પાકિસ્તાન શબ્દ સાથે જ ક્યાંક કાન સરવા તો ક્યાંક રૂવાડાં ખડાં થઈ જતાં હોય છે. એમ થવું સાહજિક છે, કેમ કે એક તો તે બ્રિટિશ ભારતમાંથી આપણી સાથે જ સર્જાયેલો પડોશી દેશ છે અને વિભાજનની કાળી યાદોમાં ઉમેરાયેલાં યુદ્ધો થકી દુશ્મની કાયમ રહી છે. ૧૯૪૭માં બે દેશોનો જન્મ થયો. ભાગલાની દુઃખદ યાદો, તે સમયના ભારતમાં હાજર કટ્ટરવાદી સંગઠનો, મુસ્લિમ લીગ અને અંગ્રેજોનાં કરતૂતોને એક પળ માટે બાજુ પર મૂકીએ તો ભારત અને પાકિસ્તાન બેઉ દેશોનું સર્જન એક જ દિશા પર હતું. આ દિશા હતી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની. એક દેશ યાને કે પાકિસ્તાનની દિશા અથવા કહો તો વિઝન પળે પળે સાંકડંુ થતું ગયું અને આપણાં સદ્દનસીબે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીથી લઈને જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો.આંબેડકરે એવો વારસો આપ્યો કે કટોકટીની કાળી ટીલી બાદ કરતાં આ લખાય છે ત્યાં સુધી તો સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જાળવી રાખ્યું છે. ભારત અને પાકિસ્તાનના આઝાદીદિને એવી અનેક બાબતો છે કે જેમાં સહિયારી શીખ મળી રહે. પાકિસ્તાને ભારતમાંથી પ્રેરણા લેવી જોઈએ તેવી તો એકસો બાબત ગણાવી શકાય પણ આપણે તો વાત કરવી છે આપણે પાકિસ્તાનમાંથી શું પ્રેરણા લેવી તેની. કેટલાક લોકોને આ વાત જ હાસ્યાસ્પદ લાગી શકે છે. જે દેશનાં કાંઈ ઠેકાણાં નથી એમાંથી વળી પ્રેરણા કે ધડો શેનો લેવાનો? પણ ધડો એ જ તો લેવાનો છે, કેમ કે પાકિસ્તાનને શત્રુ દેશ ગણીએ તો પણ માણસે સૌથી વધારે શીખવાનું શત્રુમાંથી જ હોય છે.
પાકિસ્તાનનું ખરું નામ
૧૯૪૭માં પાકિસ્તાન નામના દેશનો જન્મ થયો ત્યારે તેના ત્રણ દિવસ અગાઉ ૧૧ ઓગસ્ટના રોજ મોહંમદ અલી ઝીણાએ ઐતિહાસિક ભાષણ કરેલું. તેમણે કહેલું, ‘તમે મુક્ત છો, તમે તમારા મંદિરે જવા માટે મુક્ત છો. તમે તમારી મસ્જિદે કે પછી તમારા અન્ય કોઈ પણ ધર્મસ્થળે જવા માટે પાકિસ્તાનમાં મુક્ત છો. તમારો ધર્મ, જાતિ-જ્ઞાાતિ કે સંપ્રદાય કોઈ પણ હોય એને પાકિસ્તાન રાજ્ય સાથે કોઈ જ લેવાદેવા નથી.’ ટૂંકમાં, ઝીણાની એ સ્પીચમાં દેશની જે પરિકલ્પના હતી, જે આદર્શ હતો તે તમામ વાડાઓથી મુક્ત એવા બિનસાંપ્રદાયિક લોકશાહિક રાજ્યનો હતો. પાકિસ્તાનમાં વસેલા લોકોનાં કમનસીબ કે એ સાકાર ન થયો અને આપણે એટલા નસીબદાર કે આપણે રાજ્ય તરીકે એ મૂલ્ય હજી સુધી જાળવી શક્યા છીએ. આપણે પાકિસ્તાન પાકિસ્તાન એમ જ બોલીએ છીએ પણ એનું સત્તાવાર નામ ખબર છે? સત્તાવાર નામ છે 'ઈસ્લામિક રિપબ્લિકન ઓફ પાકિસ્તાન'. આપણે એક નાગરિક તરીકે અને દુનિયાની સૌથી મોટા લોકશાહી દેશ તરીકે આ નામમાંથી ધડો લેવો જોઈએ અને પ્રત્યેક પળે તેને યાદ રાખવો જોઈએ. ઝીણાની ઐતિહાસિક સ્પીચનાં ફક્ત ૯ વર્ષમાં જ એ દેશ 'પાકિસ્તાન' યાને કે પવિત્ર પ્રદેશ જેવા અર્થમાંથી એક ધર્મકેન્દ્રિત થઈ ગયો. આપણે અહીં ઘણાં સંગઠનો વર્ષોથી એક જ કોમના રાષ્ટ્રનો ઝંડો લઈને ફરે છે અને સરકારની કામગીરીમાં ધાર્મિક દખલ વધી રહી છે ત્યારે આપણે ધડો લેવો જોઈએ. પાકિસ્તાનમાં ઉદારમતવાદીઓ-લોકશાહિક લોકોની આશા પર જે રીતે ૧૯૫૬માં પાણી ફરી વળ્યું એવું આપણે ત્યાં કદી ન થાય એના પર ચાંપતી નજર રાખવી એ આઝાદીને જાળવી રાખવાની માસ્ટર કી છે. પાકિસ્તાનને આજે ઘણાં લોકો ઝીણાના લોસ્ટ ડ્રીમ યાને કે ખોવાઈ ગયેલાં સપનાં તરીકે ઓળખાવે છે. આપણું સપનું હજી હયાત છે. સાબૂત છે.
બંધારણીય સંસ્થાઓનો આદર
ભારત અને પાકિસ્તાન બેઉ દેશોનું આયુષ્ય તો સરખું છે પણ લોકશાહિક વયમાં ઘણો ફરક છે. ભારતે ફક્ત એક જ વાર ઈંદિરા ગાંધીના સમયમાં કટોકટી યાને કે સરમુખત્યારશાહી જોઈ છે એની સામે પાકિસ્તાનમાં અત્યાર સુધી જનરલ અયુબ ખાનથી જનરલ પરવેઝ મુશર્રફ સુધી ૩૨ વર્ષ સુધી સરમુખત્યારશાહી શાસન જોયું છે. ટૂંકમાં, કટ્ટરવાદી તત્ત્વોની ધાક ત્યાં કાયમ રહી છે. એક દેશ તરીકે પાકિસ્તાનની સૌથી મોટી નિષ્ફળતા એ આ છે. બંધારણીય સંસ્થાઓ ન વિકસવી અને તેનો આદર ન થવો એ કેટલી ભયંકર બાબત બની શકે છે એનો ખ્યાલ આપણને આપણા પડોશીની હાલની હાલત પરથી આવી શકે છે. હવે જરા આપણાં દેશમાં જોર પકડી રહેલાં બેઉ કોમનાં કટ્ટરવાદી તત્ત્વો તરફ નજર કરો. આપણા દેશમાં નેતાઓ દ્વારા બંધારણીય સંસ્થાઓ સામે કરાતાં બેફામ વાણીવિલાસ પર નજર કરો. ચૂંટણીપંચ હોય કે સર્વોચ્ચ અદાલત આપણે કાંઈક અંશે બંધારણીય સંસ્થાઓને ગૌરવભેર સાચવી શક્યા છે એમાં જ આપણી ખરી સફળતા છે. દેશમાં સૌપ્રથમ વાર જમણેરી ઝોક ધરાવતી સરકાર બહુમતીમાં છે ત્યારે કેટલાંક એવાં પણ તત્ત્વો છે કે જેઓ આ સ્થિતિને એક મોટી તક તરીકે જુએ છે. આવાં તત્ત્વોથી દેશને સાબૂત રાખવા માટે પાકિસ્તાન આપણા માટે એક કેસસ્ટડી છે. વિશાળ સ્વતંત્રતા જ્યાં સાંકડી શેરી બનીને રહી ગઈ હોય એવા દેશમાંથી આપણે ધડો નહીં લઈએ તો આપણે જાળવેલી અને દુનિયાના સૌથી સારા બંધારણ થકી સંર્વિધત કરેલી લોકશાહી એક ઘડીક વારમાં જ પડી ભાંગશે. આજકાલ વાતે વાતે બિનસાંપ્રદાયિતાને અથવા તો તેમાં માનતા લોકોને ગાળ દેવાની ફેશન છે પણ કોઈ દેશ બિનસાંપ્રદાયિક ન હોય તો શું થાય એ જોવા માટે ઉત્તમ ઉદાહરણ પાકિસ્તાન છે. સવાલ શિયા-સુન્નીનો હોય કે લઘુમતી હિંદુઓના રક્ષણની રાજ્ય વ્યવસ્થાનો, જ્યારે કોઈ કોમતરફી બને છે ત્યારે તેનો કદીયે વિકાસ થઈ શકતો નથી. એક અરાજકતા ફેલાય છે જેમાં બળિયાના બે ભાગ જેવો ઘાટ ઊભો થાય છે. જે રીતે આપણો દેશ એકતા અને અખંડિતતા ટકાવી શક્યો છે એ રીતે પડોશી દેશમાં બન્યું નથી. વજિરિસ્તાન-બલુચિસ્તાન જેવા પ્રદેશોમાં તો સરકારની હાજરી છે કે નહીં તે કળવું મુશ્કેલ બની જાય છે. લોકશાહીમાં લશ્કર રાજ્યના તાબામાં રહેવું જોઈએ પણ પાકિસ્તાનમાં લશ્કરનો દબદબો એટલો છે કે તે ગમે ત્યારે રાજ્યને ગળી શકે છે.
આપણી નવી સરકારની રચના વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ હાજર રહ્યા હતા. છાશવારે સીમા ઉલ્લંઘન અને બીજા અનેક પ્રશ્નો બેઉ દેશો વચ્ચે છે. આશા રાખીએ કે એ સવાલો ક્રમશઃ ઉકલતા જાય. આપણી લોકશાહી આવનારા દિવસોમાં મજબૂત થતી જાય અને પાકિસ્તાનમાં લોકશાહી કાયમ ટકી રહે. આગામી લોકશાહીક પ્રજાસત્તાક દિનના ઈંતજાર સાથે મહામૂલા આઝાદી દિવસની શુભકામનાઓ
જશ્ન-એ-આઝાદી
"મનની આઝાદી એ જ ખરી આઝાદી છે. ભલે સાંકળથી બંધાયેલો ન હોય પણ મન મુક્ત નહીં હોય તો એ માણસ ગુલામ જ ગણાશે, મુક્ત નહીં. ભલેને તે કેદમાં ન હોય તો પણ એ કેદી જ ગણાશે, મુક્ત નહીં. જેનું મન આઝાદ નથી તે માણસ મડદા સમાન છે. મનની આઝાદી એ આપણા અસ્તિત્વની સાબિતી છે."
– ડો.બી.આર. આંબેડકર
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘વિગતવાર’ નામક લેખકની કટાર, “સંદેશ”, 13 અૉગસ્ટ 2014