Opinion Magazine
Number of visits: 9449309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલગઢ, ડાબેરીઓ, નક્સલવાદ/ માઓવાદઃ અથથી ઇતિ

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

છેલ્લા કેટલાક સમયથી અખબારોમાં આવતા હિંસાના સમાચારનું સરનામું બદલાયું હતું. પશ્ચિમ બંગાળનું લાલગઢ નવો મોરચો બન્યું. ત્યાં સત્તાધારી પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)- સીપીઆઇ (એમ), સ્થાનિક આદિવાસી લોકો, માઓવાદી/નક્સલવાદી અને કેન્દ્ર સરકારે મોકલેલાં અર્ધલશ્કરી દળો વચ્ચે વારાફરતી લોહીયાળ જંગ થયો.

સૌ પહેલાં દાયકાઓથી મોરચો જમાવીને બેઠેલા સ્થાનિક સામ્યવાદી નેતાઓને માઓવાદી/નક્સલવાદીઓએ નિર્દયતાથી મારી હઠાવ્યા અને તેમના શબ્દોમાં, લાલગઢને ‘આઝાદ’ કર્યું. ત્રણ દાયકાથી સત્તામાં રહેલા અને બંદૂકના જોરે સત્તા ટકાવી રાખનારા સામ્યવાદીઓનો ત્રાસ એવો ભારે હતો કે સ્થાનિક રહીશોએ માઓવાદીઓને સાથ આપ્યો. આખો વિસ્તાર રાજ્ય સરકારના હાથમાંથી સરકી ગયો. છતાં પશ્ચિમ બંગાળનું સામ્યવાદી શાસન લશ્કરી પગલાં લેવા અંગે અવઢવમાં હતું. અંતે કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળો મોકલીને માઓવાદીઓને હઠાવ્યા અને લાલગઢ પાછું મેળવ્યું.

લાલગઢની ઘટના માત્ર માઓવાદી/નક્સલવાદી હિંસાનો એક બનાવ નથી. તે વિચારસરણીઓની આડમાં ખેલાતો સત્તાનો જંગ છે. આમજનતાના અસંતોષ એ હોળીમાં પેટ્રોલનું કામ કરે છે, પણ એ વિરાટ હોળીના ભડકા સૌને દઝાડે છે. એક લાલગઢ જીતાઇ જવાથી આ સંઘર્ષ સમાપ્ત થવાનો નથી. આમજનતાની દાયકાઓની ઉપેક્ષાનો ફાયદો ઉઠાવવા તત્પર માઓવાદીઓ/નક્સલવાદીઓ ભારતનાં દસેક રાજ્યોમાં પથરાયેલા છે. ભારતને સૌથી મોટો ખતરો નક્સલવાદથી હોવાનું ખુદ વડાપ્રધાને જાહેર સંબોધનમાં કબૂલ્યું હતું. એ રીતે પણ લાલગઢ ઘટનાક્રમનાં જુદાં જુદાં પાત્રો અને પાસાં વિશે જાણવું જરૂરી છે.

લાલગઢઃ ડાબેરીઓનું પાણીપત

સામ્યવાદીઓનું વર્ચસ્વ ધરાવતા કોઇ પણ વિસ્તારને ‘લાલ ગઢ’ કહી શકાય, પણ આ વખતે જગ્યાનું ખરેખરૂં નામ જ લાલગઢ છે. વિધાનસભાની ૩૫ બેઠકો અને લોકસભાની પ બેઠકો ધરાવતા દેશના સૌથી મોટા જિલ્લા મિદનાપોરમાં લાલગઢ સંખ્યાત્મક રીતે જરાય મહત્ત્વનું ન લાગે. સરકારી પરિભાષામાં લાલગઢ ગામ ‘કમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક બિનપુર-૧’ નું વડું મથક છે. તેનાં ૪૪ ગામમાં માંડ બારેક હજારની વસ્તી અને ૪ પોલીસ સ્ટેશન છે. આશરે૧,૧૦૦ ચો.કિ.મી. વિસ્તાર ધરાવતા આ ટુકડામાં ડાબેરી સરકારનું રાજ તો કહેવા પૂરતું. અસલી રાજ ગરીબી અને પછાતપણાનું છે.

લાલગઢની આદિવાસી પ્રજા પ્રાથમિક સુવિધાઓ વિના, અભાવની અને હાડમારીની જિંદગી વીતાવે  અને એ જ વિસ્તારમાં સત્તાધારી સીપીઆઇ (એમ)ના નેતાઓ બબ્બે માળની પાર્ટી ઓફિસ  સાથે સુંવાળું જીવન જીવતા હોય! ડાબેરીઓના ત્રણ દાયકાના શાસનથી ચાલતી આવી વિષમતાને કારણે બારૂદ જમા થઇ રહ્યો હતો. હિંસામાં માનતા માઓવાદી/નક્સલવાદી લોકો સ્થાનિક લોકોના અસંતોષનો લાભ લઇને પોતાનાં થાણાં જમાવી રહ્યા હતા. તેમાં ગયા વર્ષના નવેમ્બરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક લોકોની સહનશક્તિનો છેડો આણી દીધો.

પોલીસ અત્યાચારઃ છેલ્લું તણખલું

બન્યું એવું કે એક સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઇ રહેલા મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને  કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનનો  કાફલો સલ્બોની ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે જમીની સુરંગ ફાટી. એ વિસ્ફોટમાં નેતાઓ બચી ગયા, પણ સ્થાનિક પ્રજાનું આવી બન્યું. સુરંગહુમલાની જવાબદારી માઓવાદીઓએ સ્વીકારી. છતાં તપાસના અને ધાક બેસાડી દેવાના ઉત્સાહમાં લાલગઢ પોલીસ હાઇસ્કૂલમાં ભણતા ચાર છોકરાઓને વિસ્ફોટના શકમંદ ગણીને ઉપાડી લાવી. બીજા દિવસે પોલીસે નજીકના એક ગામે છાપો મારીને શંકાના આધારે સ્થાનિક લોકોની બેફામ મારઝૂડ કરી.

પોલીસના અત્યાચારનો વિરોધ કરવા માટે ‘પીપલ્સ કમિટી અગેઇન્સ્ટ પોલીસ એટ્રોસીટીઝ’ નામનું સંગઠન સ્થાનિક લોકોએ રચ્યું. માઓવાદીઓ તો તત્પર હતા જ. સ્થાનિક આદિવાસીઓએ પરંપરાગત હથિયારો સાથે અને તેમની સાથે જોડાયેલા માઓવાદીઓએ બંદૂકો સાથે ચારે પોલીસ સ્ટેશન પર હુમલા કરીને ૭૫ પોલીસને આખા વિસ્તારમાંથી હાંકી કાઢ્યા અને પોતાનું ‘રાજ’ સ્થાપી દીઘું. તેમનો મુખ્ય રોષ પશ્ચિમ બંગાળ સરકાર કરતાં પણ વધારે સત્તાધારી સીપીઆઇ (એમ)ના ગુંડાઓ અને નેતાઓ સામે હતો. પરિણામ લાલગઢમાં રહેતા સત્તાધારી પક્ષના સભ્યોને ભારે ખુવારી વેઠવાની આવી. એક ડાબેરી નેતાએ આપેલા આંકડા પ્રમાણે, છેલ્લા આઠ મહિનામાં આખા રાજ્યમાં સીપીઆઇ (એમ)ના ૫૩ નેતાઓ અને કાર્યકરોની હત્યા થઇ.

આખા દેશમાં આદર્શ અને મૂલ્યોની ડાહીડમરી વાતો કરતા જ્યોતિ બાસુ- પ્રકાશ કરાત અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પક્ષને કેમ આટલો માર ખાવો પડ્યો, તેના કેટલાક જવાબ તેમના ૩૩ વર્ષના શાસનમાં મળી આવે છે.

સીપીઆઇ (એમ): મુખમેં માર્ક્સ, બગલમેં બંદૂક

અત્યાર સુધી ડાબેરીઓએ દબાવી-છુપાવી રાખેલાં ઘણાં રહસ્યો છેલ્લાં થોડાં વર્ષોમાં બહાર પડવા લાગ્યાં છે. તેમાંનું એક રહસ્ય એટલે ડાબેરીઓની દમનનીતિ. સંસદમાં અને ટીવી ચેનલો સામે ગરીબોની અને બિનસાંપ્રદાયિકતાની બડી બડી વાતો કરનારા ડાબેરીઓએ પશ્ચિમ બંગાળને કેવી રીતે પોતાનો ગઢ બનાવ્યું અને ત્રણ દાયકા સુધી પોતાના ખિસ્સામાં (કે એડી તળે) રાખ્યું, તે મહદ્ અંશે બહારની દુનિયાથી અજાણ્યું હતું. પહેલી વાર નંદીગ્રામને જે રીતે સત્તાધારી પક્ષના ગુંડાઓએ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આશીર્વાદથી કબજે કર્યું, ત્યારે ‘સુધરેલા’ હોવાનો ડાબેરીઓનો નકાબ ચીરાઇ ગયો હતો.

‘તહલકા’ (૨૭ જૂન,૨૦૦૯)માં અપૂર્વાનંદે લખ્યું છે કે, પશ્ચિમ બંગાળ પર પોતાની પકડ જડબેસલાક રાખવા માટે ડાબેરીઓએ તમામ પ્રકારનાં સ્થાનિક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો પર પોતાનો કબજો જમાવી દીધો. બંગાળના જાહેર જીવનની દરેકેદરેક બાબત પર પોતાનો જ સિક્કો! જે પોતાનો વિરોધ કરે તે ‘બુર્ઝવા’! ધીમે  ધીમે બંગાળમાં અસહિષ્ણુતાની સંસ્કૃતિ એટલી હદે વ્યાપી ગઇ કે મારામારી અને ખૂનામરકી વિના, અહિંસક વિરોધ થઇ શકે એવો ખ્યાલ જાહેરજીવનમાંથી નીકળી ગયો.

સ્થાનિક રાજકારણમાં સીપીઆઇ (એમ)ની ગુંડાગીરીના તેમણે ટાંકેલા આંકડા ડાબેરીઓની રાજકીય સંસ્કૃતિનો ખ્યાલ આપે છે.  ૧૯૭૭માં ડાબેરીઓએ પશ્ચિમ બંગાળ હસ્તગત કર્યું. ત્યાર પછી ૧૯૭૭ અને ૧૯૮૩ની પંચાયતી ચૂંટણીમાં અનુક્રમે ૩૩૮ અને ૩૩૨ ડાબેરી ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. પણ ત્યાર પછી (મુખ્યત્વે ધાકધમકીથી અને હિંસાના જોરે) બિનહરીફ ચૂંટનારા ડાબેરીઓની સંખ્યામાં ભારે વધઘટ થતી રહી. ૧૯૮૮માં સીપીઆઇ (એમ)ના ૪,૨૦૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ ગયા. ૧૯૯૩માં ૧,૭૧૬ અને ૧૯૯૮માં ૬૦૦ ઉમેદવારો આ રીતે ચૂંટાયા પછી ૨૦૦૩માં મતદાન વિના ચૂંટાઇ આવેલા ઉમેદવારોનો આંકડે ૬,૮૦૦ સુધી પહોંચ્યો છે. (ગુજરાતની પરિભાષામાં આવી પંચાયતોને ‘સમરસ’ કહી શકાય!)  એ બતાવે છે કે ડાબેરીઓને તંદુરસ્ત અને લોકશાહી પદ્ધતિ પ્રત્યે કેટલો (અ)ભાવ છે. તૃણમૂલ કોંગ્રેસ ડાબેરીઓનો વિરોધ કરતાં તક મળ્યે તેમની પદ્ધતિઓ અજમાવતો થઇ ગયો છે. નંદીગ્રામ, ખેજુરી અને સિંગુર જેવી જગ્યાઓએ સીપીઆઇ(એમ)નો મુકાબલો કરવા માટે તૃણમૂલ કોંગ્રેસે હિંસક માઓવાદીઓની મદદ લેવામાં છોછ રાખ્યો નથી.

માઓવાદી/નક્સલવાદી હિંસાઃ જૂનાં મૂળ, નવી વડવાઇઓ

૧૯૬૭માં બંગાળના નક્સલબારી (નક્સલવાડી?) ગામે શરૂ થયેલી ચળવળ નક્સલવાદના નામે ઓળખાઇ. બીજી લડતોની જેમ આ લડતનો આશય ગરીબો-વંચિતોના શોષણ સામે લડવાનો જ હતો, પણ તેના નેતાઓ ચારૂ મઝુમદાર અને કનુ સન્યાલ ચીની નેતા માઓ ઝેદોંગની હિંસાની વિચારસરણીથી પ્રભાવિત હતા. ૧૯૬૯માં નક્સલવાદની વિચારસરણીને સંગઠીત સ્વરૂપ આપવા માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ-લેનીનીસ્ટ)- ટૂંકમાં સીપાઆઇ (એમ-એલ)ની સ્થાપના થઇ. આ સંસ્થા દેશભરનાં નક્સલવાદી સંગઠનોની માતૃસંસ્થા બની રહી. નક્સલવાદ તરીકે ઓળખાયેલી અન્યાયનો મુકાબલો હિંસાથી કરવાની વિચારસરણી ત્યાર પછી ઓછાવત્તા અંશે બદલાતી, વિભાજન પામતી અને ફેલાતી રહી, પણ તેના હાડમાં હિંસાનું તત્ત્વ અકબંધ રહ્યું.

૧૯૭૭માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે બંગાળમાં સત્તા હાંસલ કરી, ત્યારે નક્સલવાદી ચળવળ અનેક ટુકડાઓમાં વહેંચાયેલી હતી. ૧૯૭૨માં પોલીસ કસ્ટડીમાં ચારૂ મઝુમદારના મૃત્યુ પછી નક્સલવાદી વિચારસરણી ધરાવતા સભ્યો પશ્ચિમ બંગાળમાં ઠેકઠેકાણે પોતપોતાની રીતે જાહેર જીવનમાં સક્રિય હતા. આ માઓવાદી સામ્યવાદીઓ ને સત્તામાં આવનારા માર્ક્સવાદી સામ્યવાદીઓ. પણ સત્તાધારી માર્ક્સવાદીઓ પોતાના સિવાય બીજા કોઇનું અસ્તિત્ત્વ સાંખી શકતા ન હતા. તેમણે નક્સલવાદી પ્રવૃત્તિને કચડી નાખી. માર્ક્સવાદી સામ્યવાદીઓ પોતે મૂડીવાદી અને શોષણખોર બની બેઠા. બંગાળમાં સમયનો કાંટો જાણે ઉંધો ફરવા લાગ્યો. એક સમયે લોકોના સાથીદાર (કોમરેડ) ગણાતા લોકો સત્તા હાથમાં આવ્યા પછી લોકશત્રુ બની બેઠા. તેમની શત્રુવટ ઉપસાવવામાં નક્સલવાદીઓએ પણ યથાશક્તિ ફાળો આપ્યો હોવાનું સીપીઆઇ(એમ-એલ)ના એક ભૂતપૂર્વ નેતા કે. વેણુએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (તા.૨-૭-૦૯)માં લખ્યું હતું.

એક તરફ બંદૂકના જોરે પોતાની ‘લોકશાહી’ સત્તા કાયમ માટે ટકાવી રાખવા ઇચ્છતા માર્ક્સવાદી સામ્યવાદીઓ અને બીજી તરફ તેમના અન્યાયનો મુકાબલો બંદૂકના જોરે કરવા ઇચ્છતા માઓવાદી સામ્યવાદીઓ. તેમની વચ્ચે બંગાળની પ્રજા પીસાઇ મરી. તૃણમૂલ કોંગ્રેસ જેવા રાજકીય પક્ષે દુશ્મનના દુશ્મન જેવા માઓવાદીઓ સાથે સલામત અંતરથી દોસ્તી રાખીને, પોતાના ફાયદા માટે તેમનો ઉપયોગ કર્યો. આ રીતે હિંસાનું વિષચક્ર ચાલતું રહ્યું. પહેલાં લોકસભાની અને પછી બંગાળની પંચાયતોની ચૂંટણીમાં ડાબેરીઓનાં વળતાં પાણી થતાં, હવે પલ્લું સામે તરફ ઝૂક્યું છે. પણ એટલું પૂરતું નથી.

બંદૂકનો મુકાબલો બંદૂકથી કરવા ઇચ્છતા માઓવાદીઓ સમાનતા અને ગરીબોના ઉદ્ધારના આદર્શ સેવનારા નથી. તેમને પોતાના આધિપત્યની ફિકર છે. આ સંજોગોમાં જરૂર છે બંદૂકના રાજને ખતમ કરવાની- એ ચાહે માર્ક્સવાદીઓનં હોય કે માઓવાદીઓનું. પ્રજાને કોઇ બંદૂકબાજનું શરણું લીધા વિના, પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા વિના, આ દેશના વિકાસના હકદાર તરીકેનું જીવન મળે એ ફક્ત આદર્શ નથી. આખી સ્થિતિના ઉકેલનો અગત્યનો મુદ્દો છે.

ચાર મહિના સુધી માઓવાદીઓના આધિપત્યમાં રહેલા અને કેન્દ્રિય અર્ધલશ્કરી દળોના આશરે ૧,૫૦૦ જવાનોની કાર્યવાહી પછી સરકારને પાછા મળેલા લાલગઢનો એ બોધપાઠ પણ છે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved