ્વારા બેટની હ્યુસ નામની ઇતિહાસવિદ્દનો એક સંશોધન પ્રવાસ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેનું સ્મરણ થાય છે. એ કાર્યક્રમનું શીર્ષક હતું Genious of the Ancient World જેના અંતર્ગત ભગવાન તથાગત બુદ્ધ, સોક્રેટીસ અને કન્ફ્યુશિયસનાં જીવન અને તત્ત્વજ્ઞાન વિષે રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેનો સાર અહીં પ્રસ્તુત કરું છું.
સંસ્કૃિતના ઉષ:કાળથી કુદરતી તત્ત્વોની શક્તિ અને ભગવાનની ઈચ્છા વિષે માનવના વિચારો ઘડાતા અને બદલાતા પણ રહ્યા છે. લગભગ 2500 વર્ષ પહેલાં માનવ જાતે આ દિશામાં એક પાયાના પરિવર્તનનો અનુભવ કર્યો. કુદરત, ઈશ્વરી શક્તિ અને માનવના તેની સાથેના સંબંધ વિષે અંધ વિશ્વાસ અને માન્યતાનું સ્થાન તર્કયુક્ત વિચારધારાએ લીધું. નીતિ વિશેના ખ્યાલો કે જે ભગવાનના આદેશ પર આધારિત નહોતા એ પ્રચલિત બન્યા. કુદરતી તત્ત્વોને પ્રાકૃતિક નિયમોને આધારે સમજવા અને માનવ પોતાના ભાવિ માટે પોતે જવાબદાર છે તેમ માનવું એવા નવા વિચારો દુનિયાના ત્રણ જુદા જુદા ખૂણાઓમાં પ્રચલિત બન્યા. બુદ્ધ, સોક્રેટીસ અને કન્ફ્યુશિયસના પ્રબોધેલ સિદ્ધાંતો અને ઉપદેશ આજે અઢી હજાર વર્ષ પછી પણ આપણા જીવનને માર્ગ બતાવે છે અને ઘાટ આપે છે.
સંપત્તિના માલિક હોવું એ સારી વસ્તુ છે? ન્યાયી સમાજ કેવી રીતે રચી શકાય? હું સારું જીવન કેવી રીતે જીવી શકું? આવા આવા પ્રશ્નોના જવાબ શોધીને આ ત્રણ દૃષ્ટાઓએ એવો સમાજ તે વખતે રચ્યો કે જેના પર આધુનિક જગત રચાયું છે તેનો ભલે આપણને અહેસાસ ન હોય પણ તેથી તેનું મૂલ્ય ઓછું ન આંકી શકાય.
સો બસો વર્ષના સમય ગાળાને અંતરે જીવી ગયેલા અને એક બીજાથી હજારો માઈલ દૂર વસેલા આ ત્રણ મહાનુભાવો લગભગ સરખા કહેવાય એવા ક્રાંતિકારી વિચારો સાથે આ જગત સામે કેમ પ્રસ્તુત થયા એવો સવાલ થાય. અહીં પ્રથમ બુદ્ધના ધર્મ, અધ્યાત્મ અને સમાજ જીવન પરના પ્રદાન વિષે જોઈશું.
*******
બુદ્ધ
ભગવાન બુદ્ધ સત્યની શોધમાં નીકળ્યા અને ધર્મની સંકુચિત રૂઢીચુસ્તતાને પડકાર ફેંક્યો. મૂર્તિપૂજાને જીવનમાં સ્થાન નથી, નિર્વાણ મેળવવા કોઈ પુરોહિતની જરૂર નથી અને જ્ઞાતિના વાડા ધર્મને અનુસરનારને ન નડે જેવા એમના પરમ સત્યની શોધને અંતે લાધેલ વિચારોને પરિણામે તે સમયના સમાજની ધારણાઓ અને જીવન મૂલ્યો બદલાયાં. બુદ્ધને જીવનની યાતનામાંથી મુક્તિનો માર્ગ જોઈતો હતો. આજે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો છે પણ માનવ જાત માનસિક રીતે એટલી આગળ નથી વધી તેનું કારણ તેનામાં રહેલ આધ્યાત્મિક ખ્યાલોના વિકાસના અભાવનું છે. બુદ્ધે કહેલું, “તમારા તર્ક સાથે સંગત ન હોય તેવું કશું ન સ્વીકારશો”. એક અત્યંત શક્તિશાળી રાજાના પુત્રે પત્ની અને નવજાત શિશુ પર છેલ્લી વખત નજર ફેરવીને હિમાલયની ગોદમાંથી જ્ઞાનની યાત્રા આરંભી જે ગંગાના સપાટ મેદાન પર થંભી. એમનું ધ્યેય માનવ જીવનને સમજવાનું હતું. હજુ આજે પણ લાખો કરોડો લોકોને એમનો બોધ પ્રેરણા આપે છે.
બુદ્ધના સમયમાં એમના વિષેની જાણકારી મૌખિક માધ્યમથી પેઢી દર પેઢી મળતી રહી અને થોડા સૈકા પછી લેખિત રૂપમાં સચવાઈ. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં જન્મેલા અત્યારના દક્ષિણ નેપાળના રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ ગૌતમ દેખાવે સુંદર, મેધાવી અને ચક્રવર્તી રાજા બનવા પૂરી તાલીમ પામેલ રાજકુંવર હતો. રાજ જ્યોતિષે સિદ્ધાર્થ કાં ચક્રવર્તી રાજા થશે અથવા સન્યાસ લઈને પ્રખ્યાત યુગ પુરુષ બનશે એવી ભવિષ્યવાણી ભાખી. આથી સહેજે રાજા શુદ્ધોદન ચિંતામાં હતા. પુત્રને રાજા બનાવવાની ખેવના ધરાવતા રાજાએ દુનિયાનાં તમામ સુખ-સગવડનાં સાધનોથી સુસજ્જ મહેલો, બાગ બગીચાઓ અને આનંદ પ્રમોદનાં સાધનો દ્વારા સિદ્ધાર્થને સુરક્ષિત રાખ્યા. તેમના મહેલ અને શેરીઓ સુધ્ધાં કોઈ પણ પ્રકારના દુ:ખ દરિદ્રથી દૂર રાખે એવાં સ્વચ્છ અને સમૃદ્ધ રાખવામાં રાજાએ કશી મણા નહોતી રાખી. પણ એક દિવસ નગરચર્યા દરમ્યાન સિદ્ધાર્થે એક વૃદ્ધ માનવી, એક રોગીષ્ઠ વ્યક્તિ અને એક શબ જોયું. માનવીની દુર્બળતા અને નાશવંત જીવનમાં સહન કરવી પડતી પીડાઓ નજરોનજર જોવાથી તેમનું અંતર અંદરથી હલબલી ગયું.
સિદ્ધાર્થને ભાન થયું કે આપણું જીવન પીડાઓથી ઘેરાયેલું છે તો એનાથી પર ઉઠવાનો માર્ગ પણ હશે જ. શાક્ય કુળનું રાજપાટ, માતા-પિતા, ગુરુજનો, પત્ની અને પુત્રને કપિલવસ્તુ નગરીના વૈભવી જીવનમાં આળોટતા છોડી્, પોતે સત્યની શોધમાં નીકળી પડ્યા. સોક્રેટીસ અને કન્ફ્યુશિયસની માફક સિદ્ધાર્થે પ્રચલિત માન્યતાઓથી બંધાઈ રહેવાનું ન સ્વીકાર્યું અને પોતાની જાતને તથા પ્રસ્થાપિત ધર્મના સિદ્ધાંતોને પ્રશ્નો પૂછવા લાગ્યા. પોતાની જિજ્ઞાસા જ્યાં લઈ જાય ત્યાં જવા લાગ્યા. એમને બ્રાહ્મણોની સત્તાના આધિપત્યનો અને ધર્મના એમણે કરેલ અર્થઘટનનો અનુભવ થયો. બધા ક્રિયાકાંડ કરવા મંત્રોચ્ચાર કરવા અને ક્રિયાઓ કરવા માટે માર્ગદર્શન આપવા બ્રાહ્મણોની હાજરી અનિવાર્ય ગણાવા લાગી. ભગવાનને પ્રસન્ન કરવા બલિદાનો આપવા જરૂરી મનાતું એ બાબતોની સિદ્ધાર્થે નોંધ લીધી. જેમ જીસસના જન્મ પહેલાં જુઇશ સમાજમાં મનાતું તેમ હિંદુ સમાજમાં પણ બલિદાનો આપવાથી સૃષ્ટિનો નિયમ જળવાઈ રહે અને સમૃદ્ધિ વધે તેથી દેવોને પ્રસન્ન કરવા એ બધા ક્રિયાકાંડ જરૂરી જ માત્ર નહીં, પણ અનિવાર્ય ગણાવા લાગ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે માત્ર બ્રાહ્મણો જ બધા મંત્રો જાણતા અને પ્રજાજનો વતી બધી વિધિઓ તેઓ જ કરતા. આથી જીવનના દરેક તબક્કે બ્રાહ્મણોનો આશ્રય લેવાતો. કુદરતી આફત આવે કે વ્યક્તિગત કસોટીમાંથી પાર ઉતરવાનું હોય, બધાનો ઈલાજ તેઓ જ કરે એવી માન્યતા પ્રચલિત થઈ. હવે બધું જ્ઞાન બ્રાહ્મણો પાસે એટલે એ સમૂહ ખૂબ સત્તા ધરાવતો થયો. તેઓ જ્ઞાતિ પ્રથામાં ટોચ પર વિરાજવા લાગ્યા. બુદ્ધને લાગ્યું કે બલિદાન દેવા અને બ્રાહ્મણોની સમજણ વિષે પ્રશ્ન પૂછ્યા વિના અંધ બની ધર્મને અનુસર્યા કરવું એમાં માનવીનો ઉધ્ધાર નથી. આ વિચારયાત્રા તેમને મગધની રાજધાની રાજગૃહ સુધી લાવીને રહી. ત્યાંની શેરીઓ, રંગીન આવાસો, હીરા-મોતીના ઢગ, સોના-ચાંદીની વસ્તુઓની બહુલતા અને કીમતી વસ્ત્રોથી શોભતી નગરી તેમણે જોઈ. છેક બર્મા અને આસામથી લઈને બંગાળ અને અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો સાથેના વ્યાપારની સમૃદ્ધિ ત્યાં છલકાતી હતી. એ સમાજમાં એક પ્રકારની સદીઓ જૂની ચાલતી આવેલી વ્યવસ્થા હતી. તેવામાં ભગવાન બુદ્ધે માણસે કેવું જીવન વિતાવવું અને દુ:ખ મુક્ત કેમ થવું જેવા પ્રશ્નો પૂછવાનો આરંભ કર્યો જેથી કરીને એ સલામત અને સમૃદ્ધ સમાજની શાંતિ ચલિત થઇ ગઈ. તે સમયના શહેરોમાં એક બાજુ ધન-વૈભવ છલકાતો હતો અને સુખી થવાની પુષ્કળ તકો હતી; તો બીજી બાજુ લોકો પોતાના અધિકારો, સંસ્કૃિત વગેરેથી વંચિત રહેતા હતા. મોટા ભાગના લોકોની સંપત્તિ, તેમની જીવન પદ્ધતિ, સામાજિક સ્તરીકારણમાં તેમનું સ્થાન અને માલિકીપણું સદીઓથી બદલાયેલ નહોતાં.
એવા દેખીતા સુખના સમયમાં લોકોને ધારદાર પ્રશ્નો પૂછવાનો સમય આવી ગયો છે તેમ ભગવાન બુદ્ધને પ્રતીતિ થઈ. આપણી ઈચ્છાઓ અને વાસનાઓને કાબૂમાં રાખી શકાય? ન્યાય શું છે? મૃત્યુ પછી શું થાય? આ અને એના જેવા અનેક પ્રશ્નોનો જવાબ શોધવા તેઓ મથ્યા. કુદરતની અનંત યાત્રાના સાક્ષી તરીકે લોકો માનવા લાગ્યા કે માનવ જન્મ, મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાં જ રહેવા સર્જાયેલો છે. એનું નામ જ સંસાર. આ બંધનમાંથી ક્યાં ય મુક્તિ નથી. ભગવાન બુદ્ધને આ ચક્રમાંથી મુક્તિની ખેવના હતી. એમને પ્રતીત થયું કે બ્રાહ્મણો જીવનની આ યાતનાઓ દૂર કરી શકે તેમ નથી. એ લોકો કોઈ પણ સાંસારિક સમસ્યાનો કાયમી ઉકેલ નથી આપતા. તથાગત માટે સ્વની શોધ માટે પોતાનો અનુભવ તપાસીને તેના પરથી તારણ કાઢવું જરૂરી લાગ્યું. તેમણે હઠયોગ અને તપ વગેરે આદર્યાં જેથી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય અને તેને માટે બાહ્ય આકર્ષણો, સુખ અને સંસારના પ્રલોભનોને મનમાંથી દૂર કરવા જરૂરી માન્યું. આમ કરવાથી જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળશે તેમ સિદ્ધાર્થ માનતા હતા. તેઓ ધ્યાન અને તપશ્ચર્યામાં પાવરધા હતા. ક્ષણમાં સમાધી મેળવી લેતા, પણ એમને પ્રતીતિ થઈ કે સમાધિ અવસ્થામાંથી પાછા વળતાં જ એ જ જન્મ – મરણ, માંદગી, રોગ અને મૃત્યુની ઘરેડમાં જોડાઈ જઈએ છીએ. આ માર્ગે ચાલવા છતાં એમને જે સદંતર પરિવર્તન લાવનાર અનુભવની અપેક્ષા હતી તે ન થયો. આમ છતાં ગૌતમ બુદ્ધે પ્રયત્ન ન છોડ્યો. દુન્યવી માયા માનવીની ભવસાગરના દુ:ખોમાંથી મુક્તિ માટે બાધા રૂપ છે એટલે તપથી મન અને હઠયોગથી શરીરને સંપૂર્ણ પણે તાબામાં લાવવાના પ્રયોગો કર્યા. અનશન, એક પગ પર ઊભા રહેવું અને ધખતા તાપમાં ઊભા રહી જન્મોજન્મના પાપ ધોવા જેવા અંતિમ ઉપાયોથી કક્ષણભંગુર આત્મા શાશ્વત આત્મા સુધી વિસ્તરે અને સંસારમાંથી મુક્તિ અપાવે એવું માનનાર એક પંથ હતો.
રાજકુમાર સિદ્ધાર્થ છ વર્ષ સુધી તપ અને કઠોર સાધનાની વિવિધ રીતોને અનુસર્યા. શ્વાસ નિરોધથી માંડીને માત્ર ચોખાનો એક દાણો ખાવાનો અનુક્રમ પણ કર્યો. શરીર હાડપિંજર જેવું બની ગયું અને શારીરિક પીડા વધી છતાં સંસારની યાતનાઓથી મુક્તિ મળવાનો માર્ગ ન જ જડ્યો. આથી સિદ્ધાર્થે તપનો માર્ગ છોડી એક અંત્યજ બાળાના હાથે ખીર આરોગી જેનાથી તેમના પાંચ સહયોગીઓ નારાજ થયા અને તેમનો સાથ છોડી ગયા. સત્ય શોધનના નવા માર્ગે એકલા જવાનું સિદ્ધાર્થે ધાર્યું. અમર્યાદ ઉપભોગ અને સદંતર ત્યાગને બદલે તેમણે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. આવો મધ્યમ માર્ગ એ એમનો આગવો ક્રાંતિકારી વિચાર હતો. સિદ્ધાર્થને અનુભૂતિ થઈ કે આપણને જેવા અનુભવ થાય તેવું જ્ઞાન મળે. પોતાનું મન કેવા અનુભવ લેવા જોઈએ તે નક્કી કરે. એમના મનને ધ્યાન અને સાધનાથી ખૂબ ઢંઢોળી જોયું અને તેને અંતે મેળવેલ આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરીને લોકોની આત્માની અમરત્વની માન્યતાને બુદ્ધે પડકાર ફેંક્યો. સિદ્ધાર્થને જ્ઞાન થયું કે આપણે જે જોઈએ છીએ તે બાહ્ય જગત સતત બદલાતું રહે છે. આપણી લાગણી, અનુભવ, પ્રતિભા બધું સતત પરિવર્તનશીલ છે. એનો અર્થ એ કે કાયમી તત્ત્વનું અસ્તિત્વ જ નથી. દુ:ખનાં કારણો અને પરિણામો સતત બદલાયા કરે છે, તેથી તેને પકડીને દૂર શી રીતે કરી શકાય? અથાગ મંથનને અંતે સિદ્ધાર્થને બોધી જ્ઞાન લાધ્યું અને તેઓ માનવા લાગ્યા કે સ્વ જેવી કોઈ વસ્તુ નથી. આપણું અસ્તિત્વ છે પણ અન્યથી સાવ સ્વતંત્ર નહીં. બુદ્ધને એ પણ સમજાયું કે શાશ્વત આત્મામાં માનવાથી યાતનાની મુક્તિનો હલ નથી મળતો, એનો હલ તેના પ્રશ્નમાં જ છે. વાસના આપણને સ્વાર્થી, ઉપભોગવાદી અને વસ્તુઓની અમર્યાદ ઝંખના કરનાર બનાવે છે જે આપણને જગતની અનિત્ય વસ્તુઓના ગુલામ બનાવે છે, જે સંસારમાં જકડી રાખે છે. મિથ્યા જગતમાંથી મુક્ત થવા સ્વને જાણવું મહત્ત્વનું છે. હું અને આ મારું એ વિચાર જ સર્વ યાતનાનું મૂળ છે. સ્વના ભાન વિનાની માનવ પ્રકૃતિને સમજવાથી મિથ્યા જગતથી મુક્તિ મળે. બુદ્ધનું કહેવું એમ હતું કે સ્વનું મિથ્યાપણું જોઈ શકીએ તો જગત જેવું છે તેવું દેખાય, યાતના ઓછી થાય અને પોતાના જીવનને કાબૂમાં રાખવાની શક્તિ આપણા પોતાનામાં જ છે એ સમજાય. તેઓ સ્પષ્ટપણે માનતા કે આપણાં મન અને બુદ્ધિની શક્તિ લચીલી છે. સાચાં વલણ સાથે જીવવાથી પોતાની જાતને જાણવાની અને સૃષ્ટિને સમજવાની શક્તિ કેળવાય છે. આજે જે વિજ્ઞાન cognitive psychologyને નામે ઓળખાય છે એ સિધ્ધાંત 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધના ઉપદેશમાં પ્રસ્થાપિત થઈ ચુક્યો હતો.
તથાગત બુદ્ધ વિષે થોડું વધુ જાણીએ. તેઓ 35 વર્ષની ઉંમરે બોધગયા પહોંચ્યા. ઊંડી સમાધિમાં તેમના આગલા જન્મનાં દ્રશ્યો જોયા અને છેવટ વાસના, મિથ્યા, માયા અને અજ્ઞાનથી મુક્ત થયા. તેમણે જન્મ – મરણથી મુક્તિ મેળવીને બોધિસત્વ પ્રાપ્ત કર્યું અને છેવટ નિર્વાણ કક્ષાએ પહોંચ્યા. “મારા મનની સ્થિતિ અડગ છે. આ મારો છેલ્લો જન્મ છે, મારે માટે પુનર્જન્મ નથી” એમ એમણે કહ્યું. આ નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરવા સ્વર્ગ, ભગવાન કે આધિભૌતિક તત્ત્વોની કંઈ જરૂર નથી તેમ તેમણે પ્રતિપાદિત કર્યું. સીધા અંતરમાંથી અનુભવને આધારે થયેલ અનુભૂતિથી દુન્યવી યાતનામાંથી તેમને મુક્તિ મળી. બુદ્ધના આવા ઉપદેશથી તત્કાલીન હિંદુ ધર્મની માન્યતા કે જે કર્મના સિદ્ધાંતો, પુનર્જન્મ, સ્વર્ગ-નર્કના ખ્યાલો અને એ બધામાંથી છુટકારો મેળવવા અનેકવિધ કર્મકાંડ અને મોટી મોટી પૂજા અર્ચનાઓ કરવા પ્રેરતું તેને ઠેસ વાગી. વાસ્તવમાં વાસના, માયા અને અજ્ઞાન મનમાંથી પેદા થાય છે એટલે મનને નિયંત્રિત કરવા બુદ્ધે કહ્યું. એમને લાધેલ જ્ઞાન અને દૃષ્ટિ બીજાને સમજાવવી એ પોતાનું કર્તવ્ય છે એમ એમને લાગ્યું. અન્ય પ્રત્યેની અનુકંપાને કારણે તેઓ ગામેગામ ફર્યા. જે પાંચ સહયોગીઓએ તેમનો ત્યાગ કરેલો એમની પાસે બુદ્ધ સહુ પહેલાં વારાણસી પહોંચ્યા. પ્રથમ તો એ તપસ્વીઓએ બુદ્ધની વાતનો સ્વીકાર ન કર્યો પણ બુદ્ધમાં આવેલ પરિવર્તન અને તેમના દર્શનની વિશ્વસનીયતાનો આભાસ થતાં તેઓએ બુદ્ધના પગ ધોઈને આદરથી આવકાર્યા. બુદ્ધે તેઓને જે કહ્યું તે ચિત્તને ખળભળાવી મુકે તેવું હતું જેનાથી બુદ્ધની આંતર દૃષ્ટિ અને સ્પષ્ટ વિચારધારા વ્યક્ત થઈ.
બુદ્ધનો આ નૂતન માર્ગ ચાર અનિવાર્ય સત્યને નામે જાણીતો થયો. પ્રથમ સત્ય: દરેક જીવન યાતનાઓથી ભરેલું છે. માત્ર વૃદ્ધાવસ્થા કે રોગ જ નહીં પણ સતત નિરાશા અને અસલામતી પણ સતાવતી હોય છે. બીજું સત્ય: યાતના વસ્તુઓની લાલસા અને તે મેળવવાની વાસનાથી જન્મે છે. ત્રીજું સત્ય: યાતનાનું કારણ શોધી કાઢયું એટલે એનો અંત પણ છે. ચોથું સત્ય: અષ્ટ માર્ગને અનુસરવાથી એ યાતનાઓનો અંત આવે. બુદ્ધના માર્ગદર્શનથી તેમના અનુયાયીઓને શાણપણ ભરી દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને તેઓ નીતિમય વર્તન કરતા થયા. તેઓ ધ્યાન અને સાધનાથી મનનું નિયંત્રણ કરતા થયા અને નિર્વાણનો અનુભવ કર્યો. અલબત્ત આ માર્ગ બધા માટે ખુલ્લો છે પણ તેને વ્યવહારમાં મુકવાની શક્તિ કે સમય બધામાં નથી હોતી. સંસારની પકડમાં જકડાયેલાને ભગવાન બુદ્ધે કર્મના વિચારો બદલવા સૂચવ્યું. તે કાળે કર્મને બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા ક્રિયાકાંડ સાથે જોડી દેવાયેલું હતું. નીચલી જ્ઞાતિના લોકોને પોતાનું જીવન સુધારવાની કે સુખ-દુખના ફેરા ટાળવાની કોઈ તક કે અધિકાર નહોતા. તેવે સમયે ભગવાન બુદ્ધે ક્રિયાકાંડ છોડીને કર્મના હેતુ પર વધુ જોર આપ્યું જેમાં કોઈ પ્રકારના જ્ઞાતિ ભેદ ન નડે. સત્કર્મ માટે બહારની કોઈ એજન્સીની જરૂર નથી, ખુદ વ્યક્તિ જ ઉમદા વિચારોથી ઉત્તમ કર્મ કરીને આ જન્મમાં મુક્તિ મેળવી શકે એ વિચાર સમાજમાં ધરખમ બદલાવ લાવનાર નીવડ્યો. એથી ધર્મ અને તત્ત્વજ્ઞાનની સમજ બદલી. બધી સત્તા બ્રાહ્મણોના હાથમાંથી લઈને વ્યક્તિ એટલે કે દરેક સ્ત્રી-પુરુષને અને દરેક જ્ઞાતિના સભ્યોના હાથમાં મૂકી. પોતાની જિંદગી સુધારવા દરેક વ્યક્તિ સ્વતંત્ર છે એમ પ્રતિપાદિત કર્યું. તમે કયા વર્ગ, જ્ઞાતિ કે ધાર્મિક વાડામાં જન્મ્યા છો, તેના પરથી કેવા સારા કે ખરાબ બનો એ નક્કી કરનાર માપદંડ ન હોઈ શકે તેવું તેમનું દ્રઢપણે માનવું હતું. તમારા પોતાના મનની નિયંત્રણ શક્તિ, વિચારો અને તેનો યોગ્ય અમલ સારી જિંદગી બક્ષે તેવું બુદ્ધે લોકોને સમજાવ્યું. આ વિચાર એ જમાનાની રૂઢિગત ધાર્મિક પરંપરા માટે ખૂબ ક્રાંતિકારી હતો. આમ જોઈએ તો કર્મના સિદ્ધાંતોનું લોકશાહીકરણ થયું જે વેપાર અને ઉદ્યોગ-ધંધામાં પડેલી પ્રજાને આકર્ષક લાગ્યું. બ્રાહ્મણો અન્ય સાથેના વ્યવહારમાં તેઓ અશુદ્ધ હોવાને કારણે અભડાઈ જવાનો ભય સેવતા. જ્યારે વેપારી વર્ગ તો બધા પ્રકારના લોકો સાથે વ્યવહાર રાખે એટલે એમને બૌદ્ધ ધર્મને આ બાબતમાં કશો વાંધો ન હોવાથી પોતાનો ધર્મ પોતાના કર્મ સાથોસાથ પાળવામાં મુશ્કેલી ન પડી. સાથે સાથે નીચલા વર્ગને પણ સમાજમાં સ્થાન મળ્યું એટલે કે જીવન સુધારવાની પ્રેરણા મળી. વેપારની સફળતા વારસામાં કે જન્મગત ન મળે, એ દરેક વ્યક્તિ પોતે વિકસાવે અને એટલે બુદ્ધના તત્ત્વજ્ઞાન સાથે સમાજના એ સમૂહને ખૂબ તાલમેળ થયો. સામાન્ય માણસોને સારા નૈતિક જીવનની તક બૌદ્ધ ધર્મે આપી. રોજીંદા જીવનના કર્મ અને નીતિમય હેતુથી જીવાતા જીવનનો ખરો પ્રભાવ જીવન પર પડે એ ભગવાન બુદ્ધ પ્રેમ વડે વાર્તાલાપ કરી મોટી સંખ્યામાં લોકોને ગળે ઉતરાવી શક્યા.
આમ આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં બૌદ્ધ ધર્મના ઉદ્દભવ બાદ નીતિ વિષયક ખ્યાલોમાં ધરખમ બદલાવ આવ્યો. હવે બહારના તત્ત્વોને પોતાના નિર્ણયો માટે દોષ ન અપાય તેમ સામાન્ય પ્રજા પણ સમજીને સ્વીકારવા લાગી. જેમ કે આપણે પોતે જ પોતાની નૈતિક સ્થિતિ માટે જવાબદાર છીએ, તે માટે ભગવાન કે બ્રાહ્મણોને યશ કે દોષ ન આપી શકાય. એ માટે વ્યક્તિ પોતે જ પોતાનો સ્વામી છે. સોક્રેટીસ અને કન્ફ્યુશીયસે પણ આ પ્રકારની જ વાતો કરી છે જે આપણે હવે પછી જોઈશું. ભગવાન બુદ્ધે કહ્યું, ‘તું તારા દિલનો દીવો થાને’, તારા પોતાના કે દુનિયાના પ્રશ્નોનો જવાબ શોધવા પોતાના અંતરમાં જ ઝાંકો, પોતાના સિવાય બીજા કોઈનો આશ્રય ન લો. તેમણે લોકોને વિશ્વાસ બંધાવ્યો કે તમે તમારા નસીબના શિકાર નથી, તેના સ્વામી છો. આવા ક્રાંતિકારી વિચારોને સરળતાથી સમજાવવા માટે ભગવાન બુદ્ધ ઉત્તર અને મધ્ય ભારતમાં પોતાનો સંદેશ સંભળાવવા ફરી વળ્યા. તેના પરિણામ સ્વરૂપ એક સંઘની સ્થાપના થઈ. રાજા બિંબિસાર 1,20,000 બ્રાહ્મણો સાથે બુદ્ધને મળવા ગયા. બુદ્ધની ઉપદેશ વાણી સાંભળ્યા બાદ બધાંએ સંઘમાં જોડાવાની માંગણી કરી. અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે પોતાને લાધેલ સત્ય સામાન્ય પ્રજા પ્રત્યેની કરુણાને કારણે તેમના સુધી પહોંચાડવા તથાગત બુદ્ધ પગપાળા દેશ આખામાં ફરી વળ્યા. ગામેગામ જઈ લોક સાથે સંવાદ રચે અને જે કોઈને તેમની વાત રુચે અને અષ્ટાંગ માર્ગ પર ચાલવાની ઈચ્છા થાય તેમને પોતાના અનુયાયી બનાવીને વધાવી લે. કોઈ પ્રકારની વટાળ પ્રવૃત્તિ, પોતે ઉપજાવી કાઢેલ ધર્મની અનિવાર્યતાનો ઢંઢેરો પીટાવવો કે લાલચ, પ્રલોભનો કે ડર-ધમકીનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો કેમ કે બુદ્ધને તો પોતાને જે રતન સાંપડ્યું તે દેશના તમામ નાગરિકોને વહેંચવું હતું.
આધારભૂત સ્રોતો દ્વારા માલુમ પડ્યું છે કે બુદ્ધ ખૂબ પ્રતિભાશાળી હતા, છતાં તેમની સાથે વાત કરી શકાતી, તેઓ બીજાની મનોદશા અને જરૂરિયાતો સમજી શકતા. તેઓ કદી ‘હું જાણું છું’ તેમ ન કહેતા, તમે કોશિશ કરો, જાતને પ્રશ્ન પૂછો અને તમારા તર્ક સાથે બંધ બેસે એ જ વાત સ્વીકારો એવો આગ્રહ સેવતા. રાજા બિંબિસારે વાંસવન બૌદ્ધ સાધુઓને ચાતુર્માસ ગાળવા ભેટ આપ્યું. ત્યાં કાળક્રમે મઠ ઊભા થયા, જે દુનિયાનો સહુ પ્રથમ મઠ હતો. હવે બુદ્ધનો કાર્યભાર બદલાયો. સાધુઓની સંખ્યા વધતાં એમની ગુણવત્તા અને તેમની વચ્ચે શાંતિ અને એખલાસ જાળવવા માર્ગદર્શક નિયમો ઘડ્યા. સંઘમાં શિસ્ત જાળવવા 220 નિયમો આપ્યા. શરૂમાં સ્ત્રીઓને શિક્ષણની જરૂર હતી તેથી સંઘમાં તેમને જોડાવા દેવાથી અન્ય પર બોજ બની રહે તેમ મનાતું પણ મુક્તિની તક બધાને માટે ખુલ્લી છે એમ કહ્યું, તેથી થોડા જ સમયમાં સ્ત્રીઓનો પણ સંઘમાં સમાવેશ થયો. એ નિયમો સ્વયં શિસ્ત કેળવવા અને જાતે દરેક પ્રકારના સંસાધનો પેદા કરવા વ્યવહારુ માર્ગદર્શન આપનારા પણ હતા. સાધુઓ આઠ ચીજ વસ્તુઓ રાખી શકતા જેમાં ત્રણ વસ્ત્ર, સોઈ, દોરો, રેઝર, એક પાત્ર અને એક લાકડાનો ચમચાનો સમાવેશ થતો. કરુણા, જ્ઞાન અને ડહાપણભર્યા ઉપદેશના બદલામાં સમાજ એમને ભોજન આપે તે વ્યાજબી ગણાતું.
બૌદ્ધ ધર્મનો પ્રસાર વધ્યો પરંતુ સંસાર ત્યાગનારા સાધુઓને જ એ ધર્મથી ફાયદો થાય અને નિર્વાણ મેળવવા કુટુંબ જીવન બાધારૂપ છે એવું માનવા બદલ તેની ટીકા થયેલી અને હજુ થાય છે. બુદ્ધે કૌટુંબિક જીવનનો ત્યાગ કર્યો પણ અન્યના જીવનને ઉત્તમ માર્ગ બતાવવા જિંદગીભર ભ્રમણ કર્યું. બધા જીવો પ્રત્યે કરુણા રાખવી એ આ ધર્મનો મુખ્ય સંદેશ છે. એથી જ તો કોઈ કોઈને છેતરે નહીં, ધિક્કારે નહીં અને જેમ મા પોતાના સંતાનને અસીમ પ્રેમ કરે અને કરુણા વરસાવે તેમ તમે પણ દુનિયાને અસીમ પ્રેમ કરતા થાઓ એવી શીખ બૌદ્ધ ધર્મે આપી.
એક વખત બુદ્ધના પટ્ટશિષ્ય આનંદે પૂછ્યું, “આપના મૃત્યુ પછી સંઘને કોણ દોરવણી આપશે?”. બુદ્ધનો જવાબ હતો, “સંઘને નાયકની જરૂર નથી, ધમ્મની જરૂર છે, ખપ છે મારા શિક્ષણનો।” તેમના જીવનના અંત સમયે એક લુહારના ઘરનું ભોજન લીધા પછી માંદગીને બિછાને પડ્યા. ભગવાન બુદ્ધ મૃત્યુથી ન ડરતા. પોતાનો અંત સમય નજીક આવતા ભાળ્યો ત્યારે અનુયાયીઓને કહ્યું, સત્યની શોધ ચાલુ રાખો તમને નિર્વાણ મળશે. જન્મ થયેલ જીવ અને પેદા થયેલ વસ્તુ વૃદ્ધ થાય અને સડે તે કુદરતનો નિયમ છે, તેનો શોક ન હોય. તેમણે સંઘના સાધુઓને નિયમિત રીતે મળતા રહીને સહમતીથી કામ કરવા ભલામણ કરેલી. એ આદેશ અનુસાર 500 સાધુઓની બનેલ એક સમિતિ બુદ્ધના નિર્ધારિત કરેલ સિદ્ધાંતોને જાળવવા એક ગુફામાં નિયમિત રીતે મળીને ચર્ચા વિચારણા કરતી.
ભગવાન બુદ્ધના નિર્વાણ બાદ, સદીઓ સુધી, ભારતમાં બુદ્ધ ધર્મ પ્રચલિત રહ્યો અને છેક જાપાન, ચીનથી માંડીને અફઘાનિસ્તાન સુધી પ્રસાર પામ્યો અને તે પણ અહિંસક રીતે ફેલાયો, જેમાં ધર્મ પરિવર્તનની કોઈ લાંબી ચૌડી પ્રક્રિયા નહોતી કરવામાં આવતી. જે રાજાઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તેમના રાજ્ય ખૂબ ન્યાયયુક્ત અને શાંતિપૂર્ણ રીતે ચાલતા હતા. પાટલીપુત્ર(હાલનું પટણા)નો રાજા અશોક ઘણી લડાઈઓ જીતીને ચક્રવર્તી બન્યો અને એ માટે તેણે ક્રૂરતાનો માર્ગ પણ અપનાવેલો. પરંતુ ઈ.સ. પૂર્વે 262માં કલીંગ પ્રદેશ પર જીત મેળવ્યા પછી, ત્યાં જોયેલ સંહાર અને વિનાશથી તેનું હૃદય પરિવર્તન થયું અને તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અહિંસાને સ્વધર્મ તેમ જ પોતાના રાજ્યના ધર્મ તરીકે સ્વીકાર કર્યો. રાજા અશોકે બુદ્ધના ધર્મ સંદેશ પથ્થરના શિલાલેખ પર કોતરાવ્યા અને પુત્ર મહેન્દ્ર તથા પુત્રી સંઘમિત્રાને સિલોન વગેરે દેશોમાં શાંતિ અને ન્યાયના પ્રચાર અર્થે બૌદ્ધ ધર્મનો અર્ક સમજાવવા મોકલ્યા. અહીં રાજા અશોકની રાજનીતિ અને પદ્ધતિનો ઉલ્લેખ અનુચિત નહીં ગણાય કેમ કે ભારતમાં શાસન કરી ગયેલ ઉત્તમોત્તમ રાજાઓમાંના તેઓ એક હતા જેમની રાજ્ય પદ્ધતિ આજે પણ અનુકરણીય ગણી શકાય તેમ છે. અશોકે માત્ર યુદ્ધનો ત્યાગ કર્યો એટલું જ નહીં, પોતાનાં રાજ્યમાં મૃત્યુદંડ નાબૂદ કર્યો, ગુલામોને મુક્ત કર્યા, મફત રૂગ્નાલયો સ્થાપ્યા અને પ્રાણી સુરક્ષા ધારો કરી તે માટેના કેન્દ્રો ખોલ્યાં.
1500 વર્ષો બૌદ્ધ ધર્મ ભારતમાં પ્રચલિત રહ્યો તે દરમ્યાન અનેક સ્તૂપ બન્યા અને પાંચમી સદીમાં નાલંદા વિશ્વવિદ્યાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી જે દુનિયાની સૌથી જૂની યુનીવર્સીટી તરીકે ખ્યાતિ પામી જેમાં દેશના ખૂણે ખૂણેથી અને વિદેશથી જ્ઞાન પિપાસુઓ આવતા. આસપાસના 200 ગામના લોકો ત્યાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓનું ભણવા-રહેવાનું ખર્ચ પૂરું પાડતા. ગાણિતિક વિજ્ઞાન, રાજ્ય્નીતિ, એન્જીિનયરીંગ, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને આરોગ્ય વિજ્ઞાન જેવા આધુનિક યુનિવર્સિટીઓમાં ભણાવાય છે તેવા વિષયો પર વિષદ જ્ઞાન મેળવતા. બૌદ્ધ ધર્મના શાસ્ત્રો એક નવ માળના મકાનમાં રાખવામાં આવેલ જેનો અભ્યાસાર્થે ઉપયોગ થતો.
અર્થશાસ્ત્રમાં નોબેલ ઇનામ મેળવનાર અમર્ત્ય સેન કહે છે તેમ ભગવાન બુદ્ધ માનતા કે માનવીના તમામ પ્રશ્નોનો હલ જ્ઞાન પ્રસાર અને આંતરદૃષ્ટિથી વિચાર કરવાથી થાય. માત્ર શરીરને પીડા આપવાથી બુદ્ધિ કે મનમાં કંઈ સુધારો ન થાય. અને આ એમનો જાત અનુભવ હતો. મનને નિયંત્રિત કરી, વિચારોનું ખેડાણ કરવાથી જ તે સુધરે તેવું તેમને પ્રતીત થયેલું. અમર્ત્ય સેન વધુમાં કહે છે કે માનવને સ્પર્શતા વિષયો જેમ કે ક્ષણભંગુરતા, સ્વાસ્થ્ય અને અપાહિજપણું વગેરેનો અભ્યાસ થવો જોઈએ એમ બુદ્ધ માનતા. બૌદ્ધ ધર્મ માનવ જીવન સાથે સીધી નિસ્બત ધરાવતો હતો તેથી જ તો આ વિષયો નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભણાવવામાં આવતા હતા. અને એ વાત નોંધનીય છે કે શિક્ષણની બાબતે ધર્મની માન્યાતાઓને કોઈ વિવાદ નહોતો થતો, ઉલટાનું બુદ્ધનું એ ક્ષેત્રમાં મોટું પ્રદાન હતું. તેઓએ કહેલું કે ભગવાન છે કે નહીં એમાં તમે માનો કે ન માનો એની સાથે તમારે અન્ય સાથે કેવી રીતે વર્તવું એ આધારિત નથી. આ વિચાર ધર્મ, કર્મ અને માનવીની સ્વતંત્રા સાથેના પરસ્પર સંબંધો માટે બાજી પલટી નાખનાર હતો.
કમનસીબે 7મી સદીથી નાલંદાને ધનિકોની મદદ મળતી બંધ થઈ. બ્રાહ્મણ ધર્મ સુષુપ્ત હતો તે જાગૃત થયો અને તેણે ફરી રાજ્ય વ્યવસ્થામાં સ્થાન મેળવ્યું અને બૌદ્ધ ધર્મ વિલીન થયો. 12 અને 13મી સદી દરમ્યાન મુસ્લિમ રાજાઓએ બૌદ્ધ મઠનો નાશ કર્યો અને ઘણા ભાગના સાધુઓની હત્યા કરી. એટલું જ નહીં ત્રણ ત્રણ દિવસ સુધી પ્રજ્વલિત રહેલી આગમાં નાલંદાને ભસ્મીભૂત કરી નાખી. બૌદ્ધ ધર્મની કોઈ એક પવિત્ર ભાષા નહોતી (જેમ કે જ્યુડાઈઝમની હિબ્રુ કે ક્રીશ્ચીયાનિટીની લેટિન), તેને કોઈ એક વિશેષ જડ ખ્યાલોથી બંધવામાં નહોતો આવ્યો તેથી તેને ભારતથી નિકાસ કરવો સહેલો પડ્યો. તેમાં નિહિત નિર્વિવાદ તત્ત્વજ્ઞાન અને તેની વિવિધ પ્રકારના લોકોને સમાવી લેતી નીતિને કારણે દુનિયા ભરમાં પ્રસર્યો. 20મી સદીની શરૂઆતથી તો કેટલીક રાષ્ટ્રીય અને હિંસક લડતો સામે પણ બૌદ્ધ ધર્મની પ્રબોધેલી અહિંસક નીતિનો અમલ થયો છે. આ ધર્મનો કેન્દ્રીય વિચાર એ છે કે માનવ જીવનનું પરિવર્તન અનિવાર્ય છે પણ એ પરિવર્તનને દિશા આપવાની આપણામાં શક્તિ છે. જ્ઞાન અને ડહાપણ કેળવવાથી માનવી પોતે જ પોતાની યાતનાઓ ઓછી કરી શકે તેવું બૌદ્ધ ધર્મે ભારપૂર્વક પ્રતિપાદિત કર્યું.
આધુનિક સમયનો માનવી વિવિધ પ્રકારની વેદનાઓ, યાતનાઓ અને મુશ્કેલીઓથી પીડાઈ રહ્યો છે જેનો ઉકેલ ખુદના વિચારોના વિશ્લેષણમાંથી, જ્ઞાન મેળવવાથી અને વલણોને બદલવાથી પોતે જ મેળવી શકે એવી બૌદ્ધ ધર્મની વાત ઘણા લોકોને માન્ય છે. આ ધર્મ વાસના અને માયાથી મુક્ત થવા કેટલાક વ્યવહારુ ઉપાયો સૂચવે છે. તેનું કહેવું એમ છે કે માનવી ધિક્કાર, લોભ અને ઈર્ષ્યાથી પર રહી શકે છે. કરુણા, અન્ય પ્રત્યેની અનુકંપા અને આપણે ખરેખર કોણ છીએ તે જાણવાથી આપણને અને દુનિયાને સારા બનાવી શકીએ એવો એ ધર્મનો અત્યંત સીધો સાદો સંદેશ છે. બૌદ્ધ ધર્મના અનુયાયી હો કે ન હો બૌદ્ધ ધર્મે આપેલ માનવતા અને આશાનો સંદેશ આજે ય દુનિયાભરમાં અનેકોના જીવનને પ્રકાશિત કરતો રહ્યો છે અને રહેશે.
•••••••••
સોક્રેટીસ
આજથી અઢી ત્રણ હજાર વર્ષો પૂર્વે, દુનિયામાં થતી ઉથલપાથલોને કારણે પ્રસરેલી અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં માનવી શું સિદ્ધ કરી શકે તેની શોધ કેટલાક બુદ્ધિજીવીઓ કરતા થયા. તેમાંના ત્રણ જ્યોતિર્ધરો તે બુદ્ધ, સોક્રેટીસ અને ક્ન્ફ્યુશિયસ. એક બીજાથી હજારો માઈલ દૂર અને સાવ જુદા સમાજમાં પેદા થયેલ આ ત્રણેય ક્રાંતિકારી તત્ત્વજ્ઞાનીઓએ તત્કાલીન સમાજ સમક્ષ સમાન સત્યો સામે લાવીને મુક્યાં એ બતાવે છે કે આવાં શાશ્વત અને સનાતન સત્યોને સમય, સ્થળ, ભાષા કે ધર્મની ભિન્નતા નડતી નથી.
આપણે બુદ્ધની જ્ઞાન યાત્રા, તેમની આધ્યાત્મિક ભૂમિકા અને માનવીને પોતે જ ઊભી કરેલ યાતનાઓમાંથી છોડાવવામાં ધર્મનો શો ફાળો છે તે વિષે વાત કરી. હવે ગ્રીસના અદ્વિતીય વિચારક, તત્ત્વજ્ઞાની એવા સોક્રેટીસ વિષે થોડી વાત સમજીએ. ખરું જુઓ તો સોક્રેટીસ એક બાહોશ સૈનિક હતા, પરંતુ એમના શૌર્યને પણ હરાવે એવા એમના ક્રાંતિકારી વિચારો હતા. તેમણે પોતાના સાથીઓને તેમના જીવનના દરેક પાસાને બુદ્ધિની કસોટીએ ચકાસવા પ્રેર્યા. સોક્રેટીસના કાળ પહેલાં એકાદ હજાર વર્ષથી અંધશ્રદ્ધા, ધર્મનું સમજ વિનાનું અનુસરણ અને ક્રિયાકાંડ તથા રીત રિવાજોથી દોરવાયેલી પ્રજા ગાડરિયું જીવન જીવતી આવી હતી. સોક્રેટીસને પોતાને સત્ય મેળવવાની લગની લાગી એટલું જ નહીં પણ ગ્રીસના તમામ નાગરિકોને પણ સત્યમય જીવન જીવવા નોતર્યા જે તેમના પતન અને મૃત્યુ સુધી લઈ ગઈ. ચકાસણી કરવી અને ઊંડી તપાસ કરવી એ તેમનો સ્વધર્મ હતો, અને પરીક્ષણ કર્યા વિનાનું જીવન જીવવા લાયક નથી, એ જીવન સાર્થક પણ નથી એવું તેઓ સતત કહ્યા કરતા.
ઈ.સ. પૂર્વે 469માં એથેન્સના એક પરગણામાં પથ્થરનું બાંધકામ કરનાર પિતા અને દાયણ માતાને ઘેર સોક્રેટીસનો જન્મ થયો. તે સમયે એથેન્સ જીવનના દરેક ક્ષેત્રે ભારે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હતું. એ જ્યાં ઉછર્યા હતા તેની સામે એક્રોપોલીસનો ખડક અને પાર્થનોનનું મદિર દેખાતું હતું પણ સોક્રેટીસનું ધ્યાન ત્યાં નહીં હોય કેમ કે એ તો યુદ્ધને કારણે ધરાશાયી થયેલાં, કાળાં ધુમ્મસ ઘરો વચ્ચે વહેલી સવારથી કામ કરતા. તે વખતની મહાસત્તા પર્શિયા સાથેના સંઘર્ષના ઘા તેના શહેર પર મોજુદ હતા. સોક્રેટીસના જન્મ પહેલાંના દસ વર્ષે એથેન્સને જીત મળેલી. એના જન્મ સમયે વધતા વેપારને કારણે એથેન્સ લખલૂટ સમૃદ્ધિમાં આળોટતું હતું. એ તેનો સુવર્ણ યુગ હતો. ઈ.સ. પૂર્વે 508માં એથેન્સમાં લોકશાહીનો જન્મ થયો તેમ માનવામાં આવે છે. પરિણામે બધા પુખ્ત વયના પુરુષોને રાતોરાત મતાધિકાર મળ્યો અને સામાન્ય માણસોને સરકારી ઉચ્ચ હોદ્દા મળવા લાગ્યા. સોક્રેટીસે શહેરને નવેસરથી બંધાતું જોયું, પણ સાથે સાથે નવી રાજકીય પદ્ધતિને પગલે શરુ થયેલ નવા સામાજિક પ્રયોગ પાછળ છુપાયેલ નૈતિક ભયસ્થાનો પણ તેની અતિ ધારદાર દૃષ્ટિ સામે છતાં થયાં.
સોક્રેટીસના ઉછેરની સાથે લોકશાહી પણ મોટી થવા લાગી. જનતા પોતાના ભાવિના ઘડતર માટે જવાબદાર બની. પણ વ્યક્તિનું નસીબ હજુ પણ ભગવાનના તાબામાં ગણાતું. દેવી દેવતાઓ અને પ્રેતાત્માઓ બધે છવાયેલ રહેતા, એટલું જ નહીં પણ લોકોના રોજીંદા જીવનમાં પણ હસ્તક્ષેપ કરતા. 2000 દેવોને પ્રસન્ન કરવા બલિદાનો અપાતાં જેના ધુમાડાથી શહેર આખું ઢંકાઈ જતું. એવામાં કેટલાક બુદ્ધિપ્રધાન લોકોએ આ જીવન પદ્ધતિ સામે સંશયાત્મક પ્રશ્નો ઉઠાવ્યા. 600 વર્ષથી કબ્રસ્તાન તરીકે વપરાતા કેરેમાઈકોસ નામના સ્થળે સોક્રેટીસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા સભા ભરતા. એથેન્સ સોક્રેટીસના સમયમાં કોસ્મોપોલિટન વેપારી મથક તરીકે ઉભરવા લાગ્યું હતું. વેપારીઓની જાહોજલાલીભરી જીવન રીતની સાથે વેશ્યાવૃત્તિ પણ ફૂલીફાલી. ધન વૈભવની વૃદ્ધિ થવાથી ઘણા એથીનિયન્સને આજીવિકા રળવાની જરૂર નહોતી પડતી. દર બે નાગરિકને ભાગે એક ગુલામ હતો. પૂર્વના અને ભૂમધ્ય પ્રદેશમાંથી આવેલ વિચારકોના વિચારો ચર્ચાતા એ સાંભળવા સોક્રેટીસ ત્યાં જતા. એ લોકો બ્રહ્માંડ અને પૃથ્વી વિશેના પારંપરિક વિચારોને પડકારવા લાગ્યા. જે જ્ઞાન લોકોને અતાગ અને સમજ બહારનું લાગતું તે એ વિચારકોને બુદ્ધિથી સમજીને સમજાવી શકાય તેવું લાગતું. સોક્રેટીસ અને તેમના જેવા અન્ય બુદ્ધિજીવીઓ પાયાના પ્રશ્નો ચર્ચાતા જેમ કે વિશ્વ શાનું બનેલું છે? પદાર્થ એટલે શું અને તેને કેમ કરીને જાણવો – સમજવો? એ જ્ઞાન પિપાસુઓને મળેલ જવાબોને કારણે દેવતાઓ જ આ વિશ્વના સંચાલક છે એ માન્યતાને ઠેસ પહોંચી. તેઓએ પ્રસ્થાપિત કર્યું કે આ દુનિયા અણુઓની બનેલ છે, પાણી સૃષ્ટિનું ઉદ્દગમ સ્થાન છે અને સૂર્ય એક બળબળતો ગ્રહ છે. આવા વિચારો તત્કાલીન સમાજમાં ખૂબ વિવાદાસ્પદ ગણાવા લાગ્યા. સોક્રેટીસ અને તેમના સાથીઓના વિચારોની ગહનતા અને રજૂ કરવાની હિંમત અદ્ભુત હતી. સોક્રેટીસે પોતાના પુરોગામી વિચારકોની પરંપરાગત ભ્રમણાઓને માત્ર પડકારી એટલું જ નહીં પણ નવી વિચારધારાને જન્મ આપ્યો. સોક્રેટીસે એક નવો દૃષ્ટિકોણ અપનાવ્યો. તેમણે એ પ્રતિપાદન કરવાની કોશિશ કરી કે માત્ર પરંપરા, પૌરાણિક વાતો, ધાર્મિક સંસ્થાઓ કે દેવી દેવતાઓ જ તમારા જીવનનું ધ્યેય નક્કી નથી કરતા પણ પોતાના મગજમાં ઉઠેલ તાર્કિક દલીલ અને પદ્ધતિસરના વિચારો વ્યક્તિનું ભાવિ નક્કી કરે છે. લગભગ તે જ સમયે બુદ્ધ અને કન્ફ્યુશિયસ આ જ વાત દુનિયાના બીજા પડ ઉપર કરતા હતા એ આપણે બુદ્ધના જીવન સંદેશની હકીકત પરથી જોઈ શક્યાં. સોક્રેટીસ અને તેના સાથીઓ બુદ્ધિની જેમ આ તર્કબદ્ધ વિચાર કરવાની શક્તિથી જીવન ઘડવાની અને દોરવાની વાત કરતા, જે તે સમયના ભારત અને ગ્રીસના સમાજની વિચારધારામાં આમુલાગ્ર પરિવર્તન લાવનારું નીવડ્યું.
જોવાની વાત એ છે કે હિંમત અને આત્મવિશ્વાસથી છલકાતા એથેન્સે આ નવા વિચારોને પ્રસરતા રોક્યા નહીં. દીર્ઘદૃષ્ટિ વાળા રાજપુરુષ પેરીક્લીસની આગેવાની નીચે સોક્રેટીસની તત્ત્વજ્ઞાન યાત્રા આગળ વધી. એ શહેરમાં શોધ-સંશોધન માટે આવવા લોકો આકર્ષાયા. પેરીક્લીસ પોતે વિચારકો અને કલાકારોને એકઠા કરતો અને લોકશાહી મૂલ્યોને બળવત્તર બનાવવા એ લોકો પાસેથી સલાહ પણ લેતો. તેણે એથેન્સમાં સ્વતંત્રતા નામનું યુદ્ધ જહાજનું અને વાણી સ્વાતંત્ર્યનું પૂતળું પણ બનાવડાવ્યું. આ બધું હોવા છતાં સોક્રેટીસને ભાન થયું કે આવી દેખીતી સફળતાઓને બીજી બાજુ પણ છે. લોકશાહીના ઉચ્ચ આદર્શોને વિગતે સમજવા જોઈએ. તેમણે કહ્યું કે આવી પ્રતિમાઓ, નગરની ઊંચી દીવાલો અને સબળ યુદ્ધ જહાજો બધાં એની જગ્યાએ સારાં છે પણ તેની અંદર રહેનારાં સુખી ન હોય તો તેનો શો અર્થ? પુષ્કળ સંપત્તિ હોવી તે સારું છે? શું લોકશાહી ન્યાયી સમાજ રચી શકે? આપણને સાચું સુખ શામાંથી મળે? આ અને આવા પ્રશ્નો લોકો પૂછતાં જેનાથી સોક્રેટીસ સભાન હતો. હજુ આજે પણ આ જ પ્રશ્નો મોટા ભાગના લોકો પૂછે છે એ શું બતાવે છે?
સોક્રેટીસનો જન્મ થતાં જ જાણે પાંડોરાનું બોક્સ ખુલ્યું. લોકોના મનમાં નવી દ્વિધાઓ અને વિરોધાભાસો ઉભરાવા લાગ્યા. પુખ્તવયના થતાં જ સોક્રેટીસ જીવનની કેટલીક મહત્ત્વની હકીકતો તરફ આંગળી ચીંધવા માંડ્યા. એથી એથેન્સમાં એ જાણીતા થયા. તેમણે એક પણ અક્ષર લખ્યો નથી. તેઓ માનતા કે લખવું જોખમકારક છે કેમ કે એ જ્ઞાનને કેદ કરે છે. એના શિષ્ય પ્લેટોએ ફિલોસોફર શબ્દ પહેલી વખત સોક્રેટીસના જ્ઞાનરાશિના સંદર્ભમાં વાપર્યો અને તેમણે જ સોક્રેટીસના જીવનવિષે અને તેમના સંવાદો લખીને સાચવ્યા જેના આપણે ઋણી છીએ. એ લેખિત સામગ્રી પરથી જાણવા મળે છે કે સોક્રેટીસ ખૂબ મેધાવી, પરસ્પર વિરોધાભાસી લક્ષણો ધરાવતા, આકર્ષક પ્રતિભા ધરાવનારા અને હિંમતવાન હતા. જો કે એ બીજાને પોતે ઉણપવાળા છે એવું અજાણ્યે મહેસુસ કરાવનારા પણ હતા. સોક્રેટીસના સમય દરમ્યાન એથેન્સને લોકશાહીનો પ્રસાર-પ્રચાર કરવાની મહેચ્છા હતી તેથી તેની બીજા રાજ્યો સાથે લડાઈ કરવાની ભૂખ તીવ્ર બનેલી. સોક્રેટીસ પણ એ યુદ્ધમાં જોડાય તેવી નગર રાજ્યની અપેક્ષા હતી. ત્રણ વર્ષની લડાઈ દરમ્યાન થયેલ સંહાર અને વિનાશને પરિણામે લોકો માનવ ભક્ષણ તરફ વળ્યા હતા. આવા મહાવિનાશકારી સંહાર અને હિચકારા કૃત્યો પ્રત્યે સોક્રેટીસ એક પ્રકારની સ્થિર શાંતિનો અનુભવ કરતા. તેવે સમયે એ પ્રશ્નો પૂછતા: પવિત્રતા શું ચીજ છે? જ્ઞાન એ જ માત્ર ઉત્તમ વસ્તુ છે? જનોઈ જેવડા વાઘા પહેરેલા અને ઉઘાડે પગે ફરતા સોક્રેટીસ આવા સવાલોમાં ખોવાઈ જતા. તેમના પુરોગામી વિચારકોથી જુદા પડતાં એ માનવા લાગ્યા કે વિશ્વને સમજવું એ મૂળ વિચારોથી દૂર જવા જેવું છે. ગ્રહો અને તારાગણોનો અભ્યાસ કરવો એ બધું બરાબર છે, પણ માનવ સ્વભાવને સમજવો એ તેના જીવન વ્યવહારને બદલવા અને સુધારવા માટે વધુ તાત્કાલિક ધ્યાન માગી લે છે.
સોક્રેટીસના મનમાં સામાન્ય પ્રજાનું વાસ્તવિક જીવન અને તેની મુક્ત વિચારશક્તિનો વિકાસ કેન્દ્રીય બાબત હોવાને કારણે તેમણે પોતાના તર્કને અંતરમાં વાળ્યો. આપણે કેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ? આપણે કેવી વ્યક્તિ બનવું છે? એવા સવાલો તેમના મનમાં ઉઠતા અને બીજાને પણ પૂછતા. પશ્ચિમમાં એ પહેલા માનવી હતા જેમણે પોતાના તત્ત્વજ્ઞાનના હૃદયમાં નીતિ મૂકી. આમ જુઓ તો તેમની વાતો સીધી સાદી હતી. તેઓ કહેતા કે દરેક માનવીને પૂર્ણ રીતે વિકસિત જીવન જીવવાની ખેવના હોય છે. પણ એ ઈચ્છા અનિત્ય વસ્તુઓના ઉપભોગમાંથી નથી ફળતી. ભૌતિક સાધનો કાયમી સુખ ન આપે. સોક્રેટીસને પ્રતીત થયું કે શાશ્વત આત્માને સમજવાથી જ કાયમી સુખ મળે. અહીં પણ તેમના વિચારો બુદ્ધના વિચારો સાથે સામ્ય ધરાવતા માલુમ પડે છે. તેમનું સાદું સમીકરણ એવું હતું કે આપણે જ્યારે સાચું કર્મ કરીએ છીએ ત્યારે પોતાના આત્માની રક્ષા કરીએ છીએ અને જ્યારે કુકર્મ કરીએ ત્યારે તેનો નાશ કરીએ છીએ. માટે સાચા-ખોટાનો ભેદ સમજવો એ જીવન જીવવાની સાચી ચાવી છે તેમ તેમનું માનવું હતું.
એ કાળે એથેન્સમાં એક વર્ષમાં ચાર હજાર કાયદેસરના કેઈસની સુનાવણી થતી. લોકશાહીના આવિષ્કારને પરિણામે અદાલતોની કાર્યવાહીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. હવે અમીર ઉમરાવથી માંડીને મચ્છી વેંચનાર કે કઠિયારા જેવા કોઈ પણ પુરુષ એક દિવસ માટે ન્યાયાધીશ બની શકે તેવી જોગવાઈ અમલમાં આવી. આવા બિનઅનુભવી ન્યાયધીશોને સત્તા મળવાથી સોક્રેટીસને પીડા થતી. ન્યાયાધીશની ખુરશી પર બેઠેલ વ્યક્તિને સાચા-ખોટાનું ભાન ન હોય તો નિર્દોષને સજા થવાની શક્યતા રહે એમ તેમને ભાસ્યું. અને જો એમ થાય તો નિર્દોષને શારીરિક પીડા થાય પણ ન્યાયાધીશના અજાણતા થયેલ અન્યાયને કારણે તેને પોતાના આત્માને અસત્યાચરણથી વધુ પીડા થાય અને કાયમી નુકસાન પહોંચે. સોક્રેટીસ દ્રઢપણે માનતા કે માનવ જાતનો એક માત્ર દુશ્મન અજ્ઞાન છે. એટલે એથેન્સના તમામ નાગરિકને શિક્ષણ આપવું તેમને જરૂરી લાગ્યું. તે વખતે નીતિના ધોરણો હતાં પણ સ્પષ્ટ અને એકસૂત્રે બંધાયેલાં કે એકધારા નહોતાં. બધા ગ્રીક લોકોનું નસીબ દેવોના હાથમાં હતું. વ્યક્તિગત નૈતિકતા માટે ખાસ માર્ગદર્શન ન મળતું છતાં દેવોનું માન સમાજમાં ઘણું હતું. એ દેવો એકબીજાની પત્નીનો સહવાસ માણતા, અંદરોઅંદર લડતા, મર્ત્યલોકના માનવોનું અપહરણ કરતા અને તેમને માનવીના જીવનની વાસ્તવિકતા સાથે કંઈ નિસ્બત નહોતી. તમે સારું જીવન જીવો તો ય દેવત્વ પામવાની કોઈ ખાતરી નહોતી. દેવોની સત્તાનો સ્વીકાર કરી તેના તાબામાં રહેવું અને અતિ મોંઘાં બલિદાન આપવામાં જ આ ભવની સલામતી ગણાતી.
ગ્રીક પ્રજા પાંચ ગુણો મહત્ત્વના માનતી અને તે છે ન્યાય, સુરાપાન નિષેધ, હિંમત, પવિત્રતા અને ડહાપણ. પણ વ્યવહારમાં તેની વ્યખ્યા અને અમલની રેખા ઘણી ઝાંખી હતી. અમીર લોક માટે ન્યાય અને પવિત્રતાની જે વ્યાખ્યા હતી તે ગુલામ કે સ્ત્રી માટે નહોતી. સોક્રેટીસને મન વડીલ, ધર્મગુરુ કે મહાકવિના માનદંડ બીજા માટે કસોટીમાં ખરા નહોતા ઉતરતા. સોક્રેટીસ એ પાંચેય ગુણોની વૈષ્વિક, સાર્વજનિક અને સબળ વ્યાખ્યાની શોધમાં હતા. તેમની માન્યતા હતી કે આ પાંચેય ગુણો પરસ્પરાધારિત છે, એને જુદા ન પાડી શકાય. એ પાંચ ગુણો તાત્ત્વિક રીતે એક જ ગુણ છે. સોક્રેટીસ એને માનવ હિતકારી જ્ઞાન તરીકે ઓળખાવતા. તેમનું કહેવું હતું કે આ જ્ઞાનથી જ જીવન બચાવી શકાય. આ કોઈ અમૂર્ત વિચાર નથી. તેનાથી તો માણસ પોતાના રોજીંદા જીવનમાં સાચો નિર્ણય લઈ સારું જીવન જીવી શકે. જેમ કે યુદ્ધમાં જે કર્મ હિંમત ગણાય તે મંદિરમાં પવિત્ર કર્મ ગણાય એટલે એક જ કર્મ જુદા જુદા સંદર્ભમાં સાચું કે ખોટું ઊતરે. એનો અર્થ એ કે દુનિયાને અને પોતાને સારા બનાવવાની સત્તા દેવો પાસે નથી પણ દરેક વ્યક્તિ પાસે છે. દેવોની કૃપાદૃષ્ટિ કે ખોફને વશ થવાની જરૂર નથી. એ પેઢીના પૂર્વજો અમીર અને ગરીબ તેમ જ સ્ત્રી અને પુરુષ માટે જુદા જુદા ગુણધર્મોમાં માનતા, તેવે વખતે સોક્રેટીસે દરેક માનવ માત્ર માટે એક સરખા ગુણધર્મ હોવાની વાત કરી. આ એક અત્યંત ક્રાંતિકારી પ્રસ્તાવ હતો.
સોક્રેટીસ જેવું વિચારતા તેવી જ ચર્ચા તેમના મિત્રો, સાથીદારો અને આમ પ્રજા સાથે કરતા. તેમના નવા વિચારોના પ્રસાર થવાની સાથે તત્ત્વજ્ઞાન જાણે સ્વર્ગમાંથી લોકોના ઘરોમાં અવતર્યું. પશ્ચિમ જગતમાં આ ઘણી ક્રાંતિકારી વિચારધારા હતી. એક રીતે આ નવીન અને ઉત્સાહ પ્રેરે તેવો વિચાર હતો પણ સામાજિક માળખાને અને ધર્મ વિશેના પારંપરિક ખ્યાલોને પડકારનારો હતો અને એટલે અંશે જોખમી પણ હતો. સોક્રેટીસ દેવોના અસ્તિત્વનો અસ્વીકાર નહોતા કરતા, પણ માનવીની પોતાના કર્મના પરિણામે ભોગવવા પડતાં ફળ વિષે વિચાર કરવાની શક્તિ માટે સભાન હોવાથી ઘણાએ તેમનો વિરોધ કર્યો. પહેલાં જ્યાં બલિદાન અપાયેલ યજ્ઞોના ધુમાડા ફેલાતા એ જ શહેરોમાં વિચાર અને વાણી સ્વાતંત્ર્ય પ્રવેશ્યાં. ઈ.પૂ. 431 સુધી સોક્રેટીસના ક્રાંતિકારી વિચારો ઘણે ભાગે સ્વીકારાયા પણ પછી તેનો અંત નજીક આવ્યો. આવા ખમતીધર તત્ત્વજ્ઞાની આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેમ મુકાયા તે જોઈએ.
એથેન્સ અને સ્પાર્ટા વચ્ચેની લડાઈમાં એથેન્સના નગરજનોએ ખૂબ સહન કર્યું. તેઓ હાર્યા. પેરીક્લીસે બધાને સુરક્ષિત રાખવાના ઈરાદે ગઢમાં બોલાવી લીધા, પણ ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો. તેમાં ⅓ ભાગની વસતી ખતમ થઈ ગઈ. રોષે ભરાયેલ પ્રજાએ પેરીક્લીસને પદભ્રષ્ટ કર્યો. બુદ્ધ ને કન્ફ્યુશિયસ જેવી શક્તિથી પ્રેરાયેલા સોક્રેટીસ જ્યાં આત્મવિશ્વાસ અને સહનશક્તિની ઓટ આવી ગયેલી તેવા વાતાવરણમાં પોતાના વિચારોમાં દ્રઢપણે શ્રદ્ધા ધરાવતા આગળ વધવા લાગ્યા. 40 વર્ષની લડાઈ, રોગ અને મૃત્યુથી ઘેરાયેલ એથેન્સમાં સોક્રેટીસની શોધે નવી દિશા પકડી. આપણી આસપાસ પથરાયેલ માયાજાળમાં શું કર્મ છે તે કેવી રીતે નક્કી કરવું? મિલકત સારી વસ્તુ છે? શાનાથી સાચું સુખ મળે? આવા આધિભૌતિક અને આધ્યાત્મિક વિચારો અને માત્ર વાદ-વિવાદથી તેમને સંતોષ નહોતો. તત્ત્વજ્ઞાન જીવનના વ્યવહારમાં મૂકી શકાય તેનું જ તેમને મૂલ્ય હતું. સોક્રેટીસને શબ્દોની માયાજાળમાં રસ હતો એટલે કોર્ટ કેઈસની દલીલો લખીને અને પ્રવચનો આપીને પોતે થોડાઘણા પૈસા કમાઈ લેતા. જો કે મોટા ભાગના કામ માટે સોક્રેટીસ પૈસા લેવાની ના પાડતા અને મિત્રોની કૃપા પર જીવતા. તેમને શરાબ પીવો ગમતો અને સ્ત્રી સંગમાં પણ સુખ ભોગવતા. આમ છતાં ઉઘાડે પગે અને નાહ્યા ધોયા વિના ફરતા અલગારી સોક્રેટીસ ભૌતિક સુખ પાછળ ઘેલા બનેલા એથીનિયન્સમાં કંઇક જુદા તરી આવતા.
ત્યાંની લખલૂટ માલ સામાનથી ભરેલી બજારોમાં ફરતાં તે કહેતા, “આમાંની કેટલી બધી વસ્તુઓની મારે જરૂર નથી?” તેમના મનથી લક્ષ્મી ચંચલ હતી. તેનાથી શાશ્વત મૂલ્યોની અને સત્યની શોધમાં બાધા ખડી થાય તેમ તેઓ માનતા. સોક્રેટીસ એમ પણ માનતા કે જ્ઞાન ખરીદી ન શકાય અને ડહાપણ લાંબાં ભાષણો સાંભળવાથી મેળવી ન શકાય. એ તો માત્ર ચર્ચા વિમર્શથી જ પ્રાપ્ત થાય. સોક્રેટીસ શેરીમાં ચાલતા માણસને રોકીને નીતિ વિષયક પ્રશ્નો પૂછતા, દરેક શબ્દની વ્યાખ્યા અને સમજ આપવા માટે સામી વ્યક્તિને ઊંડો ઉતારતા જાય. એમ કરવા જતાં જરૂર પડે તો એ માણસના અજ્ઞાનને પડકારે, તેની ઉણપો છતી કરે, તેના વિચારોને માંઝીને ઉજળા કરે એટલું જ નહીં પણ ચર્ચામાં જોડાયેલ વ્યક્તિનું માથું ભમી જાય તેટલા પ્રશ્નો-પરિપ્રશ્નો પૂછે, એ પોતાની માનેલી વ્યાખ્યા પાછી ખેંચે ત્યાં સુધી દલીલોમાં રોકી રાખે. એક દાયણની માફક બીજાના વિચારોને પોષે, સુધારે અને વિચારોને યોગ્ય રીતે સમજીને રજૂ કરવામાં મદદ કરે. જો કે આ રીત બીજાને પજવનારી લગતી. સોક્રેટીસ માનતા કે લેખિત કરતાં મૌખિક રીત વિચારો ઘડવામાં અને જ્ઞાન મેળવવામાં વધુ અસરકારક નીવડે. એ ચર્ચા દરમ્યાન વ્યક્તિને પોતાની ઉણપો છતી થાય એટલે તેની લાગણી પણ શુદ્ધ થયા, સોક્રેટીસ પોતે કંઈ ના જાણતા હોવાનો ડોળ કરે, પછી સામેના માણસને પ્રશ્નો-પરિપ્રશ્નો પૂછી પૂછીને વિચારતો કરે. જે વ્યક્તિ પોતે સાદી અને પાયાની વાત જાણે છે તેમ માનતો હોય તે પણ ચર્ચાને અંતે હકીકતે પોતે કશું જાણતો નથી એવી પ્રતીતિ લઈને જાય. સોક્રેટીસની આ પદ્ધતિની વિરુદ્ધની વિચારધારા ફનાટીસીઝમને નામે જાણીતી છે. આથી આજે પણ સોક્રેટીસની આ તાર્કિક પદ્ધતિથી વિચાર કરીને નિર્ણય લેવાની અતિ આવશ્યકતા છે. જાહેરમાં આ રીતે બીજાના વિચારોનું ખંડન કરવાને લીધે સોક્રેટીસ જ્યાં પણ જતા ત્યાં પાણી ડહોળાઈ જતાં અને ઉપરથી દેખાતી શાંતિ ભંગ થતી.
હકીકત જોવા જઈએ તો સોક્રેટીસ બધાને માનવહિત અને પાયાના સત્ય વિષે જ્ઞાન મેળવવા નોતરતા. એ જ્ઞાન મેળવવા લોકોએ પોતાના કર્મ અને માન્યતાઓનું વિશ્લેષણ કરવું અનિવાર્ય બન્યું, પોતે પોતાની જાતને પડકારવી પણ પડે. લોકો આ પ્રક્રિયામાંથી પસાર થાય અને ચર્ચાને અંતે પોતાના વિચારો, વલણ અને માન્યાતાઓ વિશેનો ભ્રમ ભાંગે તેનાથી અસ્વસ્થ થઈ જતા. પણ સોક્રેટીસ કહેતા કે unexplained life is not worth living. આમ જેને સમજણ વિનાનું જીવન નિરર્થક લાગે એવા સોક્રેટીસને મન તર્કબદ્ધ વિચાર પદ્ધતિનું અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું કેટલું મહત્ત્વ હશે તે સમજી શકાય તેમ છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સોક્રેટીસના આ પ્રકારના શિક્ષણની રીત ગ્રીસના યુવાનોને ઘણી અનુકૂળ આવી. પણ બીજી બાજુ સ્પાર્ટા સાથેના યુદ્ધનો અંત નહોતો દેખાતો તેવામાં ગ્રીસના યુવાનો નરમ દળના વિચારો ધરાવતા થાય તે રાજ્યને પોસાય તેમ નહોતું. યુવાનો જો સ્વતંત્ર રીતે વિચારતા થાય તો તેઓ રાજયના આદેશોનું પાલન ન કરે અને એ શક્યતા જોખમ ભરેલી હતી. છતાં સોક્રેટીસ આગોરા નામના વેપારી મથકે યુવાનોને સંબોધતા તેને રોકવામાં નહોતા આવ્યા. અહીં વિચાર અને વાણી સ્વાતંત્ર્યના અધિકારને અમલમાં મુકાતો જોવા મળતો. આમ છતાં લોકોને રાજ્યની સત્તા, વડીલોની આમન્યા અને કાયદાની જોહુકમીનું માન પણ રાખવું પડતું. થયું એવું કે રાજ્ય, વડીલો અને કાયદાની સત્તાના ન્યાયીપણા વિષે પ્રશ્નો પૂછીને સોક્રેટીસ યુવાનોને એ ત્રણેય સંસ્થાઓ વિષે સાશંક કરતા. તેમના કેટલાક અનુયાયીઓ તો શહેરના નબીરાઓ હતા જે ભવિષ્યના ગ્રીસના નેતાઓ હતા. સોક્રેટીસે એક પ્રખ્યાત રમતવીર સાથેની ચર્ચામાં શારીરક સૌન્દર્ય અને સૌષ્ઠવની સામે ખરા સૌન્દર્યની ચર્ચા કરી. છેવટ શરીરની સુંદરતા કરતાં આત્માની સુંદરતા વધુ ચડિયાતી છે તેમ સોક્રેટીસ પ્રતિપાદિત કરી શક્યા. તેમના મતે નબીરાઓનો બાહ્ય દેખાવ સાચા ડહાપણ વિના સાવ નિરર્થક હતો. એવા લોકો સાથે ચર્ચા કરીને તેમની ધીરજની કસોટી કરતા, પણ પોતાના સિદ્ધાંતોમાં બાંધછોડ ન કરતા.
ગ્રીસની જનતા અને રાજ્યકર્તાઓ દેવ દેવીઓમાં ખૂબ શ્રદ્ધા ધરાવનારા હતા તે નિ:શંક છે. એક કારોફોન નામના જિજ્ઞાસુએ એકદા દેવ અપોલોને તેના તીર્થસ્થળ પર જઈને પૂછ્યું, “ગ્રીસમાં સોક્રેટીસ કરતાં શાણો પુરુષ કોઈ છે?” જેનો જવાબ “ના” આવ્યો. કારોફોને આ જવાબ સોક્રેટીસને કહી સંભળાવ્યો ત્યારે પણ એ વાતને સહર્ષ સ્વીકારી લેવાને બદલે પોતાની લાક્ષણિક ઢબે આ ઓરેકલના શબ્દો વિષે પ્રશ્નો પૂછ્યા. દેવ વાણી પણ સોક્રેટીસના વિશ્લેષણથી પર નહોતી તે આનાથી પુરવાર થયું. જાહેર સરકારી સેવકો, કવિઓથી માંડીને કારીગરો સુધીના તમામ નાગરિકોને પ્રશ્નો પૂછ્યા બાદ સોક્રેટીસને ખાતરી થઈ કે તેઓ બધા પોતાની પાસે જે શાણપણ હોવાનો દાવો કરે છે એ તેમની પાસે નથી અને એ વાત તેઓ જાહેરમાં કહેતા. એ જ સોક્રેટીસે ઓરેકલની વાણી સાચી છે એમ જાહેર કર્યું, સાથે એમ પણ કહ્યું કે, “હું જે નથી જાણતો એ હું જાણું છું એમ કહેવાનો ડોળ નથી કરતો.” આમ પોતાની સમજની મર્યાદા સમજીને સ્વીકારતા તેથી જ અન્ય સહુ કરતાં સોક્રેટીસ વધુ શાણા હતા. બીજા, જે જ્ઞાની હોવાનો ઢોંગ કરતા તેમની પોકળતા જાહેર કરવાને કારણે સોક્રેટીસે ઘણાની દુશ્મનાવટ વહોરી લીધી.
એક વાત કદાચ બહુ ઓછા લોકોની જાણમાં હશે કે સોક્રેટીસે પોતાની પાસે આધિભૌતિક શક્તિ સાથે વાત કરવાની ખાસ સત્તા છે એવો દાવો કરેલ. સોક્રેટીસ એ શક્તિ સાથે સમાધિ અવસ્થામાં વાત કરતા અને એ શક્તિ સોક્રેટીસને ખોટા નિર્ણયો લેવા સામે ચેતવતી તેમ કહેતા. સોક્રેટીસના અનુયાયીઓ આ દૈવી તત્ત્વ સાથેના અનુસંધાનથી પ્રભાવિત થયેલા પણ સામાન્ય અથીનિયન મૂંઝાઈને અસ્વસ્થ થાય તે સ્વાભાવિક છે. વ્યક્તિગત અને સામૂહિક માન્યતાઓ, ભક્તિ અને ક્રિયાકાંડ તથા રીત રીવાજો જાહેરમાં પ્રદર્શિત કરવાનો એ જમાનો હતો. લોકો માનતા કે સારા અને ખરાબ આત્માઓ તેમની આસપાસ ફરે છે. તેવા વાતાવરણમાં સોક્રેટીસની વ્યક્તિગત ઈશ્વરી તાકાત સાથેના વાર્તાલાપની વાત જાદુ-ટોના જેવી ગણાવા લાગી. આથી સોક્રેટીસ વિષે જાત જાતની અફવાઓ ફેલાવા લાગી. થયું એવું કે એક દિવસ સોક્રેટીસ સાયનાસીસ નામના થિયેટરમાં નાટક જોવા ગયા. એ જોતી વખતે તેઓ ચણા, સૂકો મેવો અને અંજીરનો નાસ્તો કરતા હશે એ કલ્પી શકાય. એ હાસ્ય નાટિકામાં એક યુવા કલાકારે સોક્રેટીસની ઠેકડી ઉડાડી અને તેનું ખૂબ ખરાબ ચિત્રણ કર્યું. પણ સોક્રેટીસ તેમની આવી બદબોઈથી જરાય ડગ્યા નહીં ઉલટાના નાટ્યગૃહમાં ઊભા થયા જેથી બધા તેમને ઓળખે. આવી ક્રૂર મજાકથી સોક્રેટીસને રમૂજ થઈ. એમની માન્યતા પાકી થઈ કે પ્રજા શિક્ષિત ન હોય તો લોકશાહી ન નભે. એ જમાનામાં પ્રજાને શિક્ષિત કરવા થિયેટર મહત્ત્વનું સાધન હતું; હાલના જાહેર પ્રચારનાં માધ્યમો દ્વારા થતી ટ્રાયલ જેવું શક્તિશાળી.
યુવાન નાટ્યકારની મજાકથી સોક્રેટીસની પ્રતિષ્ઠામાં તડ પડી, પણ એથેન્સ તો એથી ય વધુ મુશ્કેલીમાં હતું. સ્પાર્ટા સાથેનું યુદ્ધ લંબાયું એટલે લોકો લોકશાહીના પ્રયોગની ઉપયોગિતા અને સફળતા વિષે પ્રશ્ન કરવા લાગ્યા. સીસીલી સામે પ્રહાર કરવા સોક્રેટીસના મિત્રને પસંદ કરવામાં આવેલ. એ આસ્લીબાયડી ઉપર મુક્તિ દેવતાઓની મૂર્તિનું ખંડન કરીને લોકશાહીને હાનિ પહોંચાડવાનું તહોમત મુકાયું. જાન બચાવવા એ એથેન્સથી નાસી ગયો અને દુશ્મન સ્પાર્ટાની છાવણીમાં ભળ્યો. હવે થવા કાળ તે સોક્રેટીસ આસ્લીબાયડીના મિત્ર ખરા અને તેમાં ય તેની પોતાની પ્રતિષ્ઠા ઝાંખી પડેલી એટલે પ્રજાનો રોષ સોક્રેટીસ તરફ વળ્યો. પણ એ તો સત્યને અસત્યથી વેગળું કરવા માટે જરૂરી જ્ઞાન અને તર્કયુક્ત દલીલો શીખવવાની ધૂનમાં મસ્ત હતા તેથી આ હિલચાલથી જરા ય ચલિત ન થયા.
સોક્રેટીસ 60 વર્ષની ઉંમરે જાહેર જીવનમાં પ્રવેશ્યા ત્યારે તેમને એથેન્સની સત્તા સાથે અથડામણ થઈ. એ પ્રિસાઈડીંગ ઓફિસર બન્યા તે દરમ્યાન છ એથીનિયન જનરલ ઉપર સૈનિકોના મૃતદેહોને દરિયામાંથી શોધી ન કાઢવાનું તહોમત મુકાયું હતું જે કેઈસની સુનાવણી જાહેરમાં થઈ. લોકોએ એ બધા જનરલ પર કાયદેસર કામ કરવાની માંગણી કરી. પરંતુ સોક્રેટીસે આ કેઈસમાં સક્રીય ભાગ લેવાની નામરજી બતાવી. બીજે દિવસે એ જનરલ્સને મૃત્યુદંડ થયો. સોક્રેટીસ માનતા માણસે બીજાના કોઈ પણ કર્મનો બદલો ન લેવો જોઈએ. ગ્રીક ફિલોસોફી હતી, બીજાને મદદ કરો અને દુશ્મનને મારો. સોક્રેટીસ કહે તમે ભલે સામા માણસની મિલકત છીનવી લો, તેનો જાન લઈ લો પણ તેના આત્માને હાનિ ન પહોંચાડી શકો. તેમનું માનવું હતું કે બીજાને અન્યાય કરીને પોતાના આત્માને હાનિ પહોંચાડીએ છીએ જેથી મુક્ત અને સમૃદ્ધ જીવન ન જીવી શકાય. તેઓ એમ પણ માનતા કે ક્યારેક માણસને સજા કરવી જરૂરી બને છે પણ બીજાનું આત્મશુદ્ધિકરણ કરીને જ તેમણે કરેલી ભૂલની સજા કરી શકાય. સજાનો હેતુ માણસને સુધારવાનો હોવો જોઈએ. આપણે 21મી સદીમાં પણ સોક્રેટીસના આ આદર્શનો અમલ નથી કરી શકતા તો એ વખતે તો આ અતિ પ્રગતિશીલ અને અસંભવ વિચાર ગણાતો.
સમાજને સુરક્ષિત અને સંગઠિત રાખતા કાયદા અને નિયમો પર સોક્રેટીસે આઘાત કર્યો તેથી એથીનિયન્સ નારાજ થયા. આવા ક્રાંતિકારી વિચારો ધરાવવા એ સોક્રેટીસની નબળાઈ ગણાઈ. જીસસે સરમન ઓન ધ માઉન્ટ પર આપેલ ઉપદેશમાં કોઈ તારા ડાબા ગાલ પર તમાચો મારે તો તારો જમણો ગાલ ધર તેમ કહેલું તે વખતે તેની આસપાસના લોકોને આવી જ વિમાસણ થયેલી. આતો જીસસ પહેલાં પણ 500 વર્ષે આવો વિચાર મુકાયો તો લોકો તેની સાથે કેવી રીતે ચાલી શકે?
સોક્રેટીસ સત્ય અને શાણપણને ખાતર ગમે તે જોખમ ખેડવા તૈયાર હતા. બુદ્ધ, કન્ફ્યુશિયસ અને સોક્રેટીસ એ ત્રણેયે સત્યને ખાતર વ્યક્તિગત સલામતી અને સગવડને હંમેશ નગણ્ય માનેલા. તેવામાં એથેન્સ પર શત્રુઓ છવાઈ ગયા એટલે લોકો અંદરોઅંદર લડવા લાગ્યા. હવે વ્યક્તિગત સ્વતંત્રતા પોસાય તેમ નહોતી. સ્પાર્ટાએ એથેન્સને તેના ઘૂંટણીએ પાડવા કહ્યું. સ્પાર્ટનોએ એથેન્સની સુરક્ષિત દિવાલો પાડીને પોતાના 30 ચુનંદા શાસકોના હાથમાં સોંપી દીધું. જેને આજે આપણે ડેથ સ્કવોડ તરીકે ઓળખીએ છીએ તેવા ઘાતક સૈનિકોની ટુકડી એથેન્સમાં ઘુમવા લાગી. લોકશાહીમાં શ્રદ્ધા ધરાવનારા હજારો માણસો અદ્રશ્ય થઈ ગયા અથવા તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પણ આઠ મહિનામાં વળતી ક્રાંતિ થઈ, એથેન્સના હાથમાં સત્તા આવી અને લોકશાહી સ્થપાઈ, પણ ઘણું સમાધાન કરવું પડ્યું. સત્તાધારીઓ અને પ્રજા વચ્ચે પરસ્પર શંકા અને બદલો લેવાની લાગણી જોર પકડી. આવા ઝેરીલા વાતાવરણમાં એથેન્સે તેના હાનિકર્તા તત્ત્વોનો અંત લાવવાનું બીડું ઝડપ્યું. ઈ.સ. પૂર્વે 399માં 70 વર્ષના સોક્રેટીસ ફરીને કોર્ટમાં હાજર થયા. આ વખતે ખુદ તેમના પર તહોમત મુકાયું. અગારા કે જ્યાં તેઓ અન્યને શાણપણ ભર્યા વાર્તાલાપો અને વિવાદો દ્વારા નીતિમત્તાના પાઠ ભણાવતા ત્યાં એ તહોમતનું વાચન કરવામાં આવ્યું. તેમના પર પહેલું તહોમત હતું અપવિત્રતાનું. તેમણે ગ્રીક દેવતાઓનો અસ્વીકાર કરીને નવા દેવોને સ્થાપ્યા તેવો દાવો થયો. બીજું તહોમત હતું, તેમણે યુવાનોને ભ્રષ્ટ કર્યા. આ બંને ગુન્હાઓ મૃત્યુદંડને પાત્ર હતા.
ધર્મની કોર્ટમાં સોક્રેટીસ વિરુદ્ધ કેઈસ ચાલ્યો. તે વખતે સુલભ એવી છેલ્લામાં છેલ્લી ઢબની ટેકનોલોજી વાપરવામાં આવી. વોટર કલોક રાખી, જે ત્રણ કલાક કેઈસ ચાલવા દે. આલ્સીબાયડી સાથેની દોસ્તી સોક્રેટીસને લોકશાહી વિરોધી પુરવાર કરતી હતી પણ સહુથી વધુ તો તેમણે એથેન્સના યુવાનોને તે સમયની ચીલાચાલુ પરંપરા વિષે વિચારતા કરીને ભડકાવ્યા એ સત્તાધીશોને વધુ જોખમકારક લાગ્યું. પેલા એરીસ્ટોફનીસના નાટકને કારણે સોક્રેટીસના ચારિત્ર્યને લાગેલ બટ્ટો દૂર થાય તેમ નહોતો. તેમને ખ્યાલ આવ્યો કે પોતાના ગુનાને કારણે નહીં પણ પ્રજામાં ફેલાયેલ અફવાઓને કારણે પોતાને સજા થશે. આવા સંયોગોમાં પોતાનો બચાવ કરવો એ તો પડછાયા સાથે મુક્કાબાજી કરવા જેવું છે એમ તેમને ભાસ્યું. એવા કટોકટીના સમયે પણ સોક્રેટીસે નાગરિકોને અંતર ઢંઢોળતા કરી મૂકે એવા સવાલો પૂછ્યા. તેમનું એ વક્તવ્ય સુંદર પણ તુમાખીભર્યું ગણાવા લાગ્યું. જ્યુરરને એ લગીરે ન ગમ્યું. સોક્રેટીસનું વાણી સ્વાતંત્ર્ય એના બચાવના સ્વાતંત્ર્યને રક્ષણ ન આપી શક્યું. આહત થયેલ એથેન્સમાંથી 500 નાગરિકોને આ કેઈસની સુનાવણી માટે પસંદ કરેલા. દરેકને બે પાસા આપવામાં આવેલ. પાસાની ઘન બાજુ પડે તો સોક્રેટીસને છોડી મુકવા અને ખાલી બાજુ પડે તો મૃત્યુદંડ મળે. પરિણામ આવ્યું: 280 દોષિત ગણવાના પક્ષમાં અને 220 નિર્દોષ ગણવાના પક્ષમાં. વળી સજાનો પ્રકાર નક્કી કરવા બીજું મતદાન થયું. સોક્રેટીસ પોતાને માટે દંડ કે તડીપારની સજા પસંદ કરી શક્યા હોત પણ લોકશાહી મૂલ્યોને વળગી રહીને મુક્ત રીતે વક્તવ્ય આપવાને પરિણામે શહીદી વહોરી લીધી. અંતમાં સોક્રેટસે કહ્યું, શહેરીજનોના લાભાર્થે તેઓ સારી જિંદગી જીવ્યા તો તે બદલ તેમને પુરસ્કાર મળવો જોઈએ, સજા નહીં. બીજા મતદાનમાં બચાવ માટે 160 અને તહોમત માટે 340 મત પડ્યા. જ્યુરીનો આ ચુકાદો સોક્રેટસે ફિલોસોફીકલ દૃષ્ટિથી જોઇને સ્વીકાર્યો – એમ કહ્યું કે જ્યુરી એના આત્માને હાનિ ન પહોંચાડી શકે, પણ એ લોકોએ મને પોતાને હાનિ પહોંચાડી છે. હવે હું મૃત્યુ પામીશ, તમે જીવશો. માત્ર ભગવાન જાણે છે બેમાંથી કઈ સફર સારી. સોક્રેટીસને જેની જાણ ન હોય તેનાથી ડરતા નહીં, મૃત્યુ સહિત.
2500 વર્ષ પહેલાં આજની પ્રવર્તમાન સ્થિતિની સોક્રેટીસે આગાહી કરેલી એવા તેઓ આર્ષદૃષ્ટા હતા. તેમણે વ્યક્તિના શારીરિક દેખાવ, સમાજ કે રાજકારણમાં ખ્યાતિ અને ભૌતિક સંપત્તિની માલિકીને મહત્ત્વની નહોતી માની. તેમણે આપણી જિંદગીનો ખરો મતલબ શો છે એ શોધવા પ્રયત્ન કર્યો અને આ પ્રશ્નો પૂછ્યો, “મારા એથેન્સના માનનીય નાગરિકો, તમે માન, અકરામ અને દોલત માટે શા માટે આટલી બધી ખેવના કરો છો અને શાણપણ, સત્ય અને આત્માની ઉન્નતી માટે જરા ય પ્રયત્ન નથી કરતા?” તે વખતના ન્યાયતંત્રના નિયમ મુજબ સોક્રેટીસને મૃતુદંડના અમલ માટે એક મહિનો રાહ જોવી પડી. લોક માન્યતા હતી કે સોક્રેટીસ શાંત થઈ જશે. પણ જે એમને ન ગમતું તે એમના અનુયાયીઓએ કર્યું અને તેમના વાર્તાલાપો લખીને લોકભોગ્ય બનાવ્યા. સોક્રેટીસના જીવનની રૂપરેખા લખાઈ અને તેમના આદર્શોને અમર બનાવ્યા. પરિણામે માનવ જીવનને બદલનારા અને ઇતિહાસ ઘડનારા સોક્રેટીસના શબ્દો આજે પણ જીવે છે. તેમના સિદ્ધાંતો હજુ આજે પણ આપણા અંતરને હલબલાવી મૂકે એવા વૈષ્વિક પ્રશ્નો પૂછે છે જે સાંપ્રત સમયમાં આપણાં મૂલ્યો ઘડવા અને સાચવવા માટે પ્રસ્તુત છે જેમ કે આપણને કઈ વસ્તુ સારા માણસ બનાવે છે? ન્યાય શું છે? સુખી કેમ થવાય વગેરે. તેમના અનુગામી તત્ત્વજ્ઞાનીઓ પ્લેટો અને એરીસ્ટોટલના સોક્રેટીસ પ્રેરણા સ્થાન હતા. એમના તત્ત્વજ્ઞાનની અસર પૂર્વ અને પશ્ચિમમાં આજ સુધી રહી છે અને ચિરકાળ રહેશે. પ્લેટોએ સોક્રેટીસના મૃત્યુ પછી પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા છોડીને એક એકેડેમી શરુ કરી.
સોક્રેટીસના મૃત્યુદંડને દિવસે તેમના સગાં-સંબધી અને મિત્રો અગારા આવ્યાં જ્યાં એ પહેલાં મુક્તપણે વિચરતા, વિચારતા અને સંભાષણ આપતા. ફક્ત ફેર એટલો હતો કે આજે તેઓ ત્યાં બંદી તરીકે હાજર હતા. પણ સોક્રેટીસ તો શાંત ચિત્ત હતા. તેમણે હેમરોક ઝેરની કટોરી શાંતિથી ઉપાડી અને ગટગટાવી ગયા. એમના છેલ્લા શબ્દો પરથી તેઓ પોતાની જાતને પવિત્ર રાખતા હતા કે શહેરના એક દેવતાને જાગૃત કરતા હતા, કે સ્વાસ્થ્યના દેવતાનો આ યાતનામાંથી ઉગારો કરવા આભાર માનતા હતા એ ત્રણ વિધાનોમાંથી કયું વિધાન કરેલું એ વિષે અનુમાન કરવાનું જ શક્ય છે. તેમનું આ વિધાન અન્ય માટે ક્રોધ પેદા કરનારું હશે પણ માનવ હોવું એટલે શું એવા પાયાના પ્રશ્નો જે આજે પણ પ્રસ્તુત છે તેને આપણી વચ્ચે છોડી જનાર વિભૂતિ પોતાના છેલ્લા શ્વાસ સુધી તર્કબદ્ધ દલીલ અને તે વ્યક્ત કરવાની સ્વતંત્રતા અખંડિત રાખી ગઈ. માનવનો ખરો દુશ્મન એ અજ્ઞાન છે અને સારું જીવન જીવવું એ આપણા હાથની વાત છે એવું ઘોષિત કરીને તેઓ આપણને વિચારવિહીન કદી ન થવાનો પડકાર ફેંકે છે. આવા અદ્વિતીય વિચારક અને તત્ત્વજ્ઞાનીને લોકશાહીના સમર્થક અને યુવાનોને સ્વતંત્ર બુદ્ધિપૂર્વક વિચાર કરવાનું સમજાવતા હોવાના ગુના હેઠળ ઝેર આપવામાં આવ્યું. એમને જેલમાંથી નાસી છૂટવા માટે બધી ગોઠવણ કરવામાં આવી, પણ રાજ્યની શરત એ હતી કે તેઓ મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરવાનું છોડી દે, જે સોક્રેટીસને મંજૂર નહોતું તેથી તેમણે સ્વતંત્રતા ખાતર મોતને વહાલું ગણ્યું. તેમનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો જેથી આ ક્રૂર અને ફાની દુનિયા છોડતાં તેમના મોં પર શા ભાવ હતા તે જાણી ન શકાયું.
•••••••••
કન્ફ્યુશિયસ
Genious of the Ancient World કાર્યક્રમમાં પ્રસ્તુત કરાયેલ ત્રીજા જ્યોતિર્ધર કન્ફ્યુશિયસના જીવનમંત્ર અને તેની ચીન તથા સમગ્ર દુનિયાના તત્ત્વજ્ઞાન પર ચિરકાલીન અસર વિષે વિગતો આપવામાં આવેલી તે હવે જાણીએ.
કન્ફ્યુશિયસની દૃષ્ટિ ભૂતકાળનાં મૂલ્યો પર આધારિત હતી. તેમના ઉપદેશોનો સાર જોઈએ તો કહી શકાય કે તેમણે કુટુંબને મહત્ત્વ આપ્યું. તેઓ માનતા કે શિક્ષણ જ વ્યક્તિ અને સમાજને ઘડે, ટકાવે અને બદલે છે. “What you do not wish for yourself, do not do to others.” જેવો મંત્ર આપીને એક સમયે ચીનની સંસ્કૃિતને દુનિયાના નકશા પર મૂકી આપી એ જ આર્ષદૃષ્ટાને વીસમી સદીમાં સામ્યવાદના દુશ્મન મનાયા.
ચીનના એક સેનાપતિ પોતાને એક પણ પુત્ર ન હોવાને કારણે પોતાનો વંશ વેલો નહીં ટકે તેવા ભયમાં હતો. વ્યક્તિના અવસાન બાદ પિતાનું નામ રાખનાર, અંતિમ ક્રિયા કરનાર, અને પૂર્વજોનું શ્રાદ્ધ કરનાર એક પુત્ર હોવો જોઈએ એવી માન્યતા તે સમયે સર્વ સામાન્યપણે પ્રચલિત હતી. આથી એ વૃદ્ધ સેનાપતિએ એક યુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યાં. સમય વીતતાં એ યુવતી એક પર્વત પર પવિત્ર ગણાતી જગ્યાએ ગઈ અને તપ આદર્યું. તપશ્ચર્યાના ફલસ્વરૂપ સેનાપતિ અને એ યુવતીને ઈ.સ.પૂર્વે 551માં એક પુત્ર રત્ન સાંપડ્યું, જેનું નામ માસ્તર કોન ફૂત્ઝે રાખવામાં આવ્યું જે વિદેશીઓના મુખે કન્ફ્યુશિયસના પ્રચલિત નામે ઓળખાવા લાગ્યું.
ચાઇનીઝ પ્રજા તમામ પ્રકારની કલાઓ, ધાતુની બનાવટો, ખેત વિજ્ઞાન અને શસ્ત્રાસ્ત્રોમાં સંશોધન કરવામાં પાવરધા હતી. ઈ.સ પૂર્વે 100થી ત્યાં રાજનીતિ પણ ઘણી વિકસિત થવા લાગી. પણ કોન જન્મ્યા ત્યારે ચીનમાં રાજકીય અને સામાજિક સ્થિરતાને બદલે અરાજકતા પ્રવર્તતી હતી. પુરાતન ચીન લડાઈઓના ચક્રમાં ફસાયેલું હતું. પશ્ચિમમાંથી અન્ય જાતિઓના આક્રમણ અને સ્થાનિક ઉમરાવોના આંતરિક સંઘર્ષથી એ પ્રદેશનું વિભાજન વધ્યું. અનેક નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. એટલું પૂરું ન હોય તેમ વધતી જતી લડાઈઓને કારણે શસ્ત્રોનું ઉત્પાદન ખૂબ વધ્યું, ભાઈ ભાઈને મારતો થયો અને તત્ત્વજ્ઞાન તથા નીતિમત્તાનું પતન થયું. આ પરિસ્થિતિ કન્ફ્યુશિયસના તત્ત્વજ્ઞાનને ઉભરી આવવાનું નિમિત્ત બની. કન્ફ્યુશિયસના મૃત્યુ પછી 100 વર્ષે તેમના વિચારોનો સંગ્રહ થયો. તેમણે ત્રણ વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યું, માતાએ ઉછેરીને મોટા કર્યા. સખત ગરીબી વચ્ચે ઘેર ભણીને અને પ્રાઈવેટ ટ્યુશનથી શિક્ષણ મેળવીને મોટા થયા. આથી શિક્ષાને જ એમને ગરીબી અને અજ્ઞાનતાથી બચાવ્યા, એવી કન્ફ્યુશિયસની દ્રઢ માન્યતા હતી. માતાના અડગ નિર્ધાર અને હિંમતને કારણે તેઓ આગળ ધપ્યા અને તેમની પાસે ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર અને ધાર્મિક ક્રિયાકાંડ શીખ્યા. બીજાં છોકરાં જ્યારે રમકડાંથી રમે ત્યારે કોન ધાર્મિક ક્રિયાઓ કરતા.
કન્ફ્યુશિયસના પ્રદાન વિષે જાણીએ તે પહેલાં તે સમયની ચીનની ધાર્મિક અને સાંસ્કૃિતક માન્યતાઓ વિષે થોડું સમજીએ. ચાઇનીઝ સંસ્કૃિતમાં પૃથ્વી પર જીવન ટકાવવા એક ચોક્કસ પ્રકારનો ક્રમ અને સુસંવાદિતા જાળવવાનું અતિ મહત્ત્વ ગણાતું હતું. એ પ્રજા કોઈ સર્વશક્તિશાળી ભગવાનમાં ન માને એટલે આ ક્રિયા ભગવાનને પ્રસન્ન કરવા માટે નહોતી કરાતી. તેઓ કોઈ દૈવી શક્તિમાં નહીં પણ ગુરુત્વાકર્ષણ જેવી બે કુદરતી શક્તિમાં શ્રદ્ધા ધરાવતા. એક ડ્રેગન અને બીજી ફીનીક્સ. એમ માનવામાં આવે છે કે આ બે શક્તિનાં નૃત્યથી તમામ શક્તિ ટકી રહી છે. કેટલાક નિર્ધારિત ક્રિયાકર્મ દ્વારા આ બે કુદરતી તત્ત્વો વચ્ચે સંતુલન જાળવવાની માનવીની ફરજ છે. રાજાઓ અને સામાન્ય માણસો પણ બલિદાન આપતા. અહીં આપણે બુદ્ધના સમયના ભારત અને સોક્રેટીસના સમયના ગ્રીસમાં દેવી દેવતાઓમાં માનવું અને તેમને પ્રસન્ન કરવા પૂજા અર્ચનો કરી બલિદાન ચડાવવાની પ્રથા હતી જે ચીનમાં પણ હતી એ સૂચવે છે કે ચીન, ભારત અને ગ્રીસમાં આ બાબતોમાં કેવું સામ્ય હતું. આ ત્રણેય સંસ્કૃિતઓ પુરાણી સંસ્કૃિત મનાય છે. કન્ફ્યુશિયસ પણ આ માન્યતાઓ વચ્ચે ઉછરેલા અને તેને અનુસરતા આવ્યા પરંતુ પુખ્ત વયના થતાં તેઓ સમજ્યા કે તેમના ધર્મના મૂળ આદર્શો અને તત્કાલીન સમાજની વાસ્તવિકતામાં ઘણું મોટું અંતર હતું.
કન્ફ્યુશિયસ યુવાવસ્થાએ પહોંચ્યા તે દરમ્યાન સદ્દનસીબે ચીનમાં ખેતીમાં સુધારો થવાથી વેપાર વાણિજ્ય અને તેને પરિણામે શહેરીકરણ વધવા પામ્યું અને કેટલાક લોકોને કાળી મજૂરી કરવામાંથી મુક્તિ મળી અને અધ્યાત્મ, નીતિ, રાજકારણ, સમાજ અને અર્થવ્યવસ્થા વિષે વિવાદ કરવાની તક મળી, જેથી નવી વિચારધારાઓનો જન્મ થયો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલ પુરાતત્ત્વીય શોધખોળથી તે સમયના આર્થિક અને ટેકનોલોજીના વિકાસના પુરાવાઓ મળી રહે છે. જેમ કે લોહયુગ પછી ચીનમાં ખેતીવાડીમાં ખૂબ પ્રગતિ થઈ જેથી હજારો ટન સમાય તેવડા અનાજ ભંડાર ખુલ્યા. લોકોને હવે રોટલો રળવા રાત દિવસ એક નહોતા કરવા પડતા. આવા ભંડારોથી પેટની ક્ષુધા તૃપ્ત થતી, સાથે સાથે અન્ય વિષયો પર વિચાર કરવાનો સમય પણ મળવા લાગ્યો. કન્ફ્યુશિયસને આવા એક અનાજ ભંડારનું ધ્યાન રાખવાની નોકરી મળી. એમનું મન દિવસભર ચાલતી અંધાધૂંધી તરફ રહેતું.
ચીની સમાજની આર્થિક, ઔદ્યોગિક અને નૈતિક પરિસ્થિતિ જોતાં કન્ફ્યુશિયસને પ્રતીત થયું કે તત્કાલીન માનવ સમાજ વિનાશ તરફ ગતિ કરી રહ્યો છે જે રોકવા તેમણે પદ્ધતિસરની તત્ત્વજ્ઞાનની ચર્ચાઓનો માર્ગ લીધો. તેઓ ખૂબ જિજ્ઞાસુ હતા તેથી દેશ આખાનું પરિભ્રમણ આદર્યું. સૌ પ્રથમ કન્ફ્યુશિયસ યેલો રીવર ગયા. એક એથ્નોગ્રાફરની માફક આંખ કાન ખુલ્લાં રાખી પુષ્કળ માહિતી એકઠી કરી અને વિવિધ અનુભવો ગાંઠે બાંધ્યા. કન્ફ્યુશિયસ સંસારને છોડીને કુદરતને ખોળે બેઠેલા લોકોને મળ્યા. તાઓ માન્યતામાં શ્રદ્ધા ધરાવનાર લોકો સાથે વાર્તાલાપ કર્યા. તાઓ પંથી The Wayમાં માને અને બધું તેમાંથી નીપજે છે, બધી વસ્તુઓનું મૂળ તેમાં છે, એનો કાયદો જ આખરી છે એમ તેના અનુયાયીઓ માને છે. મનુષ્ય The Wayના નિયમોમાં કંઈ ફેરફાર ન કરી શકે, તેણે તો માત્ર એ નિયમોને અનુસરવાનું જ છે એવી તેમની દ્રઢ માન્યતા છે. તાઓ પંથી લોકો માને છે કે આજનો સમાજ The Wayથી દૂર જઈ રહ્યો છે. લોકોએ કૃત્રિમ જીવન કુદરત પર લાદ્યું એટલે હવે કુદરત સાથે અનુસંધાન કરવાથી જ ફરી તેની સાથે સામંજસ્ય સાધી શકાશે. કન્ફ્યુશિયસ તાઓ પંથીઓની આવી માન્યતાઓથી ધૂંધવાયા અને કહ્યું કે માનવ ફરી પશુ-પક્ષી-જંતુઓ વચ્ચે રહેવા ન જઈ શકે. તેઓ વધુ વ્યવહારુ અને રાજકીય દૃષ્ટિથી આ સમસ્યાનો ઉકેલ શોધવા લાગ્યા અને તેમને મન The Way નહીં પણ વ્યવસ્થિત અને નિયમબદ્ધ સમાજરચનાથી સુસંવાદિતા આવે. એવી સંવાદિતા સાધવાની શક્તિ માણસ પાસે છે એવી તેમને પૂર્ણ શ્રદ્ધા હતી. તાઓ પંથીઓ કન્ફ્યુશિયસની આ વાતને ઘમંડી ગણવા લાગ્યા. કન્ફ્યુશિયસ એક વૃદ્ધ માણસે મળ્યા, તેની સાથે ચર્ચા કરી. એ વૃદ્ધે કન્ફ્યુશિયસને કહ્યું, “તારો ઘમંડ અને ઇચ્છાઓને એક બાજુ મૂકી દે, બંધનમાં રાખતી ટેવો અને મહત્ત્વાકાંક્ષાઓ કાબૂમાં રાખ કેમ કે તને તેનાથી કશો લાભ નથી.” એ વૃદ્ધ તે બીજું કોઈ નહીં પણ તાઓ પંથના સ્થાપક ખુદ લાઓત્સે હતા.
વધુ ચિંતન અને મનન કરતાં કન્ફ્યુશિયસને અહેસાસ થયો કે તત્કાલીન પ્રશ્નોનો ઉકેલ લાવવા ભૂતકાળમાં શું બનેલું તે સમજવું જરૂરી છે કેમ કે ભૂતકાળમાં કેટલાંક સત્યો સંગ્રહાયેલાં પડ્યાં હોય છે. તેમને તો નાનપણથી પુરાણકથાઓ, શાસ્ત્રો અને ક્રિયાકર્મનો પરિચય હતો, હવે તેના તત્ત્વજ્ઞાનનો પાયો નંખાઈ રહ્યો હતો. કન્ફ્યુશિયસના અવસાન બાદ 100 વર્ષે ઈ.સ. પૂર્વે 4થી સદીમાં લખાયેલ તેમના વિચારો 800 વાંસની પટ્ટીઓ પર મળી આવ્યા છે. તેમાં લખ્યું છે, The Way પર ધ્યાન કેન્દ્રિત કરો (આથી પુરવાર થાય છે કે કન્ફ્યુશિયસે તાઓ પંથની કેટલીક માન્યતાઓ સ્વીકારી હશે), અને ગુણવાન બનો. માનવતાના નિયમો પ્રમાણે વર્તન કરો વગેરે. ઉપરાંત એ લખાણોમાં સંગીત અને ક્રિયાકર્મ ઉપરનાં શાસ્ત્રોનો પણ ઉલ્લેખ છે જેને આપણા વેદ સાથે સરખાવી શકાય. ઇતિહાસનાં પુસ્તકોમાં કન્ફ્યુશિયસને સામાજિક અને રાજકીય સંવાદિતા જળવાઈ રહે તેવાં લખાણો નજરે પડ્યાં. કન્ફ્યુશિયસ પહેલાં થઈ ગયેલ જો રાજવંશના રાજાઓ જે લગભગ દેવની કક્ષાના મનાતા હતા તેમણે માનવીના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં આવી સંવાદિતા જાળવી રાખેલી. ડ્યુક ઓફ જો રાજાના અવસાન પછી ગાદીએ બેસવાને બદલે પોતાના ભત્રીજા વતી ન્યાયી રાજ્ય કર્યું અને ભત્રીજો પુખ્ત વયનો થતાં તેનું રાજ્ય પાછું સોંપી દીધું. ભારતમાં પણ ભીષ્મ પિતામહ અને રામના ભાઈ ભરત આવા દૃષ્ટાંત પૂરા પાડી ગયા. હવે ચીનના સુવર્ણયુગની એ કથાઓમાં કેટલું તથ્ય હતું તે ચકાસીને જાણવું શક્ય નથી પણ જો રાજવંશના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ તો ઉત્તમ સામાજિક વ્યવસ્થા રચાવી શક્ય છે તેમ હજુ આજ સુધી મનાતું આવ્યું છે. એટલે જ ભૂતકાળને સમજીને તેમાંથી પાઠ શીખવો તેમ કન્ફ્યુશિયસ કહેતા. સુવર્ણયુગના ક્રિયાકર્મનાં ઊંચાં ધોરણોને ફરી અનુસરવાથી એવો જ સારો સમય લાવી શકાય તેવું તેઓ ભારપૂર્વક કહેતા. હજુ આજે પણ જો રાજવંશના વંશ વારસો એ વિધિઓ જાહેરમાં કરે છે. આ રિવાજ લોકોના એટીકેટ, રિવાજો અને વિચાર તથા વર્તનને ઘડે છે એટલું જ નહીં પણ કાબૂમાં પણ રાખે છે જેથી સમાજના નીતિનિયમો જળવાય.
કન્ફ્યુશિયસ પોતાના વિચારોનો પ્રસાર કરવા દેશ આખામાં ઘૂમ્યા. કેટલેક ઠેકાણે સરકારી અધિકારીઓના વિરોધનો ભોગ બન્યા. સાંપ્રત સમયમાં તેમના ઝીણી ઝીણી બાબતો વિશેના નિયમો અને એટીકેટનું ચુસ્ત પણે પાલન કરવાના આગ્રહની ટીકા થાય છે. પરંતુ કન્ફ્યુશિયસને એ નિયમોના પાલન અને એટીકેટને મક્કમ પણે વળગી રહેવામાં કંઈ ઊંડું દર્શન થતું હતું. ચાઇનીઝ માન્યતા પ્રમાણે વ્યક્તિના મૃત્યુ પછી પ્રેતાત્મા ભટકતો રહે છે. એટલે કન્ફ્યુશિયસે પોતાની માતાના મૃત્યુ બાદ ત્રણ વર્ષે એ ક્રિયાકર્મ કર્યાં. વિદાય થયેલા આત્માને ભોજન અને સુરા ધરે વગેરે રિવાજોમાં કન્ફ્યુશિયસને શ્રદ્ધા હતી. પણ તેમને એ પ્રશ્ન પણ થયો કે જો તમે જીવિત લોકોની કેવી રીતે સેવા કરવી તે ન જાણતા હો તો મૃત આત્માની સેવા શી રીતે કરી શકો? આથી તેમણે જીવિત લોકોની સેવાનો આદેશ આપ્યો. ક્રિયાકર્મ પરંપરાના આંધળા અનુકરણથી નહીં પણ તેનો અર્થ સમજી, સાચું વલણ કેળવવાથી જ આપણા દૃષ્ટિકોણને ઘડે છે અને આપણને ગુણવાન બનાવે તેમ લોકોને સમજાવતા રહ્યા. ક્રિયાકર્મ સાથે દિલનું જોડાણ હોય અને વિચાર પૂર્વકની વિધિઓ કરાતી હોય તે મહત્ત્વનું છે, માત્ર મીકેનિકલ વિધિઓ અર્થ વિનાની છે એથી માત્ર અર્થપૂર્ણ વિધિઓના તેઓ હિમાયતી હતા.
કન્ફ્યુશિયસ પોતે સંગીત રસિયા હતા. લોકોના ઘરોમાં અને મંદિરોમાં ધાતુના ધીમું સંગીત પેદા કરે તેવા ચાઇમ્સ વાગતા. તેઓ માનતા કે સંગીતથી સંવાદિતા સધાય છે અને પૂર્ણતાનો ભાવ પેદા થાય છે. આજે હવે આર્ટ થેરપીનું માનવીના સ્વાસ્થ્યમાં ઘણું મહત્ત્વ અંકાય છે. આ બાબતમાં કન્ફ્યુશિયસ બુદ્ધ અને સોક્રેટીસથી જુદા પડે છે કેમ કે તેઓ વ્યવહારુ હતા. વ્યક્તિના નીતિમત્તાના ખ્યાલો અને ધોરણોને સુધારવાથી સમાજ સુધરે એવું તેમનું માનવું હતું. સારો માણસ બરાબર સારો સમાજ એવું તેમનું સમીકરણ હતું. અરાજકતા અને નૈતિક અધ:પતનના સમયમાં લોકોને ગુણવાન કેમ બનવું તે શીખવવાની તાતી જરૂર તેઓ સમજી શક્યા હતા. ગાંધીજીએ પણ રાજકીય સ્વતંત્રા મળે તે પહેલાં પ્રજા અજ્ઞાન અને અંધશ્રદ્ધાથી છુટકારો મેળવે અને નીતિવાન બને તે અત્યંત જરૂરી ગણાવ્યું હતું. આ કામ એક પર્વત ચડવા જેવું કઠીન હતું. જ્યારે આખા સમાજનું પતન થયું હોય ત્યારે એક એક વ્યક્તિને કેમ સુધારવી એ એક બહુ મોટો પડકાર હતો. આથી કન્ફ્યુશિસે કુટુંબ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કુટુંબમાં દરેકનું ચડ ઉતર સ્થાન હોય છે જેની સાથે અમુક ફરજ તેમ જ અધિકાર જોડાયેલા હોય છે. આપણે જન્મથી જ આપણી મર્યાદા જાણીએ છીએ. કુટુંબમાં જ વફાદારી, પ્રામાણિકતા, ફરજ પરસ્તી, આદર અને પ્રેમના પાઠો શીખીએ છીએ. સમાજમાંની બુરાઈ દૂર કરવા કુટુંબની ગાંઠ મજબૂત બનાવો તેમ કન્ફ્યુશિયસ કહેતા. એકવીસમી સદીમાં જાગૃત અને સમજદાર લોકો આજનાં મોટા ભાગનાં દુ:ખોનું મૂળ ભાંગેલ સમાજ વ્યવસ્થામાં જુએ છે. કુટુંબમાં હુકમ કે ધાક ધમકીથી નહીં પણ પ્રેમ અને પરસ્પર સમજણથી બધું શીખવાય છે અને એ રીતે જ બધા નિયમોનું પાલન પણ થાય છે. કુટુંબમાં શીખેલ નૈતિક મૂલ્યો જેવાં કે પોતાનાથી નાના પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવા અને પોતાના વડીલો માટે વફાદારી અને આજ્ઞાપાલન શીખ્યા હો, તો સમાજ અને રાજ્ય સ્તરે બધા પ્રત્યે આ ગુણોથી દોરવાઈને જ વર્તશો જેનાથી તમને અને અન્યને બધાને ફાયદો થશે. રાજ્યકર્તાઓના મનસ્વીપણાથી દુનિયાને નુકસાન થતું આવ્યું છે.
કન્ફ્યુશિયસ નૈતિક અને આધ્યાત્મિક વિચારધારાઓમાં અતિ મહત્ત્વનું પ્રદાન કરી ચુક્યા, પણ તેમના વ્યક્તિત્વની બીજી બાજુ પણ હતી. તેમને નદીમાં તરવું અને મિત્રો સાથે ગાવું ગમતું. સારી વસ્તુઓનું જીવનમાં સ્થાન સ્વીકારતા, પણ સારા માણસોએ પોતાના શક્તિ અને સમય વ્યક્તિગત લાભ મેળવવા પાછળ ન વાપરવા તેમ કહેતા. રાજાની તલવાર કન્ફ્યુશિયસને મન બહુ મહત્ત્વની નહોતી. રાજ્યકર્તાના સત્તા લાલસાથી ભરપૂર અત્યાચારો દૂર કરવા હોય તો રાજામાં કુટુંબભાવનાના વિચારોનું સિંચન કરવું કોઈએ તેમ તેમને લાગ્યું. રાજાઓને અમર્યાદ માત્રામાં ઘરેણાં, ખોરાકની વસ્તુઓ, જીવતા ઘોડા, અરે જીવતા ગુલામો સુધ્ધાં સાથે દફનાવવામાં આવતા. એવું તે રાજાઓ શું કરતા કે તેમને આટલા ધન-દોલતનો સ્વામી બનવા દેવામાં આવતા? કન્ફ્યુશિયસની દલીલ એવી હતી કે સારો પિતા હોય તો સારો પુત્ર ઉછરે, એ પિતાને આદર કરે. એ જ રીતે રાજા જો પોતાની પ્રજાને સંતાનવત ગણે તો પ્રજાના હિતમાં જ વહીવટ કરે. પ્રેમથી છતાં મક્કમતાથી, દયાથી પણ સમજદારીથી તેનો ખ્યાલ કરે. આમ થાય તો એ ગુણો પ્રજામાં ઉતરે. રાજા પાસે સત્તા અને બળ હોય તે ખોટું નથી પણ સાથે સાથે એ આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાની વિચારો પણ ધરાવતો હોય તે જરૂરી છે. ગાંધીજીએ પણ એકદા કહેલું કે ધર્મમાં રાજકારણ ન આવવું જોઈએ, પણ રાજકારણમાં ધર્મ આવવો જોઈએ. કન્ફ્યુશિયસ માનતા કે જો રાજા ભ્રષ્ટ થાય અને પરિણામે લોકો યાતના ભોગવે તો તેની સામે બળવો કરવાનો પ્રજાને અધિકાર છે. કન્ફ્યુશિયસ એક બાજુ રાજા માટે માન, આદર, ફરજનું ભાન અને વફાદારી રાખવાનું કહે છે પણ બીજી બાજુ રાજા પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેને ઉથલાવી પાડવો એ જાગૃત પ્રજાની ફરજ બને છે તેમ પણ કહે છે. આજના લોકશાહી દેશોની પ્રજા એટલી સમજદાર અને હિંમતવાન હોત તો લોકશાહી સફળ થઈ ગણાત.
કન્ફ્યુશિયસે સરકારી નોકરી કરી પણ હંમેશ સાચી લગતી બાબતો માટે તેઓ સીધાં પગલાં લેતા તેથી થોડા ઘમંડી અને ધારદાર સલાહ આપે છે તેમ માનવામાં આવતું. તે વખતે ચીનના દુશ્મનો બારણે ટકોરા મારતા હતા એટલે નીતિમત્તાના બોધપાઠ પ્રજાને શીખવવા એ રાજા માટે પ્રયોગીકતાનો વિષય નહોતો. આમ કન્ફ્યુશિયસને રાજકીય પરિવર્તન લાવવામાં સફળતા ન મળી એટલે કેટલાક પ્રમાણિક વિદ્યાર્થીઓ સાથે દેશમાં પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. હેતુ હતો પોતાને અને દેશને સુધારવાનો. કન્ફ્યુશિયસ પ્રતિભાવાન હતા, તેમના વિચારો ઘણા સ્પષ્ટ અને ઉત્સાહ પ્રેરક હતા જેથી ઘણા યુવાનો તેમનાથી આકર્ષાયા. તેમનો હેતુ એ હતો કે જો તેમના 70 જેટલા અનુયાયીઓ સરકારી હોદ્દા પર પહોંચી જાય તો રાજાને ન્યાયી વહીવટ કેમ કરવો તે માર્ગ બતાવી શકે. ન્યાયપૂર્ણ જીવન જીવવા તેઓ ગરીબ લોકોને પણ તૈયાર કરતા. ચીન પર વારસાગત મળતી સત્તાને આધારે રાજ્ય ન હોવું જોઈએ પણ ગુણવાન અને પ્રજાના હિતનો ખ્યાલ કરનાર કુશળ વહીવટકર્તાઓને પસંદ કરવા જોઈએ કે જે કોઈ પણ આર્થિક-સામાજિક સ્તરમાંથી ઊંચે ચડીને આવ્યા હોય તેમ તેમનું માનવું હતું. આજે હજુ 21મી સદીમાં પણ યુરોપ જેવા વિકસિત દેશોમાં લોકશાહી શાસન પદ્ધતિ હોવા છતાં કેટલેક ઠેકાણે રાજવંશી પદ્ધતિનો મોહ જતો નથી. એ રીતે કન્ફ્યુશિયસ ઘણા દુરન્દેશી વિચારના – ઇગેલિટેરિયન સાબિત થાય છે. અહીં એક વાત નોંધવી રહી કે બુદ્ધ અને સોક્રેટીસે ભલે તેમના સમયમાં પરિવર્તનના જુવાળમાં થોડે મોડેથી પણ સ્ત્રીઓને સમાજના પ્રશ્નો હલ કરવામાં અને અધ્યાત્મ તેમ જ રાજકીય ક્ષેત્રમાં ભાગ લેવા અને ચોક્કસ સ્થાન મેળવવા સ્વીકારી હતી. પરંતુ લાગે છે કે કન્ફ્યુશિયસને એ માટે સમય નહોતો.
ચીનમાં કન્ફ્યુશિયસના જમાનામાં એમ મનાતું કે રાજાને ઈશ્વર પાસેથી રાજ્ય કરવાની દૈવી સત્તા મળે છે. કન્ફ્યુશિયસ નૈતિક ગુણોવાળા સજ્જનોની વહીવટી સેના ઊભી કરવા લાગ્યા. તેમના માટે શિક્ષણ અને તે પણ સર્વાંગી અને ઉત્તમ કક્ષાનું અતિ મહત્ત્વનું હતું. તેઓ દ્રઢપણે માનતા કે જેમ હીરો ઘસાય તેમ વધુ ચમકે તેમ જ માણસ પણ શિક્ષણ મેળવીને જ સંપૂર્ણ નૈતિક વ્યક્તિ બની શકે. અહીં જોઈ શકાય છે કે સોક્રેટીસ અને બુદ્ધની માફક કન્ફ્યુશિયસને પણ માણસના વ્યક્તિગત તેમ જ જાહેર જીવનમાં નૈતિકતાનું અતિ મહત્ત્વ હતું. સ્વતંત્ર રીતે વિચાર કરવો, યોગ્ય નિર્ણય લેવો અને કુટુંબ, સમાજ તથા રાજ્ય પ્રત્યે કેવી રીતે વર્તવું એ નક્કી કરવું દરેક નાગરિક માટે અનિવાર્ય છે તેમ તેઓ માનતા. જે અનુયાયીઓ કન્ફ્યુશિયસ સાથે દેશાટન કરવા નીકળ્યા તેમના પર આવા વિચારો ફેલાવવા બદલ હુમલા થયા, માર પડ્યો અને ભૂખે પણ મર્યા. એનાથી એ અનુયાયીઓની અને કન્ફ્યુશિયસની કસોટી થઈ પણ સાથે સાથે નીતિમત્તા વિષે જાહેરમાં ચર્ચા કરવાની જરૂરિયાત પણ સમજ્યા. ગુરુ-શિષ્યો પરસ્પર સાથે તાર્કિક ચર્ચા કરીને આ સમસ્યાઓનો હલ શોધવા માંડ્યા. જુનટાએ સરકારી હોદ્દો સંભાળવો? રાજા ભ્રષ્ટ હોય તો તેની સેવા કરવાની નાગરિકની ફરજ ખરી? એવા એવા મુદ્દો પર વિષદ ચર્ચા થતી. કન્ફ્યુશિયસ માનવતાવાદી હૃદયના ગુણોને અતિ મહત્ત્વના ગણતા. દરેક વ્યક્તિમાં હિંમત, ન્યાયબુદ્ધિ, શાણપણ અને માનવીય મૂલ્યોની પરખ હોવા જોઈએ તેમ કહેતા. શીખવું એટલે માત્ર માહિતી મેળવવી, કુશળતા મેળવવી કે જ્ઞાન પ્રાપ્ત કરવું જ નહીં પણ તેની સાથે ચારિત્ર્ય ઘડતર પણ થવું જોઈએ જેથી માણસ સાચા અર્થમાં માનવ થઈ શકે એવી તેમની માન્યતા હતી, અને આ માત્ર એક આદર્શ નથી, સમાજની તાતી જરૂરિયાત છે એમ પણ કહેતા. જો કે કન્ફ્યુશિયસ પોતે કે તેમના અનુયાયીઓ આ ઝેનની સ્થિતિને સિદ્ધ કર્યાનો દાવો નથી કરતા, પણ તે તરફ સતત ગતિશીલ હતા તે નક્કી.
થયું એવું કે કન્ફ્યુશિયસના બહુ ઓછા અનુયાયીઓએ સરકારી હોદ્દા ગ્રહણ કર્યા જેથી કરીને તેમની કલ્પના પ્રમાણે રાજકારણ અને સમાજજીવનમાં તેમના ધાર્યા મુજબ પરિવર્તન ન આણી શક્યા. 73 વર્ષની ઉંમરે કન્ફ્યુશિયસ બિમાર થયા, જીવનથી હારી ગયા અને પોતાના ધ્યેય પાર ન પડવાને કારણે કડવાશ આવી. તેમને એવો અહેસાસ થયો કે કોઈ બુદ્ધિશાળી રાજા તેમના પર રાજ્ય કરવા નથી જન્મ્યો અને તેમનું મૃત્યુ નજીક છે, સમય પાકી ગયો છે. જે મૂલ્યોની સ્થાપના માટે કન્ફ્યુશિયસ જીવનભર ઝઝૂમ્યા એ પરિપૂર્ણ ન થયા. તેમની કબર પાસે એક વૃક્ષ રોપીને તેમના અનુયાયીઓએ કન્ફ્યુશિયસના જીવન અને તેમના તત્ત્વજ્ઞાનને અમર બનાવ્યું. લગભગ 300 વર્ષ સુધી બીજી ચાઇનીઝ વિચારધારા જેવા જ કન્ફ્યુશિયસના વિચારો જીવિત રહ્યા. તાઓ વિચારસરણી સાથે કન્ફ્યુશિયસની વિચાસરણીને હરીફાઈ કરવાની હતી.
દુનિયામાં અસરકારક પરિવર્તન લાવવામાં તેઓ નિષ્ફળ ગયા તેમ ઇતિહાસ નોંધે છે. તેમના મૃત્યુ બાદ, વર્ષો પછી એક હાન વંશના રાજાને ભાન થયું કે કૃૂરતાપૂર્વક રાજ્ય કરવાથી એના પૂર્વજોને નુકસાન થયેલું એટલે એ કન્ફ્યુશિયસના ઉપદેશ મુજબ શાસન કરવા લાગ્યો અને તેનાથી તેનો રાજવંશ ફૂલ્યો ફાલ્યો. જો નામના રાજવંશમાં જે કક્ષાનું કાવ્ય, કળા, સંગીત વિકસેલું તેવું હાન રાજ્યના સમયમાં પાછું પુનર્જીવિત થયું. હાન રાજ્ય દરમ્યાન વિદ્યાર્થીઓને કન્ફ્યુશિયસના સિદ્ધાંતો મોઢે યાદ રાખવાના રહેતા અને કલીગ્રફીમાં લખતા થયા. હાન શાસનનું માળખું એવું હતું જેમાં સત્તાની પકડ ઉપરથી નીચેના સ્તરે રાખવામાં આવતી. રાજ્ય અને રાજા પ્રત્યે વફાદારી રાખવી, તેની આજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરવું અને પુરાણા ક્રિયાકર્મને પુનર્જીવિત કરી તેનો જીવનમાં અમલ કરવો એ હાન રાજ્યની વિશેષતા હતી. આમ થવાથી એક ફાયદો એ થયો કે અશિક્ષિત નાગરિકને પણ ન્ફ્યુશિયસનો ઉપદેશ કંઠસ્થ રહેતો.
કન્ફ્યુશિયસની વિચારધારા ચિરકાળ ટકી, પણ અમર ન રહી શકી. 1919ની આસપાસ તેના પર હુમલો થયો. લોકશાહી લાવવાના ઉદ્દેશથી તેના સિદ્ધાંતો તત્કાલીન શાસનકર્તાઓએ નકાર્યા. માઓએ વળી 1960માં કન્ફ્યુશિયસને સાવ ખત્મ કર્યો એમ કહી શકાય. તેની મૂર્તિઓ, મંદિરો અને પુસ્તકોનો નાશ કર્યો એટલું જ નહીં પણ તેની કબર પણ તોડી નખાવી. આમ છતાં 21મી સદીમાં ચીનની પ્રજા કન્ફ્યુશિયસના વિચારો અને આદર્શોને ફરી અપનાવવા લાગી છે. જાણે કે ચીનમાં પુનર્જાગૃતિનો સમય આવ્યો છે. કન્ફ્યુશિયસના વિચારોને પગલે ચાલીને શિક્ષણ આપતી હજારો નિશાળો ખૂલી છે. મહા પુરુષના ઉદ્દેશોને અમલમાં મુકવા પ્રબળ ઈચ્છા અને ઉદાર હૃદય હોવું જરૂરી છે જે હાલના ચીનમાં કેટલાક લોકો ધરાવે છે. યુવાનોને આ વિચારધારાનું આકર્ષણ થયું છે આથી તેમણે એ સંસ્કૃિતને પુનર્જીવિત કરી. સંસ્કૃિત પેઢી દર પેઢી ઊતરે અને નવી પેઢી તેનો આદર કરે તો જ સમાજ અને દેશને ફાયદો થાય તેમ મનાવા લાગ્યું. આ વિચારધારાથી જ માણસનાં મૂલ્યો અને ચારિત્ર્ય ઘડાય તેમ નવી પેઢી માનવા લાગી છે.
થોડા દાયકા પહેલાં કન્ફ્યુશિયસનું નામ ન લેવાતું, કોઈ છુટ્ટી છવાઈ પ્રવૃત્તિઓ થતી તે પણ બંધ બારણે થતી અને જો પકડાઓ તો સખત સજા થતી એ જ વ્યક્તિ અને તેના આદર્શોની આજે પૂજા થાય છે. આધુનિક ચીનમાં વ્યક્તિગત મહત્ત્વને કારણે સત્ય-અસત્ય વિષે સામૂહિક માન્યતાનું મહત્ત્વ ઘટ્યું. લોકોને દૈનિક જીવન જીવવા નૈતિક ઉદ્દેશો કયા હોવા જોઈએ તે જાણવાની ઈચ્છા વધી છે. આથી કન્ફ્યુશિયસના આદર્શો અને વિચારો પુન: પ્રવેશ પામ્યા છે. તેમના સિદ્ધાંત પ્રમાણે સારા થવાનું મૂળ વ્યક્તિના શાણપણમાં છે એટલે કે આપણે બધા ફિલોસોફર છીએ, શાણપણને ચાહનારા છીએ. જીવનને સારું બનાવવાની શક્તિ દરેક માણસમાં છે એવી તેમની અટલ શ્રદ્ધા આજે બહુજન સમાજને રુચે તેવી છે.
••••••••••
પુરાણ કાળના ત્રણ દૃષ્ટાઓનાં જીવન અને વિચારધારાઓ વિષે માહિતી મળી જેના પરથી સાર નીકળે છે કે સોક્રેટીસે ફિલોસોફીને સ્વર્ગમાંથી ઉતારીને દરેકના ઘરમાં પહોંચાડી. ભગવાન બુદ્ધ વ્યક્તિના શુદ્ધ હેતુથી કરાયેલ સારા કર્મને મહત્ત્વ આપતા અને મૃત્યુ પછી શું થાય તેની પરવા ન કરવા સમજાવ્યું, તો કન્ફ્યુશિયસે કહ્યું, ક્રિયાકર્મથી અંતરના ગુણો બહાર લાવી શકાય જેમ કે પરોપકારની ભાવના અને અન્ય પ્રત્યે આદરભાવ. ઉપરોક્ત ત્રણેય મહાનુભાવોએ પ્રબોધ્યું કે વધુ ને વધુ લોકો નીતિમાન બને તો કુટુંબ, સમાજ અને સારું વિશ્વ શાંતિમય બને. કરુણા એ આ ત્રણેય આધ્યાત્મિક પંથનો મુખ્ય સંદેશ રહ્યો – જે તમે પોતાની જાત માટે ન ઈચ્છો તે બીજાને માટે કરીને તેને દુખ ન પહોંચાડો એ મંત્ર જગત ભરમાં તેમણે વહેતો કર્યો. આપણે કોઈ એકલા જીવી ન શકીએ અને એકબીજા સાથેના સંબંધો જ સારું જીવન બક્ષે એ આ વિભૂતિ ત્રયના ઉપદેશમાં ફલિત થાય છે.
બુદ્ધ, સોક્રેટીસ, અને કન્ફ્યુશિસે માનવ જાતને શું શીખવ્યું? આજે તેમના વિચારો પ્રસ્તુત છે ખરા? ખરું જોતાં આજના યુગમાં તેમના આદર્શો સમજીને અમલમાં મૂકવાની વધુ જરૂર લાગે છે. એ લોકોને ગામડાંઓમાં અજ્ઞાન અને અતાર્કિક જીવનનો સામનો કરવો પડ્યો હતો. તો આજે આપણે વધુ ગંભીર પ્રશ્નોનો સામનો કરીએ છીએ. અત્યારે માત્ર માનવી જ નહીં, આખી પૃથ્વી જોખમમાં છે. હવે આપણા હાથમાં પૃથ્વીના તમામ સ્રોત અને માનવ સંસ્કૃિતઓનો નાશ કરવાની શક્તિ અને સત્તા છે. એટલે માત્ર રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં પરિવર્તન લાવ્યે નહીં ચાલે પણ માનવીની માનસિકતા બદલવી પડે તેમ છે. એ માટે ઉપરોક્ત મહાત્માઓએ પ્રબોધેલ શાણપણ ફરી ઉજાગર કરવું અનિવાર્ય છે. સોક્રેટીસ, બુદ્ધ અને કન્ફ્યુશિસના આદર્શો આજે માત્ર પ્રસ્તુત છે એટલું જ નહીં, પણ માનવ જાતને બચવું હોય, જીવવું હોય તો તેમને અનુસરવું આવશ્યક છે એ સમજાઈ ચુક્યું છે. આ બધા દૂરના ઐતિહાસિક પાત્રો નથી, તેઓ આત્માના અવાજને ઓળખીને સાચના માર્ગને કંડારનાર વિભૂતિઓ છે. તેમના વિચારો, મૂલ્યો અને સિદ્ધાંતો આજે પણ અગણિત લોકોના જીવનને દોરે છે. 2500 વર્ષ પહેલાંના સમયના સામાજિક અંધાધૂંધી માટેના બુદ્ધ, સોક્રેટીસ, અને કન્ફ્યુશિસના પ્રતિસાદને પરિણામે સાંપડેલ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને વિચારધારાઓને આધારે આપણે આજે જીવીએ છીએ. એમના સંદેશ ચીલાચાલુ તર્ક વિહીન મૂલ્યો સામે પડકાર ફેંકનાર અને પ્રેરણાદાયી હતા.
દરેકે દરેક માનવી પાસે એજન્સી છે, આપણે આપણા મન અને બુદ્ધિથી વિચાર કરીને પોતાનું જીવન ઉત્કૃષ્ટ બનાવી શકીએ અને દુનિયાને પણ બદલી શકીએ એવા એ ત્રિમૂર્તિના પાવક સંદેશને સમજીને અમલમાં મૂકીએ તેવી આશા સાથે વિરમું.
e.mail : 71abuch@gmail.com