Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કયાં છે આમ જનતાનું રાજકારણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

ગુજરાત રાજ્યના સુવર્ણજયંતી વર્ષમાં ઇન્દુચાચાનું સ્મરણ ઉત્કટપણે થઈ આવે છે

સમવાયી ભારતમાં એક અલગ રાજકીય એકમ તરીકે ગુજરાતની રચનાનું આ સુવર્ણજયંતી વર્ષ છે. સામાન્યપણે દર પહેલી મે વખતે, આ રાજ્યનું મંગળાચરણ કરનાર રવિશંકર મહારાજને યાદ કરવાનો ચાલ છે, અને એ ઠીક જ છે.

પણ મહાગુજરાત આંદોલનના ઝંડાધારી અને પર્યાયપુરુષ તો ઇન્દુચાચા હતા: ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકને ગયે કાલે (૧૭ જુલાઈ) સાડત્રીસ વર્ષ પૂરાં થયાં. પણ ગુજરાતના જાહેર જીવનમાં, ખાસ કરીને આમ જનતાની રાજનીતિના સંદર્ભમાં એમનો સ્લોટ તો કેવળ અને કેવળ વણપુરાયેલો રહ્યો છે.

સ્વાતંત્ર્યસંગ્રામ અને સાર્વજનિક જીવનને અનુલક્ષીને વિચારીએ તો વીસમી સદીનાં બીજાંત્રીજાં ચરણોમાં ખેડા જિલ્લાની જે એક ત્રિપુટી વિના આપણું ગાડું હાંકી શકાતું નથી એ છે-મહારાજ, સરદાર અને ઇન્દુચાચા.

રવિશંકર મહારાજ આ રાજ્યનું મંગળાચરણ કરનાર હતા તો હતા, પણ એમની ખરી ને પૂરી ઓળખ તો છેવાડાના જણની મુકિત માટેના સંઘર્ષમાં ખૂંપેલા જણ તરીકેની હતી અને છે. સરદારે રજવાડાંના વિલીનીકરણનો વિક્રમ સ્થાપ્યો તો સ્થાપ્યો, પણ એમનું સરદારપણું કિસાનને નાગરિકમાં સ્થાપતો સ્વરાજસૈનિક બનાવવામાં હતું.

ઇન્દુલાલ મહાગુજરાત આંદોલનના આગેડુ હતા તો હતા, પણ એમની ખરી પહેચાન તો વીસમી સદીના ગુજરાતમાં સહેજે પચાસ વર્ષના પટ ઉપર એકોએક મહત્ત્વના પરિવર્તનમાં સાથી ને સાક્ષી લેખે, એકોએક પડકારને પોતાને છેડેથી ઝીલી જાણનાર લેખે, આરંભશૂરા એટલા જ સંઘર્ષવીર તરીકે હતી અને છે: કબૂલ કે ગાંધીજીએ હાથમાં લીધું અને ‘નવજીવન’ ગુજરાતમાં છાઈ ગયું. પણ તે શરૂ કરી એમને સોંપનાર તો તરુણ ઇન્દુલાલ હતા. જેમ શાંતિનિકેતન તેમ રાષ્ટ્રીય શિક્ષણના એક મહદ્ પ્રયાસ તરીકે ઊભરેલી ગુજરાત વિધાપીઠ માટેના પ્રારંભિક ઝુંબેશકારોમાં પણ આપણા ઇન્દુલાલ હતા જ.

ગુજરાતમાં કિસાન સભાનાં પગરણ કહો, ઉદ્દામ વિચારોનાં સંચલન કહો, ઇન્દુલાલ કયારે અને કયાં નહોતા તે કહેવું મુશ્કેલ છે. સરખામણીની મર્યાદાઓ સ્વીકારતે છતે કહેવું હોય તો કહી શકાય કે જેમ જયપ્રકાશને કેવળ બિહાર આંદોલનની રીતે જોવામૂલવવામાં એમના સમર્પિત ને સમૃદ્ધ જાહેરજીવનને અન્યાય થાય છે તેમ ઇન્દુલાલને કેવળ મહાગુજરાત આંદોલનમાં સીમિત રાખીએ તે પણ એક ઊણું ઊતરતું આકલન છે.

રોમન સરકસની યાદ આપતાં ને પ્રજાને ઘેનગાફેલ કરતાં સ્વર્ણિમ ઉજવણાં થશે, જરૂર થશે. પણ આજના માહોલમાં ઇન્દુલાલ સરખાની સાર્થક સાંભરણ વગર એ બધું પ્રકાશ વગરની ગરમી જેવું બની રહેશે.તમે જુઓ કે ગુજરાતના અલગ એકમની રચના થતી થતી અટકી ગઈ અને અસમંજસમાં ધૂંધવાયેલા- અટવાયેલા ગુજરાતી યુવજનને એની પૃચ્છાના ઉત્તરમાં સરનામાં વગરની ગોળી મળી ત્યારે, ૧૯૫૬ના ઓગસ્ટમાં જયન્તિ દલાલ અને બીજા ઇન્દુલાલને આંદોલનને મોખરે ખેંચી લાવ્યા. આ આંદોલન, સ્મરણ રહે, સ્વરાજની લડતના અનુસંધાનમાં એટલું જ સમવાયી બંધારણની મર્યાદામાં હતું. ગુજરાતને અમેરિકાનું બાવનમું (કે ત્રેપનમું) રાજય  જોવા ઇચ્છતા અગર તો કેમ જાણે તે ભારતીય સંઘરાજયનો નહીં પણ સ્વતંત્ર ભૂભાગ હોય તેમ ગાજતા જે બધા માથાબંધ ને મૂળિયાં વગરના ગર્જનધેલા થનગનભૂષણો આપણે વચલાં વરસોથી આજ લગી જોતા આવ્યા છીએ, એના કરતાં આ આંદોલનનો રાહ અને એની તરાહ નિરાળાં હતાં.

રતિલાલ ખુશાલદાસના શબ્દોમાં મહાગુજરાત આંદોલનને ટોપી જોઈતી હતી, અને તે માટે ઇન્દુલાલ જડી રહ્યા. પણ એમની ખુદની લાક્ષણિક ટોપી તળે એક વિલક્ષણ એવું માથું પણ હતું. એ માથું જીર્ણમતથી મુક્ત અને નવયુગી ઉદ્દામ વિચારણાથી યુક્ત હતું, કેમ કે તે ગાંધી અને માકર્સથી સેવાયેલું હતું. સ્વરાજ એટલે સ્વભાષામાં રાજ, એટલા સારુ ભાષાવાર પ્રાંતરચના એ સાદો હિસાબ હતો.

કોની કોની છે ગુજરાત, એ પ્રશ્ન પૂછી નર્મદે એનો જે વ્યાપક ઉત્તર આપ્યો હતો તેમ સૌની ગુજરાતનો એક બિનસાંપ્રદાયિક-બિનવર્ણય એવો સીધોસાદો વિવેક એમાં હતો. સ્વરાજ એટલે સુશાસન, નહીં કે સરનામા વગરની ગોળી અગર તો આમ જનતાને કેન્દ્રમાં રાખ્યા વગર ચાલતી રાજવટ, એવી એક સીધીસાદી એટલી જ બુનિયાદી સમજ એમાં હતી.
જ્યારે ગુજરાત રચાયું ત્યારે ગુજરાતની અસ્મિતાનો શંખઘ્વનિ પોકારનાર કનૈયાલાલ મુનશી અને લડતના ઝંડાધારી એવા ઇન્દુલાલ યાજ્ઞિક કયાં હતા? એક, હું ધારું છું, લખનૌના રાજભવનમાં (કે ભારતીય વિદ્યાભવનમાં) ખોવાયેલા/ રોકાયેલા હતા, બીજા જનતા મોઝાર ને સત્તાસ્થાનથી છેટા હતા. ઇન્દુલાલ માટે એમ હોવું સ્વાભાવિક હતું, કેમ કે ત્યારે તેઓ કોંગ્રેસમાં નહોતા- અને એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ તો એ કોંગ્રેસમાં હોય ત્યારે પણ હતા.

એમની ષષ્ટિપૂર્તિ ઊજવાઈ ત્યારે હજુ મહાગુજરાત આંદોલન ઊપડયું નહોતું અને એક અર્થમાં એમનો રાજકીય અરણ્યવાસ ચાલતો હતો. એમણે ત્યારે જે વળતું ભાષણ કર્યું હતું તે ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં ચહીને છાપ્યું હતું. શું સચોટ ને ભરીબંદૂક કહ્યું હતું એ જવાન ડોસલાએ કે ઊચા લોક સાથે મને સોરવાતું નથી કેમ કે હું ફૂટપાથનો માણસ છું. દેખીતી રીતે જ, રોમ રોમ સત્તાસાહ્બી અને દોમ દોમ સિકયોરિટીના હાલના વેશનમૂનાથી એ એક જુદી જણસ હતી.

૧૯૫૭થી ૧૯૭૨માં અવસાન થયું ત્યાં સુધી ઇન્દુલાલ અમદાવાદના અપક્ષ સાંસદ તરીકે અઢારે આલમ અને અઢારે વરણ એટલે કે લોકસમસ્તના પ્રતિનિધિ તરીકે અણનમ રહ્યા.તેઓ જે છેલ્લી ચૂંટણી લડયા, ૧૯૭૧માં, એમાં એમની અપક્ષ ઉમેદવારીને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. ઇન્દિરા ગાંધીના ગરીબી હટાવો અને નઈ રોશનીના રાજકારણમાં એમ બનવું કદાચ દુર્નિવાર હશે. પણ અવસાન પૂર્વે એમણે લોકસભામાં કરેલું ભાષણ જોતાં સમજાય છે કે એમનો એ અંજાપો ઓસરવા લાગ્યો હતો. મૂળે આમજનતાલક્ષી અજંપાનો જીવ ખરા ને! હકીકતે, એમનાં છેલ્લાં વર્ષોવિશેષપણે ગાંધીરંગી બનવા લાગ્યાં હતાં અને એક તબક્કે જયપ્રકાશ સાથે સહવિચારની દ્રષ્ટિએ એમણે વિગતે નોંધ પણ તૈયાર કરી હતી.

૧૯૭૨માં એકાસીમે વર્ષે એ ગયા. પાકટ પાનનું ખરવું સહજ હતું. પણ એ એક અજંપાની માધુરી રણઝણતી મૂકી ગયા કે ૧૯૭૪-૭૫-૭૬-૭૭નાં વાસંતી સંઘર્ષવર્ષોમાં તેઓ આપણી વચ્ચે નહોતા. જયન્તિ દલાલ પણ નહોતા. નહીં તો, ગુજરાતની રાજનીતિને સારુ લોકપરક વિકલ્પની ભાવઠ ભાંગવામાં એમની કીમતી કૂમક મળી રહી હોત. એ વિકલ્પના આવરણ તળે, ત્યારે, સાંપ્રદાયિક માનસિકતાને અને આમ આદમીને હાંસિયામાં હડસેલતા વૈશ્વિકીકરણને સારુ આવી ને આટલી સોઈ મળી ન રહી હોત…

ગમે તેમ પણ, સ્વર્ણિમ ગુજરાતને ‘સેઝ’ જેવા કળણમાં નહીં ખૂંપી જતા અને વૈશ્વિકીકરણમાં નહીં ખોવાઈ જતા નવા રાજકારણની અને નવી રાજવટની જરૂર સાફ છે. માટે સ્તો સુવર્ણજયંતી ઇન્દુલાલનું સ્મરણ.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved