મૂર્ધન્ય ગુજરાતી કવિ નિરંજન ભગતનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક પ્રગટ થયું હતંા ત્યારે તેમણે વ્યકિતગત મુલાકાતમાં જણાવેલું કે સાહિત્ય ક્ષેત્રે આ એકવીસમી સદી અનુવાદની સદી બની રહેવાની છે. આપણે ત્યાં અંગ્રેજી કે અન્ય ભારતીય ભાષાનાં અનેક પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત થયાં છે, પરંતુ ગુજરાતી સાહિત્ય અન્ય ભાષામાં પહોંચવું જોઈએ એટલું આજ સુધી પહોંરયું નથી.
કેટલાક જાણીતા સાહિત્યકારોનાં પુસ્તકો રાષ્ટ્રભાષા હિંદીમાં અનુવાદિત જરૂર થયાં છે, પરંતુ વિનોદ મેઘાણી અને બીજા થકી માંડ નજીવી સંખ્યામાં ગુજરાતી પુસ્તકો વિશ્વભાષા અંગ્રેજીમાં અનુવાદિત થયાં છે. જોકે, સ્થિતિ હવે બદલાઈ રહી છે. તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષા અડાલજાની જાણીતી બે લઘુનવલ ‘ખરી પડેલો ટહુકો’ અને ‘મારે પણ એક ઘર હોય’ના અંગ્રેજી અનુવાદ ‘ધ ક્રમ્બલ્ડ નોટ ઓફ એ વો બ્ર્લર’ અને ‘એ હાઉસ ઓફ માય ઓન’ના શીર્ષક તળે એક પુસ્તકમાં પ્રકાશિત થયા છે.
સાહિત્ય અકાદમીએ ૨૦૦૮માં ડો. ચીનુ મોદી દ્વારા સંપાદિત ગુજરાતી અછાંદસ કાવ્યોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક ‘અછાંદસ: ગુજરાતી ફ્રી વર્સ પોયમ ઇન ટ્રાન્સલેશન’ પ્રગટ કર્યું હતું. અકાદમીએ આ અગાઉ નરસિંહ મહેતાનાં પદો, દ્વિરેફની વાર્તાઓ, નિરંજન ભગતનાં કાવ્યો, મધુ રાય, લાભશંકર ઠાકર અને સતીશ વ્યાસનાં નાટકોના અનુવાદો પ્રકાશિત કર્યા છે.
બીજા પેટીપેક સમાચાર જાણવા મળ્યા છે કે નારાયણ દેસાઈ લિખિત ચાર ભાગમાં પથરાયેલું આકર (પ્રમાણભૂત) ગાંધીચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’નો ત્રિદીપ સુદે કરેલો અંગ્રેજી અનુવાદ ‘માય લાઇફ માય મેસેજ’ પણ આગામી ગાંધીજયંતી નિમિત્તે પ્રકાશિત થવા તૈયાર છે. પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર કુમારપાળ દેસાઈનું ગુજરાતીમાં ખૂબ વંચાયેલું (પાંચ આવૃત્તિ) અને હિંદીમાં પોંખાયેલું (ત્રણ વર્ષમાં ત્રણ આવૃત્તિ) પુસ્તક ‘અપંગોના ઓજસ’ હવે નજીકના ભવિષ્યમાં ‘ધ બ્રેવ હાટ્ર્સ’ના નામે અંગ્રેજીમાં પણ પ્રકાશિત થવા જઈ રહ્યું છે.
ગુજરાતી સાહિત્યને આ રીતે અંગ્રેજીમાં લઈ જવાનું ચલણ વધુ ને વધુ તેજ ગતિએ ચલાવવા જેવું છે. જોકે, અનુવાદમાં વિશેષ કાળજી લેવાની જરૂરિયાત વર્તાય છે. આજે જે કંઈ અનુવાદો થઈ રહ્યા છે, તે એકાદ-બે અપવાદને બાદ કરતાં કાકા કાલેલકરની અનુવાદ માટેની પેલી ઊધા કાશ્મીરી ગાલીચાની વાતને બિલકુલ સાચી પાડે છે. અંગ્રેજીમાં બેઠો અનુવાદ નહિ, પરંતુ અંગ્રેજી સાહિત્ય વાંચનાર વર્ગની રુચિ અને અંગ્રેજી સાહિત્યના વર્તમાન પ્રવાહને ઘ્યાનમાં રાખીને કતિનું ચિત્તાકર્ષક અનુસર્જન થવું જોઈએ.
જરૂરી લાગે તો અંગ્રેજી સાહિત્યના સંપાદકોની સેવા લઈને અનુવાદિત કતિને વધુ મઠારવાની કોશિશ થવી જોઈએ. અંગ્રેજી સાહિત્યનું બજાર વિશ્વવ્યાપી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા કે અન્ય વ્યાવસાયિક એજન્સી સાથે જોડાણ માટે વિચારવાનો સમય પાકી ગયો છે. જોઈએ, અંગ્રેજી સાહિત્ય તરફની આપણી અત્યાર સુધીની પા પા પગલી કયારે પગ જમાવવા સુધી પહોંચે છે.