Opinion Magazine
Number of visits: 9448833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરોઢના અંધારામાંથી પૉં ફાટવા ભણી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 December 2018

અગિયારમી ડિસેમ્બરની સમાચારડમરી આછરી ગઈ છે. પૂર્વે વિશ્વનાથ પ્રતાપસિંહના ઉદય વેળાએ પરોઢના અંધારમાંથી પૉ ફાટવાનો જે ક્ષણજીવી સુખાનુભવ થયો હતો તે જાણે કે અનુભવાઈ રહ્યો છે. હિંદી પટ્ટામાં લાંબે ગાળે ત્રણ-ત્રણ સરકાર રચવાની પ્રક્રિયામાંથી કૉંગ્રેસ પસાર થઈ રહી છે. જગન અને જશન જો કે એટલાં સહેલાં નથી તે આ કલાકોની નેતૃત્વ-તાણથી સમજાઈ રહે છે. ગમે તેમ પણ. વિજય-પરાજ્યમાં સ્વલ્પ સરસાઈ છતાં કૉંગ્રેસમુક્ત ભારતનું મોદી-ભા.જ.પ.નું અમિત શાહે દીધેલ સૂત્ર આ કલાકોમાં વળતું દાંતિયું કરતું સંભળાય છે, અને સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કૉંગ્રેસમુક્તિના નારા વિશે વ્યક્ત કરેલ નારાજગીનું લૉજિક કદાચ અણચિંતવી રીતે સામે આવી રહ્યું છે.

મમતા બેનર્જીએ ઠીક જ કહ્યું છે કે અંતે તો લોકશાહી માત્રમાં આવે વખતે મેન ઑફ ધ મૅચ લેખે સર્વસાધારણ નાગરિક જ ઊભરી રહે છે. તેમ છતાં, જો પ્રતીકાત્મક નામ પાડવું જ હોય, તો સત્તાપક્ષે જેને પપ્પુ તરીકે પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞાબદ્ધ કવાયત કરી હતી, એ રાહુલ ગાંધીને જ આ બિરુદ આપવું રહે છે. ભા.જ.પ.નું શીર્ષ નેતૃત્વ અને સંવિત પાત્રા લગભગ એકકંઠ થઈ જતા હોય એમ ચાલતા આવેલા પપ્પુ મહિમામંડનને રૂખસદ આપવી પડે એવાં ચિહ્નો ગુજરાતનાં પરિણામોમાં વડાપ્રધાનની ચૂંટણીહાંફ સાથે સાફ દેખાઈ આવ્યાં હતાં. તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢનાં પરિણામો પછી અધોરેખિતપણે અંકિત થઈને રહે છે. અલબત્ત, સરેરાશ કૉંગ્રેસમેન પોતાનો મેદ અને કાટ છાંડ્યા વગર માત્ર રાહુલ અહોગાનમાં જ નિજનું મોચન લહવાનો હશે, તો તે તેની ભૂલ અને મતદારોની કમનસીબી લેખાશે. દરમ્યાન, નાતજાતનાં સમીકરણગત કે એવાં બીજાં જોખાંલેખાંના રાબેતા વચ્ચે છતીસગઢમાં ભા.જ.પ.ને ધાર્યા કરતાં વધુ ફટકો પડ્યો એ એમાં જેમ જોગી-માયાવતીએ એને પહોંચાડેલી હાણનું પરિબળ છે તેમ સુધા ભારદ્વાજ આદિ સાથેના સત્તા-પ્રતિષ્ઠાનના દુર્વ્યવહાર સામેની નવજાગૃતિનો હિસ્સો પણ કાબિલે ગૌર છે.

કૉંગ્રેસના આંતરિક પ્રશ્નો વર્ષોથી સૌ જાણે છે. સ્વરાજની વડી પાર્ટી તરીકે કૉંગી અવતારમાં તે કઈ હદે ઓછી અને પાછી પડી તે સૌને ખબર છે. એની એને પોતાને પણ પૂરી ને પાધરી ખબર હોવી જોઈશે. તત્કાળ ભેદવાનો વહેવારુ કોઠો કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા અગર તો અશોક ગેહલોત અને સચીન પાયલોટ એમ જૂના નવા નેતાઓ વચ્ચેનાં કાર્યસંધાન અને સત્તા-સમીકરણનો છે. કમલનાથની કદાચ દુર્નિવાર પસંદગી શીખ વિરોધી કતલકાંડની કૉંગ્રેસ જવાબદેહી વિશેના પ્રશ્નને ફેર ધાર કાઢી આપે છે એ પણ ભૂલવા જેવું નથી. ગયે વરસે જે દિવસે કૉંગ્રેસનો વિધિવત્‌કાર્યભાર રાહુલ ગાંધીએ સંભાળ્યો હતો, બરાબર એ જ દિવસે ત્રણ રાજ્યો કૉંગ્રેસની ઝોળીમાં આવ્યાં એ જોગાનુજોગને તાપણે તાપતી વેળાએ કૉંગ્રેસશ્રેષ્ઠીઓને યાદ રહેવું જોઈશે કે રાહુલ ગાંધી – જ્યોતિરાદિત્ય સિંધિયા-સચીન પાયલોટ અને એવા મુકાબલે યુવાનેતાઓ ચિત્રમાં આવ્યા છે. આવાં બીજાં નામો પણ આપી શકાય, પણ એટલું ચોક્કસ કે નવી પેઢીની દૃષ્ટિએ ભા.જ.પ.ને મુકાબલે વચલા દસકાઓ પછી કૉંગ્રેસ સરસાઈમાં આવતી માલૂમ પડે છે. સોશિયલ મીડિયામાં ભક્ત અને ભાડૂતી જમાવટના એકચક્રી ભા.જ.પી. દોરને હમણાના વરસેકમાં કૉંગ્રેસ ઊભા કરેલા અસરકારક પડકાર અને યુવજનોમાંથીયે કેટલાક પ્રમાણમાં ઊભરી રહેલ સ્વતંત્ર ટીકાટિપ્પણનો એક નવો દોર શરૂ થાઉં-થાઉં છે, એનીયે આ સંદર્ભમાં નોંધ લેવી જોઈએ.

રાહુલ ગાંધીએ વિજયની ક્ષણોમાં પ્રથમ પત્રકારપરિષદમાં જે નરવીગરવી ભૂમિકા પ્રગટ કરી, એને અંગે પ્રગટ કરાતા રાજીપાએ અલબત્ત હવેના દિવસોમાં કસોટીપૂર્વક વારે-વારે પુનઃ વજૂદ પ્રાપ્ત કરતા રહેવાનું છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ની જ્વલંત ફતેહ વખતે રાહુલ ગાંધીએ સરસ પ્રતિક્રિયા આપી હતી કે અમારે એમાંથી ઘણું શીખવાનું છે. ૨૦૧૮ ઊતરતે જોવાનું એ છે કે અણ્ણા આંદોલનમાં તેમ નિર્ભયા ઉદ્યુક્તિથી અને અન્યથા સર્વાધિક લાભનાર બે નેતાઓ અને પક્ષો (મોદી ભા.જ.પ. અને અરવિંદ ‘આપ’) વચ્ચે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ પોતાના અસલના સ્થાનની (હજુ લાંબી મજલ છતાં) શક્યતા ઊભી કરી છે. પરિણામો પછીની પ્રથમ પત્રકાર-પરિષદમાં રાહુલ ગાંધીએ ૨૦૧૯ના ચૂંટણી-પડકારમાં સર્વ વિપક્ષોના સાથની રીતે આગળ ચાલવાની ભાવના પ્રગટ કરી છે એમાં ઔચિત્ય છે અને કેવળ પોતાને જ આગળ કરવાની રણનીતિમાં કળણમાં જો તે નહીં ખૂંપે, તો તે આ ઔચિત્યને પુખ્તતાનો એક પુટ આપનારી બની રહેશે. માયાવતી અને અખિલેશે તત્કાળ ટેકો જાહેર કરવાનું જે દાક્ષિણ્ય દાખવ્યું એને બેઉ છેડેથી પારસ્પર્યને ધોરણે ખીલવવું રહેશે.

કૉંગ્રેસ અને ભા.જ.પ. બંને તેલંગણ અને મિઝોરમમાં ચિત્રમાં લગભગ નથી. પ્રાદેશિક પક્ષો, તેલુગુ દેશમ્‌નાં ચંદ્રાબાબુ નાયડુની રાષ્ટ્રીય આકાંક્ષાઓને લાગેલ બ્રેક અને તેલંગણના કે.સી.આર.ને ફૂટેલી રાષ્ટ્રીય પાંખો, આ બધું તૃણમૂલ કૉંગ્રેસ અને ડી.એમ.કે.-એ.આઈ.ડી.એમ.કે. આદિની વાસ્તવિકતા જોતાં સ્વતંત્ર વિચારણા માગી લે છે. ત્રણેક દાયકા પૂર્વે વિશ્વનાથ પ્રતાપ સિંહે ફેડરલ ફ્રન્ટ અને નેશનલ ફ્રન્ટ એમ બે ધાગે કામ લીધું હતું. તે આ સંદર્ભમાં સહેજે સાંભરે. કૉંગ્રેસના વલણમાં (ભા.જ.પ.ના એકલઠ્ઠ અભિગમથી વિપરીત) કંઈક લચીલાપણું રહેલ છે. વચ્ચે-વચ્ચે ડેલહાઉસીની ખાલસાનીતિએ ઢેકો નથી કાઢ્યો એમ નથી. પણ ભા.જ.પ.ના હિંદુ રાષ્ટ્રવાદમાં ગળથૂથીગત રીતે નથી તેવી અવકાશ-મોકળાશ કૉંગ્રેસમાં કિંચિત હોઈ શકે છે. એણે પોતાની સર્વસમાવેશી છબી સુરેખ ઊભી કરવી રહેશે.

પ્રચારમાં કમરપટા તળેના ઘાનો બાધ નહીં એ રીતે પેશ આવેલા વડાપ્રધાને હવે સેમિફાઇનલનાં પરિણામો સાથે ધોરણસર વાત કીધી છે કે ‘જયપરાજય એ જીવનનું સહજ અંગ છે.’ ક્ષણજીવી પણ હોઈ શકતી આ મુદ્રા જરી ટકે અને કિલર ઇન્સ્ટિંક્ટની જે રાજનીતિ અને વેરઝેરનો જે વિચારવ્યૂહ કથિત વૈકલ્પિક વિમર્શમાં આ પક્ષે લોકમોઝાર માંજ્યાં છે એનાથી વિવેકસર હટી શકે; બલકે, ધોરણસરના જમણેરી પક્ષ તરીકે પોતાને નવયોજી શકે – તો તે એના સહિત સૌના હિતમાં હશે. એકત્રીસ ટકે જો દિલ્હીદરબાર હસ્તગત થઈ શકતો હોય, તો લગરીક ખમી લઈ પોતાને નવયોજી એટલા જ મતે ત્યાં કેમ ન પહોંચી શકાય. ભલા’દમી, વેરઝેરના ખમૈયા કરવાનું ૧૯૪૭માંથી ન શીખ્યા પણ ૧૯૮૪, ૧૯૯૨ અને ૨૦૦૨માંથી તો સૌ, રિપીટ, સૌ શીખીએ.

કથિત વૈકલ્પિક વિમર્શમાં જો સાંકડો ને ઝનૂની રાષ્ટ્રવાદ એક મોટી મર્યાદા છે, તો બીજી એવી જ મર્યાદા વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની તેમ ધરાર ખાનગીકરણની અર્થનીતિની છે. આ નીતિએ કૃષિ અને કૃષકની કેવીક અનવસ્થા સરજી છે, તે જેમ મુંબઈ-દિલ્હીનાં વિરાટ નિદર્શનોએ તેમ ગ્રામબહુલ હિંદી પટ્ટાનાં તાજેતરનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે. કૉંગ્રેસ એથી લાભી જરૂર છે, પણ એની ફતેહથી કૃષિ અને કૃષકે લાભવાનું હજી બાકી છે.

વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો અને વિજયાદશમી વ્યાખ્યાન એમ બે કેટલીક રીતે છત્રીસનો સંબંધ ધરાવતી ભાગવત-માંડણીમાંથી ભા.જ.પ. શ્રેષ્ઠીઓનો હવેનો વ્યૂહ કેવીક દિશા પકડશે તે જોવું રહેશે. વિકાસ વત્તા હિંદુત્વ અગર એ બંનેનું સમીકરણ હવે નવસંસ્કરણ બલકે નવું નેરેટિવ માગે છે. ચાર મહિનાના ટૂકા ગાળામાં તે થઈ શકશે કે પછી વૃદ્ધવાનરની  ગુલાંટ ગતિ પ્રગટ થશે ? જોઈએ.

નાગરિકે કથિત વૈકલ્પિક વિમર્શને તળેઉપર તપાસતા રહી એની ગળથૂથીગત મર્યાદાઓને નિરસ્ત કરવાની અને સ્વાતંત્ર્યસંગ્રામ તેમ જ બંધારણનાં મૂલ્યોના સંગોપન-સંવર્ધન-શોધનની પોતાની સ્થાયી નોકરીમાંથી અલબત્ત નિવૃત્ત થવાપણું ન જ હોય. હાલની કૉંગ્રેસને પોતાની શોધન પ્રક્રિયા ચાલુ રાખવા બાબતે ઠમઠોરવા સાથે છતીસગઢે શંકર ગુહા નિયોગીથી માંડી વિનાયક સેનની પરંપરાને શોભીતી રીતે બતાવેલ જાગૃતિ રાજ્યે રાજ્યે આ નકરી હોંશનોકરી જોગ પ્રવાહ પ્રાપ્ત અગ્રતા છે.

ડિસેમ્બર ૧૩, ૨૦૧૮

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 01-03

Loading

14 December 2018 admin
← ‘બાપુ, તમારા ચરખામાં મને લેશમાત્ર શ્રદ્ધા નથી’
The post-truth era is ironically making Gandhi more relevant →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved