Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પગથિયાં

અનિલ વ્યાસ|Opinion - Short Stories|16 November 2016

ભૂમિએ અરીસામાં જોયું ને કોઈ અજાણ્યાને જોતી હોય એમ જોઈ નજર ફેરવી લીધી. ડગલું ભરતાં એનાથી ઊંડો શ્વાસ લેવાઈ ગયો. એ  વખતે સ્નેહાનો ટોણો યાદ આવતાં લેવાયેલો શ્વાસ નિ:શ્વાસ બની વહી આવ્યો. ફરી એકવાર સજીધજીને કોઈ સામે ઊભા રહેવાનું! પરાશર જીજુનું સાવ ઔપચારિક હસવું, મમ્મીની આશાભરી ઊઠાઊઠ અને સ્નેહાનું આખીએ ઘટનાનું દોરવુ. કોઈ નાટક સાતમી કે આઠમી વખત ભજવતી વખતે નાયિકાને થાય એવી લાગણી થતી હતી. મન અને શરીર સાવ નિઢાલ. જાળીના ખખડાટે દોરાતી માએ ઘરમાં પ્રવેશતી સ્નેહાના હાથમાંથી નાસ્તાની થેલીઓ લઈ લીધી. પરાશર બૂટ ઉતારી આમ તેમ જોતાં મલકાઈને સૉફામાં બેઠો.

ભૂમિ  કશું જોતી ન હોય એમ બારી બહાર જોઈ રહી હતી. સ્નેહાનું ધ્યાન ગયું એ બોલી, ‘બોત જેવી ઊભી છે શું? હમણાં આવી પહોંચશે એ લોકો, તૈયાર થા ઝટ.’

ભૂમિ સાવ બેધ્યાનપણે ચાલતી એના રૂમમાં ગઈ. સ્નેહાએ પરાશર સામે જોઈ સહેજ ગુમાનભેર પાલવ સરખો કર્યો.

બધું ક્રમસર ચાલતું રહ્યું, યંત્રવત્‌. એ લોકો આવ્યાં, ઘર સામે વાહન થોભ્યું ત્યારે પણ એનું ધ્યાન નહોતું. એને થતું હતું ક્યાંક નીકળી પડે. એવી જગ્યા એ જ્યાં કોઈ હોય જ નહિ. પણ હસવાના, વાતો કરવાના અવાજો એકધાર્યા વાગતા હતા. એ ઠાવકા દેખાવાના પ્રયત્ન કરતી  ચશ્માંમાંથી સીધું તાકતી આંખો સામે જોઈ રહી હતી. મેહુલ સાથે એ બીજા છોકરાઓ સાથે બેસતી એ કરતાં આની સાથે એ થોડી વધારે વાર બેઠી હતી. બધા સવાલોના જવાબો પણ  એક ડાહી દીકરીની જેમ, આપ્યા હતાં. એ પછી ભૂમિને સહેજ આશા બંધાઈ  હતી પણ બહાર આવીને મેહુલ સામે બેઠી ત્યારે ખાતાપીતા ઘરના એ છોકરાની આંખોમાં કશી યે તાલાવેલી નહોતી.

આવજો હોં … ભલે ત્યારે … મળ્યા … ફોન કરીને કહેવડાવીએ…ના વાક્યો વહેતા મૂકી સહુ  ચાલ્યાં ગયાં. સ્નેહા અને પરાશર સુધ્ધાં.

સાત કે આઠ વરસની હતી ત્યારે એને સહુથી વધારે દુ:ખ સ્નેહા સામે હારી જવાનું થતું. સાદામાં સાદી સાતતાળી, સંતાકૂકડી કે દોડપકડની રમતમાં ય એ કદી જીતતી નહિ. રમત શરૂ થાય એ પહેલાં હૈયું હારી બેસતું. આખા શરીરમાં કંપ ફરી વળતો. દોડતા દોડતા દેહ પટકાઈ પડશે એમ લાગતું. હારી ગયા પછી જીરવાતું નહિ એટલે નીચી ડોકે જમીન તાકી રહેતી સ્નેહાના ગૌરવભર્યા ચહેરા સામે જોવાની હિમ્મત ચાલતી નહિ. મા હળવે હાથે વેરાયેલી સેવો અને ખમણની કરચો વાળતી હતી. એ ચુપચાપ સાવરણી ઘસાવાનો અવાજ તાકતી રહી.

બહાર હવામાં પાંદડા ઊડતાં હતાં ધૂળ ઘુમરાતી હતી. એ બારી બંધ કરી વળી ને ફોન રણકયો.

થોડી વાર ઘંટડી વાગતી રહી અચાનક ધ્યાને આવ્યું મા કદાચ નહિ સાંભળતી હોય. એણે ફોન ઉપાડ્યો. ધીમેથી કહ્યું, ‘હેલો’

‘ભૂમિ, તું ભૂમિ છે ને?’

‘હા.’

બોલતાં એનો  અવાજ થડકી ગયો.

અકબંધ પડેલો એ સમય આળસ મરડીને સામે આવી ઊભો હોય એવું થયું. ભૂમિએ એને ખુરશીમાં ટટ્ટાર બેઠાં, આદેશ આપતા પુરુષની છબી રૂપે એને સાચવી રાખ્યો હતો. અચાનક એ છબીમાંથી બહાર આવી બોલ્યો.

‘એ ય ભૂમિ .. ચા પીવરાવ ચાલ.’

પણ ફોનમાં જુદું જ સંભળાયું.

‘મને હતું નહિ કે તું ફોન ઉપાડીશ.’

‘કંઈ કામ હતું?’

‘કેમ કામ વગર ફોન ન કરાય?’ એણે અધિકારપૂર્વક પૂછ્યું.

‘આઠ મહિના પછી?’

‘તું તો બહુ ગણતરી રાખે છે ને કંઈ? મારા વગર નવરાશ મળી ગઈ છે, ભૂમિ?’

ના. અમસ્તું જ .. એટલું તો યાદ હોય ને, શું હતું, બોલો?’

‘કંઈ નહિ, સાચું કહું તો કશું કામ નહોતું બસ એમ જ તું યાદ આવી ગઈ.’

‘એમ જ? કશા કારણ વગર?’

‘સાવ એવું ય નહિ. જો ને બહાર વરસાદ આવે છે. દાળવડાં ખાવાની ઇચ્છા થઈ ગઈ. તારા વગર કોણ ..’ નચિકેતનો અવાજ સહેજ કરપાઈ ગયો હતો કે એને એવું લાગ્યું? ફોનમાં  ખરખરાટી સંભળાતી હતી.

‘શું કહો છો? બરાબર સંભળાતું નથી.’

‘ઊભી રહે હું બારી પાસે આવું.’

અવાજ સહેજ સ્પષ્ટ થયો. હવે ધોધમાર વરસાદનો અવાજ સંભળાતો હતો. ભૂમિએ બારી બહાર જોયું અહીં આકાશ સાવ સ્વચ્છ હતું. આછો નારંગી ઉજાસ બધે પથરાયો હતો. હવામાં હિલ્લોળાતો વંટોળ હવે આથમી ગયો હતો.

‘બોલ હવે સંભળાય છે બરાબર?’

‘હા, બોલોને.’ હજી સડક પર પાંદડા દોડતાં હતાં એ જોઈ ભૂમિથી ઊંડો શ્વાસ લેવાઇ ગયો.

‘શું બોલું? અહીં સાવ એકલો હતો, કશું ગમતું નહોતું ને ભૂખ લાગી‘તી  એટલે તને ….. સમજે છે ને? કશા કારણ વગર જ ફોન કરી દીધો … બસ એમ જ.’

‘કારણ વગર કેવી રીતે? ભૂખ  નહોતી લાગી?’

સામે છેડેથી ધીમા ફોરે પડતાં વરસાદનો અવાજ આવતો હતો.

‘કેમ કશું બોલતા નથી?’  ભૂમિથી પૂછ્યા રહેવાયું નહિ.

‘હા ખરું. ફોન કર્યા પછી બોલવું તો જોઇએ જ. ચાલ કહે, શું કરે છે તું? તારી સગાઈની વાતો ચાલતી હતી, એનું કેટલે પહોંચ્યું?  તેં કોઈને પસંદ કર્યો કે નહિ?’

‘ના કોઈને નહિ.’ સહેજ અટકીને એનાથી બોલાઈ ગયું, ‘હું કયાં કોઈને ગમે એવી છું.’

‘કેમ, તારામાં શું ખોટ છે?’

‘શું છે મારામાં’ એના અવાજમાં દુ:ખ પ્રવેશી ગયું.

એનો રુંધાયેલો અવાજ નચિકેતને પહોંચ્યો.

‘તું રડે છે?’

ગદ્ગદ કંઠને રોકવા ઉંચકાયેલી હથેળી ફોન પર ભીંસાઈ પણ આંસુ ઊમટી આવ્યાં. સાવ હાંફી ગઈ હોય, હતાશાથી ઘેરાઈ ગઈ હોય, બેસી પડી. નચિકેત પૂછતો  રહ્યો …

‘શું થાય છે, ભૂમિ?’

પણ સઘળું ઓગળતું રેલાતું વરસતું રહ્યું એણે ઝડપથી ફોન મૂકી દીધો.

રોજ આવીને જે ખુરશીમાં નચિકેત બેસતો એ ખુરશીમાં એ બેઠી છે. બારી બહાર તાકતી!

એક ચકલી તણખલું લાવી ફોટા પાછળ ગોઠવતી હતી. એ ફરી ઊડી સાવ એની સાવ નજીકથી.

એના ઉડવાનો ફરફરાટ લહેરી ગયો હોય એમ એનાથી ચહેરો ફેરવાઈ ગયો.

એને હું યાદ છું મારો અભાવ સાલે છે એને … એટલે તો એનાથી રહેવાયું નહિ મને ફોન કર્યા વગર.

ઓહ માય ગોડ….. ભૂમિના રૂંવે રૂંવે રોમાંચ ફરી વળ્યો.

કેટલી બધી સાંજો વિતાવી છે એના આવવાની રાહમાં!

આવીને બેસે, પગ પર પગ ચઢાવી પંજો ઊંચો નીચો કરતાં સહેજ વાંકી ડોક વાળી બારણું તાકી બૂમ મારે.

‘ભૂમિ … ભૂમિ ..’

એની બૂમ આખા દિવસના ખાલીપાને ગાયોના ધણની વાળી મૂકે. એ રેલ્લી પગે જેમ ઠેકતી બહાર આવી ઊભી રહે, અટકે.

‘એમ ઊભી છે શાની? ચા નથી પીવરાવવાની?’

એ નચિકેત સાથે નજર મેળવ્યા વિના માત્ર આંખથી જ હા પાડતી. એને ખબર હતી નચિકેત એને જોઈ રહ્યો હશે. એનું એમ સીધું આંખોની આરપાર તાકવું કયારે ય એની પાંપણો ઊંચકવા દેતું નહોતું. રસોડામાંથી બહાર આવી ભૂમિ એ નજરની આશામાં એક પગ વાળી બારસાખે અઢેલી  રહેતી.

નચિકેત ચાનો કપ હાથમાં લઈ પૂછતો, ‘શું કર્યું બે દિવસ? ઇન્ટરપ્રીટર ઓફ મૅલેડીસ વાંચી ગઈ?’

‘બે દિવસમાં? મારું અંગ્રેજી એટલું સારું નથી.’

‘મેં શું કહ્યું‘તું તને? કશી જ ચિંતા કર્યા વગર બસ, વાંચી જા.’

પછી એ વાંચેલી વાર્તાની વિગતે વાતો માંડે. ન ઉકલેલા અર્થો ઉકેલે. નચિકેત જ્યારે વાર્તા કે કવિતા ખોલી આપતો ત્યારે અભિભૂત થયા સિવાય શું કરે? એ ઉભડક એને સાંભળ્યા કરતી. એને આંખ સામે ખોડાયા જેવી જોઈ નચિકેત ચાનો કપ બાજુએ મૂકી એને નજીક આવવા ઈશારો કરતો. એ ન ખસી શકતી ન ઊભી રહી શકતી.

‘અહીં આવ બેસ. સ્નેહાથી ડરવાની જરૂર નથી, સર્જકના સર્જનને પામવું પડે ભૂમિ, આવી રીતે અડધા કાને સાંભળીશ તો શું યાદ રહેશે?’

સભર નચિકેતનું ઉઘડવું એને એટલું પ્રિય હતું કે સ્નેહાનો રોષ વહોરીને ય એ નચિકેતને સાચવી લેતી. નચિકેતનું ઉધ્ધતાઈથી વર્તવું કે ગુસ્સે થવું એને ક્યારે ય અખર્યું નહિ. કોઈ એને સમજ્યું નહોતું એ જ હતો જેને એનું અંતર સમજાયું હતું. કોઈ વાર કવિતાની પંક્તિ પસંદ પડી જતાં એ એની સાવ અડોઅડ આવી એને સમ્મુખ ફેરવતાં પૂછતો, ‘આ તેં લખ્યું છે, તેં?’

ભૂમિથી ફોન સામે જોવાઈ ગયું જાણે હમણાં નચિકેત બોલશે, ‘ સમજી?’

એ હોત તો એનો હકાર સાંભળી કહેત: ‘એમ? તો કદર કરો ને, મેડમ. કંઈક ખવડાવને, ભૂમિ, બહુ ભૂખ લાગી છે, યાર.’

મોડી સાંજ સુધી લંબાતી ગરમાગરમ ઉગ્ર ચર્ચાઓથી ઊભરાતી બેઠકોમાં ખૂણે બેઠેલી ભૂમિને  એક કામવાળીથી વિશેષ કોઈ ગણતું  નહિ. સ્નેહા દીદી તો ખાસ.  પપ્પાને સ્નેહાને એ નામ દઈ બોલાવે એ ગમતું નહિ.

‘બેનાં જ કહેવાનું બેટા, એ મોટી છે ને તારાથી.’

પણ ભૂમિ સ્નેહાને બેનાં કહીને બૂમ પાડે એ જરા ય ગમતું નહિ. બેનાં સાંભળતાં જ એની આંખમાં છાનો અણગમો તબકતો. એ સ્નેહાની મિત્ર મંડળીમાં ભળવાનો પ્રયત્ન કરતી કે તરત પેલો અણગમો એની આંખમાં ઉપસતો, ‘તને શું સમજ પડે કવિતામાં? કરી ખા તારા સરવાળા બાદબાકી સમજી?’

કોઈ એને વારે તો કહી દેતી, ‘અમારી ભૂમિને ગણિત અને રસોઈ સિવાય કશામાં રસ પડતો નથી નકામું એનું માથું દુખાડવું.’ પછી બધાંને એનું ખૂણામાં બેસી રહેવું સ્વાભાવિક લાગતું.

ભૂમિના બાર કોમર્સમાંએકાણું ટકા આવ્યા ત્યારે ય એણે આવી રીતે જ જોયું હતું. એકસરખાપણું વર્તનમાં સુધ્ધાં.

આખી ટોળીમાં એક નચિકેત જ એવો હતો જેણે આદરપૂર્વક જોયું હતું. એની આંખથી ઉડી આવેલી આદરની નાની નાની થપકીઓ ક્યારે મૈત્રીમાં ફેરવાઈ ગઈ, કશી સરત ન રહી.

પોતાની ય જાણ બહાર એ સ્નેહાએ ચણેલી એકેએક દીવાલો કૂદી ગઈ હતી. નચિકેતનો સહવાસ થોરનાં ફૂલો જેવો આકર્ષક હતો.

પછી ધીમે ધીમે નચિકેત થોડો વહેલો આવી જતો. ચા-નાસ્તાના હુકમ સાથે કવિતા, વાર્તાની વાત વણી લેતો. એણે ભૂમિને વિદેશી સાહિત્યનું ઘેલું લગાડ્યું હતું. રેમન્ડ કારવર, ચૅખોવ અને ફાફકાની વાર્તાઓ વિષે બોલવાની એનામાં હિમ્મત આવી હતી. એને જે નહોતું સમજાતું એ નચિકેતના હોઠે સાંભળતી.

એ મળવાનો ઉપક્રમ નિયમિત બની ગયો હતો ત્યારે ય આટલી વિહ્વળતા નહોતી અનુભવાઈ. હા,  એ સાંજની રાહમાં પ્રફુલ્લિત મને દરવાજે જોયા કરતી. વેરાની હટે ને હરિયાળી છવાય એમ  એ ઉઘડતી ગઈ હતી. એ વાતને ય સમય વીત્યો.

અચાનક એક ફોન કોલથી એવું શું થયું કે એ આમ ન કહી શકાય, ન રહી શકાયની સ્થિતિમાં મૂકાઈ ગઈ?

એક વાર એ ચોપડીમાં સંઘરેલું  પાંદડું જોતી હતી. નચિકેતનું ધ્યાન ગયું કહે, ‘શું જુએ છે?’

જાળીદાર પાંદડાથી ચહેરો ઢાંકવા જતાં એના મોં માંથી નિ:શ્વાસ સરી પડ્યો. 

‘કેમ આમ નિસાસો નાંખે છે?’

‘હું મારી અંદર વિસ્તરતી જતી રેતથી દૂર જવા મથું છું પણ નાસી નાસી ને કેટલે જઉં?’

નચિકેતે પહેલી વાર એને સ્પર્શ કર્યો હતો. એનો હાથ હાથમાં લઈ થોડીવાર થાબડ્યો હતો.

‘તું કવિતા લખે ત્યાં સુધી બરાબર છે. કવિતાની ભાષામાં બોલવાની જરૂર નથી.’ કહેતાં ભૂમિને ખભેથી નજીક લઈ શરીર સરસી દબાવી આશ્વસ્ત કરી હતી. એ અશબ્દ ક્ષણો આંખ સામે ઝળૂંબી રહી.

એણે ફોન કર્યો? .. આમ આટલા વખત પછી કેમ હું યે આવી હોઈશ?

મનોમન સવાલનો જવાબ ગોઠવવાની મજા પડતી હતી. એક નવું જ જોશ અને ધરપત અનુભવાતાં હતાં. અડાબીડ જંગલોમાં અટવાઈ હતી ત્યાં અચાનક કેડી મળી ગઈ. હવે રસ્તો મળી જવાનો.  અંતરમાં આનંદની છોળ ઉછળી.

એનો નંબર! એણે દોડતાં જઈ ટેલીફોન ઉપાડી છેલ્લો નંબર ચેક કર્યો. બે વાર વાંચ્યો. બસ હવે લખવો નહિ પડે. હું કરું ફોન? એને ભૂખ લાગી હતી કશું ખાધું હશે કે નહિ?

નચિકેતનો છેલ્લે જોયેલો ઉદાસ ચહેરો યાદ આવ્યો.

હું એને ગમતી હોઈશ? એક વાર એણે કહેલું, ‘તને ખબર છે ભૂમિ, સારી સંગતમાં રહેવું એક સંજીવની છે. આપણી મૈત્રી સાચવીશને?’

‘તમે કાયમ રાખશો આવી મૈત્રી?’

નચિકેતે સ્નેહથી એનો ખભો દબાવી એની આંખમાં જોયું હતું. નચિકેતના સ્પર્શની હૂંફ એના દેહ સરસા ચંપાવાનો અનુભવ યાદ આવી ગયો. એણે વધુ વિચાર્યા વગર રીસીવર ઉઠાવ્યું, આંકડા દબાવ્યા.

‘ભૂમિ! … રીટર્ન કૉલ? શું વાત છે?’

‘કંઈ નહિ મને થયું પૂછી લઉં તમે ખાધું કશું?’

‘આટલા મહિનાથી એકલો જ રહું છું ખાધા પીધા વગર રહેતો હોઇશ?’

‘એ ખરું પણ મને ….’

‘ચિંતા ન કરીશ બે ત્રણ પાપડ શેક્યા એમાં થોડા મમરા ભેળવી ચેવડો બનાવી ખાઈ લીધું. મને બધું આવડી ગયું છે, ભૂમિ.’

નચિકેતના મોંએ પોતાનું નામ સાંભળી એને થયું એ જીતાઈ ગઈ છે. ત્યાં નચિકેત એણે તાજેતરમાં જોયેલી એક ફ્રેંચ ફિલ્મ અને બે ગ્રીક ફિલ્મો વિષે કહેવા માંડ્યો. પછી થોડા લેખો અને કવિતાઓ!

આ બધામાં ભૂમિથી બોલાયું જ નહિ કે એણે ત્રણ નવાં ગીતો લખ્યાં છે. એ કંઈ પણ લખે સહુથી પહેલાં નચિકેતને વંચાવશે એમ નક્કી કરેલું પણ ….

‘હમણાં એક ક્વોટ વાંચેલું .. ધ ઈન્ક ઓફ યોર આઈસ વોઝ ઓલવેઝ રાઇટીંગ ધ વર્ડસ ઓફ માય હા ર્ટ … એક વાર તેં મને ક્રિસ્ટોફર પોઈન્ડેક્સટરની કવિતા આપેલી .. એ યાદ આવી ગઈ.’

‘પેલી હિઝ આઈસ વૅર લાઈક એ ક્લોક … ? …’ ભૂમિએ પૂછ્યું.

‘ના, ધ ઓન્લી વર્લ્ડ આઈ વૉન્ટેડ ટુ નૉ. બાય ધ વે,  તારી આંખો ય એવી જ છે એકદમ ગહન અને ભાવવાહી.’

‘એવું કંઈ નથી તમે મારા ખોટાં વખાણ કરો છો.’ એ બોલી પણ બોલતાંમાં એ પતંગિયાની જેમ ઉડવા લાગી હતી.

‘એમ?  ભલે એવું માન પણ ફોન કરતી રહેજે ને વાંચજે. એમ કર .. મારા ઘરે જઈ થોડાં પુસ્તકો લઇ આવજે. હું લતાદીદીને કહી દઉં છું, એ શોધી રાખશે. વાંચીને મને ફોન કરજે.’

થોડીવાર અટકીને  બોલ્યો, ‘ સાંભળ, છોકરો ગમે તો હા પાડી દેજે.’

‘ભલે.’ કહી ફોન મૂક્યા પછી પણ નચિકેત એકદમ નજીક ઊભો ઊભો બોલતો હોય એવું થયું. આ સમજ આજ લગી ધરબાયેલી રહી? લાગણીઓ પાતાળ કૂવાની જેમ ઠલવાઈ રહી. એ એને આટલી તીવ્રતાથી ચાહે છે? નચિકેતનું ગમવું આમ શ્વાસોચ્છવાસ બની જશે એવી તો કલ્પના સુધ્ધાં નહોતી.

એની રાહ જોવી, છાનાછપનાં એને જોઈ લેવું, એના માટે ચા-નાસ્તો બનાવતાં તન્મય થઈ જવું. એને સાંભળ્યા જ કરવાની મનીષા ….. એ પ્રેમ કહેવાય?

નચિકેત સાથે હોય ત્યારે હવામાં ઉડતી હોય એમ અનુભવાતું, ખુશ થઈને ગીત ગણગણતી, દોડતાં પગલે ઘરમાં આંટા ફેરા કરતી, એણે આપેલું પુસ્તક છાતીએ દાબી બન્ને ખભાહલાવી ડોલતી ….

એક ક્ષણમાં સઘળુ યાદ આવી ગયું. ફોન સામે જોતા આનંદમાં ઝબોળાઈને બહાર આવેલા એના ચહેરા પર ઝગમગાટ હતો. હવામાં ઝીણા આસમાની પરપોટા જેવી ઘટનાઓ લહેરાવા માંડી.  નચિકેતનું આવવું, બેસવું, એના ઢીલા જિન્સનું ઉતરી જવું, હેલ્મેટથી ચપ્પટ થયેલા વાળને વીંખવું એની આંગળીઓનું અડવું … એ સ્પર્શનો રોમાંચ હવે રહી રહીને પ્રતીત થવા માંડ્યો.

આખી રાત ભીંત ચૂવે એમ લાગણીઓ ભીંજવતી રહી.

છેક પરોઢિયે વિચાર આવ્યો: એને આમાંનુ કશું ય યાદ હશે? એ તો કાયમ એક શિક્ષક કે પ્રાધ્યાપકની જેમ વર્ત્યો છે. મૈત્રીનો એ સંબંધ  મૈત્રી નહિ પ્રેમ છે એ એને ખબર હશે?

એને જ પૂછી લઈશ એમ નક્કી કરી એ સૂતી.

સાંજ સુધી કશું જ નક્કી ન કરી શકી. નચિકેતની વેળા કવેળાની સ્મૃિતઓમાં અટવાતી રહી. પોતાની આસપાસના વાતાવરણમાં એ એને જ અનુભવે છે. શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં, કવિતા લખતાં, વાંચતા. પ્રત્યેક કાર્યમાં એની હાજરી અનુભવાય છે.

કોઈના બની જવું કેવું શાતાદાયક હોય છે! હવે ન ગોઠવાયેલા સંબધનું સુખ અનુભવાય છે. એણે અરીસામાં જોયું નચિકેતને ગમતી આંખો ધારી ધારીને જોયા કરી. મલકાતી બારી પાસે આવી બહાર દેખાતા આકાશને જોઈ રહી. કોઈ કોઈ પંખી ઉડતું હતું. પીપળાના ફરફરતા પર્ણોનો અવાજ, ડાબી તરફ વડવાઈ પકડી હીંચતા છોકરાઓ, ગરી ને પચકાઈ ગયેલા લાલ પીળા  ટેટાથી ઊભરાતો રસ્તો …. જરા વારમાં દ્રશ્ય ધૂંધળું થઈ ટપકતા આંસુઓમાં રેલાઈ ગયું. એ ધુંધળાશમાં એને નચિકેતના ચહેરાનો ભાસ થયો.

આંખો લૂછી એ એના રૂમમાં આવી. અહીં બારી બહાર છે પછીત એ ચુપચાપ દીવાલે બેઠેલી કાબરોને જોઈ રહી.

હવે કદાચ કોઈની સાથે જોડાય તો ય નચિકેત સાથે જોડાયેલું મન વાળી નહિ શકાય. ના હવે એ એકેય છોકરાને નહિ મળે. ના. હવે કેવી રીતે મન પાછું વળે? એ દિવસે એણે મકાઈનો ચેવડો બનાવ્યો હતો. ઉપર પડતું મરચું નાંખીને. ગમે છે એને તીખું તમતમતું, સ્વભાવ જેવું સ્તો! ભલે વખાણે નહિ પણ કોમળ નજરે જુએ એથી વિશેષ એને કશી અપેક્ષા નથી. ભૂમિને  એ ક્ષણમાં પાછા જવાની અસીમ ઇચ્છા થઈ આવી. કાશ, એવું થઈ શકતું હોત. એવે સઘળું થંભી જાય એ ત્યાંથી ઊઠે જ નહિ. પણ એવું તો ……. એનાથી ઊંડો શ્વાસ લેવાઇ ગયો. એ બારી પાસેથી ખસી ગઈ.

*             *           *

સાત મહિના વિત્યા. કેમ પૂરાં થયા માત્ર ભૂમિ જ જાણે છે. હર્ષ અને વિરહની ક્ષણો કપાતી નહોતી. ઊંઘ પૂરી ન થાય, સરખું જમાય નહિ મન સતત એક ઝંખનામાં દોડતું રહે. ઘડીઘડી ફોન અને બારણું તાકતા રહેવાનું! નચિકેત સાથે વાત કર્યા પછી પોતે એને ગમે એવી નહિ રહે તો એ ફડકમાં રંગ ઉઘડે એ આશામાં નહોતો ભાવતો તો ય ફળોનો રસ પીતી, વિટામીનની ટિકડીઓ ગળતી, મોંઘા ચંદનના સાબુથી બે વખત નહાતી. ચહેરા પર નિયમિત સ્ક્રબ અને ફેસ વૉશ કરાવતી. રાત્રે તારે મઢ્યા આકાશમાં આકારો ઓળખવા મથતી ત્યારે ઊભરાતાં આંસુને લૂછતાં થતું કેમ ચાલશે આમ જીવવાનો ક્રમ?

એ કહી દે કે એ પ્રેમ કરે છે. હૃદયના ઊંડાણથી પ્રેમ કરે છે એને.

નચિકેત, તમને હું ચાહું છું, બહુ જ ચાહું છું. શરીરના અણુએ અણુથી ચાહું છું.

જે ઝડપથી એ એના મય બની ગઈ છે એ એને ન સમજાય એવો અબૂધ ક્યાં છે એ? પણ ધારો કે નચિકેત કદાચ કહી દે કે ના એના દિલમાં મારા માટે ……… બસ. એથી આગળ વિચારવું એને મંજૂર નહોતું. એને ક્યાં એવી મમત છે કે નચિકેત સંપૂર્ણપણે એનો બને, બસ એ એના મય બની રહે. કોઈને સમગ્રતાથી ચાહીને ન જીવી શકાય?

આ સવાલ એને ડરાવે છે. એ જવાબ શોધવા પ્રયત્ન કરે છે ત્યારે એક હકારમય કંપ અનુભવાય છે.

છેલ્લે વાત થઈ ત્યારે નચિકેતે કહ્યું હતું એ આવતા શનિવારે આવવાનો છે. એ સાંભળીને રોમાંચથી ધબકતી એ મનોમન શું કરું? શું કરુ? વિચારતી મૂંઝાતી હતી. ભૂમિને નચિકેત  કેવો દેખાતો હશે એ ય પજવતું હતું. કેટલા સવાલો! એ જાડો થયો હશે? સુકાયો હશે? એના વાળ એવા જ હશે વિખરાયેલા? નાક પરનો તલ, ઉપસી આવેલી હડપચી, દાઢીએ વાગ્યાનું નિશાન … બધું અકબંધ હશે? એ  હાથે નાડાછડી બાંધતો કે રક્ષાપોટલી? આ પહેલાં એવું ક્યારે ય આંખ ઊઠાવીને જોયું નથી.

આજે થઈ સત્તર જૂન. એને બેંગ્લોર ગયે સવા વરસ ઉપર થશે. એની પાસે નચિકેતનો ફોટો સુધ્ધાં નથી. આ વખતે એ પળે પળને ઝીલી લેશે. મોબાઈલમાં વધારાનું મેમરી કાર્ડ કાલે જ ખરીદી લેવાનું.

હમણાંથી એ થોડું દબાવીને ખાતી હતી એ તરફ માનું ધ્યાન ગયું હશે એટલે સ્નેહા આવી ત્યારે એમણે હરખ કરેલો, ‘તેં જોયું? ભૂમિ હમણાંથી ઠીકઠાક જમે છે.’

‘ધ્યાન રાખજો તમે. જાડી થઈ જશે તો જે રડ્યા ખડ્યા માગાં આવે છે એ ય બંધ થઈ જશે.’

‘એવું શું બોલતી હોઇશ.’

‘કેમ? ખોટું કહું છું? રંગે પાકી ને પાછી નીચી કાઠીએ છે તમારી દીકરી … જાડી થઈ જશે તો’ કશુંક યાદ આવી ગયું હોય એમ સ્નેહા ખડખડાટ હસી પડી હતી. પન્નાબહેન નારાજ થઈ સોફા પરથી ઊઠી ગયા હતાં.

એથી શું? જે પીડા છે તે છે. હા, એક માત્ર ફેર પડ્યો છે, છેલ્લા  થોડા વખતથી ભૂમિ ખુશ દેખાય છે. બસ આવી જ રહે, બીજું શું જોઇએ?

એ રસોડાં તરફ વળ્યાં ત્યારે નારાજ સ્નેહા બારણું વળોટી ગઈ હતી.

મોબાઇલમાં મેસેજ આવ્યો. નચિકેત વિમાનમાં બેસી ગયો હતો. બપોર સુધીમાં તો આવી પહોંચશે.

એણે પૂછયું હતું સાંજે મળવાનું ફાવશે?

જો નસીબ. ભૂમિ મનોમન મલકાઈ. અેને તો નચિકેત સાથે એકે એક પળ વીતાવવી હતી, આખી જિંદગી! પણ જીવન ધારીએ એમ ઓછું જિવાય છે? આંખમાં આંસુ ઉમટી આવે એ પહેલાં એ  સાનપૂર્વક ઊભી થઈ ગઈ હતી.

પેલા શું કરે? નો જવાબ જડી આવ્યો. બીજું કંઈ નહિ તો એ થોડીક સુંદર થઈને નચિકેતને જોશે.

એને સજી ધજીને સમ્મુખ જોઈ એને થોડો આનંદ થાય તો ય ઘણું.

બ્યુટી પાર્લરમાં એણે હેતલને ખાસ કહ્યું હતું, આંખો એકદમ સરસ લાગવી જોઇએ.

હેતલ કહે, ‘તારી આંખો સાચે જ ખૂબ સુંદર છે, ભૂમિ, મારે વધુ સારી બનાવવાની જરૂરે ય નથી.’ છતાં પાંપણ પર ફરતું બ્રશ ઝણઝણાટી જન્માવતું હતું. બંધ પાંપણો પર નચિકેતનો ચહેરો તાદ્રશ થયો. સહેજ ભીડાયેલા હોઠથી સૂચવાતી આત્મીયતા, ચશ્માંમાંથી તાકતી વિવશ કરી મૂકતી ધારદાર આંખો, ગંભીર સ્મિત .. આજે સહુથી પહેલાં એ એનો ફોટો પાડી લેશે. એટલો હક આપવામાંથી એ નહિ જાય. હેતલને ખબર ન પડે એમ એણે આંખમાં વળેલાં પાણી ગળી લીધાં.

ઘેર આવીને એ મૅકઅપ જરા ય ન બગડે એનું ધ્યાન રાખતી પંખા નીચે બેસી રહી. ડોરબેલ વાગી કે નક્કી એ જ હશે બબડતી દરવાજે આવી. નચિકેત એક હાથે ચણિયો સહેજ ઊંચો પકડી બારણાં વચ્ચે ઊભેલી ભૂમિને જોતાં જ થંભી, થોડીવાર એને તાકી રહ્યો પછી અંદર આવી કાયમની જેમ બૂટ ઉતારી, કોલામાં ધકેલતાં ચારેબાજુ જોયું. એ કાયમ જે ખુરશીમાં બેસતો એ યથાસ્થાને જોઈ એ તરફ વળ્યો.

‘કેમ છે તું?’

ભૂમિ નીચીનજરે નચિકેતને જોઈ રહી હતી, ‘મજામાં.’ જવાબ વાળતાં એનીઆંખો ચમકી ઉઠી.

‘કેમ આટલી બધી તૈયાર થઈ છે? ક્યાં ય બહાર જાય છે?’

‘ના ….. ના આ તો તમે ..’

‘શું હું? મને દેખાડવા આવા લપેડા કર્યા છે? હે ઈશ્વર, ભૂમિ તું …. આર યૂ ઇનસેઇન?’

હડબડાહતમાં ભૂમિથી ડગલું પાછળ ખસી જવાયું.

‘સોરી.’

‘પાછું સોરી? ભૂમિ, તારે આવું કશું જ કરવાની જરૂર નથી તું અંદરથી કેટલી રૂપાળી છે  એ તને ખબર નથી. સારો માણસ હોય એ તારું સાચું રૂપ જોશે. આવું કશું નહિ, સમજી?’

ભૂમિ પહેલીવાર નચિકેત સામે જોઈ રહી.

’એમ મને ટકટકી માંડીને જોયા વગર ચા પીવરાવ ફટાફટ ચાલ.’

એ વળી ત્યારે કમરામાં રહી ગયેલો ઝાંઝરનો રણકાર એણે સાંભળ્યો હશે? ભૂમિને થયું. એણે પાછું વાળીને જોયું ત્યારે  નચિકેત ટીપોઈ નીચેથી મેગેઝિન લઈ ઉથલાવતો હતો.

એ ચા નાસ્તો લાવી ત્યારે એ વાંચવામાં મગ્ન હતો. સંચાર અનુભવાતાં ઊંચું યે જોયા વગર એણે કપ લેવા હાથ લંબાવ્યો. ભૂમિ ચાનો કપ  હાથમાં પકડાવી નાસ્તો ટીપોઈ પર મૂકી ઊભી રહી.

‘જો ને, નરસિહ મહેતાનાં કાવ્યો પર આ સરસ લેખ છે, તેં વાંચ્યો?’

‘હા.’

‘તને ખબર છે નરસિંહ મહેતાનું “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” હજી મને સમજાતું નથી.’

‘હં.’

‘હોંકારો ના ભણીશ જવાબ આપ. અરે, તું ઊભી છે શું કામ, બેસને.’

‘તમને ન સમજાય તો મને ક્યાંથી સમજાય?’

‘એવું નથી, ભૂમિ, ઘણીવાર આપણને આંખ સામે હોય ને સૂઝે નહિ એવું ય બને છે.’

‘ખરેખર? ?

’ખરેખર એટલે? આ કેવો સવાલ? ભૂમિ કશું બોલવા ગઈ ત્યાં નચિકેતે કહ્યું, ‘જવા દે એ વાત. તેં ચા સરસ બનાવી છે. એકદમ પ્રમાણસર આદુ અને ફુદીનો. કેટલા વખતે તારા હાથની ચા પીવા મળી.’

ભૂમિ ખુરશી ખેસવીને બેઠી. નચિકેત એવો જ દેખાતો હતો. એના કાંડા પર નાડાછડી બાંધેલી છે. આછા આઈવરી શર્ટમાં એ વધુ દેખાવડો લાગતો હતો.

‘તું સૂકાઈ ગઈ એવું લાગ્યું મને, ઉપવાસ કરે છે?’

‘ના.’

‘કેમ ના? સારો વર મેળવવા વ્રતે ય નથી કરતી?’

‘મને શ્રદ્ધા નથી એવાં તપમાં … તમે ય ક્યાં માનો છો એવા બધામાં.’

‘હા, એ ખરું. હવે, તપ વગરે ય સમય આવે એમ બધું ઉકલતું જ હોય છે. જો ને લતા દીદી એ પણ મારા માટે ચારેક છોકરીઓ નક્કી કરી રાખી છે.’ સહેજ અટકી ને પૂછ્યું, ‘કાલે હું એક છોકરીને મળવાનો છું તું આવીશ મારી સાથે?’

‘હું શું કરીશ આવીને?’

મારા માટે છોકરી ફાયનલ કરજે.’

‘મને શું ખબર તમને કેવી છોકરી ગમે?’

‘તને ખબર નથી મને કેવી છોકરી ગમે? સાચું બોલે છે?’

‘કેમ એવું પૂછો છો તમે?’

‘અમસ્તું. મને હતું કે કદાચ તું મને સમજે છે. યૂ નો વૉટ આઈ મીન ..’ બોલી એ અટકી ગયો.

ભૂમિ એની સામે જોઈ રહી. આકાશમાં વાદળો હટતાં કમરામાં પ્રકાશ ઉઘડ્યો. પૂરા અજવાળામાં સાવ સમીપ નચિકેતનો ચહેરો ચમકતો હતો. ભૂમિ એ જોવામાં મગ્ન થઈ. આમ એને સતત જોઈ રહેવાથી જાણે કે એ એનામય બની ગઈ. નચિકેત પણ મને જોતા જ હશે, સ્પષ્ટ. એના મનમાં તૃષ્ણા જાગી હતી બધું બોલી દેવાની. એ બોલત પણ ખીરી, નચિકેત … ન બોલી. એને થયું કે પોતે પોતાને ભૂલી એનામય બની શકે એ જ વધુ સારું. નચિકેત ભૂમિની આંખોમાં તરતાં જળ જોઈ ખચકાયો એને સૂઝ્યું નહિ કે કશું બોલે. લાંબુ મૌન પથરાયેલું રહ્યું. પન્નાબહેન શાકની થેલી ઉંચકી અંદર આવ્યાં ત્યારે બન્નેને કંઇક બોલવાનું સૂઝ્યું.

‘પાણી લાવું’ કહી ભૂમિ ઊભી થવા ગઈ.

‘લવાય છે, કશી ઉતાવળ નથી હું નાસ્તો પૂરો કરવાનો છું.’

‘તે કરજો ને. કહો તો બીજો લઈ આવું.’

‘ના. તું બેસ, બસ.’ કહી નચિકેતે એક ચમચી મોમાં ઓરી.

‘સેવ ખમણી સારી બની છે ને?’ પન્નાબહેને નજીક આવતાં પૂછ્યું

‘હા. સાચુ કહું …… તું જેની સાથે પરણીશ એ નસીબદાર હશે.’

ભૂમિ જવાબ  આપ્યા સિવાય નચિકેતના પગના પંજા જોઈ રહી હતી.

‘કોઇને  ય નસીબ પરખાતાં નથી, ભઈ, જે આવે એ  મારી છોકરીનું રૂપ જ જુએ છે.’

‘શું તમે ય મા આડી અવળી વાતો માંડી બેઠાં છો? તમારી ચા રસોડામાં ઢાંકી છે, ઠરી જશે.’

માએ સમજતાં હોય એવું જોતાં પગ ઊપાડ્યો.

થોડી આડી અવળી વાતો કરી નચિકેત ઉઠ્યો.

‘તું પરણી જા હવે’

‘તમે પરણો છો ને.’

‘એટલે?’

‘અમસ્તું જ.’ કહી ભૂમિએ ડગલું ભર્યું, નચિકેત એની સામે આવ્યો.

‘કેમ અમસ્તું? તું  લગ્ન નથી કરવાની? કે કોઈના પ્રેમમાં છે?  ભૂમિ, મારી સામે જો …. ભૂમિ.’

ભૂમિ નીચું જોઈ રહી. નચિકેતે એનો ખભો પકડ્યો એ છોડાવતાં ભૂમિ બે ત્રણ ડગલાં છેટે ખસી. નચિકેત એની નજીક આવ્યો. ‘ભૂમિ. કંઈ થયું? મારાથી કશું …. ભૂમિ. બોલ ને.’

એને થયું એ નચિકેતને વળગી પડે. અહીંથી ચસકવા જ ના દે. પછી પોતાના મૌનથી અકળાતી ઉતાવળાં પગલે દરવાજા સુધી આવી. પાછળ ઊભેલા નચિકેતને રસ્તો આપવા ખસી.

નચિકેતના ગયા પછી ભૂમિને રડવું હતું. પણ આંસુ ક્યાંક અટકી ગયાં હતાં. ગળે ડૂમો બાઝ્યો હતો અને પેટમાં બળતરા ઉઠતી હતી. કેટલું નિરર્થક છે સઘળું આ સ્નેહભર્યો અનાદર, લાગણીસભર અવહેલના! આમ અંતરિયાળ અટકી જવું એને ક્યાં પહોંચાડશે? વર્તમાન અને વાસ્તવને એ શી રીતે નકારે?

રાતના અંધારુ ઓઢી એ સ્વંયને સંકોચતી રહી.

સ્નેહાએ વધામણી ખાધી.

‘મા, અમારા ગ્રુપમાં સહુ પરવારી ગયાં, નચિકેતે ય છોકરી પસંદ કરી લીધી. યશોધરા નામ છે એનું.’

ભૂમિને ચુપચાપ ઊભેલી જોઈ એણે ઉમેર્યું , ‘હવે તો બધા ય પરણી જશે તું કંઇક સમજ, ક્યાં સુધી આવી રીતે રહીશ? બોલ.’

ભૂમિ એક ડગલું પાછળ ખસી ગઈ. એને એ બન્ને સાથે રમતાં એ પગથિયાંની રમત યાદ આવી ગઈ.  સ્નેહાએ ત્રીજા જ દાવમાં પોતાનાં બે ઘર બનાવી લીધાં હતાં એ છઠ્ઠા ઘરમાં કૂકરી નાંખી એક પગે પહેલાં ઘરમાં ઊભી છે. બીજું અને ત્રીજું ઘર કૂદાવી છઠ્ઠા ઘરમાં પહોંચવું અશક્ય લાગે છે. એ એક પગે જાતને સમતોલતી ઘડીક કૂકરી, ઘડીક પગથિયાં તો ઘડીક પોતાના પગને જોઈ રહી હતી. અનાયાસ જ એનાથી એક પગ ઉંચકાઈ ગયો. ત્યાં બહારથી ચકલી ઉડીને આવી. ફોટા પાછળ તણખલું મૂકવા લપાઈ. ભોંયે ફરશ પર તણખલાંનો ઢગલો પડ્યો હતો. સ્નેહા કશું બોલે એ પહેલાં ભૂમિથી પગલું ભરાઈ ગયું. એ એક પગે ઊભી છે એનો અણસારો ય નહોતો પણ પગથિયું કૂદી જવાના વિશ્વાસમાં એ ફર્લાંગી.

સારું થયું નચિકેત બેસતો એ ખુરશીનો હાથો સાહી લેવાયો નહિતર પડી જવાયું હોત.

*               *              *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR

Loading

16 November 2016 admin
← ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા વિશે ભીખુ પારેખ
લોકશાહીનું તળિયું દેખાડનારાં પરિણામ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved