Opinion Magazine
Number of visits: 9451561
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફણસ, ચક્કા, પલપ્પાલમ, કટહલ ઉર્ફ જેકફ્રૂટ

વિશાલ શાહ|Opinion - Opinion|14 May 2018

દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે, પરંતુ કેરી કે મોસંબી જેવાં ટ્રોપિકલ ફળોથી અનેકગણું વધારે આરોગ્યપ્રદ આ ફળ દેશના કરોડો લોકોએ ચાખ્યું સુદ્ધાં નથી

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફણસ, કેરળમાં ચક્કા, તમિલનાડુમાં પલપ્પાલમ, બંગાળમાં એન્કર, આસામમાં કોથોલ, મેઘાલયમાં તેબ્રોંગ અને ઉત્તર ભારતમાં કટહલ તરીકે ઓળખાતું જેકફ્રૂટ ભારતનું સૌથી 'વંચિત' ફળ કહી શકાય.

વંચિત એટલા માટે કે, દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. આશરે ૧૪ લાખ ટન. ફણસની ખેતી ખૂબ જ ઓછા ખર્ચે થાય છે. ઓછું પાણી તો ઠીક, દુકાળ પડે તો પણ ફણસનું વૃક્ષ ફળો આપે છે. ભારતના મોટા ભાગના મુખ્ય પાક 'વેધર સેન્સિટિવ' છે. વાતાવરણમાં ફેરફાર થતા જ પાક નિષ્ફળ જાય છે પણ ફણસનો પાક ક્યારે ય નિષ્ફળ જતો જ નથી. ફણસ જીવાત સામે પણ સહેલાઈથી ટકી શકે છે એટલે તેને જંતુનાશકોની જરૂર પડતી નથી. ફણસને તેને રાસાયણિક ખાતરોની પણ જરૂર પડતી નથી.

એ રીતે ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે.

આમ છતાં, ભારતમાં પાકતા ૧૪ લાખ ટનમાંથી ૭૦ ટકા ફણસ કચરામાં જતા રહે છે. આઘાતજનક વાત ના કહેવાય? પાણીની અછત વચ્ચે ખેતી કરીને આજે પણ ભૂખમરો અને કુપોષણને સહન કરી રહેલા દેશને આ પોસાય ખરું?

એ વિશે વધુ વાત કરતા પહેલાં ફણસ વિશે થોડી જાણકારી.

કેરળના 'ચક્કા'ને જેકફ્રૂટ નામ કેમ મળ્યું?

ફણસ વૃક્ષ પર પાકતું દુનિયાનું સૌથી મોટું ફળ છે. તેનું વૃક્ષ દર વર્ષે ૧૦૦થી ૨૦૦ ફળ આપે છે. આવા એક ફળનું વજન ૩૫ કિલો સુધીનું પણ હોઇ શકે છે. નાળિયેરની જેમ ફણસનાં વૃક્ષનો પણ દરેક ભાગ કામમાં આવે છે. ફણસનું લાકડું ફર્નિચર બનાવવા ઉત્તમ છે, તેનાં પાંદડાંનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પોષકદ્રવ્યોથી ભરપૂર તેના બીજને શેકીને ખાઈ શકાય છે. ફણસ કાચું કે પાકું ખાઈ શકાય છે પણ કમનસીબે દેશના કરોડો લોકોેએ ફણસ ચાખ્યું સુદ્ધાં નથી હોતું.  

ભારતીય ઉપખંડમાં છ હજાર વર્ષથી ફણસની ખેતી થતી હોવાના પુરાતત્ત્વીય પુરાવા છે, પરંતુ છેક ૨૦૧૨ સુધી સરકારના લાગતા-વળગતા વિભાગો પાસે ફણસ વિશે પૂરતી જાણકારી ન હતી. સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અને બેંગલુરુની એગ્રિકલ્ચર સાયન્સ યુનિવર્સિટીએ ૨૦૧૨માં એક સર્વે કર્યો ત્યારે ખબર પડી કે, ભારતમાં ફણસની ૧૦૫ જાત થાય છે. ફણસ નીચાણવાળા ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં પાકતું ફળ હોવાથી દક્ષિણ ભારતમાં તેનો પાક વધુ ઉતરે છે. ભારતમાં જ નહીં, વિશ્વમાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે.

મલયાલમ ભાષામાં ફણસ 'ચક્કા' નામે ઓળખાય છે. પોર્ટુગીઝો ૧૪૯૮માં ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે કેરળના કાલિકટ અને મલબારમાં ઉતર્યા હતા. એ વખતે પોર્ટુગીઝ વેપારીઓ પણ ચક્કાના સંપર્કમાં આવ્યા. જો કે, પોર્ટુગીઝ પ્રવાસીઓએ તેમના પ્રવાસ વર્ણનોમાં ચક્કાનો ઉલ્લેખ 'જક્કા' તરીકે કર્યો. એટલે પોર્ટુગલમાં અને પછી અન્ય દેશોમાં ફણસ પહેલાં 'જક્કા ફ્રૂટ' અને ત્યાર પછી અપભ્રંશ થઈને 'જેકફ્રૂટ' થઇ ગયું.

દેશભરમાં ફણસની આશરે ૨૦૦ પ્રકારની પરંપરાગત વાનગીઓ નોંધાયેલી છે. દરેક રાજ્યની ભાષા અને સ્થાનિક બોલીઓમાં પણ ફણસના આગવાં નામ છે. આ વાત જ સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃિતમાં ફણસનાં મૂળિયાં ખૂબ જ ઊંડાં છે.

… અને કેરળે ફણસને 'સ્ટેટ ફ્રૂટ' જાહેર કર્યું

ફણસ તેનાં આરોગ્યપ્રદ ગુણોનાં કારણે ફાઈવ સ્ટાર હોટેલો સુધી પહોંચી ગયું છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને મેઘાલય સહિતના અનેક રાજ્યોમાં ઓછે-વત્તે અંશે ફણસનું ઉત્પાદન થાય છે અને જુદી જુદી વાનગીઓનાં સ્વરૂપમાં ખવાય પણ છે. જો કે, આટલા જંગી ઉત્પાદનના પ્રમાણમાં ફણસનો વપરાશ નહીંવત્‌ છે.

જો ફણસનું વેપારી ધોરણે ઉત્પાદન કરીને યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે તો કુપોષણ, ભૂખમરા જેવાં દૂષણો સામે લડી શકાય. એટલું જ નહીં, ઓછો વરસાદ આપતા પ્રદેશોમાં ફણસની ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોને લાભ થાય એવાં પગલાં પણ લઇ શકાય. મેઘાલયમાં દર વર્ષે સરેરાશ રૂ. ૩૦૦-૪૦૦ કરોડના ફણસ કચરામાં પધરાવી દેવાય છે અને બીજી બાજુ ઉત્તર-પૂર્વીય રાજ્યોના આદિવાસીઓ ભૂખમરો-કુપોષણનો સતત ભોગ બની રહ્યા છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને કેરળે ૨૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ જેકફ્રૂટને 'સ્ટેટ ફ્રૂટ' જાહેર કર્યું હતું. તમિલનાડુનું સ્ટેટ ફ્રૂટ પણ ફણસ છે. બાંગલાદેશ અને શ્રીલંકાનું તો 'નેશનલ ફ્રૂટ' ફણસ છે. હવે કેરળ સરકારે ફણસના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એક ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે, જેમાં ફણસમાંથી 'રેડી ટુ ઈટ' અને 'રેડી ટુ કૂક' ચીજવસ્તુ બનાવવામાં આવે છે. કેરળ વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે, ફણસનું યોગ્ય માર્કેટિંગ કરીને બગાડ અટકાવવામાં આવે તો ખેડૂતો-વેપારીઓને વર્ષે રૂ. ૧૫ હજાર કરોડની આવક થઈ શકે!

આ માટે કેરળે જેકફ્રૂટ પ્રમોશનલ કાઉન્સિલની  પણ રચના કરી છે. આ કાઉન્સિલ ત્રણ દિશામાં કામ કરી રહી છે. ૧. ફણસના આરોગ્યલક્ષી ગુણો વિશે જાગૃતિનો ફેલાવો ૨. મુખ્ય વાનગી સિવાય પણ ફણસમાંથી જુદી જુદી ચીજવસ્તુ બનાવીને તેની લોકપ્રિયતા વધારવાનાં સંશોધનોને પ્રોત્સાહન. જેમ કે, જેકફ્રૂટ ચિપ્સ, જામ, અથાણું, જ્યૂસ, હલવો વગેરે. ૩. ફણસની ખેતીમાંથી ખેડૂતો-વેપારીઓને મહત્તમ લાભ થાય એ દિશામાં કામ કરવાનું.

અત્યાર સુધી દેશભરમાં ફણસની ઉપેક્ષા કેમ?

ભારતમાં છ હજાર વર્ષનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવતું હોવા છતાં ફણસ આપણી રોજિંદી વાનગી કેમ ના બની શકી? વળી, આજે ય દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું હોય ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે. ફણસને કોઈએ ગંભીરતાથી નહીં લીધું હોવાના અનેક કારણો છે.

https://www.youtube.com/watch?time_continue=2&v=LaFNbGIHLU8

દક્ષિણ ભારતમાં ફણસનું જંગી ઉત્પાદન ભલે થતું, પણ એ છૂટુછવાયું છે. ખેડૂતો વેપારી ધોરણે ફણસનો પાક લઈને ગુજરાન ચલાવી ના શકે. એકલું કેરળ દિલ્હીમાં દર વર્ષે આશરે ૫૦ હજાર ટન ફણસ પહોંચાડે છે. વચેટિયાઓ ખેડૂતો પાસેથી પ્રતિ ફણસ રૂ. પાંચથી દસના ભાવે હજારો ટન ફણસ ખરીદી લે છે, જે દિલ્હીમાં રૂ. ૩૦ સુધીના ભાવે વેચાય છે.

આ કારણસર ખેડૂતો ફણસની એક્સક્લુસિવ ખેતી નથી કરતા, પણ ખેતરોના કિનારે તેનાં વૃક્ષો ઊગાડી દે છે. આ ઉપરાંત ફણસની વાવણી મહેનત માંગી લે છે. ફણસને કાપવું, છીલવું અને પછી તેમાંથી કોઈ વાનગી બનાવવા માટે પણ ખાસ આવડત અને સમય જોઈએ. બહુ ઓછા લોકો પાસે આ આવડત હોય છે. પ્રેક્ટિસ ના હોય તો ફણસને રાંધવામાં કલાકો નીકળી જાય. ફાસ્ટ લાઇફમાં આટલો બધો સમય કોણ કાઢે?

આજકાલ ફાઈવસ્ટાર હોટેલના મેન્યૂમાં ફણસની વાનગીઓ જોવા મળતી હોવાથી અનેક લોકો તેને અમીરોનું ફળ કહે છે, અને, જ્યાં તે પાકે છે ત્યાંના લોકો તેને ગરીબોનું ફળ સમજે છે. આ પ્રકારના સામાજિક વલણે ફણસને ખૂબ જ નુકસાન પહોંચાડયું છે. આરોગ્યની દૃષ્ટિએ ફણસ કેરી  કે સંતરા જેવા ટ્રોપિકલ ફળો કરતાં અનેકગણું વધારે ગુણવાન છે, પરંતુ તેનું કદ તેના માટે શ્રાપ છે.

એક સંપૂર્ણ પાકેલું ફણસ પાંચ-દસ કિલોનું હોઇ શકે, પરંતુ તે ઝડપથી બગડી જાય છે. એક નાનકડો પરિવાર એક દિવસમાં આખું ફણસ ખાઈ જાય, એ શક્ય જ નથી. એટલે તેની છૂટક ખરીદી બહુ ઓછી થાય છે.

શાકાહાર પ્રભાવિત વિસ્તારોમાં ફણસ તેના સ્વાદનાં કારણે 'માંસ' જેવું ફળ ગણાય છે. ઇ.સ. ૧૩૦૦માં  થઇ ગયેલા અમીર ખુસરોના સાહિત્યમાં પણ ફણસનો ઉલ્લેખ મળે છે. એ કાળનાં સાહિત્યમાં કેટલાક વિદ્વાનોએ ફણસના સ્વાદની સરખામણી ઘેંટાનાં આંતરડા સાથે કરી હતી કારણ કે, એ ખાવામાં ખૂબ મીઠાં હોય છે.

આ બધા જ કારણસર ધીમે ધીમે ફણસની મુખ્ય આહારમાંથી બાદબાકી થઇ ગઇ હોઇ શકે!

દુનિયાના બીજા દેશો શું કરી રહ્યા છે?

ભારતની જેમ ચીન, મલેશિયા, વિયેતનામ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને શ્રીલંકા જેવા દેશોમાં પણ ફણસ હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. આજે ય દક્ષિણ પૂર્વ એશિયાના અનેક વિસ્તારોમાં ફણસનાં લાકડાંમાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિઓ જોવા મળે છે. જંગલોમાં રહેતા બૌદ્ધ સાધુઓએ તેમના ડગલાને આછો બદામી રંગ આપવા ફણસનાં વૃક્ષનાં થડમાંથી રંગ બનાવતા.

https://www.youtube.com/watch?v=scnIRkq8eYc

આ દેશોમાં પણ ભારતની જેમ ફણસની વર્ષો સુધી ઉપેક્ષા કરાઈ હતી. ચીને ૧૯૯૨માં ફણસનું મહત્ત્વ સમજીને રસ્તાની આસપાસ ફણસ ઊગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું, જે હજુયે ચાલુ છે. વિયેતનામે પંદરેક વર્ષ પહેલાં ખેડૂતોને ફણસની ખેતીના આર્થિક ફાયદા સમજાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આજે ત્યાં ૫૦ હજાર હેક્ટરમાં ફણસનું ઉત્પાદન થાય છે. ફિલિપાઇન્સે જેકફ્રૂટ પ્રોસેસિંગ યુનિટમાં મદદરૂપ થઈ શકે એવી ટેક્નોલોજીના સંશોધન માટે જંગી રોકાણ કર્યું છે.

આ દેશોમાંથી પ્રેરણા લઇને મલેશિયા, કંબોડિયા અને શ્રીલંકા પણ ફણસનું વેપારી ધોરણે ઉત્પાદન કરવા ખેડૂતોને આક્રમક રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. શ્રીલંકામાં કૃષિ વિભાગ હેઠળની સંસ્થાઓ તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ, છૂટક શાકભાજી-ફળોનું વેચાણ કરતા ફેરિયાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને ફણસમાંથી બીજી ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપે છે. શ્રીલંકામાં અત્યારે ડઝનેક નાની કંપનીઓ છે, જે જેકફ્રૂટ પ્રોડક્ટ્સની નિકાસ કરીને હજારો લોકોને રોજગારી પણ આપે છે.

ભૂખમરો અને કુપોષણની થિયરીને સમજાવતા અનેક ફૂડ એક્સપર્ટ્સ દૃઢપણે માને છે કે, કેરી-કેળાં અને દ્રાક્ષની જેમ ફણસને પણ ફ્રૂટ ચેઇનમાં સમાવેશ કરવાનો આ યોગ્ય સમય છે કારણ કે, ફણસ ઘઉં કે ચોખા જેવા સ્ટાર્ચ આધારિત મુખ્ય આહારનું પણ સ્થાન લઇ શકે એટલું સક્ષમ છે. ફણસ ખરા અર્થમાં 'કલ્પવૃક્ષ' છે.

નાનકડા શ્રીલંકાના વિજ્ઞાાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને કર્મશીલો આત્મવિશ્વાસથી કહે છે કે, હવે દુકાળ પડશે તો પણ અમારો દેશ ભૂખે નહીં મરે.

શું ભારત આવું ના કહી શકે?

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk/2018/05/blog-post_14.html

Loading

14 May 2018 admin
← Hamid Ansari, Jinnah’s Portrait and turmoil in AMU
તારું આજે ન હોવું →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved