Opinion Magazine
Number of visits: 9482513
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ઉર્ધ્વમુખી શૂન્ય

ગુણવંત વૈદ્ય|Opinion - Short Stories|22 July 2014

ખુશાલ  જ્યારે એના થાનકે આવ્યો ત્યારે રાતના અઢી વાગ્યા હતા. 

ફૂટપાથ ઉપરની મરકયુરી લાઈટના થાંભલા નીચે  એની જગા ઉપર નિરાંતે સુતેલા ભૂરિયાને એણે ખદેડી કાઢ્યો,  પોતાનો ફરિયાદી અણગમો વ્યક્ત કરતો હોય તેમ 'ભોં ભોં …' કરતો અપમાનિત થયેલ ભૂરિયો જરાક દૂર જઈ ઊભો રહ્યો. ખુશાલે તે જગ્યા સાફ કરી. પછી ગજોધર ભૈયાની રેંકડીની નીચે રાખેલી ગોદડી કાઢીને ફૂટપાથ ઉપર પાથરી,  સામેના નળેથી પાણી લઈ હાથ મોં ધોઈ, જરીક ફ્રેશ થઈ, ગોદડી પર બેસી પછી એણે પેલું પડીકું ખોલ્યું.

'આ જા બીડુ, તુ ભી આ જા ' કહી બુચકારો કરી ભૂરિયાને ય ખુશાલે ડીનર કરવા તેડયો. 

'જાયલા, એ દેખ  …. આજ ભી વહી જ સુક્કા વડા પાઉં મિલેલા હૈ હમ દોનું કો યાર … 'કહી એણે અપમાન ભૂલીને એની નજીક આવેલા ભૂરિયાને એક વડા પાઉં આપ્યું.  

મોડું ખૂબ જ થયું હતું એટલે પાણી પીને કોક્ડું વળીને પછી ખુશાલ સુઈ જ ગયો. એના નસકોરાં બોલવા માંડ્યા  એટલે તરત જ કપમાંનું બચેલું પાણી ચાટીને હળવેકથી સરકીને ભૂરિયાએ પણ ખુશાલની બાજુમાં લંબાવી જ દીધું .

દિવસના ગજોધરભૈયાની ચાયની રેંકડી પર ખુશાલ કામ કરતો અને રાતે થોડા કલાક ફૂલમતીબાઈના કોઠે ચોકીદારી.   ગજોધરભૈયાની રેંકડી એનું ઘર હતું અને રાતે ફૂટપાથ એની પથારી બનતી. ગોદડી સમેતનો એનો પરચૂરણ સામાન એ જ  રેંકડી નીચે રહેતો. એના બપોરના રોટલા ગજોધરને ત્યાંથી ઘડાઈને આવતા અને ફૂલમતીની દયા ઉપર જે એક પડીકું એને મળતું તે રાતે રેંકડી પર આવીને એ ખાતો. બંને જગાએથી મળતી રોજની 50 – 50 રૂપિયાની મૂડી કાપકૂપ વગર સીધેસીધી ‘ગજોધર બેંક’માં જમે થતી. 

'વરસાદ આવે એ પહેલાં ઓણ સાલ જો છાપરું નઈ થાય તો એ ખોરડું નઈ રહે, તેથી સગડ કરીને વે'લો આવી જ જા, દીકરા.' માએ છેલ્લો સંદેશો પૂનમિયા સાથે મુંબઈ કમાવવા ગયેલા દીકરા ખુશાલને મોકલ્યો.

વરસાદ આડે થોડા જ દિવસો હતા એ જોતાં ખુશાલનું વતન જવાનું ય ગજોધરભૈયાએ તાત્કાલિક ગોઠવી જ દીધું. ફૂલમતી મેડમે 15 દિવસની એને રજા આપી. ગજોધર પાસે જમે કરેલી 15,000 રૂપિયાની મૂડી લઈને બીજે જ દિવસે ગામ જવા મનસૂબો પાકો કરી દીધો. 

બીજે દિવસે ખુશાલ જયારે વતન જવા દિલ્હીની ગાડીમાં બેઠો ત્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. કાળઝાળ ગરમીથી ત્રાહિત લોકોને જાણે મુક્તિ આપતો હોય તેમ મંદ મંદ ઠંડો પવન વહેતો હતો. મસ્તીમાં ઝાડવાઓ ડોલતાં હતાં. રીમઝીમ રીમઝીમ … ધીમો છાંટીરૂપે વરસાદ પણ શરૂ થયો. પંખીઓનો કલરવ એમના સંતાન પાસે માળે જલદી પહોંચી જવાની ઉમેદની જાણે જાહેરાત જ કરતો હતો. 

સુકકી ધરતી હવે વરસાદના દાણેદાર છાંટાથી રીતસર પલળવા જ માંડી. ચારેકોર નૈસર્ગિક સંગીત અને સંસારી કોલાહલની જુગલબંધી વ્યવસ્થિત ઘોંઘાટ જમાવતી જતી હતી.

મુંબઈ પાછળ છૂટી ગયું. ગોકળગાયની ગતિએ ટ્રેઈન પાટે સરતી હતી. ધીમી ગતિની પેસેન્જર ટ્રેઈન એટલે એ તો દરેક સ્ટેશને ઊભી રહે અને વળી ક્યારેક ફાસ્ટ ટ્રેઈનને જલદી જવા દેવા કોઈ સ્ટેશને વધારે ય રોકાણ કરી નાખે. પૂરા 24 કલાકની મુસાફરી હતી.

'હું ગામ પહોંચીને છાપરું સમું ન કરાવી દઉં ત્યાં સુધી ખમી જજે બાપલા.' ખુશાલ બબડ્યો.

ખટક ખટક કરતી ગાડીમાં છેવટે એની આંખ લાગી જ ગઈ.

 *                           *                        *

નિયત સમય કરતાં 12 કલાક મોડી પહોંચેલી પેસેન્જર ટ્રેઈન ખીચોખીચ ભરેલા દિલ્હીના એક નંબરના પ્લેટફોર્મમાં ત્રીજે દિવસે  મળસ્કે દાખલ  થઈ.  અચાનક વધી ગયેલા કોલાહલે ખુશાલની આંખ ખૂલી ત્યારે  બહાર ધોધમાર વરસાદ પડતો હતો.

ભીડમાંથી રસ્તો કાઢતો એ સ્ટેશનની બહાર આવ્યો, બહાર પાણીમાંથી રસ્તો કાઢી જતી એક રિક્સા પાણીની છાલક ઉડાડતી આજુબાજુ ઊભેલાને પલાળતી ગઈ.  ખુશાલ પણ પલળી જ ગયો. સમસ્ત ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડતા વરસાદે ત્રાહિમામ્ પોકરાવી દીધી હતી. ચોગરદમ પાણી હતું. મુસાફરો વરસાદથી બચવા સ્ટેશનના છાપરા તળેથી હઠતા ન હતા, ભીડ ઓછી થતી જ ન હતી અને સામાન્ય જનજીવન થંભાવી દેતો તોફાની વરસાદ પણ જાણે જીદે જ ચડ્યો હતો. ચારેકોર એકસરખા કાળા ડીબાંગ વાદળોની વચ્ચે વચ્ચે વીજળીના તેજ લીસોટા પછી થતા આકાશી ગડગડાટ ભલભલાને ભય પમાડી જતા હતા અને તેથી ગભરાઈને ડરી જતાં બાળકોની ચિચિયારીઓ અને રડવાના અવાજથી વાતાવરણ વધુ ડરામણું લાગતું હતું.  અમુક નીચાણવાળા સ્થળોએ રેલવે લાઈન ઉપર પાણી ફરી વળ્યા હોવાને કારણે અમુક ટ્રેઈન કેન્સલ કરવાનાં સૂચનો રેલવે સત્તાવાળાઓ અવારનવાર માઈક ઉપર આપતા હતા. ચોગરદમ કોલાહલ મચ્યો હતો.

નેવનાં પાણી ઝીલી એણે એનો ચહેરો અને આખો ધોઈ કોગળો કરીને પહેરેલા પહેરણથી પછી મોં લુછ્યું.  એની બાજુમાંના એક ચાયના સ્્ટોલમાં ઉકળતી ચાયની નીચેનો કર્કશી સ્ટવ ટોચના ધંધાની ચાડી કરતો તોફાની ગતિએ ધમધમતો હતો.

'એક વડા પાઉં દેના, સા'બ' કહેતાકને ખુશાલે સ્ટોલવાળાને દસ રૂપિયાની નોટ ધરી. 

'મેરે ભાઈ, અબ ભાવ જ્યાદા હો ગયેલા હૈ, બીસ દો બીસ …' સ્ટોલ ઉપરના ગલ્લા અધિકારીએ ચિક્કાર ઘરાકીની વચ્ચે તોછડાઈથી જ કહ્યું. એ સાભળીને ભૂખ્યા ખુશાલે લાચારીમાં આનાકાની વગર બીજી દસની નોટ પેલાને પકડાવી અને પડીકું લીધું.

'એ બારીશને સબ ચીજ કે ભાવ ભી ડબલ કર દિયે  …' ખુશાલની બાજુમાં ઊભેલો એક ભાઈ બોલ્યો.

'વડા પાઉં કે ભી ડબલ  …?' ખુશાલે આશ્ચર્ય કર્યું.

'ઔર નહીં તો ક્યા? કૌન પૂછનેવાલા હૈ ઇન કો' પેલાએ ધીમેથી કહ્યું.

વરસાદનું પાણી વડાપાઉંના ભાવમાં ય ઘુસી જ ગયું હતું.

'છાપરાના સમારકામની મૂડીમાં પણ ભાગ પડાવે છે, ખાઉધરા.' અપ્રગટ અણગમો કાઢતો એ પછી સુક્કા વાસી વડા પાઉં ખાવા ઊભડક બેઠો.

વરસાદ ગાંડોતુર એકધારો વરસતો હતો. 'અહીં આટલો વરસાદ છે તો શું રામવાડામાં ય આટલો બધો વરસાદ હશે?' વડા પાઉં ખાતા ખાતા એને પોતાનું વતન અને એની મા યાદ આવ્યાં. પછી તરત જ થયું  કે, 'ના, ના, ત્યાં તો હજી વરસાદને પંદર દિવસની વાર છે. આટલો જલદી નઈ જ આવે, પણ …. જેમ  એ અહીં જલદી શરૂ થયો તેમ ત્યાં પણ કદાચ જલદી શરૂ થયો હોય તો? જો એવું જ હોય તો મારી માની પરિસ્થિતિ શું હશે? એ શું કરતી હશે આવા વરસાદમાં? .. અને જો છાપરું ય સમું ન રહ્યું હોય તો … તો આવા મૂશળધાર વરસાદમાં બિચારી મા શું કરતી હશે? ત્યાં એનું કોણ ધ્યાન રાખતું હશે?' એથી આગળ તો ખુશાલ વિચારી જ ન શક્યો. હાથમાંનું પાઉં એણે ફેંકી દીધું, સાથેની કેરિયર બેગનું પૂંજીપડીકું પહેરણ નીચે પાટલૂનમાં કસકસાવીને ખોસી દીધું અને પછી લાગલો જ સામે આવેલા ડેપો તરફ દોડ્યો, વરસાદની પરવા કર્યા વગર, દોડતો. પલળતો. તે જ ક્ષણે એક જબરો તેજ્લીસોટો થયો અને વાદળોમાં પ્રચંડ ગડગડાટ થયો અને તે સાથે જ ગભરાઈ ઊઠેલાં બાળકોની ચિચિયારી ભેગો કોલાહલ પણ વધી જ ગયો, જબરું વૃષ્ટિતાંડવ ચાલતું હતું.

માથે આભ જ ફાટ્યું હતું. સાંબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. ડેપો સુધી જતાંમાં તો ખુશાલ પાણીથી આખેઆખો લથબથ થઈ જ ગયો. ડેપોમાં ય માણસોનું કીડિયારું ઊભરાતું હતું. ડેપોમાંના માઈક ઉપર બસ અંગેની સૂચનાઓની સાથે સાથે ખીસાકાતરુઓથી સાવચેત રહેવાની સૂચનાઓ પણ સતત અપાયા જ કરતી હતી. જબરો કોલાહલ મચ્યો હતો. હર કોઈએ જલદી ઘરે પહોંચી જવું હતું. પૂછપરછ બારી આગળ પણ જબરી ભીડ હતી. ખુશાલ પણ એ ભીડમાં જોડાયો. 

'અબે એ … સુનાઈ નહીં દિયા ક્યા, અબી જ માઈક પે બોલા કી કોઈ બી બસ ચીખોલી સે આગે નહીં જા સકતી .. બાદલ ફટા હૈ બાદલ, મેરે બાપ. ભેજા ગરમ કરતા હૈ ખાલીપીલી.' અંદર બેઠેલો કારકૂન ચિડાયો. 

બધાનું જ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બધાએ જ પોતપોતાના ઘરે પહોચવું હતું, ચોગરદમ કોલાહલ હતો. મૂશળધાર અને અશ્વવેગે દોડી રહેલો પેલો તબડક તબડક વરસાદ, વચ્ચે સંભળાતા વાદળોના ગડગડાટ, અને તે સાંભળીને રોક્કળ કરતાં બાળકોના અવાજ, ડેપોમાં માઈક પર અપાતી સૂચનાઓ, 'પૂછપરછ'ની બારીમાંથી ગુસ્સામાં રાડ રૂપે અને અપમાનજનક રીતે જનતાને મળતી સેવા, ખખડધજ એવી બસોમાં ચડવા ધસારો કરતા લોકો, અને તે ક્રિયામાં થતી ધક્કામુક્કી અને બોલાચાલી તેમ જ આ બધાની વચ્ચે બાજુના સ્ટોલમાં ભોં ભોં કરીને ચા ઉકાળતો પેલો ગેસનો ચૂલો …. એ બધું ઓછું હોય તેમ ધૂમ વકરાની વચ્ચે તુમાખીભર્યા અવાજે ગલ્લે બેસી શોષણ  કરતો પેલો જનતા શોષક.

ખુશાલે આજુબાજુ નજર કરી. પેટ ઉપર દબાવેલી પૂંજીપોટલી બચાવતો એ બહાર જવાના ભાગ તરફ આગળ વધ્યો. ડેપોના છેલ્લા પગથિયા સુધી લોકો વરસાદમાં અડધા પલળતા ઊભા હતા. ત્યાં જ બાજુમાંથી સ્પીડમાં પસાર થતી એક રિક્સા છેલ્લે પગથિયે ઊભેલા બધાને વધુ પલાળી ગઈ. પલળેલાંઓમાંથી કેટલાકે ગનમાંથી જેમ ગોળી છૂટે તેમ રિક્સાચાલકને અભદ્ર ભાષા સંભળાવી જ દીધી. પરિણામમાં લોકસંવાદનો કેવળ કોલાહલ વધ્યો. નિર્લેપ રિક્સાચાલક તો દૂર નીકળી ગયો હતો.  ખુશાલે વરસાદની વાછંટ અને ઉપરના નેવથી બચવા માટે માથે એક કેરીઅર બેગ લપેટી.

'શું ચીખોલીથી આગળ કોઈ જ બસ નથી જતી? વાદળ ફાટ્યું છે? કેદારઘાટ અને રામવાડા તો ત્યાંથી પણ 20 કિલોમિટર દૂર … તો શું ત્યાં પણ આટલો બધો વરસાદ હશે? .. અહીં આભ નથી ફાટ્યું તો ય હાલ આટલા બધા બેહાલ છે તો પછી ત્યાં આભ ફાટ્યું છે એમ કહ્યું તો ત્યાંના તો હાલ શું જ હશે? ઓ ભગવાન, મારી માને હેમખેમ રાખજે.' ખુશાલના મનમાં વિચારોનું ઘોડાપૂર આવ્યું હતું .

'જે જનેતાના ઘરનાં પગથિયાં ઊતરીને હું મુંબઈ પૈસા કમાવવા ગયો એ જનેતાની ગોદમાં જ શાંતિ મળે, બીજે ક્યાં ય નહીં, મારી માને હેમખેમ રાખજે કેદાર બાપા, એ ઘર રૂપી મંદિરનાં પગથિયાં ફરીથી મને ચડાવજે' એટલું કહેતા તો ખુશાલની આંખોમાં પાણીની જબરી રેલ જ આવી …  

'ચીખોલી, ચીખોલી ….'ની બૂમ સાંભળી કે લાગલો જ ખુશાલ પણ ચીખોલીની બસમાં ચડવા ટોળામાં જોડાયો. ચીખોલી જવા માટે આજની આ છેલ્લી બસ હતી. એ જો ખુશાલ ચૂકી જાય તો આવતીકાલ સુધી બીજું કોઈ સાધન ન હતું અને વરસાદી વાતાવરણ કાલે કેવું હોય શી ખબર? બસ જાય કે ન પણ જાય. એટલે આ બસ કોઈ પણ હિસાબે એણે પકડવી જ પડે એમ હતું.

'મૌસમ ઔર રાસ્તા ખરાબ હોને કી સમ્ભાવના કે કારન યે બસ ચીખોલી તક પહોચેગી ભી યા નહિ યા કિતને બજે પહોચેગી વો હમ બતા નહિ સકતે, લેકિન હમ જાને કા પ્રયાસ કરેંગે' કંડકટરે જાહેરાત કરી અને પેસેન્જરી કોલાહલ શરૂ થયો. ધક્કામુક્કી કરીને આખરે ખુશાલ બસમાં ચડી જ ગયો.

દિલ્હીની ઉત્તર તરફ જેમ જેમ મારગ કાઢતી બસ આગળ વધતી ગઈ તેમ તેમ વરસાદનું રૌદ્ર રૂપ અને એણે કરેલી ચોગરદમ પાયમાલીના સંકેતો ઠેર ઠેર સ્પષ્ટ રૂપે મળવા જ માંડ્યા, જ્યાં જુઓ ત્યાં બધેબધ બસ પાણી જ પાણી. ચારેબાજુ જળબંબાકાર હતું. નદીઓ રમણે ચડી હતી. નાળાંઓ ભયજનક રીતે ઊભરાતાં હતાં. કાચા પુલો સતત વરસાદથી અને વેગીલા જળપ્રવાહથી તૂટ્યા હતા. રસ્તાઓ ઉપરથી  કેટલાયે વાહનો લપસી પડ્યાં હતાં. વાહનોની કતાર લાગી હતી. …. વરસાદે સર્જેલી અતિ વિકટ પરિસ્થિતિમાંથી મારગ કાઢતી એ બસ આખરે એક ધીમા ઝટકા સાથે તે દિવસે મોડી સાંજે ચીખોલી અટકી. ખુશાલ ખૂબ જ થાક્યો હતો.

બસમાંથી એ ઊતર્યો. અંધારું થવા આવ્યું હતું. મુસાફરો વિખેરાયા. સામેની લાઈનબંધ બંગ્લીઓ હેઠળ બે ચાર કૂતરા વરસતા વરસાદથી બચતા ઊભા હતા. બાજુમાં એક ઝાડ ધરાશાયી થયું હતું. એક વીજળી થઈ અને પછી થયેલા ભયંકર ગડગડાટે તો ખુશાલ પણ ડરી જ ગયો, વરસાદ જોરદાર થયો. ઠેર ઠેર પાણી જ પાણી હતું. એક જોરદાર કડાકો થયો અને તેની સાથે સામેના જ એક મકાનની અગાશી સાથેનો ભાગ ભોય ભેગો થઈ ગયો. અંદર ચીસાચીસ થઈ. થોડા લોકો ત્યાં દોડ્યા. ખુશાલનું મન આ બધું જોઈ વધુ ભયભીત થતું હતું. 'રામવાડામાં મારી મા શું કરતી હશે? પ્રભુ એને હેમખેમ રાખજો.' માની ચિંતા માટેના વધુ ને વધુ કારણો એને મળતા જતા હતા. રામવાડા સુધી જવા કોઈ સાધન જ ન હતું, રસ્તાઓ જ બંધ થઈ ગયા હતા, પુલો તૂટ્યા હતા.

પછી બે દિવસનો ભૂખ્યો તરસ્યો, ઉજાગરાવાળો અને અશક્ત ખુશાલ અતિવૃષ્ટિમાં જાતની પણ પરવા કર્યા વગર ચાલવા જ  માંડ્યો, રામવાડા તરફ …..

એના પેટમાં ખાડો હતો અને ભૂખ પણ કકડીને લાગી હતી.

થોડે જ દૂર એક ઝૂપડી દેખાઈ. ત્યાં પહોચીને બહારથી જ ખુશાલે પૂછ્યું, 'કૈંક ખાવાનું મળશે?' 

'અંદર આવો, ભાઈ …' કહી ગણપતે ઊભા થઈ ખુશાલને અંદર તેડી લીધો.

ગણપતની પત્ની તેજુએ સાદડી પાથરી અને અભરાઈ ઉપરથી ગ્લુકોઝ બિસ્કીટનું એક પડીકું લઈ આવીને મહેમાનને આપ્યું.

કોઈનું પણ મફતમાં કશું જ ન લેવાય એમ માનનારો ખુશાલ પહેરણ તળેથી પૈસા કાઢવા જેવો હાથ પહેરણ નીચે લઈ ગયો કે તરત જ અનુભવ્યું કે ……… પૂંજીપોટલી ત્યાં હતી જ નહીં …. !

બસમાં બેઠો, ટિકીટ કપાવી ત્યાં સુધી તો એ પોટલી એની પાસે હતી, મુસાફરી દરમ્યાન જ થાકને કારણે અવારનવાર આંખોમાં ઝોકાં આવ્યાં એટલે તે ગાળામાં જ કોઈ સાથી મુસાફરે જ કદાચ ખુશાલનો ભાર હળવો કરી દીધો હતો.

'ઓ પ્રભુ …' કહેતાં એ માથે હાથ દઈ નીચે સાદડી ઉપર બેસી જ પડ્યો. એને તમ્મર આવી ગયા. અત્યાર સુધીની તમામ બચત, ઘરનું છાપરું સમું કરાવવાની એની ઈચ્છા કોઈએ ધૂળધાણી કરી દીધી. ગણપતને સઘળી હકીકત ખુશાલે જણાવી.

