બીજા વિશ્વયુદ્ધમાં થયેલા યહૂદી નરસંહાર દરમ્યાન ઓસ્કાર શિન્ડલર નામનો એક જર્મન વેપારી સૈન્ય માટેની સામગ્રી બનાવતો અને તગડો નફો રળતો. યહૂદીઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારો જોઈ એનું મનુષ્યત્વ એવું ખળભળી ઊઠ્યું કે તેણે જીવનું જોખમ લઈ, સર્વસ્વ હોડમાં મૂકી એક હજારથી વધારે યહૂદીઓના પ્રાણ બચાવ્યા …
કહેવાય છે કે યુદ્ધસ્ય કથા રમ્યા. યુદ્ધની વાતો રમ્ય હશે, યુદ્ધ રમ્ય હોતું નથી એવા અનુભવ છતાં માણસ યુદ્ધ વિના કદી રહી શક્યો નથી. યુદ્ધ જો અનિવાર્ય હોય તો તેને જાણી લેવું જોઈએ અને યુદ્ધના ઇતિહાસમાંથી શીખ લેવી જોઈએ. યુદ્ધનો ઇતિહાસ કહે છે કે યુદ્ધ ચોક્કસ ભયંકર છે, પણ દેશપ્રેમ, બલિદાન, શૌર્ય, હિંમત, નિર્ભયતા, પરાક્રમ, ખેલદિલી, સાહસ જેવા ઉદાત્ત ગુણો યુદ્ધના સમયે વધુ નીખર્યા હોવાના દાખલા ઓછા નથી.
પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ-સલામતી જાળવવા માટે અને ફરીથી માનવસંહાર ન થાય તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી; તેમ છતાં વીસ જ વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ થયું, જે છ વર્ષ ચાલ્યું અને માનવ-ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ સાબિત થયું. તેમાં વિશ્વના પાંચેય ખંડોના 47 દેશો સંડોવાયા હતા. આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા.

ઓસ્કાર શિન્ડલર
બીજા વિશ્વયુદ્ધનાં બે પ્રકરણો કદી ભુલાવાનાં નથી – ભુલાવા જોઈએ પણ નહીં – હિરોશિમા-નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ અને યહૂદી નરસંહાર. વાત કરવી છે એક નરબંકાની જેણે પોતે જર્મન હોવા છતાં હોલોકાસ્ટ દરમિયાન અનેક યહૂદીઓની જિંદગી બચાવી હતી. એ પહેલેથી યહૂદીઓનો હમદર્દ હતો એવું નહોતું; પણ યહૂદીઓ પર વિના વાંકે અને પદ્ધતિસર થઈ રહેલા અમાનુષી અત્યાચારો જોઈ એનું મનુષ્યત્વ એવું ખળભળી ઊઠ્યું કે તેણે જીવનું જોખમ લઈ, સર્વસ્વ હોડમાં મૂકી એક હજારથી વધારે યહૂદીઓના પ્રાણ બચાવ્યા. એનું નામ ઓસ્કાર શિન્ડલર.
ઓસ્કાર શિન્ડલરનો જન્મ ૨૮ એપ્રિલ ૧૯૦૮માં. મોરવિયાના ઝ્વીટાઉ પ્રાંતમાં તે ઉછર્યો અને નાઝી જર્મનીની ઇન્ટેલિજન્સ સર્વિસમાં જોડાયો. ૧૯૩૮માં જર્મનોએ ઝેકોસ્લોવાકિયા પર કબજો કરવા માંડ્યો તે પહેલાથી શિન્ડલર જર્મન સરકારને રેલવે અને સૈન્યની અવરજવર વિષે માહિતી ભેગી કરી આપતો. ઝેક સરકારે તેને પકડ્યો પણ હતો, પણ એ વર્ષે મ્યુનિચ કરાર થયા એટલે છોડી મૂક્યો. સપ્ટેમ્બર ૧૯૩૯માં જર્મનોએ પોલેન્ડ જીતી લીધું. પોલેન્ડના પૂર્વ ભાગમાં વસતા યહૂદીઓને ક્રાકોવ નામના એક મોટા શહેરમાં આવી જવાનો આદેશ આપવામાં આવ્યો. રોજ ૧૦,૦૦૦થી પણ વધુ યહૂદીઓ ક્રાકોવમાં એકઠા થવા લાગ્યા. કમાણીની તક જોઈ શિન્ડલરે એક ખાલી પડેલી ફેક્ટરીમાં સૈન્ય માટે જરૂરી ધાતુની વસ્તુઓ બનાવવા માંડી.
યુદ્ધ આગળ વધતું ગયું, શિન્ડલરની સંપત્તિ વધતી ગઈ. જોતજોતામાં તે કરોડપતિ બની ગયો. યહૂદીઓ પરનો અત્યાચાર વધતો જતો હતો. ધંધાધાપા છીનવી લઈ, પોતાના વિશાળ ઘરોમાંથી ખેંચી કાઢી તેમને ઊંચી દીવાલોથી ઘેરાયેલા ‘ઘેટો’માં ધકેલી દેવામાં આવ્યા. વિરોધ કરનાર કે બીમાર-કમજોર ગોળીનો શિકાર બનતા. બચેલા યહૂદીઓ જર્મનોના ગુલામો તરીકે કામ કરવા લાગ્યા. નાના કારણથી કે કારણ વિના પણ તેમના પર ગોળીઓ વરસાવાતી. કોઇપણ જર્મન ચાહે ત્યારે એમને ગોળી મારી શકતો. એમણે ખતમ કરવા એક આખું તંત્ર કામે લાગ્યું હતું જે ‘એસ.એસ.’ તરીકે ઓળખાતું.
શિન્ડલરની ફેક્ટરીમાં શરૂઆતમાં બિન-યહૂદી કામદારો વધુ હતા. સમયાંતરે ઘેટોના અધિકારીઓ યહૂદીઓને મજૂરી કરવા મોકલવા લાગ્યા. એમને ઓછું વેતન આપવાનું, વળતર વગેરેની બલા નહીં. શિન્ડલરે પોતાનો ફાયદો જોઈ યહૂદી કામદારો વધારવા મંડ્યા. બે જ વર્ષમાં ૧૫૦ યહૂદી કામદારોન સંખ્યા ૧૫૦માંથી ૧,૧૦૦ થઈ ગઈ.
૧૯૪૩માં ક્રાકોવના યહૂદીઓને ઘેટોમાંથી લેબર કેમ્પમાં લઈ જવાયા. લેબર કેમ્પથી શિન્ડલરની ફેક્ટરી ઘણી દૂર હતી. માઈલો ચાલી યહૂદીઓ કામ કરવા આવે અને ૧૨ કલાક કામ કરે. શિન્ડલરે લેબર કેમ્પનો સબકેમ્પ પોતાની ફેક્ટરીમાં ખોલવાની પરમિશન માંગી, કે મજૂરોની શક્તિ બચે ને કામ વધુ થાય. દલીલ અને લાંચ બંને કામ કરી ગયાં. ફેક્ટરીમાં સબકેમ્પ ખૂલ્યો. જર્મન સૈન્યને જરૂરી ચીજો ધમધોકાર બનવા લાગી. આ કેમ્પમાં પણ કાંટાળા તાર અને વૉચ-ટાવર્સ હતા, પણ ખાવાનું વધારે સારું હતું.
૧૯૪૪ની શરૂઆતમાં મૂળ કેમ્પ એસ.એસ.ના કબજામાં ગયો અને કોન્સન્ટ્રેશન કેમ્પ બન્યો. થોડા મહિનામાં જર્મની યુદ્ધમાં હારવા લાગ્યું. ક્રાકોવ છોડતા પહેલા બચેલા યહૂદીઓને પતાવી દેવા, એવો આદેશ છૂટ્યો. શિન્ડલરે પોતાની ફેક્ટરીના અને બને તો અન્ય યહૂદીઓને પણ બચાવવા કમર કસી. યહૂદી કામદારોની જરૂર છે તેમ કહી તેણે જર્મન અધિકારીઓ જેમાંના અનેક તેના મિત્રો પણ હતા, તેમને ભેટો, લાંચ આપી એક એક યહૂદીની મોટી કિંમત ચૂકવી ૧,૧૦૦ યહૂદીઓને ખરીદ્યા. એમાં વિજ્ઞાનીઓ, ઇતિહાસકારો, વેપારીઓ, બાળકો અને મહિલાઓ હતાં. જર્મન સેના હારતી ગઈ તેમ તેમ ફેક્ટરીનું કામ ઘટ્યું, પણ શિન્ડલરે પોતાની ફેક્ટરી ચાલુ બતાવી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધી અધિકારીઓને તગડી લાંચ આપી આપીને પોતાના કામદારોને રક્ષ્યા. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં ખાવાનું ખરીદવામાં અને લાંચ આપવામાં તેની બધી સંપત્તિ ખર્ચાઈ ગઈ.
જે દિવસે જર્મન સેનાએ આત્મસમર્પણ કર્યું એ રાતે બાર વાગ્યા સુધી તે આ યહૂદીઓ સાથે હતો. વિદાય વખતે તેમાંથી એક યહૂદીએ શિન્ડલરને એક વીંટી ભેટ આપતાં કહ્યું, ‘હિબ્રુ ભાષામાં કહેવત છે, “જેણે એક જીવન બચાવ્યું, તેણે એક દુનિયા બચાવી”. આ ૧,૧૦૦ લોકોની આવનારી અનેક પેઢીઓ તમારી દેન હશે.’ એ પળે શિન્ડલર વિચારતો હતો – આ ગાડી, કોટમાં ભરાવેલી સોનાની પીન વેચ્યાં હોત તો બીજા થોડા માણસો બચી જાત – તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં, ‘હું હજી થોડું વધારે કરી શક્યો હોત!’ યહૂદીઓ ભીની આંખે તેને ભેટી પડ્યા.
બીજા વિશ્વયુદ્ધના યહૂદી નરસંહારમાં ૬૦ લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા. પોલેન્ડમાં યુદ્ધ પહેલા ૩૫ લાખ યહૂદીઓ હતા જેમાંથી માત્ર ત્રણથી ચાર હજાર બચ્યા હતા. શિન્ડલરે બચાવેલા ૧,૧૦૦ યહૂદીઓની સંખ્યા આજે ૭,૦૦૦થી પણ વધારે છે. તેઓ અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલમાં વસે છે. તેમને ‘શિન્ડલરજુડાન’ કહેવામાં આવે છે.
યુદ્ધ પછી શિન્ડલર યહૂદી રિલિફ ઓર્ગેનાઇઝેશનની મદદથી પશ્ચિમ જર્મની ગયો. ખર્ચાયેલા નાણાંનું થોડું વળતર મળતાં તેણે આર્જેન્ટિનામાં ખેતી કરી, થોડા નિષ્ફળ ધંધા કર્યા. ૯ ઓકટોબર ૧૯૪૭માં ૬૬ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું. જેરુસલેમમાં તેને દફનાવાયો. નાઝી પક્ષના કોઈને આવું માન મળ્યું નથી.
આ ભવ્ય ઘટના પર ફિલ્મ બનાવવાના પ્રયત્નો થાય જ. ૧૯૫૧ અને ૧૯૬૦માં પ્રોજેક્ટો શરૂ થયા, પણ કોઈ ને કોઈ કારણથી અટકી પડ્યા. ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયન લેખક થોમસ કેનલી યુરોપના એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા ત્યાં તેમને શિન્ડલરની વાત જાણવા મળી. ૧૯૬૪માં જે ફિલ્મ બનાવવાનો હતો તે પેફરબર્ગે કેનલીને ઘણી માહિતી આપી. આ માહિતી, સંશોધન અને શિન્ડલરજુડાનની મુલાકાતો પછી કેનલીએ ‘શિન્ડલર્સ લિસ્ટ’ નવલકથા લખી. સ્ટીવન સ્પીલબર્ગે તરત ફિલ્મ બનાવવાના રાઇટ્સ લઈ લીધા, પણ પોતે ઇમોશનલી અને પ્રોફેશનલી તૈયાર નથી એવું લાગ્યા કર્યું એટલે ‘શિન્ડલર્સ લિસ્ટ’ ફિલ્મ દસેક વર્ષ પછી, ૧૯૯૩માં બની. તેને શ્રેષ્ઠ ફિલ્મ સહિત સાત ઓસ્કાર મળ્યા. ફિલ્મ શ્વેતશ્યામ છે – સ્પીલબર્ગનું માનવું હતું કે ‘હોલોકાસ્ટને કોઈ રંગ ન હોઈ શકે’. તેમાં શિન્ડલર એક નાની છોકરીને વારંવાર માણસોની ભીડ વચ્ચે જુએ છે. એક દિવસ તેનો અર્ધો દટાયેલો મૃતદેહ જોઈ તે ખળભળી જાય છે અને યહૂદીઓને બચાવવા કટિબદ્ધ થાય છે. આખી ફિલ્મમાં માત્ર આ લાલ કોટવાળી બાલિકા રંગીન બતાવાઈ હતી.
૧૯૯૯માં શિન્ડલરના ઘરમાંથી એક સૂટકેસ મળી, જેમાં ૧૩ પાનાંનું પીળું પડી ગયેલું મૂળ લિસ્ટ, ફોટા, દસ્તાવેજો મળ્યાં તેના પરથી ‘શિન્ડલર્સ સૂટકેસ : રિપોર્ટ્સ ફ્રોમ ધ લાઈફ ઑફ અ લાઈફસેવર’ નામનું પુસ્તક બન્યું છે. એમાં એક વેધક સવાલ પૂછાયો છે, ‘ઈઝ બ્રાઈબરી ઑલવેઝ બેડ?’ સવાલમાં જ જવાબ સમાયેલો નથી?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 એપ્રિલ 2024
![]()

