Opinion Magazine
Number of visits: 9449443
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પગડી સંભાલ જટ્ટા …

ભરત મહેતા|Opinion - Opinion|16 December 2020

પરથમીનો પોઠી કહેવાતો, રાજાઓનો રાજા, જનતાનો તાત અત્યારે રાજધાનીની બહાર દ્વાર ખખડાવતો ઊભો છે. એને પ્રવેશવાની પરવાનગી નથી! બારડોલીના ખેડૂત-આંદોલનથી વલ્લભભાઈમાંથી સરદાર બનેલા સરદારથી, ચંપારણથી મહાત્મા બનેલા ગાંધીજીથી, એમના માર્ગથી અદાણી-અંબાણીના શ્રવણકુમાર કેટલા દૂર છે એ આ ઘટનાથી સમજાય છે. ૫મી જૂને વટહુકમથી લાવેલા આ ત્રણ કાયદાઓ વિશે મેં ઑગસ્ટના ‘નિરીક્ષક’માં લખેલું, તેથી હું પુનરાવર્તન કરવા માંગતો નથી. એ વખતે ચિંતા એટલી જ હતી કે કૃષિક્ષેત્રનું કૉર્પોરેટીકરણ થઈ જતાં હવે શું થશે? પણ કોઠાસૂઝથી ખેડૂતો આ વાત સમજ્યા અને કુંભકર્ણ જેવી સરકારની ઊંઘ હરામ કરી નાંખી છે. કોરાના કાળમાં દેશનું લીલામ કરવાની અને મજૂરવિરોધી કાયદાઓની મોસમ હતી, જેના વિશે પણ મેં લખેલું. આ આંદોલન આઝાદીના સત્યાગ્રહ આંદોલનની યાદ આપતું આશ્વાસન છે. કાળા અંગ્રેજ સામે હિન્દુસ્તાનનો ખેડૂત પ્રતિરોધ કરે છે.

દિલ્હીથી આવતા તમામ રસ્તાઓ પર દિવસોથી લાખેક ખેડૂત બેઠા છે. થવા આવ્યા છે. બિલ વટહુકમથી પસાર કર્યા બાદ સપ્ટેમ્બરમાં રબરસ્ટૅમ્પ રાષ્ટ્રપતિએ મત્તું ય મારી દીધું! જૂનથી જ આંદોલન ચાલે છે, પણ નાક-કાન વિનાની સરકારે ગણકાર્યું નહીં. જંગી કહો કે જંગલી બહુમતીના તોરમાં, તાનમાં સરકાર છે. ચોર કોટવાળને દંડે એમ બેશરમ રાજનેતાઓને આ આંદોલનમાં ખાલિસ્તાનીઓ પણ દેખાઈ ગયા! ૪૦ કિસાનસભાઓ, ડાબેરી સંગઠનો પ્રારંભે હતાં ૮મીએ પાંચસો ખેડૂત-સંગઠનોએ ટેકો આપી આંદોલનને ભારતવ્યાપી બનાવ્યું. સરકારે ન સાંભળ્યું, તેથી એ દિલ્હી પહોંચ્યા, ઘરબાર, ખેતી જનાવર રેઢાં મૂકીને વિપક્ષ તો ઠીક, પક્ષને ય ગણકાર્યા વિના કામ કરવાની મોદીનીતિનો આ વધુ એક નાદર નમૂનો છે. નોટબંધી, જી.એસ.ટી. કે લૉકડાઉનની જેમ ‘એકાએક’ ઝિંકાયેલો નિર્ણય છે. વિપક્ષ અને ખેડૂત-સંગઠનોને સામેલ કર્યા વિના, વટહુકમથી લાવેલા આ ત્રણ કાયદા લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ છે.

સરકારના જડ વલણ સામે અન્નદાતા નીકળી પડ્યો છે. ફકીરોની જેમ ઊઠવાના કોઈ ઇરાદાવગર તંબૂ તણાઈ ગયા છે, લંગરમાંથી અવિરત ખાવા-પીવાની સુવિધાઓ મળે છે. આંદોલનકારીઓને પીવાનું પાણી પહોંચાડવાની સરકારે દરકાર નથી કરી પણ વૉટરકેનનથી પાણી મારવામાં બાકી રહ્યું છે. મારનાર પોલીસકર્મીઓને આંદોલનકારીઓ જમાડી રહ્યા છે ! ક્રાંતિગીતો ગવાઈ રહ્યાં છે. કાતિલ ઠંડીમાં કેટલાંક મોત થયાં છતાં આ ખેડૂતો ડગ્યા નથી.

આંદોલનકારીઓને સાથ આપવા અનેક લોકોએ પોતાના ઍવૉર્ડ પાછાં આપ્યા છે! આપણે જાણીએ છીએ કે પંજાબનું પ્રદાન રમતગમતમાં વિશેષ છે. અર્જુન ઍવૉર્ડ, દ્રોણાચાર્ય ઍવૉર્ડ અને ધ્યાનચંદ ઍવૉર્ડ વિજેતાઓ પોતાના ઍવૉર્ડ રાષ્ટ્રપતિને પરત કરી રહ્યા છે. એશિયન ગેમ્સમાં બે વાર સુવર્ણચંદ્રક જીતનાર કરતારસિંહ, બાસ્કેટબૉલનો અર્જુન એવૉર્ડ મેળવનાર સજ્જનસિંહ સીમા, વેઇટલિફટર વિજેતા તારા, હૉકીના ઑલમ્પિક ખેલાડી મુખબૈનસિંહ, ગુરમેલસિંહ, રાજબીર કૌર, બૉક્સિંગના દ્રોણાચાર્ય ઍવૉર્ડ અને અન્યનો સમાવેશ થાય છે. પ્રકાશસિંહ બાદલે પોતાનો પદ્મવિભૂષણ પુરસ્કાર સરકારને પરત કર્યો છે. પંજાબ-હરિયાણાના ત્રણ હાઈકોર્ટ ન્યાયાધીશોએ ખેડૂતોનું સમર્થન કર્યું છે. બ્રિટનની સંસ્થા ‘ખાલસા એડ’ દ્વારા મોટી આર્થિક સહાય મળી છે. મહિલાઓ માટે પચાસ પૉર્ટેબલ શૌચાલયો ઊભાં કરવામાં આવ્યાં છે. A.I.M.T.C.(ટ્રાન્સપોર્ટ સંગઠન)ના અધ્યક્ષ કુલતારનસિંહ અટવાલે ટેકો જાહેર કર્યો છે. દિલજિત જેવા અભિનેતાએ એક કરોડની આર્થિક સહાય આપી અને આંદોલનકારીઓ સાથે આવીને રોકાયા, સંબોધન કર્યું. આને સત્યાગ્રહ ન કહેવાય તો શું કહેવાય?

વડીલો, વૃદ્ધો, બહેનો અને બાળકો, પૂરા પરિવારો અહીં મૌજુદ છે. સંઘપરિવારવાળાઓને આ પરિવારોની ચિંતા નથી. આશ્ચર્યની વાત એ છે કે કેટલાંક યુગલો તો નવપરિણીત છે. હજુ હાથમાં મહેંદી નથી સુકાઈ. વિકલાંગો પણ છે. ચોમેરથી મદદનો ધોધ વહે છે. લોકઆંદોલનનું આ નવું સ્વરૂપ છે. દૂધ, દહીં, લસ્સી, શાકભાજી, રોટી આવ્યાં જ કરે છે. જાણે ભગતસિંહની સમાધિ પર મેળો ભરાયો હોય એવું દૃશ્ય છે, રાષ્ટ્રીય રાજમાર્ગ જી.ટી. રોડ અત્યારે એક સડક નહીં, પરંતુ જીવતુંજાગતું હિન્દુસ્તાન લાગે છે! મહેનત કરો, નામ જપો અને વહેંચીને ખાવ એવી નાનકવાણી ચોમેર સંભળાય છે. સ્વયં નાનકદેવે ધર્મપ્રચારની સાથોસાથ કરતારપુરમાં વરસો સુધી ખેતી જ કરી હતી. આંદોલનની છબી મરડી નાંખવામાં આ સરકાર માહિર છે. નમસ્તે ટ્રમ્પવાળી સરકાર કોરોના માટે તબલિગીને જવાબદાર ગણતી હતી. NRCમાં દેશદ્રોહીઓ જ છે એવું માનતી હતી. સડકો તોડી નાંખતી, રસ્તા ખોદી નાખતી સરકાર ખેડૂતોને દિલ્હી આવતા રોકી રહી છે. રાષ્ટ્રીય માર્ગ તોડી નાંખવો એ ગુનો ગણાય. શું કોર્ટ સરકારને ગુનાહિત ગણી સજા કરશે? આંદોલનના સ્થળે જૅમર લગાવ્યા છે તેથી ઇન્ટરનેટ બંધ, મોબાઇલ નેટવર્ક બંધ. મદદમાં આવેલ ડૉક્ટર્સ પરેશાન છે.

શૂરા સો પહેચાનિયે જો લડે દીન કે હેત,
પૂર્જા-પૂર્જા કટ મરે પર કભીના છોડે ખેત.

ગુરુ ગોવિંદસિંહની આવી વાણીથી આ આંદોલનકારીઓ પ્રેરિત છે. ઈ. ૧૯૦૭માં ભગતસિંહના કાકા અજિતસિંહની આગેવાનીમાં ‘પગડી સંભાલ જટ્ટા’ આંદોલનની શરૂઆત થઈ હતી. પંજાબની આ પરંપરાનો રણકો આ આંદોલનમાં સાંભળવાના બદલે વડા પ્રધાન નીરોની માફક બનારસમાં સંગીતની ધૂન પર ઝૂમી રહ્યા હતા. ખેડૂતોની જિંદગીમાં અંધકાર પાથરી, બનારસમાં પંદર લાખ દીવાનો ઝગમગાટ બીભત્સ લાગે છે! મદહોશ સરકારે સમજી લેવું જોઈએ કે આ આંદોલન હવે માત્ર MSP સુધી સીમિત નહીં રહે. ભારતની કૃષિવ્યવસ્થાને ત્રણ કાળા કાયદા દ્વારા ઔદ્યોગિક ગૃહોને સમર્પિત કરતી સરકાર સામેનો આ સત્યાગ્રહ છે. ખેડૂતોએ હવે એને જીવનમરણનો સવાલ બનાવી દીધો છે. ધીમે-ધીમે અન્ય ક્ષેત્રોના ખેડૂતો રાજસ્થાનની જેમ ત્યાં પહોંચી રહ્યા છે. હંમેશાં કોઈ પણ વાતમાં હિન્દુ-મુસ્લિમ લઈ આવતી સંઘ સરકારના હાથ અહીં હેઠાં પડ્યાં છે. બન્યું છે એવું કે હવે માત્ર ખેડૂતો જ નહીં, એની સાથે સમાજના વિવિધ વર્ગો જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત વિદેશી રાજનેતાઓએ પણ આ વિરોધનું  સમર્થન કર્યું છે. વિદેશી ભારતીયોએ પણ ઠેર-ઠેર સમર્થનમાં દેખાવો અને ધરણાં કર્યાં છે. ગાંધી ગ્લોબલ ફૅમિલી અને અન્ય ગાંધીવાદી સંસ્થાઓએ પણ સમર્થનમાં અપીલ પણ કરી છે. દલિત લેખકસંઘ, ભારતીય દલિત લેખિકામંચ, પ્રગતિશીલ લેખકસંઘ, ઇપ્ટા જેવાં સંગઠનોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. આ સંગઠનોએ કેન્દ્ર સરકારને આવેદનપત્ર પણ આપ્યું છે, જેમાં કહેવાયું છે કે આવા વટહુકમો કહેવાતા ‘નવા ભારત’માં પ્રસરી રહેલી સરમુખત્યારશાહી દર્શાવે છે.

હવે જરૂરી એ છે કે સરકારે સંસદનું સત્ર બોલાવી, પક્ષ-વિપક્ષ મળીને આ વટહુકમની ચર્ચા રાખવી જોઈએ. જેમાં કિસાન-પ્રતિનિધિઓના આ કાળા કાયદા હટાવવાના દૃષ્ટિકોણનો આદર સાથે વિચાર થવો જોઈએ. બીજું, જે રીતે આંદોલનકારીઓને ભા.જ.પ.ના નેતાઓએ ખાલિસ્તાનીઓ ગણાવ્યા છે. તે બદલ ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ માફી માંગવી જોઈએ. દેશમાં જ્યારે શિક્ષિતો લોકવિરોધી સરકાર સામે ઠંડાગાર છે, ત્યારે અન્નદાતાએ સરકારનું લોકવિરોધી સ્વરૂપ પર્દાફાશ કર્યું છે, જે આ આંદોલનની સિદ્ધિ ગણાય. બીજું શાહીનબાગથી હું જોઈ શકું છું કે સ્ત્રીઓ હવે જાહેર મુદ્દામાં પ્રતિરોધ કરવા ખુલ્લેઆમ મેદાને પડી છે, જેમાં વૃદ્ધ દાદીઓમાંથી માંડી નાની દીકરીઓ પણ આવી છે, જે સારો સંકેત છે. વિગત દસ વર્ષમાં લાખો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ઈ. ૨૦૧૯માં NCRBના રિપોર્ટ મુજબ ૧૦,૨૮૧ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આમાં મજૂરોની સંખ્યા મૂકો તો આંકડો ખૂબ મોટો થાય.

સામંતી સમજ મુજબ આત્મહત્યા કરી જીવન સંકેલી લેવાના બદલે હવે ખેડૂત લડીને ન્યાય મેળવવા માંગે છે. આ નવી રાજકીય ચેતના છે. ચાર મહિનાથી ચાલતું આ આંદોલન રાજધાનીએ પહોંચતાં ગોદીમીડિયાએ નાછૂટકે ઝીલવું પડ્યું. ભારતના ખેડૂતોના આંદોલનમાં, આઝાદી પછી તેલંગણાના ખેડૂત-આંદોલન બાદ કરતાં આવું આંદોલન નથી થયું. મહુવાના કનુભાઈ કલસરિયા નિરમાને ગૌચર જમીન અપાતાં પોતે ભા.જ.પ.ના ધારાસભ્ય હોવા છતાં બારમાથાંળા યાદ મોદી સામે ૨૦,૦૦૦ ખેડૂતોને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા એ આપણને આવે. મોદી સરકારે એ વખતે પોતાના ધારાસભ્યને પણ જેલમાં નાંખી દીધા હતા ! નજીકનું આ ઉદાહરણ અત્યારે મને યાદ આવે છે. તેથી આ આંદોલન ભારતના ખેડૂત-આંદોલનમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ બની રહેશે. ૮મીની હડતાળ પછી સરકારે વટહુકમ પાછો નહીં ખેંચાય એ નિર્ણય કરી દીધો છે ત્યારે ભારતભરમાંથી આ ખેડૂતો સાથે સહુએ જોડાઈને ઊભી થયેલી સંભાવનાને દૃઢ બનાવવી પડશે.

ડિસેમ્બર ૧૧, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 03 તેમ જ 07

Loading

16 December 2020 admin
← Political Ideology of BJP: Pragya Singh Thakur
શું અમિત શાહે અણુપરીક્ષણના વિરોધમાં વાજપેયીની આકરી ટીકા કરી હતી ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved