અને વળી ચોથો મોરચો ! લાલુ, મુલાયમ, પાસવાન એટલે કે રાજદ, સમાજવાદી પક્ષ અને લોકજનશક્તિ સાથે મળીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં કામ કરશે, એવા હેવાલો છે. ગાંધીનેહરુની કૉંગ્રેસ હોય કે લોહિયા-જેપી-વીપીનાં નામ લેતા આ સૌ, કે પછી ફૂલે-આંબેડકર વારસાઈ વટાવતાં માયાવતી : દરેક દરેક પક્ષ, દરેક દરેક નેતા, દરેક દરેક ઉમેદવાર સમક્ષ પૂરો દેશ અને સારોયે સમાજ હોય એવી છાપ આ દિવસોમાં ભાગ્યે જ ઊપસે છે. સ્વાતંત્ર્યસંગ્રામ અથવા તો સપ્ત ક્રાંતિ દર્શન કે પછી સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન જેવી કોઈ ધોરણસરની બેઠક વગરના આજના વિખંડિત રાજકારણ વિશે શું કહેવું. બેલાશક, એ એક હીનોપમા થશે, પણ 'બાબુલ મોરા' – ખ્યાત નવાબ વાજિદઅલી શાહની ક્ષમાયાચના સાથે કહેવું જોઈએ કે લખનૌનો દરેક ત્રીજો ટાંગાવાળો જેમ પોતે વાજિદઅલી શાહનો પૌત્ર હોવાનો દાવો કરે છે તેમ આ બધા જ વ્યાપક એકંદરમતી (કૉન્સેન્સ)નું પ્રચલન હતું તે અડવાણીની રથયાત્રા અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ના રાજકારણ સાથે બૂરી રીતે તૂટ્યું અને ભાગલાપૂર્વે જેવું કોમી વિભાજન હતું તેવું ધ્રુવીકરણ સામે આવ્યું. સામાજિક ન્યાયની અને હિંદુત્વની, આ બેઉ રાજનીતિ વિસ્તરતી નાગરિકતાને બદલે વકરતી નાતજાતકોમની બની રહી. માધવસિંહ સોલંકીના ખામ વ્યૂહના ખંધા અનુસરણમાં ગુજરાત ભાજપે જે રીતે કૉંગ્રેસના રિજેક્ટેડ માલને સ્વીકાર્યો છે તે આ જ પ્રક્રિયાનો નાદર નમૂનો છે : ભારતીય-બારતીય તો ઠીક મારા ભૈ, પણ તેઓ પહેલાં કોળી પટેલ કે આદિવાસી (અગર વાણિયા બ્રાહ્મણ) છે, અને પછી 'હિંદુ'.
વાત એમ છે કે નકરાં ઇલેક્શન એન્જિન બની રહેલા પક્ષોએ નાગરિક ઘડતર પર ધ્યાન આપ્યું જ નથી; અને વિસ્તરતા સુખી મધ્યમવર્ગે વંચિત દલિતશોષિત ગાંધી નેહરુ જેપી લોહિયા આંબેડકરની વારસાઈના વહેમમાં વિલસે છે – બલકે, એવો જ દાવો કરે છે. દમયંતીના સ્વયંવરમાં, તે પોતે જેને વરવા ઇચ્છતી હતી એ નળ ઉપરાંત કેટલાક દેવો પણ નળનું રૂપ લઈને દાખલ થઈ ગયા હતા એ પ્રસંગને અનુલક્ષીને પ્રમાનંદે ડાબા હાથની ઠીક ફટકારી છે કે વીરસેન પાંચેનો બાપ. હાલની ટુકડા ટુકડા રાજનીતિના દાવેદારો માટે આથી વધુ સાર્થક, સટીક ટિપ્પણી ભાગ્યે જ બીજી હશે.
ટુકડા ટુકડા અગર તો વિખંડિત ( ફ્રૅક્ચર્ડ ઍન્ડ ફ્રૅગ્મેન્ટેડ ) રાજનીતિનાં બે કારણો તરત સમજાઈ રહે છે : મતદારે નાગરિક તરીકે નહીં વિકસતાં નાતજાતથી ગંઠાયેલ મનોગણિતને અગ્રતા આપી છે, તો રાજકીય પક્ષોએ પણ નાગરિક સિવાયની ભળતીસળતી અપીલોથી રોડવવાપણું જોયું છે. સ્વરાજની લડતમાં અને સ્વરાજ પછી શરૂના દસકાઓમાં જે એક તબકાને પાંખઅનેપનાહ-આપવાપણુંયે જોયું નથી. વળી આપણા કૉંગ્રેસ-ભાજપ જેવા તથાકથિત રાષ્ટ્રીય પક્ષોનાં વિશ્વદર્શન એટલાં સીમિત અને પરિમિત છે કે આજે ગરીબો અને ગરીબી તમને રાષ્ટ્રીય વિમર્શમાં શોધ્યાં જડતાં નથી.
તેથી આ ચૂંટણી કોઈ એક ખરો, દૂરગામી મહત્ત્વનો પડકાર લઈને આવી હોય તો તે જે બધા સીમાન્ત તબકાઓ છે (જેમની ભારે બહુમતી છે) અને જે બધા કેન્દ્રમાં હોવા જોઈતા પણ સીમાડે રહી ગયેલા મુદ્દાઓ છે એમને કેવી રીતે પડમાં આણવા એ છે. બને કે આજુબાજુનાં બાવાજાળાં સાફ કર્યાથી ઢંકાઈ ગયેલો હાર્દ ઇલાકો કંઈક ઊઘડે.
જૂનો અને જાણીતો (સહેજે ખોટો નહીં એવો) ઉપાય અલબત્ત વોટર્સ કાઉન્સિલથી માંડીને ઇલેક્શન વૉચ પ્રકારના ઉપાયોનો છે હમણાં અમદાવાદમાં બિહેવિયર સાયન્સ સેન્ટર, મારગ, સહિયર, આશાદીપ, જનપથ વગેરે સાથે સંકળાયેલા સ્વૈચ્છિક કર્મશીલો આનંદ મઝગાંવકર અને મિત્રોની પહેલથી આ માટે મળ્યા પણ હતા. એક પણ ઉમેદવાર લાયક ન હોય તો એ સઘળા સામે નકારમત આપી શકાય એવી સુષુપ્તવત્ જોગવાઈ પણ ચર્ચામાં આવી હતી, અને વડોદરાના રોહિત પ્રજાપતિએ તે દિશાના પ્રયોગોનો ખયાલ પણ આપ્યો હતો. ઇલેક્શન વૉચ જરૂર નાગરિકની દૃષ્ટિએ એક પાયાનું કામ છે અને તે થવું જ જોઈએ.
પણ તે છતાં અને તેટલા માત્રથી આજની તારીખે આપણી ભાવઠ ભાંગી શકે એમ તો જણાતું નથી. વૈશ્વિકીકરણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, આ બેનાં જે અર્થકારણ-રાજકારણ છે એમાં નાગરિકની બાલાશ તો નાખી નજરે પણ જણાતી નથી. આવે વખતે મુખ્ય પ્રવાહની બહારના કોઈ પક્ષો મેદાનમાં આવે – ત્રીજો/ચોથો પણ બિનચીલેચલુ મોરચો રચે, અગર તો કોઈ સીમાન્ત પક્ષ પ્રજાના બળ તરીકે આંદોલનની ભૂમિકાએ રહી લડે તો કોઈક મુદ્દો દર્જ જરૂર થાય. નમૂના દાખલ, વડોદરામાં એસયુસીઆઈના તપન દાસગુપ્તા કેવી લડાઈ આપી શકે છે તે જોવું રસપ્રદ થઈ પડશે.
સ્વૈચ્છિક કર્મશીલો સાથે સંકળાયેલાં મલ્લિકા સારાભાઈની અપક્ષ ઉમેદવારી પણ એક 'સેલિબ્રિટી' – માત્ર તે જ ધોરણ નહીં પરંતુ બેજબાનની જબાન બનવાની હોંશ સાથે તળ કાર્યાનુભવપૂર્વક મેદાનમાં ઊતરવાની હિંમત દાખવવા બદલ જરૂર ધ્યાનાર્હ છે. સવાલ માત્ર ત્રીજા/ચોથા મોરચા તરેહના ચીલેચલુ પ્રયોગથી હટીને અપક્ષ ધોરણે જનતાનાં બધાં બળોના પ્રતિનિધિરૂપ અવાજ તરીકે ઉભરવાનો છે અને એ રીતે ગુજરાતમાં વૈકલ્પિક રાજનીતિની આવાં ગર્દ કામગીરી બજાવવાનો છે.
મુદ્દો, મથાળેથી ચીખીને પણ ચિંતાથી ચીંધ્યું છે તેમ નાગરિકની પોત્તીકી જગ્યા બનાવવાનો છે.