સ્વમાની માણસ સંકુચિત નથી હોતા અને પરંપરાનાં વળગણો નથી ધરાવતા. તેમને પોતાના અસ્તિત્વમાં ને પોતાના વજૂદમાં પૂરો ભરોસો હોય છે, બીજા દ્વારા કરવામાં આવતા સ્વીકારના તેઓ મોહતાજ પણ નથી હોતા. વિવેક તેમનો સ્થાયીભાવ છે
અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગડેની અમેરિકામાં થયેલી ધરપકડ બાબતે બુધવારે સંસદમાં જે ગરમાગરમ ચર્ચા થઈ એ તમારામાંથી કેટલાકે સાંભળી હશે. આપણા પ્રતિનિધિઓનો પુણ્યપ્રકોપ જોઈને મનમાં જે વિચારો ચાલ્યા એ અહીં રજૂ કરું છું.
એક પ્રજા તરીકે આપણે અભિમાની વધુ છીએ, સ્વમાની ઓછા છીએ. અભિમાન અને સ્વમાનમાં ફરક છે. બહુ ઓછા અભિમાની માણસો સ્વમાની હોય છે અને ભાગ્યે જ સ્વમાની માણસ અભિમાની હોય છે. સ્વમાન માટે આત્મવિશ્વાસ, ખુદવફાઈ હોવી આવશ્યક છે, જ્યારે અભિમાન માટે બીજા દ્વારા સ્વીકાર પામવાની અપેક્ષા હોય છે. બીજા દ્વારા જ્યારે અપેક્ષિત સ્વીકાર નથી મળતો ત્યારે અભિમાની માણસો છેડાઈ જાય છે. જેટલો આત્મવિશ્વાસનો અભાવ એટલું અભિમાન વધુ હોય છે. સાધારણ રીતે એવું જોવા મળે છે કે સંકુચિત અને પરંપરાવાદી માણસો અભિમાની વધુ હોય છે, કારણ કે પરંપરાગત વળગણોને અભિવ્યક્ત કરવા માટે અભિમાનનો આશરો લેવો પડતો હોય છે. દેશાભિમાન, ધર્માભિમાન, ભાષાભિમાન, પ્રાન્તાભિમાન, જાતિઅભિમાન, પુરુષાભિમાન, વંશાભિમાન જેવાં સંકુચિત અને પરંપરાગત વળગણોને અભિવ્યક્ત કરતા શબ્દોમાં અભિમાન વિશેષણ જોડવામાં આવે છે એ સૂચક છે. પરંપરાને ઓળખ સાથે સંબંધ છે અને ઓળખને અભિમાન સાથે સંબંધ છે. આ અભિમાન છે, સ્વમાન નથી. સ્વમાની માણસ સંકુચિત નથી હોતા અને પરંપરાનાં વળગણો નથી ધરાવતા. તેમને પોતાના અસ્તિત્વમાં અને પોતાના વજૂદમાં ભરોસો હોય છે, બીજા દ્વારા કરવામાં આવતા સ્વીકારના તેઓ મોહતાજ નથી હોતા. વિવેક તેમનો સ્થાયીભાવ છે.
આપણે આત્મસન્માનની ભાવના વિકસાવવાની જરૂર છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને જ્યારે રણકાદાર આત્મવિશ્વાસ વધે. આ તો ખાટલે મોટી ખોડ છે. નરેન્દ્ર મોદી વિદેશી એલચી કચેરીના ગોરા રાજદૂતો સાથે ફોટા પડાવીને ધન્યતા અનુભવે છે અને દાવો કરે છે કે પશ્ચિમના દેશો તેમનો સ્વીકાર કરી રહ્યા છે. સ્વીકાર કરે છે એટલે શું? આપણે ઘણી વાર વાંકમાં આવેલા માણસને ટપારતા અને માફ કરતા જેમ કહીએ છીએ કે ઠીક છે, આ વખતે તને માફ કરું છું, હવે તું આવજે ઘરે, અમને વાંધો નથી એવો એ સ્વીકાર હોય છે. આવા સ્વીકાર માટે ગર્વ અનુભવનારાઓને શું કહીશું? પરંતુ નરેન્દ્રભાઈ પોરસાય છે અને તેમના ટેકેદારો સવાયા પોરસાય છે. આગળ કહ્યું એમ જેટલો આત્મવિશ્વાસ ઓછો એટલી સ્વીકારની અપેક્ષા વધુ. તમે ક્યારે ય અશ્વેત રાજદૂતને ગાંધીનગરની મુલાકાત લેતા જોયો? અને જો જોયો હોય તો નરેન્દ્ર મોદી સાથેના તેના ફોટા જોયા? આ લઘુતાગ્રંથિ છે અને એ ભારતીય બીમારી છે. લઘુતાગ્રંથિનું બીજું લક્ષણ નકલ છે. ૨૦૦૮માં અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે બરાક ઓબામાએ અમેરિકનોમાં જોસ્સો ચડાવવા યસ, વી કૅન…નું સૂત્ર વાપર્યું હતું જેની બેઠી નકલ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદીની નકલની ક્યાં વાત કરીએ, આપણે લઘુતાગ્રંથિથી પીડિત એવી પ્રજા છીએ જેણે આખેઆખા હિન્દુ ધમનું પાશ્ચાત્યીકરણ કરવાનો, બીજા શબ્દમાં નકલ કરવાનો પ્રયાસ કર્યો છે. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરીને હિન્દુ ધમનું કલેવર બદલવાની કોશિશ કરી હતી. અનેક દેવ-દેવીઓ અને અનેક ધમગ્રંથોવાળા હિન્દુ ધર્મની ઇસાઈઓ ઠેકડી ઉડાડતા હતા. દયાનંદ સરસ્વતીને આ વાતનું માઠું લાગ્યું હતું અને તેમણે આર્ય સમાજની સ્થાપના કરીને હિન્દુ ધર્મનું ઇસાઈ અને ઇસ્લામીકરણ કરવાની કોશિશ કરી હતી. પાશ્ચાત્ય ધર્મોમાં એક જ ધર્મગ્રંથ છે માટે હિન્દુ ધમમાં વેદ એકમાત્ર ધર્મગ્રંથ હોવો જોઇએ એમ તેમણે કહ્યું હતું. ઇસ્લામમાં મૂર્તિપૂજા નથી અને ખુદા સગુણ નિરાકાર છે માટે દયાનંદ સરસ્વતીએ હિન્દુઓ માટે મૂર્તિપૂજા છોડીને સગુણ નિરાકાર ઓમકારની પૂજા કરવાની સલાહ આપી હતી. પાશ્ચાત્ય ધર્મોમાં મદરેસા અને સેમિનરીમાં જે રીતે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે એ રીતે આર્ય સમાજે ગુરુકુળો સ્થાપ્યાં હતાં. પાશ્ચાત્ય ધર્મો ધર્માંતર કરાવે છે તો આર્ય સમાજે શુદ્ધિ આંદોલન કર્યું હતું. નકલ એટલી આબેહૂબ હતી કે પંજાબમાં એક જમાનામાં આર્ય સમાજનાં મંદિરો હિન્દુ ચર્ચ તરીકે ઓળખાતાં હતાં. પંજાબના આર્ય સમાજના દિગ્ગજ નેતા લાલા લજપત રાયે પોતે પોતાની આત્મકથામાં આર્ય સમાજનાં મંદિરોનો હિન્દુ ચર્ચ તરીકે ઉલ્લેખ કર્યો છે.
તો પ્રજા તરીકે આ આપણી તાસીર છે. લઘુતાગ્રંથિથી પીડિત, અભિમાની પણ આત્મસન્માન વિનાની. તમે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના નામની આગળ ડૉક્ટર વિશેષણ જોયું છે? બટ્ર્રેન્ડ રસેલના નામની આગળ લૉર્ડ વિશેષણ જોયું છે? આઇન્સ્ટાઇન ડૉક્ટરેટ હતા અને રસેલ લૉર્ડ હતા, પરંતુ તેમને એવી ઓળખની જરૂર નહોતી. વિદ્વત્તાના ક્ષેત્રમાં ૨૦મી સદીમાં આઇન્સ્ટાઇન અને રસેલ દીવાદાંડી હતા. આપણે ત્યાં મામૂલી કામ કરનાર સંસ્કૃતનો પંડિત મળી એટલી અને પોતાની જાતે ચોંટાડી શકાય એટલી બધી જ ઉપાધિઓ અચૂક લખશે અને બીજા એ રીતે તેને સંબોધે એવો આગ્રહ રાખશે. એક વાર પુણેના દંડીસ્વામીનો મુંબઈમાં પ્રોગ્રામ હતો. કાર્યક્રમનું સંચાલન કરનાર સંચાલકે દંડીસ્વામી માટેનાં એક ડઝન વિશેષણોમાંથી બે વિશેષણ ઓછાં કહ્યાં અને સાંસારિક માન-પાનથી વિરક્ત હોવા જોઈતા મહારાજશ્રી ઊકળી ઊઠયા. તેમણે જેમ શિક્ષક વિદ્યાર્થીને ગોખાવે એમ એ કાર્યક્રમના સંચાલક પાસે એક ડઝન વિશેષણયુક્ત તેમનું નામ ભરેલા હૉલમાં શ્રોતાઓની વચ્ચે ગોખાવ્યું હતું. જૈનોમાં ધાર્મિક કંકોતરીઓમાં સાધુ-મહારાજોનાં નામની આગળ એટલાં વિશેષણો હોય છે કે એમાં કયા મહારાજસાહેબની વાત છે એ શોધવું મુશ્કેલ બની જાય છે. ઘણા બાપુઓ સત્સંગના મંડપમાં બે-ચાર ગોરાઓને પહેલી હરોળમાં બેસાડે છે. આ લઘુતાગ્રંથિ પ્રેરિત માનસ છે જે બીજા પાસેથી સ્વીકારને શોધે છે. બટ્ર્રેન્ડ રસેલને નામની આગળ લૉર્ડ લખવાની જરૂર નહોતી લાગતી, પણ આપણો પદ્મશ્રી નામની આગળ પદ્મશ્રી લખવાનું નથી ચૂકતો. કાયદા મુજબ રસેલને લૉર્ડ વિશેષણ વાપરવાનો અધિકાર છે, આપણા પેથાભાઈને પદ્મશ્રી વિશેષણ વાપરવાનો અધિકાર નથી. ફરક એ છે કે આત્મવિશ્વાસથી છલકતા રસેલ તમારા સ્વીકારના મોહતાજ નથી, જ્યારે આપણા લઘુતાગ્રંથિથી પીડિત પેથાભાઈ પોતાનું વજૂદ પુરવાર કરવા બીજા પાસેથી સ્વીકાર શોધતા રહે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મીડ-ડે”, 20 ડિસેમ્બર 2013
http://www.gujaratimidday.com/features/columns/2013-12-20-05-47-03-2