ઑક્ટોબરનો મહિનો આપણા સ્વરાજ લડવૈયાઓ અને સ્વરાજ નિર્માતાઓની સંમિશ્ર સ્મૃતિઓએ ભરેલો છે. સ્વરાજ સંગ્રામ હો કે સ્વરાજ નિર્માણ, એકેય તબક્કો એવો નથી જ્યાં ગાંધી હાજરાહજૂર ન હોય

પ્રકાશ ન. શાહ
દિવાળી પછી તરતના દિવસોમાં, સંકેલાતા ઑક્ટોબરે સરદાર અને ઇંદિરાજીના – એકની જયંતી તો બીજાની સ્મૃતિનાં સહિયારાં સંભારણે ચિત્તમાં સ્વરાજ વિચારનું વિલક્ષણ ચગડોળ ચાલતું અનુભવું છું.
આમ તો એ 1982ના નવેમ્બરની 15મી હતી, જ્યારે વિનોબાજી આપણી વચ્ચેથી ગયા. તિથિએ કરીને એ જો કે દિવાળીનો દિવસ હતો. એમણે સહજપણે લય પામવાનું સ્વીકાર્યું, ઉમાશંકર જોશીએ જેને એમના યોગમૃત્યુ તરીકે જોયું, એ પર્વ દિવાળીનું હતું, મહાવીરનુંયે નિર્વાણ પર્વ.
ઑક્ટોબરનો મહિનો આપણા સ્વરાજ લડવૈયાઓ અને સ્વરાજ નિર્માતાઓની સંમિશ્ર સ્મૃતિઓએ ભરેલો છે. બીજી ઑક્ટોબર જો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીનું સ્મરણ લઈને આવે છે તો ઑક્ટોબરની આઠમી એ જયપ્રકાશનો સ્મૃતિ દિવસ છે, અને અગિયારમી એમનો જન્મદિવસ.
વળતે દહાડે, બારમી ઑક્ટોબરે રામમનોહર લોહિયાનો સ્મૃતિ દિવસ. (આમે ય લોહિયા જન્મદિવસ મનાવવા બાબતે લગારે ઉત્સાહી નહોતા, કેમ કે એમની જન્મતારીખ 23મી માર્ચ, ભગતસિંહને ફાંસી અપાયાનો દિવસ હતો.) … અને હવે 31મીએ સરદાર જયંતી ને ઇંદિરા સ્મૃતિ!
અહીં લગી તો જાણે કે બધું પાઠ્યપુસ્તકી તારીખિયા જેવું ય લાગે, પણ આ બધી લગરીક દૂરના તો પણ ઠીક ઠીક નજીકના ઇતિહાસની રીતે લટિયે જટિયે ગુંથાયેલી વાતો ખરેખર તો છે. બેસતું પખવાડિયું વળી વોટ્સએપ વિશ્વવિદ્યાલયના વિશેષ ને વિશિષ્ટ વહાલા જવાહરલાલનીયે જન્મજયંતી(14 નવેમ્બર)નું છે.
ગયેલાં ને આવતાં અઠવાડિયાંના પિસ્તાળીસ દિવસના ફલક પર જોશો તો હમણાં જે નામો ગણાવ્યાં એમાં બે ત્રિપુટીઓ વણાયેલી છે … અને, જો કે, એમાં એક નામ સરખું છે, અને તે ગાંધીનું. મુદ્દે, સ્વરાજ સંગ્રામ હો કે સ્વરાજ નિર્માણ, એકેય તબક્કો એવો નથી જ્યાં ગાંધી હાજરાહજૂર ન હોય.
સ્વરાજ લડતનું ત્રીજું ચરણ જો 1920થી 1947નું ગણીએ તો એનો શીર્ષ તબક્કો ગાંધી-નેહરુ-પટેલ એ સ્વરાજ ત્રિપુટીનો છે. ત્રણેની વિશેષતાઓ (અને એથી અલગ અલગ હોવું) છે તો વિલક્ષણ એકંદરમતીનું વલણ પણ છે. રાજમોહન ગાંધીએ એમનો સંબંધ મોટા ભાઈ, નાના ભાઈ (ગાંધી-નેહરુ) વચ્ચેના સંબંધ તરીકે ઓળખાવ્યો છે. પિતૃવત્ મોટા ભાઈએ ભળાવેલી જવાબદારીનું શિસ્તબદ્ધ એટલું જ સ્નેહમંડિત નિર્વહણ વલ્લભભાઈએ જવાહર પરત્વે કર્યું છે.
વિભાજન અને એમાં પણ ગાંધીહત્યા પછીના દિવસોમાં વલ્લભભાઈના બે યાદગાર હૃદયોદ્દગાર સચવાયેલા છે. હૃદયરોગનો હુમલો આવ્યો અને જતાં જતાં બચ્યા ત્યારે આંખ ઉઘાડવા સાથે વલ્લભભાઈનું પહેલું વાક્ય છે – મને બાપુ પાસે જતો કેમ રોક્યો! અને હા, મણિબહેનની ડાયરી બોલે છે, રાત વરત બાપુની (વલ્લભભાઈની) આંખ ઊઘડી જાય છે ત્યારે મોંમાંથી ચિંતાના ઉદ્દગારો સરે છે, ક્યાંક જવાહરનુંયે એવું તો નહીં થાય ને … જેવું બાપુનું થયું?
તેમ છતાં 1947 આસપાસના ગાળામાં ત્રણે વચ્ચે જે અંતરના ઝોલા જણાય છે એનું એક મહદ્દ કારણ એ છે કે ગાંધી લોકમોઝાર છે જ્યારે નેહરુ-પટેલને હિસ્સે રાજ્યનું દાયિત્વ છે. અલબત્ત, નેહરુ-પટેલ પણ પાક્યા તો છે લડતના નિંભાડામાં જ. પણ રાજવટના સવાલો અને ગાંધીનું લોકાયન, મેળ નયે પડે.
આ તબક્કે ચિત્રમાં, એમ તો, કૃપાલાણી, લોહિયા ને જયપ્રકાશ પણ લોકછેડેથી આવી શકે, કેમ કે ત્રણે સ્વાતંત્ર્યસૈનિક છે અને રાજ સાથે સીધું કામ પાડતે છતે સત્તામાં તો નથી.
ગાંધી-નેહરુ-પટેલ એમ કહ્યું પણ વચગાળાનાં વરસોમાં 1940માં એક, પૂર્વે અણગાજ્યું નામ એકાએક ચિત્રમાં આવ્યું છે – વિનોબાનું. 1940માં અંગ્રેજ સરકાર સામે ધ્યાન ખેંચો તરેહની વિરોધ લડતનો એક તબક્કો તે વ્યક્તિગત સત્યાગ્રહનો શરૂ થાય છે. ગાંધીની યાદીમાં પહેલું નામ વિનોબાનું છે, બીજું જવાહરનું.
વિલક્ષણ વ્યક્તિ બલકે વિભૂતિ છે આ વિનોબા. તેજસ્વી વિદ્યાર્થી. 1916માં વડોદરાથી ઘરબાર છોડી ડિગ્રીબિગ્રી પધરાવી નીકળી પડ્યા છે. એક પા હિમાલયની શાંતિ સાદ દે છે, બીજી પા બંગાળની ક્રાંતિનીયે અપીલ છે. બનારસ પહોંચ્યા છે. અહીંથી ગાડી હિમાલય તરફ જાય અને બંગાળ તરફ પણ. માલવિયાજીએ શરૂ કરેલી કોલેજના અવસરે ગાંધીજીએ કરેલું ભાષણ હવામાં છે.
ગોખલેની સલાહ પ્રમાણે એક વરસના મૌન અભ્યાસભ્રમણ પછીનું આ પહેલું ભાષણ છે – નવા જાહેર જીવન સારુ બિગબેંગ ઘટના જાણે! ભાષણમાં નથી જતો – એટલું જ નોંધું છું માત્ર કે એમાં વિનોબાને શાંતિ ને ક્રાંતિ બેઉનાં દર્શન થયાં અને એ આશ્રમવાસી બની ગયા.
આ ભાષણ બાળ રામમનોહર લોહિયા લગી પણ પહોંચ્યું છે. 1910માં જન્મ, અક્ષરશ: બાળક છે, પણ સ્વાતંત્ર્યસૈનિક પિતાને કારણે પરિવારમાં બાળવર્ષોમાં થતી ચર્ચા સાંભળતે સાંભળતે કિશોરાવસ્થાએ પહોંચતા એ લડાકુ દિમાગના બને છે. વિનોબાને પકડાયેલ શાંતિ ને ક્રાંતિનું સાયુજ્ય લોહિયાની ચિત્તભૂમિમાં સત્યાગ્રહી રૂપ લે છે.
દેશ આઝાદ થવામાં છે અને લાંબી યાતનામય જેલ પછી આરામની ગણતરીએ લોહિયા ગોવા પહોંચ્યા છે. પોર્ટુગલની જોહુકમી એમનામાંનો સત્યાગ્રહી સ્વીકારી શકતો નથી. જેલ વહોરે છે. ગાંધી કહે છે, લોહિયા જેલમાં છે તો ભારતનો સ્વાતંત્ર્યકાંક્ષી અંતરાત્મા પણ જેલમાં છે.
લોહિયા વહેલા ગયા, 1967માં, આખા સત્તાવન વરસે. દરમ્યાન, જયપ્રકાશ પક્ષીય રાજકારણ છોડી ભૂદાનમાં પડ્યા – નવી ત્રિપુટી બની, ગાંધી-વિનોબા-જયપ્રકાશ … અંધેરે મેં તીન પ્રકાશ. પણ કટોકટી આવી અને વિનોબાનું હંમેશની નિરપેક્ષતાપૂર્વક છતાં સંદિગ્ધ જણાયું. 1947માં સંપૂર્ણ ક્રાંતિનો નારો લઈને નીકળી પડેલા જયપ્રકાશ હવે લડાકુ લોહિયાનુંયે સ્મરણ જગવવા લાગ્યા. નવો નારો આવ્યો … અંધેરે મેં તીન પ્રકાશ – ગાંધી, લોહિયા, જયપ્રકાશ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 ઑક્ટોબર 2025
![]()

