સૌથી સહેલું કામ અલબત્ત કાખલી કૂટવાનું છે. સહેલું જ કેમ, પહેલું જ સૂઝે એવું પણ એ છે. ખાસ કરીને પાકિસ્તાનમાં કૈં બને, ત્યારે એ જ લાગના હતા એવો એક આથો અંબોળીને કાખલીકૂટ અભિગમને નવો ઓપ આપવાનીયે સગવડ રહેલી છે.
લાહોરમાં શ્રીલંકાઈ ટીમ પરના આતંકી હુમલાને વખોડતી વેળાએ લગભગ એકશ્વાસે આ હુમલાને તેમ પાકિસ્તાનને વખોડવાની તક ઝડપીએ તો એમાં લૉજિક ખસૂસ હશે, પણ પરિપ્રેક્ષ્ય અને પરિદૃશ્યની સમ્યક્ સમજ બિલકુલ એટલે કે બિલકુલ જ નથી.
કહી તો શકાય કે આ તો પાકિસ્તાને પોતે જ વહોરેલી મુશ્કેલી છે, જેમ ૯/૧૧ની ઘટના વખતે થતાં ટીકાટિપ્પણમાં અમેરિકા સર્જ્યા ફ્રેન્કેન્સ્ટાઈનની જિકર કરવાનું બન્યું હતું; અને એ ખોટું નહોતું. પણ એનો વિશ્વસંદર્ભ લક્ષમાં લઈએ ત્યારે માત્ર એટલું કહેવું અપૂરતું અને વ્યાપક પડકાર બાબતે અધકચરી સમજભર્યું પણ અનુભવાય છે.
આતંકવાદી હુમલાઓના ઘટનાક્રમને તેમ તાલિબાન તરેહની માનસિકતાને મજબૂત રાષ્ટ્ર-રાજ્યના દૃષ્ટિકોણથી જોવાસમજવા અને ડામવાનું શક્ય નથી. શુચિર્દક્ષ શાસન અને યથાર્હ દંડ, જેમ દરેક બાબતમાં તેમ આ મામલામાં પણ બેલાશક આવશ્યક છે. પણ આંતકવાદ સાથે કામ પાડવા માટે વૈશ્વિક અને માનવીય પરિમાણો પણ લક્ષમાં લેવાં રહે છે. તે સિવાય આખી કારવાઈ કેવળ ખંડદર્શનમાં સીમિત થઈ રહી જાય એવી સંભાવના છે. એટલું જ નહીં, તે માત્ર નિષ્પરિણામી જ નહીં પરંતુ વિપરિતપરિણામી ( કાઉન્ટર પ્રોડક્ટિવ ) પણ પુરવાર થઈ શકે છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, જે આસાનીથી આતંકવાદ એ પાકિસ્તાનની નહીં પણ અમેરિકાની જ લડાઈ હોય એમ માનીને ચાલે છે તે આવા જ એક ખંડદર્શનનો નાદર નમૂનો છે, જેમ જનરલ મુશર્રફના વારાની બધી જ સરમુખત્યારી સત્તાઓ અકબંધ રાખીને નવા પ્રમુખ ઝરદારી પોતે કોઈ લડાઈ લડી રહ્યાનું માને છે એમ.
આ ચર્ચામાં આપણે અલબત્ત ક્રિકેટ પરના આતંકવાદી હુમલાને કારણે દાખલ થયા છે. વિશ્વમાં પ્રથમ જ વાર આમ બન્યું છે એ અર્થમાં ક્રિકેટ ક્ષેત્રને અંગે લાહોર ઘટના પણ ૯/૧૧ બરોબરની લેખાશે. આ હુમલાની તરાહ અને તાસીર મુંબઈ ઘટના જેવી જ છે, પણ તેમાં લશ્કરે તૈયબા જ હશે એમ ખાતરી સાથે કહી શકાતું નથી. શ્રીલંકાઈ ટીમ પરનો હુમલો જોતાં એક કે બીજે છેડે એલટીટીઈ સંધાન પણ જોઈ તો શકાય. ગમે તેમ પણ, તાલિબાન અને પાક લશ્કર વચ્ચેનો મેળ જોતાં, ભારતીય ઉપખંડમાં લશ્કર (આર્મી) અને ક્રિકેટ વચ્ચે જે એક નિકટનાતો રહ્યો છે એ લક્ષમાં લેતાં, લાહોર હુમલો પાક લશ્કર અને તાલિબાન બેઉ સાથે ઓછોવત્તો પ્રત્યક્ષપરોક્ષ સંબંધ ધરાવતાં આતંકવાદી તત્ત્વોને પક્ષે વ્યૂહાત્મક પ્રયુક્તિમાં કશોક ફેર તો સૂચવે જ છે. હમણાં સુધી તેઓ જેને અડ્યા નહોતા તેના પર આમ ત્રાટકવું, શું કહીશું એને.
રામચંદ્ર ગુહાએ રિડીફ સાથે વાત કરતાં ઠીક મુદ્દો કર્યો છે કે ખેલાડીઓ પરના હુમલામાં ખેલદિલી નથી. એમણે કહ્યું છે કે તેઓ (ખેલપટુઓ) સૌને આનંદ આપતા હોય છે એ રીતે એમને આતંકવાદીઓ તરફથી અભય હોવો જોઈતો હતો. નહીં કે ગુહાની વાત ખોટી છે, પણ એમાં એક હકીકત એમના ખયાલ બહાર ગઈ છે. અને તે એ કે ભારતીય ઉપખંડમાં ક્રિકેટની રમત શુદ્ધ આનંદને બદલે લાંબો સમય 'બે રાષ્ટ્રોની ટક્કર' જેવી જવરગ્રસ્ત મનોદશાને આધીન રહી છે. બીજું કૈં નહીં તો, મેચફિક્સિંગની વિગતો બહાર આવ્યા પછીયે બે દેશો વચ્ચેની મેચમાં રાષ્ટ્રાવાદી જવરનો સિલસિલો ખાસ તૂટ્યો જણાતો નથી.
શ્રીલંકાઈ ટીમ પરના હુમલા સાથે ૨૦૧૧માં વિશ્વકપ દક્ષિણ એશિયાને આંગણે ભારત-પાક-બાંગલા આદિ સહયજમાનપદે યોજવાની શક્યતા સવાલિયા દાયરામાં મુકાઈ ગઈ છે. ૧૯૯૬માં જ્યારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંડીઝે શ્રીલંકા જવાનું ટાળ્યું હતું ત્યારે ભારત અને પાકિસ્તાને જઈને દક્ષિણ એશિયાઈ બિરાદરીની દૃષ્ટિએ ખેલદિલીનો અહેસાસ આપ્યો હતો. ગમે તેમ પણ, સહયજમાનપદ ઘાંચમાં પડવા સાથે ભારત-પાક-બાંગલા પ્રજામત અને શાસન સમેત સૌને સમજાવું જોઈએ કે આતંકવાદ સામેની લડાઈ કોઈ એક મુલકની નથી. પોતપોતાનાં ફ્રેન્કેસ્ટાઈનને નિકાસ કરીને નહીં પણ ઘરઆંગણે ડામવામાં એકમેકની સાથે રહીને જ તે લડી શકાશે.