Opinion Magazine
Number of visits: 9448569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત પ્રત્યે આત્મભાન જાગવો જોઈએ

Opinion - Opinion|1 December 2012

ગુજરાત પ્રત્યે આત્મભાન જાગવો જોઈએ                                    

રવિશંકર મહારાજ

1લી મે, 1960ની સવારે રવિશંકર મહારાજના હસ્તે, હરિજન આશ્રમ – અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. એ પ્રસંગે રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી અપેક્ષાઓ આજે આટલાં વર્ષે પણ એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતની પ્રજા અને શાસકો મહારાજના ઉદઘાટન પ્રવચનમાં વ્યક્ત થયેલી અપેક્ષાઓ તરફ લક્ષ આપે, એવી આશા સાથે એ પ્રવચન સ-અાદર …

આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમ જ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્ર ભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલી અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે નાની મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામી-અનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધારોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડૂતો પણ છે, અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ તેમ જ પેદાશ પણ વધી હશે. પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય, યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી. પણ આપણે ત્યાંની એક એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે એ કામ કરવાનો એનાં દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધ – ઘીની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવા દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય ! એ સ્થિતિ ટાળવી જ જોઈએ.

ગોસંવર્ધન અને ગૌસેવા એ જ એનો સાચો ઈલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેરે અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી.

આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ. અને એ સાથે સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગદર્શન આપવું જોઈએ.

સ્વરાજ્ય મળી પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી – દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યા પછી ત્યાગને ભોગ તરફની રુખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનમાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવાલાગ્યું છે.

માણસ વધારે પૈસા પાછળ દોડે કેમ કાઢે છે ? એને જેટલું મળે છે એટલું ઓછું કેમ પડે છે ? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે ? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ, એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્ત્વ દેખાવા લાગશે તે પ્રજા પર એની જાદુઈ અસર પાડશે.

આજે લાંચ અને રુશ્વત અને કાળાબજારની બદીઓ ઠેર ઠેર જોવા મળે છે. એ માટે રાજ્યે અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડશે.

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં ન્યાા્ય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને `આ અમારું’ રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ એવી ભાવના નહીં જાગે. રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાતે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણમાંથી સ્વ. ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અણલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે.

તુમારની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની યુક્તિ જો ગુજરાતનું રાજ્ય ખોળી કાઢશે તો પ્રજા ભારે રાહત અનુભવશે. કલેક્ટર મામલતદારોને મળીને અને મામલતદાર સ્થળ પર જઈને તુમારનો ઝટઝટ નિકાલ કરવા લાગે તો ઘણો બગાડ અટકી જશે. રૂબરૂ પતી જતું હોય એવું કામ તુમારે ન ચઢાવવું જોઈએ. મંત્રીઓ પણ શક્ય હોય ત્યાં કલેકટર વગેરેને મળી ને વ્યવહારુ ઉકેલ કાઢશે તો બધાં બહુ મોટી રાહત અનુભવશે.

વિક્રમરાજાની માફક આપણા મંત્રીઓ કે અધિકારીઓ ભલે વેશપલટો કરી નગરચર્ચા જોવા ન નીકળે, પણ કોઈ ખાતાની ઓફિસ ઉપર કે ચાલુ કામ ઉપર કોઈ પણ જાતની હોહા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો શિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવાનું મળશે, અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે પાડવાની ચાનક ચઢશે.

ભણેલા તેમ જ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામદ્યોગ જેવા યોગ્ય ધંધારોજગાર શરુ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણમાં પ્રણાલી ઊભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.

નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂરત હોય તે અંગેની પ્રવેશપરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી જઈ શકીએ.

બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત જરૂર નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરુ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પાડવાની જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રનાં તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામપંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ, અને ચૂંટણી દરમ્યાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું.

લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવમાં રાજ્યકર્તાઓને દંડ શક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરાં પગલાં લેવાં જ ન પડે, એવી રીત શોધવી જોઈએ. તેમ છતાં કોઈ કારણસર ગોળીબાર અનિવાર્ય થઈ પડે તો તેની જાહેર તપાસ કરાવવી જોઈએ.

આજકાલ આપણે ત્યાં શહીદ નહીં, શહીદની ચર્ચાઓ ચાલે છે, પણ એ વખતે જે બનાવો બન્યા હતા એ બહુ દુ:ખદાયક હતા. છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણા ગુજરાતનાં જ બાળકો હતાં, એ લાગણી ભુલાતી નથી. પ્રજાની એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ. તેમનાં માબાપોને પણ હું વિનંતી કરું છું કે તેઓ ગઈગુજરી ભૂલી જાય. પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના.

આજકાલ નાનાં નાનાં છોકરાંઓને હું જોઉં છું, એમની સમજણ અને એમનું શૌર્ય અને એમનું પાણી જોઉં છું, ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું. પણ માબાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સંસ્કારો સિંચવા જોઈએ, એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ. કેવળ પૈસા અને મોટાઈ કમાવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જે અમોલી મૂડી મૂકવામાં આવી છે, એની કેટલી જવાબદારી છે એનું ભાન પણ વીસર્યા લાગે છે. સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું નથી આપી શક્યા. આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ.

અસ્પૃશ્યતાનિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે. પણ વર્ષોથી સેવેલા ઊંચનીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર નથી થયા. એ માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. એ વાત સ્ત્રીજાતિના પ્રશ્નને પણ એટલી જ લાગુ પડે છે. આ માટે તેમના સમાજોપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ, અને ઊંચનીચના જાતિભેદ દૂર કરવા જોઈએ .

આવો જ સવાલ દારુબંધીનો છે. એ અંગે આપણી જ નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય. ખરી રીતે પૂ. વિનોબાજીએ આપણને ગ્રામસ્વરાજની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાને પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોષાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આપસઆપસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાવબંધી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.

ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં, પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતો તો લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કદી ન ભૂલીએ.

વળી આપણી પાસે ગુજરાતની મોટી કોમ, આદિવાસી જે જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે. તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ આપવું પડશે.

આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમના વારસાને શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદ્દબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ.
આપ સર્વેએ આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરુઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌના આભાર માનું છું.

સર્વેત્ર સુખિન : સન્તુ સર્વે નિરામયા :
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્

(સૌજન્ય : Posted on મે 12, 2008 by Himanshu Kikani)

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved