Opinion Magazine
Number of visits: 9754726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂનાગઢ ઘટનાના સૂચિતાર્થો

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ગવર્નન્સ વગરનાં નકરાં કોસ્મેટિકસ લાંબો વખત કામ આપતાં નથી

કોઈ ઉત્સાહી કોંગ્રેસમેને કહ્યું તેમ એને મોદી શાસનના અંતનો આરંભ કહેવું તો વધારે પડતું અને વહેલું લાગે છે, પણ એટલું ચોકકસ કે જૂનાગઢ મહાનગરપાલિકા ગુમાવવા સાથે ભાજપની કથિત વિજયકૂચ સવાલિયા દાયરામાં મુકાવા લાગી છે.

છેલ્લા બે દાયકામાં પહેલી જ વાર રાજકોટની લોકસભાની બેઠક ગુમાવ્યા પછી તરતના મહિનાઓમાં જૂનાગઢનો કાંગરો ખરે તે જોતાં ગુજરાત ભાજપ આશ્વસ્ત રહી શકે એમ નથી. ખાસ તો, હવેના મહિનાઓમાં એણે ધોરાજી, જસદણ અને ચોટીલાની વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીમાં પોતાનું વજૂદ તો ઠીક પણ હાજરીયે પુરવાર કરવાની છે.
જૂનાગઢની ચર્ચા, ગુજરાત ભાજપની તરાહ ને તાસીર સમજવાની રીતે નમૂના દાખલ બેલાશક ઉપયોગી થઈ પડે એમ છે. એક તો, છેલ્લાં વરસોમાં અજમાવાતી રહેલી ‘નો રિપિટ થિયરી’ અહીં પણ મોટા ભાગની બેઠકો પર અજમાવવામાં આવી હતી. ચાલુ સ્થાનિક નેતૃત્વ સામેની ફરિયાદનું ગ્રહણ નવી ચૂંટણીને ન લાગે તેને સારુ આ એક મનોવૈજ્ઞાનિક પ્રયુકિત હતી અને છે.

તે ઉપરાંત જે નવા ઉમેદવારો મૂકયા તેમાં કેન્દ્ર અને રાજયના પૂર્વમંત્રીઓ જેવી વજનદાર હસ્તીઓનો પણ ‘નવા ચહેરા’ તરીકે સમાવેશ કરી યાદીને અસરકારક બનાવાઈ હતી. પણ હેવી વેઇટ ઉમેદવારો અને હાઈ પ્રોફાઇલ રાજયનેતૃત્વ મળીને ચમત્કારનો રાબેતો સરજશે એવી ગણતરી ભોંઠી પડી છે. પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીના શબ્દોમાં ‘છેલ્લાં પાંચ વરસમાં અમે પ્રજાની અપેક્ષાઓ સંતોષવવામાં નિષ્ફળ રહ્યા હોઈ પરાજય પામ્યા છીએ.’ અલબત્ત, તેમણે આ પરિણામ કેવળ સ્થાનિક કારણોસરનું જ છે એમ કહીને કથિત ‘ગુજરાત મોડલ’ની ઓસરતી આભાનો મુદ્દો ખાળ્યો અગર ટાળ્યો છે.

વસ્તુત: જૂનાગઢની લોકસભા બેઠક સરળતાથી હાંસલ કર્યા પછી તરતના ગાળામાં મહાનગરપાલિકા ખોવાની નોબત આવે એનો અર્થ શહેરી ગુજરાતમાં પક્ષને અંગે ટીકાત્મક પ્રતિભાવરૂપેય ઘટાવી શકાય. મુદ્દાની વાત એ છે કે ભલે તમે એને ‘સ્થાનિક’ના વિશેષણમાં સીમિત કરવા ઇરછો પણ ધારાધોરણસરના શાસન બાબતે ગુજરાતમાં અપેક્ષાઓ અને દાવાઓ સામે વાસ્તવિકતાની રીતે કશીક બેદિલી અને બેચેની જરૂર અનુભવાવા લાગી છે. ઉગ્ર વિચારધારાવાદ અને ભાવનાત્મક રાગાવેશનું સંમોહન જરૂર કામ કરતું હોય છે, પણ તે સુશાસનનો અવેજ નથી એટલું ભલે લાંબે ગાળે ય સમજાયા વગર રહેતું નથી. વિજય રૂપાણીના વિધાનને આ રીતે જોવાપણું છે.

ગુજરાતના વર્તમાન શાસન અને સત્તાપક્ષને પજવતું બીજું એક વાનું મુસ્લિમ પરિમાણનું છે. જૂનાગઢ પ્રયોગને આ સંદર્ભમાં સૌ નિરીક્ષકો બારીકીથી જોઈ રહ્યા હતા, કેમ કે પક્ષે પહેલી વાર અહીં પાંચ મુસ્લિમ ઉમેદવારો ઊભા કર્યા હતા. જોકે તે પૈકી કોઈ ચૂંટાઈ શકયું નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબહેન ચીખલિયાના શબ્દોમાં કહીએ તો ‘મુસ્લિમો અમને સ્વીકારી શકયા નથી, કે પછી અમારો અભિગમ સમજી શકયા નથી.’ પક્ષે સાચર સમિતિના હેવાલને ધોરણે દેશનાં બીજાં કેટલાંક રાજયોને મુકાબલે ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સારી હોવાનો મુદ્દો આ વખતેખાસ આગળ કર્યો હતો.

જોકે જયાં સુધી ‘સ્વીકાર’ અને ‘સમજ’નો સવાલ છે, દિવસરાત સાચર સમિતિને ‘મુસ્લિમ તુષ્ટિકરણ’ તરીકે ઝૂડયા પછી એકાએક એને પોતાની તરફેણમાં ટાંકવાની ચેષ્ટા સધગ્રાા ન રહે એ દેખીતું છે.

વાત માત્ર આટલી જ નથી. વચલાં વરસોમાં ગુજરાત જાણે કે આક્રાન્ત અને ધેરાયેલું છે એવી એક અતિરંજિત આબોહવા ઊભી કરી પોતાને સલામતીના બડકમદાર તરીકે પેશ કરવાનો આ પક્ષનો રવૈયો રહ્યો છે. આ આખી રજૂઆતે હિંદુમત બેન્કીકરણને દ્રઢાવ્યું છે અને મુસ્લિમ માનસને ભય અને આશંકાવશ ‘ધેટો’માં હડસેલ્યું છે. વિધિ વૈચિત્ર્ય એ છે કે ભયનું આકલન બંને બાજુએ છે. ૨૦૦૨ પછી ‘ફ્રન્ટલાઇન’ની મોજણી મુજબ, ગુજરાતની ૯ ટકા મુસ્લિમ વસતી બાકી સમાજના ઠીક ઠીક હિસ્સાને ‘૨૫ ટકા’નો ખયાલ પ્રેરે એવો માહોલ બન્યો હતો.

બેઉ બાજુની આ ભીતભ્રાન્ત મન:સ્થિતિ ભાજપને સૂંડલામોઢે ફળતી રહી છે. હવે એકાએક સાચરાસ્ત્ર ધાર્યું કામ નયે આપે. બલકે, પક્ષ અને પરિવારના ખાસ ચાહક વર્ગમાં પાંચ મુસ્લિમ ઉમેદવારો સંદર્ભે ‘હમ પાંચ, હમારે પચીસ’ના અસલના ઉદ્ગારો આ દિવસોમાં વિલક્ષણપણે ટંકાતા રહ્યાનાયે હેવાલો છે. નહીં કે પક્ષે મુસ્લિમ ઉમેદવારો ઊભા કરવાની રીતે વિચારવાપણું નથી.

પણ જયાં સુધી સાથી-નાગરિક તરીકેની સ્વીકતિ ન બને ત્યાં સુધી વાત પણ કયાંથી બને. ઘોર હિંદુત્વ પણ આ હિંદુબહુલ દેશમાં તમને વીસપચીસ ટકાથી વધુ સમર્થન મેળવી આપતું નથી.

એનો અર્થ એ છે કે આટલા મોટા ને ભાતીગળ દેશમાં તમે કોઈ પ્રજાવર્ગની સદંતર બાદબાકીને ધોરણે કામ કરી શકતા નથી, ન તો તમારો વિચારધારાવાદ હિંદુઓ સહિત આમજનતા સમસ્તને સુશાસનના વિકલ્પે બધો વખત ખપે છે.

જૂનાગઢને ૨૦૦૨માં મહાપાલિકાનો દરજજો અપાયો. શરૂનાં બે વરસ એ વહીવટદાર હસ્તક હતું ત્યારે લોકભાગીદારીથી પ્રાથમિક સુવિધાનાં કામો ઠીક થયાં, પણ ૨૦૦૪થી ભાજપના નેતૃત્વમાં ચૂંટાયેલ વ્યવસ્થા કાર્યરત થઈ તે આવો કોઈ સરખો હિસાબ આપી શકી નહીં. અંતે, મહેન્દ્ર મશરુ સરખું અંજીરપાંદ પણ પક્ષને બચાવી શકયું નહીં.

સાર આ છે- ભાજપ માટે તેમ, પ્રકારાંતરે, થનગનભૂષણ સૌ માટે, કે કાયદાના શાસન અને સુશાસન વગર કોઈ અંજાપાઅંધાપાની કારી ચાલતી નથી. શાસનચૂકના સવાલને (દંભી) બિનસાંપ્રદાયિકતા કે (ઉદાત્ત) હિંદુત્વના વિમર્શવિતંડામાં ખતવીને કે બહુમતી-લઘુમતીના નાગરિક સંબંધને સલામતી તેમજ કથિત રાષ્ટ્રવાદના કુંડાળામાં નાખીને ગુજરાતના જનજીવનને આ વરસોમાં ખાસું ડહોળવામાં આવ્યું છે. ઇનફ ઓફ ઇટ.

Loading

1 December 2012 admin
← જુલાઈ ૪, મુકામ નાઇરોબી
અંગ્રેજી સાહિત્યના દૂધમાં ગુજરાતી સાકર! →

Search by

Opinion

  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved