Opinion Magazine
Number of visits: 9507538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહીં યે વો તો નહીં ?

રજની શાહ (અાર.પી.)|Opinion - Literature|17 August 2014

એક મહિનાથી શહેર આખામાં સ્નૉ-બરફનાં તોફાનો થયાં. દેશભરમાં ઍરપોર્ટ પર હજ્જારો ફ્લાઇટસ બંધ. શહેરના રસ્તા પર આડીઅવળી અકસ્માતમાં ફસાયેલી મોટરો, બસો, ટેક્સીઓ બધી ફીટાંશ કરેલી બોર્ડગેમની બાજીના કૂટા જેવી દેખાતી હતી. ચિંતા ફક્ત એક જ હતી કે બસ હવે મારા ઘરની લાઇટ ના જાય.

પણ જો ખરેખર લાઇટ જાય તો ?

તો. ઓ ગૉડ ! ઘરમાં શું શું થઈ શકે તે વિચારો મારા દીમાગમાં ફ્લેશ થવા માંડ્યા. આ ગરમ હવા જે મારા બેઝમેન્ટમાંથી આવે છે તે સંપૂર્ણ બંધ થશે. તો પાછાં ત્રણ ચાર પડ થાય તેવાં કપડાં, બબ્બે જોડ મોજાં, બન્ને હાથે અને પગે, અરુણાચલના નક્સલવાદીઓ જેવી કાનટોપી – એ બધા વાઘા પહેરવા પડશે. ફ્રીઝરમાંથી આઇસ્ક્રીમના રેલા થઈને ઊતરશે, પછી એ ફીણાતાં ફીણાતાં બધા કીચનના સેન્ટરમાં જમા થશે. કોઇને ફોન નહીં કરવાનો, રખે ને ફોનની બેટરીનો ચાર્જ જતો રહે. ઇન કેસ, જીવ નીકળતો હોય તો 911 ડાયલ કરવા બચાવવો પડશે. ગરાજનું ઇલેક્ટૃિક ડોર નહીં ઊઘડે. ડૃાઇવ વે ઉપર ચાર ફૂટનો સ્નો પડ્યો છે તેનું શું કરીશું ? ગેરકાયદે ઘૂસી આવેલા મેક્સિકન છોકરાઓ બચાડા એ સ્નો સાફ કરવા તો આવશે પણ મારો ડોરબેલ જ કેવી રીતે વગાડશે? નો ઇલેક્ટૃિસિટી ! નાઇટ આઉટ ઇન ધિસ પંચવટી કે અશોકવાટિકા ? આ ઘર સુધી ઍમ્બ્યુલંસ કેવી રીતે આવી શકશે? શું મારે મારા બેડમાં જ લોન્લી લોન્લી મરવાનું ?

શું સાચે જ મારે બહાદુર શાહ ‘ઝફર’ ની જેમ દાઢી વધારીને મરચલા થઈને આ ગાવું પડશે ?

         ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન,  
         દો આરઝૂ મેં કટ ગયે, દો ઇંતઝાર મેં.

ઉંમરને કારણે હશે કદાચ કે હવે કાળજું મારું એટલું નાજુક થઈ ગયું છે કે આ જરા સી આહટ હોતી હૈ યે બારણાકી, ને થાય છે કે ,

        કહીં યે વો તો નહીં ?

આ વો એટલે કોણ ? વો એટલે પેલો રીત સરમનો બરછીધારી મહા મૂછ્છાળો ખુલ્લા બદનવાળો, બાંવડાં પર કડાં પહેરેલો ચિઠ્ઠીનો ચાકર યમ. યસ યમ ઉર્ફે જમ. યસ. ધી ડેથ !  બીજું કોણ ? મારું મોત. મોત. ને મોત જ. એ આવશે ને  કોઈ અજાણ પળે એનાં હાથમાં આઈ-પૅડ લઇને મને કહેશે,

‘આરપી ? કમ વીથ મી. નો.નો. પાસપોર્ટની કે વીસા કાર્ડની આવશ્યકતા નથી. ચલો પહેરેલે કપડે જ..’

*

મારો એક મિત્ર છે દેસાઈ કરીને. એનો હંમેશાં ફોન આવે, ‘બોલ, સામે એક સાઉથ ઇંડિયન નવો રહેવા આવ્યો.

તે સવારે ઊઠ્યો ને ન્હાવા ગયો ને બહાર નીકળ્યો તો એને એકદમ પરસેવો થયો. એટલે એ બેડમાં જરા ટેંપરરી આડો પડયો. હવે તે જ વખતે ઘરમાં ફોન વાગ્યો. તો વાઇફ એ રૂમમાં ગઈ ને એઝ યુઝ્વલ તડૂકી,

‘ફોન નથી લેતા ? ઈંડિયાનો નંબર છે.’

‘ડૉન્ટ નો .. સારું નથી લાગતું. જો આ મારા બોડી પર પરસેવો પરસેવો .. !’

‘એ તો તમે ઊકળતા પાણીએ શાવર લો છો એટલે. વાઇફનું એ નિદાન સાંભળે તે પહેલાં એ માણસ મરી ગયો. બોલ.’

દેસાઈને આવા તો અનેક ભેદભરમી િકસ્સાઓ મ્હોંઢે છે. ‘પેલો પંચાલ .. તું ઓળખે એને. એની વાઇફને ચા વગર ના ચાલે માટે. ચા વગર એને નંબર બે .. થાય જ નહીં, ઊતરે જ નહીં. એટલે એના માટે પંચાલ માઇનસ ટેન ડિગરી વેધરમાં દૂધ લેવા ગયો. ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરવા ગયો ને ત્યાંને ત્યાં જ ખલાસ !’

‘ઍક્સિડેન્ટ ?’ મેં પૂછેલું.

‘ના. છાતીમાં પેસ મેકરનો વાયર તૂટી ગયો .. તે હાર્ટ બંધ પડી ગયું.’ દેસાઈએ મને હિચકોકની સિફતથી કહ્યું.

*

બહાદુર શાહ જેવો ઇંતઝાર મારાથી હવે વેઠાતો નથી. પાછું મારે તો બીજું પણ એક ઑબ્સેશન છે. યૉર્સ ટૃલીને યાને કે મારે યાર મરણનો મોભો જોઈએ છે. અંદરખાનેથી મારી એવી ઈચ્છા ખરી કે હું કોઈ હોસ્પિટલના આઇ.સી.યુ.માં હોઉં ને સાહેબ ! મારા નાકમાં ઑક્સિજનની ટોટી હોય, કોણી આગળ ગ્લુકોઝની ટ્યૂબ હોય, વચ્ચે લંબગોળ નલિકાની અંદર ક્રમશ: ભરાતું હોય તેવું ક્લિયર ડૃીપ હોય અને પછી એ ડૃીપ ટેરવે લટકી લટકીને ટપકે. આઇ ડોન્ટ લાઇક નમાલું મોત ઇન માય હાઉસ. મારું મોત એવું જટિલ હોવું જોઈએ કે સમસ્ત વિશ્વના મહાબલી ડૉક્ટરો અંદરોઅંદર એક બીજાને પૂછે,

‘ડૉક્ટર ! તમને શું લાગે છે ?’ બધા એક જ વાક્ય મહાપતિને પૂછે છે,

‘આઇ ડૉન્ટ નો … બ્લડ ટેસ્ટ, કેટ સ્કેન, એમારાઈ, બાયોપ્સીઝ અને બધી જાતની સ્કોપીઝ ઑલ નોર્મલ છે.’

બધું નોર્મલ હોય ને હું મરું તો જ ભડવીર ગણાઉં. સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ જેમ મને ઑર્ડિનરી મોત ના ખપે. મોત પછીનું પણ મારું સ્ટેટસ હોવું જોઈએ. મારું બોડી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાય અને પછી એક ભવ્ય ફ્યૂનરલ હોમમાં વ્યૂઈંગ થાય. સફેદ કડક કોલરની વચ્ચોવચ્ચ લાલ બૉ ટાઈ ને ટક્સીડો પહેરીને મને સૂવડાવ્યો હોય ને હું ઠાવકો લાગતો હોઉં. બે-ચાર જણ મારા વિષે બોલે, પાછળ પાવર પોઇન્ટથી મારી જીવન ઝરમરની સ્લાઇડઝ બતાવે. લોકો તે વખતે સિસકારા બોલાવે,

‘માય ગૉડ, લૂક એટ હીમ, તે જમાનામાં એ કેવો પ્રિન્સ જેવો દેખાતો’તો. શર્ટનું સૌથી ઉપલું બટન પણ એ વાસતો!’

મને એવો અભરખો પણ ખરો કે મારી થોડી વિડીઑ ક્લિપ્સ પણ બતાવે. તે વખતે લોકો ચડીચૂપ બેઠા હોય. પાછળ ચર્ચના ઘંટ વાગતા હોય. વાટિકનની બારીમાંથી ધુમાડો નીકળતો હોય.

એવો સિનેમાસ્કોપ નઝારો મારે જોઈએ. મારી બાયોગ્રાફીની ડી.વી.ડી. પણ સાહિત્ય અકાદમી-ફકાદમી તરફથી બહાર પડે. જેમાં તમારે લોકોએ મારી લાઇફનું કશું પણ છુપાવવાનું નહીં, કારણ મરી ગયા પછી સર્વે પાપ ધોવાઈ જાય છે. એટલે એમાં પેલો પ્રસંગ પણ ટાંકજો :

સેવન્ટીઝમાં એક ગુજરાતી નટી મિસ કુંજબાલાને મેં મારા વરદ હસ્તે અમારા ફલાણા સમાજ ઑફ નોર્થ અમેરિકા તરફથી એક પ્લૅક આપેલી. ત્યારે ગ્રુપ ફોટો પડાવેલો. તેમાં મારો જમણો હાથ મિસ કુંજબાલાના સ્લીવલેસ જમણા ખભા પર હતો અને મેં મારી એ હથેળીની આંગળીઓ કોકડું વાળીને એના મસૃણ શોલ્ડર પર મારી પકડ લીધેલી. ત્યાં ઊભેલા ભોળા લોકોને એમાં કશું પાપ દેખાયેલું નહીં. પણ એ િવડીઑ ક્લિપને વારંવાર જો જો કરવાથી મારી પત્ની અનસૂયા ‘હર્ટ’ થયેલી. પછી તો એણે એની એ જ ક્લિપ સ્લો મોશનમાં હજાર વાર જોઈ હશે. એકવાર તો મને એવો શક પણ પડ્યો કે એણે દેશભરની અન્ય નામાંકિત સ્ત્રી લીડરોને પણ એ વિડીઅૉ મોકલી છે ને એ બધી મારા મગજનું પૃથક્કરણ કરી રહી છે. એક હાઈ સોસાયટીની નાજુક સ્ત્રી મારા એ ધૃષ્ટ ચાળાને ટકી શકી. એ નેજા હેઠળ અનસૂયાને કોઇ રાષ્ટ્રીય ઍવોર્ડ પણ મળ્યો. એના ફોટા સાથે પેપરમાં કોલમો લખાઈ. એમાં વાચકોએ એને ઝાંસીની રાણી કરતાં ય વધારે બોલ્ડ છે, એમ કહેલું. (ઝાંસીની રાણી પાસે તલવાર હતી, ઘોડો હતો, બખ્તર હતું. બિચારી અનસૂયા પાસે તો ફોન પણ નહતો.)

મેં પત્નીને જોકમાં કહ્યું, ‘હની ! એ ઍવોર્ડમાં મારો હાથ છે. તું મને એક સિંપલ થેંક્યુ કહીશ તો ચાલશે.!’ તો એણે મારી એ કોમેંટ કોઈ પીટક્લાસના મિલ મજદૂરના મહુડાના દારૂ જેવી ચીપ લાગી માટે ફગાવી દીધી.

હવે એવી ગિન્નાયેલી પત્ની આ સ્નો સ્ટૉર્મમાં મારી રૂમમાં છે. હું ખાટલે પડ્યો છું ને એકલો છું. ધારો કે એ મને અત્યારે કુંજબાલા કેસની શિક્ષા કરે તો? અહીં આ ડાક બંગલામાં છે કોઈ એને રોકનાર ? માટે જ આઈ વોન્ટ માય મોત ઇન આઇ.સી.યુ. મારા અગ્નિસંસ્કારનો પણ એક ફેસ્ટીવલ થવો જોઈએ હોલિકા જેવો. એના ફોટા ફેસબુકમાં જવા જોઈએ. કમસે કમ એ દસ બાર કરોડ લોકો જુએ. તો મારો આ જન્મારો પણ વસૂલ થયો ગણાશે.

સુજ્ઞ વાચકને રેફરંસ તરીકે કહું કે આપણાં સર્વોત્તમ લેખકો (નર્મદથી શરૂ કરો તે સુરેશ જોષી સુધી) અને કવિઓ (દલપતરામથી સિતાંશું ), ગઝલકારો (બાલાશંકર સે ચિનુ મોદી તક) કે વિવેચકો (નવલરામથી ટોપીવાલાને લઈ લો) એ બધાની સારી કે કચરો બધી જ કૃતિઓ ભેગી કરીએ અને ધારો કે પ્રજાજનોને ફરજિયાત રાત-દિવસ વંચાવડાવીએ (અલબત્ત, મફત ડિનરની કૂપનો આપીને) તો પણ મારા બાર કરોડના રેકોર્ડને ક્યારે ય આંબી નહીં શકે. ચેલેંજ.

તમને હવે લાગશે કે મેં મારું કાળજું મજબૂત કર્યું છે. ઉપર મુજબ ફેસબુકનો દાખલો મેં ટાંક્યો ને મારો જન્મારો કેવો વસૂલ થયો ગણાશે એમ પણ ફુલાઈને લખ્યું. છતાં સિક્રેટ કહું ? જેવી આ પંક્તિ સાંભળુ છું :

જરા સી આહટ હોતી હૈ, કે દિલ સોચતા હૈ,
કહીં યે વો તો નહીં ?

કે પાછી પગમાં કંપારી છૂટે છે. શું યમ પોતે હવે ફેન્સી વિગ પહેરીને મારી સામે માશૂકાના રૂપે આવીને છળકપટથી મને ઊપાડી જશે ? આ બારણાની સામે તાકીને બેઠો છું .. રખે એ આવે, અજવાળાં પહેરીને ઊભા શ્વાસ.

March 30, 2014

***

e-mail:   rpshah37@hotmail.com

Loading

17 August 2014 admin
← ભવિષ્ય ઉજ્જવળ રાખવા ભૂતકાળ સાચવતું બ્રિટન
ડૉ. ગણેશ દેવી સાથે દીર્ઘ મુલાકાત →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved