તા. ૦૧-૦૫-૨૦૧૬થી અમલમાં આવે તે રીતે ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત એવા વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. આ અનામતનો લાભ આર્થિક પછાતવર્ગોમાં જેમની વાર્ષિક આવક રૂ. ૬-૦૦ લાખની મર્યાદામાં હોય, તેવા તમામ લોકોને ઉપલબ્ધ થશે. એવી ગુજરાત સરકારે બહાર પાડેલા વટહુકમમાં જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતની સમૃદ્ધ પાટીદાર કોમે અનામતની માંગણી સાથે આંદોલન ચલાવેલાં તેના ફળસ્વરૂપે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની દોરવણી હેઠળ ઉપર્યુક્ત વટહુકમ બહાર પાડેલ છે.
આ વટહુકમ ભારતના બંધારણની દૃષ્ટિએ સુસંગત છે કે કેમ તે પ્રકારના અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. ભારતની સુપ્રીમ કોર્ટે અનામતના પ્રશ્ન અંગે અને ખાસ કરીને પછાતવર્ગને અનામતના પ્રશ્ને અનેક ચુકાદાઓ આપેલા છે. તા. ૧૬ નવેમ્બર, ૧૯૯૨ના રોજ ઇન્દ્ર સહાણીના કેસમાં નવ જજોની બંધારણીય બૅન્ચે બહુમતીથી ચુકાદો આપેલ છે. તેના પેરા ૧૨૧ના સબ-પેરા-૧૧માં સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે,
‘The reservation of 10% of the posts in favour of “other economically backward” section of the people, who are not covered by any of the existing schemes of the reservation” is constitutionally invalid and it is accordingly struck down.’
ઉપર્યુક્ત ચુકાદા પછી ગુજરાત સરકારે કયા આધારે આ પ્રકારનો કાયદો કરેલ છે, તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે.
આ કાયદામાં વાર્ષિક આવકની રૂ. ૬-૦૦ લાખની મર્યાદા બાંધવામાં આવેલ છે, જે મર્યાદામાં ગુજરાત સરકારના સચિવો સિવાયના તમામ નોકરિયાતોનો સમાવેશ થવાનો પૂરેપૂરો સંભવ છે. આવકની જે મર્યાદા બાંધવામાં આવી છે, તેને ખરેખર આર્થિક પછાતપણું ગણી શકાય કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આર્થિક પછાતપણું ગણવા માટે ગરીબીરેખા અંગે UNOએ નક્કી કરેલ અને વિશ્વે સ્વીકારેલ માપદંડ મુજબ દિવસના બે અમેરિકન ડૉલર એટલે કે આશરે એક દિવસની રૂ. ૧૫૦/- આવક ગણાય. ઉપર્યુક્ત ધોરણે માસિક આવક રૂ. ૪૫૦૦/- કમાતા અને વાર્ષિક રૂ. ૫૦ થી ૫૫ હજાર કમાતા લોકો આર્થિક પછાત ગણી શકાય.
ભારતના બંધારણ હેઠળ સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને, પછાતવર્ગની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલ. બંધારણમાં આર્થિક પછાતપણાની કોઈ જોગવાઈ નથી, પરંતુ, સામાજિક અને શૈક્ષણિક પછાતપણું ગરીબાઈને કારણે આવી શકે તે ધોરણે આર્થિક પછાતપણાનો સમાવેશ કરી શકાય. આર્થિક પછાતપણાના માપદંડમાં ગરીબાઈ મુખ્યત્વે ગણાય જે વ્યવસાય અને કમાણીના આધારે ગણી શકાય. યજમાનવૃત્તિ કરતો બ્રાહ્મણ, રેંકડી ફેરવતો વાણિયો – લોહાણો, ગામડામાં કાળી મજૂરી કરી ખેતી કરતો પાટીદાર અને ચોકીદાર તરીકે નોકરી કરતો કે પગરિક્ષા ચલાવતો રજપૂત વગેરે તેમ જ ગરીબીરેખાની આવકમર્યાદામાં આવતા હોય તેવાઓ પછાતવર્ગના ગણી શકાય.
સામાજિક અને શૈક્ષણિક પછાત નક્કી કરવામાં જાતિ, જ્ઞાતિને માપદંડ તરીકે સ્વીકારી શકાય કે કેમ તેવો પેચીદો પ્રશ્ન બંધારણ અમલમાં આવ્યું ત્યારથી હવામાં ગુંજે છે. ભારત સરકારની આ બાબતે વિચારધારા બહુ સ્પષ્ટ હતી. સને ૧૯૫૦થી બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી સને ૧૯૬૨ સુધી ભારત સરકારના સરકારી ઠરાવો અને માર્ગદર્શિકાઓમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાતિ-જ્ઞાતિને પછાતપણાનો આધાર ગણી શકાય નહીં. ભારત સરકારની માર્ગદર્શિકાને અનુરૂપ મુંબઈ સરકારે સને ૧૯૫૯માં જે સરકારી ઠરાવ પછાત વર્ગના માપદંડ નક્કી કરવા માટે બહાર પાડેલ છે, જે નીચે મુજબ છેઃ
3. In view of the difficulties indicated in the foregoing paragraph, the question of laying down a more suitable basis for classification of other Backward Classes – was engaging the attention of Government for some time past. Article, 46 of the constitution requires the State Government to promote with special care the Educational and economic interests of the weaker sections of the people. Hitherto the practice was to equate the weaker sections of the people with the Scheduled Castes, – the Scheduled Tribes and the Other Backward Classes. While there can be no doubt that the Scheduled Castes and Scheduled Tribes constitute the weaker sections of the people, it cannot be said that the castes now known as the other Backward Classes alone constitute such weaker sections. Poverty generally results in Backwardness of every kind and there are classes like landless labourers, village artisans petty landholders etc., who are equally backward and who, consequently, equally need assistance from the State funds for their advancement. Logically speaking, therefore all people who are economically weak will have to be classified as the weaker sections of the people and the State will have to take special care to promote their educational and economic interests. In other words, to give full effect to the directive principle embodied in Article 46 of the Constitution, income and not caste will have to be accepted as the basis for giving State aid under that Article.
4. Government is, therefore, pleased to direct that the existing Classification of other Backward Classes based on caste should be abolished with effect from the current financial year and it should be replaced by a new classification based on income.
ભારત સરકારે બંધારણના આર્ટિકલ ૩૪૦ હેઠળ સૌ પ્રથમ પછાતવર્ગ કમિશન, જાણીતા ગાંધીવાદી કાકા કાલેલકરના અધ્યક્ષપદે નીમેલ. કાકા કાલેલકરે કમિશનના રિપોર્ટ સાથે જે પત્ર લખેલો તેમાં જણાવેલું કે ભારતે જાતિવિહીન સમાજરચનાનો આદર્શ સ્વીકાર્યો છે. તેનાથી જાતિ-જ્ઞાતિનો માપદંડ તદ્દન વિરોધ છે અને તેથી તે માપદંડને સ્વીકારવો નહીં.
ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન તેમ જ આઝાદી પછીના બે દાયકાઓ સુધી ભારતમાં ‘જાતિ તોડો અને ભારત જોડો’ એવાં સૂત્રોના વાયરા વાતા હતા. ભારતનો યુવા વર્ગ આવા વાયરાના આધારે જ્ઞાતિ, જાતિની પ્રવૃત્તિથી અલગ રહેતો હતો અને અનેક એવાં દૃષ્ટાંતો છે કે જેઓએ જાતિસૂચક અટકોનો ત્યાગ કરેલ, તેમ જ આંતરજ્ઞાતીય લગ્નો કરેલાં.
આ પ્રકારના વાતાવરણ વચ્ચે સને ૧૯૬૨ના નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે એમ.આર. બાલાજીના કેસમાં એવું ઠરાવેલ કે જાતિ-જ્ઞાતિને પણ પછાતવર્ગને માપદંડ નક્કી કરવા માટે ગણતરીમાં લઈ શકાય. આ અને આવા અનેક કેસો સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની એરણો ઉપર ચડતા હતા અને જ્ઞાતિને માપદંડ લઈ ન શકાય તે પ્રકારના બે કે ત્રણ જજની ખંડપીઠના ચુકાદાઓ પણ આવતા હતા. હકીકતે ભારતે સમાનતા તેમ જ સેક્યુલર રાજ્યોનો આદર્શ સ્વીકારેલ છે, જેને કારણે જ્ઞાતિ-જાતિ આધારિત કોઈ પણ ભેદભાવભરી નીતિ કે કાયદો બંધારણે આપેલ મૂળભૂત સમાનતાના હક વિરોધી છે. બંધારણના આર્ટિકલ ૧૪માં દરેક નાગરિક સમાન તેવી જોગવાઈ છે અને બંધારણના આર્ટિકલ ૧૫(૧)માં જ્ઞાતિ, જાતિ કે ધર્મ આધારિત કોઈ પણ જાતનો ભેદભાવ રાખવા સામે પ્રતિબંધ છે. ઉપર્યુક્ત બાબતોને લક્ષમાં લઈને સને ૧૯૮૫ના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચના પાંચ જજોએ સર્વસંમતિથી ઠરાવ્યું કે જ્ઞાતિ-જાતિને પછાતવર્ગ નક્કી કરવાના માપદંડની ગણતરીમાં લઈ શકાય નહીં અને ૧૯૭૯માં ભારત સરકારે આર્ટિકલ ૩૪૦ હેઠળ દ્વિતીય પછાત કમિશન બિહારના એક રાજદ્વારી શ્રી મંડલના અધ્યક્ષ પદે નીમેલું જેને જ્ઞાતિ જાતિ આધારિત પછાત વર્ગની ગણતરી કરવા ભલામણ કરેલી. આ અહેવાલ કૉંગ્રેસ અને જનતા સરકારોના શાસનમાં ધૂળ ખાતો રહ્યો પરંતુ સને ૧૯૯૧માં શ્રી પી.વી. સિંહે વડાપ્રધાનપદેથી રાજકીય કારણોસર આ અહેવાલને અમલમાં મૂકવાની જાહેરાત કરી જેની સામે દેશવ્યાપી ચળવળ ચાલી અને કેટલાક આશાસ્પદ યુવાનોએ આત્મવિલોપન કરી પ્રાણ ગુમાવ્યા જેની બંધારણીયતા પડકારાતા સને ૧૯૯૨ના નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે ઇન્દ્ર સહાનીના કેસમાં ચુકાદો આપ્યો. ઉપર્યુક્ત ચુકાદામાં નવ જણ પૈકી સાત ન્યાયમૂર્તિઓએ બહુમતિથી જ્ઞાતિ-જાતિને પછાતપણું નક્કી કરવામાં માપદંડ ગણી શકાય, તેવું ઠરાવ્યું અને અનામતના quotaની મર્યાદા સમાનતાના મૂળભૂત હકને અવરોધરૂપ ન બને તે રીતે વધુમાં વધુ ૫૦ ટકા નિયત કરેલ છે. પરંતુ ગુજરાત સરકારના વટહુકમથી ૬૦ ટકા સુધી અનામત થાય છે, જે ચર્ચાસ્પદ છે. શ્રી વી.પી. સિંહની જાહેરાતનો અમલ થયા પછી કેન્દ્રના શિક્ષણપ્રધાન શ્રી અર્જુનસિંહે અનામતનો લાભ શિક્ષણસંસ્થાઓમાં પણ લંબાવ્યો, જેને કારણે પછાતવર્ગના લોકોને સરકારી યોજનાઓમાં, જાહેર સેવાઓમાં અને શિક્ષણસંસ્થાઓમાં લાભ મળવા લાગ્યો. આજની તેજસ્વી યુવાપેઢીના વિદ્યાર્થીઓને શિક્ષણસંસ્થામાં અપાતી અનામત ખૂબ ખૂંચે છે.
ઉપર્યુક્ત સંદર્ભમાં ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, તે પણ લક્ષમાં લઈએ. સને ૧૯૭૫માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.આર. બક્ષીના અધ્યક્ષપણા હેઠળ આર્ટિકલ ૩૪૦ હેઠળ ગુજરાત રાજ્ય માટે પછાતવર્ગની ઓળખ નક્કી કરવા અંગે પ્રથમ પછાતવર્ગ કમિશન નિમાયેલું. આ કમિશને સુપ્રીમ કોર્ટના સને ૧૯૬૩માં બાલાજીના કેસમાં આપેલ ચુકાદાને આધારે જ્ઞાતિ-જાતિનો પછાતવર્ગની ઓળખ માટે માપદંડ સ્વીકાર્યો અને હિન્દુ સમાજની આશરે ૭૦ જેટલી જ્ઞાતિને પછાતવર્ગ તરીકેની ઓળખ આપી અને મુસ્લિમોમાં જ્ઞાતિપ્રથા ન હોઈ વ્યવસાયના તેમ જ ગરીબાઈના અને શૈક્ષણિક સ્થિતિને લક્ષમાં લઈ મુસ્લિમ સમાજમાં ઘાંચી (મુસ્લિમો), પિંજારાઓ વગેરેને પછાતવર્ગ તરીકે ઓળખ આપી. બક્ષીપંચે હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનના કુલ્લે ૭૮ જેટલા સમૂહોને પછાતવર્ગની ઓળખ આપેલી. ત્યાર પછી, ગુજરાત સરકારે દ્વિતીય પછાતવર્ગ કમિશન આર્ટિકલ ૩૪૦ હેઠળ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સી. વી. રાણેના અધ્યક્ષપદે નીમેલ, જેમણે સેક્યુલરિઝમ અને સમાનતાની મૂળભૂત વિચારધારાની વિરુદ્ધ જ્ઞાતિજાતિને માપદંડ તરીકે લઈ શકાય નહીં, એવી હિંમતભરી ભલામણ કરી, ગરીબાઈ, વ્યવસાય અને શૈક્ષણિક પછાતપણાને માપદંડ ગણી પછાત, વર્ગની ઓળખ આપી. ત્યાર પછી આર્ટિકલ ૩૪૦ હેઠળ ત્રીજું પછાત વર્ગ કમિશન ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી આર.સી. માંકડના અધ્યક્ષપદે નીમેલ, જેમણે ચીલાચાલુ ભલામણો કરી બક્ષીપંચના ઓળખ પામેલા ૭૮ જેટલા સમૂહોમાં બીજી અનેક જ્ઞાતિ-જાતિ અને વ્યવસાયનો વધારો કર્યો.
ગુજરાતમાં સને ૧૯૮૦થી ૧૯૮૫ના જુલાઈ માસ સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રીપદે હતા. માધવસિંહ સોલંકી અને કૉંગ્રેસના નેતા સ્વ. ઝીણાભાઈ દરજીનો એવો દાવો હતો કે જ્ઞાતિ-જાતિ આધારિત ખામ થિયરીના કારણે કૉંગ્રેસને ધારાસભામાં બહુમતી મળેલ. હકીકતે આ દાવો ખોટો હતો, કારણ કે સને ૧૯૮૦માં જનતાપક્ષની નિષ્ફળતાને કારણે ઇન્દિરા ગાંધીના સમર્થ નેતૃત્વને પુનઃ સુકાન સોંપવા દેશભરમાં જે હવા ચાલેલી, તેનો લાભ ગુજરાત કૉંગ્રેસને મળેલો, આ જ રીતે સને ૧૯૮૫માં પંજાબના પ્રશ્ને ઇન્દિરા ગાંધીની શહાદતના કારણે દેશભરમાં જે હવા ચાલતી હતી, તેને કારણે લોકસભામાં પ્રથમ વખત કૉંગ્રેસને ૪૦૦ ઉપરાંત બેઠકો મળેલી, જેનો ફાયદો ગુજરાત કૉંગ્રેસને મળેલો અને કૉંગ્રેસના ફાળે વિધાનસભામાં ૧૪૪ બેઠકો આવેલી. માધવસિંહ સોલંકીએ આ સિદ્ધિને જ્ઞાતિ-જાતિની અને ખામની સફળતા ગણીને ૨૭ ટકા અનામત દાખલ કરવાની જાહેરાત કરી, જેના પ્રત્યાઘાતરૂપે અનામત વિરોધી આંદોલન શરૂ થયું અને માધવસિંહ સોલંકીને સને ૧૯૮૫ની ચૂંટણી પછી ચાર મહિનામાં ટૂંકા ગાળામાં મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. મુખ્ય પ્રધાનપદની નેતાગીરીમાં ફેરફાર થતાં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન શાંત પડ્યું અને શ્રી અમરસિંહ ચૌધરીના નેતૃત્વ હેઠળ સરકાર લગભગ સાડા ચાર વર્ષના ગાળા સુધી શાંતિથી ચાલી. સને ૧૯૮૯ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા કૉંગ્રેસ મોવડીમંડળે મુખ્યમંત્રીપદેથી અમરસિંહને ખસેડી માધવસિંહ સોલંકીને ફરી મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ સને ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહનો અને તેની ખામ થિયરીનો ભારે રકાસ થયો અને કૉંગ્રેસને ધારાસભામાં માત્ર ૩૯ બેઠકો મળી.
મંડલ કમિશને ગુજરાતની પછાતવર્ગની જાતિઓમાં અન્ય ૨૫ જ્ઞાતિઓનો વધારો કરેલ. ગુજરાતની ભાજપ સરકારે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કન્ફર્મ ન થયેલાં સુશ્રી સુજ્ઞાબહેન ભટ્ટને હાઈકોર્ટના નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ગણીને પછાતવર્ગ કમિશનના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાસનકાળના સમયથી નીમેલ છે, જે ગુજરાત સરકારે આજે પણ ચાલુ રાખેલ છે. સુશ્રી જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ લગભગ ૭૫ વર્ષનાં થયાં છે અને સરકારની નીતિ મુજબ ૭૦ વર્ષની ઉપરના કોઈને આ પ્રકારની જવાબદારી આપવામાં આવતી નથી. આર.સી. માંકડ કમિશન, મંડલ કમિશન અને સુજ્ઞાબહેન ભટ્ટ કમિશનની ભલામણ હેઠળ પછાતવર્ગની જાતિઓમાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે અને ગુજરાતમાં આશરે ૧૭૫ જેટલી પછાતવર્ગની જ્ઞાતિઓ અને સમૂહો આજે અસ્તિત્વમાં છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિરીક્ષણ કર્યા મુજબ દેશમાં પછાતવર્ગમાં સમાવવા માટે સ્પર્ધા ચાલી રહી છે, તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતમાં પછાતવર્ગના સમૂહમાં જે ઓળખ પામ્યા છે, તેમાંથી અનેક સમૂહો એવા છે કે જે પછાતવર્ગમાં આવી શકે નહીં. વડાપ્રધાન શ્રી મોદીની જ્ઞાતિ ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર અસ્તિત્વમાં હતી, ત્યારે સને ૨૦૦૨માં પછાતવર્ગમાં દાખલ થયેલ છે. તેમની જ્ઞાતિ મોઢ ઘાંચી છે, જેઓ મુખ્યત્વે કરિયાણા અને દૂધનો વેપાર કરે છે. મોઢ જ્ઞાતિ વણિક જ્ઞાતિની પેટા જ્ઞાતિ છે. જૂના સમયમાં આ જ્ઞાતિના જે લોકો બળદ મારફત તેલીબિયાં પીસવાની ઘાણી ચલાવતા તેવો લોકો મોઢ-ઘાંચી કહેવાતા. વર્ષોથી ઘાણીનું સ્થાન ઑઇલ મિલોએ લીધું છે અને કોઈ ઘાણી ચલાવતું નથી કે વ્યવસાયે ઘાંચી નથી. વડાપ્રધાન મોદીની જ્ઞાતિ પછાતવર્ગમાં કેમ દાખલ થઈ તે એક સંશોધનનો વિષય છે. રાષ્ટ્રીય પછાતવર્ગ કમિશનના કાયદા હેઠળ દર દસ વર્ષે પછાતવર્ગમાં દાખલ પછાતવર્ગની જ્ઞાતિઓ અંગે પુનઃવિચારણા કરવાનું કેન્દ્ર સરકાર માટે ફરજિયાત છે, પરંતુ કોઈ પણ અગમ્ય કારણસર કેન્દ્રે કે રાજ્યોએ દસ વર્ષે પુનઃવિચારણા કરેલ નથી. દિનપ્રતિદિન પછાતવર્ગની યાદીમાં વધારો થતાં ખરેખર પછાતવર્ગનો લાભ જેમને મળવો જોઈએ, તેમને મળતો નથી; કારણ કે, પછાતવર્ગ માટેની ૨૭ ટકા અનામતમાં ભાગ પડાવતી જ્ઞાતિઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે.
હકીકતે સુપ્રીમ કોર્ટની નવ જજની સંખ્યામાં બંધારણીય બૅન્ચે સાત જજોની બહુમતીથી જ્ઞાતિ-જાતિને પછાતવર્ગની ગણતરીમાં માપદંડ તરીકે સ્વીકારેલ છે, તે પણ આજે લગભગ ૨૩ વર્ષ પછી પુનઃવિચારણા માંગે છે. સંજોગો અને સમયના ફેરફાર સાથે બંધારણના અર્થઘટનમાં પણ ફેરફાર થઈ શકે તેવો એક સ્વીકાર્ય સિદ્ધાંત છે અને જ્ઞાતિ-જાતિને માપદંડ ગણવામાં દેશની એકતાને જે નુકસાન થયું છે તેમ જ સમાજ વિભાજિત થયેલ છે, તે લક્ષમાં લઈને સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની ફેરવિચારણા કરવી જોઈએ. ગુજરાત સરકાર કે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી બંધારણની એરણે ટકી ન શકે તેવો કાયદો કરવાને બદલે આ દિશામાં પ્રયત્ન કરે તો પછાતવર્ગની ઓળખમાં જ્ઞાતિ-જાતિને બદલે ગરીબાઈ, સામાન્ય વ્યવસાય, શૈક્ષણિક પછાતપણું તેમ જ સામાજિક પછાતપણાનો માપદંડ સુપ્રીમ કોર્ટ અથવા બંધારણીય સુધારા મારફત પુનઃસ્થાપિત કરી શકાય. પાટીદાર સમાજે પણ આ દિશામાં આગળ વધવું જોઈએ.
આ અંગે “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”ના તા. ૨૭ ઑગસ્ટ, ૨૦૧૫ના અકંનો તંત્રીલેખ પણ રસપ્રદ છેઃ
Caste-based reservations at Independence were an attempt to address and eliminate horrific discrimination suffered by dalits. But what was expected to be an exceptional and interim measure for social justice has since mutated into a strategy for capturing political power among other communities – with V. P. Singh extending reservations to OBCs followed by Arjun Singh’s extension of the OBC quota to IITs, IIMs and central Universities. In this case a bad Idea has literally run riot. The hollowness of an idea is sought to be covered up by empire building, since consideration of alternatives or honest re-examination of whether the idea really works on the ground is deemed politically incorrect.
“ટાઇમ્સ ઑફ ઇન્ડિયા” યથાર્થ જણાવે છે કે, જ્ઞાતિ-જાતિ ધોરણે અનામતની જોગવાઈએ રાજકારણમાં સ્થાપિત હિતો ઊભાં કર્યાં છે અને દેશમાં સેક્યુલર રાજ્ય વિશાળ સંદર્ભમાં સ્થાપવા માટે સ્વાતંત્ર્ય ચળવળના મહામૂલા આદર્શ ધર્મનિરપેક્ષ, જાતિવિહીન અને ભેદભાવવિહીન સમાજ રચનાના આર્શને પુર્નઃજીવિત કરીએ.
એ સ્પષ્ટતા કરી લઉં કે બંધારણે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભા, ધારાસભા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમ જ જાહેરસેવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત અંગે જે જોગવાઈઓ કરી છે, તે યથાર્થ છે અને આપણે દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અન્ય સમાજોની સાથે વહેલી તકે સમાનતા પ્રાપ્ત કરે.
૭-૫-૨૦૧૬
e.mail : kgv169@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 03-05