'નીલે ગગન કે તલે' – ખ્યાત મધુરાયે હમણાં નંદિતા દાસની ફિલ્મ 'ફિરાક'ને "આતંકથી ફફડતા વાતાવરણવાળી એક દક્ષ, સુરેખ પ્રોડક્ટ" કહ્યા પછી એ વાતે ધોખો કીધો છે કે નંદિતાબહેન અનુગોધરા હુલ્લડોને "હુલ્લડ નહીં પણ 'કત્લેઆમ' કહે છે, ને પોતાના ગુજરાતી અંશ બદલ કદાચ આ પ્રાયશ્ચિત હશે, પરંતુ ગુજરાતની આમજનતાને આજે અમન જોઈએ છે, દંગા નહીં… હિંસાનો એક દૌર આવ્યો અને ગયો, ને ગુજરાતમાં આજે એખલાસ છે… ફિલ્મી વાઘા પહેરાવીને કશાક 'ગિલ્ટ'નું નિરસન કરવું કદાચ એક અંગત વિધિ તરીકે સ્વીકાર્ય હશે કિન્તુ તેને કળા તરીકે રજૂ કરવામાં એક નાદાની છે."
ગગનવાલાને, ગોધરા પછી જે બન્યું તે 'ઘૃણ્ય' હોવા વિશે બેલાશક શંકા નથી તેમ કોઈ પણ બાબતે હિંસા કે ધિક્કાર વાજબી નહીં હોવા વિશે પણ તેઓ સ્પષ્ટ છે. પણ એમના મતે જ્યારે એખલાસ પ્રવર્તે છે ત્યારે આ વાત ઉખેળવી દુરસ્ત નથી. એટલું જ નહીં, 'ગિલ્ટ'ના નિરસનને કદાચ એક અંગત વિધિ તરીકે સ્વીકારતે છતે તેને કળા તરીકે રજૂ કરવાને તેઓ નાદાની લેખે છે.
સદ્ભાગ્યે, જે બધું 'ઘૃણ્ય' બનતું હતું તે બન્યું જ નથી એમ માનનારાઓમાં કે તે બની રહ્યું હતું ત્યારે એને પોરસાવનારાઓમાં મધુ રાય નથી. સ્વાભાવિક જ, જે ક્યારેક 'નહીં બનેલું' હતું તેને હવે ભૂલી જાઓ એમ કહેતી ઊંઘતીજાગતીઊંઘતી પ્રતિભાઓ પૈકી પણ એ નથી. પણ એમનો મુદ્દો એ છે કે આખું ગુજરાત પાગલ નથી, અને આવી કોઈ કળા-નાદાનીનું કદાચ કોઈ લૉજિક નથી.
ભાઈ, આખા ગુજરાતને પાગલ ન જ કહીએ અને પાંચ કરોડ ગુજરાતીઓને નામે ગૌરવની ધોરાજી હંકારનારાથી છેટાયે રહીએ; પણ એક કળાકાર તરીકે એટલે કે નાગરિક સમાજના સભાન હોવા જોઈતા એકંદર તબકા માંહેલા જણ તરીકે મધુ રાયથી માંડીને નંદિતા દાસ સહિતના સૌને આ, એમનો પોતાનો વર્ગ, ત્યારે જે રીતે આંખબંધ ને લૂગડાંસંકોર પેશ આવ્યો એને અંગે કશીક ફરિયાદલાગણી અને કંઈક અપરાધબોધ તો હોવો જોઈએ ને, જેમ આ લખનારને પણ.
આયેશા ખાનની 'સ્કૅટર્ડ વોઇસીઝ' એ સંકલના પરની ચર્ચા દરમ્યાન તાજેતરમાં નીરવ પટેલે એક માર્મિક મુદ્દો કર્યો હતો કે ગુજરાતના મુસ્લિમે પોતાને વાચા આપવા સારુ કવિતાનું હથિયાર હાથમાં લીધું એ એક અનુગોધરા ઉપલબ્ધિ છે. પ્રજાના સભાન અને સંવેદનશીલ તબકાઓ આવી ઇતિહાસક્ષણોએ કશાક કળારૂપ મારફતે વ્યક્ત થવા કરે છે અને એથી કંઈક કેથાર્સિસની અનુભૂતિ સાથે વ્યાપક સમાજના સંદર્ભમાં કદાચ એક પ્રકારે કરેક્ટિવ કે સંસ્કારક હાજરી પણ પુરાવે છે. એમાં આપણી આ અડધી ગુજરાતી મૂળગી, નામે નંદિતાએ પણ કંઈક એવી ચેષ્ટા કરી છે, અને આપણી આબરૂ થોડીકે સાચવી લીધી છે.
અને હા, ભાઈ ગગનવાલા, નાગરિક સમાજની ઓળખ અને પરખ કેવળ અમન – એખલાસ જ નથી; અહીં ઇન્સાફનો એક મૂલ્ય અને પ્રક્રિયા તરીકે સ્વીકાર થયેલો છે કે નહીં તે પણ નાગરિક સમાજ સાથે અવિનાભાવ જોડાયેલ વાનું છે. હજુ હમણે લગી આ રાજ્યમાં મંત્રીપદે હોઈ શકતાં માયા કોડનાનીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ૨૦૦૨ પછી સાતે વરસે 'ભાગેડુ' જાહેર કરવા પડે અને હવે એમણે રાજીનામું આપી કસ્ટડી ભેગાં થવું પડે તે આપણે ત્યાં ઇન્સાફ મોરચે પ્રવર્તતી વિલંબિત અનવસ્થા સૂચવે છે. સભાન તબકાના એક નાનકડા હિસ્સાએ (અણુમતીએ) વચલાં વરસોમાં ચીખવા-ચિલ્લાવાની ને કળાનાદાનીની પ્રક્રિયા જારી ન રાખી હોત તો ગુજરાત તો મારા ભૈ મજેનું ગૌરવગત હતું જ. (જેમ સદ્ગત, તેમ ગૌરવગત.)
હમણે રાજ્યના મંત્રીની જિકર કરી ત્યારે આપણા એકના એક કથનકળામાહેર મુનશીજીનું સ્મરણ થઈ આવ્યું. 'ગુજરાતનો નાથ'ના વાચકને યાદ હોય જ કે ખતીબની વીતકવાર્તા જાણ્યા બાદ કાકના મોંમાં મુનશીએ મૂકેલા ઉદ્ગારો એ મતબલના છે કે આ બધું તમને બાળવાઝૂડવાનું થતું હતું તો રાજના મંત્રીને ફરિયાદ કરી કે નહીં. વાત આમ છે. ભલે ને કોઈ 'ધ અધર' પણ હોય, પણ કાયદાના શાસને એક નાગરિક તરીકે એની બાલાશ જાણવી જોઈએ. માટે સવાલ કે મંત્રીને ફરિયાદ કરી કે નહીં. વક્રતા કહો, વૈચિત્ર્ય કહો , જેમ સોલંકીકાળમાં ઉદાના ખંભાતમાં તેમ અહીં ૨૦૦૨માં મોદીના અમદાવાદમાં મંત્રીઓની સીધી સંડોવણી હતી. માટે, નંદિતા દાસની 'ફિરાક'. (આમેય એ પણ ભુક્તભોગી જ છે ને. પૂછો પરેશ નાયકને. જયંત ખત્રીની વાર્તા 'ધાડ'ના ફિલ્માંતરમાં નંદિતાની ભૂમિકા છે – અને કેમકે નંદિતા અનુગોધરા મોદીની ટીકાકાર છે – પરેશની ફિલ્મ રિલીઝ થઈ શકતી નથી.) ગમે તેમ પણ, ન્યાયે ઊંજ્યા અમન વિના અને લાગણીએ સીંચ્યા એખલાસ વિના ગુજરાતનો નાગરિક સમાજ માણસ જેવા માણસમાં સ્થપાઈ શકવાનો નથી. નવો સમાજ, ઇન્સાફને રામભરોસે રેઢો મેલી શકે નહીં.