
રાજ ગોસ્વામી
આનંદની ફિલ્મોની અનેક વિશેષતાઓમાંથી એક તેનું ગીત-સંગીત હતું. તેમની સદાબહાર લોકપ્રિયતામાં તેમની ફિલ્મોનાં ગીતોનું મોટું યોગદાન છે. આમ પણ, હિન્દી સિનેમામાં રોમેન્ટિક હીરોનું અસલી હથિયાર ગીતો જ હોય છે. ગીતોના આધારે જ તે હિરોઈન અને સિનેરસિકોને આકર્ષી શકે છે. દેવ સા’બ બંને મોરચે સફળ રહ્યા હતા. પોતે બનાવેલી તો ખરી જ, બીજાં બેનરોની ફિલ્મોમાં પણ તે તેના સંગીતમાં અંગત રસ લેતા હતા. તેમને ખબર હતી કે તેમના ચાહકો ઉત્તમ સંગીત સાંભળવા માટે થિયેટરમાં આવે છે. દેવ સા’બ એટલું તો પાક્કું કરતા હતા કે લોકો ગીતોમાં નિરાશ ન થાય. એટલા માટે તેમની અમુક નબળી ફિલ્મોમાં પણ ઉત્કૃષ્ઠ સંગીત હતું.
જેમ કે, 1973માં આવેલી તેમની રોમેન્ટિક ફિલ્મ ‘હીરા-પન્ના’નો કમાણીની દૃષ્ટિએ ધબડકો થયો હતો, પરંતુ દેવ આનંદના લાડકા કિશોર કુમાર અને રાહુલ દેવ બર્મને એમાં ચાર ખુબસૂરત ગીતો આપ્યાં હતાં અને એમાં ય ટાઈટલ ગીત ‘પન્ના કી તમન્ના હૈ કે હીરા મુજે મિલ જાયે, ચાહે મેરી જાન જાયે, ચાહે મેરા દિલ જાયે’ તો આજ દિન સુધી લોકપ્રિય છે.
આર.ડી. બર્મને અનેક શાનદાર ગીતો આપ્યાં છે અને અમુક તો ચાર્ટબસ્ટર છે. એમાં ‘પન્ના કી તમન્ના’ અલગ જ પ્રકારનું સ્થાન ધરાવે છે. પંચમનાં બાકી તાબડતોબ હિટ ગીતોની સરખામણીમાં, ‘પન્ના કી તમન્ના’એ ધીમી ગતિના સમાચારની જેમ શ્રોતાઓના કાનમાં જગ્યા કરી હતી.
જે વર્ષે આ ફિલ્મ આવી, તે બ્લોકબસ્ટર સંગીતનું વર્ષ હતું. 1973ની સૌથી સફળ અને ટોચની દસ ફિલ્મોનાં ગીતો યાદગાર હતાં. એક તરફ લક્ષ્મીકાંત-પ્યારેલાલની પહેલીવહેલી આર.કે. ફિલ્મ ‘બોબી’ હતી, તો બીજી તરફ તેમની જ ‘દાગ’ પણ હતી. ‘યાદોં કી બારાત મેં’ આર.ડી.એ ધૂમ મચાવી હતી, તો ‘કહાની કિસ્મત કી’માં કલ્યાણજી-આણંદજીની ધમાલ હતી. ‘ઝીલ કે ઉસ પાર’ અને ‘આ ગલે લગ જા’માં પણ આર.ડી. છવાયેલા હતા.
‘હીરા-પન્ના’ એ બધાની વચ્ચે આવી હતી. તે વર્ષે દેવ આનંદની પાંચ ફિલ્મો આવી હતી; શરીફ બદમાશ, હીરા પન્ના, બનારસી બાબુ, છુપા રૂસ્તમ અને જોશીલે. ટોપ ટેનમાં એક પણ નહોતી. બે જ વર્ષ પહેલાં તેમણે ગેમ્બલર, તેરે મેરે સપને અને હરે રામા હરે કૃષ્ણ જેવી સંગીતમય હિટ ફિલ્મો આપી હતી. ‘હીરા પન્ના’ પાસેથી તેમને વિશેષ ઉમ્મીદ હતી કારણ કે નિર્માતા પણ તે હતા અને નિર્દેશક પણ.
કહેવાય છે કે પંચમ ત્યારે માનસિક રીતે હતાશાના દોરમાંથી પસાર થઇ રહ્યા હતા. આગલા વર્ષે તે તેમની પત્ની રિટા પટેલથી અલગ થયા હતા અને હોટેલમાં રહેવા જતા રહ્યા હતા. દેવ સા’બે તેમની સાથે ત્રણ કલાક વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે આર.ડી.એ ચાર સુમધુર ગીતો આપ્યાં; પન્ના કી તમન્ના, બહુત દૂર મુજે ચલે જાના હૈ, એક પહેલી હૈ તું અને મૈં તસ્વીર ઉતરતા હૂં. ચારેમાં કિશોર કુમાર અને ત્રણમાં લતાજી અને આશાજીનો સંગાથ.
‘હીરા-પન્ના’નો ધબકડો થવા પાછળ એક કારણ ઝીનત અમાન મનાય છે. 1972માં ‘હરે રામા હરે કૃષ્ણા’ ફિલ્મથી ઝીનત રાતોરાત સ્ટાર બની ગઈ હતી. એમાં તેણે દેવ આનંદની બગડેલી બહેનનો કિરદાર કર્યો હતો. ફિલ્મ એટલી મોટી હિટ થઇ કે ઝીનતના દરવાજા પર બહેનના કિરદારોનો ઢગલો થઇ ગયો. તેના ‘ગુરુ’ દેવ આનંદે તેને ચેતવી હતી કે આ નિર્માતાઓ તને કાયમ માટે બહેન બનાવી દેશે. અને એટલે જ તેમણે ઝીનતને રોમેન્ટિક કિરદારમાં લેવા માટે ‘હીરા-પન્ના’ બનાવી હતી. પરંતુ દર્શકોના મનમાં હજુ પણ બંને ભાઈ-બહેન તરીકે જ છવાયેલાં હતાં એટલે ફિલ્મ બહુ ન ચાલી.
બહારહાલ, આર.ડી.એ શ્રોતાઓને નિરાશ ન કર્યા. વિશેષ કરીને ‘પન્ના કી તમન્ના’ એક જાદુઈ ગીત છે. તમે પહેલીવાર સાંભળો તો ઝટ તેનો જાદુ ન અનુભવાય, પણ જેમ જેમ સાંભળતા જાવ તેમ તેમ તે તમારી શ્રવણેન્દ્રિય પર સિક્કો જમાવતું જાય. આર.ડી.ની એક આદત હતી કે તેઓ ઘણીવાર તેમને ગમતી ધૂન તૈયાર કરીને આપતા હતા. આ ગીતમાં પણ દેવ આનંદને ધૂન એટલી પસંદ આવી ગઈ હતી કે પછી આનંદ બક્ષીને તેમાં શબ્દો પુરાવાનું કહ્યું હતું.
તેનું ફિલ્માંકન પણ સુંદર છે. વાસ્તવમાં તે રોડ-સોંગ છે. દેવ આનંદ તેમાં આખી દુનિયામાં ભટકતા ફોટોગ્રાફર(હીરા)ના કિરદારમાં છે. તેમના બે જ શોખ છે; ફોટોગ્રાફી અને એર હોસ્ટેસ રીમા(રાખી)ને પ્રેમ. એક અકસ્માતમાં રીમાનું અવસાન થાય છે. તે પછી હીરા ફોટોગ્રાફીમાં વ્યસ્ત થઇ જાય છે. એક દિવસ, રાજા સાહેબ (રહેમાન) સાથે ફોટો સેશન દરમિયાન પન્ના (ઝીનત) નામની છોકરી તેમનો એક હીરો ચોરીને હીરાની કારમાં છુપાવી દે છે. પાછળથી હીરાના આઘાત વચ્ચે ખબર પડે છે કે પન્ના તો રીમાની જ બહેન છે.
રસ્તામાં આ ગીત આવે છે. તેમાં બંને અર્થ છે; પન્ના કારમાં છુપાવેલો પાછો લેવાની કોશિશ કરે છે અને ગાય છે ‘પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે, ચાહે મેરી જાન જાયે, ચાહે મેરા દિલ જાયે.’ બીજી તરફ હીરા એવું સમજે છે કે પન્ના તેને પટાવવાની કોશિશ કરી રહી છે અને જવાબમાં કહે છે, ‘હીરા તો પહેલે હી કિસી ઔર કા હો ચૂકા, કિસી કી, મદભરી, આંખો મેં ખો ચૂકા.’
એટલા માટે જ કિશોર અને લતાએ અલગ મૂડમાં આ ગીત ગાયું હતું. લતાના અવાજમાં મસ્તી હતી. તેમાં લતાજી જે રીતે ‘હાયે ઓઓઓ તા રા રા રૂ આ આ’ ગાય છે એ તો એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. અને કિશોરના અવાજમાં ગંભીરતા હતી. બક્ષી સા’બે એમાં સરસ ભાવ વ્યક્ત કર્યા હતા. પન્ના પેલાનો કેડો નથી મુકતી ત્યારે હીરા કહે છે;
અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે
ચાહે મેરી જાન જાયે ચાહે મેરા દિલ જાયે
કિશોર કુમારે જે રીતે આ લાઈનો ગાઈ હતી, માશાલ્લા!
ગીતમાં દેવ અને ઝીનત ખુબસૂરત દેખતાં હતાં. કર્ણાટકના કોલાર પાસે રસ્તામાં તેનું શૂટિંગ થયું હતું. રમેશ સિપ્પીને આ ગીત પરથી શોલેના રામગઢનું લોકેશન મળ્યું હતું. તેમાં દેવ આનંદ પીળા રંગની બ્રિટિશ વોક્સહોલ વિક્ટર કાર ચલાવે છે. હીરા ફોટોગ્રાફર છે એટલે કારની આખી બોડી પર અલગ અલગ દેશોનાં શહેરનાં નામ ચિતારાવેલાં છે. હાથમાં હાસેબ્લાડ કેમરા હતો. ચન્દ્રના ફોટા પાડવા માટે આ કેમેરા ત્યારે પ્રખ્યાત હતો.
ઝીનતે એમાં ગુલાબી ટ્રાઉઝર પર બ્લેક ટોપ, ગુલાબી હેટ અને ગળામાં ગુલાબી સ્કાર્ફ પહેર્યો હતો. દેવ સા’બે તેમના ટ્રેડમાર્ક ઓલીવ ગ્રીન જેકેટ નીચે હલ્કા ભૂરા રંગનું ડોટેડ શર્ટ – ટ્રાઉઝર અને માથે ગુલાબી હેટ પહેરી હતી.
ઝીનતને આ ગીત માટે બહુ ઉત્સાહ હતો, કારણ કે તે પહેલીવાર દેવ સા’બની રોમેન્ટિક પાર્ટનર હતી. તેનું નામ ફિલ્મના ટાઈટલમાં અને ગીતમાં પણ હતું. ફિલ્મની પબ્લિસિટીમાં ઝીનતનાં જ ફોટાને મોટા કરવામાં આવ્યા હતા. તે વખતે તે સ્ટાર બની ચુકી હતી. દેવ આનંદનું આ ફેવરિટ ગીત હતું, અને તેમણે તેમની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. આજે પણ અનેક સંગીતકારો તેમના કોન્સર્ટમાં આ ગીત અચૂક વગાડે છે. સમય મળે તો કાને ઈયર ફોન લગાવીને યુટ્યુબ કે સ્પોટીફાય પર સંભાળજો. આર.ડી.નો જાદુ કેવો હતો તે સમજાઈ જશે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 17 સપ્ટેમ્બર 25)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર