સહયોગીઓ !
આજે એક સાવ અંગત એવી વાત મુકવી છે. લખનારા વીશે ને એમનાં લખ્યા વીશે લખવું એ કાંઈ અંગત વાત ન કહેવાય. પણ તોય આ વાતે મને એવું વીધાન કરવા પ્રેર્યો તેનું કારણ લખનાર ને એમના લખાયાં ને લખાતાં વીશે હું ભાવુક રહ્યો છું તે છે.
હા, તો આ વાત તે હું જેમના લખાણોનો ફેન છું ને જેઓ આપણા બહુમુખી પ્રતીભાધર પત્રકાર–સાહીત્યકાર–સર્વોદયી ગાંધીપથી છે એવા પ્રકાશભાઈ શાહના એક તાજા લેખ અંગેની વાત.
(આ પહેલાં આવી જ રીતે એમના ત્રણેક લેખો મેં મારા વાચકોને – મારી સાથે ભાષા–ભાષાની રચનાત્મક રમત રમતાં ભાષાપ્રેમીઓને – નમુનારુપ લખાણ બતાવવાના મોહથી સંઘરી રાખ્યા હતા. પણ આજન્મ આળસુ એવા મારાથી એ કામ ન જ થઈ શકેલું. લંડનથી પ્રકાશીત ‘ઓપિનિયન’ને દસ વર્ષ થયાં નીમીત્તે જે સમારંભ થયો તેના પ્રમુખીય ભાષણને હું કેટલાક યાદગાર લખાણોમાં મુકું. એ લેખમાં એમણે જે સંદર્ભો વણ્યા –ટાંક્યા છે તેની યાદી કરવા બેઠેલો, પણ છેવટે થાકીને એને પડતું મુકી દીધેલુ !!
આજે દેશના પ્રખર પત્રકાર પ્રભાષજી પરના એમના સંભારણાથી અભરે ભર્યો લેખ વાંચીને ન રહી શકાયું. (પ્રકાશભાઈ આ લેખમાં વચ્ચે ભાવથી છલકાયા છે એ જાણીને તો આ લેખ પસંદ કરવાનું સહેતુક જ બની રહ્યું ! વાંચો – “આ હિંદુ અંતરને રાતવરત રડાવ્યાનું જાણું છું ત્યારે આ શૂરા એટલા જ સહૃદય મિત્ર માટે શું અનુભવું છું, એ કેવળ અને કેવળ અનિર્વચનીય છે.”)
આ લેખમાં ત્રણેક બાબતે ધ્યાન ખેંચે છે જે આપણી ભાષા–ભાષા રમત ને માટે ઉપયોગી બનશે.
૧) પ્રકાશભાઈની ભાષાસમૃદ્ધી. એમના નવા નવા શબ્દો તથા વાક્યરચના.
૨) એમના લેખોમાં મળતા પારાવાર સંદર્ભો. આ સંદર્ભો જોવા માટે દરેક સંદર્ભે મેં અંડર લાઈન કરેલી છે. ક્યાંક એક જ અંડરલીટી નીચે એકથી વધુ સંદર્ભોય જોવા મળશે. (મને આ નાનકડા લેખમાંથી પાંત્રીસેક સંદર્ભો જડ્યા છે !!)
૩) એમની વીશીષ્ટ – બહુ વાર વગોવાયેલી, ને છતાંય મને ગમતી રહેલી – શૈલી ! જનસત્તાએ એના વાચકોને સુરેશ જોશીની કલમનો વૈભવ વરસો સુધી પીરસ્યો છે. એમ જ, એ દૈનીકે એના તંત્રીલેખો દ્વારા પ્રકાશભાઈની સંદર્ભોથી છલકતી, ભાષાસૌંદર્યે મલકતી ને મલપતી તથા પ્રખર પત્રકારીત્વથી શોભતી શ્રેણી આપી છે.
સૌ વાચકોને નીચેના લેખમાં બોલ્ડ કરેલા શબ્દોમાં એમની શબ્દસર્જકતા અને અંડરલાઈનમાં સંદર્ભોનો ખજાનો જોવા મળશે.
હજુ ગુરુવારે સવારે તો ફોન પર વાત થઈ હતી કે ‘હિંદ સ્વરાજ’ પર લખવાનું એમણે હાથમાં લીધું છે, અને જાન્યુઆરી-૨૦૧૦માં (મૂળ પુસ્તક બહાર પડયાના સોમા વરસે) દિલ્હીમાં સૌ મિત્રોએ એના પ્રકાશન નિમિત્તે ભેળા મળવાનું છે. ત્યાં તો એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઈ. શુક્રવારે મોડે સુધી મેચ જોતા બેઠા હતા અને એ રીતે સચિન તેંડુલકર સત્તર હજારી બન્યા એના સાક્ષી પણ હતા.
બને કે શનિવારે આપણી વચ્ચે પ્રભાષ હોત તો રવિવારી ‘જનસત્તા’માં એમની અનૂઠી કોલમ (નિજી સંસ્પર્શવાળી બિનચૂક, પણ પ્રાઇવેટ મુદ્દલ નહીં) ‘કાગદ કારે’માં આપણે સચિનની ફટાફટ સત્તરહજારી વિશેની હૃધ ટિપ્પણી વાંચવા પામ્યા હોત. આ ફટાફટ એ બાંધી ઓવરોની- અત્યારે નહીં તો કયારેય નહીં- એવી ‘વન ડે’ માટેનો પ્રભાષીય પ્રયોગ હતો. પાંચ દિવસની ક્લાસિકલ ટેસ્ટ અને આ કિવકી શી વન ડે સંક્રાંતિ. પ્રભાષે કહ્યું કે ફટાફટ. આખરે સી.કે. નાયડુના ગામ (ઇન્દોર)નો જણ હતો ને.
૧૯૮૩માં હિંદી ‘જનસત્તા’ નીકળ્યું અને હિંદી (બલકે ભારતીય) પત્રકારિતાની જાણે કે વ્યાખ્યા અને પ્રતિમાન જ બદલાઈ ગયાં. હમણાં નોંઘ્યો તે ફટાફટ જેવા ઠેઠ પ્રોલિતારિયન પ્રયોગો એની ભાષાનો વિશેષ હતા. જે વિશાળ હિંદી ક્ષેત્ર છે એની તરેહવાર બોલીઓ અને ભાષાઓની-સુબહે બનારસ, શામે અવધ અને શબે માલવાની, ધરતી ધરતીની-સુગંધ સાથે એક સર્વજન હિંદી એમાં પ્રયોજાવા લાગી. આવી સમાચાર અને વિષય માવજત હિંદી પત્રકારિતાએ આ પૂર્વે લાંબા સમયથી જોઈ નહોતી.
‘સબ કી ખબર લે, સબ કો ખબર દે’વાળું ‘જનસત્તા’નું સૂત્ર તેમના વ્યક્તિત્વ અને પત્રકારત્વને પ્રતિબિંબિત કરતું હતું. હિંદી ‘જનસત્તા’નો પ્રારંભ કરવા અગાઉ ઠીક ઠીક મહિના એ અમદાવાદમાં એક્સપ્રેસ પત્રોના નવજીવન સારુ મથ્યા હતા અને એ ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગર પંથકના (ખરું જોતાં કચ્છના નાના રણના) ઘુડખર તે અરસામાં કદાચ પહેલી જ વાર કોઈ રાષ્ટ્રીય અખબારની પહેલા પાનાની સ્ટોરી બન્યા હતા અને પ્રિયકાન્ત મણિયારને અકાદમી એવોર્ડ મળ્યાના સમાચાર જયન્તિ દલાલનું ‘નવગુજરાત’ હોય અને છાપે, એટલા ઉમળકા ને અગ્રતાથી પ્રગટ થયા હતા- અને રવિશંકર મહારાજના સોમા વર્ષમાં પ્રવેશ સંદર્ભે એક્સપ્રેસની વિશેષ પૂર્તિ પણ (બન્યા હતા).
નાનાવિધ રસે સમૃધ્ધ લેખક અને પત્રકાર તરીકે એમને સંભારીને શરૂઆત કરી, પણ ‘હિંદ સ્વરાજ’ અને મહારાજના વિશેષોલ્લેખથી સમજાય છે તેમ એ એક સર્વોદયી વલણોવાળો રસકિ તાપસનો જીવ હતો. આ ‘રસકિ તાપસ’ એ પ્રયોગ મેં પુ.લ. કનેથી લીધો છે. પુ.લ. દેશપાંડે લોહિયાને રસકિ તાપસ કહેતા.
ફક્કડ, સર્વજનવિહારી, વિધાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. ભૂદાન આંદોલનની આબોહવામાં કોલેજનું ભણતર અધવચ છોડી ટી.એસ. એલિયટના આ ચાહક, નર્મદા અને ક્ષિપ્રા વચ્ચે ક્યાંક સુનવાની મહાકાલના ગ્રામીણ ઇલાકામાં થોડાં વર્ષ બિલકુલ દટાઈ ગયા હતા. પછી, ૧૯૬૯માં, બત્રીસેક વર્ષની વયે ગાંધી શતાબ્દીનાં પ્રકાશનોમાં ઉપયોગી થવા એ નવી દિલ્હીના શાંતિ પ્રતિષ્ઠાનમાં આવ્યા અને જયપ્રકાશજીનો પરિચય એમને (પોતાની શરતે) ગોયન્કા ને એક્સપ્રેસ પત્રો લગી લઈ ગયો. આંદોલન ઊપડયું ત્યારે ‘એવ્રીમેન્સ’ અને ‘પ્રજાનીતિ’માં એમણે હાથ બટાવ્યો, કટોકટી જાહેર થઈ ત્યારે એ પત્રો તો બંધ થયાં પણ ‘આસપાસ’ જેવી એક સિનેમા શાઈ પત્રિકાના આ સંપાદક ભૂગર્ભ સંપર્કોઅને સંકલના માટે એક અરછો ગુમનામ ચહેરો બની રહ્યા.
જયપ્રકાશજી સાથે એમ તો ચંબલના બાગીઓના આત્મસમર્પણના દોરમાંયે કામ કરેલું (રવિશંકર મહારાજ રસ પડવાનું એક કારણ એય હશે) પણ ભોમભીતર શીર્ષ સંપર્કો સાથે પ્રભાષ જોશીનું પરિચય-અને-કાર્ય-ક્ષેત્ર ખાસું વિસ્તર્યું. જો કે દેશે એમને જાણ્યા અને ઓળખ્યા તે ‘જનસત્તા’ના સ્થાપક તંત્રી તરીકે .નવમા દાયકામાં મુદ્રિત પત્રકારિતાને પ્રભાષ જોશી મળ્યા, દસમો દાયકો બેસતે ઇલેકટ્રોનિક મીડિયાને ‘આજતક’ વાળા સુરેન્દ્રપ્રતાપસિંહ મળ્યા: આ બે વગર આપણે મીડિયાના નવા આયામો અને સંભાવનાઓથી કેટલા વંચિત રહ્યા હોત, ન જાણે.
હમણાં શીર્ષ સંપર્કોનો ઉલ્લેખ કર્યો, કયારેક જેપીના સહયોગી હોવું અને પછી માતબર અખબારી સમૂહમાં તંત્રી હોવું- સંબંધો શોધતા આવે. વગવસીલો અને વર્ચસ પણ. વિશ્વનાથ પ્રતાપસિંહે એક નવી હવા જગવી અને એ વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ત્રણ વ્યૂહકારોને તહેદિલથી સંભાર્યા હતા- ગુરુમૂર્તિ, ગોવિંદાચાર્ય અને પ્રભાષ જોશી. ૧૯૭૭માં જેમ શાંતિ પ્રતિષ્ઠાનના રાધાકષ્ણ તેમ ૧૯૮૯માં ‘જનસત્તા’ના પ્રભાષ જોશી કેન્દ્રીય મંત્રીમંડળમાં (કૈં નહીં તો છેવટે રાજ્યસભાની કુશાંદે બેઠકમાં) હોઈ શકતા હતા.
એમની ભલામણથી કોઈક ત્યાં પહોચ્યું હશે, પણ આ બન્નેએ ‘સ્વધર્મે નિધન’માં શ્રેય જોયું. પ્રભાષ જોશીના પત્રકારજીવનમાં પોતાના હેવાલ સામે રાજકીય કે આર્થિક દબાણને વશ નહીં થવાના પ્રસંગો, સરસાઈને ધોરણે સામાન્ય સંવાદદાતા સાથે ઊભા રહેવાના પ્રસંગો, વખતોવખત આવ્યા હશે. પણ દેશના જાહેરજીવનમાં બે મોટા પડકારો એવા આવ્યા જયારે એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં: ૧૯૮૪નાં શીખવિરોધ રમખાણો (એનું ‘પ્રોગ્રોમ’ સ્વરૂપ) અને ૧૯૯૨ના બાબરીઘ્વંસ સાથેનો ઘટનાક્રમ.
સાંસ્કતિક રાષ્ટ્રવાદના હિંસ્ર રાજકારણ સાથે તો એ લોકો સંકળાયેલા હતા જે કટોકટી સામેના સંઘર્ષસાથીઓ હતા.(યાદ આવશે અહીં લોહીયાજી – જુ)પ્રભાષે કહેવામાં અને વૃત્તાંતનિવેદનમાં કોઈ કસર ન છોડી તે ન જ છોડી. અડવાણીનું રાજકારણ હિંદુ ધર્મને સામી (સેમિટિક) બનાવી એક અહિંદુ સ્વરૂપ આપી રહ્યું છે એવી એમની પ્રતીતિ હતી. ૨૦૦૨ના ઘટનાક્રમે આ હિંદુ અંતરને, કેમ કે કયારેક ગુજરાતમાં રહેવાનુંયે બન્યું હતું, રાતવરત રડાવ્યાનું જાણું છું ત્યારે આ શૂરા એટલા જ સહૃદય મિત્ર માટે શું અનુભવું છું, એ કેવળ અને કેવળ અનિર્વચનીય છે.
છેલ્લા દિવસોમાં આ ચૂંટણીઓમાં છાપાંઓને જે રીતે ખરીદી લેવાયેલાં (સમાચારના રૂપમાં જાહેરખબર વાટે અને અન્યથા) તે વિશે કુલદીપ અને પ્રભાષ જેવા જૂજ અવાજો જ સાંભળવા મળ્યા હતા. આ નરવો અવાજ-અને કેવો અવાજ-નામવરસિંહ કહેતા કે પ્રભાષની ક્રિકેટચર્ચાની ધાટીએ કોઈ વિવેચક સાહિત્યકૃતિનો પરિચય તો આપી બતાવે- હવે ક્યાં. આજે શનિવારે નર્મદા ઘાટે એ પંચમહાભૂતમાં વિલીન થતા હશે ત્યારે એમના સ્વજનશા કુમાર ગંધર્વના પુણ્ય સ્વરોમાં આપણેય એ કબીરવાણીમાં ભળી જઈશું કે ‘બિના ખૂંટી ને બિના ડોર કે / તંબુ તો દિયા રે આસમાન.’ (દિવ્યભાસ્કરમાં પ્રકાશીત લેખ)