બહાર લગાતાર પાણી વરસતું જ જતું હતું. જોરદાર વીજળીના કડાકા અને  ગગનભેદી વાદળોના ગડગડાટ થતા હતા.

ગણપતે ખુશાલને પાણી પાયું અને બિસ્કીટ ખવરાવી. એની બધી જ વાત સાંભળી અને  સ્વીકારી. પછી એણે કહ્યું, 'આમ હિમત ન હારો, ભાઈ, અહીંથી  2 કિલોમિટર ઉપર આગળ જતાં જ એક રાહત છાવણી આવે છે ત્યાં તમને સેવાભાવી સંસ્થા દ્વારા આવકાર, હૂંફ અને અન્ય માહિતી પણ મળશે. હું તમને બતાવું' કહી, એણે બહાર હળ ઉપર ટાંગેલી બે પ્લાસ્ટીકની મોટી કોથળીઓ કાઢી. એક પોતે ઓઢી અને એક ખુશાલને આપતાં કહ્યું, 'આ ઓઢી લો અને ચાલો'.

કુદરતી પ્રકોપની વાતો કરતાં કરતાં રાહત છાવણી તરફ બંનેએ ચાલવા માંડ્યું. પર્યાવરણનો અર્થ અને એનો વર્તમાન કુદરતી પ્રકોપ જેવી ઘટનાઓ સાથેનો સંબંધ ખુશાલને પહેલી જ વાર ગણપતની વાતોમાં થોડો થોડો સમજાવા માંડ્યો.

એક ગરીબ બીજા ગરીબનો હમદર્દ બન્યો. ધરતીપુત્ર ગણપતની વાતો હૃદયનાં ઊંડાણમાંથી આવતી હોવાનું ખુશાલ અનુભવી રહ્યો હતો.

માથે આભ જ ફાટ્યું હતું. સાંબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. અનરાધાર વરસાદ પડતો હતો ભેખડો ધસી પડવાના ધીબાકા કાળજાં કંપાવી જતાં હતાં. ચોગરદમ અંધારું હતું. અતિવૃષ્ટિના કારણે ઘણીનદીનાળાઓ કિનારા તોડીને તોફાની હદે ધસમસતા હતાં. કિનારાના બંધનો તોડીને નદીઓએ માનવવસાહતમાં ઘુસપેઠ કરી હતી. જાણે માનવવંશનું નિકંદન જ કાઢવા માગતી હોય એમ બધું જ ખેદાનમેદાન કરતી ચાલી. કલકલ વહેનારી નદીઓએ નવા નવા જ ફાંટાઓ, નવા માર્ગો બનાવીને ત્રાહિમામ્ સર્જ્યો હતો. અકલ્પ્ય એવો વિદ્વંશ કરતી નિર્દયી જ બની  હતી. ઉપર આકાશેથી આવતા જળપ્રવાહે ડુંગરો પણ તોડ્યા અને એની તળેટીમાંના રામવાડા, નન્દીધામ, કેદારતળેટી, ચીખલોદ, પિપ્પલી, જેવા  કેટલાં ય ગામોનું નામોનિશાન જ ન રહ્યું. પૃથ્વીના પેટાળમાં જ સમાઈ ગયા. પહાડની ભેખડો પડી જતા તળેટીમાંના ગામોની સમગ્ર વસાહત ઘર, મકાન, લોકો રસ્તાઓ … વાહનો સહિત બધું જ ખેદાનમેદાન થઈ જ ગયું …..

સમયની નજાકત સમજી રામવાડા ગામ સંપૂર્ણ ધોવાઈ ગયાની વાત ખુશાલને ગણપતે તે વેળા તો ન જ કરી.

આ બાજુ ખુશાલની ચિંતા ખૂબ જ વધી હતી, જીવનભરની બચત એણે ગુમાવી હતી, અને વિશેષ તો એની માની આવી અતિવૃષ્ટિમાં શું સ્થિતિ હશે એ વાતથી જ એ ખૂબ ચિંતિત હતો.

પહેરેલાં કપડાં ઉપરાંત વરસાદથી બચવા પ્લાસ્ટીકની એક કોથળી અને ગ્લુકોઝ બિસ્કીટનું અડધું પડીકું  – ખુશાલની પૂંજીમાં બચ્યા હતા.

ગણપતે ખુશાલને રાહત છાવણીમાં શરણાર્થી તરીકે ચોપડે ચડાવવામાં મદદ કરી !!!

રાહત છાવણીમાં દુ:ખી જીવો એકબીજા સાથે આ કુદરતી પ્રકોપની વાતો કરતા હતા …….

ઉત્તરાખંડની ભૂમિ ઉપર 16મી જૂનના દિવસે થયેલા મહાવિનાશકારી પ્રકોપની ઘટનાના દ્રશ્યો અને એ સંબંધી અનેકવિધ યાતનાઓના વૃતાંત અકલ્પ્ય હતા. પ્રકોપની ભયંકરતાનો ખ્યાલ કમકમાટી ઉપજાવી જતો હતો. આ મહાવિનાશકારી પ્રકોપમાં સંડોવાયેલા લોકોની અને એમના સ્વજનોની મનોદશા અને કલ્પાંત તો ખૂબ હૃદયદ્રાવક હતાં.

આક્રંદ કરતા પરિજનો, પ્રાણ બચાવવા માટે ત્રણ ચાર દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને 20-30 કિલોમિટરની લાંબી મજલ કાપતા કેટલાયે યાત્રાળુઓ કે જેમાં પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, બાળકો, વૃદ્ધો, તેમ જ અપંગોની આપવીતી હોય કે પછી ભીનાં કપડાં નીચોવીને તરસ છીપાવતા લોકોની વાત હોય, હરકોઈનું દિલ ધ્રુજાવી જ દેતા હતા.

હેલીકોપ્ટરમાંથી ફેંકાયેલી રોટલી જેવી ભોજનસામગ્રી લેવા દોડી જતા લોકો કે બંને પગ ગુમાવી બેઠેલી હોસ્પિટલને બિછાને સૂતેલી માબાપ વિહોણી નાની બાલિકાની કરૂણ કથની કરતાં પણ વધુ હૃદયદ્રાવક અને દર્દનાક વાત તો એ લાગે કે જ્યારે કોઈકે કોઈ મરેલ વ્યક્તિના શબ ઉપરથી વસ્ત્ર કાઢીને તેનું દોરડું બનાવવું પડ્યું હોય અને …. કેવળ પોતાનો જીવ બચાવવા ન છૂટકે એમ કરવું પડેલ હોવાનું દુ:ખ એના બોર બોર જેવા ઊના ઊના પશ્ચ।તાપી આંસુમાં છતું થતું જોવા મળે … ત્યારે તો મૃત્યુનો ડર કેવો હશે એની થોડી કલ્પના આ વ્યક્તિની નિર્દોષ કબૂલાતમાં ડોકાયા વિના જરાયે રહે જ નહીં અને એટલે જ કુદરત ઉપર પણ શાબ્દિક પ્રહાર થઈ જ જાય છે કે 'ઠોકર મારી કારમી તેં તો ….. ક્રૂર બનીને.'

બીજી બાજુએ ફસાયેલાઓને સુરક્ષિત સ્થળે ખસેડતા વાયુસેનાના જવાનો તેમ જ કોઈ પણ જાતની અપેક્ષા વગર ભોજન, કપડાં, તેમ જ જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત રોકડ આર્થિક સહાય આપવા દ્વારા રાહતના કાર્યો કરતાં  વિવિધ સંપ્રદાયના લોકોની પણ પ્રશંસા થતી હતી.

તેથી વિરુદ્ધ માનવતાના કાર્યોની વચ્ચે કલંક સમાન એવા રાહતકાર્યને જ મુદ્દે જાહેરમાં મુક્કામુક્કી કરતા રાજકીય નેતાઓ, શબો ઉપરથી દાગીનાઓની ચોરી કરતા લુંટારુઓ, સાધુઓના ભગવા વસ્ત્રોમાંથી બહાર કઢાયેલ સંતાડેલી નોટોના ઢગલા, જુવાન સ્ત્રીઓને રંજાડનાર શેતાનો, 10 રૂપિયાની પાણીની બોટલ 200 રૂપિયામાં અને 4 રૂપિયાનું ગ્લુકો બિસ્કીટનું પેકેટ 100 રૂપિયામાં વેચતા મોતના સોદાગરો વિષે પણ વાતો સંભળાતી હતી. આ બધું ઓછું હોય તેમ …..

પર્વતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લાવવાનો કાયદેસર સવેતન પરવાનો સરકાર પાસેથી મેળવવા છતાં પૈસાલોલુપ ખાનગી વિમાન કંપનીઓનો એક એક જીવ બચાવવા એકથી દોઢ લાખ રૂપિયાની વસૂલી કરતો લાલચુ અને લોભી ધંધો પણ લોકોથી અજાણ્યો ન જ હતો  !!!!!

તળેટીમાંના રામવાડા, નન્દીધામ, કેદારતળેટી, ચીખલોદ, પિપ્પલી, જેવાં કેટલાં ય ગામોનું નામોનિશાન જ ન રહ્યું …

ખુશાલ આ બધું જેમ જેમ જાણતો ગયો તેમ તેમ એને સઘળી પરિસ્થિતિ સમજાતી ગઈ …..

'રામવાડા જ નથી રહ્યું તો મારી મા પણ …..' 

એ વિચાર આવતાં જ એણે  જોરથી ચીસ પાડી, 'નહીં ઇં ઇં ઇં ઇં ઇં …………….'    

ચીસ સાંભળીને સહુ દોડી જ આવ્યા ….

*                    *                     *

ચીખોલીથી આગળના તમામ રસ્તાઓ ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા. …. રામવાડા તો આખેઆખું વસ્તી સમેત નેસ્તનાબૂદ થયું હતું.

વખત જતા ખુશાલે માના મૃત્યુને સ્વીકાર્યું.

ગણપતની સરળ ગામઠી તત્ત્વજ્ઞાની વાતોએ ખુશાલના મનમાં જબરી ઊથલપાથલ મચાવી, “કર્ણવ ઋષિના આશ્રમમાં ખીલેલી એક ચંપાકલીને જોતવેંત જ  'પુત્રજન્મ સમ આનંદ' ની અનુભૂતિ કરનાર હરખઘેલી શકુંતલાનો વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ પહેલાં દરેકે સમજવો પડશે. કૃષિ સંસ્કૃિતનો જીર્ણોધ્ધાર જ આવા કુદરતી પ્રકોપ અટકાવી શકે, ગામડાંઓના શહેરીકરણ પ્રત્યેની આંધળી બે-લગામ દોડ ઉપર રોક, ખેડાઉ ફળદ્રુપ જમીન ઉપર  કોન્ક્રીટના જંગલો બનાવવા ઉપર રોક લગાવવા ઉપરાંત કૃષિ ઉત્પાદકોનું થતું શોષણ જ્યાં સુધી ન અટકે ત્યાં સુધી આથી પણ વધુ વિનાશકારી કુદરતી પ્રકોપ માનવસમાજે સહેવા તૈયાર રહેવું જ પડશે. ગામડાંઓ અને ખેતરોને ફરી સજીવન કરવા પડશે અને અમુક ગ્રામ્ય/કૃષિ સંસ્કૃિત શહેરમાં ય લાવવી પડશે, નહીં તો મહાવિનાશ હવે દૂર નથી જ.”

અંતે ગણપતે એના ખભે હાથ મૂકીને કહ્યું, 'જિલ્લા પંચાયતના દફતરે તારા નામે જમીન અને ઝૂંપડી છે જ. દાખલો કઢાવીને જે મળે તે જમીનમાં ખેતી કર. તારી જનેતા તો ગઈ પરંતુ ધરતીમા પ્રત્યેનું ઋણ અદા કરવાનું ન ભૂલતો, ભાઈ. શહેરનો શિક્ષિત સમાજ ધરતીને ખેડૂતો જેટલી સમજદારીથી તો નહીં જ સમજી શકે, તેઓ તો બસ કોન્ક્રીટના જંગલો જ ઊભા કરશે ……… પછી તો તારી મરજી …'

ગણપતની આ વાતોને ઉપાડીને પછી ફૂટપાથી ખુશાલે ધરતીપુત્ર બનવા સંકલ્પ કર્યો.

ખુશાલની બધી જ લાગણીઓ 'મા' શબ્દમાં જ સ્થિર થઈ ગઈ. ….

… અને સ્વપ્નદ્રષ્ટા ખુશાલે પોતાની બધી નિરાશાનું વિસર્જન કરી દીધું, પર્યાવરણ સંબંધી જાગૃતિ અભિયાન એ જ એનું વિચારબિંદુ હતું ….

વિસર્જન પછીનું સર્જન કરવા કટિબદ્ધ હતું  – એક ઉર્ધ્વમુખી શૂન્ય.

e.mail : gunvantvaidya@outlook.com

Loading

22 July 2014 admin
← વેદ પ્રતાપ વૈદિકની હાફિઝ સાથેની મુલાકાત દાવો કરવામાં આવે છે એટલી નિર્દોષ નથી
સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved