પોલીસનું કામ તો કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું છે. પ્રજાના જાનમાલનાં રક્ષણનું છે. પરંતુ પોલીસની છાપ જનમાનસમાં ગણવેશમત્ત ગુનેગારની પણ છે. જેણે ગુના રોકવાના છે તે જ જનમાનસમાં ગુનેગાર તરીકે સ્થાપિત થયેલ હોય કે રક્ષક ભક્ષકની છાપ ધરાવે તે ચિંતાજનક છે. પોલીસની આ છાપ કેટલી સાચી છે તે ઉજાગર કરતો એક વિસ્તૃત અભ્યાસ તાજેતરમાં પ્રગટ થયો છે. સંશોધન સંસ્થા ‘સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવલપિંગ સ્ટડીઝ’ અને સ્વૈચ્છિક સંસ્થા ‘કોમન કોઝ'ના ‘લોકનીતિ’ પ્રોજેકટ અંતર્ગત દેશના ૨૨ રાજ્યોના ૧૧,૮૩૪ પોલીસકર્મીઓ અને ૧૦,૫૩૫ પોલીસ પરિવારના સભ્યો સાથેની મુલાકાતોના આધારે તૈયાર થયેલ “સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઇન્ડિયા- ૨૦૧૯” ન માત્ર દેશમાં, સમગ્ર દક્ષિણ એશિયામાં, આ પ્રકારનો પ્રથમ અભ્યાસ અહેવાલ છે. તેના તારણો ચોંકાવનારા એટલા જ ચિંતાજનક છે.
આ અભ્યાસમાં પોલીસના નાગરિકો સાથેના સંબંધો, નબળા વર્ગો અને હાંસિયામાં ધકેલાયેલાં લોકો પ્રત્યેનું પોલીસનું વર્તન, પોલીસની માન્યતાઓ, વિચારો, મનોવલણો અને તેની સ્થિતિનો સમાવેશ થયેલો છે. અભ્યાસનું સૌથી મહત્ત્વનું એટલું જ ચોંકાવનારું તારણ એ છે કે દેશનો દર બીજો પોલીસકર્મી માને છે કે મુસ્લિમો અપરાધિક વૃત્તિના હોય છે ! સર્વે હેઠળના ૫૦ ટકા પોલીસકર્મી દેશની સૌથી મોટી લઘુમતીને ગુનાખોર માનસની ગણાવે તેનાથી મોટી ચિંતાનો વિષય બિનસાંપ્રદાયિક દેશમાં બીજો કયો હોઈ શકે? ૧૪ ટકા પોલીસ મુસ્લિમો ગુનો કરવાની અધિક વૃત્તિના, ૩૬ ટકા તે કેટલીક હદે ગુનાખોર માનસના હોવાનું માને છે. દર ત્રણમાંથી એક પોલીસ ધાર્મિક અલ્પસંખ્યક પ્રત્યે પોલીસ ભેદભાવ રાખતી હોવાનું માને છે. આવું માનનારા પોલીસ કર્મીઓમાં શીખ વધારે છે. બિહાર મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ,અને ઝારખંડના ૨/૩ પોલીસો મુસ્લિમોને અપરાધિક વૃત્તિના ગણાવે છે. ૫૬ ટકા કથિત ઉચ્ચ જાતિના પોલીસો ઉચ્ચ જાતિના હિંદુઓ ગુના કરતા ન હોવાનું માને છે. પણ કથિત ઉચ્ચ જાતિના દર પાંચમાંથી એક પોલીસ દલિતો-આદિવાસીઓ અત્યાચારની ખોટી ફરિયાદો નોંધાવતા હોવાનું જણાવે છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ અને દક્ષિણી રાજ્ય કર્ણાટકના બહુમતી પોલીસો દલિતોમાં ગુનાખોર વૃત્તિ વધુ હોવાનું માને છે.
આપણી પોલીસ લધુમતી અને દલિત-આદિવાસી વિશે જેવું વિચારે છે તેવું જ મહિલાઓ, ટ્રાન્સજેન્ડર, શરણાર્થીઓ અને સગીરો વિશે પણ વિચારે છે. દર પાંચમાંથી એક પોલીસકર્મી મહિલાઓ ધરેલુ હિંસાની ખોટી ફરિયાદો નોંધાવતી હોવાનું કહે છે. ૨૪ ટકા પોલીસો શરણાર્થીઓને અપરાધિક વૃત્તિના માને છે. ૮ ટકા ટ્રાન્સજેન્ડરને ગુનાખોર માનસના ગણાવે છે. સગીર ગુનેગારોની પણ પુખ્ત ગુનેગારોની જેમ તપાસ થવી જોઈએ એવી માન્યતા દર પાંચમાંથી બે પોલીસકર્મી ધરાવે છે. સાથી મહિલાકર્મીઓ વિશેના પુરુષ પોલીસકર્મીના પૂર્વગ્રહો પણ અભ્યાસમાં ખૂલીને બહાર આવ્યા છે. સાથી મહિલા પોલીસકર્મીને પુરુષ પોલીસ કર્મીઓ ઓછી ક્ષમતા ધરાવનાર, ફીલ્ડને બદલે ઓફિસ ડ્યુટી વધુ કરનારી તથા જોખમી નોકરી ન કરનારી માને છે. જો કે ૫૦ ટકા મહિલા પોલીસો પુરુષ પોલીસકર્મીઓ તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાની ફરિયાદો કરે છે.
પોલીસનું આ માનસ, મનોવલણો અને માન્યતાઓ તેઓ જે સમાજ વ્યવસ્થાનો હિસ્સો છે તેનો જ પડઘો પાડે છે. પોલીસની વર્ધી પહેરવાથી તેઓ તટસ્થ અને જાતિ, ધર્મ, કોમ, લિંગના ભેદથી પર બની જશે તેમ માનવું વધારે પડતું છે. સમાજ વ્યવસ્થાની અસર તેમના વિચારો અને માન્યતાઓ પર જ નહીં કાર્યશૈલી પર પણ જોવા મળે છે. તાજેતરમાં મોબ લિન્ચિંગ એટલે કે ભીડ દ્વારા થતી હિંસાના બનાવો વધ્યા છે. ગોહત્યાના મામલે ભીડ દ્વારા થતી હિંસા અને હત્યાઓને ૩૫ ટકા પોલીસ સ્વાભાવિક અને યોગ્ય માને છે. દુષ્કર્મના આરોપીને ભીડ દ્વારા દંડિત કરવાના બનાવોને પણ ૪૩ ટકા પોલીસો વાજબી ગણાવે છે.
પોલીસનું પ્રથમ કામ તો લો એન્ડ ઓર્ડરની જાળવણી માટે પ્રજાની આરોપી સામેની પોલીસ ફરિયાદની નોંધણીનું અને તેની તપાસ કરી અદાલત મારફત સજા અપાવવાનું છે. પરંતુ દર પાંચમાંથી ત્રણ પોલીસકર્મી એવું માને છે કે પોલીસે સીધેસીધી ગુનાની ફરિયાદ (એફ.આઈ.આર.) નોંધવી જોઈએ નહીં. એફ.આઈ.આર. નોંધતાં પૂર્વે તપાસ કરીને એફ.આઈ.આર. નોંધવાપાત્ર છે કે નહીં તે નક્કી કર્યા બાદ જ તે નોંધવી જોઈએ. સુપ્રીમ કોર્ટ જ નહીં માનવ અધિકાર પંચ અને ભારતનું સંવિધાન પણ નાગરિકને તેના પ્રત્યેના અપરાધની પોલીસ ફરિયાદ નોંધાવવાનો અધિકાર આપે છે. પરંતુ લોકોનો સામાન્ય અનુભવ એવો છે કે પોલીસ પ્રથમ દર્શનીય અહેવાલ એટલે કે ગુનાની પોલીસ ફરિયાદ નોંધતી નથી, વિલંબથી નોંધે છે, ગુનેગારોને છટકવાની તક આપ્યા બાદ નોંધે છે કે પોતાને યોગ્ય લાગે તેમ અને તેવી કલમો હેઠળ નોંધે છે. અભ્યાસ હેઠળની ખુદ પોલીસ જ તપાસ પછી જ ફરિયાદ નોંધવાનો મત વ્યક્ત કરીને લોકોની પોલીસ વિશેની ફરિયાદોને સાચી ઠેરવે છે. પોલીસ ન માત્ર ફરિયાદ નોંધવા મુદ્દે આવા વિચારો ધરાવે છે દર ત્રીજો પોલીસ કોર્ટને બદલે પોલીસ દ્વારા સજાની તરફેણ કરે છે. ૩૭ ટકા પોલીસ માને છે કે તેમને આરોપીઓને સજા આપવાની સત્તા મળવી જોઈએ. આ માન્યતા કેટલી ખતરનાક નીવડી શકે છે અને લોકશાહી માટે તથા ન્યાયપ્રણાલીના મૂળમાં ઘા કરનારી છે તેની ગંભીરતા જલદી સમજાવી જોઈશે.
કૂવામાં હોય તે જ અને તેટલું જ હવાડામાં આવે એવી કહેવત અભ્યાસમાં વ્યક્ત થયેલા પોલીસોના પૂર્વગ્રહો, વિચારો અને અભિપ્રાયોમાં જોવા મળે છે. આપણો સમાજ જેટલો વિવિધતા ધરાવતો છે એટલો જ વિભાજિત પણ છે. જાતિ અને ધર્મના નામે ભારે પૂર્વગ્રહો ધરાવતા, સામંતી પિતૃસત્તાક ભારતીય સમાજનો પોલીસ ભેદભાવમુક્ત અને સંવેદનશીલ હોય તે આદર્શ ગણાય પણ ખરેખર એવું નથી. તે ભારે પક્ષપાતી અને પોતાના વિચારો અને માન્યતાઓમાં બદ્ધ છે. પોલીસની નોકરીમાં જોડાયા પછી સતત તાલીમ મારફતે તેને સંવેદનશીલ અને પરંપરાગત માન્યતાઓથી મુક્ત બનાવવાના પ્રયત્નો ખાસ થતા નથી. એટલે પણ તે આમ ભારતીયની જેમ વર્તે છે.
જો કે આટલું સરળીકરણ પણ ઠીક નથી. આ જ અભ્યાસમાં પોલીસની બેહાલ અને સાધનવિહોણી જે સ્થિતિ દર્શાવી છે તે પણ તેને આમ કરવા મજબૂર કરતી હોય તે બનવાજોગ છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 16 ઑક્ટોબર 2019