હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું કોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ!
દુલા ભાયા કાગનો આ દુહો ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭)ની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન દોરે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ-દિલ-કલમ-જીભ એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ, અને જીભ વડે મેઘાણીએ એ જ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય, પૂજ્ય હોય. અને આ આરાધ્ય દેવતા એટલે લોક, એમની સંસ્કૃિત, એમની ભાષા, એમનું સાહિત્ય, એમના હરખ-શોક, એમનાં આશા-અરમાન, ટૂંકમાં કહેવું હોય તો લોકહૃદયના ધબકાર.
ગુજરાતમાં જેમને વ્યાપક લોકપ્રિયતા મળી હોય, અને તે પાછી લાંબા વખત સુધી ટકી રહી હોય એવા જે ગણ્યાગાંઠ્યા સર્જકો છે તેમાંના એક મેઘાણી. પણ લોકપ્રિયતા મેળવવી એને તેમણે ક્યારે ય પોતાનું લક્ષ્ય બનાવ્યું નહોતું. પોતે જે કાંઈ લખે-બોલે તે લોકગમ્ય રહે એ અંગે મેઘાણી સભાન રહ્યા હશે, પણ લોકપ્રિયતા મેળવવા માટે થઈને તેમણે ક્યારે ય સસ્તો કે સહેલો રસ્તો અપનાવ્યો નહોતો. ‘શબદના સોદાગરને’ નામનું કાવ્ય વાંચતાં પહેલી નજરે ભલે લાગે કે મેઘાણી બીજા સર્જકોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે, પણ હકીકતમાં તો મેઘાણી પોતાની જાતને જ કહી રહ્યા હતા:
હૈયા કેરી ધારણે
તારે ઉર ઊઠે જે સૂર જી;
એ જ સૂરોના ઈમાની ભાઈ!
ગાયા કર ચકચૂર
જી-જી શબદના વેપાર.
મેઘાણીની વિશેષતા એ છે કે વ્યક્તિ તરીકે તેમ જ સર્જક તરીકે તેઓ સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનો જીવ હતા. પણ તેમના પ્રત્યેની મેઘાણીની દૃષ્ટિ મુગ્ધ-રસિકની જ નહોતી, નિરીક્ષક અને પરીક્ષકની પણ હતી. આથી જ તેમણે લોકસાહિત્યના ચલણી સિક્કાને વટાવી ખાધો નહિ, પણ સંપાદક, સંશોધક, વિવેચક તરીકે પોતાની પરિષ્કૃત દૃષ્ટિથી ઘસી ઘસીને એ સિક્કાને તેમણે ઉજમાળો પણ બનાવ્યો. લોકસાહિત્યના સંશોધન અને સંપાદનનું કામ મેઘાણીએ લોકકથાઓથી શરૂ કર્યું. ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ, કંકાવટીના બે ભાગ, રંગ છે બારોટ, સોરઠી સંતો, અને પુરાતન જ્યોત જેવાં પુસ્તકોમાં તેમણે સૌરાષ્ટ્રની લોકકથાઓનાં વૈવિધ્ય અને વૈભવને રજૂ કર્યો છે.
તો લોકગીતોની શ્રી અને સૌરભને ઝીલતાં તેમણે જે પુસ્તકો આપ્યાં તેમાં રઢિયાળી રાતના ચાર ભાગ, ચૂંદડીના બે ભાગ, હાલરડાં, ઋતુ ગીતો, સોરઠી સંતવાણી, સોરઠિયા દુહા, વગેરેનો સમાવેશ થાય છે. પણ મેઘાણીએ લોકકથા અને લોકગીતોનું માત્ર સંશોધન અને સંપાદન જ નથી કર્યું. તેમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ઊંડાં સૂઝ, સમજ અને સમભાવપૂર્વક વિવેચન પણ કર્યું છે. તેમના લગભગ દરેક સંપાદનની આગળ વિસ્તૃત પ્રવેશક તો હોય જ. આ પ્રવેશકો અને બીજા સ્વતંત્ર લેખો અને અભ્યાસો લોકસાહિત્ય: ધરતીનું ધાવણના બે ભાગ, લોકસાહિત્ય – પગદંડીનો પથ, ચારણો અને ચારણી સાહિત્ય, અને લોકસાહિત્યનું સમાલોચન જેવાં પુસ્તકોમાં સંઘરાયા છે.
મેઘાણી લોકસાહિત્યના કેવા તો કુશળ પારેખ હતા એ દર્શાવતો એક પ્રસંગ દુલા કાગે નોંધ્યો છે: “રસધાર લખાતી હતી, પોરસાવાળા દુહા થોડાક વધારે મળે તો ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલો. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે! વળતાં એમનો કાગળ આવ્યો કે દુલાભાઈ, આ દોહા જો તમારા લખેલા હોય તો થોડાક વધારે લખી નાખો ને! કાગળ વાંચી હું તો ઠરી ગયો કે વાહ મેઘાણી! કયા પુણ્યથી પ્રભુ માણસને આવી અક્કલ આપી દેતો હશે? પછી તો આગળના અને મારા રચેલા દુહા ઘણા કવિમિત્રોને મોકલ્યા કે આમાંથી નવા દુહા શોધી કાઢો, પણ એક મેઘાણી સિવાય કોઇથી એ બની શક્યું નથી.”
લોકસાહિત્યની મહેક મેઘાણીના શ્વાસમાં અને તેની ગહેક તેમના લોહીમાં એવી તો ભળી ગઈ હતી કે તેમણે જે કાંઈ મૌલિક લેખન કર્યું તેમાં લોકજીવનનો ધબકાર અને લોકસાહિત્યનો લય સંભળાયા વગર રહેતો નથી. તે એટલે સુધી કે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાના કે યુરોપીય સાહિત્યની કોઈ કૃતિના તેઓ અનુવાદ કરે છે ત્યારે પણ મોટે ભાગે તેને સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનાં ભાવ અને ભાષાના વાઘા પહેરાવીને જ આપણી સમક્ષ રજૂ કરે છે. લોકસાહિત્ય ઉપરાંત મેઘાણીને અને તેમના શબ્દને બીજા કોઈનો પાસ લાગ્યો હોય તો તે ગાંધીજી અને તેમની પ્રવૃત્તિઓ અને વિચારણાનો. એટલે ‘યુગવંદના’ એ એમના એક કાવ્યસંગ્રહનું નામ તો છે જ, પણ મેઘાણીના મોટા ભાગના મૌલિક સર્જનને પણ યુગવંદના તરીકે ઓળખાવી શકાય તેમ છે. આથી એક તરફ મેઘાણીનો શબ્દ તેમને ગાંધીજી જેવા પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવે છે, તો બીજી બાજુ ગાંધીજી અને ગાંધી યુગની વિદાય પછી પણ લાંબો વખત ટકી રહે એવાં થોડાંક ગીતો આપણને અપાવે છે. યુગવંદના ઉપરાંત વેણીનાં ફૂલ, કિલ્લોલ, એકતારો, બાપુનાં પારણાં અને રવીન્દ્રવીણા એ મેઘાણીના બીજા કાવ્ય સંગ્રહો છે.
લોક હૃદય પર મેઘાણી છવાઈ ગયા ભલે કવિ તરીકે, પણ તેમનું પહેલું પુસ્તક હતું રવીન્દ્રનાથના કથા ઓ કાહિનીમાંની વાર્તાઓના અનુસર્જન રૂપ કુરબાનીની કથાઓ. વખત જતાં મેઘાણીએ વાર્તાઓના બીજા સંગ્રહો પણ આપ્યા: મેઘાણીની નવલિકાઓના બે ભાગ, વિલોપન, જેલ ઓફિસની બારી, પ્રતિમાઓ, પલકારા અને દરિયા પારના બહારવટિયા, વગેરે. જો કે આ સંગ્રહોમાંની ઘણી વાર્તાઓ અનુવાદ, રૂપાંતર, કે અનુસર્જન પ્રકારની છે. તેમની મૌલિક વાર્તાઓમાં પણ મોટે ભાગે લોકજીવન અને લોકસાહિત્યનો પાસ લાગેલો દેખાય છે. આ જ વાત તેમની નવલકથાઓને પણ લાગુ પડે છે. સત્યની શોધમાં, અપરાધી, તુલસીક્યારો, નિરંજન, પ્રભુ પધાર્યા, બીડેલાં દ્વાર, વસુંધરાનાં વહાલાં-દવલાં, વેવિશાળ, સત્યની શોધમાં, સોરઠ તારાં વહેતાં પાણી જેવી તેમની નવલકથાઓમાંની કેટલીક અનુવાદ કે અનુસર્જન રૂપ છે તો બાકીની મૌલિક નવલકથાઓ લોકજીવનની ભોંય પર આલેખાયેલી છે. ગુજરાતનો જય, રા’ ગંગા જળિયો, સમરાંગણ, જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ મેઘાણી પાસેથી મળી છે. તો કાલચક્ર મેઘાણીના અવસાનને કારણે અધૂરી રહી ગઈ હતી. જેને ન તો નવલિકા કહી શકાય કે ન તો નવલકથા કહી શકાય તેવા મેઘાણીના એક વિલક્ષણ પુસ્તકને પણ અહીં જ યાદ કરી લઈએ. આ પુસ્તક તે માણસાઈના દીવા. રવિશંકર મહારાજે પોતાના સ્વાનુભવો કહ્યા તે અહીં મેઘાણીએ શબ્દબદ્ધ કર્યા છે. પણ એનો અર્થ એવો નથી કે અહીં મેઘાણીએ માત્ર રિપોર્ટરનું કામ કર્યું છે. મેઘાણીમાં રહેલી સર્જકતા આ કથાઓ પર પોતાનો સુભગ પ્રભાવ પાડ્યા વગર રહેતી નથી.
આ ઉપરાંત મેઘાણીએ આત્મકથનાત્મક લેખો લખ્યા છે તો જીવન ચરિત્રો લખ્યાં છે. પ્રવાસ વર્ણનો લખ્યાં છે તો લેખો, પત્રો, પ્રવચનોના સંગ્રહો પણ આપ્યા છે. દ્વિજેન્દ્રલાલ રોય અને રવીન્દ્રનાથ ટાગોરનાં નાટકોના અનુવાદ કર્યા છે તો વંઠેલાં નામના પુસ્તકમાં મેઘાણીનાં ત્રણ મૌલિક એકાંકી સંગ્રહાયાં છે.
મેઘાણીને આયુષ્ય મળ્યું માંડ પચાસ વર્ષનું. તેમાં લેખન કાળ લગભગ પચ્ચીસ વર્ષનો. અને છતાં ૮૫ જેટલાં પુસ્તકો તેમણે આપણને આપ્યાં. એક પત્રમાં ઉમાશંકર જોશીએ મેઘાણીને લખેલું તેમ “આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય.” આટલું વિપુલ લેખન કરનાર મેઘાણીનાં લખાણોમાંથી આ સંપાદન માટે શું લેવું અને શું નહિ તે નક્કી કરવાનું સારું એવું અઘરું પડ્યું છે. કેટલીક લેવા જેવી કૃતિઓ તેની લંબાઈને કારણે ન છૂટકે જતી કરવી પડી છે. છતાં મેઘાણીના વૈવિધ્યસભર સાહિત્યનું ભલે આછું પણ ઓછું નહિ તેવું પ્રતિનિધિત્ત્વ જળવાઈ રહે એવો પ્રયત્ન કર્યો છે. ઝવેરચંદ મેઘાણીની જન્મ શતાબ્દી પ્રસંગે તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથ-શ્રેણી રૂપે પ્રગટ કરવાની યોજના તેમના પુત્ર જયંત મેઘાણીએ તૈયાર કરી હતી. પણ ત્યારે ‘પ્રસાર’ દ્વારા નવ ગ્રંથો પ્રગટ થયા પછી એ કામ અટકી ગયું. ત્યાર બાદ ૨૦૦૯માં ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ મેઘાણીનાં ૮૫ પુસ્તકો અને કેટલીક અગ્રંથસ્થ સામગ્રીને કુલ ૧૯ ગ્રંથોમાં પ્રગટ કરવાની યોજના હાથમાં લીધી અને તેનું સંપાદન પણ જયંતભાઈને સોંપ્યું. અત્યાર સુધીમાં તેમાંથી ૧૨ ગ્રંથ પ્રગટ થઇ ચૂક્યા છે. અહીં જે કૃતિઓ (કે તેના અંશો) સમાવ્યા છે તેના પાઠ માટે મુખ્ય આધાર આ બે ગ્રંથ શ્રેણીઓ પર રાખ્યો છે. મેઘાણીની જે કૃતિઓ હજી આ બેમાંથી એકે યોજનામાં પ્રગટ થઇ નથી તેનો પાઠ જે-તે મૂળ પુસ્તકમાંથી લીધો છે. જયંતભાઈ, તેમની પ્રકાશન સંસ્થા પ્રસાર, અને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારું છું. આ પુસ્તકનું સંપાદન કરવાની જવાબદારી સોંપવા માટે બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજના શ્રી હેમરાજભાઈ શાહનો આભારી છું. અને નવભારત સાહિત્ય મંદિર અને તેના અશોકભાઈ શાહે ટૂંક સમયમાં પુસ્તક તૈયાર કરી આપ્યું તે માટે તેમનો આભાર માનું છું.
આજે આપણી સામે મેઘાણીની ભવ્ય મુખાકૃતિ નથી, આષાઢી મોરલાના કંઠ જેવો તેમનો કંઠ નથી, તેમના પ્રતાપી વ્યક્તિત્વની ભૂરકી નથી. છતાં મેઘાણીની કલમ અને કિતાબનો કસુંબલ રંગ હજી આજે ય ઉપટ્યો નથી અને તેથી જ આજે પણ મેઘાણી મીઠી હલકથી સાદ પાડીને પોતાના ભાવકોને જાણે કહી રહ્યા છે:
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલા હો!
પીજો કસુંબીનો રંગ.
અને ભાવકો પણ મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસુંબલ પ્યાલા આજ સુધી પીતા રહ્યા છે અને મેઘાણીના જ શબ્દોમાં જાણે કહી રહ્યા છે:
લાગ્યો કસુંબીનો રંગ —
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
૧૭ જુલાઈ, ૨૦૧૫
અષાઢનો પહેલો દિવસ
મુંબઈ
Email: deepakbmehta@gmail.com
[મેઘાણીભાઈના જન્મ દિવસ નિમિત્તે અહી રજૂ કરેલું લખાણ 'મેઘાણીની શબ્દસૃષ્ટિ' નામના સંપાદન માટે તૈયાર કર્યું હતું. આ સંપાદન આજ સુધી અપ્રગટ રહ્યું છે અને તેથી આ લખાણ પણ અપ્રગટ રહ્યું છે. આજે પહેલી વાર તેને જાહેરમાં મૂક્યું છે.]