Opinion Magazine
Number of visits: 9458432
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુઠ્ઠી ઊંચેરા …..

અનિલ વ્યાસ|Opinion - Literature|26 June 2013

મુઠ્ઠી ઊંચેરા …..

ભોળાભાઈના અવસાનને વરસ થયું તો ય એમના અંતિમ દર્શન વખતનું કવિશ્રી યોગેશ જોશીએ વર્ણવેલું દ્રશ્ય પુન:પુન: નજર સમક્ષ તરવરે છે.

ભોળાભાઈના અવસાન પછી એમનો દેહ ઓરડામાં રાખેલો. વિદેશમાં રહેતી દીકરી અને પૌત્ર પૌત્રી પિતા … નાનાનાં આખરી દર્શન કરવા ઝંખતાં હતાં. વાયા ઇન્ટરનેટ, વૅબ કેમેરા મારફતે અંતિમ દર્શન શક્ય બન્યાં, ત્યારે ઘરમાં પરિવારનું રુદન અને પરદેશમાં નાના બાળકોનાં ડૂંસકાં …. આ જોઈ ભોળાભાઈનાં પત્ની શકુબહેનથી રહેવાયું નહિ. ભોળાભાઈના ગાલ પર હથેળી દાબતા બોલ્યાં, ‘આ છોકરોં આટ આટલું રડ છ તોં અમ .. કોંક તો બોલો.’ ભોળાભાઈ એમ જ સૂતા રહ્યા … એ ત્યાં હોત, તો ચોક્કસ બોલ્યા હોત, પણ એ તો હશે ત્યાં .. છેક શૈશવથી જેમાં જીવવું હતું એ પહાડો, ઝરણાં, નદી, સરોવર, સાગર કે વનરાજીમાં.

ભોળાભાઈનો જન્મ ૧૯૩૪ની ૭મી ઓગસ્ટે ગાંધીનગર જિલ્લાના સોજા ગામે. શિક્ષક પિતા શંકરભાઈ અને માતા રેવાબા ગૃહિણી. રઘુવીર ચૌધરી કહે છે એમ રેવાબા ખૂબ સારું ગાતાં એટલે શિક્ષક પિતાની કેળવણી ગણતરાઈ લોકગીતો, ગરબા અને ભજનના સંસ્કાર વડે. સાથે પિતાના શિક્ષણે પુસ્તકોનું અદમ્ય આકર્ષણ જગાડ્યું. આમ માતાએ એમને સહજતાથી પ્રકૃતિ સાથે ને પિતાએ પ્રવૃત્તિ સંગે જોડી આપ્યા. ભોળાભાઈમાં અજબ વાચનની ભૂખ હતી અને વિવિધ ભાષાઓ શીખવાનો રસ. એટલે પ્રબોધ પંડિત પાસે ભાષા વિજ્ઞાન ભણ્યા અને એસ.આર ભટ્ટ પાસે અંગ્રેજી વિષય લઈ સ્નાતક થતાં થતાં શેક્સપિયર અને અન્ય સાહિત્યકારો ઉપાસ્યા તો ભગત સાહેબ (નિરંજન ભગત) પાસે એલિયટ આદિ કવિઅો અને યુરોપિયન સાહિત્ય આત્મસાત કર્યું.

પિતાનાં પગલે ચાલતા એમણે શિક્ષક બનવુ પસંદ કર્યું ને શિષ્યો ય કેવા … રઘુવીર ચૌધરી, બિન્દુ ભટ્ટ, પરેશ નાયક, રંજના અરઘડે, વીરેન્દ્ર ….. વગેરે.

આધુનિકતા અને પશ્ચિમના પ્રવાહોના સંર્દભમામાં યજ્ઞેયજીના સર્જન પર પી.એચ.ડી કર્યું. જોડાજોડ કાલિદાસ, જીવનાનંદદાસ, રવીન્દ્રનાથ અને ઉમાશંકર જોષીના અઠંગ અભ્યાસે વિવેચન અને નિબંધ સર્જન એ ભોળાભાઈના  ગમતા વાનાં બન્યાં. જો કે આ સહુના પાયામાં છે પેલાં પુસ્તકો અને પ્રકૃતિપ્રેમ. નિરંજન ભગતનાં મુંબઈ કાવ્યો અને બૉદલેરનાં નગર કાવ્યોના સમાંતર અંત:સ્તલ તપાસતાં તારવેલા નિરીક્ષણો ઉમાશંકર જોષીને પસંદ પડ્યાં અને એ લેખ “સંસ્કૃિત”માં પ્રગટ થયો. વિકસતી જતી દૃષ્ટિ, સમજણ અને અભ્યાસના ફલસ્વરૂપ આપણને મળ્યા .. ૧૯૭૩માં અધૂના અને ભારતીય ટૂંકી વાર્તા, પૂર્વાપર (૧૯૭૬), કાલપુરુષ (૧૯૭૮), આધુનિકતા અને ગુજરાતી કવિતા(૧૯૮૭), મળી માતૃભાષા મને ગુજરાતી (૧૯૯૭), અને વાગ્વિશેષ (૨૦૦૮).

ભોળાભાઈએ શરૂઆતમાં કાવ્યો લખેલાં, થોડી વાર્તાઓ ય  સૌજન્ય : રમેશ ર. દવે અને રઘુવીર ચૌધરી લખી હતી. પણ આ ભમતા જોગીને ઠરવાવારો જડે છે પ્રકૃતિમાં. વિઠ્ઠલભાઈ પંડ્યા પાસેથી જે સંસ્કૃત ભાષાનું સંગીત અને સૌંદર્ય પમાયું તે મશે હાથવગાં બનેલા લાઘવ થકી  સૃષ્ટિ સાથેનો નાતો વિકસતો રહ્યો. રવીન્દ્ર ટાગોરના શાંતિ નિકેતન અને અરવિંદ આશ્રમમાં ભણવાના ઓરતા જોતા, આ યુવાને અંગ્રેજી ભાષા સાહિત્ય અધ્યાપન કાર્ય દરમ્યાન, અન્ય વિવિધ ભાષાઓ ખાસ તો બંગાળી પર પ્રભુત્વ મેળવ્યું. વળી વિવિધ પ્રવાસયાત્રાઓથી સભર અને પરિમાર્જિત થતી રહેલી એમની સર્જક ચેતના અગાઉ કહ્યાં એ વિવેચનના માર્ગે ભલે વહી, વિલસી પણ એમનું પ્રકૃતિ સાથેનું અનુસંધાન કાયમ રહ્યું.
ભોળાભાઈએ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે ‘જેમ નિરંજન ભગતની કવિતાએ વિવેચન તરફ જવાની પ્રેરણા આપી એમ ૧૯૭૮માં ભગત સાહેબના જ પ્રેમાળ આદેશથી સર્જનાત્મક સાહિત્યના સામાયિક “સાહિત્ય” માટે પ્રથમ લલિત નિબંધ લખાયો.’

ભોળાભાઈએ એમના નિબંધોને લલિત અને યાયાવર એમ બે ભાગમાં વિભાજિત કર્યા છે પણ આ નિબંધોમાં મળે છે; મનુષ્યનું સચરાચર સાથેનું અનુસંધાન. પંચમહાભૂતના તત્ત્વોથી સભર સૃષ્ટિનાં વિવિધ  સૌંદર્યો થકી જાગતું વિસ્મય, વિસ્મયમાંથી ઉઘડતાં પ્રાકૃત અને કલાકીય રહસ્યો. આ નિબંધોમાં પ્રવેશતાં એમની પાંચ વિશિષ્ટતાઓ ઊડીને આંખે વળગે છે.

૧.સરળ નિરૂપણ

૨. તાદૃશ્યીકરણ

૩. સહ અસ્તિત્વ; મનુષ્ય, ભાવક અને સ્થળ–કાળ પ્રકૃતિ સાથે

૪. સ્થળોના ઇતિહાસ ભૂગોળ સાથેનો નાતો – પ્રસ્થાપન.

૫. સહજતાથી વણાતી આવતી તાત્ત્વિકતા

સરળ નિરુપણ સાથે તાદૃશ્યીકરણનો નમૂના રૂપ ગદ્ય એમના નિબંધ ‘ખજૂરાહો’માંથી …..

‘આ જૈન મંદિરો છે, છતાં શિલ્પ સ્થાપત્ય હિદું શૈલીનાં છે. વિષયો પણ હિંદુ પુરાણોમાંથી છે. વિષયો પણ હિંદુ પુરાણોમાંથી છે. પાર્શ્વનાથની દીવાલો પર આલિંગનની મુદ્રામાં લક્ષ્મીનારાયણ છે, રેવતી બલરામ છે, રતિકામ પણ છે, રામ સીતા હનુમાન છે. પણ જે મૂર્તિઓ મનમાં વસી તે તો  પેલી આંખમાં અંજન આંજતી અપ્સરાની, પગે કાંટો કાઢતી અપ્સરાની. શું ચહેરાનું પ્રોફાઇલ છે. અને શું રમ્ય અંગભંગી ! આ અપ્સરા પગે અળતો લગાવી રહી છે અને આ નર્તકી પગે ઝાંઝર બાંધી રહી છે. પથ્થરનું ઝાંઝર, હમણાં બજી ઊઠશે કે શું ?’ ‘સાંકડા રસ્તે થઈ ચાલ. યા ઘંટાઈ મંદિર. મંદિર શાનું ? રુદ્રમાળની જેમ થોડા થાંભલા ઊભા છે, પણ એ કહી જાય છે કે કેવી ભવ્ય ઇમારત હશે ? કેવી રમ્ય ! થાંભલા પર સાંકળથી ઝૂલતા ઘંટના શિલ્પ છે. પથ્થરની સાંકળના અંકોડા ગણી શકાય. છેડે લટકતો ઘંટ. આવી તો થાંભલા ફરતી અનેક સેરો. સાંકળ સાથે આજુબાજુ ફૂમતાં પણ ખરાં, પવનમાં ફરફરતાં જાણે. આ સેરો કીર્તિમુખમાંથી નીકળેલી અને આ કીર્તિમુખો પથ્થરની આંબળેલી દોરીઓથી ગૂંથાયેલા. પથ્થરમાં વળ જોઈ શકો.’

ત્રીજી વાત કહી એ …. સહ અસ્તિત્વ; મનુષ્ય, ભાવક અને સ્થળ–કાળ પ્રકૃતિ સાથે .. લેખક વિવિધ સ્થળોએ સાવ સહજતાથી આપણો હાથ સાહી જે રીતે આપણને સાથે લઈ ચાલે છે, એ અત્યંત રોચક અને સૌંદર્યબોધક છે. દૃષ્ટાંત સહ જોઈએ.

‘આ જે તળાવ છે તે મુંજ તળાવ છે. તેના આ એક કાંઠે ખંડિયેરોના ઢગલા પડ્યા છે. એક વખતની ભવ્યતા, મહેલાતો ઈંટ રોડાંના ઢગલામાત્ર છે. તેમા ક્યાંક કોક વસ્તુ પેલી ભવ્યતાનો આછો પાતળો ખ્યાલ આપી જાય. યહ હૈ ચંપાબાવડી. ઈસ કે પાની કી સુગંધ ચંપા કે ફૂલ જૈસી હોતી થી …. આપણા ભમ્મરિયા કૂવા જેવી રચનાનો પ્રકાર હતો. નીચે તહખાનામાં ઓરડાઓ, આ તળાવનાં પાણી પરથી આવતી પવનની લહેરોથી  ઠંડા રહેતા. ત્યાં નીચેથી  સીધા મુંજ તળાવને કાંઠે જઈ શકાતું.

મુંજ તળાવની ઉત્તર પશ્ચિમ ભણી અમે ઊભા હતાં. આથમણે હજી એક દીવાલ બોલાવતી હતી. એકલવાયી, જર્જરિત, ત્યજાયેલી.’

આપણે ભાવક મટી ક્યારે આ સ્થળ કાળમાં .. ‘આપણા’ ભમ્મરિયામાં પ્રેવેશી જઈએ એ જુદું તારવવું મુશ્કેલ.

સ્થળ–કાળ પ્રકૃતિ સાથે મનુષ્ય, ભાવકનું સહ અસ્તિત્વ જોઈએ.

‘સામેની ટેકરીનું ચઢાણ શરૂ થયું. નિશાળિયાઓ દફતર ભરાવીને ભણવા ઊપડ્યા હતા. અમે શ્વાસભેર ચાલીએ, વાત કરવાનું તો પોષાય નહિ. મોંમાંથી સ્વર કરતાં શ્વાસ વધારે નિકળે. ટેકરીની ટોચ પાસે અખરોટનું ઝાડ હતું, ત્યાંથી ગામ ભણી રસ્તો જતો હતો. ગામમાં લાકડાના ઘર ટેકરીના ઢોળાવ પર હતાં. હવે અમારી સાથે મારવા નદીનો નહિ નંતનાલાનો પ્રવાહ  હતો. નાલા શબ્દથી ભરમાવું નહિ. સવેગ વહી જતો વિપુલ વારિઓઘ એ હતો.’

એક બીજો ગદ્યખંડ જોઈએ :

‘દિવસ રાતની આ સંધિ વેળાએ આ ખંડિયેરો સંમોહન પાથરતાં જતાં હતાં હમણાં આ ક્ષુધિત પાષાણમાંથી એક પ્રેત સૃષ્ટિ વહી આવશે. આ કપૂર તળાવના ભાંગેલા ઓવારા પર, આ બાકોરા જેવા મહેલના ઝરૂખા પર, આ જર્જરિત મહેલને ઓરડે ઓરડે તેની રાત્રિ રમણા શરૂ થઈ જશે. કોઈ અવગતિક જીવ પોકાર કરી ઊઠશે …. કોણ સાંભળશે ?

ના હવે અહીં વધારે નહિ ઊભાય. હવે જવું જોઈએ. જહાજ મહેલના પગથિયાં ઊતરીને રસ્તે ચાલવા લાગ્યા. છેલ્લે પાછળ નજર કરી લીધી, પછી ચાલ્યા. ધીમેધીમે અમારા પડછાયા ઝાંખા દેખાવા લાગ્યા. તબેલી મહેલને વટાવી એક જૂના દરવાજાની બહાર નિકળ્યા ત્યાં સુધીમાં તો પડછાયા સ્પષ્ટપણે અમારી સાથે ચાલતા દેખાયા. કારતકની સાતમ કે આઠમ હશે. સ્વચ્છ આકાશમાં ફરી ચંદ્ર ભણી નજર ગઈ. અર્ધચંદ્રાલોકમાં બધુ મીસ્ટીરિયસ બની જતું લાગ્યું. હજી તો પેલી મહેલાતોના પરિસરમાં જ હતા. પુરાણી ઇમારતની અડોઅડ ઊભેલા પુરાણા ઝાડ પરથી કોઈ રહ્યો સહ્યો પ્રેતાત્મા હમણાં તરી પણ આવે. ક્યાંક ઠોકર લાગતી ત્યારે લાગતું કે અમે ચાલી રહ્યા છીએ, ચાંદનીનો પ્રભાવ વિસ્તરતો ગયો.’

સ્થળોના ઇતિહાસ ભૂગોળ સાથેનો નાતો દૃષ્ટાંતનો મહોતાજ હોઈ જ ન શકે પણ વાત ઉખેળી છે તો ‘ઇમ્ફાલ’ નામના નિબંધની શરૂઆતમાં …

‘સવારના કુમળા તડકામાં સર્પિણી પહાડી નદીઓ જરા આંખમાં ચમકી ક્યાંક વળાંકમાં કે ક્યાંક ઊંડાઈએ ખોવાઈ જાય છે. ક્યાંક ગોરાડુ મેદાન પણ વધારે તો ગાઢ અને ઘેર લીલા જંગલોથી છવાયેલી પર્વતશ્રેણીઓ પસાર થાય છે. નક્કી, આ જ જંગલોમાં પુરુષોપમ ચિત્રાંગદા શિકારે નીકળતી હશે. આ જ જંગલોમાં પોતાના દ્વાદશવર્ષ વ્યાપી રઝળપાટમાં પુરુષોત્તમસખા અર્જુન અહીં આવી ચઢ્યો હશે. કોણ જાણે ક્યે માર્ગેથી, ક્યાંનો ક્યાં ભમતો ભમતો. હોમરના ગ્રીક નાયક ઓડિસિયસની જેમ વ્યાસના અર્જુનને ય ભમરો હતો. સતત બસ ભમવું. ભમી પકાય એની જેમ અકુતોભય નિર્દ્વન્દ્વ ! ચિત્રાગંદા મળે કે ન મળે.’

અથવા ‘કાશી’ નિબંધનો આ ખંડ ….

‘આ બાબા વિશ્વનાથ ! પ્રસિધ્ધ બાર જ્યોતિર્લિંગોમાંનું  આ એકજ્યોતિર્લિંગ ! ના, જ્યોતિર્લિંગ તો હવે નથી.

વારાણસીમાં બૌદ્ધધર્મનો એક વેળા ઉત્કર્ષકાળ હતો, પણ પછી તે શૈવધર્મનું મુખ્ય તીર્થ બની ગયું. શૈવધર્મની સાથે ભાગવતધર્મનો પણ વિકાસ અહીં થયો હતો. વારાણસીનું નામ ગુપ્તયુગમાં અવિમુક્તક્ષેત્ર થયું. શિવે હંમેશાં આ ક્ષેત્રમાં જ રહેવાનું કહેલું ને !  વારાણસી વ્યાપારનું જ નહિ ધર્મનું કેન્દ્ર બનવા માંડ્યું. એનો મહિમા વધતો ગયો.’

એમના નિબંધોમાં તાત્ત્વિકતા કેવી અનાયાસ વણાય છે એ તપાસીએ.

‘તડકો મારા શરીર પર પડે છે. નીચે નગર પર એ જ તડકો પથરાયો છે. તડકામાં નીચેનું ચોરસ લંબચોરસ આકારોમાં વસેલું ભૌમિતિક નિવૃક્ષ નગર પિકાસોના કોઈ ક્યુબિસ્ટ પેઈન્ટિંગ જેવું લાગે છે, જાણે સ્વપનમાં જોતા હોઇએ. -એલિયટના મનમાં છે તેનાંથી જુદા અર્થમાં એક અનરિયલ સિટી. પીળા પથ્થરિયાં મકાન. સત્યજિત રાયનો ‘સોનેર કૅલા’ .. સોનાનો કિલ્લો.

અહીંથી ચારેબાજુ જોઉં છું. પેલી એ જ ચોસકલાબંધ ભૌમિતિક આકારની ઇમારતો.જાણે એમાં કોઈ મનુષ્ય નથી, માત્ર ઇમારતો છે. મનુષ્યો સહુ હિજરત કરી ગયા છે. ખાલી નગર છે. શાપિત નગર છે. કોઈ મનુષ્યભક્ષી બકાસુરના ભયથી નગર ખાલી થઈ ગયું છે. બારીએ બારીએ નિર્જનતા છે, અગતિકતા છે.

‘કવિતા મહીં પ્રત્યક્ષ પ્રીછ્યા પછી’ અને ‘કલ્પનામાં હૂબહૂ દીઠા.’ પછી જ્યારે કવિ પ્રવાસી તાજમહાલને ખરેખર સાક્ષાત કરે ત્યારે સહજ ઉદ્દગાર નીકળી જાય છે, મેં તાજ જોયો ! જે કોઈ કવિતાનો કે અન્ય કલાનો વિષય બન્યું હોય અને તેથી આપણી કલ્પનાનો વિષય બને છે તે જ્યારે ચાક્ષુસ વિષય બને છે ત્યારે પ્રથમની સૌંદર્યાનુભૂતિથી કંઈક જુદા પ્રકારની સૌંદર્યાનુભૂતિ થાય છે, પ્રથમમાં કદાચ કલાગત આસ્વાદ છે. એમ કલાગત આસ્વાદની પૃષ્ઠભૂમિ સાથે પ્રત્યક્ષ દર્શનના વિશુધ્ધ આનંદથી સમન્વિત ભલે ન હોય, પણ ભાવના સમન્વિત હોવાથી અનેરો બની રહે છે. (ચિલિકા)

કોઈપણ કલાના વિકાસના ચરમોચ્ચ બિંદુએ, તેની ઉપલબ્ધિની પૂર્ણતાએ તેના અવક્ષયનો પ્રથમ બીજ નિક્ષેપ થઈ જતો હોય છે, ત્યાંથી શરૂ થાય તેનાં વળતાં પાણી. એમ જ હોય ને !

જો કે ભોળાભાઈના નિબંધોમાં તાત્ત્વિક ચર્ચાને બદલે જે આંખદેખી સૃષ્ટિનું કલાકીય આલેખન મળે છે અને જોડાજોડ વિવિધ સ્થળોએ આગળ વધતાં એ જે રીતે આપણી આંગળી પકડીને આપણને લઈને જાય છે એ ખરે જ સૌંદર્યબોધક છે.  વહેતાં ઝરણાં સાથે  જેમ નજરે દેખાતા સૌંદર્ય સાથે નાદ સૌંદર્ય વણાતું આવે એમ આ નિબંધો કલકલ વહે છે.

ભોળાભાઈએ શબ્દનો નાતો વિવિધ સ્વરૂપે સેવ્યો છે. થોડાં કાવ્યો, વાર્તાથી પાંગરેલું સર્જન ક્રમશ: આસ્વાદ, વિવેચન, લલિત નિબંધ. પ્રવાસ, અનુવાદ અને વિવિધ સંપાદનોમાં વિકસતું રહ્યું છે.

ભોળાભાઈને સહૃદય ભાવક અને સમ્યક ટીકાકારનું માનદ્દ સંબોધન મળ્યું છે. આ મુદ્દે એકવાર રઘુવીરે ભોળાભાઈને પૂછેલું કે જીવનનો સૌથી મોટો સ્વાનુભવ ક્યો ? જવાબ મળ્યો : સાહિત્યનો આસ્વાદ. જો કે મૌલિક વાર્તાઓ ન લખાયાનો પેલો મુક્કમલ રંજ વ્યક્ત કરતાં ભોળાભાઈ કહે ‘મૌગ્ધયસભર યુવાન વયે સર્જના વિકલ્પે વિવેચન કર્યું ન હવે કથા સર્જન માટે મન સળવળે તો ય શું ?’ તો ભાઈ તમે આ ઘેર બેઠાં ભારત પરિભ્રમણ કરાવ્યું ને કાલિદાસ, કબીર, જીવનાનન્દ દાસ, શંકરદેવ, અને રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓ, એથી પરિષકૃત થયેલી તમારી એ પારખી નજરને સંવેદનામાં અમને સાથે રાખ્યા એ સૌંદર્યબોધ ક્યારે સ્વાનુભવ બન્યો એ તો તમારા નિબંધોમાં જે પ્રવેશે એ જ જાણે. વળી માતૃભાષાની ખેવના ય ક્યાં ઓછી કરી છે ? “પરબ”ના સંપાદક તરીકે સાહિત્યને જે એડી ચોટીએ ચકાસ્યું, સુલભ કરાવ્યું એ મિશે વધુ શું લખવું ? “પરબ”ના માતબર અંકોમાં પ્રગટ થયેલા લેખો ચકાસી જવા વિનંતી કરું ? ભારતીય ભાષાઓ સાથેનું એમનું  સાયુજ્ય  આપણાં માટે ખાસ્સું ઉપલબ્ધિકર રહ્યું. ભોળાભાઈના મનમાં ગુજરાતી ભાષાને અન્ય ભાષાનું સાહિત્ય સુલભ કરાવી વધુ સમૃધ્ધ બનાવવી અને ભારતીય ભાષાઓને જોડતો પુલ બનાવવાનો ખ્યાલ અને એ તરફના પ્રયાસોના પરિણામ સ્વરૂપ રવીન્દ્રનાથ ટાગોર, કાકા કાલેલકર, જીવનાનંદદાસ, સુમિત્રાનંદન પંત, સુનિલ ગંગોપાધ્યાય … જેવા સર્જકો સાથે આપણો નાતો બંધાય છે સાવ નજીકનો. રમેશ ર. દવેના શબ્દોમાં, ‘કાવ્યના અનુવાદમાં મૂળ કવિની સર્જકતા સાથે ભોળાભાઈનો એકાત્મભાવ એ અનુવાદ થકી મૂળ કૃતિને પૂરેપૂરી સહજ સ્વાભાવિક અને પૂર્ણ પણે પમાડે છે.’

શિરીષ પંચાલને ભોળાભાઈના પ્રવાસ લેખનોમાં ભોળાભાઈની ગ્રંથિઓ અને વળગણોથી મુક્ત સૌંદર્ય દૃષ્ટિ સાથે આત્મિયતા અને ઉષ્મા જડે છે. એમને પસંદ પડેલ ‘દેવાત્મા હિમાલય’માં ના ગદ્યખંડ માણીએ …

‘પૂર્વના પર્વત શિખરો જાણે સાદ પાડી રહ્યા છે. સૂર્ય પણ જાણે એક શિખરને ખભે ચઢી સમગ્ર પર્વતશ્રેણી અને ભાગીરથીની ઘાટીને પોતના તડકાથી રસી રહ્યો છે. પરંતુ જમણા હાથે ભાગીરથીની પેલે પાર દક્ષિણે એક શ્વેત પર્વત  આછા સંચરામણ ધુમ્મસમાં વીટળાયેલો છે. એક રહસ્યાવૃત્ત ભવ્યતાનો એ અનુભવ કરાવે છે. કોમળ તડકો એ રહસ્યને હજી ભેદી શકતો ન હતો પણ એ કોમળ તડકામાં પંખીઓનો કલનાદ ભાગીરથીના ગર્જન વચ્ચે પણ સાંભળી શકાતો હતો.’

ભોળાભાઈને પ્રિય છે જળનાં તમામ સ્વરૂપો. ગામના આંગણામાં ઢોળાયેલાં પાણી, નીક, વહેળો, કૂવો, તળાવ, સરોવર, નદી, સમુદ્ર … આ સહુનો ઘુઘવાટ એમને તરલ સઘન અનુભૂતિ કરાવે છે.

એમાં સ્વકીય નિરીક્ષણમાં ભળતી અંગત લાગણી સાથે સર્જનના જે આયામો વિકસે છે એ અવર્ણનીય છે. વિવેચન કે આસ્વાદથી પરે છે. ભોળાભાઈ માટે સઘળું ચેતન છે. ને જે આત્મવત છે એ એમના સ્વાધ્યાય થકી સંમાર્જત થઈ એક વિશેષ અનુભવ પ્રગટે છે.

૧૯૯૩માં ભારતીય સાહિત્ય અકાદમી (દિલ્હી)ની જનરલ અને એકઝ્યુકૅટિવ કાઉન્સિલમાં નિમણૂંક મળતાં  ભારતીય સાહિત્ય સર્જકો અને સાહિત્ય સાથેનો સ્વાધ્યાય વિકસ્યો.

એક સાહિત્યકાર ઊપરાંત એ ઓળખાયા છે એમની અંદરની સત્ત્વશીલતા અને સચ્ચાઈથી. આ સત્ત્વશીલતા થકી પ્રસ્ફુિટત થતી સર્જકતા અને સચ્ચાઈ  આપણે  શબ્દરૂપે સ્થળ–સૌંદર્ય પામીએ તે. જેમ કે …. ‘આ સાંજ, આ પવન, આ નદી આ પહાડ, આ અરણ્ય, આ આકાશ, આ નિર્જનતા …. ધીરે ધીરે તેમાં અંધકાર ભળી ગયો. અરણ્યનો આદિમ અંધકાર. એ આદિમ અંધકારમાં આ પુરાણા જંગલો વચ્ચેથી પસાર થતા પવનનો અવાજ, એ અવાજ વધતો ગયો, માનસનો ઘુઘવાટ પણ વધતો ગયો. સમુદ્રના ઘુઘવાટ સાથે એને સરખાવી શકાય.’

આ શબ્દના ઘુઘવાટને તટે ઊભાં અમે અને અમારી પેઢીઓ સતત સાંભળતી રહેશે.

અને ભોળાભાઈ, તમે ?

તેષાં દિક્ષુ નિબંધના આ બોલ … ‘બધે ફરીને ઘણીવાર મારા પેલા ગામની ભાગોળે પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈને ઊભો રહું છું. નાના હતા અને નિશાળમાં ભણતા હતા ત્યારે ચોપડી પર નામની સાથે આખું સરનામું લખતા. આખું એટલે ?  એટલે નામ, પિતાનું નામ, દાદાનું નામ પછી અટક; પછી શેરી મહોલ્લો, ગામ, પછી તાલુકો, જિલ્લો, રાજ્ય. પછી લખીએ દેશ – હિન્દુસ્તાન ખંડ – એશિયા પછી પૃથ્વી અને છેલ્લે આવે બ્રહ્માંડ.

હવે ઊલટે ક્રમે બધું વટાવી ગામની ભાગોળે.’

– અહીં પરદેશમાં આટલે દૂર શું કહીએ ?

‘Just keep your words. Mind that its written evidence.’

*

16, Eton Court, Eton Avenue, Wembley, Middlesex HA0 3BB [U.K.] 

Loading

26 June 2013 admin
← A tale of two BJPs
બિગબેનના ડંકા … →

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved