Opinion Magazine
Number of visits: 9448571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમનું અદ્ભુત ઊર્મિકાવ્ય – ‘The Gift of Magi’

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|24 December 2021

Love is responsibility of an ‘I’ for ‘thou’ પરંતુ સાંપ્રત ભૌતિકવાદી સમયમાં માણસને સંબંધોમાં રહેલું છીછરાપણું સતત પજવે છે, અને એવું જ માણસના પ્રકૃતિ કે પરમ તત્ત્વ સાથેના સંબંધનું પણ છે. પૂરી તીવ્રતાથી, પૂરી ઉત્કટતાથી અને પૂરી સભાનતાથી આપણે સંબંધ જોડી શકતા નથી, તેથી સંગતિ (Meeting) અધૂરી જ નહિ અણપ્રિછી રહી જાય છે. (1) સંબંધોનું ક્ષેત્રફળ માપવામાં સંબંધોનું ઊંડાણ જાણવાનું આપણે ચૂકી જઈએ છીએ.

પ્રેમ અને પીડા એક સિક્કાની બે બાજુઓ છે. ઘણાં લોકો પ્રિયજનને પામવાની અદમ્ય ઈચ્છામાં જીવનભર શેકાતા રહે છે. પરંતુ પ્રેમ તો વિસર્જનની પ્રક્રિયા છે, સુગંધ પુષ્પના સૂક્ષ્મ વિસર્જનનું જ પરિણામ છે. પ્રેમની પરિસમાપ્તિ અનહદ આનંદમાં જ હોય છે, લાગણી કે પ્રેમને પૈસા, પાવર કે પોઝિસન સાથે ઝાઝો સંબંધ નથી એનો સાચો સંબંધ અદૃવ્ય (Non matter) સાથે હોય છે. ‘પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે, પ્રેમ તો દિલની સચ્ચાઈ માગે છે’. પ્રેમની ઉદ્દાત લાગણીને અભિવ્યક્ત કરતી, પ્રેમમાં સર્વસ્વના  સમર્પણની ભાવનાને રજૂ કરતી,  ‘તેન ત્યક્તેન ભુંજિથા’ની ભારતીય ભાવનાને સાંગોપાંગ રજૂ કરતી, ઓ હેનરીની ટૂંકીવાર્તા ‘The Gift of Magi’ વિશે અહીં ચર્ચાનો ઉપક્રમ છે.

‘કથાવિમર્શ’માં નરેશ વેદ નોંધે છે તેમ – ‘ટૂંકીવાર્તા કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં મુકાયેલ એક પાત્રની એક ક્ષણ પર મંડાયેલી હોય છે. એ એક પાત્રને એક વિશિષ્ટ પશ્ચાદભૂ અથવા પરિવેશ સમક્ષ મૂકે છે અને એ પરિસ્થિતિમાંના એનાં ભૌતિક કે માનસિક કાર્યને આલેખે છે, એના હાર્દમાં હોય છે સંઘર્ષનું તત્ત્વ’ (2) સંઘર્ષ માનવજીવનની નિયતિ છે. જીવનયાત્રાના માર્ગમાં દરેક વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે છે . જીવનમાં દરેક ઘટના આપણી યોજના કે ઈચ્છા મુજબ ન થાય, વિઘ્ન કે અડચણ આવે તો માણસ દુઃખી થાય, વ્યગ્ર કે અસ્વસ્થ થઇ જાય. આર્થિક બાબતોનો અભાવ કે નાણાંભીડ એક એવી જ બાબત છે. પૈસા, પ્રેમ સિવાયની દરેક બાબતને પ્રભાવિત કરે છે અને અંતે સાચો પ્રેમ વિજયવંત બનીને બહાર આવે જ છે.

સાંપ્રત વિશ્વની સૌથી મોટી સમસ્યા માનવીય સંબંધોનો હ્રાસ છે. વિશેષ કરીને આજની  ઉપભોક્તાવાદી દુનિયામાં ભૌતિકતા પાછળ દોડતો માણસ લાગણીભર્યા માનવીય સંબંધોની દોડમાં પાછળ રહી ગયો છે. પતિ પત્ની વચ્ચેના દામ્પત્યજીવનમાં શુષ્કતા અને લાગણીહીનતાનું વાતાવરણ પ્રવર્તે છે. તેવા સમયમાં અમેરિકન વાર્તાકાર વિલિયમ સિડની પોર્ટર(ઓ.હેનરી)ની 1905માં પ્રગટ થયેલી ટૂંકીવાર્તા ‘The Gift of Magi’ (ગુજરાતી અનુવાદ – ‘ રજવાડી ભેટ) (3) આજે પણ એટલી જ આકર્ષક, અસરકારક અને યથાર્થ લાગે છે. પ્રસન્ન દામ્પત્યનો પ્રેરણાદાયક અનુભવ કરાવતી ‘ધ ગિફ્ટ ઓફ માગી’  પતિપત્ની વચ્ચેના અણમોલ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જીવનનો સાચો આનંદ કશુંક મેળવી લેવામાં, કશુંક પ્રાપ્ત કરવામાં નથી પણ ત્યાગમાં છે, કુરબાનીમાં, બલિદાનમાં છે. ઇશાવાસ્ય ઉપનિષદ કહે છે તેમ ‘તેન ત્યક્તેન ભુંજીથા’ ત્યાગીને આનંદ માણવામાં છે. ઘણાં લોકો પ્રિયજનને ખુશ કરવા નાનાવિધ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરતાં હોય છે, ધન દોલત કે સંપત્તિની ચમક દમકથી એને આંજી નાખવા માંગતા હોય છે . હા, ‘પૈસાની ચમક દમકથી સ્ત્રીને આકર્ષી શકાય છે, પરંતુ એકવાર સંબંધમાં બંધાયા પછી સ્ત્રીઓને મન પૈસા, સુખ –સાહ્યબીની સરખામણીએ પોતાની લાગણીઓની માવજત, હૂંફ અને એક વ્યક્તિ તરીકેનું તેનું મહત્ત્વ વધારે અગત્યનું બની જાય છે.’ (4)  પોતાની પ્રિય ચીજ વસ્તુ કે પૈસા કરતાં સ્ત્રી પ્રિયજનને વધુ મહત્ત્વનું ગણે છે. તેને મન સંબંધનું મહત્ત્વ વધારે છે. ઓ હેનરીની આ વાર્તા આર્થિક ભીંસની વચ્ચે પણ એકબીજા માટે નાતાલની ભેટ ખરીદવા એક યુવાન દંપતી કેવો સંઘર્ષ કરે છે, તેની વાત માંડે છે.

 ત્રીજા પુરુષ કથક દ્વારા કહેવાયેલી હોવાથી ‘ધ ગિફ્ટ ઓફ માગી’ ( રજવાડી ભેટ) ભાવકોમાં એક પ્રકારની વિશ્વસનીયતા ઊભી કરે છે.

‘સ્ત્રી પુરુષના સંબંધોમાં ‘પ્રેમ’ જેવી અદ્ભુત અને અનિવાર્ય લાગણી બીજી કોઈ નથી.’ – આ વિધાનને ચરિતાર્થ કરનાર આ ટૂંકીવાર્તાના પાત્રો છે જીમ અને દેલા. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ઉપરના માળે પચાસ રૂપિયાના ભાડાના મકાનમાં રહેતા આ યુવાદંપતીનો ભૂતકાળ ભવ્ય હશે એવું અતીતની યાદો પરથી લાગે છે. ભૂતકાળમાં સારો પગાર મેળવનાર જીમની, જેમ્સ ડિલિંગહેમ યંગના નામની નીચેના દરવાજે લાગેલી નેમપ્લેટ એના ભવ્ય ભૂતકાળની ચાડી ખાય છે. તે સમયે ડિલિંગહેમ નામ સમાજમાં મોભાદાર ગણાતું, પણ હવે આવક ઓછી થવાની સાથે જ … ‘નાણાં વગરનો નાથિયો ..’ની જેમ સમાજમાં તેનો માન મરતબો ઘટવા માંડે છે. સાથે નામ પણ સંકોચાઈને ‘D’ પૂરતું સીમિત થઇ જાય છે. નિમ્ન મધ્યમવર્ગીય ગણી શકાય એવું ઘર, ખપ પૂરતું રાચરચીલું, ઘરના ડોરબેલ પર ન કોઈનો હાથ પડ્યો છે, ન કોઈ મહેમાન આવે છે, કોઈ કાગળ કે સંદેશની તો વાત જ કેવી ? આર્થિક તંગી સામાજિક સંબંધોને કેટલી બૂરી રીતે પ્રભાવિત કરે છે !! આવી કપરી, અછત અને અભાવની પરિસ્થિતિ વચ્ચે પણ ઘરનાં ધણી ધણિયાણી વચ્ચે ભરપૂર પ્રેમ હતો. પ્રેમ કે લાગણીનો અભાવ ક્યારે ય નથી થયો. બંનેનું દામ્પત્ય પ્રસન્ન અને સુમધુર હતું . દેલાને મન પૈસા કરતાં પતિનો પ્રેમ વધુ મહત્ત્વનો છે. પોતાની લાગણીઓને સારી રીતે સમજતો જીમ જ એનું સર્વસ્વ છે. આમ પણ સ્ત્રીઓને મન પૈસા, સુખ સાહ્યબીની સરખામણીએ પોતાની લાગણીઓની માવજત, હૂંફ અને એક વ્યક્તિ તરીકેનું તેનું મહત્ત્વ વધારે અગત્યનું બની જાય છે.’

‘ધ લાસ્ટ લીફ’, ‘ધ રેનસમ ઓફ રેડચીફ’ અને ‘ધ કોપ એન્ડ ધ એન્થમ’ જેવી લોકપ્રિય કૃતિઓના સર્જક અને અમેરિકાના મોપાંસા તરીકે જાણીતા વાર્તાકાર ઓ હેનરીનો જન્મ 11 સપ્ટેમ્બર 1862માં ઉત્તર કેરોલિનાના ગ્રીન્સબરોમાં થયો હતો. (મૃત્યુ 1910 ન્યુયોર્ક). ટૂંકીવાર્તાને અંતે તણખાની જેમ આશ્ચર્યજનક અંત માટે જાણીતા વાર્તાકાર વિલિયમ સિડની પોર્ટરની આ ટૂંકીવાર્તાનું સૌંદર્ય Irony છે. વાર્તાનું શીર્ષક જ વક્રતાનું સૌંદર્ય પ્રગટ કરનારું છે.’ ધ ગિફ્ટ ઓફ માગી (અંગ્રેજીમાં Magi – મજાઈ)  સામાન્ય વર્ગના દંપતી જીમ અને દેલાનો ઉદ્દાત પ્રેમ અભિવ્યક્ત કરવા લેખક શીર્ષક દ્વારા કથાનો તંતુ બાઈબલની જાણીતી કથા સાથે જોડે છે. જેમાં આજથી બે હજાર વર્ષ પૂર્વે બેથલેહેમની ધર્મશાળાની ગમાણમાં જન્મેલા ઉદ્ધારક, રાજાઓના રાજા અને માનવજાતના મસીહા પ્રભુ ઈસુને સન્માનવા, અર્ચન આરાધન માટે પૂર્વના ત્રણ સુજ્ઞપુરુષો લાંબી મજલ કાપીને આવે છે. તેઓ નવા જન્મેલા રાજાને અતિ મૂલ્યવાન ભેટસોગાદોનું અર્પણ ચઢાવે છે. નાતાલ પ્રસંગે ભેટ આપવા લેવાની કળા જગતને શીખવાડનાર અ ત્રણ સુજ્ઞપુરુષો ઈરાનના મગ પ્રદેશના માગી – રાજપુરોહિતો હોવાનું મનાય છે. તેઓ જ્યોતિષ, ખગોળ, તારા, નક્ષત્રોના જાણકાર હતા અને પોતાના પ્રાચીન જરથોસ્તી ગ્રંથોની ભવિષ્યવાણી – ‘ મનુષ્ય મહાપ્રકાશની ઉજ્જવળતા સગી આંખે નિહાળવા પામશે’(5)ને  આધારે તેઓ યાકોબના વંશમાં જન્મનાર સિતારાની રાહ જોઈ રહ્યા હતા. હવે જે દિવસે આકાશમાં તેમણે પ્રકાશિત તારાની નિશાની જોઈ, ત્યારે આ રાજપુરોહિતોએ પોતાની સઘળી સંપત્તિ વેચીને, બાળરાજાને ચરણે ધરવા અતિ મૂલ્યવાન નજરાણારૂપે નીલમ, માણેક અને મોતી તથા સોનું રૂપું, બોળ અને લોબાન ખરીદ્યું અને દુર્ગમ વાટની વિપત્તિઓ વટાવતાં બેથલેહેમ પહોંચી ગભાણમાં પોઢેલા બાળરાજાને ભેટ ચઢાવી. આ પ્રસંગ પછી વિશ્વમાં ક્રિસમસના તહેવાર પર ભેટ સોગાદની આપ લે એક પરંપરા બની ગઈ છે. વિશેષ કરીને પશ્ચિમના જગતમાં પ્રેમભેટનું શું મહત્ત્વ હોય છે એ આ ટૂંકીવાર્તા દર્શાવે છે. દેવપુત્ર પ્રભુ ઈસુના જન્મપ્રસંગે પૂર્વના માગીઓએ ઉત્તમોત્તમ ભેટથી તેમનો આવકાર કર્યો, તેમની સેવા કરી. ભેટમાં ભાવ (કિંમત) કરતાં ભાવના વધુ મહત્ત્વની હોય છે. પોતાના પ્રિયને આપવાની ભેટ તો ઉત્તમ જ હોય ને ? અને ઉત્તમ ભેટ માટે સર્વસ્વનું સમર્પણ કરવું પડે તો પણ તે તૈયાર હોય છે. વક્રતા એ છે કે આ ટૂંકીવાર્તાના નાયક નાયિકા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને પોતાના પ્રિયને ઉત્તમ ભેટ (રજવાડી ભેટ) આપવી છે!!

‘ગિફ્ટ ઓફ માગી’ વાર્તાનું કથાનક જીમ અને દેલા નામના બે પાત્રો ,પતિ પત્નીની આજુ બાજુ જ વિસ્તાર પામ્યું છે. વાર્તાનો કેન્દ્રવર્તી પ્રસંગ છે નાતાલની ભેટ ખરીદવા અંગેનો. વાર્તાની નાયિકા દેલા ક્રિસમસ (નાતાલ) પૂર્વે – આગલા દિવસે પોતાના પ્રિય પતિ જીમ માટે કશીક મૂલ્યવાન ભેટ ખરીદવા વિચારે છે. પરંતુ હાથમાં માત્ર પંદર રૂપિયા ને સિત્યાસી પૈસા (એક ડોલર સિત્યાસી સેન્ટ) જ છે અને તેમાં ય વળી સાડત્રીસ પૈસા તો છૂટું પરચૂરણ છે. આટલા પૈસા પણ દેલાએ શાકભાજી કે કરિયાણાવાળા સાથે ભાવમાં માથાકૂટ કરીને બચાવ્યા છે ! વાર્તાને પ્રારંભે આવતું આ વર્ણન જીમ અને દેલાની આર્થિક પરિસ્થિતિનો વાસ્તવિક ચિતાર આપે છે. ઘરની આર્થિક ભીંસથી દેલા પરેશાન છે. ટૂંકી આવક અને એમાં પાછું ઘરભાડું અને ઘરખર્ચ ? કરકસરથી જીવનનું ગાડું ગબડાવતા દંપતી પૈસા પૈસા માટે સંઘર્ષ કરે છે. આવી કંગાળ અને કપરી પરિસ્થિતિમાં પણ દેલા પોતાના પ્રિય જીમને કશુંક શ્રેષ્ઠ આપવા વિચારે છે. જીમ માટેની ભેટની ચીજ તો મહામૂલી જ હોવી જોઈએ – પોતાને જે સૌથી પ્રિય છે તેને માટેની ભેટ તો ઉત્તમોત્તમ જ હોવી ઘટે. કશુંક ફાંકડું, કશુંક વિરલ, કશુંક અફલાતૂન ખરીદવું છે, પણ શું ? મૂંઝવણ અને મનોમંથન અનુભવતી દેલા રૂમના મોટા, લાંબા આયના સામે ઊભી રહે છે, આયનો અહીં એક Prompt તરીકે પ્રયોજાયો છે જે કથાને વેગ આપે છે. આયનામાં જોતાં જ દેલાને એક વિચાર આવે છે, એની આંખ ચમકી ઊઠે છે, જાણે ઊપાય મળી ગયો ! પણ … તરત જ, વળતી પળે એના ચહેરાનો રંગ પડી જાય છે. એક સાથે બંને ભાવોનું તુમૂલ યુદ્ધ ચહેરા પર સર્જાય છે. આખરે એક નિર્ણય પર આવતી દેલા આયના સામે ઊભી રહીને પોતાનો અંબોડો છોડે છે . પગની પાની સુધી લાંબા સુંદર સોનેરીવાળનો ધોધ વહી આવે છે.

વાર્તાકથક ફરી ભાવકને રૂબરૂ કરાવે છે આ દંપતીની મૂલ્યવાન મતા સાથે. બંને પાસે એક એક મૂલ્યવાન ચીજ હતી. જીમ પાસે હતું બાપ દાદાની નિશાની સમું ‘સોનાનું ખિસ્સા ઘડિયાળ’ અને દેલાની મતા હતી એનો પગની પાની સુધી રેલાતો સોનેરી કેશકલાપ. બંને માટે અમૂલ્ય. દેલાના વાળની સુંદરતાનું મૂલ્ય શું છે ? એ તો લેખકે શેબાની રાણીનો સંદર્ભ ટાંકીને સ્પષ્ટ કરી દીધું છે. જુઓ – ‘રાજા સોલોમનને મળવા આવેલી શેબાની રાણી સામેના કપડાં સૂકવવાના ઝરૂખાવાળા મકાનમાં રહેતી હોત તો કોઈ દહાડો, દેલાએ, એ જુએ એમ પોતાના વાળ સૂકવવા માટે છુટ્ટા મૂકી દીધા હોત, ને એમ કરીને એણે રાણીના જર ઝવેરાતની, એની ભેટસોગાદોની વિસાત કોડીની કરી નાખી હોત ‘(6) શેબાની રાણી રાજા સોલોમનના જ્ઞાનથી પ્રભાવિત થઇ અઢળક ભેટ સોગાદો સાથે તેને મળવા આવી હતી. પરંતુ લેખકે આ અઢળક હીરા મોતી, ધન દોલતની ભેટ સોગદોને દેલાના સોનેરીવાળ સામે ક્ષુલ્લક બનાવી દીધી, કેમ કે એ બુદ્ધિથી પ્રેરાઈને અપાયેલી ભેટ હતી, જ્યારે દેલાના વાળ …. જે હવે પછીના સમયમાં પ્રેમની અમૂલ્ય ભેટ થવાની હોઈ, પૈસા કરતાં પ્રેમ કેટલો મહાન છે તે દર્શાવી આપ્યું છે.

‘પ્રેમ એ સંપૂર્ણતાનું બંધન છે, એ પહેરી લો.’ (ગીતોનું ગીત 8.7 બાઈબલ) જાણે આ વાત દેલાએ ધારણ કરી લીધી છે. સ્ત્રીનું એક આભૂષણ એના વાળ હોય છે. અહીં તો દેલાની ઓળખ સમા એને પ્રિય વાળ હતા અને છતાં પોતાના પ્રિય માટે, પોતાના જીમ માટે દેલા એ કુરબાન કરવા મન મક્કમ કરી તૈયાર થાય છે. પોતાની પ્રિયવસ્તુનો ત્યાગ કરવાની પળ ઓળખી લેવી પડે. દેલા એ પળ ઓળખી તૈયાર થઇ, છતાં સ્ત્રી સહજ સ્વભાવને કારણે આ વિચાર માત્રથી તે થોડી વાર તો ક્ષુબ્ધ થઇ ગઈ, આંખમાં આંસુ આવી ગયાં પણ મન મક્કમ હતું. મક્કમ મનોબળ સાથે એ વાળ ખરીદનાર મેડમ સેફ્રોનીની દુકાને ગઈ અને બસો રૂપિયામાં વાળનો સોદો કર્યો. પોતાના સુંદર, સોનેરીવાળ ગુમાવ્યાનું દુઃખ પોતાના પ્રિય જીમને માટે ક્રિસમસ ગિફ્ટ તરીકે અસ્સલ પ્લેટિનમની સાદી પણ ઘડામણીમાં અણિશુદ્ધ સાંકળી ખરીદવાની વ્યવસ્થા થઇ ગઈ તેના આનંદમાં ભુલાઈ ગયું. જીમની સોનાની ખિસ્સા ઘડિયાળ માટે દેલાએ પોતાના સોનેરીવાળના બદલે ખરીદેલી સાંકળી માત્ર ઘડિયાળ જ નહિ, પણ પતિપત્નીને બાંધનાર મજબૂત પ્રેમબંધનનું પ્રતીક પણ બની રહે છે.

જીમ માટે ભેટ લઈને ઘરે પહોંચ્યા પછી દેલા વિચારે છે કે વાળ કપાવી નાખવાથી જીમને ખરાબ તો નહિ લાગે ને ? પતિને ખરાબ ન લાગે તેની ચિંતા કરતી દેલા માથામાં ગુચ્છાંદાર ઝુલ્ફાં લગાવે છે, પણ સ્કૂલગર્લ જેવી લાગતી દેલા આયનામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ડરી જાય છે. જીમ નારાજ ન થાય અને પોતે એને ગમતી રહે માટે પ્રભુને પ્રાર્થના કરે છે. – ‘ભલા ભગવાન, હજી ય હું રૂપાળી લાગું છું એવું જીમને લાગવા દેજે’.

સામાન્ય રીતે જીમ ક્યારે ય મોડો ઘરે આવતો નહોતો. પણ આજે દરરોજ કરતાં મોડો આવ્યો હતો અને થોડો ગંભીર પણ લાગતો હતો. કુટુંબની જવાબદારીએ આ બાવીસ વર્ષના નવજુવાનને જવાબદારીઓના બોજ તળે દાટી દીધો હતો. જીમ અનિમેષ નજરે દેલાને તાકી રહે છે, પણ નજરના ભાવ કળવા દેલા માટે મુશ્કેલ છે, કેમ કે જીમની આંખે ન ગુસ્સો, ન અચંબો, ન અસંમતિ, ન નારાજગી – જે ભાવની કલ્પના કરીને દેલા બેઠી હતી તેમાનું કશુંયે નહિ … જીમની આ નજર સહન ન થતાં દેલા જાતે જ કહી દે છે કે, – ‘… મેં મારા વાળ કપાવી નખાવ્યા છે, મેં એ વેચી કાઢ્યા છે તને નાતાલની ભેટ આપવા. તને ભેટ આપ્યા વિના મારાથી જીવાય એમ નહોતું.’ જીમને પ્રેમથી સમજાવતાં પોતે એને માટે કેવી સુંદર ભેટ લાવી છે તે કહે છે. સ્ત્રીને મન સંબંધનું મહત્ત્વ વધારે છે. ‘દરેક નારીમાં એક સંવેદનશીલ, લાગણીસભર, સંભાળ લેનાર આકર્ષક સ્ત્રી છુપાયેલી હોય છે. વાસ્તવિક જીવનમાં તે કેટલી હદે વ્યક્ત થશે તેનો આધાર સ્ત્રી પોતે પોતાની સાથે અને પુરુષ તે સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરે છે, તેના ઉપર છે.’ (7)

જીમ દેલાની વાતથી શૂન્યમનસ્ક થઇ ગયો છે. મહાપરાણે તેના મુખમાંથી એક વાક્ય નીકળે છે … ‘તેં તારા વાળ કપાવી કાઢ્યા ?’ કેટલું વિડંબનાત્મક, કેટલું વ્યંજનાત્મક અને વક્રતાપૂર્ણ છે !! જીમ જાણે  છે એના વાળનું મહત્ત્વ ! જીમને ખબર છે, જેને માટે બાપ દાદાની નિશાનીરૂપ વારસાગત અને પોતાને પ્રિય સોનાની ઘડિયાળ વેચી હતી એ વાળ ..!! એ વાળ કપાઈ ગયા હતા ? જીમનું આ દુઃખ એને નિરાશ કરી દે છે. જીમના દુઃખથી અજાણ દેલા મુગ્ધપણે એને પૂછે છે કે, -‘… જેવી છું તેવી હું તને ગમતી નથી ? વાળ વગર પણ હું જે છું તે જ છું.’ (પૃ.77 રજવાડી ભેટ) દાંપત્યજીવન જીવનની આ જ સૌથી મોટી મોકાણ છે, કે સૌંદર્ય ને કોઈ એક અંગ પૂરતું સીમિત ગણી લોકો એને જુએ છે પણ – ‘કોઈ એક વસ્તુ કે અંગમાં  સુંદરતા નથી સૌંદર્ય તો અખિલાઈમાં છે. દરેક દંપતીએ સમજવું જ રહ્યું.

જીમને હજુ પણ વિશ્વાસ બેસતો નથી, એને હજીયે આશા છે કે એ મજાક કરે છે. પણ  એની પાછળનું કારણ ભાવક જાણે છે. જ્યારે દેલા તો પોતાના કાર્યને, પોતાના ત્યાગને, બલિદાનને યોગ્ય ઠેરવવા પોતાનો પક્ષ મુકતી જાય છે – કે ‘ … આજ તો નાતાલની આગલી સાંજ છે … મારા પ્રત્યે ભલો થા. એ ગયા તો તારા સારું ગયા … પણ તારા પ્રત્યેના મારા પ્રેમનો તો કોઈ કદી અંદાજ લગાવી શકે એમ નથી.’ (પૃ.77 રજવાડી ભેટ) જીમ ધીરે ધીરે તંદ્રામાંથી જાગે છે અને કોઈ ભયાનક દુ:સ્વપ્નમાંથી બહાર આવ્યો હોય એમ, દેલાને બાહુપાશમાં લઈ તેના પ્રત્યે લાગણી દર્શાવતાં, પોતાના દૈનિક જીવનના આર્થિક હિસાબોની ગણતરીને ક્ષુલ્લક ગણાવે છે પોતાના પ્રિય પાત્રને ખુશ કરવા, દેલાની ભેટને અણમોલ સાબિત કરવા બે હજાર વર્ષ પહેલાની ઘટનાને યાદ કરે છે. – બેથલેહેમની ગમાણમાં જન્મેલા બાળઈસુના દર્શને પૂર્વના માગીઓ આવ્યા હતા, એ રાજવી પ્રવાસી, માગીઓની ભેટ – નજરાણામાંનું તો અહીં કઈ હતું નહિ ! તો શું હતું ? જીમ પોતાના ઘસાઈ ગયેલા ઓવરકોટમાંથી એક પડીકું કાઢીને ટેબલ પર ફેંકે છે અને પોતાના મનની વાત દેલાને કહે છે .. – ‘ચાહે કેશકર્તન હો, ચાહે ટકો – મૂંડો … હું નથી માનતો કે આમાંનું કંઈ કરતાં કંઈ મારી વહાલકુડી ભણીનો મારો લગાવ ઘટાડી નાખે …’ (પૃ. 78 રજવાડી ભેટ) જીમના અંતરનો આ ઉદ્દગાર દેલા પ્રત્યેના એના અસીમ પ્રેમનું પ્રમાણ છે. દેલાને એ પડીકું ખોલીને જોવા કહે છે, જેથી થોડીવાર પહેલાં દેલાની વાળ કપાવી નાખવાની વાત સાંભળી શૂન્યમનસ્ક થઇ ગયેલા જીમની માનસિક સ્થિતિનો ખ્યાલ આવશે.

પડીકું ખોલીને જોતાં જ દેલા આનંદથી ઉછળી પડે છે પણ તરત જ વળતી પળે એક ફળફળતો અફસોસ નીકળી પડે છે. સ્ત્રીસહજ આંસુની સાથે એનું આક્રંદ કોઈના આશ્વાસનથી પણ શમે એવું નહોતું. દેલાના આક્રંદનું કારણ જીમની ભેટ હતી – ત્રણ સુંદર કાંચકાઓનો સેટ !! આજ Irony, આજ વાર્તાનું સૌંદર્ય ! કારણ કે જીવતરની વિડંબના કહો કે વિધિની નિષ્ઠુરતા.  સમયે માણસની માંગ પૂરી થતી નથી …! પોતાના જે સુંદર લાંબા વાળ માટે દેલા, ઘણાં સમયથી કાચબાના શુદ્ધ કવચમાંથી બનાવેલા આ કિંમતી કાંચકા ખરીદવા ઈચ્છતી હતી પણ … પૈસાની સગવડ નહોતી !! કેટલીયે વાર દેલા દુકાનની બારીમાંથી એ કાંચકાને જોયા કરતી અને વિચારતી કે જીવનમાં ક્યારે ય એ મળશે એ આશા નહિવત હતી, કાંચકા મેળવવા એનું હૈયું કેટલું ઝંખ્યું હતું ! જે અસંભવ હતું તે સંભવ થયું હતું, આજે એ સુંદર, કલાત્મક કાંચકા એના હતા પણ …. અફસોસ ! જે સુંદર વાળ માટે આ કાંચકા હતા એ જ નહોતા !!  એનો એ સોનેરી કેશકલાપ જ ચાલ્યો ગયો હતો. માનવજીવનની આજ વિડંબના છે. ઓ હેનરીએ આ વાર્તાનું ઘડતર જ Ironyથી કર્યું છે. નિયતિ માનવીની કેવી મશ્કરી કરે છે કે, સમયે જેની જરૂર હોય તે વસ્તુ સમય વીતી ગયા પછી મળે ! દેલા યથાર્થને સ્વીકારતી કાંચકાને પ્રેમથી છાતી સરસા ચાંપી રાખી આંખોમાં આંસુ અને હોઠો પર આછું સ્મિત લાવી જીમને આશ્વાસન આપે છે કે, -‘મારા વાળને વધતાં વાર નથી લગતી, જીમ!’

પેલા હિન્દી ગીતની જેમ – ‘જગને છીના મુજસે, મુજે જો ભી લગા પ્યારા’ની જેમ  વિધિની મજાક હજુ પૂરી થઇ નહોતી, જીમે હજુ સુધી દેલાની ભેટ જોઈ નહોતી. માનવભાગ્યની વક્રતા તો જુઓ, દેલાએ ખુલ્લી હથેળીમાં જીમ આગળ પોતાની ભેટ ધરી – ‘દેલાની ઝગમગતી ને ઉમંગથી છલકાતી ભાવનાનું એ જડ મૂલ્યવાન ધાતુ જાણે પ્રતિબિંબ પાડતી ઝળકી ઉઠી હોય એમ લાગ્યું’. પોતે કેટલી મહામહેનતે આ ભેટ શોધી હતી તેની વાત કરતાં દેલા, જીમ પાસે એની ઘડિયાળ માંગે છે. ઘડિયાળ પર આ સાંકળી કેવી લાગે છે તે મારે જોવું છે. પરિસ્થિતિને પામી ગયેલો જીમ વાતને વાળી લેવા કહે છે કે, – ‘દેલ ચાલ, નાતાલની આપણી ભેટો આપણે કોરે મૂકી દઈએ અને થોડી વાર પૂરતાં મૂંગા મરી રહીએ. આપણી ભેટો એટલી સરસ છે કે હાલ પૂરતી આપણાથી એને વપરાય તેમ નથી. તારે સારું આ કાંચકા ખરીદવા મેં મારું ઘડિયાળ વેચી દીધું …..’ પતિ પત્ની બંનેએ પોતાના પ્રિયપાત્રને ઉત્તમોત્તમ ભેટ આપવા પોતાની સૌથી વહાલી વસ્તુનું બલિદાન આપ્યું હતું. ભલે એ ભેટ હાલ પૂરતી નકામી સાબિત થઈ હોય પણ તેનું મૂલ્ય એની કિંમત અણમોલ સાબિત થઈ. એકબીજા માટે સર્વસ્વનું સમર્પણ કરવાની ભાવના જ પ્રેમનું પાયાનું પરિબળ છે. ભેટ આપનારની ભાવના અને પ્રેમની લાગણી શુદ્ધ હ્રદયનું દર્શન કરાવે છે. પ્રેમની સુંદરતાને, પ્રેમના સત્યને તે જ જાણે છે જેની દૃષ્ટિ નિર્મળ છે. જેનું હૃદય પવિત્ર છે. વિશ્વમાં સર્વત્ર આનંદને પ્રત્યક્ષ કરવામાં પછી તેને ક્યાં ય કશી બાધા નડતી નથી. વાર્તાકાર ઓ હેનરી ઉદ્દાત પ્રેમનું દર્શન જીમ અને દેલાના પાત્રો દ્વારા કરાવે છે ખરા પણ … એમનો મૂળ ઉદ્દેશ તો દેવના પ્રેમને દર્શાવવાનો છે કેમ કે, દેવે આ પાપી જગતના ઉદ્ધાર માટે પોતાના એકાકીજનિત દીકરાને આપ્યો અને એમ કરીને પોતાનો પ્રેમ આપણાં પ્રત્યે દર્શાવ્યો. જુઓ વચન કહે છે કે – ‘For God so loved the world that He gave His only Son, so that everyone who believes in Him shall not perish but have eternal life’ (John 3:16 KJV) અને આ દિવ્યપ્રેમના પુરસ્કાર માટે, અદ્ભુત અવતરણને આવકારવા આવેલા માગી સુજ્ઞ પુરુષોએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી ઉદ્દાત પ્રેમનું દુન્યવી ઉદાહરણ પૂરું પાડ્યું. જીમ અને દેલાનો  પ્રેમ એ ગોત્રનો છે. તેમની નજર પ્રભુ ઈસુના પ્રેમ પર છે. આ દુન્યવી જગતમાં તેમણે ‘કેટલા આઘાત, કેટલા અપમાન અને વધસ્થંભ પર કેટલી વેદના વેઠી !! તેમની આસપાસ માણસની જે બધી નિષ્ઠુરતા, સંકુચિતતા અને પાપ રહેલાં છે તે પણ તેમના ચરિત્રની મૂર્તિના ઉપાદાન છે. પંક ને પંકજ જેમ સાર્થક બનાવે છે તેમ જ માનવજીવનના સમસ્ત અમંગલને તેમણે પોતાના આવિર્ભાવ દ્વારા સાર્થક કરી બતાવ્યું છે’.(8)

‘ઈચ્છાની અંતિમ ચરિતાર્થતા પ્રેમમાં છે. પ્રેમમાં શા માટે, શું થશે ? વગેરે પ્રશ્નો હોઈ શકતા જ નથી; પ્રેમ પોતે જ પોતાનું લક્ષ્ય છે. વિના પ્રયોજને સમસ્તનો ત્યાગ કરવો.  ત્યાગ સાથે પ્રેમનો એક ભારે સંબંધ છે, એવો સંબંધ કે કોણ પહેલો ને કોણ પછી એ નક્કી કરવું મુશ્કેલ થઇ પડે. પ્રેમ વિના ત્યાગ સત્ય બનતો નથી, વળી ત્યાગ વિના પ્રેમ સત્ય બની શકતો નથી.’(9)

પરિસ્થિતિજન્ય વક્રતા (Situational Irony) અને નાટ્યાત્મક વક્રતા(Dramatic Irony)નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતી આ ટૂંકીવાર્તાનું મૂળ કથાનક Fabulaથી આકાર પામ્યું છે. ઘટનાઓને કાળક્રમે ગોઠવીને કથક એની પુન: પ્રસ્તુતિ કરે છે. કૃતિમાં આર્થિક તંગી, સંઘર્ષ પેદા કરનારું પરિબળ બને છે. જેને કારણે નાયક – નાયિકામાં દુઃખની લાગણી સાથે પ્રેમ પણ પ્રગટે છે અને પોતાના પ્રિય માટે સર્વોત્તમ સમર્પિત કરવાની ભાવના જન્મે છે. સહજીવનની સફળતાનો આધાર એકબીજા સામે બેસીને આંખમાં આંખ પરોવવામાં નથી પરંતુ એકબીજા સામે બેસી એક જ દિશામાં આંખ દોડાવવામાં છે. આપણે ત્યાં કરોડો લગ્નો થાય છે પણ એમાંથી યુગલ કેટલાં એ મોટો પ્રશ્ન છે ? ‘ધ ગિફ્ટ ઓફ માગી’ (રજવાડી ભેટ) આદર્શ યુગલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પતિ પત્ની વચ્ચેના અનન્ય પ્રેમ અને ત્યાગની  આ સર્વકાલીન કથા આજે પણ એટલી જ યથાર્થ લાગે છે.

e.mail : arvindvaghela1967@gmail.com

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ      

દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર

વિકિપીડિયા – ઓ હેનરી 

બાઈબલ – kjv

(1)  (પૃ.165,166 . સાયલન્સ ઝોન – ગુણવંત શાહ)

(2)  (પૃ.97. કથાવિમર્શ – નરેશ વેદ)

(3)  ( ગુજરાતી અનુવાદ – ‘રજવાડી ભેટ – દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર)

(4) (પૃ.૩૩  પણ હું તો તને પ્રેમ કરું છું. લેખક – હંસલ ભચેચ)

(5) (પૃ.૧૨૬ ચોથો સુજ્ઞ પુરુષ. દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર)

(6) (પૃ. 73 રજવાડી ભેટ. દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદક – રેમંડ પરમાર)

(7)  (પૃ 217 હું તો તને ..) 

(8) (પૃ.144  – પ્રવચન શાંતિનિકેતન)

(9) (પૃ.12   –  પ્રવચન શાંતિનિકેતન)

Loading

24 December 2021 admin
← એક શતાબ્દી વીત્યે, બીજી, અસહકારની ચળવળનો સમય પાક્યો
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની પીછેહઠની વૈશ્વિક રાજકારણમાં થતી દૂરગામી અસરની સંભાવનાઓ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved