Opinion Magazine
Number of visits: 9448629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

િવશ્વજ્ઞાનયજ્ઞના યજમાન : ડૉ.ધીરુભાઈ ઠાકર

દાઉદભાઈ એ. ઘાંચી|Opinion - Literature|4 August 2014

િવશ્વજ્ઞાનયજ્ઞના યજમાન : ડૉ.ધીરુભાઈ ઠાકર

જ્ઞાનવિશ્વમાં ગુજરાત :

એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખાવવામાં આવી રહી છે. આદિ માનવીથી લઈને આધુનિક માનવી સુધીનાનું મૂલ્યાંકન કરવામાં આવે તો એમાંથી જે એક બાબત નોખી તરી આવે છે તે માનવીએ સાધેલો અનેક ક્ષેત્રોમાંનો વિકાસ છે. એ વિકાસ એટલા જ કારણે શક્ય બન્યો છે કે કુદરતે માનવીને મગજ આપ્યું છે જેના સહારે એ વિચારી શકે છે, તર્ક કરી શકે છે, નિર્ણય કરી શકે છે અને વાણી દ્વારા એના મનોમંથનને વ્યક્ત કરી શકે છે. એ વિવિધ શક્તિઓના વિકાસની પાછળ એણે જે તે સમયે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું બળ રહેલું છે.

એકવીસમી સદીની વિશિષ્ટતા એ છે કે માનવીએ જ્ઞાન પ્રાપ્ત કરવા, તેનો ઉપયોગ કરવા, તેની જાળવણી કરવા અને તેનું વારંવાર નવીનીકરણ કરવા અનેક સાધનો, માધ્યમો, ઉપકરણો, ટેકનોલોજી વગેરે વિકસાવ્યાં છે. આજે તો જ્ઞાન એટલું બધું વ્યાપક બની ગયું છે કે તેનો ઉદ્યોગ શરૂ થઈ ચૂક્યો છે. હવે માણસને અહેસાસ થયો છે કે જ્ઞાન એક શક્તિ છે. Knowledge is powerનું સૂત્ર આજના માનવીએ બરાબરનું આત્મસાત કર્યું છે.

માટે જ, દુનિયાના દેશો અને તેમાં વસતો માનવ સમાજ જ્ઞાનના નવા ઊભરી રહેલા ઉદ્યોગમાં પોતાનું પ્રદાન કરવા, એ ઉદ્યોગમાંથી મહત્તમ લાભ મેળવવા અને જ્ઞાન વડે એની સાંસ્કૃિતક સમૃદ્ધિ વધારવા અનેક વાનાં કરી રહેલા છે. ગુજરાત એ હોડમાં પાછળ રહી ન જાય એવી ચીવટ રાખવી રહી. આ માટે ગુજરાત સરકારે Knowledge Consortium નામની સંસ્થા સ્થાપી છે. ભારત સરકારે વર્ષ 2005માં National Knowledge Commissionની રચના કરેલી. એના અધ્યક્ષ હતા જાણીતા વિદ્વાન ડૉ. સામ પિત્રોડા. એ પંચે ભારતમાં જ્ઞાનયુગનાં મંડાણ ઝડપી અને અસરકારક રીતે થાય એ માટે વર્ષ 2007 અને 2009માં બે હેવાલો અાપેલા. એમાંની ભલામણોનો અમલ કરવા ગુજરાત સરકારે પેલું consortium રચેલું છે, અને તે કાર્યરત પણ છે.

ગુજરાતે સદીઓથી જ્ઞાનને એક મૂલ્ય તરીકે સ્વીકાર્યું છે. તેના સંવર્ધન અને પ્રસારણ કાજે શિક્ષણનો પ્રબંધ પણ કરવામાં આવ્યો છે. વળી સરકારના પ્રયત્નોને પૂરક થાય એવી જ્ઞાનપોષક પ્રવૃત્તિઓ હાથ ધરવા અનેક બિનસરકારી સંસ્થાઓ, પ્રતિષ્ઠાનો વગેરે પણ સ્થપાતાં રહ્યાં છે. એ પૈકી જ્ઞાનસંગ્રહની દિશામાં જે બે નોંધપાત્ર સાહસો હાથ ધરાયેલાં તે, ભગવદ્દગોમંડળ અને જ્ઞાનગંગોત્રીનાં જાણીતાં છે. તાજેતરમાં એ દિશામાં ખૂબ મહત્ત્વનું પ્રદાન કરનારી બિનસરકારી સંસ્થા તે ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ, અમદાવાદ છે. વર્ષ 1986માં જેની બુનિયાદ અમદાવાદ ખાતે નંખાઈ તે ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટના વિકાસનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. એના પાયામાં રહેલ એક મહાવ્યક્તિ તે સ્વ. ડૉ. ધીરુભાઈ ઠાકર.

ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ :

ધીરુભાઈ મૂળે શિક્ષક. જન્મ તારીખ 27 જૂન 1918માં, અવસાન 24 જાન્યુઅારી 2014માં. 96 વર્ષની એમની જીવનયાત્રા. એ યાત્રાનાં બે સમય બિંદુ : 1918 અને 2014. એનાં બે ભૂમિબિંદુ : કોડીનાર (જિ. જૂનાગઢ) અને અમદાવાદ. એ બન્નેની વચ્ચે સમાયું જ્ઞાન વિશ્વ, શિક્ષણ વિશ્વ, સર્જન વિશ્વ. એ વિશ્વ ભર્યુંભાદર્યું બન્યું ચિંતન વડે, કાર્યો વડે, સાહસો વડે, અને સંવેદનશીલ આત્મા વડે. અનેકાનેક અનુભૂતિઓ દ્વારા ઘડાયાં એમનું જીવનદર્શન, એમની જીવનશૈલી, એમની કર્મશૈલી, અને એમની સંબંધશૈલી. અને એ બન્યા એક વિશિષ્ટ, દૃષ્ટિમંત અધ્યાપક અને સ્વપ્નશીલ અાચાર્ય. એ બન્યા મૂર્ધન્ય સાહિત્કાર, અને એ બન્યા અઠંગ પ્રવાસી, જ્ઞાનયાત્રી.

એક કલ્પનાશીલ અધ્યાપક તરીકે તેમણે શિક્ષક – અને વિદ્યાર્થી વચ્ચેના અાદાન-પ્રદાનની, એક શુષ્ક, બિન ઉત્પાદક, અને યંત્રવત્ થતી પ્રક્રિયાને જ્ઞાનકેન્દ્રી બનાવવાના અનેક પ્રયોગો હાથ ધર્યા. એમણે કલમ ઉપાડી અને સર્જવા માંડેલાં સાહિત્યનું અને એમની અનેકવિધ કૃિતઓનું, જ્ઞાનનું એક પ્રભાવશાળી માધ્યમ જ નહીં, બલકે જ્ઞાનની શાશ્વતી સરિતામાં રૂપાંતર કર્યું. અને જ્ઞાનયુગનો વિધિવત્ પ્રારંભ તો 21મી સદીમાં થવાનો હતો ત્યારે તેમણે તો 20મી સદીના અાખા ઉત્તરાર્ધને જ્ઞાનની અવિરત ચાલતી પરંપરાનો યુગ બનાવ્યો. અા રીતની ત્રિવિધ પ્રક્રિયાએ વિશ્વકોશના સમર્થ દાર્શનિક એવા ધીરુભાઈની ગુજરાતને ભેટ ધરી. એ બન્યા વિશ્વકોશના અાંદોલનના પ્રખર પ્રણેતા, જેણે વિશ્વકોશને અાધુનિક રૂપ અાપ્યું. ગુજરાતી વિશ્વકોશ એ એમની કલ્પનાની વિશ્વકોશીય વિભાવનાનું પ્રતીક છે, એમનું કલ્પના ફરજંદ – brain child – છે. ગુજરાતને, ગુર્જરજનોને, એ ફરજંદનું ગૌરવ છે કારણ કે એ દેશના અને દુનિયાના સંસ્કાર જગતમાં સૌષ્ઠવ, તેજ અને બળ વડે પોતાનું આગવું સ્થાન મેળવી ચૂક્યું છે.

વિશ્વકોશનું વિચાર બીજ :

ધીરુભાઈનું આગવું જીવનદર્શન એમના હૃદયના ભાવોને પ્રતિબિંબિત કરતું હતું. એક મધ્યમવર્ગી, પરંપરાનિષ્ઠ બ્રાહ્મણ કુટુંબના સંસ્કારો એમણે બાળપણથી ઝીલ્યા હતા, પચાવ્યા હતા અને અાત્મસાત કર્યા હતા. પ્રેમાર્દૃ હૃદય એમની મોટી મિરાત હતી. માણસ માત્ર માટે, કશા ય ભેદભાવ વિના, એ અનુકંપા અને સહૃદયતાભર્યો અભિગમ રાખતા, વ્યવહાર કરતા અને સામેવાળાને ઉષ્માયુક્ત વ્યવહારથી પોતાનો બનાવી લેતા. એમણે મુંબઈ, અમદાવાદ અને પછી સાબરકાંઠાના અંતરિયાળ ગામ મોડાસામાં અધ્યાપનકાર્ય કર્યું. એ કાર્ય ફક્ત વિધિવિધાન પૂરતું ન હતું. એમની શિક્ષણની ફિલસૂફી માનવીના સર્વાંગી ઉત્કર્ષના ખ્યાલથી તરોતર હતી. આપણી શિક્ષણ સંસ્થાઓ પરીક્ષાલક્ષી કર્મકાંડપ્રધાન શિક્ષણ આપીને ઇતિશ્રી માનતી હોય છે. ધીરુભાઈનો આગ્રહ હતો કે એમનો પ્રત્યેક વિદ્યાર્થી જ્ઞાનયાત્રી બને, અંતરખોજ કરતો થાય અને ઉદાત્ત ચારિત્ર્ય વિકસાવે, અામ ત્યારે જ થઈ શકે કે જ્યારે એ જ્ઞાનમાર્ગી બને, જ્ઞાનને અાત્મસાત કરે અને એક ઉમદા ઇન્સાન બને. આ માટે તે વિદ્યાર્થી પાસેથી જ્ઞાનપદાર્થના અવગાહનની અપેક્ષા રાખતા હતા. તેથી જ એમની આ ઇચ્છાના ફળસ્વરૂપ એમણે વિશ્વકોશનો આગવો વિચાર વિકસાવ્યો.

વળી, ધીરુભાઈ તો સત્યાગ્રહની ભાવનાથી રંગાયેલા માનવી હતા. એટલે જ તો જ્યારે 1942ની સત્યાગ્રહની લડતમાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોલિસ દમનનો ભોગ બની રહ્યા હતા ત્યારે સામી છાતીએ એમણે લાઠીમાર અને ગોળીબાર સહન કરેલો. સત્યાગ્રહની ગાંધીપ્રેરિત લડતથી એ પણ આઝાદીના આશિક બન્યા હતા, એટલું જ નહીં પણ આઝાદ થયા પછી દેશનો અદનો ઇન્સાન સુખી અને આબાદ બને એવો આગ્રહ રાખતા હતા. આઝાદ હિંદુસ્તાનની શિક્ષણ સંસ્થામાં સેવા અાપતાં એમણે જોયું કે કહેવાતો એ આઝાદ નાગરિક તો લાચાર છે કારણ કે એ શિક્ષિત નથી, એને જ્ઞાનની સુવિધા ઉપલબ્ધ નથી. એમણે તેથી જ ગાંઠ વાળી કે મારી શિક્ષણસંસ્થા અામ જનતામાં, વિશેષ કરીને ગ્રામ પ્રદેશમાં, અાદિવાસી વિસ્તારમાં અને વંચિતોના રહેઠાણો સુધી જ્ઞાન પ્રસરાવશે અને પોતાના દેશવાસીઓને ખુમારીવાળા કર્મશીલો બનાવશે. આ માટે એમણે વિશ્વકોશની જરૂરત મેહસૂસ કરી.

એમણે જે મબલખ સાહિત્યનું સર્જન કર્યું એની પાછળ પણ સુશિક્ષિત, સુસંસ્કારી, વિચારવંત અને દેશપ્રેમથી છલકાતી પેઢીઓને પ્રેરણા આપવાની મકસદ હતી. સાહિત્ય એમને માટે આજિવિકા રળવાનું સાધન હરગીજ ન હતું. સાહિત્યસર્જને એમને વિશ્વકોશની પૂર્વતૈયારી કરવાની તક આપી. સાહિત્યસેવાથી જ્ઞાનપ્રકાશ ફેલાવવાનું ઉમદા મિશન અદા થાય એનાથી વધુ રૂડું શું હોઈ શકે ? આ એમની શ્રદ્ધા અને અડગ નિર્ધારની પૂર્વતૈયારીનું સોપાન હતું.

આમ જ્ઞાનની સાધના કરવાના અને એ જ્ઞાન સરળ ભાષામાં, રસિક શૈલીમાં, માતૃભાષામાં જ સંપન્ન કરવાના ઉમદા ઉદ્દેશ્યોવાળું બીજ ધીરુભાઈની હૃદયભૂમિમાં વવાયું. એને પર્યાપ્ત જળ અને પોષણ મળી રહે એ માટે મોડાસાની કૉલેજમાંથી 1978ના વર્ષમાં નિવૃત્ત થઈને એમણે એક અવિરત ઝુંબેશ આદરી. એ અમદાવાદ આવીને વસ્યા અને વિશ્વકોશનો વિચાર પ્રસરે એ માટે સંપર્ક આંદોલન હાથ ધર્યું. એમણે સમાજના કેવા-કેવા અને કેટલા-કેટલા લોકોને વિશ્વકોશ માટે અનુકૂળ અભિગમ રાખવા અપીલ કરી એ જોવા જેવું છે. સમાજના શ્રેષ્ઠીઓ, સામજિક કાર્યકરો, રાજકીય આગેવાનો, સંતો – મહંતો – ધર્મપુરુષો, શિક્ષણક્ષેત્રના કાર્યકરો, અધ્યાપકો, આચાર્યો, અધિકારીઓ, વગેરે; કલાકારો, સાહિત્યકારો, કોર્પોરેટ જમાતના સાહસિકો, વિદ્યાર્થીઓ, સામાન્ય જનતાનાં ભાઈબહેનો, અને મીડિયાના લોકોમાં એમણે વિશ્વકોશ માટે વિચાર અાંદોન ઊભું કર્યું અને પછી તો વાતાવરણ બંધાવા લાગ્યું. સમાજમાં જ્ઞાનની ભૂખ ઉઘડવા લાગી, અને જ્ઞાનનું મૂલ્ય સૌ સમજવા લાગ્યા. પેલો ઉર્દૂ શેર આ રોમાંચક ઘટનાને હૂબહૂ ચિત્રિત કરે છે તે જૂઓ :

મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર,
લોગ સાથ આતે ગયે, ઔર કારવાં બનતા ગયા.

વિશ્વકોશ નિર્માણ પ્રક્રિયા :

આ રીતે, ધીરુભાઈના સંપાદકીય નેતૃત્વમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અાવેલા, તે વખતની ફાર્મસી કૉલેજના છાત્રાલયના રસોડામાં, ગુજરાતી વિશ્વકોશની કહોડ યાને વર્કશૉપ શરૂ થઈ. ભઠ્ઠીમાં તપીને જ સોનું શુધ્ધ બને છે ને ? સોનાની જ્ઞાનરૂપી કાચી ધાતુને પાકા જ્ઞાનમાં પરિવર્તિત કરવાનું નિર્માણકાર્ય આમ એક કાબેલ સુનાર(સોની)ની નિગરાણીમાં આરંભાયું. અને આજ પણ એ જ નિર્માણ કાર્ય ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટની ભવ્ય ઇમારતના ખંડે ખંડમાં ચાલી રહ્યું છે. અલબત્ત, એ થઈ રહ્યું છે અનેક વિદ્વાનો દ્વારા, આધુનિક માહિતી ટેકનોલોજી(ICT)ના વિનિયોગ દ્વારા, નવાં નવાં આયોજનો અમલમાં મૂકવાના પ્રબળ જુસ્સા અને અડગ પ્રતિબદ્ધતાના રાસાયણિક નિક્ષેપ દ્વારા. કબીરજીએ પણ કદાચ ધીરુભાઈ જેવા કસબી સુનારની આગાહી વર્ષો પહેલાં આ પદોમાં કરી હશે :

પારસમણિ કે સ્પર્શ સે, કંચન ભઈ તલ્વાર,
પર તીન બાતેં ના ગઈ : ધાર, માર, અાકાર.
લિયે હથૌડી હાથ મેં સદ્દગુરુ મિલે સુનાર
ધાર માર સબ મિટા દિયા, કર દિયા આપ સમાન.

આજે, વર્ષ 2014માં, સંસ્થાના નિર્માણ યજ્ઞના ફળસ્વરૂપ બે પ્રકારની અમૂલ્ય સામગ્રીનું નિર્માણ થઈ ચૂક્યું છે :

1. નક્કર, ભૌતિક સામગ્રીઓ [Products]

2. સૂક્ષ્મ, સમાજલક્ષી જ્ઞાનપ્રસારક સેવાઓ [Services]

પ્રથમ પ્રકારમાં નીચેની સામગ્રીઓ આવેલી છે :

1. 25 વિશ્વકોશ ગ્રંથો, જે પૈકી પાંચ તો અદ્યતન સામગ્રી સાથે નવી આવૃત્તિમાં પ્રગટ થયા છે.

2. 3 બાળ વિશ્વકોશ ગ્રંથો

3. 150 વિવિધ વિષયો ઉપર પ્રકાશનો

4. માસિક મુખપત્ર “વિશ્વવિહાર” જે બહુ જ અોછી રકમનું લવાજમ લઈ ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે.

5. વેબ સાઇટ

6. ગ્રંથાલય, આર્કાઈવ્ઝ, ICT સામગ્રી વગેરેનો ભંડાર

7. આર્ટ ગૅલેરી

8. રિસર્ચ વીંગ

9. નાટ્ય ગૃહ

10. અૉડિયો વિઝ્યુઅલ મટીરિયલ્સની સામગ્રી

11. ભાવિ વિકાસ માટેનાં નક્કર આયોજનો

બીજા પ્રકારમાં નીચેની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે :

(1) વિશ્વકોશનો શાળા, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણમાં ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પાઠ્યપુસ્તકોના લેખકો વગેરે માટેના તાલીમી કાર્યક્રમો યોજવા, મુલાકાતો ગોઠવવી, નિદર્શનો કરવાં, વગેરે

(2) જ્ઞાન પ્રતિ અભિરુચિ કેળવવા, પ્રદર્શનો, ચર્ચાસભાઓ વગેરેનો પ્રબંધ કરવો.

(3) જ્ઞાનના વિવિધ ઉન્મેષો જેવાં કે કલાઓ, સાહિત્ય, નાટ્ય પ્રવૃત્તિ, વાર્તાલાપો, થીમને લગતી ઉજવણીઓ, ઉત્સવો વગેરેનું આયોજન કરવું.

(4) લોકભોગ્ય કલા, નાટક, ભવાઈ, મુશાયરા વગેરે નિયમિત ધોરણે ગોઠવવાં

(5) વિશ્વકોશને લગતી પ્રચારની પ્રવૃત્તિઓ હાથ ધરવી.

(6) વિશ્વકોશ નિર્માણને લગતાં કૌશલ્યોની તાલીમ અાપવાના વર્ગો યોજવા.

(7) સલાહ – માર્ગદર્શન માટેની વિશિષ્ટ સેવા આપવા Help Lineની સેવાલક્ષી પ્રવૃત્તિ કરવી.

(8) વિશ્વકોશ અને જ્ઞાનવિશ્વમાં નવાં કામો innovation હાથ ધરવાં, પ્રયોગો કરવા અને કરાવવા અને તે માટે consultancy servicesનો પ્રબંધ કરવો

(9) વિશ્વકોશ અને જ્ઞાનવિશ્વને લગતી વિવિધ સમસ્યાઓનું સંશોધન હાથ ધરવું, અને એના હેવાલો પ્રકાશિત કરવા.

ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટના ત્રણ દાયકાની યાત્રાની ફળશ્રુતિનો યશ ધીરુભાઈના કુશળ આયોજન, સંવેદનશીલ વ્યવસ્થાપન, માનવસંબંધો કેળવવા અને જાળવવાની અજનબી સૂઝ, સમૂહભાવના કેળવવાની ખાંખત, સામાજિક વ્યવહારો માટેની કુશળતા અને એમને પ્રાપ્ત થયેલ વરેલા, પ્રતિબદ્ધ અને હોંશીલા (passionate) વિશાળ કાર્યકર સમૂહની સંઘભાવના(team spirit)ને જાય છે. એ પોતે નમ્રતા અને મિત્રભાવના સાક્ષાત્ મૂર્તિ હતા. અલબત્ત, પોતાના મિશનની ચોક્સાઈ, ગુણવત્તા અને સમયપાલન માટે એમના અાગ્રહો લાજવાબ હતા. અને એટલે જ તો ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ એક વ્યવસાયી સંસ્થા તરીકે ગુજરાતમાં અને દેશમાં આગવી મુદ્રા સ્થાપિત કરી શકેલ છે.

ગુજરાતી વિશ્વકોશ નિર્માણની તાસીર :

ગુજરાતી વિશ્વકોશ અને તેને સંલગ્ન વિવિધ પ્રકાશનો તથા તેના હાર્દ સાથે સંકળાયેલી અનેકવિધ જ્ઞાનપોષક પ્રવૃત્તિઓ એ બધાં મળીને એક સમૂહ [cluster] બનેલો છે જે આંતરિક સંગઠિતતા અને સુગ્રથિતતા ધરાવે છે. આમ તે એક અખિલાઈ [wholeness] ધરાવતો જ્ઞાન સામગ્રીનો સમુચ્ચય બનવા પામેલ છે. આવું સંકલ્પનાત્મક સમગ્રતામૂલક [holistic] સ્વરૂપ ધીરુભાઈની જ્ઞાનની વિભાવના ઉપર રચાયેલું છે. એમણે આખા મિશનને આ રીતે જે જીવંત અખંડિતતા [dynamic unity] બક્ષી છે એ એક ખૂબ નવીન અાયામ છે. એમણે આ માટે જે કીમિયા અજમાવ્યા તે સમજવા જેવા છે. આ રહ્યા એ કીમિયા :

[1] એમણે ‘જ્ઞાન’ની આગવી વિભાવના ઊભી કરી. આમ, જ્ઞાન એક બહુપરિમાણીય સ્વરૂપ પામ્યું. એમાં ભાષા, સાહિત્ય, લલિત કળા, અભિનય કળા, વ્યાખ્યાન, પ્રદર્શન, સંશોધન વગેરે પરિમાણો નિહિત છે.

[2] એમણે ખુદ ‘વિશ્વકોશ’નો પણ આગવો વિચાર ઊભો કર્યો. તેમાં વિવિધ પ્રકારના વિશ્વકોશો, જેમ કે ચરિત્ર કોશ, બાળ વિશ્વકોશ, પરિભાષા કોશ વગેરેનો ખ્યાલ આપ્યો. ગુજરાતી વિશ્વકોશમાંની સામગ્રીનું નિરૂપણ પણ કળાલક્ષી, સમજલક્ષી, સંશોધનલક્ષી, વગેરે જેવાં ભિન્ન ભિન્ન રૂપે જોવા મળે છે.

[3] ગુજરાતી વિશ્વકોશના મુદ્રણ માટે એમણે પોતાની વિશિષ્ટ દૃષ્ટિ રાખી છે. ગુર્જર ગ્રંથ પ્રકાશન સંસ્થા પોતે પણ નવા નવા તરીકાઓ પ્રયોજતું થયું હોય તો તે ધીરુભાઈની સક્રિય પરોવણીથી શક્ય બન્યું છે.

[4] અા વિશ્વકોશમાંનાં ભાષા, ચિત્રો, અાકૃતિઓ, સંકેતો વગેરે પણ એમની જ કલ્પનાશક્તિ વડે આગવો આકાર પામેલાં છે. એમની સૌંદર્ય, સુરુચિ અને સપ્રમાણતાની આગવી સૂઝ એમની પોતાની પસંદગીથી જ શક્ય બની છે. એમની aestheticsની સંવેદનશીલતા કેવી તીવ્ર છે એ વિશ્વકોશમાં ઠેર-ઠેર જોવા, અનુભવવા મળે છે.

[5] વિશ્વકોશને શિક્ષણકાર્યમાં ઉપયોગમાં લઈ શકાય એ માટે એમણે ત્રણ દૃષ્ટિએ શિક્ષણ પદ્ધતિમાં વણી લેવાનો અવકાશ આપ્યો છે. એ ત્રણ છે : વિશ્વકોશકેન્દ્રી શિક્ષણ, વિશ્વકોશ સહાયિત શિક્ષણ અને વિશ્વકોશ અાધારિત શિક્ષણ. વર્ગખંડોમાં અધ્યાપનકાર્ય કરતા અધ્યાપકોને આ ત્રણ વિકલ્પો વધુ પ્રયોગશીલ અને નવીનતાલક્ષી [innovative] બનવામાં સહાયક નીવડી શકે એમ છે.

[6] વિશ્વકોશ અને સંબંધિત સામગ્રીઅો અને સેવાઓ સમાજમાં આવકાર પામે એ સારુ ધીરુભાઈએ વાતાવરણ નિર્માણ[environment building]ની વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમી કાર્યક્રમો યોજવાનો પ્રબંધ કર્યો. અને તેમને સામાજિક સ્વીકૃતિ મળી રહે તેવાં વાનાં કર્યાં.

[7] વિશ્વકોશમાં લોકભાગીદારી વધતી રહે તે માટે ટૃસ્ટની અપીલના જવાબમાં સંસ્થાને વધુ ને વધુ માત્રામાં દાન મળવાનું ચાલુ જ છે. ધીરુભાઈની અંગત નિષ્ઠા, સ્વાર્પણભાવના, પ્રામાણિકતા અને નૈતિક નેતૃત્વે દાન પ્રવાહને અસ્ખલિત બનાવ્યો છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, બિન સરકારી સંસ્થાઓ, વેપાર-ઉદ્યોગનાં પ્રતિષ્ઠાનો અને અનેક વ્યક્તિઓ તરફથી ટૃસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ માટે જે દાન મળતાં રહ્યાં છે તે તેનું જીવતું – જાગતું ઉદાહરણ છે, સંસ્થાનું વિશાળ પરિસર ધરાવતું અમદાવાદ શહેરની મધ્યમાં અાવેલું ભવન ! એ છે એક અનોખું જ્ઞાનભવન !

[8] ધીરુભાઈ અર્પણની નિ:સ્વાર્થ ભાવનાના પ્રતીક હતા. એમણે પોતે સંસ્થાને જે દાન આપ્યાં છે તેની સાથે પોતાનું નામ ન જોડવાની શરત રાખીને ન્યોછાવરીનું ગૌરવવંતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બહુ સ્વાભાવિક રીતે જ વિશ્વકોશ અભિયાન સાથે સંકળાયેલા તમામ સહકાર્યકરો ધીરુભાઈની જેમ જ ઉત્કટ સેવાભાવનાના રંગે રંગાયેલા છે.

[9] વિશ્વકોશ નિર્માણને લગતી નાનામાં નાની લાગે એવી કામગીરી માટે પણ ઘીરુભાઈએ સેવા અંતર્ગત [inservice] અનૌપચારિક [informal] એવી સતત તાલીમ અાપવાની પરંપરા સ્થાપી છે જે અદ્યાપિ પર્યંત ચાલુ છે. 1,500 જેટલા વિદ્વાન લેખકોને એમની વિવિધ કામગીરીઓ સક્ષમતાથી કરી શકે એ સારુ, એક જ છાપરા નીચે [in house] તાલીમ અાપવાનો એમનો આ પ્રયોગ વ્યવસાયી તાલીમની દેશ-પરદેશમાં જોવા મળતી વ્યવસ્થામાં અનોખો તરી આવે છે. એનું ત્રિપરિમાણીય – Inservice, Informal, In house – એવું સ્વરૂપ બેમિસાલ છે. 

[10] 2 ડિસેમ્બર, 2013ના રોજ વિશ્વકોશ ટૃસ્ટ સંસ્થાના સ્થાપના દિને, ધીરુભાઈએ, એમની અસ્વસ્થ તબિયત હોવા છતાં, આપેલું વ્યાખ્યાન ઇસુ ખ્રિસ્તના પર્વત પરના ઉપદેશ[Sermon on the Mount]ને મળતું આવતું ઉદ્દબોધન હતું, જેમાં તેમણે પોતાનું હૃદય ઠાલવતાં વિશ્વકોશ અભિયાનની તાસીરને વાચા આપેલી. વિશ્વકોશ અભિયાન જારી રહે, વિકસે અને ગુજરાતના આમ આદમીથી લઈને સૌને તેમની જ્ઞાન સાધનામાં સહાયક નીવડે એવાં તમામ વાનાં કરવા સૌને એમણે વિનવેલ. અને એમની એ વિનંતીને સૌ સહ કાર્યકરોએ ‘લબ્બેક’ કહી પોતાને પુન: સમર્પિત કરેલ છે. એવી હતી એ ઉદ્દબોધનની વેધકતા !

વિશ્વકોશ ટૃસ્ટ અને તેની વિવિધ પ્રવૃત્તિઓ આજે પણ હોંશે હોંશે થતી જોઈને સ્વ. ધીરૂભાઈનો આત્મા કેટલો બધો સંતોષ પામતો હશે એ કલ્પી શકાય એમ છે.

ધીરુભાઈનો વારસો :

ધીરુભાઈએ વિશ્વકોશ અભિયાનને સમગ્ર ગુજરાત તેમ જ વિશ્વમાં ઠેર-ઠેર જઈ વસેલા ગુજરાતી વસવાટીઓ[Diaspora]નું એક મહામોટું મિશન બનાવી, ગુજરાતી સમાજને માટે 21મી સદીના જ્ઞાનયુગના યાત્રીઓ બનવાની શક્યતાઓ અને તકો ખડી કરી છે. એ સમાજનાં સૌ ભાઈ-બહેનો માટે જ્ઞાનાર્જન દ્વારા વિકાસ સાધવા માટેનું એ એક પડકારયુક્ત ઇજન પણ છે. એનો પ્રતિભાવ વિધાયક જ હોઈ શકે કારણ કે વિકાસ અને આબાદી તો ગુજરાતી માત્રની સદીઓથી મોટામાં મોટી દિલી ખ્વાહિશ બની રહેલ છે.

એ ખ્વાહિશ પૂરી કરવા સૌએ ધીરુભાઈએ એમના મૃત્યુપર્યંત ચાલુ રાખેલા, સતત, ધીરજપૂર્વકના નિષ્ઠાભર્યા પરિશ્રમનો આશરો લેવો રહ્યો. ધીરુભાઈની 96મી વર્ષગાંઠ પર કોઈકે સૂચવેલું કે : ‘સાહેબ, અાપની નાજૂક તબિયત જોતાં આપ હવે આરામ કરો, કાર્યબોજ ઓછો કરો અને નિરાંતે આપનો સમય વીતાવો.’ આ સૂચન તેમણે નમ્રતાપૂર્વક નકાર્યું હતું, અને હજી તો જે ઘણાં કામ બાકી છે તેમાં જ પરોવાયેલા રહી, પોતાના શેષ જીવનને એ રીતે ધન્ય કરવાનું જાહેર કરેલું. તેમના આ અડીખમ સંકલ્પની યાદ ઉર્દૂના મહાન શાયર ડૉ. મહમ્મદ ઈકબાલનો આ શેર આપે છે :

વક્ત-એ-ફુરસત હૈ કહાં ?
કામ અભી બાકી હૈ;
નૂર-એ-તૌહિદ કા,
ઈત્તેમામ અભી બાકી હૈ.

અાજે સમયનો તકાદો છે ને જ્ઞાનયુગની માંગ છે કે ફૂરસદ, નિવૃત્તિ, આરામ વગેરે વિકલ્પોને હરેક ગુર્જરજન જાકારો આપે. સૌ ધીરુભાઈએ આચરી બતાવેલ ‘નિરંતર કામ, નિરંતર નિર્માણ, નિરંતર સર્જન’ના રાજમાર્ગે પલવા સંકલ્પ કરે. આપણી એ જ્ઞાનયાત્રાને શક્ય તે બધી રીતે ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટનું ગુજરાતી વિશ્વકોશનું અભિયાન સર્વથા સહાયક બનતું રહેશે એની સ્વ. ધીરુભાઈએ પોતે આપેલ આશાયેશ હરગીઝ કદી નાકામ નહીં નીવડે. એવી દિલોજાનભરી હતી એમની એ આશાયેશ, એ ખ્વાહિશ અને એ ઝિંદાદિલી !

લંડન, 28-06-2014, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે અાપેલું વ્યાખ્યાન

(લેખક પરિચય : પૂર્વ ઉપકુલપતિ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી)  

The Video of the event is now uploaded to Youtube.

Have a look at it here: https://www.youtube.com/watch?v=xflGxDJxDyI

 

Loading

4 August 2014 admin
← चोधारी कटार जेवो
વલ્લભ નાંઢા – પંચોતેરમે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved