અવસર
બિનભા.જ.પ.વાદનું નવું લોજિક બની રહ્યું છે
ભલે ટૂંકમુદ્દતી પણ કટોકટીરાજનો અનુભવ અને કથિત રાષ્ટ્રવાદ તથા સાગરીત મૂડીવાદનાં સહીપણાની હાલની અનવસ્થા ઉગાર સારુ સાદ દઈ રહી છે. શું કાઁગ્રેસ એને પ્રજાસૂય પ્રતિસાદ આપી શકશે?

પ્રકાશ ન. શાહ
સવા વરસ પર લોકસભાના ચૂંટણી પરિણામ સાથે દેશજનતા સમક્ષ કોઈ એક વાત, આમ તો એક અર્થમાં એની ખુદની કમાઈ સરખી, આવી હોય તો તે એ કે બંધારણનાં મૂલ્યો અને પ્રક્રિયા તેમ જ આર્થિક-સામાજિક ન્યાયની જનલક્ષી રાજનીતિનો – કહો કે વિકલ્પનો અધ્યાય લખાવા માંડ્યો છે. રાહુલ ગાંધીનું વિધિવત નેતા પ્રતિપક્ષ હોવું, તે કંઈક આશ્ચર્યકારકપણે આ નવા અધ્યાયના એક નિદર્શન રૂપે આપણી સામે આવ્યું છે. આશ્ચર્યકારી એ અર્થમાં કે જૂન 1975 – માર્ચ 1977ના કટોકટીરાજની પચાસ વરસીના ગાળામાં ત્યારની કાઁગ્રેસથી કંઈક ભિન્નપણે અત્યારની કાઁગ્રેસ વિકસી રહી છે. એક કાળના ટૂંકા કટોકટીરાજ સામે આજનો પડકાર કથિત રાષ્ટ્રવાદ અને સાગરીત મૂડીવાદના જનવિરોધી મેળાપીપણાનો છે. ક્યારેક તહોમતના પિંજરામાં હોઈ શકતો પક્ષ આજે પ્રજાપક્ષે ઉભરી રહ્યો છે.
નેતા પ્રતિપક્ષ બંધારણનાં મૂલ્યો અને આર્થિક-સામાજિક ન્યાયની રાજનીતિને ધોરણે મથી રહ્યા માલૂમ પડે છે ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આપણે તાજેતરમાં જોયું છે તેમ એક કાળની કાઁગ્રેસવિરોધી રાજનીતિ કરવટ લઈ રહી છેઃ જાડી રીતે કહેવું હોય તો ક્યારેક જો બિનકાઁગ્રેસવાદનું લૉજિક હશે તો આજે બિનભા.જ.પ.વાદનુંયે એક લૉજિક બની રહ્યું છે.
આ નવી આબોહવા બનાવવામાં વર્તમાન કેન્દ્ર સરકારના બહુધા પ્રચારજીવી, વાસ્તવમાં નબળા કાર્યદેખાવનો તો હિસ્સો હશે જ. પણ સવિશેષ હિસ્સો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાથે કાઁગ્રેસમાં નહીં એવા બળોની હિસ્સેદારીનો છે. નવી રાજનીતિને સારુ વૈચારિક ખાણદાણ અને ઊંજણ આ કાઁગ્રેસ બહારનાં બળોને ઠીક ઠીક આભારી છે એ વિગત આપણા અને ખુદ કાઁગ્રેસના લક્ષમાં ખસૂસ રહેવી જોઇશે.
લોહિયા-જયપ્રકાશની ઘાટીએ, વ્યાપક અર્થમાં સ્વરાજસંગ્રામની પરંપરામાં જે બધા પ્રયાસો ને આંદોલનનો ચાલ્યાં એની જ એક નિષ્પત્તિ, એમ તો, મનમોહનસિંહના વારામાં કાઁગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ રૂપે જોવા મળી હતી. વિશ્વમંદીના દોરમાં ભારતને હેમખેમ બહાર કાઢનાર મનમોહનસિંહના શાસનમાં માહિતી અધિકારથી માંડી મનરેગા સહિતની અનેકનેક ઉપલબ્ધિઓમાં એનો ફાળો હતો. પણ 2004-2014ના એ ગાળા કરતાં હમણેના ગાળામાં જે એક મૂલ્યાત્મક ફેરફાર છે તે એ કે ત્યારે લોહિયા-જેપી રાજનીતિ અગર લોકનીતિનાં કેટલાંક મૂલ્યો સરકારી અવલંબન પર હતાં, આજે કેન્દ્રમાં સરકાર બહાર એવી કાઁગ્રેસ સ્વરાજસંગ્રામની ધારામાં જૂના નવા સમાજવાદીઓ પાસેથી સભાન કે અભાન દિશાદર્શન લઈ રહી છે.
ઉપાડ ખાસો લંબાઈ ગયો પણ આ ટૂંકા ટાંચણટિપ્પણ વાસ્તે લાગેલો ધક્કો પુણેના સમાજવાદી જમાવડાનો છે. સ્વરાજ પહેલાં અને એક સ્વરાજ પછી પણ જેમણે સંઘર્ષ અને જેલવાસનો અનુભવ લઈ જાણ્યો હોય એવા બચ્યાખૂચ્યા બુઝુર્ગો એમાં હશે તો સ્વરાજ પછી હવે જો કે સહેજે છ દાયકે પહોંચવા આવેલ નવા લોકો પણ એમાં હતા. દેશભરમાંથી એકત્ર આવેલા પૂર્વમંત્રી, પૂર્વસાંસદ એમાં હશે તો નવલડાકુ સમુદાય પણ એમાં હતો. મહારાષ્ટ્રમાં અચ્યુત પટવર્ધન, એસ.એમ. જોષી, નાનાસાહેબ ગોરે અને સવિશેષ અલબત્ત સાને ગુરુજીની ધીંગી પિછવાઈ પર મધુ દંડવતે – મધુ લિમયેની તે પછીની પેઢીનાં હજી લીલાં સંભારણાં સાથે દેશભરના જે સાથીઓ ઊતરી આવ્યા એમની ચર્ચાઓમાંથી સમજાઈ રહ્યું કે ગાંધી-લોહિયાની ધારામાં અહીં સમતામૂલક સમાજવાદની જે સમજ ખીલી તે યુરોપકેન્દ્રી ચિંતનમાં બદ્ધ નહીં રહેતાં ભારતના વર્ણવાસ્તવની રીતે તળ ધોરણે ચાલી છે. હાલની જે ઔદ્યોગિક ને ટેકનોલોજિકલ તરાહ છે તેને સંપોષિત વિકાસમાં વાળી શકે એવી આ ધારા છે. પરિવર્તનનું બળ કેવળ ચૂંટણીગત કે હિંસાગત નહીં પણ સત્યાગ્રહી ધોરણે નરવું ને નક્કુર પરિણામદાયી હોઈ શકે છે.
સવાલ આ બળો અને ક્યારેક સ્વરાજના મુખ્ય પક્ષની આબરૂ ધરાવતી કાઁગ્રેસ વચ્ચે સાર્થક સંધાનનો છે. ટૂ્ંકજીવી કટોકટીરાજનો ઇતિહાસબોજ ખંખેરીને આળસ મરડી રહેલી કાઁગ્રેસ એને પ્રજાસૂય પ્રતિસાદ આપી શકશે? જોઈએ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 સપ્ટેમ્બર 2025