વીસ વર્ષના વિદ્યાર્થી પરીક્ષિતે રમેશ પારેખની સામાજિક નિસબત વ્યક્ત કરતી રચનાઓનાં પઠન અને આસ્વાદનો ‘રમેશતા’ નામનો લાજવાબ કાર્યક્ર્મ શુક્રવારે રાત્રે અમદાવાદના સ્ક્રૅપયાર્ડ થિએટર ખાતે રજૂ કર્યો.
ગુજરાતના હૈયે વસેલા કવિના હૈયાની પીડિતો માટેની આરતની આવી દૃષ્ટિપૂર્ણ, પ્રતિતીજનક, પૂરા કદની અને રસિક રજૂઆત તેમના પરના કાર્યક્રમોમાં કે વિવેચનમાં ભાગ્યે જ જોવા મળી છે.
પરીક્ષિતે ગઝલો, ગીતો, લઘુકાવ્યો અને વ્યક્તિઓ પરની કુલ પંચાવન જેટલી રચનાઓ સોંસરી ઊતરે તે રીતે વાંચી. સાથે તેણે કવિતાઓના વિષય, કવિકર્મ, સાંપ્રત પ્રસ્તુતતા જેવી વિશેષ્ટતાઓ અને બિલકુલ પોતીકાં નિરીક્ષણો પણ આપ્યાં. ઉપરાંત, પોણા-બે કલાકમાં શ્રોતાઓને ઢાળ ઊતરતી, વરસાદમાં ભીંજાતી ગોરમાને પૂજતી સોનલના મોહપાશમાંથી બહાર રાખ્યા.
તેણે કવિએ જોયેલી માનવજાત બતાવી – રમખાણો અને યુદ્ધમાં રહેંસાતી, ખેતરમાં રિબાતી અને દુકાળમાં શોષાતી, ભગવાન અને અલ્લાહ વચ્ચે પિસાતી, અહમ અને મિથ્યાભિમાનમાં રાચતી. પિતૃસત્તાક સમાજ, દલિતો પરનો અત્યાચાર, આર્થિક અસમાનતાની અભિવ્યક્તિ પણ તેણે ઉપસાવી. આંસુ પાડતી નવવિધવા, ગટરસફાઈમાં મોતને ભેટતા કામદારો, કતલખાનાને દરવાજે ફુગ્ગો વેચતો વૃદ્ધ, કથિત દેશદ્રોહી જેવાં અનેક પીડિતોને પરીક્ષિત બહાર લાવ્યો.

અત્યારના ગુજરાત અને ભારતમાં આંખ-કાન-મગજ ખુલ્લું રાખીને જીવતા પરીક્ષિતની રજૂઆતનું ખૂબ પ્રશંસનીય પાસું એ હતું કે તે સાંપ્રત સાથે રમેશની કવિતાને વારંવાર જોડી આપતો. એટલે તેની કૉમેન્ટ્રીમાં ગાઝાનાં બાળકો, યુક્રેનનાં યુવાનો, રાષ્ટ્રવિરોધીનો સિક્કા, મહામારીનાં વીતક જેવી સાંપ્રત બાબતો સહજ રીતે સમાઈ જતી હતી.
કવિની નાસ્તિકતાનાં તો જે કાવ્યો એણે વાંચ્યાં તે દાયકાઓ પૂર્વે છપાતાં છપાઈ ગયાં એમ કહેવાનું થાય. બૌદ્ધિક અને વિચારક રમેશ પણ સામે આવ્યા.
પઠનને સમાંતરે આવતી કૉમેન્ટરી અનોખું પાસું હતું. તેમાં કવિતાઓ સિવાય કોઈ જ તૈયાર સ્ક્રિપ્ટ ન હતી. કૉમેન્ટરી ઊભરાની જેમ આવતી હતી. અલબત્ત, તેમાં અભ્યાસ હતો પણ આયાસ નહીં. હળવાશ, માર્મિકતા, કટાક્ષ, વ્યંજના, પીડા એવા વિવિધ ભાવ સાથે એક ભાવનાશાળી યુવાને સાંપ્રતને આપેલો વિચારપૂર્ણ પ્રતિભાવ હતો.
પરીક્ષિતે કાવ્યનાં મહત્ત્વનાં અંગ એવાં કવિના કલ્પનોની ગુણવત્તા અને મહત્તા પણ બતાવી આપી. ગઝલના મતલા, રદીફ-કાફિયા જેવા કસબનો તેણે જિકર કર્યો. તેની કૉમેન્ટરીની અંદર આવતા પ્રેમચંદ, મન્ટો, બુદ્ધ, ગાંધી, ગાલીબ, હિટલર, જાવેદ અખ્તર જેવા અનેક સંદર્ભો બહોળું વાચન સૂચવતા હતા.
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે પરીક્ષિતના પઠનમાં લય, શબ્દભાર, ઠહેરાવ, ભાવ, કટાક્ષ, કરુણતા જેવી બારીકીઓ મોટેભાગે અચૂક જળવાતી હતી. કેટલીક કવિતાઓમાં પાઠકનું ગળું ભરાઈ આવતું હતું. રજૂઆતની તીવ્રતા અને તન્મયતા ઉંમરને છાજનારી, પણ ઓછી જોવા મળતી હોય તેવી હતી.
એ પણ કહેવું જોઈએ કે આ પરીક્ષિતે કાર્યક્રમ બધી રીતે પોતાની મૌલિક દૃષ્ટિથી તૈયાર કર્યો છે. ખાસ આના માટે નથી તેણે વિવેચનગ્રંથો વાંચ્યાં, કે એમાં નથી કોઈ તેના માર્ગદર્શક. કાવ્યોની પસંદગી-ગૂંથણી, તેમનું અર્થઘટન-વિવેચન બધું જ પરીક્ષિતનું પોતાનું હતું. વળી, દેખીતી રીતે ઓછા જાણીતા આ યુવાનનું હીર પારખીને સ્ક્રૅપયાર્ડે તેને સ્પેસ અને સગવડો આપી તેમાં આ જગ્યાની મોટાઈ જોવા મળે છે.
રમેશ પારેખના વતન અમરેલીનો પરીક્ષિત ગૂજરાત વિદ્યાપીઠમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે. શ્રી એચ.કે. આર્ટસ કોલેજમાં બી.એ.નાં ત્રણ વર્ષ દરમિયાન, અને હાલ પણ તે વક્તૃત્વ અને કાવ્યપઠનમાં ઇનામો મેળવતો રહ્યો છે. ભણવામાં પહેલેથી ડિસ્ટિન્ક્શન પ્રાપ્ત કર્યું છે. અઠંગ પુસ્તકપ્રેમી અને અચ્છો પેઇન્ટર પણ ખરો.
ગયાં ત્રણ વર્ષ દરમિયાન, અમદાવાદના બૌદ્ધિક-સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આ ભાવનાશાળી યુવાન ઘણું પામ્યો છે. આમ તો તેની અટક જોગી છે. પણ એક પ્રગતિશીલ પગલા તરીકે તેણે નામમાં અટક નહીં પણ માત્ર માતા અને પિતાનાં નામ રાખ્યાં છે – પરીક્ષિત મેઘના મૂકેશ.
‘રમેશતા’ કાર્યક્રમ જોતાં આ લખનારને ફરીથી ધ્યાનમાં આવે છે કે સાહિત્યમાં મેઘાણી-ઉમાશંકર-દર્શકની જેમ રમેશ પારેખને પણ ઘણી સાંકડી રીતે જોવામાં આવ્યાં છે. તેમના વ્યાપક દર્શનમાં નવી પેઢીના નિષ્ઠાવાન, અભ્યાસી અને પ્રગતિશીલ યુવાને પહેલ કરી છે. તેણે શરૂ કરેલો ‘રમેશતા’ કાર્યક્રમ વધારે ને વધારે જગ્યાએ થવો જોઈએ.
[ફોટા : નેહા કબીર, કોલાજ : હર્ષ ગઢિયા]
07 નવેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

