મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક અને પ્રખર તાર્કિક કર્મશીલ નરેન્દ્ર દાભોલકરની હત્યાને પૂરા 365 દિવસ થયા. એમના હત્યારાઓની ભાળ હજી મળી નથી. તર્કના ફક્ત ઈન્કાર નહીં પણ ધરાર નકારના આ 'બત્રા'ચારી સમયમાં તેમની ખોટ વધુ ને વધુ સાલી રહી છે ત્યારે આવો તેમને એક કાગળ તો લખીએ …
પ્રિય નરેન્દ્ર દાભોલકરજી,
તમને પત્ર લખવામાં સૌથી પહેલો લોચો તો એ પડે છે સાલુ સંબોધન શું કરવું? સામાન્ય રીતે માણસ મરી જાય પછી અહીં તો 'સ્વર્ગવાસી' એવું લખવાનો રિવાજ છે. એ રિવાજ સ્વર્ગની કલ્પનામાંથી આવ્યો છે પણ સ્વર્ગ તો હજી કોઈએ જોયું નથી એટલે એવું તમને તો કેમ લખી શકાય? વળી, ધારો કે સ્વર્ગ હોય તો પણ તમે ક્યાં કોઈ કહેવાતાં પુણ્યશાળી કામ કર્યાં હતાં કે તમને સ્વર્ગ મળવાનું હતું? તમે તો આખી જિંદગી ગરીબ-ગુરબાની સેવા કરી. ધર્મધતિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું, મંત્ર-તંત્રના પરચાઓનો પર્દાફાશ કરવાનું અને સામાન્ય લોકોને વૈજ્ઞાાનિક અભિગમથી જીવવાનું શીખવવામાં ખર્ચી નાખી. સ્વર્ગ હોય તો પણ તમને વળી તે શેનું મળે? ન જ મળે અને નહીં જ મળ્યું હોય. કદાચ સ્વર્ગ-જન્નતના કારભારીઓ પણ તમને સામેથી બોલાવે તો ય તમે ત્યાં તો ન જ જાવને! એટલે મરણોપરાંતનાં સંબોધનો ફગાવીને પ્રિય જ રાખ્યું છે.
તમારા ગયાને આજકાલ કરતાં વર્ષ થઈ ગયું. પૂરા ૩૬૫ દિવસ. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ વહેલી સવારે તમે ચાલવા નીકળેલા અને બે અજાણ્યા બંદૂકધારીઓએ તમને ઠાર કરી દીધેલા. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે બે દાયકા જેટલો લાંબો સમય જાત ઘસી નાખી અને આખરે એ જ કારણસર તમે પોલીસની સુરક્ષા લેવાને બદલે મોતને વહાલું કરવાનું પસંદ કર્યું. પોલીસ તમારા કેસની તપાસ કરી રહી છે. અરે હા, એક વાત તમને ખાસ કહેવાની છે. તમને કોણે ગોળી મારી એની કડી મળતી નહોતી એટલે પોલીસે ખાસ તાંત્રિકની મદદ પણ લીધી હતી! મને ખબર છે કે આ જાણીને તમને મગજમાં(દિલમાં નહીં) ઠેસ વાગી હશે પણ શું થાય. પોલીસને બિચારીને કેટલાં બધાં કામ હોય ને વળી તમે તો પાછા જાણીતા બૌદ્ધિક માણસ. દાખલા વગર કદી દલીલ ન કરનારા અને સત્ય સિવાય કોઈ વાત ન કરનારા માણસ. તમારા ચાહકો (અનુયાયીઓ નહીં) તરફથી ઝટ તપાસ કરવા માટે અને ગુનેગારને દેશના કાયદા મુજબ સજા કરવા માટે દબાણ વધતું જાય તો પોલીસ બિચારી શું કરે? એટલે એમણે તાંત્રિકને બોલાવ્યો. તમારા આત્મા સાથે વાત કરીને તમારી હત્યાનું પગેરું શોધવાની પણ કોશિશ કરી જોઈ. હવે તમે જ આત્મા-ફાત્મામાં નહોતા માનતા એ વાતનું તમારા મોત પછી શું મહત્ત્વ હોય? હશે, તમે આ વાતનું જરીયે માઠું ન લગાડશો, કેમ કે માઠું લગાડવા માટે આનાથી પણ ચડિયાતી અનેક વાતો બની છે છેલ્લા એક વર્ષમાં તો.
દાભોલકરજી, તમારી હત્યા થઈને પછી અમને એમ થયું કે હશે, ભલે તમારો જીવ ગયો પણ કમ સે કમ તમારા રાજ્ય મહારાષ્ટ્રમાં તો હવે બીજા કોઈ માણસની આ રીતે હત્યા નહીં થાય. તમારા મોતનો મલાજો પાળીને પણ મરાઠી માણુસ અને દેશના બીજા બધા પણ કદીયે (અંધ)શ્રદ્ધાના માર્યા દોરવાશે નહીં અને વૈજ્ઞાાનિક અભિગમથી સુખેથી જીવશે. ( જોકે, આવી આશા અમને ગાંધીજીની હત્યા થઈ ત્યારેય જાગી હતી કે આ કદાચ માનવજાતની છેલ્લી હત્યા હશે) અમને એમ હતું કે હવે તો તમારી આ શહાદત રંગ લાવશે અને લોકો વાતે વાતે હાલતાં-ચાલતાં પોતાની ર્ધાિમક લાગણી ભડકવા નહીં દે. અમને ખરેખર એમ હતું કે લોકો હવે તંત્ર-મંત્ર કે ધર્મ-ધતિંગ થકી નહીં પણ પોતાની તર્કશક્તિથી વિચારશે પણ એવું ન થયું દાભોલકરજી. તમારી હત્યા પછી પૂણેમાં રસ્તા પર ઊતરી આવેલી શોકગ્રસ્ત જનતા થોડાક જ મહિનાઓમાં ફરીથી એ જ કેફી ધર્મરસમાં લીન થઈ ગઈ. તમને કદાચ જાણીને આઘાત લાગે પણ વિવેકબુદ્ધિનું સાવ દેવાળું નીકળી ગયું. એ જ પૂણે શહેરમાં એક અજાણી ધાર્મિક ફેસબુક પોસ્ટને લીધે એક યુવાનની સરાજાહેર કતલ થઈ ગઈ. તોફાનો ફાટી નીકળ્યાં. તમારા શહેરમાં જ તમારા મોતથી જાણે કે કોઈ જ ફરક ન પડયો. તમે જે વિવેકબુદ્ધિની વાત કરતા હતા. તંત્ર-મંત્રના બદલે પોતાની જાતમાં વિશ્વાસ રાખવાની ને વિજ્ઞાનને સત્ય માનવાની વાત કહેતા હતા તે બધા જ ભૂલી ગયા. તમને આ શું સૂઝ્યું'તું ભલા માણસ, તમને ખબર તો હતી જ કે લોકો તમને નહીં જીવવા દે. ગેલિલિયોથી ગાંધી સુધીના અનેક દાખલા તમને ખબર હતા ને, તો ય શું કામ તમે અમને સુધારવા નીકળ્યા? જે દેશમાં ગળથૂથીમાં જ ધર્મ-તંત્ર-મંત્ર પાઈ દેવામાં આવે છે એવા દેશને તમારે વૈજ્ઞાાનિક અભિગમ અને તર્ક એવું બધું કહેવાની શી જરૂર હતી. અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવાની માગ કરવાની શી જરૂર હતી? દેશમાં કાયદાઓ તો અનેક છે જ ને! તો ય ક્યાં કંઈ ફરક પડે છે. તમારું મહારાષ્ટ્ર અને મારું ગુજરાત તો વળી પ્રોગેસિવ કહેવાય તો ય હજી લોકો દોરા-ધાગા બાંધે જ છે ને, ટીલાં-ટપકાં કરે જ છે ને! શુકન-અપશુકન જુએ જ છે ને ! અરે, એ તો ઠીક, તો ય ડાકણ કહીને સ્ત્રીઓને મારી નાંખે છે, દલિત કહીને જીવતા-જાગતા માણસને રહેંસી નાખે છે. તમને આ શું સૂઝ્યું ભૈશાબ? લોકસેવાની આવી ધખના તો કાંઈ રખાતી હોય ભલા? હશે!
દાભોલકરજી, તમને ભલે પુષ્પક વિમાન તેડવા નહોતું આવ્યું પણ હવે અમારે અહીં તો એ ભણાવાય છે. એ વિમાન આપણા ભારતમાં જ બનેલું છે તેની તમને ખબર જ હશે. ના ખબર હોય તો નોંધ લેશો. હમણાં અમારે અહીં એક નવા બત્રાબાબા આવ્યા છે. એમણે સરસ મજાનાં પુસ્તકો લખ્યાં છે. એમાં ધર્મ-સંસ્કૃિત ને એવું બધું ભણાવાનું છે. ના …ના … એની સામે અમને તો શું વાંધો હોય પણ તમે જે તર્ક માટે જીવ આપી દીધો એનું એમાં નામોનિશાન નથી. વધારે અક્કલ નહીં વાપરવાની અને કહીએ એટલું કરવાનું, ધર્મ અને સંસ્કૃિતનું ગૌરવ અનુભવવાનું એ અમને કહે છે. અમે તો શું કરી શકીએ? એ કહે એટલું કરીએ છીએ. તમારી જેમ જીવ આપી દેવાની હિંમત અમારામાં નથી ભૈશાબ. તમે કદાચ આજે હોત તો બત્રાબાબાની ચોપડીઓની હોળી કરત, પણ હવે શું?
તમારા ગયા પછી અહીં ઘણું બદલાયું છે. સરકાર પણ અને કદાચ લોકો પણ. સરકાર તો જો કે બદલાય કે ન બદલાય એનાથી શું ફરક પડે. તમે તો જાણો જ છો, તમારો અંધશ્રદ્ધા વિરોધી કાયદો બધી સરકારોમાં ઠેબે જ ચડેલો ને. જો કે, હમણાં અહીં સરકાર કરતાં બીજી બાબતો બહુ ચર્ચામાં છે. આપણા પાડોશી યુપીમાં તો જાણે ધાર્મિક લાગણીઓનો રાફડો ફાટયો છે. મંદિર-મસ્જિદના ભૂંગળાના અવાજની તીવ્રતા બાબતે પણ ત્યાં તોફાનો થઈ જાય છે. છેલ્લા બે મહિનામાં તો નાની-મોટી ધાર્મિક લાગણી દુભાઈ જવાથી ૬૦૦ તોફાન થયાં છે, બોલો!
આ પત્ર થકી મારે તમને ખાસ એ પૂછવું છે કે તમે તો તમારા હત્યારાઓને જોયા જ હશે ને! એમાં કોઈ ચહેરો મારા જેવો તો નહોતો ને? કોના જેવા હતા એમના ચહેરાઓ? માફ કરજો, પણ આવું એટલા માટે પૂછવું પડે છે, કેમ કે મને શંકા છે કે તમારું ખૂન બે અજાણ્યા વ્યક્તિઓએ નહીં પણ મારા જેવા જ કોઈ માણસે કર્યું છે. આ દેશની સાત અબજ જનતાએ કર્યું છે. અમે જ બીકના માર્યા અમારા ધર્મગુરુઓને-બાવા-ભૂવા-મુલ્લા-મૌલવીઓને છૂટો દોર આપ્યો છે. અમે જ મગજ બંધ કરી શ્રદ્ધાને નામે સરકારો ચૂંટી છે એટલે અમે જ તમારા ખરા હત્યારાઓ છીએ. અમને માફ કરશો, દાભોલકરજી.
લિ. એક ભારતીય
e.mail mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘િવગતવાર’ નામક લેખકની કટાર, “સંદેશ”, 20 અૉગસ્ટ 2014