
રમેશ સવાણી
WHO-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ગાઢ સંકલનમાં કામ કરતી અને આબોહવા પરિવર્તનના વિકસતા આરોગ્ય પ્રોફાઇલ પર દેખરેખ રાખવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય “ધ લેન્સેટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ”, દ્વારા 29 ઓક્ટોબર 2025ના રોજ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. 71 શૈક્ષણિક સંસ્થાઓ અને UN એજન્સીઓના 128 નિષ્ણાતો દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયેલ છે.
આ અહેવાલ કહે છે કે “2022માં ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 1.718 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જે 2010ની તુલનામાં 38% વધુ છે. 2022માં બહારના વાયુ પ્રદૂષણને કારણે અકાળ મૃત્યુથી ભારતને $ 339.4 બિલિયન(આશરે 30 લાખ કરોડ રૂપિયા)નું આર્થિક નુકસાન થયું હતું, જે દેશના GDPના 9.5 % છે. ભારતમાં સરેરાશ દરરોજ 4,700થી વધુ લોકો શ્વાસ લેવાથી મૃત્યુ પામે છે. દિલ્હીની હવા શ્વાસમાં લેવી એ દરરોજ 10 સિગારેટ પીવા જેટલું જોખમી બની ગયું છે. આ 17.18 લાખ મૃત્યુમાંથી 7.52 લાખ (44%) સીધા અશ્મિભૂત ઇંધણ(કોલસો અને લિક્વિફાઇડ ગેસ)ના દહનને કારણે થયા હતા.”
30 ઓક્ટોબર, 2025ની સવારે, દિલ્હી NCR-National Capital Region(જેમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પડોશી રાજ્યોના નજીકના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ફરીદાબાદનો સમાવેશ થાય છે)ના રહેવાસીઓ ફરી એકવાર ગાઢ ધુમ્મસથી જાગી ગયા. CPCB-સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, આનંદ વિહારમાં AQI 409 પર પહોંચ્યો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. લોધી રોડ અને ઇન્ડિયા ગેટ પર અનુક્રમે 325 અને 319 AQI નોંધાયા. 21 ઓક્ટોબરના રોજ, ઘણા સ્ટેશનો પર AQI 900ને વટાવી ગયો. આનંદ વિહારમાં, તે 627(રાત્રે 11 વાગ્યા)થી વધીને 656 (સવારે 4 વાગ્યા) થયો. અશોક વિહારમાં, તે 892, આયા નગરમાં 964 અને મથુરા રોડ પર 959 પર પહોંચ્યો – આ બધું ‘ખતરનાક’ શ્રેણીમાં છે.
AQI-Air Quality Index સ્કેલ સમજીએ. 0-50ને સારું, 51-100 સંતોષકારક, 101-200 મધ્યમ, 201-300 નબળું, 301-400 ખૂબ નબળું અને 401-500 ગંભીર માનવામાં આવે છે. 409 એટલે કે સ્વસ્થ લોકો માટે પણ હવા જોખમી છે.
લેન્સેટ રિપોર્ટ 2022ના ડેટા પર આધારિત છે, જેમાં 2025માં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
PM2.5 (particulate matter with a diameter of 2.5 micrometers or less-2.5 માઇક્રોમીટર વ્યાસ કરતાં નાના કણો) પ્રદૂષણે ભારતમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ કણો એટલા નાના છે કે તે ફેફસાંમાં પ્રવેશ કરે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે, જેના કારણે હૃદય રોગ, ફેફસાંનું કેન્સર, ડાયાબિટીસ અને ડિમેન્શિયા જેવા રોગો થાય છે.
જુલાઈ 2024માં, પર્યાવરણ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે “હવા પ્રદૂષણ મૃત્યુનું સીધું કારણ છે તે સાબિત કરવા માટે કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી.” આવા અભ્યાસોમાંથી આપણી સરકાર બોધપાઠ લઈ અટકાતી પગલાં લેવાને બદલે અહેવાલને રદિયો આપે છે. મોદી-ભક્તો અવતારી સરકારને બદનામ કરવાનું કાવતરું કહે છે !
5 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીજીએ’માતાના નામે એક વૃક્ષ’ ઝૂંબેશ શરૂ કરી હતી. ‘અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ’નો ઉદ્દેશ્ય ગુજરાત / રાજસ્થાન / હરિયાણા / દિલ્હીમાં પથરાયેલ 700 કિલોમીટર લાંબી અરાવલી પર્વતમાળાને ફરીથી લીલીછમ કરવાનો છે. પરંતુ ‘અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ પણ અન્ય પ્રોજેક્ટની માફક માત્ર પ્રચારનો રહી ગયો છે. 2001 અને 2023 વચ્ચે, ભારતમાં કુલ 2.33 મિલિયન હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું હતું, જેમાંથી 1,43,000 વૃક્ષો ફક્ત 2023માં જ ગુમાવ્યા હતા. જો કે ‘climate change’ અંગે મોદીજીનું જ્ઞાન જ અદ્દભુત છે. 5 સપ્ટેમ્બર 2014ના રોજ શાળાના બાળકોને સંબોધન કરતા કહ્યું હતું : “ક્લાયમેટ ચેન્જ નહીં હુઆ હૈ, હમ ચેન્જ હો ગયે હૈ !”
WHO-વિશ્વ આરોગ્ય સંગઠને વ્યક્તિગત સ્તરે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે 7 સરળ રીતોની ભલામણ કરી છે :
[1] ચાલો કે સાયકલ ચલાવો : વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પેટ્રોલ વાહનોનો ઉપયોગ કરવાને બદલે ચાલો કે સાયકલ ચલાવો એ શ્રેષ્ઠ રસ્તો છે. દર વખતે જ્યારે તમે પેટ્રોલ કાર કે વાહનો છોડી દો ત્યારે તમે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને વાયુ પ્રદૂષણમાં ફાળો આપતા કણો જેવા હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટાડી શકો છો. ઉપરાંત, ચાલવાથી / સાયકલ ચલાવવાથી તમારાં સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
[2] ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરો : LED બલ્બ અને ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો પસંદ કરો. રૂમની બહાર નીકળતી વખતે લાઇટ બંધ કરો. ઉપરાંત, તે બિલ બચાવે છે ! કારણ કે વીજળી ઉત્પન્ન અશ્મિભૂત ઇંધણને બાળી નાખે છે. તમારા ઘર અથવા ઓફિસમાં બધા વિદ્યુત ઉપકરણોની નિયમિત તપાસ કરાવો.
[3] કચરાનો જવાબદારીપૂર્વક નિકાલ કરો : પ્લાસ્ટિક અને કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ બંધ કરો. રિસાયક્લિંગ અને પુનઃઉપયોગનો અભ્યાસ કરો. ખુલ્લી જગ્યામાં કચરો બાળવાનું ટાળો, કારણ કે તે ઝેરી ધુમાડો છોડે છે જે પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પર્યાવરણને સ્વચ્છ અને સલામત રાખવા માટે કચરાનું વિભાજન, રિસાયક્લિંગ અને ખાતર બનાવવું એ મહત્ત્વપૂર્ણ રીતો છે જેના દ્વારા કચરાનો નિકાલ કરી શકાય છે.
[4] Renewable energy-નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરો : સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરવાથી તમારા વાયુ પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કોલસો અને તેલ જેવા ઉર્જા સ્રોતો વાતાવરણમાં મોટી માત્રામાં કણો, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છોડે છે. જે ઘટાડી શકાય.
[5] સ્વચ્છ રસોઈ પદ્ધતિઓ અપનાવો : લાકડું, કોલસો અને કેરોસીન જેવા પરંપરાગત બાયોમાસ ઇંધણને બદલે એલ.પી.જી., બાયોગેસ અને સૌર જેવા સ્વચ્છ રસોઈ વિકલ્પો વાપરવાથી એકંદર વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય છે.
[6] વૃક્ષો વાવો : વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો અને છોડ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, ધૂળ અને પ્રદૂષકોને અટકાવે છે અને સ્વચ્છ ઓક્સિજન છોડે છે. ઉપરાંત, હરિયાળી પૃથ્વી હંમેશાં તમારી ઇન્દ્રિયોને વધુ શાંત રાખશે.
[7] જાહેર પરિવહન અથવા ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરો : જેટલા વધુ લોકો ઇલેક્ટ્રિક બસો અથવા વાહનોનો ઉપયોગ કરવાનું પસંદ કરે તેટલું જ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને particulate matter-કણો (PM2.5)નું ઉત્સર્જન, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે, તે આપમેળે ઘટે છે.
31 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

