ક્યાં લંડન, ક્યાં બોમ્બે (એ વખતનું પ્રચલિત નામ), ક્યાં અમદાવાદ, ક્યાં પૂના! આજે તો દુનિયા નાની થઈ ગઈ છે એટલે આ શહેરો બહુ દૂર ન લાગે. પણ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં? એમનો જન્મ લંડનમાં, ૧૮૨૧ના જુલાઈની સાતમી તારીખે. આજે એ વાતને ૧૯૩ વર્ષ થયાં. માત્ર ૪૪ વર્ષની વયે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે પૂનામાં અવસાન.
જીવનનો મોટો ભાગ વીત્યો અમદાવાદ, સુરત, મુંબઈ, અને તે વખતના બોમ્બે પ્રેસિડન્સીનાં બીજાં શહેરોમાં. એમનું નામ એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સ. પણ ગુજરાતીઓમાં જાણીતા થયા કવિ દલપતરામે આપેલા ફાર્બસસાહેબના નામે. હતા તો કંપની સરકારના અમલદાર, પણ હતા ગુજરાત અને ગુજરાતી ભાષા-સાહિત્યના પરમ ચાહક અને હિતેચ્છુ. સ્વદેશમાં સિવિલ સર્વિસમાં જોડાયા પછી હિન્દુસ્તાન આવ્યા અને ૧૮૪૬ના નવેમ્બરમાં અમદાવાદ ગયા અને ભોગીલાલ માસ્તર પાસે ગુજરાતી શીખવાનું શરૂ કર્યું. પણ પછી ભોળાનાથ સારાભાઈની ભલામણથી દલપતરામને વાર્ષિક ૨૪૦ રૂપિયાના પગારથી નોકરીમાં રાખી લીધા. આ પગારની રકમ સરકારી તિજોરીમાંથી નહોતી ચૂકવાતી. ફાર્બસ પોતાની આવકમાંથી ચૂકવતા હતા. દલપતરામ પાસે ગુજરાતી શીખવા ઉપરાંત ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃિત, લોકજીવન, વિષે જાણવા લાગ્યા. ગુજરાતી શીખવાની ફાર્બસની ચીવટ અંગે દલપતરામે લખ્યું છે : ‘શબ્દે શબ્દનો અને અક્ષરે અક્ષરનો અર્થ તે સાહેબ મને પૂછી લેતા. કઠણ શબ્દ હોય તેનો અર્થ અંગ્રેજીમાં લખી લેતા’.
ફાર્બસ અમદાવાદ પહોંચ્યા ત્યારે અમદાવાદની, બલકે ગુજરાતની દશા કેવી હતી? મનસુખરામ ત્રિપાઠી લખે છે : ‘સરસ્વતી બંધનમાં બંધાઈ ભોંયરા રૂપી બંદીશાળામાં પડેલી! જેને સુગડ પંડિતો સેવે તેને કનિષ્ઠ કીટોએ – ઉધઇએ – સેવવા માંડેલી. ગુજરાતમાં જ્યાં ત્યાં અક્ષરશત્રુ વિના બીજું કોઈ દીઠામાં જ આવે નહિ.’ આવા વાતાવરણમાં બીજા કેટલાક અંગ્રેજ અમલદારોને સાથે રાખીને ફાર્બસે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. અર્વાચીનતાનો પ્રકાશ ફેલાવનારી ગુજરાતની એ પહેલવહેલી સંસ્થા. શિક્ષણ, સાહિત્ય, પુસ્તકપ્રકાશન, વર્તમાનપત્રનું તથા સામયિકનું પ્રકાશન, વગેરે કંઈ કેટલીયે અર્વાચીન યુગની નિશાનીઓની માંડણી ફાર્બસે આ સંસ્થા દ્વારા કરી.
૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે ફાર્બસની બદલી સુરત થઈ તો ત્યાં તેમણે સુરત અષ્ટાવિન્શી સોસાયટી શરૂ કરી, સુરત સમાચાર નામનું અખબાર શરૂ કરાવ્યું, એન્ડ્રુઝ લાયબ્રેરીનો આરંભ કરાવ્યો. પણ તેમની સૌથી મોટી અને મહત્ત્વની કામગીરી તો મ્યુિનસિપલ એક્ટ સામેનો લોકોનો વિરોધ દૂર કરાવી એ કાયદાનો અમલ સફળતાપૂર્વક કરાવ્યો તે ગણાય. આ માટે તેમણે દલપતરામ અને દુર્ગારામ મહેતાનો સાથ લીધો. આજે જેને સ્ટ્રીટ કોર્નર મિટીંગ કહીએ છીએ તેવી સભાઓ સુરતમાં ઠેર ઠેર ભરી. લોકોની વાત સાંભળી અને તેમને સરકારની વાત સમજાવી. તેમની આ કામગીરી માટે ખાસ આભાર માનતો પત્ર બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરે ફાર્બસને મોકલ્યો હતો. આ ઉપરાંત કાઠિયાવાડમાં પણ વાઘેરોનો બળવો શમાવવા અંગે ફાર્બસે કળથી કામ લીધેલું. ગુનેગારી પ્રવૃત્તિઓમાંથી તેમને પાછા વાળવા માટે વાઘેરો માટે કામગીરીની કેટલીક તકો ઊભી કરેલી.
ફાર્બસે ગુજરાત અને તેનાં ભાષા-સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃિત, વગેરેનો ઊંડો અભ્યાસ કરેલો તે માત્ર નિજાનંદ ખાતર નહિ. એ અભ્યાસ પછી અંગ્રેજીમાં તેમણે ‘રાસમાળા’ નામનું મોટું પુસ્તક લખ્યું. એ લખવા ખાતર જ નોકરીમાંથી રજા લઈ તેઓ ૧૮૫૪ના માર્ચમાં સ્વદેશ પાછા ગયેલા. રિચર્ડસન બ્રધર્સના પ્રેસમાં છપાઈને ૧૮૫૬માં બે ભાગમાં ‘રાસમાળા’ પુસ્તક અંગ્રેજીમાં પ્રગટ થયું. તેની એક ખાસ વિશિષ્ટતા એ છે કે ગુજરાતના ઇતિહાસ માટે માત્ર મુસ્લિમ સાધનોનો ઉપયોગ કરવાને બદલે સ્થાનિક બોલીઓમાં લખાયેલ રાસા, પ્રબંધ, કથા-વાર્તા, સ્થાનિક લેખો જેવાં સાધનોનો તેમણે વ્યાપક ઉપયોગ કર્યો. પરિણામે રાજપૂતયુગ વિશેની ઘણી નવી વાતો બહાર લાવી શક્યા. ગુજરાત વિષે અંગ્રેજીમાં લખાયેલું આ પહેલું પુસ્તક.
૧૮૬૧માં ફાર્બસની બદલી મુંબઈ થઈ. ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે ગ્રેટ બ્રિટનની રાણી દ્વારા છ ન્યાયાધીશોની નિમણૂક થઈ હતી. ફાર્બસ આ છ ન્યાયાધીશોમાંના એક હતા. ત્યાર બાદ તેઓ બોમ્બે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, બેમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ઉપ્રમુખ, અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રમુખ પણ બન્યા. મનસુખરામ ત્રિપાઠી, રેવરંડ ધનજીભાઈ નવરોજી, વગેરેની મદદથી ફાર્બસે ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ની સ્થાપના કરી. પણ તે પછી થોડા જ વખતમાં તેઓ ગંભીર માંદગીમાં સપડાયા. આરામ અને હવાફેર કરવા માટે મુંબઈથી પૂના ગયા. અને ત્યાં જ તેમનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે સ્થાપેલી ‘ગુજરાતી સભા’નું નામ બદલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ કરવામાં આવ્યું. ફાર્બસને પોતાને લાંબુ આયુષ્ય ન મળ્યું, પણ તેમણે સ્થાપેલી ત્રણ સંસ્થાઓ આજે પણ નોંધપાત્ર કામગીરી કરી રહી છે – અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (નવું નામ ગુજરાત વિદ્યાસભા), સુરતની એન્ડ્રુઝ લાયબ્રેરી, અને મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા. આવતે વર્ષે ઓગસ્ટની ૩૧મી તારીખે ફાર્બસની ૧૫૦મી મૃત્યુિતથિ આવી રહી છે. એ નિમિત્તે તેમણે સ્થાપેલી આ ત્રણે સંસ્થાઓએ સાથે મળીને ફાર્બસની સ્મૃિતને કાયમ રાખવા માટે નક્કર કામો કરવાં જોઈએ.
સૌજન્ય : ‘પ્રૉફાઇલ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014