યુનિવર્સિટીઓની સ્વાયત્તતા અને લોકશાહી મૂલ્યોના અટલ પ્રહરી, રાજકીય વિચારક પ્રતાપ ભાનુ મહેતાની અમદાવાદ મુલાકાત કેવી રહેશે?

પ્રકાશ ન. શાહ
શું કહીશું એને, અલબત્ત આનંદવાર્તા સ્તો, કે હવે તરતના દિવસોમાં (સત્તાવીસમી ડિસેમ્બરે) પ્રતાપ ભાનુ મહેતા અચ્યુત યાજ્ઞિક વ્યાખ્યાન નિમિત્તે અમદાવાદમાં હોવાના છે. હાર્વર્ડથી જે.એન.યુ. લગી બધે જ એક રાજકીય વિચારક ને જાહેર જીવનના બૌદ્ધિક લેખે જેમનો સિક્કો પડે છે તે પ્રતાપ ભાનુ કથિત ગુજરાત મોડેલ વિશ્વતખતે ગાજ્યું (જો કે વરસ્યું નહીં) એ ગાળામાં એકાદ વાર અમદાવાદ આવ્યાનું સાંભરે છે.
ઘણું કરીને સેપ્ટમાં દીક્ષાન્ત પ્રવચન માટે એ દસેક વરસ પર આવ્યાનો ખ્યાલ છે. બેઉ અલબત્ત અલગ શખ્સિયત છે, પણ થોડા મહિના પર રામચંદ્ર ગુહા આપણી વચ્ચે હતા તે પછી પોતીકી તરેહની પણ એક નોંધપાત્ર ઘટના આ હોવાની છે.
ગુહાની લગભગ કેમિયો મુલાકાત, થોડાં વરસ પર કંઈક લાંબા સહવાસનીયે હોઈ શકી હોત. પણ અમદાવાદ યુનિવર્સિટીમાં એમના સૂચિત શૈક્ષણિક રોકાણને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિરોધ રજૂઆતને પગલે એમણે જ માંડી વાળી હતી. અ.ભા.વિ.પે. વિરોધપત્રની એક નકલ રાજ્યના શિક્ષણ મંત્રીને તેમ રાજ્યપાલ કોહલીને પણ મોકલી આપી હતી. કોહલી અધ્યાપકી પૃષ્ઠભૂ ધરાવતા હતા એટલે ગુહાની પ્રતિભાની એમને કદર હોવા સંભવ છે. જો કે, એમણે દરમ્યાન થવું પસંદ નહોતું કર્યું કેમ કે અધ્યાપકી મૂલ્ય સામે સત્તામૂલ્ય એમને વધારે પસંદ પડ્યું હશે.

પ્રતાપ ભાનુ મહેતા
પ્રતાપ ભાનુ મહેતાની વાત કરતે કરતે લેખક મશાય ગુહા પર ક્યાંથી ક્યાં ચાલી ગયા, તમને થશે. પણ મને ગુહા ઘટના યાદ આવી એનું તત્કાળ નિમિત્ત હજુ બે-ત્રણ અઠવાડિયાં પરનો મહેતાનો એક લેખ છે. રાજસ્થાનની ભા.જ.પ. સરકારે અ.ભા.વિ.પ.ની માંગણીને પગલે પાંચ પાંચ વાઈસ ચાન્સેલરોને પહેરે લૂગડે પાણીચું આપ્યું એ બીનાનો ઉલ્લેખ કરીને પ્રતાપ ભાનુ મહેતાએ કહ્યું કે ધોરણસરની નિમણૂકથી માંડીને રૂખસદ વાસ્તે વિધિવત તપાસ પ્રક્રિયા જેવા સાદા પણ પાયાના ખયાલને હવે કદાચ જરૂરી મનાતા નથી.
પ્રતાપ ભાનુના શબ્દોમાં હવે પબ્લિક યુનિવર્સિટીઓમાં પાર્ટી સ્ટેટ (પક્ષરાજ્ય) બેરોકટોક ધસી રહ્યું છે. અંગ્રેજીમાં બોલતાં બોલતાં એમણે હાલના સત્તાકારણના એક પ્રિય પ્રયોગ ‘ઘૂસપેઠિયા’નો પણ અચ્છો પ્રયોગ કર્યો : યુનિવર્સિટીઓમાં હવે પક્ષરાજ્ય ‘ઘૂસપેઠિયા’ની ભૂમિકા ભજવવા લાગ્યું છે, અને વિદ્યાજગતમાં કે લોકમાં કોઈ એમને ના પાડનારું રહ્યું નથી.
‘કોઈ ના પાડનારું રહ્યું નથી’, એ વ્યથિત એટલાં જ મન્યુમંડિત વચનો વાંચતે વાંચતે મને થઈ આવેલું સ્મરણ દર્શકે ‘દીપનિર્વાણ’માં એક વિદ્યાધામના પ્રવેશદ્વારે મુકાયેલી જે સૂચના ઉતારી છે એનું હતું :
‘હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે. એટલે અહીં શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુનું જલ પીધેલ ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે, અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.’
આમ તો, લોહાંગના માર્ગરેટ થેચરને માનદ ઉપાધિ આપવાને મુદ્દે નન્નો ભણતી ઓક્સફર્ડ યુનિવર્સિટીને પણ અહીં સંભારી શકાય, પણ વર્તમાન શાસનને પ્રાચીન ભારતનો જે મહિમા વસ્યો જણાય છે એ લક્ષમાં રાખી ‘દીપનિર્વાણ’ના સ્મરણને અગ્રતા આપી, એટલું જ.
પ્રાચીન ભારતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન ખાસ રીતે જુએ છે. ખાસ રીતે એટલે કે ચોક્કસ ચોકઠામાં – વિચારધારાકીય દામણે બંધાયેલ ને ડાબલે અંધાયેલ પોતાની વાતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન એક ‘સિવિલાઈઝેશન સ્ટેટ’ (સભ્યતા રાજ્ય) તરીકે આગળ ધરે છે, પણ એ પરબીડિયામાં આપણી સામે એક એથ્નિક સ્ટેટ અને સંસ્કૃતિની સાંકડી સમજ આવે છે. દેખીતી રીતે જ આપણા સાંસ્કૃતિક ખુલ્લાપણા પર એથી આઘાત પહોંચે છે અને બંધારણ મારફતે પ્રાચીન પરંપરાનું ઉત્તમ કાલવી જે એક પ્લુરલ અભિગમ મૂકવામાં આવ્યો છે એને સ્થાને એથી રાષ્ટ્રવાદને નામે નર્યાનકરા બહુમતીવાદનું તત્ત્વત: બિનલોકશાહી સ્વરૂપ આપણી સામે આવે છે.
પ્રતાપ ભાનુ મહેતા હાલના કથિત મુખ્ય પ્રવાહના આલોચક છે. એનો અર્થ એ નથી કે 2014 પહેલાંના શાસનના એ સુવાંગ સમર્થક હતા. છેક 2006માં એમણે ભારત સરકારના નોલેજ કમિશનની કારોબારીમાંથી ચોક્કસ મુદ્દે વિરોધમત સાથે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. છેલ્લાં વરસોમાં જો કે શાસકીય-રાજકીય વલણો એમને ઉત્તરોત્તર વધુ અખરતાં જણાયાં છે. 2016માં મોદી સરકારે નેહરુ મ્યુઝિયમ ને મેમોરિયલ(હવે પ્રાઈમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ ને મેમોરિયલ)ના સંચાલન માટે શૈક્ષણિક સજ્જતાને બદલે સત્તાજોડાણને લક્ષમાં લઈ રાજકીય નિમણૂક કરી ત્યારે એમણે કાર્યવાહક સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું … અને હમણેનાં વરસોમાં એમણે સુપ્રતિષ્ઠ અશોકા યુનિવર્સિટીના કુલપતિપદેથી જ નહીં અધ્યાપક તરીકે પણ રાજીનામું આપ્યાને કિસ્સો ગાજ્યો હતો. એમણે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું હતું કે જાહેર જીવનમાં અભ્યાસમૂલ્યોને ધોરણે મારી સ્વતંત્ર વિચાર રૂખ પ્રગટ થતી રહે છે તે સરકારને ગમતું નથી એટલે અશોકા પર હું બોજ બની જાઉં એ પહેલાં ખસી શકું તો ઠીક એમ કેટલાક ટ્રસ્ટીઓને લાગે છે. જાહેર કરતાં સરકારી યુનિવર્સિટીઓમાં પરસ્પર મુક્ત વિમર્શ વિલુપ્ત થઈ રહ્યો છે, કેમ કે બધું ‘પ્રભારીઓ’ હસ્તક છે, પણ ખાનગી યુનિવર્સિટીઓમાંયે …
અહીં આ જે લગરીક ઝલક આપી છે તે પરથી પ્રતાપ ભાનુને કાઁગ્રેસ વિ. ભા.જ.પ. જેવી કોઈ ચોકઠાબંધ રીતે ખતવી નાખવા જેવું નથી. ચીન જેમ વન પાર્ટી સ્ટેટ છે તેમ આપણે ત્યાં ન થઈ જાય એ માટે તેઓ સંચિત ને સતર્ક ચોક્કસ છે. પણ આપણે જેને લિબરલ ડેમોક્રસી કહીએ છીએ તેમાંયે કેવાં ઊંજણપિંજણ જરૂરી છે તે વિશેય એમની અભ્યાસતપાસ અહોરાત્ર અને અતંદ્ર વરતાય છે.
વેલ, ઓવર ટુ પ્રતાપ ભાનુ!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 ડિસેમ્બર 2025
![]()

