મંજુબહેન ઝવેરી
ઇન્ફર્મેશન ટેકનોલોજીની કઠણાઇ કહો તો કઠણાઇ અને કમાલ કહો તો કમાલ એ છે કે મુંબઇમાં ૮૮ વર્ષનાં મંજુબહેન ઝવેરીનું ૨૮ જુલાઇ, ૨૦૦૯ના રોજ અવસાન થાય, તેના ખબર લંડનથી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીનો ઇ-મેઇલ આવે અને મિત્ર દિવ્યેશ વ્યાસનો ફોન આવે ત્યારે છેક ૨૯મીની સાંજે અમદાવાદમાં જાણવા મળે છે.
મંજુબહેન ઝવેરી – હિંમતભાઇ ઝવેરી એટલે અભ્યાસી, જાગ્રત, વિચારશીલ દંપતી. બન્નેની ઓળખ એકબીજાંના સંદર્ભ વિના આપી શકાય અને એકબીજાંની સાથે આપવામાં પણ બન્ને એકબીજાંથી શોભી ઊઠે એવાં.
મંજુબહેન અને હિંમતભાઇનાં કામ વિશે મારી જાણકારી બહુ મર્યાદિત. મુખ્યત્વે ચંદુભાઇ મહેરિયા કે પ્રકાશભાઇ ન. શાહ જેવા સ્નેહીજનો થકી મંજુબહેન વિશે જાણવા મળ્યું હતું. મુંબઇની ‘ફાર્બસ ગુજરાતી સભા’ના “ત્રૈમાસિક”નું સંપાદન તેમણે લાંબા સમય સુધી – ૩૩ વર્ષ – સંભાળ્યું અને વિદ્વત્તાનો ભોગ લીધા વિના, માસ્તરિયા – અઘ્યાપકીય પરિભાષાઓમાં સરી પડ્યા વિના, તેમણે બદલાતા જમાનાના પડકારોને ઝીલ્યા અને “ફાર્બસ ત્રૈમાસિક”માં પ્રતિબિંબિત પણ કર્યા. દલિત કવિતા અને સાહિત્યને ઉમળકાભેર વધાવનારાં શરૂઆતનાં કેટલાક લોકોમાં મંજુબહેનનું નામ આદરપૂર્વક લેવાય છે.
બે વર્ષ પહેલાં, મંજુબહેનને મળવાનો પ્રસંગ મારે બહુ જુદા કારણથી બન્યો. જ્યોતીન્દ્ર દવે વિશેના મારા ઘણા સમયથી ચાલતા સંશોધન દરમિયાન, તેમના ‘ફાર્બસ’ સાથેના સંબંધને અનુલક્ષીને, મેં મંજુબહેનને મળવાનું નક્કી કર્યું. અમિતાભ બચ્ચનના બંગલાની ત્રાંસમાં, સંઘવી સ્કૂલની સામે આવેલી ફાર્બસની ઓફિસ(કીર્તન કેન્દ્ર)માં, નીચેના માળે, મંજુબહેન સવારે આવ્યાં હતાં. નાદુરસ્ત તબિયત, બોલવામાં થોડી તકલીફ, છતાં તેમણે પ્રેમથી વાતો કરી. હિંમતભાઇ ઝવેરીના લેખોનું પુસ્તક ‘ઘટના અને સંવેદના’ ભેટ આપ્યું. ત્યાર પછી ક્યારેક તેમના ફોન પણ આવતા. સેલફોન પર તેમની સાથે વાતચીતમાં, તેમના શબ્દો ઉકેલવામાં ક્યારેક તકલીફ પડતી. છતાં, તેમની નિસબત અને સાહિત્યિક સામયિકોમાંથી આથમી ગયેલો સમાજ સાથેનો નાતો મંજુબહેનની વાતોમાં સતત છલકાતો.
‘ફાર્બસ’ના તેમના સંપાદકીય લેખોમાંથી કેટલાક ‘નીરખ ને’ અને ‘પ્રતિસાદ’ નામનાં બે પુસ્તકોમાં સંગ્રહિત છે. “ફાર્બસ ત્રૈમાસિક”માં પ્રગટ થયેલા લેખોના બે ભાગના સંગ્રહ ‘આપઓળખની મથામણ’માં સંપાદક સિતાંશુ યશ્ચચંદ્રએ મંજુબહેન વિશે જે લખ્યું છે એ ટાંકીને, મંજુબહેનને ભાવાંજલિ.
‘માર્ક્સવાદ અને સાહિત્ય’ની ચર્ચા તે પણ શ્રી રોહિત દવે પાસે, ‘ત્રૈમાસિક’માં કરાવવાની ગુંજાશ મંજુ ઝવેરી સિવાય બીજા કોની? દલિત સાહિત્ય વિષે સાચી સૂઝભર્યો સંપાદકીય લેખ લખી, શ્રી નીરવ પટેલ અને બીજા મિત્રોને ‘ત્રૈમાસિક’ સાથે સંકળાવાનું મન થાય એવી ભૂમિકા તૈયાર કરવાની ગુંજાશ મંજુ ઝવેરી સિવાય બીજા કોની? સુરેશ જોષી અને ફાર્બસ ત્રૈમાસિક ?! – અલબત્ત, મંજુ ઝવેરીનું કામ! કરસનદાસ માણેક (કીર્તનવાળા જ ને?) ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ સુપેરે કરી શકે, એ મંજુ ઝવેરી જાણે. ઢાંકી સાહેબ તો શિલ્પસ્થાપત્યના વિશ્વવિખ્યાત વિચારક-મીમાંસક. મંજુ ઝવેરી જાણે કે મઘુસૂદનભાઇના કાન (અને કંઠ) સંગીતથી ભરેલા છે. ‘સંગીતમાં વાદ્ય-વાદનની શ્રેષ્ઠતા’ એવો ઢાંકીસાહેબનો લેખ બાજું કોણ લાવે ને છાપે? ઉમાશંકર જોશીના કવિતા વિષેના વિચારો પણ, અલબત્ત, ચર્ચાની કસોટીએ ચઢવા જોઇએ. બીજું કોણ ચઢાવે? મંજુ ઝવેરી. ..સ હુ જાણે છે કે મંજુબહેન ભારે (ભારે?) હિંમતવાળાં છે ! મંજુબહેનના સંપાદનકર્મને સલામ!’
(ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ‘આપઓળખની મથામણ-૧’, સીતાંશુ યશ્ચચંદ્ર)
નીરાબહેન દેસાઇ
નીરાબહેન દેસાઇની વિદાય વિશે “વૈશ્વીક માનવવાદ” નિમિત્તે જાણવા મળ્યું. “વૈ. મા.”ના તંત્રી બિપીનભાઇની વિનંતીથી, ડો.વિભૂતી પટેલે નીરાબહેન વિશે ગુજરાતીમાં અંજલિ લખી આપી. થોડા વખત પછી “ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી”માં વિભૂતીબહેને લખેલી અંજલિ પણ વાંચવા મળી.
ભારતમાં સ્ત્રીવિષયક અભ્યાસોમાં નીરાબહેનનું કામ પાયાનું અને મોખરાનું રહ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સહજતાથી લખતાં નીરાબહેને ૧૯૫૨માં ‘આઘુનિક ભારતમાં મહિલાઓ’ વિશેનો અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. મુંબઇની એસએનડીટી યુનિવર્સિટીમાં તેમણે પ્રથમ નારી અભ્યાસ કેન્દ્ર સ્થાપ્યું. આર.આર.શેઠ એન્ડ કંપનીએ કરેલાં નીરાબહેનનાં નારી અભ્યાસ શ્રેણીનાં ગુજરાતી પુસ્તકો નોંધપાત્ર ગણાય છે. અનેક સંસ્થાઓના હોદ્દા સંભાળી ચૂકેલાં નીરાબહેન જુદી જુદી ભારતીય ભાષાઓના અંગ્રેજી અનુવાદ વાંચીને તેનું ગુજરાતી કરવાનું કામ છેલ્લા દિવસોમાં કરતા હતા.
વિભૂતીબહેને નોંઘ્યું છે કે ‘સાહિત્ય, સંગીત, કલાથી માંડીને ગુંથણ અને પરોણાગત જેવી પ્રવૃત્તિઓમાં રસને કારણે વિવિધ ક્ષેત્રોનાં અને વયજૂથના લોકો સાથે તેમનો સંપર્ક રહ્યો. નીરાબહેનની વધારાની ઓળખ અક્ષુભાઇ (અક્ષયકુમાર દેસાઇ)નાં પત્ની અને ર.વ.દેસાઇનાં પુત્રવઘૂ તરીકેની પણ હતી. ૨૫ જૂન, ૨૦૦૯ના રોજ ૮૪ વર્ષની વયે, કેન્સરને કારણે મુંબઇમાં નીરાબહેનનું અવસાન થયું.