Opinion Magazine
Number of visits: 9568602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનું ભાવિ આ યુવા પેઢીના હાથમાં ?

અાશા બૂચ|Gandhiana|13 June 2013

સામાન્ય રીતે દીકરીને પિયરથી વાર-તહેવારે, ટાણે પ્રસંગે, કપડાં-દાગીના, માવડીને ઘેર ખાઈને મોટી થઈ હોય અને સાસરે સાથે ન લાવી શકી હોય, છતાં જેની યાદ અને સ્વાદ હજુ મોઢામાં સચવાઈ રહ્યો હોય, તેવી તેને ભાવતી ખાવા-પીવાની વસ્તુઓ તે અને કવચિત નાની-મોટી ભેટ સોગાદો મળતી રહેતી હોય છે.

મારે મૈયરથી પણ મને ગમતાં ખાદીનાં કે હાથ બનાવટનાં સાદાં કપડાં, હસ્તોદ્યોગની બનાવટની ગૃહ શોભાની વસ્તુઓ, ઇંગ્લેન્ડમાં મુશ્કેલીથી મળતી ખાદ્ય સામગ્રી (કે જે પિયરના ગામની બહેનો ઘેર બેઠાં પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા બનાવતી હોય તેની પાસેથી ખરીદી હોય) અને ઉત્કૃષ્ટ વાચન સામગ્રી પૂરી પાડતાં પુસ્તકો અને સામયિકોની ખેરાત સતત થતી રહે છે.

તાજેતરમાં એવા જ એક સંપૂટમાં, અમદાવાદથી પ્રકાશિત થતા ગુજરાતી ભાષાના સામયિક ‘મોનીટર’નો જાન્યુઆરી ૨૦૧૩નો અંક પણ સામેલ હતો. પહેલી વખત આ સામયિકની જાણ થઈ. વિષયોમાં વૈવિધ્ય ભર્યું છે. ભારત અને દુનિયામાં ફેલાયેલો આતંકવાદ, આધુનિક કેળવણી પ્રથાની દશા અને દિશા, ખાદીનું ભાવિ, ગાંધીજી આજે કેટલા પ્રસ્તુત છે, ગાંધી અને તેમના આદર્શ એવા મહાનુભાવોની વિસરાતી જતી નિશાનીઓ વગેરે વિષે પ્રખર ગાંધીવાદી કર્મશીલ હસ્તીઓ, વિવિધ સંગઠનોના અધ્યક્ષ/ટ્રસ્ટીઓ, કેળવણીના ક્ષેત્રમાં પરોવયેલાઓ અને અન્ય વ્યવસાયમાં સફળ સિદ્ધિ હાંસલ કરેલ હોય તેવા પદાધિકારીઓના મનનીય લેખોનો સંચય સુંદર વાચન સામગ્રી પૂરી પાડે છે.

મારું ધ્યાન ‘ગાંધીજી મહાન : ગાંધી આચરણ અશક્ય’ લેખ પર અટક્યું. પાંચ-છ યુવક/યુવતીઓએ ગુજરાતના કોલેજમાં અભ્યાસ કરતા અને કારકિર્દીની શરૂઆત કરી હોય તેવા ૧૮થી ૨૫ વર્ષના શહેરી યુવાન ભાઈ-બહેનોને ‘૩૦મી જાન્યુઆરી એ શું છે ? તે દિવસે ૧૧ વાગે સાયરન વાગે છે તે શાને માટે ?’ એવા બે સામાન્ય લાગે તેવા પ્રશ્નો પૂછ્યા. એ જવાબોથી આઘાત નથી લાગ્યો, દુ:ખ જરૂર થયું. ગાંધીજીના જીવન, વિચારો, કામ અને સંદેશને ન જાણવા અને નવી પેઢીને વારસામાં ન આપવા બદલ આગલી પેઢીને જવાબદાર ઠેરવી શકાય. ગાંધીજી અને તેમના જેવા અસંખ્ય સમાજસુધારકો, લેખકો, કલાકારો, સંત પુરુષો, વૈજ્ઞાનિકો, કેળવણીકારો, સાહિત્યકારો વગેરેની રચનાઓ, તેમનાં નિવાસસ્થાનો, કાર્યાલયો અને આનુષંગિક ઘટનાસ્થળો વિસ્મૃિતની ગર્તામાં ધકેલાઈ ગયાં છે તેનો વસવસો એવા સિદ્ધ હસ્ત મહામનાઓની કૃતિઓ, કાર્ય અને રચનાઓમાં રૂચિ અને વિશ્વાસ ધરાવનાર સંવેદનશીલ લોકોને થાય તે સ્વાભાવિક છે. આ બાબતમાં પશ્ચિમના દેશો પાસેથી આપણે બે-એક વાતો શીખવા જેવી છે.

જે વિચાર કે કાર્ય લોક માનસને રુચે તે પચે, ગળે ઉતરે અને તેને અનુસરે, જાળવે અને વારસામાં ય આપે. ઇંગ્લેન્ડમાં શેક્સપિયર અને વર્ડ્સવર્થનાં જન્મસ્થાન અને જ્યાં એમની જગવિખ્યાત કૃતિઓની રચના થઈ તે તમામ ઈમારતો સંગ્રહસ્થાન બનાવીને અદ્દભુત રીતે સાચવ્યા છે. ગુજરાતમાં નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને બીજા અસંખ્ય સપૂતોની સ્મૃિત મહા મુશ્કેલીથી જળવાઈ છે. સંસ્કૃિતક વર્ન્સની જાળવણીનો અભાવ એ દેશવ્યાપી ત્રુટી છે. જોકે ‘અન ટુ ધીસ લાસ્ટ’ના લેખક જોહન રસ્કીન કે જે એક જબરદસ્ત કળા વિવેચક તથા સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં નીતિમત્તાને અગ્રસ્થાન આપનાર હતા અને જેમના પુસ્તકે ગાંધીને ‘ગાંધીભાઈ’માંથી ‘ગાંધી બાપુ’ અને ‘મહાત્મા’ બનાવ્યા તેમના ઇંગ્લેન્ડમાંના જન્મસ્થળ અને અંતિમ દિવસોના રહેઠાણ વિષે આજુબાજુના વિસ્તારમાં રહેનારા લોકો ખાસ જાણકારી નથી ધરાવતા એ વાતથી થોડું આશ્વાસન મળે ખરું ?

અગાઉ ઉલ્લેખ કરેલા લેખ વિષે વિચાર કરતાં કેટલુંક તારણ હાથ લાધ્યું છે તે વાચક મિત્રો સાથે વહેંચીશ નહીં ત્યાં સુધી જીવને ટાઢક નહીં વળે. એ લેખમાં મુલાકાત આપનારા વીસ યુવક-યુવતીઓમાંથી દસ તો મહિલાઓ છે. ઓગણીસમી અને વીસમી સદી દરમ્યાન સામાજિક સુધારાઓ ન થયા હોત તો આ બહેનો જુદા જુદા વિષયોમાં ઉચ્ચ અભ્યાસ કરતી ન હોત, અને આ રીતે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવાની સ્વતંત્રતા ન ધરાવતી હોત, તે વાત તેમણે ધ્યાનમાં લેવા યોગ્ય છે. વળી આઝાદીની લડતની સમાંતર જે રચનાત્મક કાર્યો થયાં તેમાંનું એક તે અસ્પૃશ્યતા નિવારણ અને જ્ઞાતિ પ્રથાની અવળી અસરો દૂર કરવાનું હતું. જો એ સમાજ સુધારણામાં સફળતા ન મળી હોત, તો આ યુવાન મિત્રોમાંના કેટલાક અને બીજા લાખો નાગરિકોને શિક્ષણ માટેની સમાન તકો ન મળી હોત એ પણ સમજવું જરૂરી છે. અને આ બંને લાભ અહિંસક માર્ગે જ મેળવ્યા હતા એ પણ યાદ રાખવા જેવું છે.

આ યુવાવર્ગના પ્રતિભાવોથી સ્પષ્ટ થયું કે તેમને અહિંસક લડાઈને કારણે સ્વાતંત્ર્ય મોડું મળ્યું તેમ લાગે છે. એટલે કે હિંસક લડાઈ દ્વારા પણ વહેલું સ્વરાજ્ય મળ્યું હોત તો પ્રજાને સુખ વહેલું લાધ્યું હોત ? ભલે થોડું મોડું પણ અહિંસક માર્ગે સ્વરાજ મળે તે સાચો રાહ નહોતો શું ? વળી મોટા ભાગના ભાઈઓ-બહેનોને ગાંધીના સત્યનો આગ્રહ માન્ય છે, પણ અહિંસાની વાત ગળે નથી ઉતરતી. વાહ ! હિંસા જો આ દુનિયાની સ્થાયી સ્થિતિ રહી હોત, તો દેશ-વિદેશમાં સતત સંઘર્ષ અને લડાઈઓ ચાલતી રહેતી હોત અને માનવ જાતે આટલાં સંશોધનો કે પ્રગતિ કરી ન હોત. ભારતમાં પ્રાંત પ્રાંત વચ્ચે અવારનવાર હિંસક તોફનો ફાટી નીકળે તો આપણા આ મિત્રો પોલીટિકલ સાયન્સ કે કોમર્સનો અભ્યાસ કરતા હોત કે શસ્ત્રો બનાવીને તેનો ઉપયોગ કરવામાં રોકાયેલા હોત ? તેમને એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવાનો સિધ્ધાંત કાળબાહ્ય લાગે છે. જો સંઘર્ષમાં સંડોવાયેલા બધા પક્ષો એક બીજાને બંને ગાલે તમાચા માર્યા જ કરે, તો સંઘર્ષનો અંત કેવી રીતે આવે ? તેમ કરવામાં હારે તે અને જીતે તે બંને દુ:ખી જ થાય, અને જેને માટે લડાઈ થઈ હોય તે બધું જ ગુમાવે એવું ભૂતકાળમાં ખેલાયેલી લડાઈઓના નિષ્કર્ષ પરથી જાણવા મળ્યું છે. વળી, આ મિત્રોમાંના કોઈ અથવા તેમની જાણમાંના કોઈ જૈન પણ હશે. તેઓ જરૂર અહિંસાનો મંત્ર જાણે છે, તો શું આપણે બુદ્ધ અને મહાવીરને પણ ભૂલ્યાં ? તો જૈન દેરાસરની યાત્રાએ જવાથી શું ફાયદો ? ખરેખર તો સમજવાનું એ છે કે આઝાદી મેળવ્યા પછી અહિંસાને પગલે ન ચાલ્યાં, તેથી જ ભારતને તેના પાડોશી દેશો સાથે વિવાદ અને સંઘર્ષ થાય છે. કેન્દ્ર સરકાર તેની પ્રજાનાં સ્વાસ્થ્ય અને શિક્ષણને બદલે સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરે છે. એ દેશો સાથે ભાઈચારો કેળવવા પાછળ આટલું ખર્ચ ન થયું હોત. બે ભાઈઓને એકબીજા સામે હસવાના પૈસા નથી પડતા, પણ જમીનના ઝઘડામાં બંને ખુવાર મળી જાય એ ક્યાં નથી જાણતાં ?

એક દલીલ એવી પણ થઈ છે કે માત્ર ગાંધીના પ્રયત્નોથી સ્વરાજ નથી મળ્યું, અને એ વાત ખરી છે. જો કે એક પ્રતિભાવકના વિધાન : ‘ભારતની સ્વતંત્રતા માટે હિટલરનો ઘણો ફાળો છે’, તેનાથી હું ચોંકી ઊઠી. ગાંધીજીના પુરોગામીઓ દેશદાઝથી ભરપૂર હતા. જેમાંના કેટલાકે બોમ્બ વિસ્ફોટ કર્યા, ટ્રેઈન ઉથલાવી, લશ્કરી સંગઠનનો પ્રયાસ કર્યો. પણ તેમને સફળતા ન મળી. બીજા દેશો હિંસક માર્ગે આઝાદી મેળવી શક્યા, તો તેઓ શું આપણા કરતાં વધુ સુખી છે ? તેમણે જલદી પ્રગતિ સાધી ? ત્યાં હજુ લોકશાહી ટકી રહી છે ? ગુલામી પ્રથા અને દમનકારી શાસન સદીઓ સુધી ટકે ત્યારે પ્રજામાંથી કોઈ માથું ન ઊંચકે અને આઝાદી રાતોરાત જોઇએ તે કેમ બને ? મને એ યુવા વર્ગને કહેવાનું મન થાય છે કે તેઓ સશસ્ત્ર લડાઈના પાંચ ફાયદા ગણાવે તો હું તેમને એના સો ગેરફાયદા ગણાવી શકું તેમ છું.

લગભગ એક કોડી જેટલાં આ યુવક-યુવતીઓ જ નહીં, પરંતુ બીજા લાખો લોકો સત્ય અને અહિંસાને વેગળા માને છે. જો ‘સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એ સત્ય હોય, તો એ મેળવવા હથિયારનો ઉપયોગ કરવો એ સત્યાચરણ છે ખરું ? અહિંસાનું પાલન સત્યને માર્ગે જ થાય અને સત્યાચરણ અહિંસા દ્વારા જ શક્ય છે, એ વાત આપણને કોણ સમજાવે ? વળી આપણે આતંકવાદને પાકિસ્તાની સરહદ પર થતાં છમકલાં અને છુટ્ટા છવાયા આત્મઘાતી હુમલાના રૂપમાં જ જોઇએ છીએ. પ્રજામત એવો છે કે આ પ્રશ્નનો ઉકેલ અહિંસક માર્ગે ન જ આવે. પણ જરા રાજકીય ઉશ્કેરણીથી વેગળા થઈને વિચારતાં માલુમ પડશે કે સાંપ્રત સમયનો આતંકવાદ અહિંસાના આચરણનાં અભાવે જ પેદા થયો છે. બ્રિટિશ સરકારે ભારતના ‘ભાગલા કરો અને શાસન કરો’ની નીતિને આધારે બે દેશોને સ્વતંત્રતા આપી ત્યારે સીમા રેખાંકન સમયે કઈ પ્રજાનું હિત ધ્યાનમાં રાખેલું એ આ યુવાનો કહી શકશે ? ભારત અને પાકિસ્તાન જીવે ત્યાં સુધી ઝઘડે તેવી સુવિધા તેમણે કરી અને ત્યાર બાદ બંને દેશના શાસક પક્ષોએ કાશ્મીરની પ્રજાની ઉન્નતિ અને સ્વર્ગીય ભૂમિની પ્રકૃતિ દત્ત સુંદરતાની જાળવણીનો હેતુ કેન્દ્રમાં રાખ્યો હોત, તો જમ્મુ-કાશ્મીરનું આધિપત્ય તટસ્થ ત્રીજી સરકારને સોંપ્યું હોત, અને તો આ વિવાદનો  શાંતિમય ઉકેલ આવ્યો હોત. વધારામાં મધ્ય પૂર્વના દેશોમાં આવેલી અસ્થિરતાના પગલે કેટલાંક સંગઠનો આતંકવાદીઓને તાલીમ આપીને પાકિસ્તાનમાં નિકાસ કરે છે, તે પણ ભારતને નુકસાનકારક બને છે. જો શસ્ત્ર યુદ્ધ જ બધા દુ:ખોનો ઈલાજ હોય તો ‘આરબ સ્પ્રિંગ’નો ચેપ લાગ્યો છે, તે બધા દેશોમાં પ્રજા અને શાસકો બંને હથિયારો વડે વાત કરે છે, છતાં આવે છે એ પ્રશ્નોનો ઉકેલ ? શામાં હિંમતની વધુ જરૂર પડે ? શસ્ત્રો ઉપાડી બીજા પર પ્રહાર કરવામાં કે પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી, વિરોધી પક્ષ સાથે મળીને પ્રજા, શાસનકર્તા અને પ્રશ્નના કેન્દ્ર સ્થાને રહેલ ભૂભાગ કે માનવ અધિકારના મુદ્દાને લક્ષમાં લઈને ઉદારતા અને સહિષ્ણુતા દાખવી બહુમતીથી નિર્ણય લેવામાં ?

બે દેશો વચ્ચે રાજકીય મુદ્દા પર ખેલાતા જંગનું પ્રમાણ ઘટ્યું છે, અને હવે બે વિભિન્ન વિચારસરણીઓ વચ્ચે મેળ ન પડવાથી આતંક વેરીને તેનો નિવેડો લાવવાની રીતનો ભય સહુને સતાવે છે. આતંકવાદના મૂળ કારણો તપાસતાં ખ્યાલ આવશે કે રાજકીય, આર્થિક અને સામાજિક અસમાનતા પ્રવર્તતી હોય અને જ્યાં દમન અને અત્યાચારનું સામ્રાજ્ય હોય ત્યાં ગરીબ, દબાયેલ અને અન્યાયનો ભોગ બનેલ પ્રજા પોતાના અધિકારોની માંગણી કરવા અને ન્યાય મેળવવા હિંસાનો આશ્રય લે છે. તેમનો હેતુ સાચો, માર્ગ ખોટો હોય છે. સામે સત્તાધારીઓ પણ હિંસક શમનકારી પગલાં લે છે. જેમને આતંકવાદના નિવારણ માટે અહિંસક માર્ગ પર શ્રધ્ધા નથી, તેઓ હવે ક્યાં ય આગ લાગે તો સામે બીજી આગ લગાડી જુએ, કદાચ પહેલી આગ બુઝાઈ જશે ! આમ જુઓ તો વ્યક્તિગત આત્મઘાતી હુમલાઓ આતંકવાદમાં ખપે પરંતુ અન્યાયી લડાઈ એ સરકારી આતંકવાદ જ કહી શકાય.

કોઈ પણ દેશની વિદેશનીતિ અને સંરક્ષણનીતિ પર તેની પ્રજાનાં વ્યક્તિગત મૂલ્યો અને વલણોનો પણ અસરકારક ફાળો હોય છે. અત્યારની સુશિક્ષિત પ્રજાએ, છેલ્લા પાંચ સૈકાઓમાં થયેલા સંઘર્ષો અને લડાઈઓનો અભ્યાસ કરવો રહ્યો. સમયાંતરે કોઈ એક રાજા કે સરકાર તેની પ્રજા પર દમન કરે ત્યારે તેમાંથી મુક્ત થવા ક્રાંતિ થાય. સશસ્ત્ર ક્રાંતિમાં બંને પક્ષે લોહી રેડાય, પુષ્કળ જાનહાનિ થાય, દેશનું સંસ્કાર ધન લુંટાય પણ હથિયાર હેઠાં મૂકાય અને શાંતિ કરાર થાય પછી જ પ્રજાજીવન રાબેતા મુજબનું થાય એ શું નથી જોયું ? તો કોણ મોટું, યુદ્ધ કે શાંતિ ? હિંસક સાધનો દ્વારા સંઘર્ષોનો ઉકેલ લાવવાની વિફળતાના કેટલા પુરાવાની જરૂર છે ?

આજની યુવાપેઢીને એક સવાલ પૂછી શકું ? આક્રમક અને વિનાશકારી માર્ગો પર વિશ્વાસ પેદા કરે એવું તમારું શિક્ષણ છે ? તમે કેવા માતા-પિતાના સંતાનો છો, તમારી શિક્ષણ પદ્ધતિ તમને કેવા માનવ બનાવે છે, તમે સંસ્કૃત સમાજના સભ્ય છો કે જંગલી સમાજના અને તમારો ધર્મ ઉદ્દાત અને ઉદાર છે કે સાંકડો અને સડેલો છે એ વિચારશો તો તમારે તમારા વિચારોમાં પરિવર્તન લાવવું જરૂરી લાગશે. મને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આ લેખમાં વ્યક્ત થયેલા અભિપ્રાયો એવું સૂચવે છે કે કેટલાક લોકોને મૂળભૂત મૂલ્યો પ્રત્યે આશંકા છે. રામના યુગમાં સત્યનું પાલન કરી શકાય પણ આજના યુગમાં શક્ય નથી. શું તેની આજે જરૂર નથી ? રાવણ સીતાનું અપહરણ કરે તે ખોટું હતું તો અત્યારે આપણી બહેન કે દીકરીનું અપહરણ થાય તે ચલાવી લેશું ? બુદ્ધના સમયમાં રાજાઓ સામ્રાજ્ય વિસ્તારની લાલસા વશ યુધ્ધો છેડે અને પ્રજા પીડાય તે જો અન્યાયી હતું તો આજના પ્રધાનો પ્રજાહિતનો વિચાર ન કરે, સરમુખત્યારો દમન કરે તેને શું યોગ્ય માનીશું ? સત્ય, અહિંસા અને કરુણા વગેરે તો સનાતન સત્યો છે જે આજના યુગમાં પ્રસ્તુત નથી એમ માનનારા વર્ગની સમજણ માટે સહેજે વિમાસણ થાય.

માત્ર આ લેખમાં પોતાના વિચારો વ્યક્ત કરનારા લોકો જ નહીં પણ ભારતની તમામ જનતા જાણે ‘સાદગી’ના નામે સો ગાઉ છેટી ભાગે છે. લોકોને આજે અદ્યતન ઉપકરણો, ડિઝાઈનર કપડાં અને વિદેશથી આયાત થયેલ વાહનોની માલિકી વિના જીવન વ્યર્થ લાગે છે. સાદગી અપનાવવાથી તેમના વ્યક્તિત્વનો વિકાસ નથી થતો કે પ્રભાવ નથી પડતો એમ લાગે છે. કહે છે, ‘આ બધા વિના ન ચાલે.’ શું ન ચાલે ? તેમનું જીવન ન ચાલે ? આજીવિકા ન મળે ? ગાંધીજીનું કથન : The truest test of civilization is culture and dignity is character and not clothing  સમજવા માટે ફેશનેબલ યુવક-યુવતીઓનાં વસ્ત્રપરિધાન, કાકીડાની જેમ દરેક ઉદ્દઘાટન વખતે કપડાં બદલતા નેતાઓ અને ફિલ્મ સિતારાઓની ચમક-દમક ભરેલી વેશભૂષા તેમના ત્યાગ, નીતિમય જીવન અને ન્યાયી-ઉદાર વલણ પ્રગટ કરે છે ખરા ? ફેશનના નામે આપણે પ્રાકૃતિક સંસાધનનો અસીમ ઉપભોગ કરવાની લોભી વૃત્તિ, આંતરિક શક્તિને બદલે બાહ્ય દેખાવને વધુ મહત્ત્વ આપવાની ટૂંકી દ્રષ્ટિ અને ધન પ્રાપ્તિ માટે લાલચુ ગીધ વૃત્તિ ધરાવતા થઈએ છીએ. આપણે મૂડીવાદના પૂરા ભક્ત છીએ. ગાંધીજીના રોટલા, શાક અને બકરીના દૂધથી દૂર ભાગીને આ વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને એમ.બી.એ.ની ડિગ્રી ધરાવનારાઓ આમ જનતાને વિદેશી કંપનીઓ જેવી કે ‘મેકડોનલ્ડ’ અને ‘ટેસ્કો’ સુપર માર્કેટના તૈયાર ખાણાં તરફ ઘસડી જશે. લોકો જાણે મનુષ્ય જન્મ આપ્યો છે તે જીવન ભરપૂર માણવા માટે છે એમ માને છે. ચાલીસ દિવસની અતિ વર્ષાને અંતે ભગવાને નોઆને કહ્યું, ‘સફળ થાઓ અને વૃદ્ધિ પામો તથા પૃથ્વીને માનવ જાતથી ભરી દો. પશુ, પંખી, જળચર અને જંતુઓને તમારા અંકુશ નીચે મૂકું છું. જેમ અનાજ અને વનસ્પતિ આપું છું તેમ પ્રાણી જગત પણ તમારા ભક્ષ્ય તરીકે આપું છું.’ આનો અર્થ ક્રીશ્ચીઅાનિટીને અનુસરનારાઓએ એવો કર્યો કે ઈશ્વરે આપણને જનસંખ્યા અમર્યાદિત પ્રમાણમાં વધારવાનો અને તમામ પ્રાકૃતિક સંસાધનો તથા માનવ સર્જિત વસ્તુઓનો ઉપભોગ કરવાનો અબાધિત અધિકાર આપ્યો છે. ઉપયોગ કરીએ તે વસ્તુ ઓછી થાય, તો તેની પૂર્તિ કરવાની ફરજ ચુકી ગયા અને હવે કુબેરના ધનભંડારનું તળિયું દેખાવા લાગ્યું છે. પશ્ચિમની પ્રજા પોતાની લોભી ખાઉધરા વૃત્તિની ઉણપથી જાગૃત થઈને તેના પર કાપ મૂકવાની વાત કરે છે અને જેની પાસે ‘तेन त्यक्तेन भुंजीथा:’નો મહામંત્ર વારસામાં મળેલો છે એ ભારતીય પ્રજા સાદગીથી મોં ફેરવીને ગળાડૂબ ઉપભોક્તાવાદમાં રાચે છે.

આટલા વિચાર મંથનને અંતે હજુ વિમાસણ થયા વિના નથી રહેતી કે સત્ય અહિંસા અને ત્રણ વાંદરાના બુરું ન સાંભળવું, બોલવું અને જોવું એ સિદ્ધાંતોમાં શ્રધ્ધા ન ધરાવનાર ભાવિ વકીલો, એન્જીિનયરો, ડોકટરો અને પ્રધાનો એ વાંદરાઓના કાન, મોઢા અને આંખ પરથી હાથ હઠાવી લેશે. નવી પેઢી આધુનિક યુગને અનુરૂપ અસત્ય આધારિત હિંસક માર્ગે આંતરિક વિવાદનો ઉકેલ લાવવા અને પાડોશી દેશો સાથે અણુયુદ્ધ કરવા આજ્ઞા આપશે. હિટલર એકલો આટલી ક્રુરતા આચરી ન શક્યો હોત, તેની સાથે હજારો મળતિયા એ પાપાચરણના ભાગીદાર હતા. તેમ જ ગાંધીજી જેવા નેતાઓ પણ એકલ પંડે સફળ નહોતા થયા. પ્રજાબળના નવનીત રૂપે એવું સબળ નેતૃત્વ પ્રગટે. યુગ પુરુષ હંમેશ આપણી વચ્ચે હાજર ન હોય ત્યારે દરેક વ્યક્તિએ સાચા પથ પર ચાલવાની જવાબદારી લેવી ઘટે. ‘હું યોગ્ય માર્ગ પર ચાલીશ, બીજા મને અનુસરશે, હું ઘેટું નથી માનવ છું.’ એમ સતત સ્મરણ કરતા રહેવાથી બીજા અવતારની રાહ જોવાની જરૂર નહીં પડે.

ફક્ત વાતોથી સ્વતંત્રતા અપાવી તેથી કોમર્સનો એક વિદ્યાર્થી ગાંધીજીને એક સારો ‘સેલ્સમેન’ ગણાવે છે ! ૩૫ વર્ષથી નાની ઉંમરની એવી ભારતની બે તૃતીયાંશ વસતીને આધુનિક ઉપકરણો, વાહનો અને ફેશનની કેદમાંથી બહાર નીકળીને દુનિયાના પ્રવાહો પર નજર કરવા વિનવું છું. જે દુન્યવી વસ્તુઓને તેઓ મૂલ્યવાન ગણે છે તેની દોટ પાછળ ઘેલી બનેલ વ્યક્તિઓ અને માનવ સમૂહો એકલતા, અસહિષ્ણુતા અને  હિંસક મનોવૃત્તિથી  પીડાય છે અને સ્વવિનાશ તરફ ઝડપથી આગળ વધે છે. જો સત્ય અને અહિંસાનું પાલન વ્યવહારુ ન હોત, તો બુદ્ધ, જીસસ, મહાવીર અને ગાંધી તેને અમલમાં મૂકી ન શક્યા હોત. તેમના અનુગામી નેલ્સન મંડેલા, માર્ટીન લ્યુથર કિંગ અને આંગ- સાન-સૂ-ચી પણ નિષ્ફળ ગયાં હોત. સવાલ આપણી નિષ્ઠાનો છે, એ સિદ્ધાંતોના પ્રસ્તુત હોવાનો લગીરે નહીં. હિંસાનો જવાબ હિંસાથી આપવામાં માનનારને મિત્રો ઓછા હશે અને દુશ્મનો વધુ હશે. દુશ્મનો આપણી નિકટ ન હોય, તો એકલું ન લાગે આટલા બધા દુશ્મનો વચ્ચે ? આ દેશની ધુરા સંભાળી શકે એવી સત્ય, ન્યાય અને શાંતિ પ્રિય પેઢીના અવતરવાની રાહ જોવી ભારત વર્ષને પોસાય તેમ નથી. આ પેઢીએ જ આત્મ વિશ્લેષણ કરી યોગ્યતા પ્રાપ્ત કરવી રહી.

•

ગાંધીવાદ : “ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં; અને મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કોઈ નવું તત્ત્વ કે સિધ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યા આવે છે. મેં તો માત્ર મારાથી બન્યું એટલા વિશાળ પ્રમાણમાં એ બંનેના પ્રયોગો કર્યા છે. મેં એમ કરવામાં કેટલીક વાર ભૂલો કરી છે અને એ ભૂલોમાંથી હું શીખ્યો છું. એટલે જીવન અને એના પ્રશ્નોમાંથી મને તો સત્ય અને અહિંસાના આચરણના પ્રયોગો કરવાનો અવકાશ મળી ગયો.”

Gandhiji : The truest test of civilization is culture and dignity is character and not clothing

e.mail : 71abuch@gmail.com

Loading

13 June 2013 admin
← મલહાર – આંખો અને અંતરને અનરાધાર વરસાવતો રાગ
સળીઅો →

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved