
રવીન્દ્ર પારેખ
શિક્ષણને મામલે ઘણી બધી રીતે હવે ખોટાઉદેપુર થઈ ગયું છે. અગાઉ પણ એક પ્રાથમિક શાળામાં કલેકટરે સામાન્ય જ્ઞાનની તપાસ કરેલી ને તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઘોર અજ્ઞાન પ્રગટ થતાં તેની જાણકારી શિક્ષણ વિભાગ સુધી પહોંચેલી. હવે ફરી એક વખત છોટાઉદેપુરને એસ.એફ. હાઈસ્કૂલના નવ શિક્ષકોએ ચર્ચામાં લાવી મૂક્યું છે.
સરકારની ગ્રાન્ટ પર નભતી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૨૭,૦૦૦ શિક્ષકોની ઘટ છે. તેમાંથી ૭,૫૦૦ જગ્યા ભરવા ટેટ-૧ અને ટેટ-૨ પાસની શિક્ષણ સહાયક તરીકે ભરતી કરીને તેમને જુદી જુદી શાળાઓમાં નિમણૂક આપવામાં આવી છે. અનેક તકલીફો વચ્ચે નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને કાયમી જગ્યાઓ પર પૂરા પગારે તો રખાતા નથી, પણ એવા શિક્ષકોની નોકરી હજી તો માંડ શરૂ થઈ છે, ત્યાં જે અનુભવો તેમને થઈ રહ્યા છે, તેનો એક નમૂનો છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કૂલે પૂરો પાડ્યો છે. નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઈસ્કૂલમાં એકાદ મહિના પર જ નોકરીએ હાજર થયેલા નવ શિક્ષણ સહાયકોએ પોલીસ સ્ટેશનથી લઈ રાજ્ય પોલીસ વડા-DGP સુધી લાંચ માંગ્યાની લેખિત અરજી પુરાવાઓ સાથે કરી છે. આ શિક્ષકોએ ગુરુવારે ગાંધીનગરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ખૂલીને પોતાની વાત મૂકી હતી.
ફરિયાદ થતાં નગરપાલિકાના સત્તાધીશો સામે ૫ સભ્યોની તપાસ સમિતિ પણ મૂકવામાં આવી છે. લાંચ માંગવાના આક્ષેપો થતાં આચાર્યશ્રી માંદગીની રજા પર ઊતરી ગયા છે. જો કે, નગરપાલિકાના ઉપપ્રમુખે તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે ને એમને એ આપનું વિપક્ષી કાવતરું લાગ્યું છે. તપાસ સમિતિ સત્ય બહાર લાવે તો સાચુંખોટું ખબર પડે અથવા તો કંઇ જ ખબર ન પડે એમ બને, પણ જે વિગતો છે એને નિષ્પક્ષ રીતે જોઈએ તો સત્ય બહાર આવે કે ન આવે, સમજાય એવું તો છે.
DEOને મળેલી અરજી મુજબ શિક્ષકો પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવી હતી ને જો એ પૈસા ન આપે તો એમના પર ધાકધમકી કરીને કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખના કહેવા મુજબ જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે આમ આદમી પાર્ટીના નેતાના છે. પચીસ વર્ષ પછી પ્રથમ વાર ભા.જ.પ.નું બોર્ડ બન્યું છે, તેને બદનામ કરવા આવા આક્ષેપો કરવામાં આવ્યા છે એવું નગરપાલિકાનું માનવું છે.
૯ શિક્ષકોના કહેવા મુજબ ૧૫/૦૯/૨૦૨૫ને રોજ આચાર્યનો ફોન આવે છે, શાળા સમય પછી નગરપાલિકાના હોદ્દેદારો સાથે મીટિંગ છે – એની જાણ કરતો ! શિક્ષકો નગરપાલિકા પહોંચ્યા, તો પ્રમુખની ચેમ્બર પાસે તેમનો ફોન લઈ લેવામાં આવ્યો. મીટિંગ પહેલાં પણ આચાર્યે એક શિક્ષકને બોલાવીને કહ્યું હતું કે નગરપાલિકાને તમારી પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. એ મીટિંગમાં પણ આચાર્યે શિક્ષકોને ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપવાની વાત દોહરાવી. જો પાંખડી નહીં અપાય તો નોકરી ગુમાવવાની તૈયારી રાખવાની ચીમકી પણ આપવામાં આવી. અગાઉ આ રીતે એક શિક્ષકે લાંચ આપવાની ના પાડી તો તેનું નામ દઈને એને છોકરીની છેડતી કે એટ્રોસિટી વગેરેમાં કેવી કેવી રીતે ફસાવી શકીશું ને એને એવો લાલ શેરો મારીશું કે બીજે નોકરી કરવાને લાયક નહીં રહે, એવો ધમકીભર્યો ચિતાર આ શિક્ષકોને આપવામાં આવ્યો.
આ પાંખડી હજાર બે હજારની નહીં, પણ લાખોમાં આપવાની વાત હતી. તે એટલા પરથી ખબર પડે છે કે અગાઉ શિક્ષકો પાસેથી આ રીતે ૪૦થી ૪૫ લાખ લેવામાં આવ્યા હોવાની કબૂલાત પણ શાળાએ કરી છે. નિમણૂકો થઈ ચૂકી હતી, એટલે નોકરી જોઈતી હોય તો લાંચ આપો, એમ તો કહેવાય એમ નથી, પણ નોકરી ટકાવવી હોય તો લાખો રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું. આ રૂપિયા કેમ આપવાના હતા, તો કે અંગ્રેજી માધ્યમની શાળા બનાવવી છે ! અંગ્રેજી માધ્યમની સ્કૂલ ચાલુ કરવી હોય તો સરકાર એટલી ગરીબ નથી કે ગ્રાન્ટ ન આપી શકે, સરકાર એની ગ્રાન્ટ આપે છે ને આપે જ, પણ આ ભિક્ષુકો ગરીબ શિક્ષકો પાસેથી લાખોની ભીખ માંગે છે ! આ એવું તંત્ર છે જે શિક્ષકો પાસેથી ઉઘરાવેલી લાંચમાંથી શાળા બનાવવા માંગે છે. ધારો કે આ શિક્ષકો લોન લઈને લાંચ આપે તો પણ, સ્કૂલ બને જ એની કોઈ ગેરંટી નથી. એમનો હેતુ જ જુદો છે, કારણ એમને દાન નથી જોઈતું, લાંચ જોઈએ છે ને શિક્ષકો લાંચ ન આપે તો ખોટા કેસો કરાવીને તેમને સસ્પેન્ડ કરાવવાની ધમકી અપાઈ છે. એક સાહેબે તો એવી ધમકી પણ આપી કે આદિવાસી છોકરીઓ દ્વારા ખોટા કેસ ઊભા કરી ફસાવી દેવાશે.
શિક્ષણ સહાયક તરીકે માંડ નોકરી મેળવી શકેલા આ શિક્ષકો માલેતુજારોના દીકરાઓ નથી. તેમની આર્થિક સ્થિતિ એવી નથી કે આટલી મોટી ભીખ સ્કૂલને આપી શકે. બીજી તરફ માંડ મળેલી નોકરીને પડતી મૂકે એવી લક્ઝરી પણ એમને પોષાય એમ નથી. ત્રણસો-ચારસો કિલોમીટર દૂરથી તેઓ નોકરી કરવા આવ્યા છે ને તેમને માથે ઘરની જવાબદારીઓ છે. આવી હાલતમાં જેમ તેમ નોકરીમાં ગોઠવાયા હોય ને તેમને લાંચ આપવા ફરજ પાડવામાં આવે તો માથું ઊંચક્યા સિવાય બીજો રસ્તો નથી ને તે જ તેમણે કર્યું છે.
બીજી તરફ નગરપાલિકામાં ભા.જ.પ.નું બોર્ડ પહેલી વાર આવ્યું છે, એટલે જાત બચાવવા સામેથી આ શિક્ષકો સામે પડ્યું છે. પાલિકા ઉપપ્રમુખે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આ શિક્ષકો વિરુદ્ધ અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે શિક્ષકોએ પૈસા માંગવાની અને ધમકી આપવાની જે ફરિયાદ કરી છે તે ખોટી છે. ઉપપ્રમુખે એ વાતનો પણ છેદ ઉડાડ્યો કે શિક્ષકો સાથે તેમની કે અન્યની કોઈ મીટિંગ થઈ છે. એવી કોઈ મીટિંગ થઈ નથી, એટલું જ નહીં, આખો કારસો આમ આદમી પાર્ટી સાથે મળીને ભા.જ.પ. શાસિત પાલિકાની છાપ ખરડવા ગોઠવાયો છે. ઉપપ્રમુખના કહેવા મુજબ ખોટા આક્ષેપો કરીને શિક્ષકોએ તેમની પ્રતિષ્ઠા અને આબરૂને દાવપર લગાડી છે. આ શિક્ષકોએ જુદાં જુદાં કારણોસર રજા મૂકીને ગાંધીનગરમાં મીટિંગ કરી છે તેની પણ તપાસ થવી જોઈએ એવું કહેવાયું છે.
સામસામે ફરિયાદોમાં સાચું કોણ તે તો સમય જતાં ખબર પડશે, પણ શિક્ષકોની વાતમાં વજૂદ જણાય છે. માની લઈએ કે આપ પાર્ટી સાથે મળીને ભા.જ.પ.ની પાલિકાને બદનામ કરવા આયોજન થયું હોય, પણ દૂરથી આવેલા આ શિક્ષકોને નવી નવી નોકરી બહુ મુશ્કેલીઓ વેઠ્યા પછી મળી છે. એ લોકો એટલા અક્કલ વગરના ન હોય કે આપ સાથે મળીને ભા.જ.પ.ની છાપ ખરડવા માંડ મળેલી નોકરીને દાવ પર લગાવે. ભા.જ.પ.ની ઈમેજ ખરડવાથી એમને લાભ શો કે તેઓ એવું કરે? એને ખબર હોય જ કે આવા વેપલામાં નોકરી જાય ને એમને બીજી નોકરી સામે કરી રાખી નથી કે આ છૂટે તો તેની બહુ પડેલી ન હોય.
વધારે સાચું તો એ લાગે છે કે આચાર્ય અને નગરપાલિકાએ શિક્ષકો પાસેથી લાંચ માંગી હોય ને ધમકાવ્યા પણ હોય. શરમ જેવું તો હવે ક્યાં ય બચ્યું નથી એટલે પિસ્તાળીસ હજારનો પગાર ન હોય, તેની પાસેથી પિસ્તાળીસ લાખની લાંચ માંગ્યાનો સંકોચ ન થાય ! સૌથી દુ:ખદ એ છે કે સૌથી વધુ વિવેક અને શરમ જેમાં હોવાં જોઈએ તે શિક્ષણક્ષેત્ર આટલું ઉઘાડું અને નિર્લજ્જ થયું છે. એટલું સારું છે કે નોકરીનો ભય રાખ્યા વગર કે સંચાલકોની માંગને વશ થયા વગર આ નવ શિક્ષકો આવી ઉઘાડી લૂંટની સામે પડ્યા છે.
એ સ્કૂલનું નસીબ ફૂટેલું હશે તો જ તે આવા શિક્ષકો વગર રહેશે. આવા શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અંધકારમય જ હશે. આ સંચાલકો કેવા વિદ્યાર્થીઓ પેદા કરવા માંગે છે? એમણે એમના જેવા જ ભ્રષ્ટ અને શોષણખોર વિદ્યાર્થીઓ પેદા ન કરવા હોય તો એ આવા સ્વમાની શિક્ષકોને એની ગરજે રાખશે. રાખવા જોઈએ. આજે સૌથી વધુ દાવ પર લાગ્યું હોય તો માણસનું સ્વમાન ! કોઈને સ્વમાન બચ્યું જ ન હોય એમ કરોડરજ્જુ વગરનાં માણસો ચોમેર જણાય છે. એ જીવે છે, કારણ એમના શ્વાસ ચાલે છે, બાકી એમની મરણતિથિ તો ક્યારની વીતી ચૂકેલી છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 સપ્ટેમ્બર 2025