ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ ચોક્કસ હોય, પણ દર્દી કપરી ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હોય, ત્યારે તેને ટર્મિનોલૉજીથી મૂંઝવ્યા વિના અને લાંબી ઔપચારિકતાઓમાં અટવાવ્યા વિના, માનવીય નિસબતથી માર્ગ કાઢી આપવો એટલી એક વાત ડૉક્ટરોની ને હોસ્પિટલોની આચારસંહિતામાં ન ઉમેરી શકાય?
બાળકને જન્મ સાથે માતાપિતાની દુનિયા બદલાઈ જાય છે પણ જો બાળક ‘પ્રિટર્મ’ એટલે કે નિયત સમય પહેલા – અધૂરા મહિને જન્મ્યું હોય તો માતાપિતા એક એવી દુનિયામાં પ્રવેશે છે જેની એમણે કદી કલ્પના પણ કરી હોતી નથી. આ મહિનાની 17મી તારીખે પ્રિટર્મ બેબી ડે છે. આપણે પણ આશાની અને હતાશાની, શ્રદ્ધાની અને ભયની, બહાદુરીની અને લાચારીની એ દુનિયામાં જરા ડોકિયું કરીએ.
સગર્ભાવસ્થાના 29મા અઠવાડિયે એટલે કે સાતમો મહિનો બેસતાં જ કૃતિને અચાનક દર્દ ઊપડ્યું. પ્રસૂતિ થઈ. બાળક હથેળી જેવડા કદનું ને માત્ર 710 ગ્રામ વજનનું હતું. એ રડી શક્યું નહીં અને તરત ભૂરું પડી ગયું કારણ કે એનાં ફેફસાં વિકસ્યાં ન હતાં. શરીરમાં પોતાને ગરમ રાખી શકાય એટલી ચરબી ન હતી. તરત એને નિકુ(નિયોનેટિવ ઈન્ટેન્સિવ કેર યુનિટ)માં લઇ જવામાં આવ્યું. વેન્ટિલેટરથી શ્વાસ ચાલુ કરાયા. નાના-નાના હાથપગમાં સિરિંજ ખોસી શરીરમાં ભારે દવાઓ દાખલ કરવાનું શરૂ થયું. એક લાંબી નળી ગળામાંથી પેટમાં ને એક નળી નાનકડા નાકમાં ઉતારી. પટ્ટીઓથી તેનો અડધો ચહેરો ઢંકાઈ ગયો. મોનિટર ટીં-ટું કરતું ન સમજાય તેવા આંકડા અને રેખાઓ બતાવવા લાગ્યું. ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાં ચિંતાતુર માતાપિતાને જે કઈં કહ્યું એમાં સ્પષ્ટતા ઓછી ને ધૂંધળાપણું વધારે હતું, પણ કૃતિ ને એનો પતિ એટલું સમજી ગયાં હતાં કે કાચની પેટીમાં ઉપકરણોથી વીંટાયેલું નાનકડું શરીર જે અણસાર બતાવે છે એ જીવનનો નથી, ઉપકરણોનો છે. હૃદયને ખૂબ કઠણ કરી બંનેએ નક્કી કર્યું કે તેઓ પોતાના બાળકને શાંતિથી વિદાય લેવા દેશે.
રોમાએ આઠમે મહિને બાળકને જન્મ આપ્યો. અન્ય ઉપાયો સાથે મા-બાળકની ત્વચા એકમેકને સ્પર્શે એ રીતે બાળકને રોજ રોમાના પેટ-છાતી પર લાંબો સમય બાંધી રાખવામાં આવ્યું, જેને કાંગારું કેર કહે છે. બાળક બચી ગયું, પણ તેની રોગપ્રતિકારક શક્તિ નહીંવત હતી. બીમારીઓથી પીડાતું એ પાંચેક વર્ષ માંડ જીવ્યું. સુજાતાને પણ અધૂરા મહિને પ્રસૂતિ થઈ. નિયોનેટિવ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એક મહિનો રાખી તેને માબાપને સોંપવામાં આવ્યું. આજે તે ‘રિટાર્ડેડ’ના લેબલ સાથે જીવે છે. મીરાએ 35મા સપ્તાહે જન્મ આપેલો એ દીકરી અંધ છે. સુષમાની અધૂરા મહિને અવતરેલી દીકરી સેરિબ્રલ પાલ્સીનો શિકાર છે અને વ્હીલચેરમાં કેદ છે. 10 વર્ષનો રોહિત નોર્મલ દેખાય છે, પણ ગેસના સિલિન્ડરની નળી ખેંચી નાખવી, નાની બહેનને ખતરનાક રીતે ઢીબી નાખવી, તકિયા ફાડી નાખવા જેવાં તોફાનો સતત કર્યા કરે છે. તેની જ ઉંમરનો સંજય એટલો આક્રમક છે કે પોતાને ને બીજાને લોહી નીકળે એવી ઇજાઓ કરવાની એને મઝા પડે છે. આ બંને વહેલા જન્મી ઈન્ક્યુબેટરમાં રહી જાતજાતની ટ્રીટમેન્ટ લઇ આવ્યા છે.
આવાં ઉદાહરણો ઓછાં નથી, પણ તેના પરથી અધૂરા મહિને અવતરેલાં બાળકો જીવતાં નથી કે એમના વિકાસમાં કોઈ ને કોઈ રીતે ખામી રહે જ છે, એવું તારણ બાંધી શકાય નહીં, કેમ કે અધૂરા મહિને અવતરેલાં અને નોર્મલ જિંદગી જીવતાં બાળકોનાં પણ ઘણાં ઉદાહરણ આપણી આસપાસ છે. ચાર્લ્સ ડાર્વિન, આઇઝેક ન્યૂટન અને આઈન્સ્ટાઈન પણ અધૂરા મહિને જન્મેલાં હતાં. પરંતુ પ્રિટર્મ બાળકોને શ્વસનતંત્રની, લોહીના પરિભ્રમણની, શરીરના તાપમાનની, પાચનની, મગજમાં રક્તસ્રાવ થવાની, રક્તકણોની આવી અનેક તકલીફો થાય છે એ હકીકત છે. વિશ્વમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરમાં થતાં મૃત્યુનું મુખ્ય કારણ પ્રિટર્મ બર્થ છે.
સગર્ભાવસ્થાના 37 સપ્તાહ પહેલા જન્મેલું બાળક પ્રિમેચ્યોર અથવા પ્રિટર્મ અને 41 સપ્તાહ પછી જન્મેલું બાળક પોસ્ટટર્મ ગણાય. વિશ્વમાં દર દસમાંથી એક બાળક પ્રિમેચ્યોર જન્મે છે. ભારતમાં દર વર્ષે 36 લાખ પ્રિટર્મ બાળક જન્મે છે જેમનાં ત્રણ લાખ મૃત્યુ પામે છે. 28મા સપ્તાહથી વહેલું જન્મે તે એક્સ્ટ્રીમલી પ્રિટર્મ, 28થી 32 સપ્તાહ વચ્ચે જન્મે તે વેરી પ્રિટર્મ અને 32થી 37 સપ્તાહ દરમ્યાન જન્મે એ લેઇટ પ્રિટર્મ ગણાય. જેમ જન્મ વહેલો તેમ બાળકના અસ્તિત્વ પરનું જોખમ વધારે. દરેકની સમસ્યા અલગ, દરેકની સારવાર અલગ. અતિ ખર્ચાળ નિયોનેટિવ કેર અને બાળકનું મૃત્યુ એ બેમાંથી અમુક માબાપ પહેલો વિકલ્પ પસંદ કરે છે. અમુક બાળકને સોયો-નળીઓના ત્રાસમાંથી બચાવવા માગે છે. અમુકને ખર્ચ પરવડતો નથી. અમુક થોડા વખતની સારવાર પછી બાળકને ઘેર લઈ જઈ પ્રેમથી વિદાય આપે છે. ઘણાં બાળકોને હોસ્પિટલની બહારનું વિશ્વ જોવાની તક મળતી નથી. માબાપના નિર્ણયમાં અને એ નિર્ણયને અમલમાં મૂકવામાં ડૉક્ટરનો અને સિસ્ટમનો સપૉર્ટ ખૂબ અગત્યનો છે, પણ કમભાગ્યે ભારતમાં પ્રિટર્મ બાળકોનો જન્મદર આટલો ઊંચો હોવા છતાં માબાપને સાચું ચિત્ર આપવું, મોકળાશથી વિચારવા દેવું, શાંતિથી નિર્ણય કરવા દેવો અને પછી એ નિર્ણયને અવરોધો વગર અમલમાં મૂકાવા દેવો એવી દૃષ્ટિ બહુ ઓછી વિકસી છે.
બાળક અધૂરા મહિને જન્મે, ન બચે, બચે તો શારીરિક માનસિક તકલીફો સાથે જીવે તેવી ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. એવા ચમત્કાર પણ ક્યારેક જોવા મળે છે કે અસ્તિત્વની મોટી લડાઈ લડીને બાળકો હેમખેમ રહ્યાં હોય અને સરસ જિંદગી જીવતાં હોય. ક્ષણભરના પ્રતિભાવ પછી આપણે એ ભૂલી જઈએ છીએ. આવા અનુભવમાંથી પસાર થનારનાં સંઘર્ષ અને પીડાનો સાચો ખ્યાલ આપણને કદી આવતો નથી.
ભારતમાં પ્રિમેચ્યોર બાળકનાં જન્મ અને મૃત્યુનો દર સૌથી ઊંચો છે. પશ્ચિમની તુલનામાં ભારતમાં આરોગ્ય-સુવિધાઓ ઓછી છે અને પ્રદૂષણ વધારે છે તેથી 32માં સપ્તાહે જન્મેલું બાળક પશ્ચિમમાં મોટેભાગે જીવી જાય છે, ભારતમાં ભાગ્યે જ બચે છે. સરકારના અને ખાનગી હૉસ્પિટલોના અવિરત પ્રયાસોથી અતિશય ખર્ચાળ પ્રક્રિયાઓ પછી મહામુશ્કેલી બચતાં બાળકોની સંખ્યા તો પણ સારી એવી વધી છે. બીજી બાજુ આઘાત પામી ગયેલાં માતાપિતાને ખોટું કે અપૂરતું માર્ગદર્શન આપીને પોતાનું હિત સાધી લેનારાં ડૉક્ટરો અને હૉસ્પિટલોની સંખ્યા પણ ઓછી નથી. કૃતિના કેસમાં એ પોતે સમજી-વિચારી શકે એ પહેલા બાળકને નિકુમાં લઈ જવામાં આવ્યું, પતિને તો ખબર પણ પછી આપવામાં આવી. ત્રણ કલાકની સારવારનું બિલ પાંત્રીસ હજાર રૂપિયા આવ્યું. બાળકને નિકુમાં મૂકવાની ને પછી પાછું મેળવવાની લાંબી ત્રાસદાયક પ્રક્રિયામાં એકમેકને સાંત્વન આપવાનો કે નવજાત બાળકને પ્રેમથી ગોદમાં લેવાનો અવકાશ પણ બેમાંથી કોઈને મળ્યો નહીં. આવી જ ઘટના કૃતિની સહેલી સાથે શિકાગોમાં બની ત્યારે ડૉક્ટરે પૂરી સહાનુભૂતિથી પતિપત્નીને સ્થિતિ સમજાવી, વિકલ્પ આપ્યા, પતિપત્નીએ બાળકને શાંતિથી વિદાય આપવાનો અને એ જીવે ત્યાં સુધી તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો ત્યારે પૂરા આદરથી એ નિર્ણયને માન અપાયું. કોઈ ખલેલ વગર નવજાત બાળક સાથે વીતાવેલી એ પળોને લીધે આજે એ દંપતીની સ્મૃતિઓમાં આંસુ સાથે પ્રેમ અને તૃપ્તિની ભીનાશ છે, જ્યારે કૃતિ અને એનો પતિ દુ:ખ સાથે રોષ અને છેતરાયાની લાગણીથી ઘેરાયેલાં રહે છે.
ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણી કેટલીક મર્યાદાઓ ચોક્કસ હોય, પણ દર્દી કપરી ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હોય, વાત ત્રણ ત્રણ જિંદગી પર અસર થવા જેટલી ગંભીર હોય ત્યારે ઔપચારિકતાઓમાં અટવાવ્યા વિના માનવીય નિસબતથી માર્ગ કાઢી આપવો એટલી એક વાત ડૉક્ટરોની ને હોસ્પિટલોની આચારસંહિતામાં ન ઉમેરી શકાય? નાગરિક તરીકે એટલો અધિકાર તો આપણો છે જ. વળી આવાં બાળક કે તેમનાં માતાપિતા માટે સમાજમાં પણ તંદુરસ્ત અભિગમ નથી. બાળક ખોઈ બેઠેલા કે ખામીવાળા બાળકને ઉછેરતા દંપતી સાથે કેવી રીતે વર્તવું એ બહુ ઓછા જાણે છે. નાગરિક તરીકે આટલી તો આપણી પણ જવાબદારી છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 નવેમ્બર 2025
![]()

