Opinion Magazine
Number of visits: 9504398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાયસ્પોરિક વાર્તાઅો

અનિલ વ્યાસ|Diaspora - Features|10 July 2013

વાર્તાકાર મિત્ર કિરીટ દૂધાત ડાયસ્પોરા-સાહિત્ય વિશે એવો મત ધરાવે છે કે સ્વદેશ્માં સર્જક તરીકે ઘડાઈ-પોંખાઈને સ્વીકૃતિ પામેલા અને આવશ્યકતા અનુસાર તક મળતાં વિદેશ જઈ વસેલા સર્જકો-સાહિત્યકારો દ્વારા રચાતા સાહિત્ય ઉપરાંતનું ડાયસ્પોરિક સાહિત્ય, એની પાસે રાખવામાં આવતી અપેક્ષા મુજબ માતબર નીવડ્યું નથી. અમેરિકાવાસી સર્જક-વિવેચક નટવર ગાંધી પણ ડાયસ્પોરિક સાહિત્ય વિશે લગભગ આવો જ મત ધરાવે છે અને એના વિશે લખે-બોલે પણ છે. અલબત્ત, આ બંને અભિપ્રાય પછી પણ સૂચિત ડાયસ્પોરિક સાહિત્ય વાસ્તવમાં, ખરેખર કેવું છે? – એ સવાલ તો ઊભો રહે જ છે. 

સર્જકનાં સ્વદેશની ભાષા-સંસ્કૃિતની સમૃદ્ધ પરંપરા અને એ સર્જક જ્યાં જઈને વસ્યો છે એવા વસવાટી દેશ-પ્રદેશનાં સમાજ અને સંસ્કૃિતને જાણી, નાણી અને માણીને એ સર્જકે નીરક્ષીર ન્યાય-વિવેક સમેત રચેલું સાહિત્ય અવશ્ય સક્ષમ હોવાનું.

ડાયસ્પોરિક ભારતીય પ્રજાસમૂહોએ સ્વ-સંઘર્ષથી, પોતાના વસવાટી દેશ-પ્રદેશનાં આર્થિક, સામાજિક, સાંસ્કૃિતક અને રાજકીય ક્ષેત્રોમાં વિપુલ વિકાસ સાધીને, અગ્રિમ હરોળમાં પહોંચી જઈને ભારતીય સંસ્કૃિતનું ગૌરવ કર્યું છે. અલબત્ત, આમ કરતી વેળા, આ પ્રજાસમૂહ સ્વદેશ-માદરે વતનના વિયોગમાં ઝૂરતો રહ્યો છે અને વસવાટી દેશ-પ્રદેશનાં સમાજ-સંસ્કૃિત સાથે અનુકૂલન પામવા ઝઝૂમતો પણ રહ્યો છે. હકાર-નકારના આ દ્વન્દ્વમાં બરાબર સપડાઈને-પિસાઈને, તુમુલ સંઘર્ષ કરીને ય આ ભારતીય સમૂહે, વિવિધ વસવાટી દેશ-પ્રદેશમાં, સાહિત્યસર્જક થઈ શકે એવી નિરાંત પણ હાંસલ કરી છે. પુનરાવર્તન કરીને ય એમ કહી શકાય કે દેશ-વિદેશ વચ્ચે ઊભા રહેવાની આ અતિ સંકુલ અને વિષમ પરિસ્થિતિમાં પણ આ પ્રજાસમૂહનો અને સાહિત્યિક પરિપાટી તથા વસવાટી દેશ-પ્રદેશની સાંસ્કૃિતક તથા સાહિત્યિક પરંપરાના અવનવા મિશ્રણ થકી સાહિત્યસર્જન કરી રહ્યો છે. 

આમ હોઈને, ડાયસ્પોરિક સાહિત્યના મૂલ્યાંકન-વિવેચનમાં તેના સર્જકનાં સૂચિત સંસ્કૃિતરૂપ-સંઘર્ષને પણ લક્ષ્યમાં લેવા જોઈશે. 

આર્યોનાં, પૂર્વ-પશ્ચિમ વિશ્વમાં થતાં રહેલાં સ્થળાંતરોથી આરંભાઈ, આજકાલ થતા મલ્ટીપલ ઇમિગ્રેશનથી વિદેશવાસી થતા પ્રજાસમૂહો સામેનું, વિદેશી ડોમિનન્ટ સોસાયટીની આર્થિક, સામાજિક, ભૌગોલિક અને સાંસ્કૃિતક પરિસ્થિતિઓને અનુકૂળ થઈને રહેવાનું જીવવાનું આહ્વાન કંઈ સરળ હોતું નથી. એ વર્ષોની કઠિન તપસ્યા માગે છે. પ્રજા-પ્રજા વચ્ચેના સાંસ્કૃિતક તફાવતો અને ભાષાકીય ખેંચતાણની વચ્ચે સ્વ-ઓળખને અબાધિત-ટકાવી રાખીને સ્થાયી થવાની લોહીઝાણ અને નિરંતર વલોવતી રહેતી મથામણ વચ્ચે શ્વસતા સર્જકે, વતન-ઝુરાપાની પીડાને મનભોંયમાં ભંડારીને, પોતાની આગળ-પાછળ ઊભેલી બે સંસ્કૃિતઓમાંથી શ્રેયસ્કર સઘળું, તારવીને-અપનાવીને એક નૂતન વિશ્વનું નિર્માણ કરવાનું હોય છે. આ રીતે થયેલું સર્જન અવશ્ય ગણમાન્ય ઠરવાનું.

આ દુનિયા અને એના પાંચે ય ખંડોમાં પથરાયેલા એકસોવીશ દેશોમાં ગુજરાતી પ્રજા જઈને પથરાઈ છે. આ પૈકી વિકસિત અને આધુનિક રાષ્ટ્રોમાં તો ગુજરાતી પ્રજાસમૂહો સ્વેચ્છાએ જ વસ્યા છે. અલબત્ત, તેથી કંઈ વસવાટી સમાજ અને સંસ્કૃિતએ આ પ્રજાસમૂહ સાથે કંઈ સરળતાથી સમાધાન કરી લીધું હશે? પણ માનવ-સંસ્કૃિત તો વહેતી નદી છે. એમાં કાળક્રમે નાનાવિધ ધારા-પ્રવાહો વહેળા-વોંકળા અને ઝરણાં રૂપે આવી મળ્યાં છે અને પાછાં ફંટાયાં પણ છે.

સાંસ્કૃિતક મિલન-વિયોગની આ ઊથલપાથલની નિરંતર થતી રહેતી ક્રિયા-પ્રક્રિયા વચ્ચે અડોલ રહીને સ્થિર થઈને ઉપર ઊઠવા માટે પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ, આર્થિક અને માનસિક આઝાદી માટેની મથામણ, પડકારરૂપ વાસ્તવિકતાનો સામનો અને સ્વીકાર આ સઘળી જદ્દોજહદ વચ્ચે, અપાર ધીરજ અને ખંતની પોતાનું સત્ત્વ જાળવવાનો પ્રયાસ – એ ડાયસ્પોરિક અનુકૂલન પામવાં માટેની પ્રાથમિક અનિવાર્યતા છે.

આવી વિવિધ વિષમતા વચ્ચે પણ ડાયસ્પોરિક સાહિત્ય, સ્થળકાળની સીમાઓને સ્વીકારીને તેમ જ પરહરીને સર્જાતું રહ્યું છે, વિકસતું રહ્યું છે. 

વિવિધ વ્યાખ્યાઓ દ્વારા 'ડાયાસ્પોરા' સંજ્ઞાનો અર્થબોધ ઠરાવવાના નિષ્ઠાવાન પ્રયત્નો પૂર્વે થયા છે તેથી અહીં તેનું પુનરાવર્તન અપ્રસ્તુત છે. અલબત્ત, આ ડાયસ્પોરિક સાહિત્ય વિશે અહીં, આમ વિચારીએ છીએ, ત્યારે, પ્રીતમ લખલાણી અને જયંત મહેતાનું સાંપ્રત સમયનું એક નિવેદન સ્મરણે ચડે છે : 'જુઓ ને, વર્તમાન ગુજરાત, મુંબઈ અને લંડનની જેમ અમારા અમેિરકામાં પણ ગુજરાતી સર્જકોનો રાફડો ફાટ્યો છે. પ્રત્યેક ચારના ટોળામાં અચૂક એક સર્જક જોવા મળે. ખરેખર આ વાત આનંદની છે કે વિષાદની ? એ કહેવું કઠિન છે.'

વાત આનંદની કે વિષાદની હોય કે ન હોય – પણ એ સાવ સાચું તો છે જ ! ગુજરાતી ભાષામાં સર્વત્ર સબળી-નબળી સર્જકતાનો જબરો સ્ફોટ થયો છે. વળી, તેમાં વિત્તવિહોણી રચનાઓ પણ પ્રગટ થઈને પોંખતી રહી છે. ડાયસ્પોરિક સાહિત્ય વિશેનાં આ સંપાદકીય લેખના આરંભે નોંધેલા અભિપ્રાયને ફરિયાદ કરીને, આ સાહિત્ય વિશે, આવું મંતવ્ય કેમ સર્જાયું છે – તેની વિચારણા કરીએ તો તેનું એક કારણ, આપણું ડાયસ્પોરિક સાહિત્ય બહુધા, આપણાં "ઓપિનિયન”, "ગુંજન”, અને "ગૂર્જરી" વગેરે જેવાં ડાયસ્પોરિક સામયિકોમાં જ પ્રગટ થતું રહ્યું છે – તે છે. આમ છતાં આ સાહિત્યની વિવિધ સ્વરૂપની કૃતિઓ, ગુજરાતી ભાષાની વિપુલ રચનાઓ સાથેની સ્પર્ધામાં સામેલ થતી નથી અને પરિણામે, વ્યાપક કલાકીય માનદંડની આકરી સરાણે-તાવણીએ ચડી-તવાઈ નથી. એક અન્ય દૃષ્ટાંતથી આ વાત વધુ સ્પષ્ટ થશે. 

ગુજરાતી ભાષામાં આજકાલ રચાતું દલિત સાહિત્ય, બહુધા, "દલિત ચેતના”, "હયાતી" અને "દલિત અધિકાર" જેવાં દલિત સામયિકોમાં પ્રગટ થાય છે. એમ છતાં દલિત સાહિત્યની એ રચનાઓ, વ્યાપક અને લગભગ સર્વસ્વીકૃત કળા-ધોરણોએ કસાઈને-ચકાસાઈને ખરી ઊતરવાની તક ગુમાવે છે. 

વર્ષો પૂર્વે, ગુજરાતી સાહિત્ય પરિષદમાં, સ્થાનિક અને ડાયસ્પોરિક સર્જકોની યોજાયેલી સંયુક્ત બેઠકમાં જયંત પંડ્યાએ, ડાયસ્પોરિક સાહિત્યકારોને એમની રચનાઓને ગુજરાતીમાંથી પ્રકાશિત થતાં "કુમાર”, "બુદ્ધિપ્રકાશ”, "પરબ”, "એતદ" અને "શબ્દસૃષ્ટિ" જેવાં સામયિકોમાં પ્રકાશનાર્થે મોકલવાનું સૂચન કર્યું હતું. આ રચનાત્મક સૂચન ડાયસ્પોરિક-સાહિત્યને, એની ઉપર નિર્દેશેલી મર્યાદાથી બચાવવા – બહાર કાઢવા માટે જ થયું હતું – એમ સૌએ સ્વીકાર્યું હતું.

આ સઘળી વાત-વિચારણાને લક્ષમાં રાખીને, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની વાર્તાઓ સૌ ભાવક-વિવેચકો સુધી પહોંચે એવા શુભાશયથી, ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગરે આપેલું, વાર્તાસંપાદન કરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. એ માટે પસંદ કરેલી વાર્તાઓમાં ડાયસ્પોરિક સાહિત્યનાં નીચે નોંધેલાં ચતુર્વિધ રૂપો પ્રગટ થયા છે. 

1. જે સર્જકો પૂર્વે, કોઈ કાળે પૂર્વ આફ્રિકામાં જઈ વસ્યા હતા અને રાજકીય પરિસ્થિતિ બદલાતાં, યુરોપ-અમેરિકા જઈને પુનર્વસવાટ કર્યો હતો – એ સર્જકોનાં, માદરે વતન તેમ જ આફ્રિકા વસવાટનાં સ્મરણો-સંવેદનોને નીરૂપતું સાહિત્ય. 

2. વિદેશવાસી થયા પછીયે, મોટાભાગે પોતાના દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃિતની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને વતન-ઝુરાપાને જીવતાં સર્જકોનાં સ્મરણ-સંવેદનોને નીરૂપતું સાહિત્ય. 

3. સ્વદેશ છોડીને વિદેશ વસી, સ્થિર થવા ચાહતા અને એ માટેની મજબૂત મથામણ કરતાં કરતાં વસવાટી ભૂમિ અને તેની સંસ્કૃિતનો પ્રભાવ ઝીલી-સ્વીકારીને, એ પ્રક્રિયાની પીડા અને આનંદથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નીરૂપતું સાહિત્ય.

4. વસાવાટી દેશ-પ્રદેશની આબોહવા, એના પરિવેશમાં પગ ખોડીને ઊભેલા અને સ્વદેશ-વિદેશની સાંસ્કૃિતક-સાહિત્યિક પરંપરામાં આદાનપ્રદાનથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નીરૂપતું સાહિત્ય.

આ ચાર રૂપો પૈકી ત્રીજા અને ચોથા પ્રકારનું સાહિત્ય અમને વિશેષ પડકારરૂપ તેમ જ આકર્ષક અને પ્રભાવક અનુભવાયું છે. એમ  હોઈને અહીં, એ પ્રકારો-રૂપોનું પ્રતિનિધિત્વ કરતી વાર્તાઓને પ્રાધાન્ય મળ્યું છે. 

હવે અહીં આ વાર્તાઓનું વિવેચન નહીં પણ આસ્વાદની ભૂમિકાએ-દૃષ્ટિએ, એ વાર્તાઓમાં અમને, 'શું શું ગમતું ગુંજે ભરી લેવા જેવું' – લાગ્યું એ આછા લસરકે લખીએ?

આધુનિક-વિકસિત દેશની ભૌતિકવાદી સંસ્કૃિતનાં માઠાં પરિણામો પૈકીનું એક અતિ પ્રચલિત પરિણામ, પોતાની વાર્તા, 'અનુબંધ'માં વણી લઈને શાંતશીલા ગજ્જરે એમાં પતિની ક્રૂરતા, સ્થાયીપણું  અને સ્વકેન્દ્રી જીવનશૈલી સામેનો સંઘર્ષ વર્ણવ્યો છે. એ ઉપરાંત પરદેશી સંસ્કૃિત-સમાજમાં સિંગલ મધર્સને  મળતો સધિયારો અને સીધી મદદનું નિરૂપણ કરીને ડાયાસ્પોરાના એક પાસાને પણ ઉજાગર કર્યું છે. ઘેરા કરુણમાંથી જન્મતા સંઘર્ષનું અહીં સ્પર્શક્ષમ આલેખન થયું છે.

વલ્લભ નાંઢા બ્રિટનના સિદ્ધહસ્ત વાર્તાકાર છે. 'ઇલિંગ રોડ પર ચોરી' વાર્તામાં, મનુષ્ય ગમે તેટલી સુખ-સમૃદ્ધિ વચ્ચે પણ કોઈ નબળી ક્ષણે કહો તો વામણો બની જાય છે અને એ વામણાપણું ઢાંકવા -છાવરવા કેવું છીછરાપણું આદરે છે – એ વાત સુંદર રીતે કહેવાઈ છે. આ વાર્તા, લંડનના બ્રેન્ટ બરો ને બદલે અમદાવાદના કાળુપુરની શાકમાર્કેટના પરિવેશમાં રચાઈ હોત તો જુદી પડી હોત ? અલબત્ત, હા ! અહીં જે વાસણ, સાડી-વસ્ત્રો, કરિયાણું-શાકભાજી અને સાજ-શૃંગારની દુકાનોની સાથે સાથે હોટલ, મંદિર અને રેસ્ટોરાંનું જેવું મિશ્ર હાટ-બજાર જામે છે. એ કંઈ અમદાવાદના કાળુપુરની મસમોટી, નવી શાકમાર્કેટમાં શક્ય જ ક્યાં હતું ? આ કૃતિમાં આફ્રિકન-ગુજરાતી સંસ્કારોથી સમૃદ્ધ (?) વઢવાડની સથોસાથ છાની છપની ચાલતી નજર-સ્પર્શની ચોરી-ચાલાકી, સ્થૂળ વસ્તુસમગ્રીની પણ ચોરી અને સીનાજોરી તેમજ ભારે ભીડ વચ્ચે મહોરતી સ્વાર્થલીલા વગેરે બહુ જ મજાની માર્મિકતાથી ચિતરાઈ છે. 

સાહસ અને રહસ્યકથાનો પટ પામેલી 'ખય્યામ'ની વાર્તા 'ઉફીટી' ચિમ્પાન્ઝી અને ગોરિલાને મળતા આવતા, આફ્રિકાના મલાવી પ્રદેશના રહસ્યમય પ્રાણી ઉફીટી ઉર્ફે ચોગા-ફ્લોકામ્બા-ડોડીએકાની વાત થઈ છે. દંતકથામાં કહેવાતું રહેલું આ પ્રાણી અહીં અગોચર તત્ત્વ અને ભૂત-પ્રેત કે પિશાચ રૂપે વર્ણવાયું છે. વાર્તાના અંતે આ અગોચરની વાસ્તવિકતા ભાવકને ક્ષણભર સ્તબ્ધ અને વિચારતો કરી દે છે. તળ પ્રદેશની બોલી, તેની માન્યતાઓ, ભ્રામક કથાઓ અને વાતાવરણ આ વાતોને ડાયાસ્પોરા જૂથમાં સમાવે છે. 

બંધિયાર કોટડીમાં પગ મૂકતાં જ સ્વતંત્રતા અનુભવતા પ્રો. જગતાપ વિશ્વના ભૂખમરાનો ઈલાજ શોધવામાં રત-વ્યસ્ત છે. એમની આ પ્રતિબદ્ધતાને તોડતા વિધવિધ સંયોગો અને અંતે એમના ઉપર જ સિદ્ધ થતી ભાસતી શોધની કથા ગમે તે સ્થળની હોઈ શકે છે. સીમા ઓગાળાતી અને ઓળંગતી જયંત મહેતાની વાર્તા 'એક ઉંદરની વાત' એ કયા ઉંદરની છે – એ સમજાયા પછી પૂરેપૂરી ખૂલે છે. સંયોગોની વ્યંજના પમાય તો વાર્તાસુખ કે વાતસુખ હાથવેંતમાં.

પરદેશમાં આવીને બહારી ટાપટીપથી સરસ દેખાતો યુવાન ભીતરે ખદબદ હોય છે. એક કળણમાં એક વાર ખૂંપ્યા પછી બહાર નીકળવું અઘરું  હોય છે. હેન્ડસમ સામંતના વ્યક્તિત્વથી અંજાયેલી મંદા સામંતના પછીથી ક્રમશ: પ્રત્યક્ષ થતા જતા છીછરાપણાથી ત્રસ્ત થઈ ઊઠે છે જે નૃત્યકલા એના જીવનનો અવિનાભાવી અંશ હતી – એ ખોવાઈ જતા સમસ્ત જીવન લથડે છે. એની વેદના-વ્યથાનું સ્વઓળખની ક્ષણની આ વાર્તા છે. પ્રીતિ સેનગુપ્તાની 'એક જ મિનિટ' વાર્તામાં પ્રગટ થતું સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્વાભિમાનથી આગળ વધવાનું ડાયસ્પોરિકપણું આકર્ષી રહે છે. 

એકાકી માતા, અન્યજાતિના પિતા, સાંસ્કૃિતક, પારંપારિક તફાવતો વચ્ચે પોતાની રીતે જીવવાના આગ્રહથી તૂટતો પરિવાર, ઉપેક્ષિત સંતાનો અને સંતાનોના પોતીકા પ્રશ્નો – હવે માત્ર ડાયાસ્પોરાની વ્યથા નથી. વત્તે-ઓછે અંશે તૂટતી જતી સમાજવ્યવસ્થા સાથેની જીવનશૈલી વિકસતી ગઈ છે. રમણભાઈ પટેલની વાર્તા ' એકલતા વેરણ થઈ'માં આ સમસ્યાને લેખકે જે રીતે એકલતાની વિવિધ સ્થિતિને એક દોરે પરોવવાનો પ્રયત્ન કર્યો છે – એને 'ગમતું ગુંજે ભરવાની વાત' ગણીએ.

'ક્યૂરિયોસિટી કિલ્સ ધ કેટ' કહેવતને ચરિતાર્થ કરતી, હરનિશ જાનીની વાર્તા 'એલ. રંગમ્' હાસ્ય-વ્યંગમઢી હોવા છતાં 'દેશી' જેનેટર(સફાઈ કર્મચારી)ના ડાયાસ્પોરાની વાત માંડે છે. અહીં સફાઈકામની ઝીણી ઝીણી વિગતોમાં જોડાઈ જતા કથાનાયકના પંચાતિયા જેશ્ચર્સનું નિરૂપણ પ્રતીતિકારક રીતે થયું છે. 

દીપક બારડોલીકરની વાર્તા 'કાગળનો કટકો' ભલે ડાયસ્પોરિક ન અનુભવાય પણ એમનું ડાયસ્પોરિક સાહિત્યમાં પ્રદાન અને એમની સમજણની નોંધ લીધા સિવાય ચાલે જ નહીં. અહીં પરંપરિત કથાપ્રપંચ અને અતિપ્રચલિત વર્તાવસ્તુ વણાયા છે. કથાની આડાશે છુપાયેલી આ કથા અંતે, લાઈબ્રેરિયન જે રીતે કાગળના કટકાને પગતળે કચડીને સડસડાટ ચાલી જાય છે – તેમનું નેરેટરનું ચાતુર્ય, સમસ્ત કથાવસ્તુની તાદૃશતા સાથે ભાવકને જે નથી તે જ છે – એ તરફ દોરી જાય છે એની મજા છે.

આનંદરાવ લિંગાયતની 'કૂંપળ ફૂટી' વાર્તા પરદેશની ધરતીમાં રોપાયેલી ગુજરાતી ડાયાસ્પોરી વાર્તા છે. નાયિકાને પતિ તરફથી કદીયે ન મળેલાં પ્રેમ અને હૂંફ, એક અજાણ્યા અંગ્રેજ એન્ડી પાસેથી મળે છે. કથાનાયિકા બાનું એના પતિ સાથેનું સહજીવન અને પારકા પ્રદેશના અને આરંભે સાવ અજાણ્યા પુરુષ એન્ડીનો એમના માટેનો સમ અને સહભાવ, ભાવકને દેશ-પ્રદેશના અને સંસ્કૃિતના પણ સીમાડા ભુલાવીને એ રીતે હાથ ઝાલીને લઈ જાય છે કે કથાપ્રવાહમાં પેલા ડાયાસ્પોરાને સાવ ઓગાળી નાખીને છવાઈ જતા નર્યાં પોતીકાપણામાં એ ભીંજાઈ જાય છે !

ગુજરાતી સાહિત્ય પરિષદને પણ જેમની વાર્તાઓમાં રસ પડ્યો હતો એ વાર્તાકાર મનેશચંદ્ર કંસારાની 'ખરેખરનાં આંસુ' ગુજરાતથી માઈલો છેડે બેઠા વતન-ઝુરાપાને સ્હેજે પ્રગટ થવા દીધા સિવાય તળ ગુજરાતના લેખકને ય કાન પકડવા પડે-એવી કુંભારના માટીકાચી નકશી, ગધેડાની રહનસહન, સ્વભાવ અને વર્તણૂૂક સાથે માણસની આર્થિક પરવશતાથી ઉમટતો આક્રોશ આ બધું એવું વણ્યું છે કે વિષાદના ડૂમાની પછીતે કશુંક જુદું જ પ્રફુલ્લન પમાય છે. 

આપણી જૂની પેઢીએ ડગલે ને પગલે જે અનુભવ્યા છે એ રંગભેદ, જાતીય સલામતી અને અન્યાયની વાતો જેટલી લખવી જોઈએ એટલી લખાઈ નથી. એ રીતે, આપણા જ માણસો દ્વારા થતું આપણા જ માણસનું શોષણ પણ ડાયસ્પોરિક વાર્તાઓનું વિષયવસ્તુ બન્યું નથી. યોગેશ પટેલની વાર્તા 'ગાંડું પંખી'માં આ વાત અત્યંત લાઘવપૂર્વક આલેખાઈ છે. શોષણ અને શોષિતદશા અને મનોદશા અહીં તાદૃશ થઈ છે. સુરેશ જોષી કુળની લખાતી આ વાર્તાનું ડાયસ્પોરિક પોત ભલે મલમલીય લાગે પણ એને અડતાંવેંત એ દઝાડી મૂકે એવું છે. 

લાંબી લેખણે લખાયેલી અને વાતના ઓઠે વાત કહેતી, ડાહ્યાભાઈ પટેલની વાર્તા 'ત્યાગ'માં, દેશ શું કે પરદેશ શું ? – પ્રેમની અલૌકિકતા અને સ્વાપર્ણ તો સઘળે સરખાં જ ! – એ સંદેશ ઠાઠ-ભભકા વગર કહેવાયો છે. પરદેશમાં ત્યાગ કરતા એક યુવકની અને દેશમાં ત્યાગ કરતા બીજા યુવકની વાતને ગૂંથીને અને તેને જકસ્ટાપોઝ કર્યા સિવાય બે કથા ભાવક સામે મૂકી આપી છે. 

પરદેશમાં વસીએ તો ત્રણ વાનાં અવશ્ય વેઠવાના થાય જ : વિયોગ, અવહેલના અને શોષણ. આ પૈકી અવહેલનાનું દુ:ખ કદાચ વિયોગની પીડા કરતાં ય ચડી જાય પણ પેલું શોષણ તો જરા ય જંપવા ન દે ! પરંપરિત શોષણ, કુટુંબમાં થતું શોષણ અને એક હિંદી દ્વારા થતું બીજા હિંદીનું શોષણ. આ વ્યક્તિગત શોષણ અને શોષકના દંભ-આડંબરમાંથી જન્મતી કરુણ પરિસ્થિતિની, તેના પરિણામ સ્વરૂપની લાગણી-વેદના અને વિડંબના કુસુમ પોપટની વાર્તા 'ત્રણ મોસંબી અને કોબીનો દડો'માં નિરૂપાઈ છે. 

અંદરથી ફોરતી, ઊઘડીને ઊભરાતી સ્ત્રી, એની અતૃપ્ત નહીં પણ અપેક્ષિત કામનાઓ અને એક જુદી જ ઓળખના જીવનનો રોમાંચ એ જિવાતી ક્ષણોમાં પુરુષને એ કેવો સંવેગે – એનું નિરૂપણ પન્ના નાયકે બખૂબી કર્યું છે. 

વાર્તાવાચન સમયે પુરુષ-વાચકો આંખના એક ખૂણે ભારતીય સંસ્કૃિત સંભારીને ભવાં ચડાવે ને બીજે ખૂણે સતત આશા સાથે, જિવાતી ક્ષણોને સંવેગે – એવી કલાથી રચાયેલી આશા બળવંત શાહ 'ફ્લેમિંગો'ની, લંડન અથવા ગમે તે સ્થળે – કલ્પનોની સફરની સરસ ડાયસ્પોરિક વાર્તા છે. 

ભદ્રા વડગામા લિખિત 'મારા અતિ પ્રિય ગૌતમ' વાર્તા પ્રેમ, સ્વાપર્ણ અને વિરહની કથા માંડે છે. પ્રતિબદ્ધતાથી પ્રગાઢ અસહ્ય વિરહમાં જીવવાનું બળ મળે છે અને જીવન, જાણ બહાર કેવું પાંગરતું આવે છે – એ વાત અત્યંત સલુકાઈથી કહેવાઈ છે. પ્રતિબદ્ધતા સાથેનું સર્જન સહેજ લંગડાતી લેખણે થાય છે – એવું અસ્વીકૃતપણે મનાય છે પરંતુ બ્રિટીશ નિયમો, રેલતંત્રની નિંભરતા અને પતિને ગમતી પ્રતિબદ્ધતાને ગૂંથતો આવો વણાટ ડાયસ્પોરિક છે. અહીં વિદેશજીવનના પૂર્ણ અનુભવ સાથે ભારતીય સંસ્કૃિત અને ભાવનાનો સુભગ સમન્વય થયો છે. 

પાશ્ચાત્ય સંસ્કૃિતમાં સહજ સ્વીકૃતિ મળી છે એવા લગ્નેતર શરીર-સંબંધને ભારતીય સંસ્કૃિત ઉપેક્ષાથી અવલોકે છે. વળી, આ વાત વિદેશમાંના લાંબા વસવાટ પછી પણ ભુલાતી નથી. સામા પક્ષે સાવ સરળતાથી ઉપલબ્ધ થતાં શરીર-સંબંધનું પ્રલોભન ખાળી શકાતું નથી. આપણી પરંપરિક માનસિકતા આવા સંબંધને એક ચોક્કસ દૃષ્ટિકોણથી જ અવલોકે છે. આના પરિણામ સ્વરૂપ જન્મતી વ્યથાનું સરળ-સાધારણ વર્ણન વિનય કવિની વાર્તા 'મૃગતૃષ્ણા'માં થયું છે. બળવંત  નાયકે ક્રાંતિ અને યુદ્ધ સમયની સામાન્ય માણસની પરિસ્થિતિ, સૈનિકોની વિશિષ્ટ માનસિકતા અને સ્વૈચ્છિક કે ફરજિયાત દેશનિકાલથી જન્મતી વ્યથા-કરુણતાની ઘણી વાર્તાઓ લખી છે. 'લાઈવ ક્યૂ' વાર્તામાં, રશિયન ક્રાંતિ સમયે દેશ છોડીને જતા અમેરિકન નાગરિકોને અપલક આંખે જોઈ રહેલો, રશિયન નાગરિક અને કથાનાયક લેવ વેલેન્સકી ગમે તે ભોગે, સ્વદેશ પ્રત્યેની પોતાની વફાદારી અને અસ્મિતાપ્રેમ ટકાવી રાખવા માથે છે પરંતુ એ સઘળી ભાવનાઓ એક જ પળમાં ખરી પડે છે. ખુલ્લી હવા મુક્ત વાતાવરણ પેરેસ્ત્રોઇકાની કશીક ભયાનકતા એને એકાએક સહકુટુંબ લાઈવ ક્યૂમાં ઊભો રાખી દે છે. આ કારુણ્ય આંખોને ભલે ન ભીંજવે પણ ભાવકને મટકું મારવાનું ભૂલવી દે છે.  

પરદેશમાં સરકાર-સ્વીકૃત 'લોટરી'નાં પરિણામોની ચર્ચા કરતી અહમદ ગુલની વાર્તા 'લોટરીની ટિકિટ' પરદેશમાં લોટરીના ચસકાથી જન્મતી માનસિકતા વ્યક્ત કરે છે તો ભાનુશંકર ઓધવજી વ્યાસની વાર્તા 'હું ક્યાં માનું છું, યુથેનેસિયામાં ?'  વતનની યાદમાં ઝૂરતાં એકાકી જીવના અસ્તિત્વની મથામણ નિરૂપે છે. હોસ્પિટલના એકાન્તમાં માતૃભૂમિની યાદ, ભૂતકાળની પરમ સુખની પળો અને સાવ 'કોરે મૂકયા'ની વર્તમાન જિંદગી વચ્ચે પણ ટકી રહેતી જિજીવિષાનું નિરૂપણ પણ ધ્યાનાર્હ છે. અલાયદી સવલતો, પેન્શન, આઝાદી અને વતનમાં પરિવારનો પ્રેમ, મમતા-લાગણીસભર ચાકરી અને ખાતરબરદાસ્ત આદિમાં આમતેમ ઝૂલતી રહેતી જિંદગી પણ સરળ-શાંત મૃત્યુ ને ઇચ્છતી-આવકારતી નથી. જિજીવિષાનું આવું છે, ભાઈ ! આવો વતન ઝૂરાપો અને વળગણની ગાથા આધુનિક વાર્તાના નમૂનારૂપ છે – એ નોંધીને બે વાત કરીએ આ સંપાદનની છેલ્લી વાર્તાની !

રોહિત પંડ્યાની વાર્તા 'હું બાલુભાઈ' પરદેશમાં જઈ વસેલા અમારા સહુની આત્મકથા છે. હું, તમે અને આપણે સહુ 'દેશી'ઓ એક યા બીજી રીતે કથાનાયક બાલુભાઈ જ છીએ. આ 'બાલુભાઈ' હોવું એ આપણી આગવી ઓળખ અલબત્ત, નથી તેમ છતાં આ બાલુભાઈમાં હું, તમે અને આપણે સહુ વત્તાઓછા અંશે ઉપસ્થિત-હાજર છીએ એ તથ્યનો ઇન્કાર કોણ કરી શકાશે ? પણ આપણા સહુને આત્મકથા બનવા છતાં આ એક ડાયસ્પોરિક વાર્તા સૌ પ્રથમ છે – અંડરસ્ટુડ ?

તો આવો છે ગુજરાતી ડાયાસ્પોરા ! એને વિવિધ મુદ્દાઓ લઈને તારવીએ તો – ડાયાસ્પોરામાંનાં સ્ત્રી-સ્વાતંત્ર્ય, સ્વવિકાસ અને વિવિધ વિષમ સંયોગોમાં પણ ટકી રહીને પોતીકું જીવન જીવવાની કૃતનિશ્ચયતા વર્ણવતી વાર્તાઓ અનુબંધ અને 'એક જ મિનિટ'નું ડાયાસ્પોરાની સમસ્યાઓ અને તેના ઉકેલ તરફની ગતિ તથા એ માટેનાં પ્રયત્નોમાં વેઠવા પડતા સંઘર્ષ-પીડા-વેદનાનું આલેખન કરતી વાર્તાઓ 'ગાંડું પંખી' અને 'એકલતા વેરણ થઈ'નું પરદેશમાં થતાં શોષણ અને રંગભેદથી જન્મતી મનોવેદના અને એનાથી સર્જાતી મન:સ્થિતિને દર્શાવતી વાર્તાઓ 'ત્રણ મોસંબી અને કોબીનો દડો', 'ગાંડું પંખી', 'લાઈવ ક્યૂ'નું ડાયાસ્પોરામાં ઓગળતા વ્યક્તિત્વ અને નવા પ્રવાહમાં જોડાઈને આગળ વધતા મનુષ્યની કથા કહેતી વાર્તાઓ 'હું બાલુભાઈ', 'કુંપળ ફૂટી' તથા 'મારો અતિપ્રિય ગૌતમ' તથા સર્વ મનુષ્યમાં રહેલી લાલસા, વકરતાં અને વિકસતાં વૃત્તિ-વર્તનની વાર્તાઓ 'ઇલિંગ રોડ પર ચોરી', 'એલ રંગમ', 'મૃગતૃષ્ણા' અને 'એક ઉંદરની વાર્તા' – આમ અલગ અલગ ડાયસ્પોરિક પરિસ્થિતિઓને જીવતાં-જીરવતાં પાત્રોની મન:સ્થિતિને, પરકાયાપ્રવેશ કરી, પોતીકી બનાવીને લખાયેલી આ વાર્તાઓ આપ સહુ સમક્ષ મૂકતાં આનંદ અનુભવીએ છીએ. શક્ય એટલી વાર્તાઓ વાંચવાનો પ્રયાસ કર્યો છે અને એમાંથી ડાયાસ્પોરી લાગી એવી વાર્તાઓ અમે સમાવી છે. ડાયસ્પોરિક સાહિત્યનું ફલક ઘણું મોટું છે. સાવ પાડોશના પાકિસ્તાનથી અને આખી દુનિયા ફરતે આંટો મારીને પાછા આવીએ તો શ્રીલંકા સુધી ગુજરાતી લોકો પહોંચ્યા ને પથરાયા છે. આ સ્થિતિ-સંજોગોમાં સઘળું ડાયસ્પોરિક સાહિત્ય ન વાંચી-તપાસી શકવાની અમારી સહજ મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ. એ મર્યાદા સબબ ક્ષમાપૂર્વક, વધુ ને વધુ સુંદર વાર્તાઓ લખાય, વંચાય ને વિવેચાય-મૂલવાય એવી શ્રદ્ધા-વિશ્વાસ સાથે અમે જીવીએ છીએ.

('ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રકાશિત 'ડાયસ્પોરિક વાર્તાઅો'નું સંપાદકીય : સંપાદક – વિપુલ કલ્યાણી, અનિલ વ્યાસ : પહેલી અાવૃત્તિ – મે 2011 : પૃષ્ઠ સંખ્યા – 18+146 : કિંમત – રૂ. 90)

મુદ્રાંકન સહયોગ : નીરજભાઈ શાહ 

Loading

10 July 2013 admin
← સ્ટુડન્ટ હોલ
Bodh Gaya Blasts: Terrorist Violence and Political Agenda →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved