Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંધશ્રદ્ધાનો હોય વિષય, તો ‘પૂરાવા’ની શી જરૂર?

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

‘એક હાથે તાળી ન પડે’ એ કહેવત લડાઇઝઘડાથી ઠગાઇ સુધીના ઘણાખરા મામલામાં સાચી છે. દરેક કિસ્સામાં આપણને સ્પષ્ટ ચિત્ર ખપે છે. હિંદી ફિલ્મની ફોર્મ્યુલાની જેમ ખોંખારીને કહોઃ વિલન કોણ છે? હીરો કોણ છે? ને માર કોણ ખાય છે? મતલબ, તમામ લોકો ફક્ત ત્રણ વિભાગમાં વહેંચાયેલા છેઃ હીરો, વિલન અને માર ખાનારા (પીડિત )
આવું ખરેખર હોય?

અશોક જાડેજા હોય કે અબ્દુલ કરીમ તેલગી, કેતન પારેખ હોય કે એન્કાઉન્ટરબાજ પોલીસ અફસરો- આ સૌને એકઝાટકે ‘વિલન’ ઠરાવી દેવાનું સહેલું છે. એમને વિલન ઠરાવવામાં ખાસ અતિશયોક્તિ પણ નથી. પરંતુ ફક્ત તેમને ખલનાયક બનાવી દેવાથી કામ સરી જતું નથી. હા, એમ કરવાથી લોકોને ઝાઝો વિચાર કર્યા વિના, પોતાનો રોષ   કેન્દ્રિત કરવાનું એક ઠેકાણું મળે છે. એક નીક મળે છે, જેમાંથી લોકોનો રોષ ધડધડાટ વહીને ગટરમાં ઠલવાઇ જાય છે. નીક પણ સાફ ને લોકોનાં મન પણ સાફ!  દરેક છેતરપીંડી, કૌભાંડ કે ભ્રષ્ટાચારના કિસ્સા વખતે એ ભૂલાઇ જાય છે કે કૌભાંડીઓ શૂન્યાવકાશમાં છેતરપીંડી કરી શકતા નથી. આતંકવાદ માટે ‘ઘરના ઘાતકી’ શોધવા કરતાં સોમા ભાગની પણ આતુરતા કે તત્પરતા કૌભાંડોના મુદ્દે ‘ઘરના ઘાતકી’ શોધવામાં હોતી નથી. કારણ? કોને ખબર! રેલો કદાચ આપણા ઘર સુધી પણ આવી પહોંચે અને ‘લોભીયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે’ એવું મહેણું સાંભળવાનું થાય!

મગજમાં વિજ્ઞાન, માનસમાં અજ્ઞાન

છેતરવું અને છેતરાવું માણસની મૂળ પ્રકૃતિમાં સ્થાન પામે એવાં લક્ષણ છે. સંસારની ઘણીખરી છેતરપીંડીઓ ‘ઇન્ડિયન પીનલ કોડ’માં સ્થાન પામે એવી નથી હોતી. મોટા ભાગના લોકો બીજા કોઇને છેતરે કે ન છેતરે, પોતાની જાતને તો છેતરે જ છેઃ પોતાના કે બીજાના વિશે ખ્યાલો બાંધીને, પોતાની ધારી લીધેલી મહત્તા કે પામરતા વિશે, બિચારાપણા વિશે, બહાદુરી કે બાહોશી વિશે વિચારીને… આ પ્રક્રિયામાં છેતરનાર અને છેતરાનાર એક જ હોય છે. છતાં તે એવું માને છે કે પોતે દુનિયાને છેતરી રહ્યા છે!

પ્રમાણમાં દેખીતી કહેવાય એવી- આર્થિક કે ભૌતિક- છેતરપીંડીમાં પણ છેતરનાર કરતાં  છેતરાનારનું માનસ મોટો ભાગ ભજવે છે. છેતરવાની તરકીબો ઘણી હોય છે, પણ છેતરાવા પાછળ મુખ્યે બે લક્ષણ કારણભૂત છે ઃ લોભ અને અંધશ્રદ્ધા. ક્યારેક તેમાંથી કોઇ એક, તો અશોક જાડેજા જેવા કિસ્સામાં વત્તેઓછે અંશે બન્ને લક્ષણ કામ કરી જાય છે.  જાડેજાકાંડ જેવા બનાવોમાં સરકારી તંત્ર ભ્રષ્ટાચારથી માંડીને અંધશ્રદ્ધા અને લોકોની ધાર્મિક લાગણી દુભાવાની બીક જેવાં કારણોસર, પાણી માથા  સુધી પહોંચે ત્યાં લગી રાહ જુએ છે અને પાણી માથા પરથી વહેવા લાગે, એટલે સફાળા જાગવાનો અભિનય કરીને ફરજ બજાવ્યાનો સંતોષ લે છે.

બંધારણમાં સૂચવેલી ફરજોમાં અંધશ્રદ્ધાના વિરોધમાં અને વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની તરફેણમાં ગમે તે લખ્યું હોય, સરકારને તેનું પાલન પરવડતું નથી. અદાલતો સુદ્ધાં ‘શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર’ જોતી નથી અને બીજા અનેક પ્રસંગોની જેમ ધાર્મિક ઓઠા હેઠળ થતી છેતરપીંડી સામે ‘સુઓ મોટો’ (સામે ચાલીને) પગલાં લેતી નથી. એક રીતે, આવી સામાજિક બાબતોમાં અદાલતો સામેથી દખલ ન કરે તે ઇચ્છનીય છે, પણ સમાજમાંથી બીજા કોઇ એ કામગીરી ઉપાડી લે તે શરતે! હકીકતમાં એવું બનતું નથી.

છેતરપીંડી અંધશ્રદ્ધાપ્રેરિત હોય કે લોભપ્રેરિત, ભણેલા લોકોએ તેમાં ન ફસાવું જોઇએ, એવી ગેરમાન્યતા પ્રવર્તે છે. છેતરાયેલા વર્ગમાંથી ભણેલા લોકો માટે કાયમી ઠપકો હોય છે,‘તમારા જેવા ભણેલા માણસ આવી રીતે છેતરાયા!’ સચ્ચાઇ એ છે કે ભણતરને અંધશ્રદ્ધા સાથે કશી લેવાદેવા નથી. રજનીકુમાર પંડ્યાએ એક વાર લખ્યું હતું તેમ, વ્યક્તિનું ‘મગજ’ (બૌદ્ધિક પ્રતિભા) અને માનસ (વૈચારિક સજ્જતા) જુદાં જુદાં હોય છે. એ ઇચ્છનીય હોય કે ન હોય, પણ સહજ છે. એટલું જ નહીં, મોટે ભાગે, બન્ને વચ્ચે મેળ જોવા મળતો નથી. એટલે ભલભલા વૈજ્ઞાનિકો અંધશ્રદ્ધામાં માનતા હોય, કપાળે કે કમ્પ્યુટરે ટીલાંટપકાં કરતા હોય, તેમાં ભડકવા જેવું નથી. જેમ એન્જિનીયર સિતાર વગાડી શકે, ક્રિકેટર ડાન્સ કરી શકે, તેમ વૈજ્ઞાનિક અંધશ્રદ્ધામાં માની શકે. આટલી સાદી વાત છે.

વૈજ્ઞાનિક જેવા વૈજ્ઞાનિકના અંધશ્રદ્ધાળુ વર્તન અંગે આ માનવીય સમજૂતી લાગુ પાડી શકાતી હોય, તો સામાન્ય ‘ભણેલા’ માણસની અંધશ્રદ્ધાને વિશેષ આશ્ચર્ય કે આઘાતથી જોવાની જરૂર રહેતી નથી. અંધશ્રદ્ધા કોઇની પણ હોય- ભણેલાની કે અભણની, વૈજ્ઞાનિકની કે ચિત્રકારની- તે અંધશ્રદ્ધા જ રહે છે. વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ગમે તેટલી મહાન હોય, પણ ફક્ત એ જ કારણે તેની અંધશ્રદ્ધા યોગ્ય ઠરી શકતી નથી.  એટલું ખરૂં કે કહેવાતા ભણેલા કે કહેવાતા જ્ઞાની લોકોને છેતર્યા પછી છેતરનારનો આત્મવિશ્વાસ વધી શકે છે.

અંધશ્રદ્ધાના જોરે થતી છેતરપીંડી ચોવીસ કલાક ને ત્રણસો પાંસઠ દિવસ ચાલતી પ્રવૃત્તિ છે, પણ તેના કરવૈયાઓમાંથી બહુ ઓછા લોકો સામે ફરિયાદો થાય છે અને એથી પણ ઓછા લોકોને જેલમાં પુરાવું પડે છે. તેનું એક કારણ એ છે કે એક જણની ચાલાકીથી શરૂ થયેલી છેતરપીંડીની દુકાન સાથે સમય જતાં સ્થાનિક લોકો સહિત બીજા અનેક લોકોનાં આર્થિક અને બીજાં હિત સંકળાઇ જાય છે. એટલે જ, અંધશ્રદ્ધાના જોરે છેતરપીંડી કરીને મોટે ભાગે હેમખેમ છટકી જનારા લોકો માટે, જલન માતરીનો જાણીતો શેર, થોડા ફેરફાર સાથે કહેવો પડે,‘અંધશ્રદ્ધાનો હો વિષય, તો (જેલમાં) પૂરાવાની શી જરૂર?’

એકના ડબલઃ વોલસ્ટ્રીટથી છારાનગર

અશોક જાડેજા એન્ડ કંપનીએ કરેલી ઠગાઇમાં ‘માતાજીના પ્રસાદ’નું તત્ત્વ આવતું હોવા છતાં, એ મુખ્ય નથી. આ છેતરપીંડીને ને માત્રને માત્ર અંધશ્રદ્ધા સાથે કે ચોક્કસ સામાજિક સમુદાયનાં લક્ષણો સાથે સાંકળવા યોગ્ય નથી. કેમ કે, છેતરવાનો આ બીજો જૂનો અને જાણીતો પ્રકાર છેઃ લોભપ્રેરિત ઠગાઇ.

માનવજાતમાં અંધશ્રદ્ધાનું લક્ષણ પહેલાં ઉદ્ભવ્યું હશે કે લોભનું એ કોઇ સામાજિક નૃવંશશાસ્ત્રી કહી શકે, પણ બન્ને ખાસિયતો માણસજાતમાં આદિકાળથી જોવા મળે છે. કોઇ ગુફાચિત્રો કે કોતરેલા લેખોમાં ‘એકના બે’નો ઉલ્લેખ એ જમાનાની અભિવ્યકિત મુજબ કરાયેલો જોવા મળી જાય, તો નવાઇ નહીં. પ્રાચીન કાળમાં લોભ સાથે અજ્ઞાનનું ઘાતક મિશ્રણ થયું હતું. સૃષ્ટિની રચના અને કુદરતી પરિબળો વિશે માણસનું અજ્ઞાન અગાધ હતું. તેથી તેને ભૌતિક રીતે સંભવ ન હોય એવી લાલચોમાં લપેટવાનું સહેલું પડતું હશે.

અત્યારનો સામાન્ય માણસ તો તેના પૂર્વજોના પ્રમાણમાં અસાધારણ સામાન્ય જ્ઞાન ધરાવે છે. અશોક જાડેજા જે સમુદાયમાંથી આવે છે, તેના લોકોના માથે ચડાવાયેલું ગુનાખોર જાતિ તરીકેનું કલંક હજુ પૂરેપૂરૂં ભૂંસાયું નથી. તેમનો સામાજિક દરજ્જો એ કારણથી નીચો ગણવામાં આવે છે. છતાં, એ સમુદાય અબુધ નથી. રૂપિયા કે સોનાના દાગીના ડબલ ન થાય-  માતાજીની કૃપાથી પણ નહીં- એટલી સમજણ કોઇ પણ સમુદાયના બહુમતિ લોકોમાં હવે છે. પણ સવાલ સમજણનો નહીં, તેને અભરાઇ પર મૂકાવી દેતા લોભનો છે. કરોડોની છેતરપીંડીના આ કિસ્સામાં નવાઇ અને ખેદ ઉપજાવનારાં તત્ત્વો જાડેજાની આવડતને લગતાં નહીં, પણ પ્રજાકીય અને સરકારી માનસિકતાને લગતાં છે.

એકના ડબલ કરવા આપનાર મોટા ભાગના લોકોને અંદાજ હોય છે કે આ પ્રકારની યોજનાઓ પત્તાંના મહેલ જેવી હોય છે અને ગમે ત્યારે કડડભૂસ થશે. છતાં તેમનામાં ફૂંફાડા મારતો લોભ કહે છે,‘શરૂઆતમાં તો એ રૂપિયા ડબલ કરીને આપશે જ! ત્યાં સુધી લેવાય એટલો લાભ તો લઇ લે! એનું ઉઠમણું થાય એ પહેલાં જેટલા રૂપિયા ડબલ થયા એટલા ખરા.

એવું માનવું ગમે કે ગરીબ લોકોને રૂપિયાની સૌથી વધારે ભીડ હોવાથી, આ પ્રકારનાં કૌભાંડોમાં સૌથી વધારે રૂપિયા એમના સલવાય છે. આ વાત અંશતઃ સાચી છે. કારણ કે રૂપિયા વધે તેમ રૂપિયાની તલપ વધે છે. ૧૦૦ રૂપિયા આપનારને ૨૦૦ રૂ. જ મળે છે, પણ ૧૦ કરોડ રૂ. આપનારને ૨૦ કરોડ મળવાની સંભાવના રહે છે.

પોલીસતંત્ર અને સ્થાનિક નેતાઓ આટલી મોટી અને મહિનાઓથી ચાલતી છેતરપીંડી વિશે જાણતા હોય તો તે હાથ પર હાથ જોડીને કેમ બેસી રહ્યા? અને ન જાણતા હોય તો તે જાણવાનું એમનું કામ નથી?

રૂપિયાને સર્વસ્વ ગણવાની બાબતે વોલસ્ટ્રીટથી છારાનગર સુધી એકમતિ પ્રવર્તે છે. કોઇને સટ્ટાબજારમાં એકના અનેક કરવા છે, તો કોઇને ‘માતાજી’ પાસે! એટલું નક્કી છે કે સારાનઠારાનો, યોગ્ય-અયોગ્યનો, નૈતિકતા-અનૈતિકતાનો વિચાર કર્યા વિના, બને એટલા ઝડપી અને ઓછામાં ઓછી મહેનતે રૂપિયાનો ઢગલો કરી દેવો છે. કારણ કે અઢળક રૂપિયા આવી ગયા પછી તે કેવી રીતે આવ્યા, એની કોઇને પરવા નથી. ઘુતારા આ લોકોને ઘુતવા જેટલા તત્પર હોઇ શકે, એટલા જ, બલ્કે એનાથી પણ વધારે આ લોકો ઘુતારા પાસેથી એકના ડબલ કરાવવા તત્પર હોય છે. તેમાં બે ટંકના ભોજન માટે કે દીકરીના લગ્ન માટે એકના ડબલ કરવા આપનારા ઓછા અને જમીનો-મકાનોના સોદા પાડવા માટે રૂપિયા રોકનારા વધારે હોય છે.

‘અણહકના રૂપિયા આવે એ રસ્તે જાય’ એવાં લૂલાં આશ્વાસનો દ્વારા છેતરપીંડીનાં કરતૂતો પર લીંપણ થાય, એટલે સૌ હાથ ખંખેરીને ઉભા થઇ જાય છે. પરંતુ કર્મના સિદ્ધાંત જેવો કોઇ કાયદો જોવા મળતો નથી. અણહકના રૂપિયે આખી જિંદગી જલસા કરનારા, ખુલ્લી આંખો-ખુલ્લું દિમાગ રાખીને શોધતાં અનેક મળી આવશે. કર્મના સિદ્ધાંતનું પાલન કરવું જ હોય, તો ફળની અપેક્ષા રાખ્યા વિના- એટલે કે છેતરપીંડી કાયમ માટે બંધ થઇ જાય એવી અપેક્ષા રાખ્યા વિના- ઘૂતારાઓ જેટલા જ  તેમને ઘૂતવાની સુવિધા કરી આપનારાને તથો લોભથી દોરાઇને ઘૂતારાને પ્રોત્સાહન આપનારા લોકોને ઉઘાડા પાડવા- એ રસ્તો રહે છે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved